સોરઠ, તારાં વહેતાં પાણી/૪૩. વાવાઝોડાં શરૂ થાય છે
વીરમ નામના લડાઈમાં ગયેલા રંગરૂટની આ બે સગી બાઈઓ ત્યાંથી પાછી વળી. અને આંહીં ઓટાવાળા અમલદારના ઘરમાં બધાં છોકરાં વચ્ચે કજિયો મચ્યો કે ડોશીએ આપેલ અરધા રૂપિયામાં કોનો કેટલો ભાગ. અમલદાર પોતે ઓટલા પર હજામત કરાવવા બેઠા. એમના હાથનું આભલું સૂરજના કિરણોને ઝીલી લઈ, કોઈક કટારની માફક, રસ્તે જતી આવતી પનિહારીઓનાં શરીરો પર રમાડતું હતું. “ફુઈ,” ડોશીની દીકરાવહુએ કહ્યું: “આટલે આવ્યાં છીએ ત્યારે હાલોને દરિયે નાળિયેર નાખી આવીએ.” “હાલો, માડી; આ ગગાને પણ રતનાકરને પગે લગાડી આવીએ.” એક દુકાનદારને હાટડે નાળિયેરનાં પાણી ખખડાવીને કાને માંડતી બંને જણીઓ ઊભી હતી. પૂરેપૂરું પાણીભર્યું શ્રીફળ હજુ જડ્યું નહોતું. પાસે ઊભેલ બાળક દુકાનદારની ટોપલીઓમાંથી આખા અડદના દાણાનો મૂઠો ભરી રહ્યો હતો. તે વખતે ત્રણ-ચાર પોલીસના સિપાઈઓ દોડતા આવ્યા, અને એ માંહેલા એકે કહ્યું: “ડોશી, નાળિયેર પછી લેજે, હાલો હાલો ઝટ બેય જણીયું સ્ટેશને.” “કાં, ભાઈ? શીદ હાલીએ?” “હવે ત્યારે ‘કાં’ ને ‘શીદ’ કરવાનું શું કામ છે? ત્યાં કોઈ તારી પૂજા તો થોડી જ કરવાની છે, મારી મા!” પોલીસે એના હાથમાંથી નાળિયેર મુકાવી દીધાં. “પણ, ભાઈ,” જુવાન બાઈએ કહ્યું: “અમે અહીંનાં શે’રનાં નથી: ગામડેથી આવેલ છીએ.” “એટલુંય હું તારા મોં પરથી નહિ વરતી શકતો હોઉં?” પોલીસે જુવાન બાઈને પોતાની અક્કલની ખાતરી આપી. “માટે તો તમને તેડવા આવેલ છું.” એમ કહીને સિપાઈએ છોકરાને ઉપાડી લીધો, એટલે પછી બંને બાઈઓ, વાછરું પાછળ ગાય જાય તેમ, ચાલી. છેટેથી તેમણે સ્ટેશન પરનો શોરબકોર દેખ્યો. ખચ્ચરગાડીના પીળા રેંકડા ત્યાં એક પછી એક આવી આવીને મુસાફરીનાં બિસ્તર વગેરે સામાન ઠાલવતા હતા. અંદર એક ટ્રેન તૈયાર ઊભી હતી. બાઈઓ સમજી ગઈ કે આ સરકારી-દરબારી સામાન સારીસારી ગાડીમાં મૂકવા માટે જ પોલીસ તેમને પકડી લાવેલ છે. બીજા બે-ત્રણ માર્ગો પરથી પણ અક્કેક પોલીસ બબે, ત્રણ-ત્રણ ગામડિયાં મુસાફરોને ધકેલી ધકેલી સ્ટેશન તરફ લાવતો હતો. દરિયાનો ખારો ત્યાંથી દેખાતો હતો. ખારામાં એક ભેંસનું મડદું પડ્યું હતું. એના ઉપર ગીધડાંના થર જામી પડ્યા હતા. વચ્ચે પેસવા માટે થોડા કાગડા અને એક-બે કૂતરાં મહેનત કરતાં હતાં. “બેય જણીયું વાળો કછોટા અને ઉપાડો જોઈએ આ સામાન!” પોલીસ હુલાવવા ફુલાવવા લાગ્યો. “ના, ભાઈ;” જુવાન બાઈએ કહ્યું: “મારી સાસુ નહિ ઉપાડે. એને છે દમનો રોગ. મારું છોકરું એને દઈ દીયો.” “હા, જમાદાર;” ડોશીએ પોતાનો દમનો