સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૧૦ — ગાંધીજીના ઉપવાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘સૌના ગાંધી’ શ્રેણી

સૌના ગાંધી શ્રેણી - ૧
પુસ્તક - ૧૦



Sauna Gandhi title 10.jpg


ગાંધીજીના ઉપવાસ

નારાયણ દેસાઈ


Gujarat Vidyapith (emblem).png



પ્રકાશન વિગત



ભારતમાં ઉપવાસ એ કાંઈ નવાઈનો વિષય નથી. ઘણા ખરા ધર્મોમાં એક ધાર્મિક વિધિ તરીકે ભોજન અંગે કોઈક ને કોઈક પ્રકારનું નિયંત્રણ રાખવાની પરંપરા છે. હિંદુઓ અનેક પ્રસંગોએ ઉપવાસ-એકટાણું, ફળાહાર વગેરે કરતા હોય છે. મુસ્લિમો વરસમાં એક રમઝાનના મહિનામાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રોજા રાખે છે. તે દિવસોમાં તો દિવસ દરમિયાન તેઓ પાણી પણ નથી પીતા, બલ્કે ચુસ્ત મુસલમાનો તો થૂંક ગળવાને પણ વર્જ્ય ગણે છે. ઉપવાસ બાબત જૈનો કદાચ સૌથી ચડી જાય છે. માત્ર જૈન મુનિઓ જ નહીં, પણ જૈન શ્રાવકો પણ લાંબા લાંબા ઉપવાસ કરવા સારુ જાણીતા છે. ઉત્તર ભારતની કેટલીક ભાષાઓમાં તો ઉપવાસ સારુ વ્રત શબ્દ જ પ્રચલિત છે. ગાંધીજીના ઉપવાસોમાં ધાર્મિકતા નહોતી એમ તો ન કહેવાય, પણ એમના ઉપવાસો અને ધાર્મિક ઉપવાસોમાં ગુણાત્મક અંતર હતું. એમના ઘણા જાણીતા ઉપવાસોની પ્રક્રિયામાં મૂળ ધાર્મિક ભાવના સાથે સામાજિક, રાજનૈતિક અને આધ્યાત્મિકતા ભળતી હતી. જેને લીધે ગાંધીજીના ઉપવાસને સાવ નવું જ પરિણામ લાધતું હતું. જે વાતાવરણમાં ગાંધીજીનું નાનપણ વીત્યું હતું, તેમાં ઉપવાસોને એક ખાસ સ્થાન હતું. ખાસ કરીને ઉપવાસ વિષેની ગાંધીજીની માન્યતાને ઘડવામાં એમને માતા પાસેથી વારસો મળ્યો હતો એમ કહી શકાય. ગાંધીજીએ ખુદ પોતાની આત્મકથામાં મા પૂતળીબાઈનાં વ્રતોનું વર્ણન સ્નેહ અને આદર સાથે કર્યું છે. નાનપણથી જ ગાંધીજી એવા સંસ્કાર લઈને મોટા થયા હતા કે ઉપવાસ એક પવિત્ર વસ્તુ છે. એ વ્રતોના દૃઢ પાલને એમના ચરિત્રને ઘડવામાં પણ ખાસ્સો ભાગ ભજવ્યો હશે. માતાના ચાંદ્રાયણ વ્રતનું તો તેમણે જાતે જ પ્રશંસાભર્યું વર્ણન કર્યું છે. પણ વૈષ્ણવ પરિવારનાં બાળકોએ એકાદશી, જન્માષ્ટમી વગેરેનાં વ્રતો જરૂર પાળ્યાં હશે. પ્રાયશ્ચિત્ત તરીકેના ગાંધીજીના પહેલા આંશિક ઉપવાસ એમની કિશોર અવસ્થામાં જ નોંધાયા છે. એક વાર કેરી ગાળામાં એમણે કેટલાક મિત્રોને કેરીની મહેફિલ માણવા નોતર્યા હતા. એ માણી લીધા પછી એમને ખ્યાલ આવ્યો કે એક ઘણા ઘનિષ્ઠ મિત્રને તો તે દિવસે નિમંત્રણ આપવાનું જ તેઓ ભૂલી ગયા ! આ ભૂલના પ્રાયશ્ચિત્ત તરીકે ગાંધીજીએ, પોતાને કેરી ખૂબ જ ભાવતી હતી તે છતાંય, એ આખા કેરી ગાળા દરમિયાન કેરીને હાથ પણ નહોતો લગાડ્યો. ભણવા સારું ઈંગ્લેન્ડ ગયા ત્યારે માતાએ ત્રણ પ્રતિજ્ઞાઓ લેવડાવેલી. એમાંથી એક શાકાહારની હતી. એ પ્રતિજ્ઞાના પાલન સારુ ઈંગ્લેન્ડમાં ઘણા સમવયસ્ક લોકોની ટીખળ ને કેટલાક વડીલોનાં આજીજી, કાલાવાલા, સમજાવટ કે છેવટે ઠપકા સુધી સાંખી લઈને એક અર્થમાં નાની સરખી તપસ્યા જ સ્વીકારી લીધેલી. શાકાહારની પ્રતિજ્ઞાને લીધે કેટલીક વાર એમણે પૂરાં કે આંશિક લાંઘણ પણ કરેલાં. દક્ષિણ આફ્રિકામાં ડરબનથી ફિનિક્સમાં જઈ વસવાટ કર્યો ત્યારથી ગાંધીજીના જીવનમાં ઉપવાસે એક નવું જ સ્થાન લીધું. આરોગ્ય ઠીક રાખવા સારુ તેમણે પૂરું ભોજન છોડીને ફળાહાર વગેરે શરૂ કર્યા. આ ફળાહાર કોઈ વાર તો મહિનાઓ સુધી ચાલ્યો. ફિનિક્સ વસાહતમાં જ ઉપવાસમાં એક નવું તત્ત્વ ઉમેરાયું. જે કદાચ એમના ઉપવાસોના ગુણાત્મક પરિવર્તનના મૂળમાં ગણી શકાય. સાથીઓ કે વિદ્યાર્થીઓની કોઈ ગફલત કે ભૂલને કારણે ગાંધીજીએ અમુક ગાળા માટે ભોજન છોડવાનું શરૂ કર્યું. બહારની દૃષ્ટિએ જોઈએ તો આ ભૂલો કરનારને એક પ્રકારની સજા જ હતી. પરંતુ એમાં ભાવ સમાજ જીવનમાં એકની ભૂલને પોતાની ભૂલ માનવાનો હતો. બીજાની ભૂલ કે પાપને પોતાની ભૂલ કે પાપ માનવાનો ભાવ આધ્યાત્મિક છે. એમાં આત્માની એકતાની સ્વીકૃતિ છે. ફિનિક્સમાં એનો આરંભ થયો આશ્રમવાસીઓ કે આશ્રમ-કુમારોની સાથેના તાદાત્મ્યતાથી. કલકત્તા અને