સોરઠ, તારાં વહેતાં પાણી/૩૬. ચુડેલ થઈશ!
વીસમા દિવસે અદાલતે ફેંસલો સંભળાવ્યો. એમાંનો એક ભાગ આ હતો: “મરી જતા પુરાતન કાઠિયાવાડનું આ બાઈ એક રોમાંચક પાત્ર છે. અસલ કુંછડી નામના બરડા પ્રદેશની આ મેર-કન્યા હતી. એનું નામ ઢેલી હતું. માવતરે નિર્માલ્ય ધણી જોડે પરણાવવા ધારેલી, તેથી એ નાસી છૂટી. ભાગેડુ બની. છુપાવા માટે સિપારણનો વેશ લીધો. જંગલી દફેર કોમના દંગામાં સપડાયેલી, તેમાંથી એને દેવકીગઢના ભારાડી વાણિયા રૂખડ શેઠે બચાવી. શેત્રુંજી નદીનાં કોતરોમાંથી બે દફેરોની લાશો નીકળી હતી, તેના ખૂનીનો પતો નહોતો લાગ્યો, પણ બાઈ ઢેલી પોતે જ એકરાર કરે છે કે એ બન્નેને ઠાર કરનાર વાણિયો રૂખડ જ હતો. રૂખડે આ ઓરતને છોડાવવા માટે કાયદેસર પગલાં ન લેતાં બે દફેરોનાં ખૂન કર્યાં તે અંગ્રેજી ‘સેન્સ ઓફ જસ્ટીસ એન્ડ સેંક્ટીટી ઓફ હ્યુમન લાઈફ’ અર્થાત્ ન્યાયબુદ્ધિ તેમ જ માનવ જિંદગીની પવિત્રતાના અંગ્રેજ આદર્શને ન શોભે તેવું કૃત્ય કહેવાય. એ ખૂનોની તલસ્પર્શી તપાસ ન કરી શકનાર આપણું પોલીસ ખાતું ઠપકાને પાત્ર ગણાય. “પછી રૂખડ તો ઢેલીને બેન તરીકે પાળવા તૈયાર હતો, છતાં ઢેલી એના ઉપર મોહિત થઈ એના ઘરમાં બેઠી. અહીં પડેલા સાક્ષી પુરાવા પરથી એમ જણાય છે કે આ ભાગેડુ બાઈએ રૂખડની ઓરત તરીકે પૂરતાં લાજ-મલાજો પાળ્યાં હતાં ને પોતાનાં હિન્દુ સગાંથી બચવા માટે મુસલમાની નામઠામ ધારણ કર્યાં હતાં. “પછી મજકૂર રૂખડને એક બીજા ખૂન બદલ ફાંસી થઈ. મજકૂર ઓરત ઢેલી ચાહે તેવી પતિપરાયણ ઓરત છતાં, ને વૈધવ્ય પાળવા તૈયાર હોવા છતાં, કાયદો એને — એક મેરાણીને — કોઈ વાણિયાની ઓરત ઠરાવી શકે નહિ. પણ મજકૂર ઓરત ઢેલીએ તો કાયદો પોતાના હાથમાં લીધો, ઘરખેતરનો કબજો-ભોગવટો ન છોડ્યો અને ગેરમુનસફીથી પોતાનું એક ખેતર ગૌચર ખાતે વેડફી દીધું. ગાયો પ્રત્યેના આવા ‘અનઈકોનોમિક સેન્ટીમેન્ટ’થી — નુકસાનકારક દયાવેશથી — હિંદને ઘણું નુકસાન થયું છે. ને સરકારી ફરજ આવા બેકાયદે આચરણને એ જમીનના સાચા હકદારો એટલે રૂખડના પિતરાઈ વાણિયાઓની હિતરક્ષાર્થે અટકાવવાની જરૂર હતી. તેથી સરકારી થાણદાર સ્થાનિક જગ્યા પર પોલીસ ટુકડી લઈને હાજર થતાં, બાઈ મજકૂરની ઉશ્કેરણીથી મજકૂર ગામના એક લખમણ નામના રઝળુ કાઠી જુવાને થાણદારનું ખૂન કર્યું. “મજકૂર લખમણે મજકૂર ઓરતની ઉશ્કેરણીથી હરામખોરોની ટોળી બાંધી, અને