ઈતિહાસ કહેવાનું શરૂ કર્યું: “પરારની સાલ સુધી તો મને નખમાંય રોગ નો’તો, પણ મારા વીરમનો બાપ પાછા થયા—” “પણ, ડોશી, દરિયાકાંઠે તો દમ મે’નત કર્યે જ મટે. હુંય વૈદું જાણું છું.” સિપાઈ જાતનો વાણંદ હતો. “પણ અમારે તમારું વૈદું નથી કરવું. છોકરો મારી સાસુને દઈ દીયોને ઝટ! લાવો, હું તમારા બે ફેરા ફગાવી દઉં.” વહુએ રકઝક કરવા માંડી. ડોશી છોકરાને લેવા ગઈ, એટલે પોલીસ પાછો ખસી ગયો ને બોલ્યો: “છોકરો તારો નહિ મરી જાય. છાનીમાની ઉપાડવા માંડ સામાન.” છોકરાએ આ વખતે સમજી લીધું કે પોતે કોઈક પરાયા પુરુષના હાથમાં છે. કોઈ પણ પરાયા માણસને પોતાના પર હક હોઈ શકે નહિ, એ હોય છે પ્રત્યેક બાળકની ઈશ્વરદત્ત ખુમારી. એ પછાડા મારવા લાગ્યો. સિપાઈની ને ડોશીની રકઝક ચાલુ થઈ. તે અરસામાં તો ત્યાં ત્રણ-ચાર અમલદારો ઉપરાછાપરી આવી ગયા, ને સિપાઈને ઠપકો દઈ ગયા. હવાલદારે કહ્યું: “હવે કેટલી વાર છે? ગફલત કરશો ત્યાં સાહેબ આવી પહોંચશે.” જમાદાર આવ્યા ત્યારે બૂટના ચમચમાટ બોલ્યા, ઝીણી સોટી એમની જમણી જાંઘની બ્રિચીઝ પર ‘પટ-પટ’ થઈ. એણે પોતાની ટોપીનો કાળો પટો બરાબર દાઢીની ધાર પર ઠેરવતે ઠેરવતે કહ્યું: “નોકરો કરો છો, મિસ્તર? આંહીં છોકરાંની નિશાળ ભણાવવા આવ્યા નથી. ઝટ સામાન ઉપડાવી જાઓ.” દરમિયાન ફોજદારની પણ ઘોડાગાડી આવી પહોંચી. છોકરો તે વખતે પોલીસની બગલમાં લગભગ ચેપાઈને લબડતો હતો, તેને એણે જમીન પર પડતો મૂક્યો. ડોશીના માથા પર એણે એક કાળી મિલિટરી ટ્રંક મૂકી. ડોશીથી એ બોજો ન ઊપડ્યો. એક બાજુ ટ્રંક પડ્યો: બીજી બાજુ ડોશી પટકાઈ ગઈ. ફોજદારે આવીને હવાલદાર-જમાદાર બેઉને કહ્યું: “આંહીં શું હજામત કરો છો તમે? કોઈ મજબૂત વેઠિયા નથી મળતા, તે આવા મુડદાલોને લઈ આવો છો? વખત કયો છે તે તો સમજો! નહિ તો રાજીનામું આપો. હમણાં કાકો આવીને ઊભો રહેશે.” થોડાં કદમો આગળ જઈને ફોજદાર પાછા ફર્યા; તેમણે કહ્યું: “આ પ્રદર્શનને દૂર તો કરો હવે. નાહક લોકો કાં ભેળાં કરો?” એ પ્રદર્શન ડોશીના વેરાઈ ગયેલા શરીરનું હતું. નાનું છોકરું ડોશીની છાતીએ ઢળી ચીસો પાડતું હતું. રાતની મોડી ગાડીમાં આવેલ એક મુસાફર મોં ધોઈને ચાલ્યો આવતો હતો, તેણે આ મામલો જોયો. તેણે ત્યાં આવીને ડોશીના દેહ પરથી બાળકને તેડવા માંડ્યું. દરમિયાન બાળકની મા પોતાનો ફેરો નાખીને આવી. “આ કોણે કર્યું? કોણે રોયાએ મારી સાસુને ભોં ભેળાં કર્યાં?” જુવાન બાઈ ત્રાડો પાડી ઊઠી: “એનાં મરે રે મરે એનાં માણસું!” પોલીસ અમલદારો દૂર ઊભા હતા, તેમણે જોયું કે કોઈક ઉજળિયાત જુવાન