દિલ્હીના છેવટના બે ઉપવાસોમાં આખા સમાજના એક મોટા ભાગના પાપને સારુ પ્રાયશ્ચિત્તનો ભાવ ભળેલો હતો. જો કે ફીનિક્સના ઉપવાસનું મૂળ કદાચ એટલું શુદ્ધ આધ્યાત્મિક નહોતું. વિદ્યાર્થીની ભૂલ જાણી ગાંધીજીને ક્રોધ આવ્યો હતો. એ ક્રોધ એમણે અહિંસા અંગેના એમના તે વખતે પરિપક્વ થઈ રહેલા વિચારોને કારણે વિદ્યાર્થીને મારીને નહીં, પણ પોતાના ગાલ પર થપ્પડ મારીને પ્રગટ કર્યો હતો. પરંતુ ગાંધીજી ત્યાંથી અટક્યા નહોતા. તે વખતે કરેલા તેમના અનશન વખતે અને ત્યાર પછી પાળેલા આંશિક ભોજન (ફળાહાર કે એકટાણું, કે મીઠાનો ત્યાગ વગેરે) વખતે ગાંધીજીનું સતત ચિંતન આ બાબતમાં ચાલ્યું. એ ચિંતનમાંથી એમનો આધ્યાત્મિક વિચાર નીકળ્યો કે જો સમાજમાં રહેનારા સર્વ લોકો એક આત્માને તાંતણે બંધાયેલાં હોય તો સમાજમાં એકબીજાએ એકબીજાના સુખદુ:ખ ને પાપપુણ્યના ભાગીદાર રહેવું જોઈએ. આવા ઉપવાસની અસર જેને લઈને ઉપવાસ કર્યા હોય તેની ઉપર સીધી કે આડકતરી રીતે પડે છે એ ગાંધીજી જોતા-જાણતા નહોતા એમ નહીં, ગાંધીજી જેવા માણસ જો ઉપવાસ ઉપર ઊતર્યા હોય તો આશ્રમવાસી કે વિદ્યાર્થીને નીચાજોણું થાય એ પણ સ્પષ્ટ હતું. વળી એમનું જોઈને બીજાને પણ ઉપવાસ કરવાની પ્રેરણા થાય એવોયે સંભવ હતો. એટલે શરૂઆતમાં જ ઉપવાસ વિષે વિવેચન કરતાં એમણે કહી દીધું હતું કે ઉપવાસ જો કોઈ એક કે વધુ વ્યક્તિઓને લક્ષમાં લઈ કરવામાં આવ્યો હોય તો ઉપવાસ કરનાર અને એ વ્યક્તિ વચ્ચે પ્રેમનો સંબંધ હોવો જોઈએ. માંદગીના ઉપાય તરીકે, કે કોઈ અંતરંગ વ્યક્તિનું સ્ખલન જોઈ થયેલા ઉપવાસના પ્રકારમાં એક બીજુ મોટું ગુણાત્મક પરિવર્તન આવ્યું. ગાંધીજી ભારત રહેવા આવ્યા ત્યાર પછી અમદાવાદના મિલ-મજૂરો અને માલિકો વચ્ચેના વિવાદ વખતે મજૂરોની હડતાલ ચાલતી હતી ત્યારે ગાંધીજીએ વચમાં જ ઉપવાસ કર્યા હતા. પ્રસંગ એવો બન્યો હતો કે ચાર પાંચ દિવસોથી હડતાળ ચાલતી હતી. રોજેરોજ સાબરમતીના પટપર સાંજે સભાઓ થતી અને તેમાં હડતાળનો હેતુ સમજાવવામાં આવતો. પત્રિકાઓ દ્વારા પણ આખી અહિંસક લડતનો હેતુ, એની કામ કરવાની પદ્ધતિ વગેરે સમજાવવામાં આવતાં અને મજૂરોને કોઈ પણ ભોગે પોતે લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ ન થાય એની પર ભાર મૂકવામાં આવતો. ગાંધીજીના સાથીઓ દિવસ દરમિયાન મહોલ્લે મહોલ્લે અને ચાલીએ ચાલીએ જઈને મજૂરોને આ બધી વાતો સમજાવતા, અને હડતાલ બાબત મજૂરોની મનોવૃત્તિ કેમ કામ કરે છે તેની માહિતી પણ લાવતા. રોજે રોજની કમાણી કરીને જીવનારા શ્રમિકોનું મનોબળ થોડું નબળું પડવા માંડ્યું હતું. એક દિવસ શ્રી છગનલાલ ગાંધી ખબર લાવ્યા કે જુગલકિશોરની ચાલમાં કેટલાક મજૂરોએ એમને કહ્યું કે “ગાંધીજીને કે અનસૂયાબહેનને શી તકલીફ છે? એ તો ખાય પીએ છે અને મોટરમાં આવ જા કરે છે. અમે તો ભૂખે મરીએ છીએ.” આ વાત સાંભળીને ગાંધીજી હાલી ઊઠ્યા. તેમનું ચિંતન આ બાબતમાં સતત ચાલુ રહ્યું. સાંજે નદીકાંઠાની જાહેર સભામાં આ વાતનો ઉલ્લેખ કરીને અચાનક ગાંધીજીએ જાહેર કર્યું કે આ પ્રશ્ન અંગે કાંઈ સમાધાન નહીં થાય ત્યાં સુધી તેઓ ભોજનનો ત્યાગ કરે છે અને વાહનમાં પણ નહીં બેસે. આ વાત સાંભળીને આખી સભા હચમચી ઊઠી. મજૂરોને મરણ આવે તોય પ્રશ્નનો સમ્માનપૂર્વક ઉકેલ ન થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની પોતાની પ્રતિજ્ઞાની ગંભીરતા સમજાઈ. ગાંધીજીએ આદરેલા ઉપવાસની વાત શ્રીમતી અનસૂયાબહેને પણ એ સભામાં જ સાંભળી હતી. તેમણે પણ ચૂપચાપ તે દિવસથી ભોજન છોડ્યું હતું. પોતાના પ્રશ્નની ખાતર પોતાના લાડીલા નેતાઓ ઉપવાસ કરે છે એ સાંભળી ઘણા મજૂરો ઉત્તેજિત થઈ ઊઠ્યા. એક બે જણે તો એટલે સુધી કહ્યું કે અનસૂયાબહેન જો આહાર નહીં લે તો પોતે પેટમાં છરો મારીને આપઘાત કરશે. ગાંધીજીએ પણ અનસૂયાબહેનને ઉપવાસ ન લંબાવવા સમજાવ્યાં. ગાંધીજીના આદેશથી અનસૂયાબહેને તો ઉપવાસ છોડ્યા. પણ ગાંધીજીના ઉપવાસ ચાલુ રહ્યા. મિલમાલિકોના પ્રતિનિધિ તરીકે અનસૂયાબહેનના ભાઈ અંબાલાલ સારાભાઈ રોજેરોજ ગાંધીજી જોડે વાટાઘાટો ચલાવતા