કાયદો હાથમાં લઈ કેટલાક આબરૂદાર જમીનદારોના સાંસારિક વ્યવહારમાં માથું માર્યું. મજકૂર જમીનદારોના કુટુંબની કોઈ રાંડીરાંડ બાઈઓને બારોબાર ઈન્સાફ અપાવવાના તોરમાં હરામખોરોની ટોળીએ ત્રણ જમીનદારોને ઠાર માર્યા. પણ છેવટે તો મહાન અંગ્રેજ સત્તાના લાંબા હાથ તેમને પણ પહોંચી વળ્યા, ટોળીનો ફેજ થયો અને ઓરત ઢેલીને બે અંગ્રેજ ઓફિસરોએ બહાદુરીથી હાથ કરી. “મજકૂર ઓરત ઢેલી આ ટોળી પાછળનું મુખ્ય બળ હતી તે તો અહીં પડેલી જુબાનીઓ પરથી સ્પષ્ટ થાય છે. પરંતુ એકેય સાહેદ એમ નથી કહી શક્યું કે એક પણ ખૂન બાઈ મજકૂરે સ્વહસ્તે કર્યું છે. “આથી કરીને ઓરત મજકૂરને અમે સાત વર્ષની જ સખત કેદ આપીએ છીએ.” ફેંસલાનો એ શેષ ભાગ પૂરો વંચાઈ રહ્યો. “તારે કાંઈ કહેવું છે?” ન્યાયમૂર્તિના સૂચનથી શિરસ્તેદારે બાઈને પ્રશ્ન કર્યો. “હા.” “બોલ.” “મારે કહેવાનું આટલું જ છે, કે જે ખેતરની ધરતીમાં ભેખડગઢનો થાણદાર મૂઓ, ઈ ખેતર સરકાર ગૌચરમાં કઢાવે અને તેની વચ્ચોવચ્ચ એક દેરી ચણાવે. ઈ દેરીમાં બે ખાંભિયું મેલાવે: એક ખાંભી ઈ થાણદારની ને બીજી ખાંભી મારા ભાઈ લખમણ પટગીરની.” “એનો ભાઈ લખમણ! હા-હા-હા!” દાઢીવાળા પબ્લિક પ્રોસિક્યૂટર એવી સિફતથી બોલી ગયા કે એ સ્વરો કદડાની ધાર જેમ ગળણીમાં રેડાઈ જાય તેમ દાઢીમાં ઊતરી ગયા. પણ ઓરતની આંખોમાંથી તો કોઈએ જાણે ચીપિયા વતી કીકીઓ ખેંચી કાઢી. એણે પ્રોસિક્યૂટરથી નજીક હોવાથી આ બોલ સ્પષ્ટ પકડ્યા હતા. એણે સંભળાવ્યું: “સાંભળી લ્યો, મિયાં! સાત વરસને વીતતાં વાર કેટલી!” શિરસ્તેદારે સિસકારા કર્યા. ઓરતને પહેરેગીરોએ ચૂપ રહેવા ફરમાવ્યું. ન્યાયમૂર્તિ પણ તપી ગયા. એમણે કહ્યું: “ઓરત, તારી માગણીઓ સાથે આ કોર્ટને કશી નિસ્બત નથી.” “તો પછી પૂછો છો શિયા માટે કે બાઈ, તારે કાંઈ કે’વું છે?” “અદાલતનો એ વ્યવહાર છે.” “સારું, બાપા! વે’વાર માતર કરી લીધા હોય તો હવે મને મારું સાત વરસનું મુકામ બતાવી દિયો. પણ ઊભા રો’. હું કહેતી જાઉં છું. આંહીં બેઠેલાં તમામને, સરકારને, સરકારના હાકેમોને, અને ત્રિભુવનના નાથને પણ કહેતી જાઉં છું, કે સાત વરસે જો જીવતી નીકળીશ તોય દેવકીગામનું ઈવડું ઈ ખેતર ગાયુંને મોઢે મુકાવીશ, અને જો મરીશ તો ચુડેલ થઈને ત્યાં બેસીશ. બે કરતાં ત્રીજા કોઈ હાલની આશા રાખતા હો તો મેલી દેજો.” એમ કહીને એ પોલીસ-ચોકી વચ્ચે ચાલી નીકળી.
