સોરઠ, તારાં વહેતાં પાણી/૪૨. ઓટા ઉપર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૨. ઓટા ઉપર

વિક્રમપર શહેર વધુ રળિયામણું શાથી લાગતું હતું? તેના ઊંચા ટાવરને લીધે? એના કનેરીબંધ, પહોળા ‘અમરુ ચોક’ને લીધે? ચાંદની રાતોમાં ધ્રાબે કૂટેલી અને ખારવણોના રાસડાનો ફળફળતો રસ પાયેલી એની છોબંધ અગાસીઓને લીધે? ના, ના; જરાક નિહાળીને જોશો તો વિક્રમપુરનું ખરેખરું રૂપ તમને એનાં મકાનોના ઊંચા ઓટલામાંથી ઊઠતું લાગશે — જે ઓટા માથે બેસીને હર પ્રભાતે ઘર-માલિકો પલોંઠીભર દાતણ કરતા હોય છે. ને સૂરજ બે’ક નાડા-વા ઊંચો ચડે ત્યાં સુધી સામસામા ઓટા પરથી વકીલો-અધિકારીઓ વાતોના ફડાકા મારતા હોય છે. એ ઓટા પરથી ઊઠવું ગમે નહિ. એ ઓટાને કશું પાથરણું પાથરવાની જરૂર નહિ. રાજના મોટા અધિકારીઓ પ્રભાતે એક બાંડિયા પહેરણભર એ ઓટા પર જેવા દમામદાર ને ડાહ્યા લાગે છે, તેવા એ કચેરીઓની ખુરસીઓ પર નથી લાગતા. એ ઓટા પર માણસ હાથી જેવાં દીપે છે. પાણીભર્યા રૂપેરી લોટાઓ એ ઓટાની વિભૂતિમાં વધારો કરે છે. ને દાતણ કરનારાઓ એ ઓટા પરથી જે પૂર્ણ શાસ્ત્રીય, બુલંદસુરીલી ઊલ ઉતારે છે, તેનો જોટો તો કદાચ જગતભરમાં નહિ જડે! છેક અરધા ગળા સુધી પેસતી એ લીલા દાતણની સુંવાળી સરખી ચીર પ્રચંડ ઊબકાના સિંહનાદો મચાવે છે. વાઘરણો ત્યાં જે દાતણ નાખવા આવે છે તે અક્કે છડીના બબ્બે જ ટુકડા કરેલાં દાતણો હોય છે. વળી એ પ્રત્યેક ઓટાની નીચે ઈતિહાસનું અક્કેક પાનું પડેલું હોય છે. પાડોશીની કે જાહેર પ્રજાની ફૂટ — અરધો ફૂટ જમીન દબાવી લેવી, એ બીના ઐતિહાસિક નથી શું? એની લડતનાં દફતરો વિક્રમપુર શહેરની સુધરાઈ-ઓફિસના ઘોડાઓ પર તવારીખના થરો પર થરો ચડાવતાં આજે પણ ઊભાં હશે. એવા એક ઐતિહાસિક ઊંચા ઓટા પર હજુ સૂર્યનું કિરણ નહોતું ઊતર્યું. ઘરધણી ત્યાં હજુ આંખો ચોળતા જ બેઠા હતા. એમની બાજુમાં પાણીનો લોટો, દાતણ અને મીઠાની વાડકી ગોઠવાતાં હતાં. નજીકમાં એક પીપર હતી. પીપરના થડ પાસે ત્રણ વર્ષના નાના છોકરાને સડક પર જતો રોકતી એક જુવાન ઓરત ઊભી હતી. ઓરતનો પોશાક આહિરો-કાઠીઓની જાતનો હતો. સાથે બીજી એક ઓરત સાઠેક વર્ષની બૂઢી હતી. એના મોંમાં પીપરનું દાતણ હતું. “આમ આવ, ગગા; જો, આપણા સા’બ બેઠા: એને સલામ ભર.” એમ કહેતી એ બૂઢી નાનકડા છોકરાના હાથને જોરાવરીથી એના કપાળ ઉપર મુકાવતી હતી. એનો અર્થ સર્યો. દાતણ કરનારનું ધ્યાન