હતા. એમની જોડે બીજા માલિકો પણ ભળ્યા. એ લોકો આ પ્રસંગ પૂરતા સમાધાન કરવા એ શરતે તૈયાર થયા હતા કે ભવિષ્યમાં કદી આમ હડતાલ ન પાડવામાં આવે. ઉપવાસ ચાલુ રહ્યા. દેશને ખૂણે ખૂણેથી અને પરદેશથી પણ માલિકો પર તાર આવવા લાગ્યા કે ગાંધીજીના પ્રાણ બચાવવા ખાતર પણ તમે તમારો આગ્રહ છોડો. મજૂરો તરફથી માગણી હવે તો એક જ મુદ્દાની થઈ ગઈ હતી કે મજૂરી અને મોંઘવારી ભથ્થા અંગે છેવટનો નિર્ણય કરવા આખો પ્રશ્ન લવાદને સોંપો. છેવટે એ માગણીનો સ્વીકાર થયો. લવાદ તરીકે શ્રી આનંદશંકર ધ્રુવનું નામ સૂચવવામાં આવ્યું. શ્રી ધ્રુવે તે પહેલાં ગાંધીજીના ઉપવાસથી માલિકો ઉપર ખોટું દબાણ થાય છે એવો અભિપ્રાય દર્શાવ્યો હતો. ગાંધીજીએ મજૂરોને શ્રી ધ્રુવનું નામ સ્વીકારવાની સલાહ આપી, કારણ એમને શ્રી ધ્રુવની ન્યાયપ્રિયતા અને ઇમાનદારી વિષે પૂરો વિશ્વાસ હતો. આખા પ્રશ્નના ઝીણવટભર્યા અભ્યાસ બાદ શ્રી ધ્રુવે જે નિર્ણય આપ્યો તે સો ટકા મજૂરોની માગણીની તરફેણમાં હતો. આ ઉપવાસ દરમિયાન ગાંધીજીએ એ વાત સ્વીકારી હતી કે ઉપવાસથી માલિકો ઉપર દબાણ આવતું હતું. પરંતુ સાથે સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે એ ઉપવાસ મજૂરોને પ્રતિજ્ઞાનું મહત્ત્વ સમજાવવા અને એમનું મનોબળ મજબૂત કરવા સારુ જ હતા. એનાથી માલિકો ઉપર દબાણ આવતું હતું એટલી એ ઉપવાસની ઊણપ હતી. પરંતુ આ દેશના લોકો ઈશ્વરને નામે લીધેલી પ્રતિજ્ઞા પોતાની ઉપર આવતી મુશ્કેલીને લીધે ભૂલી જાય એ ગાંધીજીથી જોઈ શકાતું નહોતું. ગાંધીજીને મન આ પ્રશ્ન હિંદમાં ચાલી આવેલી સંસ્કૃતિના-પ્રાણ જાય અરુ વચન ન જાયેની રઘુકુળથી ચાલી આવેલી સંસ્કૃતિ-રક્ષણ સારુ હતો. આજે સત્ત્યાશી વર્ષ પછી વિચાર કરતાં દેખાય છે કે ગાંધીજીએ પ્રશ્નના ઉકેલ સારુ રાખેલો સાધનશુદ્ધિ વિષેનો આગ્રહ અને મિલમાલિકોએ સૂચવેલા લવાદને નામ અંગે રાખેલો વિશ્વાસ એકંદરે ઘણો શુભ પરિણામ લાવનાર નીવડ્યો. તે વખતે અમદાવાદના મજૂરો અને માલિકોએ પોતાના વિવાદના ઉકેલ સારુ સ્વીકારેલ લવાદ વ્યવસ્થા આજ લગી એ શહેરના માલિક મજૂર બંનેને લાભદાયી નીવડી છે, અને બીજાં નગરો અને ઉદ્યોગોને સારુ અનુકરણીય બની છે. આ ઉપવાસ કોઈ વ્યક્તિની સામે મંડાયેલા નહોતા. બંને વર્ગો સાથે ગાંધીજીનો સંબંધ સૌહાર્દપૂર્ણ હતો. જાહેર જીવનમાં થતો પ્રતિજ્ઞાનો ભંગ અટકાવવાનો એમાં પ્રયાસ હતો. અને એ અર્થમાં તે એક સાંસ્કૃતિક પ્રયાસ સમા ઉપવાસ હતા. ત્યાર પછીનો ગાંધીજીનો ઉપવાસ રાજનૈતિક કારણસર હતો, પણ એની પ્રક્રિયા સાંસ્કૃતિક હતી. આ પુસ્તિકામાં ગાંધીજીના એકે એક ઉપવાસનો ઉલ્લેખ કરવાની કલ્પના નથી. પરંતુ એમના ઉપવાસના વિવિધ પાસાં વાચકની નજર સામે આવી જાય એવો પ્રયત્ન કરીએ. એ ઉપવાસ હતો માત્ર એક દિવસનો પ્રતીક ઉપવાસ. જે તેમણે રૉલેટ કાયદાનો વિરોધ જાહેર કરવા આખા દેશ સારુ સૂચવ્યો હતો. આખા દેશમાં એ કાયદાની વિરુદ્ધ લોકોમાં તીવ્ર લાગણી પ્રવર્તતી જોઈને એ લાગણીને યોગ્ય એવી અભિવ્યક્તિ મળે એ એનો આશય હતો. આ કાર્યક્રમ અંગે ગાંધીજીએ શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી - જેમને ત્યાં તેઓ મહેમાન હતા - સલાહ લીધી હતી. વિરોધ પ્રદર્શન કરવાના ત્રણ કાર્યક્રમ એક સાથે સૂચવવામાં આવ્યા હતા. ૧. ૨૪ કલાકના ઉપવાસ, ૨. સર્વસામાન્ય હડતાળ અને ૩. પ્રતિબંધિત સાહિત્યનું જાહેરમાં વેચાણ. ઉપવાસ સવારથી સાંજ સુધીના કરવામાં આવ્યા, એની પાછળ જે મુસલમાનોને રોજા રાખવાની ટેવ હોય છે તે લોકો પણ આ પરંપરા સમજી શકે એવી દૃષ્ટિ હતી. ઉપવાસને લાંબા ગાળાના ન રાખવા પાછળ મોટો વિશાળ સમુદાય એમાં ભળી શકે એ હતો. હડતાળો પાછળ ત્યાર સુધી સામાન્ય રીતે કાં તો કોઈ આર્થિક, કાં કોઈ સ્થાનિક કારણ હોય એમ બનતું પણ આ વખતની હડતાળ એક રાષ્ટ્રીય પ્રશ્નને લઈને થઈ રહી હતી. વિરોધ પ્રદર્શનના પરંપરાગત સાધનને ગાંધીજીએ રાષ્ટ્રીય વિરોધનું માધ્યમ બનાવી દીધું. ત્યાર બાદ એના અનેક સફળ-અસફળ પ્રયોગો થયા હતા. એ જ વર્ષે અમદાવાદ અને મુંબઈમાં ગાંધીજીએ બે વાર કરેલા ઉપવાસ સમાજ જીવનમાં વ્યાપ્ત હિંસાની વિરુદ્ધ હતા. આવા જ, પણ આનાથી ઘણા મોટા અને ગંભીર કારણને લીધે થયેલા ઉપવાસની થોડી વિગતવાર ચર્ચા આપણે આગળ ઉપર કરવાના છીએ, તેથી અહીં માત્ર એનો ઉલ્લેખ કરીને આપણે આગળ વધીએ. ૧૯૨૨માં ગાંધીજીએ કરેલા ઉપવાસ આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયા હતા. તેનું કારણ ઉપવાસ નહીં, પણ ગાંધીજીએ એની સાથે લીધેલો નિર્ણય હતો. અસહકારનો કાર્યક્રમ આગલે વર્ષે પૂર બહારમાં ખીલી ચૂક્યો હતો. કૉંગ્રેસ કાર્યકર્તાઓના આગ્રહથી એની સાથે સવિનય ભંગ અને જરૂર જણાય તો ના-કરના કાર્યક્રમો પણ ઉમેરવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો. એ કાર્યક્રમના આરંભમાં પ્રયોગ તરીકે બારડોલીમાં તાલુકા સ્તરે આંદોલન ચલાવવાની પૂરી તૈયારી થઈ ચૂકી હતી. દેશ આખો બારડોલીના કાર્યક્રમનું પરિણામ જોયા પછી સવિનય ભંગ કે ના-કરની લડાઈ શરૂ કરવા થનગની રહ્યો હતો. કાર્યક્રમને છેવટનું સ્વરૂપ આપવા સારુ ગાંધીજી બારડોલી પહોંચી ચૂક્યા હતા. ત્યાં એક છાપામાં તેમણે સમાચાર વાંચ્યા કે સંયુક્ત પ્રાંતો (હાલના ઉત્તર પ્રદેશ)ના ગોરખપુર જિલ્લામાં ચૌરીચૌરા ગામમાં લોકોના ટોળાં પર ગોળી ચલાવતા પોલીસની ગોળી ખૂટી ગઈ. ગોળીબારથીયે ન વિખરાયલા લોકોના ટોળાએ ઉત્તેજિત થઈ પોલીસોનો પીછો કર્યો. પોલીસો નાઠા. એમણે પોલીસ ચોકીમાં જઈને આશ્રય લીધો અને બારણાં અંદરથી વાસી દીધાં. ઉશ્કેરાયેલા ટોળાએ આખી ચોકીને જ આગ ચાંપી. એમાં ૨૧ સિપાઈ અને ૧ અધિકારી ભડથું થઈ ગયા. ગાંધીજીને આ સમાચાર વાંચી ભારે આંચકો લાગ્યો. ત્યાર પહેલા મુંબઈ અને મદ્રાસમાં થયેલી હિંસાથી એમના મનમાં થોડી ગડમથલ શરૂ થઈ ચૂકી હતી. ચૌરીચૌરાની ઘટનાને ગાંધીજીએ ઇશ્વર તરફથી અપાયેલો ત્રીજો ખતરાનો સંકેત માન્યો. એમણે તરત અસહકાર તથા સવિનય કાનૂનભંગ આંદોલનને સ્થગિત કરવાનો અને પાંચ દિવસનાં ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો. કૉંગ્રેસ કારોબારીના જે સભ્યો જેલની બહાર હતા તેમને તારથી બોલાવી એમને સમજાવીને ગાંધીજીએ આંદોલન સ્થગિત કરવાની જાહેરાત કરી. ૧૯૨૧ની અસહકાર આંદોલનની સફળતા જોઈને મુગ્ધ થઈ ગયેલા આગેવાનો આ નિર્ણયથી સ્તબ્ધ થઈ ગયા. કોઈ સેનાપતિને આમ જિતાતી લડાઈ વખતે મોરચો સંકેલી લેતા તેમણે જાણ્યા નહોતા. કેટલાક દુ:ખી થયા, કેટલાકને ગુસ્સો આવ્યો. કેટલાકે ગાંધીજી જોડે પત્રવ્યવહાર કરી ખેદ વ્યક્ત કર્યો. કેટલાકે સાથીઓ આગળ પોતાનો ઉકળાટ કાઢી આને ગાંધીજીની મહાન ભૂલ ગણાવી. આખા ચૌરીચૌરા પ્રકરણમાં ગાંધીજીના ઉપવાસ અંગે દેશમાં ભાગ્યે જ કાંઈ ચર્ચા થઈ. બધી ચર્ચા ગાંધીજીએ લીધેલા આંદોલનને સ્થગિત કરવાના નિર્ણય બાબત જ થઈ. દેશમાં એકંદરે વ્યાપેલી નિરાશાની લાગણીનો લાભ લઈને સરકારે ગાંધીજીને ગિરફતાર કર્યા અને અમદાવાદના સર્કિટ હાઉસમાં ભરાયેલી ખાસ કોરટમાં તેમને છ વરસની સજા ફટકારવામાં આવી. આ પ્રસંગે ગાંધીજીના ઉપવાસનો વિષય ખાસ ચર્ચા કે ચિંતાનો ન બન્યો, કારણ કે ઉપવાસ પાંચ દિવસના નક્કી કરેલા સમય પૂરતા મર્યાદિત હતા. અને તેમાંથી તેઓ પ્રમાણમાં પાર ઊતરી ગયા હતા. ચૌરીચૌરાની ઘટનાએ દેશને એક મોટો પાઠ શીખવ્યો. દેશ એ બરાબર સમજ્યો કે આ નેતા એવો છે કે પોતાની લડાઈની શુદ્ધતા જળવાઈ રહે એટલા ખાતર એ જીતની લડાઈને પણ સંકેલતાં અચકાશે નહીં ગાંધીજીએ આ ઉપવાસનો પ્રયોગ એમ જોઈએ તો અહિંસક વ્યૂહરચનાના એક ભાગ તરીકે જ કર્યો. પરંતુ આમાં એમણે એક એવી વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે જે એમના મનમાં તો પહેલેથી હશે, પણ જેનો ઉલ્લેખ એમણે બાદના ઘણા ઉપવાસો વખતે કર્યો હતો. તે વાત હતી ઈશ્વરનો સંકેત. કોઈ નિરીશ્વરવાદીની નહીં છતાં આંદોલનમાં પૂરા દિલથી જોડાયેલી વ્યક્તિની દૃષ્ટિએ આ ઘટનાને મૂલવવી હોય તો એમ કહી શકાય કે અગાઉ થઈ ગયેલાં બે છમકલાં અને ચૌરીચૌરાની ઘટનાથી ગાંધીજીએ દેશની નાડી પારખી લીધી. તેમણે જોઈ લીધું કે દેશ રાષ્ટ્રવ્યાપી સક્રિય અહિંસક આંદોલન સારુ તૈયાર નહોતો. તેથી તેમણે આંદોલનને સ્થગિત