સોરઠ, તારાં વહેતાં પાણી/૧૦. ગંગોત્રીને કાંઠે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૦. ગંગોત્રીને કાંઠે

બા મુંબઈ ચાલી ગઈ હતી. બાની બીજી વાતો પિનાકીને ગમતી; પણ રોટલી અને રોટલા ઉપર હર વખત લોંદો-લોંદો ઘી ‘ખા ને ખા જ!’ એવી જિકર એને કડવી ઝેર લાગતી. શિયાળાની રજામાં મૂસળીપાક ને સાલમપાકના મસાલેદાર લાડુ ભાણાને જોરાવરીથી ખાવા પડતા. ખારેકનો આથો એને દુર્ગંધ દેતો, અને વારંવાર એને બોલાવવા આવતી થાણદારની પુત્રી પુષ્પા પણ આ આગ્રહભેર અપાતા પાકના લાડુ જેવી જ અણગમતી થઈ ગઈ હતી. છીંટની ઝાલરવાળો ચણિયો પુષ્પાને કેવો ખરાબ લાગે છે! એની રાજકોટની નિશાળમાંથી શીખેલી ચટક-ચટક ચાલ શું સારી કહેવાય! ને એના કાનનાં એરિંગો તો ચિરાઈ ઉતરડાઈ ગયેલી ચામડી જેવાં લબડે છે! રૂખડ શેઠની ઘોડીને બે દિવસ રોકાવી રાખી પોતે સવાર-સાંજ ગંગોત્રીના ઘૂનામાં પાણી પાવા જતો. ગંગોત્રીનો કૂવો આખા ગામને માટે પીવાનું હળવું પાણી પૂરું પાડતો. નદીઓ ત્યાં ત્રણ-ત્રણ, છતાં પીવાને માટે અણખપની હતી; કેમકે એ તો હતી ગીરની વનસ્પતિઓનાં મૂળિયાંના અનેક રોગો ચૂસીને ચાલી આવતી નદીઓ. ગંગોત્રીનો કૂવો નમતા બપોરથી ગાજવા લાગતો. એની ગરેડીઓ પર તસુ-તસુ ઊંડા કાપા પડી રહેતા. પાણિયારીઓની કતાર ગંગોત્રીના આંબાવાડિયાને ગામ તેમ જ થાણાની જોડે તાંબા-પિત્તળની હેલ્યોની સાંકળીએ બાંધી લેતી. બધાં જ ત્યાં આવતાં, તો પછી પુષ્પાને એકાદ ગાગર માથે માંડી ત્યાં આવતાં શું થઈ જતું હતું! અમલદારની દીકરીને માટે શું એ મજાની મનાઈ હતી? ગંગોત્રીના કુંડ ઉપર તે દિવસ બપોરે ધોણ્ય ધોનારાઓનો ડાયરો મચ્યો હતો. પોલીસના ધિંગા પોશાકની ધોણ્ય, ગામડાંના કોળી શકદારો જેવી, ધોકાના માર વગર માનતી નહોતી. ધોતાંધોતાં વાતો ચાલતી હતી: “દાદુ સિપાઈની બાયડી તો ગજબ જોરાવર, ભાઈ!” “કાં?” “ગંગોત્રીને ઘૂને એણે તો મગરને મીણ કહેવરાવ્યું.” “શી રીતે?” “બકરી લઈને ધોવા આવી’તી. પોતાનું ધ્યાન ધોવામાં, ને આંહીં બકરીએ બેંકારા દીધા. જોવે તો બકરીના પાછલા પગ ઘૂનાની મોટી મગરના ડાચામાં, ને મગર ખેંચવા જાય છે પાણીમાં. ત્યાં તો દાદુની વહુ પોગી ગઈ. ‘અરે, તારાં વાલાં મરે રે મરે, નભાઈ!’ એમ કરતી ઈ તો બકરીના આગલા પગ લઈને મંડી ખેંચવા. ત્યાં તો મગરની હારે રસાકસીનું જુદ્ધ મંડાઈ ગયું. આખરે મગરે થાકીને બકરી મેલી લીધી. એવી લોંઠકી દાદુની વહુ!” “એવો જ એક પાઠ આવે છે અમારે પાંચમી ચોપડીમાં.” ગંગોત્રીને કાંઠે કપડાં ચોળતા બેઠેલા ગામના સ્કૂલ-માસ્તર બોલ્યા. “પણ, માસ્તર,” થાણદારનો પટાવાળો તુળજારામ બોલ્યો: “છોકરાંનાં લૂગડાં તો ઠીક, પણ તમે માસ્તરાણીનાં લૂગડાંય શીદ ધોવા લાવો છો?” “ન ધોવે તો જાય ક્યાં? માસ્તરાણીની એક હાક પડે તે ભેળું તો...” જમાદારનો ‘ઓર્ડરલી’ કહેતો કહેતો અટક્યો. “હવે ઠીક...” માસ્તર