આ વેઠિયાઓની મદદમાં આવી પહોંચ્યો છે: એણે પાટલૂન અને કોટ પહેરેલ છે, ને એનું બદન જોબનના ધ્વજ જેવું છે. “એય મિસ્તર,” એક અમલદારે સ્વાભાવિક હુકમદારની ઢબે કહ્યું: “એ ડોશીને લઈ જાવ, મા’જનમાંથી કંઈક મદદ મેળવી આપો. સ્વયંસેવક છોને?” જવાબમાં જુવાન થોડી વાર ધગધગતી નજરે તાકી રહ્યો. ને પછી એણે બેઉ સ્ત્રીઓને કહ્યું: “ચાલો, હું તમને રાજમાં લઈ જાઉં.” “કોણ છો તમે, મિસ્તર?” સોરઠનાં પોલીસખાતાં તે કાળમાં ‘મિસ્તર’ શબ્દ વાપરતાં થઈ ગયાં હતાં. એ પ્રયોગોનો લાભ પોલીસો સહેજસહાજ ઉજળિયાત જુવાનોને જ આપતા. એ પ્રયોગ કરતી વખતે પોલીસની જીભનું ટેરવું વીંછીના આંકડાની ટોચે રહેલી આગનું એકાદ ફોરું પકડતી હતી. “માણસ છું.” સોરઠી જુવાન પણ આડોડાઈથી ઉત્તર દેતાં શીખતો હતો. “એ તો હવે જાણ્યું અમે કે તમે જાનવર નથી; પણ તમારું નામ?” “પિનાકીદેવ.” “અહીં કેને ત્યાં જાવાના છો?” “દેવુબા સાહેબને ત્યાં.” પોલીસના માણસોએ એકબીજાની સામે જોયું. પછી ફોજદારે કહ્યું: “જવા દો એમને.” “આ બાઈઓને પણ હું સાથે લઈ જાઉં છું.” “ડોશી ભલે આવે. બીજી બાઈને તો કામ કરવા રોકવાની છે.” “મારે મારે ગામડે પોગવું છે. બપોરે કચેરીમાં જાવું છે. મને છોડો.” જુવાન બાઈએ ગાતરી છોડી નાખીને કહ્યું. “જાવા દીયો.” મોટા અમલદારે કોઈ ડાઘા બુલ-ડોગ જેવો અવાજ કાઢ્યો. “અમારી મજૂરી?” જુવાન બાઈએ પૈસા માગ્યા. “મજૂરી?” અમલદારો હસ્યા: “તને વહેલી છોડીએ છીએ એ જ તમારી મજૂરી.” “કેમ? કરેલા કામની મજૂરી નહિ મળે આ બાઈઓને?” પિનાકીએ ચકિત બનીને પૂછ્યું. “હવે, મિસ્તર,” ફોજદારે નજીક આવીને પિનાકીનો ખભો ધુણાવ્યો: “કાંઈક સમજો તો ખરા! આ તો લડાઈમાં જનાર રસાલાનું બધું દંગલ છે. અત્યારે કોઈએ કોઈની દયા ખાવાનો વખત નથી. તમે વધુ વાર ઊભા રહો તો તમને પણ વેઠે લેવા પડે. અમારો એકેક સિપાઈ અને એકેક અમલદાર દિવસરાત હેરાન હેરાન છે. જેનાથી રફુચક થઈ જવાય તેટલા ઊગરી ગયા. સમજો ને, મારા ભાઈ!” “ના ના, એમ કેમ સમજું? આને મજૂરી ચુકાવો.” “ભણો છો કે હજી?” અમલદારે આંખ ફાંગી કરીને પૂછ્યું. “હા જી.” “વણનાથ્યો વાછડો વધુ કૂદકા મારે: ખરું ને?” “એ વાત પછી કરશું. આને મજૂરી ચુકાવો.” “બેસો ત્યારે આંહીં. તેજુરી ખૂલે ને, ત્યારે આપીએ!” રકઝક થતી રહી. ને થોડીક વેળા વીતી પછી પોલીસ-અમલદારે પૂછ્યું: “તમે કોને મજૂરી અપાવવાની વાત કરો છો, મિસ્તર?” “આ બાઈઓને...” કહીને પિનાકી પાછળ જોવા ફર્યો. — ત્યાં કોઈ નહોતું. ગામડિયણો ચૂપચાપ સરી ગઈ હતી. નવી કમબખ્તીઓનો તેઓને ડર હતો. પોતાના