કર્યું. ૧૯૨૪માં દિલ્હીમાં કરેલા ગાંધીજીના ઉપવાસ એમના જીવનના સૌથી લાંબા બે ઉપવાસોમાંનો એક હતો. ૧૯૨૪માં કોમી એખલાસના પ્રશ્નને ધ્યાનમાં રાખીને ગાંધીજીએ ૨૧ દિવસના ઉપવાસ કર્યા હતા. દિલ્હીમાં મૌલાના મહમદ અલીને ઘેરે રહીને કરવામાં આવેલા આ ઉપવાસનો નિર્ણય ગાંધીજીએ એકલાએ પોતાની અંત:પ્રેરણાથી કર્યો હતો. એમના શબ્દોમાં કહીએ તો તે ભીતરના અવાજના જવાબમાં થયેલા ઉપવાસ હતા. એમને મન એ ઈશ્વરના આદેશ સમાન જ હતા. ગાંધીજીના આ વલણને સમજી લેવા જેવું છે. સાવ નાનપણથી ગાંધીજીએ અંતરના વિવેકને સર્વોપરી મહત્ત્વ આપ્યું હતું. પોતાની માતાના એ એક પ્રકારે ભક્ત જ હતા. વડીલોના આગ્રહને હમેશા માથે ચડાવે એવા આજ્ઞાંકિત હતા. પણ દીવાન કબા ગાંધીના ઘરનું સંડાસ સાફ કરવા આવનાર ઉકાને ન અડવાની માતાની આજ્ઞાને માનવા તેઓ તૈયાર નહોતા. એમનો અંતરનો વિવેક કોઈ માણસને અસ્પૃશ્ય ગણવા તૈયાર નહોતો. એ જ અંતરનો વિવેક એમને આગળ ઉપર એમ કહેવડાવી શક્યો હતો કે “જો કોઈ પંડિત મારી આગળ એમ સિદ્ધ કરી આપે કે વેદમાં અસ્પૃશ્યતા ઉપદેશાઈ છે, તો હું વેદનો ત્યાગ કરીશ, પણ અસ્પૃશ્યતાને નહીં માનું.” ગાંધીજીના જીવનના અનેક કટોકટીના પ્રસંગે તેમને એમના અંતરાત્માના વિવેકે માર્ગ સુઝાડ્યો હતો. તેઓ એવી શ્રદ્ધા ધરાવતા હતા કે જો કોઈ પણ પૂરી નમ્રતાથી ઈશ્વરની પ્રાર્થના કરીને માર્ગદર્શન માગે તો એને એ મળી જ રહે છે. માણસ જો પોતાની બંસરીને અભિમાનરહિત, વિકાર રહિત રાખે તો એ બંસરીમાંથી હરિનો સૂર સંભળાય. દિલ્હીના ઉપવાસની જાહેરાત પછી ગાંધીજીના કેટલાક હિંદુ અને મુસ્લિમ જિગરી મિત્રોએ તેમને પ્રેમથી અને નમ્રતાથી એ પૂછ્યું પણ હતું કે આવો મોટો નિર્ણય કરતાં પહેલાં અમારી સાથે ચર્ચા તો કરવી હતી! પણ ગાંધીજીનો જવાબ સ્પષ્ટ હતો. “આ મામલો મારા અને મારા અલ્લાહ વચ્ચેનો હતો.” એટલે બીજા કોઈને વચમાં નાખવાની એમને જરૂર જ નહોતી લાગી. અંતરાત્માના અવાજવાળી વાત આ વખતે તો વધુ સ્પષ્ટ હતી. તે માત્ર એકપક્ષી આદેશ નહોતો. તે એક સંવાદને અંતે પ્રાપ્ત થયેલો આદેશ હતો. દેશની કથળતી કોમી પરિસ્થિતિ જોઈને ગાંધીજી મુંઝારો તો અનુભવતા જ હતા. આ પરિસ્થિતિમાં શું કરવું એ એમને સુઝતું નહોતું. તેઓ પ્રાર્થના કરતા રહેતા હતા કે ‘હે ભગવાન મને કાંઈક રસ્તો સૂઝાડ.’ અચાનક એમને અંદરનો અવાજ સંભળાયો કે ઉપવાસ કર. તેમણે એ અવાજને પૂછ્યું કેટલા દિવસના? અને જવાબ આવ્યો ૨૧ દિવસના. તે પહેલા પોતાની સામાન્ય બુદ્ધિથી વિચાર કરતાં તેમને ૪૦ દિવસના ઉપવાસનો વિચાર આવેલો ખરો, પણ ૨૧ દિવસના ઉપવાસનો તેમને ભીતરથી આદેશ મળ્યો. આ ઉપવાસ દરમિયાન દિલ્હીમાં દેશના ધાર્મિક અને રાષ્ટ્રીય આગેવાનોની એક પરિષદ મળી હતી. તેમણે દેશની પરિસ્થિતિ વધારે ન કથળે એ દૃષ્ટિએ એક આચારસંહિતા પણ ઘડી કાઢી હતી. આ પરિષદનો મુખ્ય લાભ તો કદાચ એ થયો કે હિંદુ અને મુસ્લિમ આગેવાનોએ પોતપોતાના પ્રશ્નોને સ્પષ્ટપણે વ્યક્ત કર્યા. એમાં સ્પષ્ટતા હતી, પણ કડવાશ બને એટલી ઓછી હતી. બાકી ફરિયાદો તો બંને પક્ષોને એકબીજાની વિરુદ્ધ કરવાની હતી. પરંતુ ચર્ચાઓ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થવાનું કદાચ સૌથી મોટું કારણ એ હતું કે એ જ શહેરમાં ગાંધીજી એ વખતે ઉપવાસ કરી રહ્યા હતા. આ ઉપવાસે સામાન્ય જનતાના હૃદયોને હલાવવાનું કામ તો કર્યું જ. લોકોનાં શ્રદ્ધા અને પ્રેમની અભિવ્યક્તિનાં અનેક દૃશ્યોનું વર્ણન આપણને મહાદેવભાઈની ડાયરીમાં જોવા મળે એમ છે. ૧૯૩૨ના યરવડા જેલમાં કરેલા ઉપવાસ ઠીક ઠીક ચર્ચાયેલા ઉપવાસ છે. ગાંધીજીના એક સચિવ પ્યારેલાલે તો એ ઉપવાસ અંગે ‘એન એપિક ફાસ્ટ’ નામનું પુસ્તક પણ લખ્યું છે. એનું પગેરુ શોધવા આપણે ઇંગ્લેન્ડ જવું પડે એમ છે. બીજી ગોળમેજી પરિષદ વખતે કહેવાતા અસ્પૃશ્યો સારુ અલગ મતદાર મંડળનો વિષય ઠીક ઠીક ચર્ચાયો હતો. ડૉ. આંબેડકર અલગ મતદાર મંડળના ટેકેદાર હતા અને ગાંધીજી એના વિરોધી હતા. છેવટે એ વિષય અંગે ત્યાં કોઈ નિર્ણય નહોતો થઈ શક્યો. પણ વડાપ્રધાન પાછળથી એ બાબત અંતિમ ચુકાદો જાહેર કરશે એમ કહેવામાં આવ્યું હતું. ગાંધીજીએ જતાં જતાં પોતાના ભાષણમાં એ મતલબનું કહ્યું હતું કે અલગ મતદાર મંડળ આપવામાં આવશે તો તે મારા પ્રાણના ભોગે અપાશે. ગાંધીજીના આ વાક્યને બીજા કેટલાક લોકોની માફક બ્રિટિશ વડાપ્રધાન રામ્સે મેકડૉલન્ડે પણ કદાચ અતિશયોક્તિ અલંકારવાળું વાક્ય જ ગણ્યું હશે. પણ ગાંધીજી એ બાબત ખૂબ ગંભીર હતા. તેમણે ‘કોમી ચુકાદા’ની વિરુદ્ધ આમરણ ઉપવાસ કરવાની સૂચના સરકારને આપી. પોતે જેલમાં એક કેદી તરીકે હતા, એટલે સરકારને પૂર્વસૂચના આપ્યા વિના આવું ગંભીર પગલું ન ભરાય એમ વિચારી તેમણે લગભગ છ મહિના પહેલાથી ચેતવણી આપી. વળી આ વિચાર બાબતે તેમણે જેલના પોતાના બે સાથીઓ - સરદાર વલ્લભભાઈ અને મહાદેવભાઈ જોડે ચર્ચાઓ પણ કરી હતી. સામાન્ય રીતે બીજા ઉપવાસો દરમિયાન બનતું હતું તેમ આ ઉપવાસ સાવ એકાએક જ નહોતા આદર્યા. આટલી લાંબી ચેતવણી અને થોડાક પત્રવ્યવહાર પછી જ્યારે ‘ગાંધીજીએ જોયું કે સરકાર કોમી ચુકાદા બાબત જરા જેટલોય ફરક કરવા તૈયાર નથી ત્યારે તેમણે ઉપવાસ શરૂ કર્યા હતા.’ કેટલાક લોકોના મનમાં એ પ્રશ્ન ઊઠી શકે છે કે દલિતોનો હમેશા પક્ષ તાણનાર ગાંધીજી એમને અલગ મતાધિકાર મળે એનો વિરોધ કરવા આમરણ ઉપવાસ પર ઊતરવા સુધી કેમ ગયા હશે ? ગાંધીજીએ એકથી વધારે વાર એ બાબત ચોખવટ કરી હતી. કોઈ પણ એક જૂથને આ પ્રકારનો વિશેષ અધિકાર આપવો એટલે તેને સદાને માટે તે જૂથમાં જ રાખવાનું ઉત્તેજન આપવું. ગોળમેજી પરિષદ વખતે ઇંગ્લેન્ડમાં જ તેમણે કહ્યું હતું કે મુસલમાન કે શીખોને અલગ મતાધિકાર મંડળ છે તે એમને કાયમ માટે મુસલમાન કે શીખ રહેવું ગમે કે પોષાય, પણ ‘અસ્પૃશ્યો’ કાયમને સારુ અસ્પૃશ્ય રહેવા તૈયાર થાય ખરા? અને એમને કાયમના અસ્પૃશ્ય રખાય એમ કોઈ પણ ઇચ્છે ખરું? માનવતામાં વિશ્વાસ ધરાવનાર કોઈ પણ સત્ય પ્રેમી તો એમ ઇચ્છે કે સમાજનો કોઈ પણ વર્ગ કાયમ સારુ અસ્પૃશ્ય ન જ રહે. શીખોના અલગ મતાધિકાર તો સ્વતંત્ર ભારતના બંધારણમાં સમાપ્ત થઈ ગયા હતા. મુસ્લિમોને અલગ મતદારમંડળ તો છેવટે તેમને આ દેશના ટુકડા પાડવા સુધી લઈ ગયું હતું. એવા ટુકડા અસ્પૃશ્યોને લીધે પણ પડે એમ કોઈ રાષ્ટ્રપ્રેમી ઇચ્છે ખરો ? અને મુસ્લિમોની વસ્તીનો એક ખાસ્સો મોટો ભાગ ભૌગોલિક રીતે દેશની ઉત્તર પશ્ચિમે અને ઉત્તર પૂર્વમાં વસેલો હતો, તેથી તેમને સારુ તે ભાગોને દેશમાંથી અલગ કરવામાં આવ્યા. પણ દલિતો તો હિંદુસ્તાનને ગામડે ગામડે વિખરાયેલા હતા. એમને સારુ લાખો દલિતિસ્તાન બનાવવાં સંભવ હતાં ખરાં ? અને એવી કોઈ અલગવાદની ચળવળ ચાલી હોત તો લાખો ગામડાંમાં ફેલાયેલાં લઘુમતી ધરાવતા, ગરીબ, મોટેભાગે અશિક્ષિત અથવા અલ્પશિક્ષિત દલિતોની શી વલે થાત ? એક મરાઠાવાડા, યુનિવર્સિટીના નામની આગળ બાબાસાહેબ આંબેડકરનું નામ જોડવાના મુદ્દા ઉપર થયેલી હિંસાને લીધે મરાઠાવાડાનાં કેટકેટલાં દલિતવાસો આગથી ભસ્મ થયા હતા એ જાણનાર લોકો સહેલાઈથી સમજી શકશે કે આવી માગણીને લીધે કેવી હિંસા ફાટી નીકળે, અને તેમાં દલિતોનો જ મરો થાય એનો ગાંધીજીને અંદાજ હતો. ઉપવાસની શરૂઆત વખતે જ ડૉ. આંબેડકરે ગાંધીજીને નિખાલસતાથી એ વાત કહી દીધી હતી કે આ ચુકાદાથી દલિતોને જે અધિકાર મળે છે તેને જો છોડવો હોય તો એના બદલામાં એમને સંતોષ થાય એવું ને એટલું બીજું કાંઈક જોઈએ. ગાંધીજીએ તેમને કહ્યું હતું કે તમે જો જન્મથી દલિત છો, તો હું મારી પસંદગીથી દલિત બનેલો છું એટલે તમારી માફક હું પણ દલિતોના હિત ખાતર લડવા તૈયાર છું. કેન્દ્રીય ધારાસભામાં દલિતોને કેટલું પ્રતિનિધિત્વ મળે એની વાટાઘાટો જ્યારે પૂનામાં એકઠા થયેલા દલિત અને બિનદલિત આગેવાનો વચ્ચે શરૂ થઈ ત્યારે છેવટે આંબેડકર જેટલી બેઠકોથી સમાધાન કરવા તૈયાર થયા હતા એના કરતાં ઘણી વધારે બેઠકો દલિતોને મળવી જોઈએ એવો આગ્રહ ગાંધીજીએ રાખ્યો હતો. અને ગાંધીજીના એ આગ્રહનો આધાર લઈને દલિતોને બેઠકો મળી હતી. ઉપવાસ વખતે તો ગાંધીજીને ઉદ્દેશીને ડૉ. આંબેડકરે એટલે સુધી કહ્યું હતું કે “આપ જેટલું મને સમજો છો એટલું આપના