એ તરફ ગયું. બાઈઓ બહુ પિછાનદાર હોય તે રીતે સાહેબની સામે હસી; અમલદારની પાસે ગઈ; કહ્યું: “કેમ બાપા, આણંદ-મજામાં છો ને!” “આવો,” સાહેબે અરધીપરધી ઓળખાણ પામીને કહ્યું: “શું છે અત્યારમાં?” “ઈ તો ઈમ આવેલ છીએ, સા’બ, કે અમારા વીરમના હજી કેમ કાંઈ સમાચાર નથી?” “વીરમ કોણ?” “આ નઈ — તેં ફાંટ ભરીભરીને બીડિયું બંધાવી’તી ને રૂપાળા ઢગલો ઢગલો રૂપિયા દીધા’તા ને ઈને પીળો દરેસ પેરાવીને આગબુટમાં સડાવ્યો’તો? મારો વીરમ નથી ઈયાદ આવતો? શીળીના ધોબાવાળો જવાન ઈ વીરમ, લડાઈમાં મેલ્યો છે ને રાજે?” “મોઢે મને થોડું યાદ રહે, ડોશી? બપોરે કચેરીએ આવજો, ને એનો નંબર તમને આપ્યો હોય ને, એ લેતા આવજો. નંબર હશે તો એનો પત્તો મળશે: નામથી પત્તો નહિ મળે.” આ પણ એક અકળ કોયડો હતો: માણસ જેવો માણસ — જીવતો જાગતો ને બોલતો-ચાલતો, શીળીના ધોબાવાળો જુવાન માણસ પોતાના વીરમ એવા નામથી ન ઓળખાતાં સંખ્યાવાચક કોઈ આંકડા વડે ઓળખી શકાય, એવી તે રચના કોની હશે? એ દુનિયા કઈ હશે? ડોશીને કશી ગમ ન પડી. એટલામાં તો ડોશી જોડેની એ જુવાન ઓરતે પોતાના રાતા રંગના ઓઢણાનો એક છેડો કમ્મરમાં ખોસેલ હતો તેને બહાર કાઢી તેની ગાંઠ વાળેલ હતી તે છોડવા માંડી. હાથની આંગળીઓ ન છોડી શકી એથી એણે પોતાના દાંત વડે ગાંઠ છોડી. એ છોડતી હતી ત્યારે ઓટા પર બેઠેલ અમલદારની નજર એના આગલા દાંત પર પડી. આવી ગંદી સ્ત્રીના દાંત આટલા બધા સફેદ! આટલા ચકચકતા! એ પણ સમસ્યા જ હતી. લીલુંછમ દાતણ નહિ પણ નીરોગી હોજરી જ દાંતને સફેદી આપનાર છે એ વાતને વીસરી રહેલ નવયુગનો અર્ધદગ્ધ બનેલો એ અમલદાર હતો. ઓઢણાના છેડાની ચીંથરીમાંથી એક બીજી ચીંથરી નીકળી. એની અંદર મેલી એક કાગળની કટકી હતી. તેમાં સંખ્યા લખી હતી. બાઈએ કટકી ડોશીને દીધી. “ત્યાં કચેરીમાં લાવજો, ડોશી.” અમલદારે આ બાઈના લંબાયેલા હાથને પાછો કાઢતાં કહ્યું. “ભલે, બાપા. પણ હવે તો મારા વીરમના વાવડ મળશે ને?” “કેમ નહિ મળે?” “ના, ઈ તો ઓલ્યો પેથાપરવાળો અમરો પાછો આવ્યો છે ને, એણે અમને ફડકો પડાવ્યો.” “અમરો કોણ?” “ગાંડો થઈને પાછો આવેલ છે ને? તી ગમે તેવું લવ્યા કરે છે.” અમલદાર ચૂપ રહ્યા. ડોશીએ પૂછ્યું: “તી, હેં સા’બ, ઉવાં માણસ ગાંડા શેં થઈ જાય છે? મારો વીરમ તો નરવ્યો હશે ને?” “એ બધી ખબર કચેરીમાં પડશે.” “પણ તયેં, હેં સા’બ, આપણા દરિયામાં અંધારું કીમ કરી નાખ્યું? હું તો અગણોતરા