મદદગારને તેઓ ઓળખતી નહોતી. અજાણ્યા ફસાવનારાઓ રેલગાડીઓમાં ઘૂમતા હોય છે, અને તેમને નવી ભાષામાં ‘મુંબઈના સફેદ ઠગ’ કહેવામાં આવે છે, એટલું આ બાઈઓ જાણતી હતી. ‘મુંબઈનો સફેદ ઠગ’ એ શબ્દોમાં ધાક ભરી હતી: ગુપ્તી-લાકડીમાં તલવાર ભરી હોય છે તે પ્રકારની ધાક. પિનાકીનું મોં ઊતરેલ ધાનના હાંડલા જેવું બન્યું. અમલદારે એને આશ્વાસન આપ્યું: “કાંઈ ફિકર નહિ, મિસ્તર! એ બચાડાંઓને રાતદિવસ રહેવું જાણે કે અમારી સાથે. તમે તો આવી ચડ્યા પરોણા દાખલ. તમને રીઝવે કે અમને? તમે જ કહો.” રસાલો આવ્યો. બેન્ડવાજાંના વીર-સ્વરો ધણધણ્યા. અને સ્ટેશન પર ગિરદી મચી ગઈ. એ ગિરદીમાં પિનાકીએ ચહેરાઓ જોયા: એક જૂથ સોહામણા, દૂધમલ ચહેરાઓનું; ને બીજાં નાનાં નાનાં ઝૂમખાં કુટિલ કાવાદાવાદાર, કરડી કરચલીઓવાળાં મોઢાંનાં. એ મોઢાં હતાં રંગરૂટોના ભરતી-અમલદારોનાં. જુદાંજુદાં અનેક રાજ્યોની નોકરીઓમાં ડામીજ થઈને રાત લઈ નાસેલા જે કાળાં કામના કરવાવાળા અમલદારો, તેઓ લડાઈના ટાણાનો લાગ લઈને સરકારને ઉંબરે પહોંચી ગયા હતા, ને ‘રિક્રૂટિંગ’ ઓફિસરોનાં ચગદાં ધારણ કરી સર્વ ગુનાઓથી પાવન થઈ ચૂક્યા હતા. એમાંના બે-ત્રણ ચહેરાઓની તો પિનાકીને અણસાર યાદ આવતી હતી. મોટાબાપુજીની નોકરી દરમિયાન એ બે-ત્રણ જણા એજન્સીમાંથી બરતરફ થયા હતા. અત્યારે તેઓ ગોરા ને કાળા મોટામોટા હાકેમોની જોડે હાથ મિલાવી રહ્યા છે! ને મોટાબાપુ મારા... એને કાળ ખાઈ ગયો. ઘોડાગાડી કરીને પિનાકી રસ્તે પડ્યો. પણ જ્યારે ગાડીવાળાએ એને જવાનું ઠેકાણું પૂછ્યું ત્યારે જ પિનાકીની આંખ ઊઘડી કે પોતે દેવુબાની દેવડી પર જઈને બિસ્તર શી રીતે ઉતારી શકવાનો હતો? પોતે જ્યાં પરોણો બનવા જઈ રહ્યો હતો એ કાંઈ દસ વર્ષ પૂર્વેના દાનસંગકાકાની દીકરીનું ઘર થોડું હતું? એ તો હતો રાજમહેલ. ને રાજમહેલોને મહેમાનો ખખડાવી શકે એવી સાંકળો નથી હોતી. રાજમહેલોને આંગણાં પણ નથી હોતાં. રસોડામાં રોટલા કરતી બાને ‘મે’માન આવ્યા! મે’માન!’ એવી વધાઈ દેનારાં જે છોકરાંઓ સાધારણ ઘરને આંગણે રમે છે, તે છોકરાં રાજમહેલોમાં રમતાં નથી. ખડકી ઉપર ઊતરનારો અજાણ્યો અતિથિ અંદરના ઉંબરા સુધી પહોંચે તેટલી વારમાં તો પોતાનું સ્થાન ઘરની ધરતી ઉપર આપોઆપ સાબિત કરી બેસે છે. રાજમહેલો આવા અતિથિભાવને ઓળખતા નથી. “દેવુબા સાહેબને ત્યાં જવું છે, ભાઈ, તમારે?” ગાડીવાળો નવાઈ પામ્યો: “ગાડી સામે નો’તી આવી?” “ઊભા રો’ ને!” પિનાકી મૂંઝવણમાં પડ્યો. “પ્રથમ જ વાર પધારતા લાગો છો.” પિનાકી ન બોલ્યો. “રાજના મે’માન થવું હોય