સાથીઓ મને નથી સમજતા.” ‘પૂના કરાર’ પર સહીઓ થઈ. અંગ્રેજ સરકારે તે કરાર મુજબના સુધારા એમના ચુકાદામાં કર્યા પછી તરત મળેલી એક સભામાં ડૉ. આંબેડકરે એક વાત પોતે ન સમજ્યા હોવાની જાહેરાત કરી હતી, કે ગાંધીજીએ ઉપવાસ પછી જે સમાધાન કર્યું હતું તેટલું ગોળમેજી પરિષદમાં કેમ ન કરી લીધું ? તેમણે એમ કર્યું હોત તો ઉપવાસ દ્વારા તેમણે જે કષ્ટ ભોગવ્યું તે તેમને ભોગવવું ન પડ્યું હોત. અહીં આપણે ગાંધીજીના ઉપવાસે સર્જેલા વાતાવરણનો ખ્યાલ રાખવો જોઈએ. ઇંગ્લેન્ડમાં આ બાબત ચર્ચાઓ ચાલતી હતી ત્યારે તે માત્ર એક તરફ ગાંધીજી અને બીજી તરફ અંગ્રેજ સરકાર દ્વારા વીણી વીણીને બોલાવવામાં આવેલા ‘પ્રતિનિધિઓ’ વચ્ચેની વાટાઘાટો હતી. પૂનામાં ચર્ચા ચાલતી હતી સવર્ણ હિંદુઓ અને દલિતો વચ્ચે. ત્યાં ભાગલાને ઉત્તેજન આપે તેવા અંગ્રેજો હતા. અહીં હતા ગાંધીજીના ઉપવાસ વહેલામાં વહેલી તકે પૂરા કેમ થાય એની ચિંતા કરનારા હિંદીઓ. ગાંધીજીના ઉપવાસે આખા દેશનું ધ્યાન અસ્પૃશ્યતાના પ્રશ્ન અંગે એકાગ્ર કર્યું હતું. સવર્ણ હિંદુઓમાં અસ્પૃશ્યતાના પાપ અંગે જેટલો પોતાના દોષના અનુભવનો ભાવ અને દલિતોમાં પોતાના ન્યાયોચિત અધિકારો વિષે સભાનતાનો ભાવ ગાંધીજીના આ ઉપવાસથી પેદા થયો હતો, એટલો ભાગ્યે જ બીજી કોઈ ઘટનાને લીધે થયો હશે. ગોળમેજી પરિષદ વખતે ગાંધીજીએ આ સમાધાન કર્યું હોત તો તેની પાછળ એમના ઉપવાસે પેદા કરેલા નૈતિકતાના વાતાવરણનો ટેકો ન મળ્યો હોત. આ ઉપવાસ દરમિયાન ગાંધીજીની તબિયત ઘણી ઝડપથી બગડી હતી. રોજે રોજ ચાલતી વાટાઘાટો અને તેની બારીકીઓનું દબાણ પણ એમના શરીર પર જરૂર અસર કરતું હશે. પણ એમને ટકાવી રાખનારું એક તત્ત્વ હતું ઇશ્વર પરની શ્રદ્ધા અને બીજું તત્ત્વ હતું ભારતના લોકોની પ્રગટ થયેલી એમના ઉપરની શ્રદ્ધા. એ જ જેલમાં શરૂ થઈને પૂનાની પર્ણકુટિરમાં પૂરા થયેલા ૧૯૩૩ના ૨૧ દિવસના ઉપવાસ આત્મશુદ્ધિ માટેના હતા. સવિનય કાનૂનભંગ આંદોલનમાં અને ‘હરિજન સેવા’ના કાર્યમાં સત્યાગ્રહીની વર્તણૂંકમાં ક્યાંક ક્યાંક આવેલી નબળાઈને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા આ ઉપવાસ પૂર્ણત: આત્મશુદ્ધિ અર્થે હતા. આગાખાન મહેલમાં કરવામાં આવેલા ઉપવાસ એક રાજનૈતિક બંદીના ચિત્કાર સમાન હતા. ૧૯૪૨ના ‘ભારત છોડો’ ઠરાવ પછી આખા દેશમાં નેતાઓની જે ધરપકડો થઈ અને દેશમાં ભાંગફોડના જે બનાવો બન્યા તે માટે સરકાર ગાંધીજીને જ જવાબદાર ઠરાવતી હતી. ગાંધીજીને આ અંગે કશું કહેવા કે લખવા દેતી નહોતી. ગાંધીજીનાં વચોનોને તોડીમરોડીને એમને દોષી ઠરાવી, એ આરોપો અંગે સરકાર એકપક્ષી બયાન આપ્યે જતી હતી. ગાંધીજી પાસે સત્યને દબાવી રાખવાની આ કોશિશનો એક જ ઉપાય ઉપવાસનો રહી ગયો હતો. આ ઉપવાસ થયા ત્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. ‘ભારત છોડો’ આંદોલનથી અકળાઈ ગયેલી સરકાર આંદોલનને પોતે સફળતાથી કચડી નાખ્યું છે એમ સમજીને હાશ અનુભવતી હતી. ભારત અંગે નિર્ણય કરનારા ત્રણ માંધાતાઓ વડાપ્રધાન ચર્ચિલ, હિંદી વજીર એમરી અને વાઈસરોય લિનલિથગો ત્રણેય કટ્ટર સંસ્થાનવાદીઓ તરીકે જાણીતા હતા. ગાંધીજી જેલમાં મરે તો એમને મરવા દેવાની પણ આમની તૈયારી હશે તે આ લોકોએ કરેલા પત્રવ્યવહારથી જણાઈ આવે છે. ગાંધી હજી કેમ મર્યો નથી એની તપાસ વિન્સ્ટન ચર્ચિલે એકથી વધારે વાર કરી હતી. ગાંધીજીનું મૃત્યુ થાય અને જો લોકો તોફાને ચડે તો એ તોફાનોને દાબી દેવા પૂનામાં ટૅન્કોને સજ્જ રાખવામાં આવી હતી. ઉપવાસ વખતે ગાંધીજી ભલે માનસિક શાંતિ અનુભવતા. પણ ઉપવાસથી શારીરિક કષ્ટ તો તેમને ઘણું થતું. ઉપવાસને ત્રીજે કે ચોથે દહાડે એમને મોંમાં મોળ આવવા લાગતા, અને પાણી તો ઠીક, પણ થૂંક ગળવામાં પણ એમને મુશ્કેલી પડતી. ઉપવાસોના આવા પૂર્વાનુભવને લીધે જ તેમણે સરકારને પહેલેથી લખી જણાવ્યું હતું કે ઉપવાસ વખતે તેઓ પાણી લેશે અને પાણીને ગળે ઉતારવું શક્ય બને એટલા સારુ એ પાણીમાં સોડા બાઈકાર્બ સાથે જરૂર જણાય તેટલા લીંબુ કે સંતરા જાતિના ફળનાં રસ ઉમેરશે. આગાખાન