કાળમાં જલમી છું. ને ચાર વરસની ધાવણી હતી તેદુથી મને સાંભરે છે કે આપણા દરિયામાં કે’દી અંધારું નો’તું થયું, આપણો કંદેલિયો તો રૂડો દરિયાપીરની આંખ્યું જેવો આટલા વરસથી ઝગતો ને ઝગતો રીયો’તો. મોટા મોટા રોગચાળા આવ્યા, સાત તો કાળ પડ્યા — તોય આપણા દરિયાલાલના દીવા કે’દી નો’તા ઓલવાણા. આ વખતે જ એવડું બધું શીયું દંગલ થીયું કે દરિયે અંધારું કરવું પડ્યું?” “પા-પ-પા-પ” ડોશીનો નાનો પોતરો જીભના ગોટા વાળતો કાંકરો વીણતો હતો. “આવી કઈ આફત આવી પડી છે, સા’બ? મારા વીરમને તો કાંઈ વપત્ય નથી પડી ને?” “અરે ગાંડી!” અમલદારને હવે તો ખુલાસો કરવાની જરૂર પડી. “તને શી ખબર પડે! દરિયામાં અંધારું તો આપણે એટલા સારુ કર્યું છે કે દુશ્મનોને છેતરીને સાંપટમાં લઈ લેવાય. તમે ભૂત જેવાં માણસ! આવી વાત કોઈને અમે કરીએ નહિ: વખત છે ને દુશ્મનોને ખબર પડી જાય કે આપણે શી રમત રમીએ છીએ. ભલી થઈને આ વાત પેટમાં રાખજે. તારો વીરમ તો એ...ઈને અત્યારે અમનચમન કરતો હશે કોક આરબાણી—” અમલદાર પૂરી વાત કરતા અટકી ગયા. એને ભાન આવ્યું કે આરબાણીઓ અને યહૂદણોની વાત સાંભળીને ધરાઈ ધાન નહિ ખાય એવી એક સ્ત્રી ત્યાં હાજર હતી. એણે વાત બદલી: “તારા વીરમને માટે તો આંહીંથી કોથળા ને કોથળા ભરી બીડી-સોપારી મોકલાય છે; એલચી, લવિંગ ને તજ મોકલાય છે; ચાની પેટીઓ અને—” “તો તો તમ જેવો ઈશ્વરેય નહિ. પણ જોજે હો, સા’બ; વીરમને ઉંવાં દારૂ પીવા નો દે. એને દારૂ વધુ પડતો ચડી જાય છે; ને ચડ્યા પછી આ વહુને કાંક વધુ પડતી મારે છે.” “અરે ડોશી, વીરમ પાછો આવે ત્યારે તો તું જોજે! એની આખી છાતી સોનાને ચાંદે મઢી હશે. ને આંહીં તો મોટા મોટા હાકેમો એને સામા લેવા જાશે. એને રાજની મોટી નોકરી આપશે. પછી તો તારો છોકરો ધૂળ નહિ ચૂંથે: બગીમાં ફરશે.” “તો તો તારા મોંમાં સાકર, મારા બાપ!” કહેતી વેવલી ડોશી હસવા લાગી. જુવાન ઓરત સામા મકાનોની હાર પાછળ પડેલા દરિયાના કેડાવિહોણા અનંત વેરાન ઉપર મનને દોડાવવા લાગી. અને સાક્ષાત્ જાણે વીરમનો મેળાપ થયો હોય એવા ભાવ લઈને એ બાઈઓ પાછી વળી. વળતાં વળતાં ડોશીએ પાછા આવીને અમલદારની ત્યાં બેઠેલી છોકરીના હાથમાં કંઈક સેરવ્યું, ને અમલદારની સામે હાથ જોડીને કહ્યું: “અમારી ભાણીબાને... તારે એમાં કંઈ કે’વું નહિ, સા’બ! બોલે એને આ મારા વીરમના દીકરાના સમ છે.” અને અમલદારે એ આકરા સોગંદ પાળ્યા.