ઝંખવાણા પડ્યા. “વાઘજી ફોજદારનો મામલો સાંભળ્યો?” “ના ભઈ; શો મામલો?” “વઢવાણ જંક્શને લોમાપરના ઠાકોર જાલમસંગ જોડે ધિંગાણું રમ્યો વાઘડો.” “જાલમસંગજી? વાઘ ફોજદારના દિલોજાન દોસ્ત?” “દોસ્ત તો હતા તે દી, બાકી તો એ દોસ્તીએ જ બધો દાટ વાળ્યો ને!” “કાં?” “વાઘ ફોજદાર જાણે કે વેશ કાઢવાનો અતિ શોખીન. આજ પઠાણ બને, તો કાલ વળી બાવો બને; પરમદા’ડે પુરબિયો બને. બને તો બને પણ ભેળાં છોકરાંઓને પણ વેશ કઢાવે. પ્રાંત સા’બ, સુપરીટન સા’બ — જે કોઈ સા’બની સવારી હોય તે તે વખતે વગડામાં વેશ કાઢીને સાહેબોની જોડે મુલાકાતો કરે. સાહેબો થાય રાજી, ને ઘેરે દરબારો પણ આવતા-જતા થાય. જાલમસંગજીનો કાંઈક વધુ પગરવ, ને એમાં પૂરજુવાન દીકરી હોય ઘરમાં: લાજમલાજો રાખ્યો નહિ. પછી જાલમસંગ કાંઈ ઘા ભૂલે?” “કેમ ભૂલે! ગરાશિયા ભાઈ...” “હવે, ભાઈ, ગરાશિયાનું નામ દિયો મા ને!” એક રજપૂત સિપાઈએ આંખ ફાડીને વાંધો લીધો. “ઠીક, મેલો નામ પડતું, મેલો ગરાશિયાના નામમાં ટાંડી!” “હા, પછી?” “પછી તો જાલમસંગ વાઘ ફોજદારની દીકરીને લઈને ભાગ્યો. વાઘડો કહે કે ફરિયાદ નહિ કરું: ભુજાઓથી ભરી પીશ. એમાં પરમ દા’ડે જાલમસંગ રાજકોટ જાય; વાઘ વઢવાણ આવે. સ્ટેશન ઉપર જ જામી. વાઘ વગર હથિયારે દોડ્યો. જાલમસંગ પાયખાનામાં સંતાણો.” “પાયખાનામાં!” ધોનારા રજપૂતે વિસ્મય ઉચ્ચાર્યું. “હા, હા, દરબાર!” વાત કહેનારે પેલા રજપૂત સિપાઈને શબ્દોના ડામ આપ્યા. “હવે, સંડાસને તો બેય બાજુ બારણાં. એક બાજુથી જાલમસંગ નીકળી જાય તો? સ્ટેશનની ગાડીઓ થંભી ગઈ. માણસોની હૂકળ મચી. પણ વાઘ તો વાઘ હતો; વીફરેલો વાઘ! કોણ રોકે? ચડ્યો જાજરૂ માથે. માથેથી અંદર જાલમસંગને માથે ત્રાટક્યો. શત્રુના હાથમાં ખુલ્લો છરો: આંચકવા જાતાં વાઘનાં ત્રણ આંગળાં ભીંડાનાં ફોડવાં માફક સમારાઈ ગયાં. ને વાઘ ફોજદાર આંગળાં સંભાળે, ત્યાં જાલમસંગ રફુ થઈ ગયો.” “ક્યાં ગયો?” “હરિ જાણે.” “પત્તો જ નહિ?” “ના.” આગગાડીથી વીસ ગાઉને અંતરે પડેલા કાળા પાણીના ટિંબા ઉપર આઘેઆઘેના બનાવો આટલા વેગથી પહોંચી જતા. ગંગોત્રીના કુંડને કાંઠે પિનાકી પણ નહાવા જતો. આ વાતો એને વાતાવરણ પાતી. રાતે એ સિપાઈઓની ‘ગાટ’ પર જઈ બેસતો. નાનકડો ખાટલો રોકીને એ ત્યાં વાતો સાંભળતો સાંભળતો ઊંઘી જતો. વળતા દિવસે સાંજે એક નાનો-શો બનાવ બન્યો. ગામડેથી ભેંસના દૂધનાં બે બોઘરાં ભરીને પસાયતા ઘેરે આવ્યા. જમાદારે કહ્યું: “લઈ જાવ ઘરમાં.” ગરીબડા લાગતા પસાયતા બહાર આવ્યા ત્યારે જમાદારે પૂછ્યું: “એલા, તમામ ઘેરેથી દૂધ ઉઘરાવ્યું છે કે?” “હા, સા’બ, બધેથી. એક ઘેર ધાવણા છોકરાને પાવા જેટલુંય નથી રહેવા દીધું.” “ઠીક, જાવ.” પસાયતાઓના છેલ્લા શબ્દો પિનાકીને કાને પડ્યા, ને એ બહાર ઓટલા પર જઈ ઊભો. આભનાં ચાંદરણાં, કોઈ મધપૂડા ઉપર ચોંટી ગયેલ પતંગિયાં જેવાં, પાંખો ફટફટાવતાં હતાં.