સોરઠ, તારાં વહેતાં પાણી/૩૭. લોઢું ઘડાય છે
અદાલત ચાલી ત્યાં સુધી પિનાકી મસ્ત હતો. પળેપળ એને આસવની પ્યાલી સમી હતી. મામીના શબ્દો અમલદારોને અને વકીલોને હંફાવનારા હતા. પિનાકીની તો રગરગમાં એ નવરુધિર સીંચનારા હતા: ને જે દિવસે મામીએ ભરઅદાલતમાં બાપુજીની અદબ કરી હતી તે દિવસથી ભાણેજ મામીને પોતાનું વહાલામાં વહાલું સ્વજન ગણતો થયો હતો. એણે સ્વપ્નો સેવ્યાં હતાં આવાં: આવી બહાદુર સોરઠિયાણીને કદરબાજ ન્યાયાધિકારી છોડી મૂકશે. ને છોડી મૂકશે તો તો હું એને આપણા ઘેરે લઈ જઈશ, ઘેરે જ રાખીશ. મોટીબાનો એને સહવાસ મળશે. અથાણાં અને પાપડ-સેવ કરવામાં મોટીબાને જે સાથ જોઈએ છે તે આ મામી જ પૂરો પાડશે. પણ ચૌદથી વીસ વર્ષ સુધીની અવસ્થા અબુધ છે. પિનાકીને સાન નહોતી કે દરેક અંગ્રેજના દેહમાં એક કરતાં વધુ માનવીઓ વસે છે: એક હોય છે કળા-સાહિત્યનો અને અદ્ભુતતાનો આશક માનવી; બીજો હોય છે કાયદાપાલક વ્યાપારી અથવા અમલદાર માનવી. મામીના ન્યાયાધિકારીની અંદર પણ બે જણા ગોઠવાઈ સમાયા હતા: અમલદાર માનવી મામીને તહોમતદાર હરામખોર ગણી સાત વર્ષની ટીપ ફરમાવે છે, ને એ-નો એ સાહિત્યપ્રેમી માનવી મામીનાં શૂરાતનોની રોમાંચક વાર્તાઓ પણ ઘેર જઈ રાતે લખે છે. જેલ જતી મામી ભાણાભાઈને ન મળતી ગઈ. પિનાકીને એની બાઈસિકલ પાછી ઘેર લઈ આવી. બીજે દિવસે એ સ્કૂલે ગયો ત્યારે એને અભ્યાસ પર કંટાળો છૂટ્યો. અંગમાં આળસ ને મોંમાં બગાસાં આવ્યાં. પણ ત્યાં તો એને એક રોનક સાંપડ્યું. કુલ ત્રીસ છોકરાના વર્ગમાંથી પાંચ ડાહ્યાડમરા છોકરા અદાલતના ઉધામે ચડ્યા નહોતા, તેથી તેમને હેડ માસ્તરે વચન આપ્યું હતું કે આ વર્ષના મેળાવડામાં પ્રામાણિકતા, વિનય, ચારિત્ર્ય, ચોખ્ખાઈ અને ધાર્મિકતાનાં પાંચેય ઈનામો હું તમને પાંચને જ મીંઢોળગઢના નામદાર મહારાણાશ્રીને હાથે અપાવવાનો છું. એવી આશા મળ્યા પછી તો એ પાંચેય છોકરાંઓ યોગી જેવા બન્યા હતા. આંખો લગભગ અરધી મીંચેલી જ રાખતા. ચાલતા એટલી સંભાળથી કે મેજ, ખુરસી અને બાંકડાના મન ઉપર પણ તેમની સારી ચાલચલગતની છાપ પડે. પટાવાળાને પણ તેઓ ‘ભાઈશ્રી દેવજી’ કહીને તેડવા જતા. કહેતા કે “ભાઈશ્રી દેવજીભાઈ, વર્ગમાં એક મરેલી ખિસકોલી પડી છે તેને ઉપાડવા આવશો?” ઈનામ મેળવવાની આવી તૈયારી કરી રહેલા હરિકૃષ્ણને પિનાકીએ ખભો ઝાલી ઢંઢોળ્યો: “એલા એય મુડદાલ!” “કહે.” હરિકૃષ્ણે વિનય ન છોડ્યો. ઈનામનો મેળાવડો એની નજરમાં જ રમતો હતો. “ઢોંગ કરતો હવે આંખો તો ઉઘાડ! ધ્રુવજીના અવતારી!” “હું હેડ માસ્તરને કહી આવીશ.” “જો કહેવા ગયો છે, તો બે અડબોત ખાધી જાણજે! નાલાયક, મામીનો મુકદ્દમો જોવા પણ ન આવ્યો? આવ્યો હોત તો મુડદાલ મટીને કંઈક મરદ તો બનત!” “વારુ!” હરિકૃષ્ણે પાછાં પોતાનાં વિનીત લોચન અધબીડ્યાં કરી લીધાં. “હવે ડાહ્યો થા, ને મને ચાલી ગયેલા પાઠ જરા બતાવી દે.” “હેડ માસ્તર સાહેબે બતાવવાની ના પાડી છે.” હરિકૃષ્ણ વગેરે પાંચેય ઈનામ-સાધના કરવાવાળાઓએ ના કહી. બાકીના જેઓ પિનાકીની જોડે રઝળુ બન્યા હતા તેમણે પણ બૂમાબૂમ કરી મૂકી: “પિનાકી, સાહેબને કહીએ: પાઠ ફરીથી જ ચલાવે.” “ચલાવવા જ પડશે. નહિ ચલાવે તો ક્યાં જશે?” “ને નહિ ચલાવે તો?” “તો આખો કલાસ મળીને કહેશું.” “પણ એ તો આ પાંચ વિનયનાં પૂતળાં જો આપણી જોડે કહેવા લાગે તો જ બને ને!” “એ બરાબર છે.” કહેતો પિનાકી પાંચેય જણાની પાસે ગયો, એકની બગલમાં ચાંપીને એક હળવો ઠોંસો લગાવ્યો, ને ડોળા ફાડી કહ્યું: “કાં, અમારી જોડે સામેલ થવું છે કે નહિ?” વિનયમૂર્તિ વિદ્યાર્થીએ પિનાકી સામે દૃષ્ટિ કરી. હસતાં હસતાં પિનાકીએ બીજો ઠોંસો લગાવ્યો; કહ્યું: “બોલોજી!” એ વિનયવંતાએ પોતાના ચાર સાથીઓ તરફ નજર કરી, એટલે પિનાકીએ પોતાના સહરઝળુ છોકરાઓને ઈશારો કરી કહ્યું કે “આ મુરબ્બી બંધુને હું વીનવું છું, તેવી રીતે તમે સર્વે પણ અન્ય ચારેયને વિનતિ કરશોજી!” પરિણામે પાંચેય વિનયવંતોની બંને બાજુમાં તોફાની છોકરા ચડી બેઠા, ને તેમનાં પડખાં દબાવી બારીક ચૂંટીઓ લેવા લાગ્યા. કોઈ કલાપ્રેમી સ્ત્રી પોતાના કાપડ પર જે છટાથી ભરતગૂંથણની સોયનો ટેભો લ્યે, તેવી જ સિફતવાળી એ ચૂંટીઓ પાંચેય વિનયવંતોની કમ્મર પર લોહીના ટશિયાનું ભરતકામ કરવા લાગી. પાંચેય વિનયવંતોની ટોપીઓ ત્યાં ફૂટબોલો બની ગઈ. ઠોંસા ખાતાખાતા પણ તેઓ, ઈનામને લાયક રહેવાના મક્કમ નિશ્ચયી હતા એથી, ચોપડીઓ જ વાંચતા રહ્યા. એટલે પિનાકીએ તેમના હાથમાંથી ચોપડીઓ ઝૂંટવી લીધી. હેડ માસ્તર ઓચિંતા કોઈ વંટોળિયા જેવા આવી ચડ્યા. તેમણે આ ગુંડાશાહી નજરે દીઠી. તેના ભમ્મર ચડી ગયાં. તેમણે હાથમાં સોટી લીધી. જે પહોળા