ને, ભાઈ, ત્યારે આગલે જંક્શનથી એક અરજન્ટ તાર ઠોકરડી દેવો ને બે’ક સ્ટેશન બાકી હોય ત્યાંથી સેકન્ડ કલાસની ટિકિટ કઢાવી લેવી, શું સમજ્યા, સાહેબ? પછી ભલે ને આપ છ મહિના ઉતારામાં પડ્યા રહો, કોઈ ખસ ન કહે: શું સમજ્યા, મે’રબાન? હું તો કહું છું કે હજી પાછા જઈને આ ઈલાજ અજમાવો. પછે મને અહીં મળો ત્યારે સનકારો કરજો — કે, ના, કાંથડ, તારું કે’વું સોળે સોળ આના સાચું પડ્યું!” ને કાંથડ ગાડીવાળો ધીરેધીરે ઘોડાગાડી આગળ લેતો લેતો એક ઝપાટે કહેવા મંડ્યો: “હમણાં જ અમારે રાજમાં એક રોનક બન્યું’તું: કોઈક ઉત્તર હિંદુસ્તાનની ફસ્ટ કીલાસ રિયાસતના પાટવી સા’બ પધાર્યા’તા. નહિ નહિ ને બે વરસ મે’માન રિયા. મરહૂમ બાપુ ભેળાં ખાણાં ખાધાં, શિકારું કર્યાં, એ...યને, તમે જુઓ તો, સેલગાઉં કરિયું, ને દેવુબા સા’બના હાથની પણ રસોઈયું જમ્યા; ને છોકરિયુંની નિશાળ પણ ખુલ્લી મૂકી. પછે તો અમારા દોલતસંગજી સાહેબે ભોપાળું પકડ્યું: એ નામની કોઈ રિયાસત જ ન મળે! બનાવટી કુંવર પોપટની જેમ બધી બનાવટ કબૂલ કરી ગયા. તે પછી પણ એમને ઠેઠ વઢવાણ જંક્શન સુધી ફસ્ટ કલાસની ટિકિટ કઢાવીને વળાવી આવ્યા. આ એવું છે રાજનું તો!” “હું તો વિદ્યાર્થી છું. ને મને દેવુબા સાહેબ મદદ આપે છે, તેની બાબતમાં મળવું છે.” પિનાકીએ કહ્યું. “ત્યારે તો મળી રહ્યા. એ તો આજ સાંજની ગાડીમાં જાત્રાએ નીકળનાર છે. અત્યારે તમારો ભાવ પુછાય તો મારું નામ કાંથડ નહિ!” “તો કોઈ ધર્મશાળામાં હાંકશો, ભાઈ!” “હા, ખાસી વાત. બાકી, અટાણે દેવુબા સાહેબને એની જાત્રાયું ને એની હજાર જાતની જંજાળું. એમાં તમ જેવો નિશાળિયો તો સંજવારીમાં જ નીકળી જાય ને! દેવુબા એટલે અટાણે શી બાબસ્તા!” “શી વાત?” “ઈ ઠાકોર સાહેબની વેળા જુદી, ને આજની વારી જુદી!” “કઈ રીતે જુદી?” “જુદી, ભાઈ, જુદી! તમે ન સમજો. અમે પ્રથમથી જ સમજતા’તા, કે જાત્રાએ જવું જ પડશે બા સાહેબને!” ઘોડાગાડીવાળો કાંથડ કશીક કથા કહેવા માગતો હતો. કશીક મર્મની કથા એના મનમાં સંઘરી જાણે કે સંઘરાતી નહોતી. કોઈકને પણ કહી નાખવા એ તલખતો હતો. પણ રાજસ્થાની જબાનો હમેશા ચકર ખાઈને ચાલે છે: સીધા ચાલવાનો એને ડર હોય છે. ગાડીવાળાએ ધીરેધીરે કબૂલ કરી નાખ્યું કે દેવુબા સાહેબને દેહનું કોઈ એવું પાપ ધોવા જાત્રાએ નીકળવું પડે છે, કે જેનું બીજી કોઈ રીતે નિવારણ કરવાનું શક્ય નથી. પિનાકીના જીવનમાં આ પહેલી છાયા પડી. એ સૂનસાન બનીને ધર્મશાળામાં ઊતરી પડ્યો. એક ખૂણામાં બિસ્તર પટક્યું. પછી બિસ્તર પર મોં દબાવીને ઘણી વાર પડ્યો રહ્યો.