“બોલ્યાંચાલ્યાં માફ કરજો, માતાજી!” “આવજો, ભાઈયું-બોન્યું! મારાય અવગણ માફ કરજો! ઘણાંને સંતાપવા પડ્યાં છે.” “બોલો મા, બોલો મા એવું, આઈ! કાંઈ હુકમ?” “હુકમ તો શું? સૌને વીનવું છું કે ત્યાં ડુંગરામાં મારા ભાઈ લખમણની અને બીજા નવેયની ખાંભિયું બેસાડજો, અને એની તથ્યે ગાયુંને કપાસિયા નીરજો.” બાઈને અંદર લેવા માટે જ્યારે જેલના દરવાજા ઊઘડ્યા ત્યારે એને વળાવવા આવેલાં ગામડિયાં જોડે ત્યાં આટલી વાતો થઈ. બાઈ અદૃશ્ય બની. લોકો બધાં ઊભાં થઈ રહ્યાં. માંહોમાંહ તેમણે વાતો કરી લીધી: “છે ને કાંઈ ભેંકાર ઊંચો કોટ: કાળો અજગર જાણે મોંમાં પૂંછ્ડું નાંખીને ગોળ કૂંડાળે બેઠો છે!” “બરાબર આપણી હીપાપાટની મગર જોઈ લ્યો!” બીજી ડોશી બોખા દાંત માથે હાથ ઢાંકીને બોલી: “આ દરવાજા ઊઘડ્યા: જાણે ઈવડી ઈ આપણી માણસમાર મગરના ડાચાં જોઈ લ્યો.” “થઈ ગઈ ઈ તો ગારદ.” “જીવતી નીકળે ત્યારે સાચી.” “નીકળ્યા વિના રે’ નહિ. જાસો દઈને ગઈ છે. જોગમાયા છે.” “બાપડો ઓલ્યો મિયાં, હવે સાત વરસ લગી સખની નીંદર કરી રિયો!” જેલના કિલ્લાની રાંગેરાંગે ગામડિયાં ચાલતાં ગયાં અને જૂનાગઢ વગેરે જુનવાણી નગરોની પુરાતન જેલો જોડે રાજકોટની નવી જેલને સરખાવતાં ચાલ્યાં. પાછલી દીવાલનાં કોઈકોઈ બાંકોરાંમાં ભૈરવ પક્ષીઓ પોતાનું માનવી જેવું મોં ડોલાવતાં જાણે કશીક ખાનગી વાત કરવા બોલાવતાં હતાં. પાછળના ભાગમાં એક પથ્થર ઉપર સિંદૂરનું લેપન કરેલ હતું. આજુબાજુ કોઈ કારમા કાળમાં નિર્જળાં રહીને ઠૂંઠાં બની ગયેલાં ઝાડ ઊભાં હતાં. થોડાં વર્ષો પર ત્યાં એક પરદેશી (ઉત્તર હિંદુસ્તાની) રજપૂત સિપાઈએ આપઘાત કર્યો હતો. ત્યારથી ત્યાંથી પાછલી ગુપ્ત બારીનો પહેરો નીકળી ગયો હતો. “મૂવેલો સિપાઈ ભૂત થિયો છે.” ટોળામાંનાં એકે કહ્યું: “ને આંહીંથી એક-બે કેદીને ભગાડી ગિયો છે.” “કુંવારો ને કુંવારો જ મૂવો હશે.” “હા, ને એનું મન સરકારના એક ગોરા હાકમની જ દીકરી માથે મોહેલું.”