બરડાનું રુધિરસ્નાન કરવા તેમની સોટી ગયા મેળાવડાથી આજ સુધી તલસી રહી હતી, તે બરડો આજે વધુ પહોળો ને ભાદરવાના તળાવ-શો છલકતો બન્યો હતો. હેડ માસ્તરે પાંચેય વિનયવંતો તરફ જોઈ પૂછ્યું: “હરિકૃષ્ણ, શું હતું?” તોફાન કરનારા છોકરાઓએ પાંચેય સુશીલો પર સામટી આંખોનું ત્રાટક કર્યું. “કંઈ નહોતું, સાહેબ!” હરિકૃષ્ણે ચોપડીમાં મોં ઢાંકી રાખીને જ જવાબ આપ્યો. “કંઈ નહોતું?” હેડ માસ્તરે સિંહ-ગર્જ ના કરી: “નાલાયક! અસત્ય? બોલો તમે, કિરપારામ: શું હતું?” “કાંઈ જ નહોતું, સાહેબ!” પાંચેય જણ સરકસનાં પારેવાં પેઠે પઢી ગયા: “કાંઈ નહોતું, વિનોદ કરતા હતા.” બહુ ભૂખ ખેંચ્યા પછી માણસની ભૂખ મરી જાય છે, ખાવાની વૃત્તિ જતી રહે છે. સોટીબાઈની પણ સ્નાન-ઝંખના શમી ગઈ. “કેમ ગેરહાજર રહ્યો’તો મારા સમયમાં છેલ્લા પંદર દિવસોથી?” હેડ માસ્તરે પિનાકી પ્રત્યે જોઈ નવું પ્રકરણ ઉપાડ્યું. “બહારવટિયા-કેસ સાંભળવા જતો’તો.” “કેમ? ત્યાં કોઈ તારી કાકી-માસી થતી’તી?” “મારી મામી થતા’તાં એ.” “મશ્કરી કરે છે, એમ?” “મશ્કરી નથી કરતો.” હેડ માસ્તર શા માટે આ બધી લપ કરતા હતા? પોતાની કરડાઈ માટે આખા કાઠિયાવાડની જાણીતી હાઈસ્કૂલોમાં ધાકભર્યું વાતાવરણ મૂકી આવનાર આ સરમુખત્યાર સરીખો, જૂના યુગના ગામડાના ફોજદાર જેવો માણસ સીધી સોટાબાજી કરતાં કેમ ખચકાતો હતો? કારણ કે ગયા મેળાવડામાં પિનાકીએ એની સોટીને ઝાલી હતી; બીજું તો કશું નહોતું કર્યું, ફક્ત અન્ય વિદ્યાર્થીઓ ઉપર પડતી સોટીને હિંમત કરી પકડી હતી. હેડ માસ્તર કંટા હતા તે સાથે દેશી રાજ્યોની જ શાળાઓમાં નોકરી કરનાર તરીકે ચકોર વધુ હતા. ચેતી ગયા હતા કે કાલે જે હાથે એની નેતર ઝાલી હતી, તે હાથ તે જ નેતરને આંચકી લેતાં વાર નહિ લગાડે; સામી સબોડતાં પણ એ હાથને આંચકો નહિ આવે. શરમનો પડદો આશકોના પ્રણયમંદિરમાં કે શાસકોના સત્તાભુવનમાં, માખીની પાંખ થકી પણ વધુ પાતળો હોય છે: એક વાર ચિરાયા પછી એની અદબ સદાને માટે જતી રહે છે. પિનાકીની આંખના ખૂણામાં ઈશાન ખૂણાની વીજળી સળગવા લાગી હતી, તેટલું આ વિદ્યાગુરુ જોઈ શક્યો હતો ને એને ખબર હતી કે કોઈ વિદ્યાર્થીનો હાથ જે દિવસે એના ઉપર ઊપડશે, તે દિવસથી એની હેડમાસ્તરી ખતમ થઈ જશે. અને તે દિવસથી કાઠિયાવાડની કેળવણી તો એને નહિ જ સંઘરે. તે દિવસથી એને કાં ટ્યૂશનો રાખવાં પડશે, ને કાં રજવાડાની બીજી કોઈ નોકરી શોધવી પડશે. એટલે એણે મારપીટની પદ્ધતિ છોડી દઈ બીજા જ માર્ગે પોતાનું ખુન્નસ વાળી દીધું. અને પિનાકીને કહી લીધું કે અંગ્રેજીના વર્ગો ગુમાવનારને મેટ્રિકનું ફોર્મ નહિ મળી શકે. “પ્રિલિમિનરિમાં પાસ માર્ક મેળવે તો પણ નહિ?” પિનાકીએ સામું પૂછ્યું. “એ તો જોવાશે — કેવી રીતે પ્રિલિમિનરિમાં પાસ થશો તે.” પિનાકી માંડમાંડ પોતાના મનને રોકીને કહેતો રહી ગયો કે ‘તમે તો, સાહેબ, પહેલેથી નક્કી જ કરી રાખ્યું છે કે કોનેકોને પાસ-નપાસ કરવા.’ બીજા જ દિવસે પાણી પાનાર બ્રાહ્મણ પટાવાળાએ હેડ માસ્તર પાસે જઈ ફરિયાદ કરી કે પિનાકીએ પાણીની ઓરડી પર ટંટો મચાવ્યો છે. પોતાની પ્રિય સહચરી સોટીને ઉઠાવતા હેડ માસ્તર પાણીની ઓરડી પર દોડ્યા. પિનાકી પર ધસી ગયા. પિનાકીના હાથમાં પ્યાલો હતો. પ્યાલો એણે હેડ માસ્તર તરફ ધર્યો. પાણીમાં લીલની પાંદડીઓ તરતી હતી અને ત્રણ પોરા તરફડતા હતા. છોકરાનું ટોળું તરસ્યાં હરણાં જેવું ચકળવકળ આંખે ઊભું હતું. આખું દૃશ્ય જ એક મર્મોચ્ચાર જેવું હતું. કહેવાની જે વાત હતી તે તો પાણીનો પ્યાલો જ કહી રહ્યો હતો. “તારે કશુંક બહાનું જોઈતું હતું, ખરું ને?” હેડ માસ્તરે ‘ડૂબતો તરણું ઝાલે’ની કહેવત તાજી કરી. “આ બહાનું છે?” પિનાકી હસવા લાગ્યો. ત્યાં તો બ્રાહ્મણ બરાડી ઊઠ્યો: “પણ અહીં તો જુઓ, સાહેબ!” પાણીની ઓરડીમાં માટલાંનાં કાછલાં વેરણછેરણ પડ્યાં હતાં. “કોણે ભાંગ્યો ગોળો?” “મેં.” પિનાકી જૂઠું બોલ્યો. કોઈ બીજા જ છોકરાએ એ ભાંગફોડ કરી હતી. “શા માટે?” “કાછલાં જુઓ ને!” સાપના ઝેર સરખી લીલ એ કાછલાંએ પહેરી હતી. હેડ માસ્તરે અન્ય છોકરાઓ તરફ હાક મારી: “એને તો બહારવટું કરવું છે, પણ તમારો બધાનો શો વિચાર છે? બાપના પૈસા કેમ બગાડો છો? પાણી વિના શું મરી જાવ છો? પાણી ઘેરથી પીને કાં નથી આવતા? એક કલાકમાં તરસ્યા મરી ગયા શું? પિવરાવી દઉં પાણી? કે પહોંચો છો ક્લાસમાં?” તરસે ટળવળતા છોકરા, કેટલાક તો દસ-દસ જ વર્ષના, ભારે ડગલાં ભરતાં પાછા વળ્યા. એકલો પિનાકી જ ત્યારે ઊભો રહ્યો. ને એને ભાસવા લાગ્યું કે જાણે એ લોઢાનો બનતો હતો. જાણે કોઈક અદૃશ્ય શક્તિનો હથોડો એના પ્રાણને જીવનની એરણ ઉપર ઘડી રહ્યો હતો.