મહેલના ઉપવાસ વખતે મોમાં મોળ આવવાની શરૂઆત વહેલી થઈ ગઈ હતી. પાણી ગળે ઉતારવું મુશ્કેલ થઈ ગયું હતું. લીંબુ કે સંતરાના રસનાં થોડાં ટીપાં ઉમેરીને પાણી પીવાલાયક બનાવાતું હતું. ગાંધીજી જોકે આ ટીપાં ઉમેરવાનું પણ જેમ બને એમ ટાળવા માગતા હતા. પરંતુ પાણી તેઓ અવશ્ય લેવા માગતા હતા. કારણ ઉપવાસને લીધે શરીરના કોષો જે નષ્ટ થતા તેને બહાર કાઢવા પાણી લેવું જરૂરી હતું. તોયે ન છૂટકે જ રસના ટીપાં લેવાની તેઓ અનુમતિ આપતા. એમની તબિયતની તપાસ રાખતાં ડૉ. સુશીલા નાયર ગાંધીજીના આ બાબતના આગ્રહને બરાબર જાણતાં તેથી સરકારી દાક્તરો ગમે તેટલો આગ્રહ કરે તો પણ તેઓ પાણીમાં ગ્લુકોઝ કે મધ જેવું પોષક તત્ત્વ ઉમેરવા દેતાં જ નહીં. પેશાબમાં એસીટોન જવા માંડ્યો અને પાણી લેવું લગભગ અશક્ય બનવા લાગ્યું ત્યારે દાક્તરોએ સાઈટ્રસ (લીંબુ કે સંતરાં)ના રસનાં ટીપાં વધારવા માંડયાં. સરકારના લોકોએ દુનિયા આગળ એવો પ્રચાર કરવા માંડ્યો કે ગાંધીજી ખરેખર ઉપવાસ કરતા જ નથી. એ ફળોના રસ પર નભે છે. ગાંધીજી ખોરાક લે છે અને તેથી ઉપવાસમાં એમનું વજન ઘટવાને બદલે વધે છે એમ સિદ્ધ કરવા એક વાર તેમણે એક હલકટ પ્રકારની ચાલાકી અજમાવવાનું વિચાર્યું. એક દિવસ સવારે તેમનું નિયમ મુજબ વજન લેવામાં આવ્યું તો તે આગલા દિવસ કરતાં ૪ રતલ વધારે નીકળ્યું. ડૉ. સુશીલા અને પ્યારેલાલ વગેરેને એથી ભારે આશ્ચર્ય થયું. તેઓ જાણાતાં હતાં કે તેમના શરીરનાં બીજાં બધાં લક્ષણો તો એવાં હતાં કે ગાંધીજી વધુ ને વધુ દુર્બળ થઈ રહ્યા હતા. ઉપવાસના ૨૧ દિવસો દરમિયાન આ લેખકને ગાંધીજી સાથે આગાખાન મહેલની જેલમાં કેદી તરીકે રાખવામાં આવ્યો હતો. ગાંધીજી સારુ આણવામાં આવેલ કાંટા પર કુતૂહલવશ હું પણ રોજ મારું વજન કરતો. તે દિવસે પણ મેં મારું વજન કર્યું તો તે આગલા દિવસ કરતાં ૪ રતલ વધારે આવ્યું! મેં એ વાત પ્યારેલાલજીને કરી. પછી તો ગાંધીજી સાથેના ઘણા અંતેવાસીઓએ પણ એ કાંટા પર વજન કરી જોયું ને દરેક જણનું વજન સામાન્ય રીતે રહેતું એના કરતાં લગભગ ૪ રતલ વધારે નીકળ્યું! એટલે એ કાંટાની તપાસ કરતાં માલૂમ પડ્યું કે એની સાથે જ એવાં ચેડાં કરવામાં આવ્યાં હતાં કે એમાં વજન વધુ દેખાય! ગાંધીજીના જીવનના છેલ્લા બે ઉપવાસ કદાચ એમના સર્વોત્તમ ઉપવાસ હતા. ૧૯૪૭ના કલકત્તાના અને ૧૯૪૮ના દિલ્હીના ઉપવાસે એક એવી શક્તિ પ્રગટ કરી હતી કે જેણે સાંપ્રદાયિક હિંસાના આખલાને નાથ્યો હતો. કલકત્તામાં તો પ્રત્યક્ષ કોમી હુલ્લડ ચાલુ હતું ત્યારે જ ગાંધીજીએ ઉપવાસ કર્યા હતા, જ્યારે દિલ્હીમાં હુલ્લડ તે વખતે ખૂબ મોટા પ્રમાણમાં ચાલુ નહોતું, પણ પાકિસ્તાનથી આવી રહેલા નિરાશ્રિતોનાં ટોળાં ગમે ત્યારે તોફાને ચડી શકે એવું ત્યાં વાતાવરણ હતું. પાકિસ્તાનમાં કરાંચીમાં તે વખતે ફાટી નીકળેલી હિંસાના વળતા જવાબરૂપે દિલ્હીમાં હિંસાનું મોજું ફરી વળશે એવો ભો હતો. આ ઉપવાસ વખતે ગાંધીજીની ઉંમર ૭૮-૭૯ વર્ષની હતી, એ ખ્યાલમાં રહે. કલકત્તામાં તો ઉપવાસે જાણે ગાંધીજીના આંગણામાં આવીને બારણા ખખડાવ્યાં હતાં. એમ તો ગાંધીજી બીજી વાર નોઆખલી જવા સારુ કલકત્તા આવ્યા હતા. પણ ત્યાંની પરિસ્થિતિ ધૂંધવાતી જોઈને સુહરાવર્દી વગેરેએ એમને કલકત્તામાં રોકી લીધા હતા. આઝાદીનો દિવસ કલકત્તાએ કોમી એખલાસના અપૂર્વ માહોલમાં ઊજવ્યો હતો. જો કે ગાંધીજીએ તે દિવસે ઉપવાસ રાખ્યો હતો. એખલાસના આ દૃશ્યો છેતરામણાં નીકળશે એવી એમને આશંકા હતી અને તે અંગે તેમણે ચેતવણી પણ આપેલી. સપ્ટેમ્બરના આરંભમાં ફરી હિંસા ફાટી નીકળી ત્યારે હિંસક ટોળાંઓ ગાંધીજીએ જ્યાં શહીદ સુહરાવર્દી સાથે ઉતારો રાખ્યો હતો તે બેલિયાઘાટના હૈદરી મેન્શન પર આવી પહોંચ્યાં હતાં. એ મકાનને તેમણે ઠીક ઠીક નુક્સાન પહોંચાડ્યું હતું અને ગાંધીજી ઉપર પણ ઈંટ કે લાઠી ફેંકીને હુમલો કરવાના પ્રયાસ થયા હતા. ગાંધીજીએ તે જ ક્ષણે નોઆખલી ન જતાં કલકત્તા રોકાઈ જવાનો નિર્ણય કર્યો હતો. અને તેમણે સાંજે ખાણું ન લીધું ત્યારે જ લોકોને ખબર પડી હતી કે તેઓ ઉપવાસ પર ઊતર્યા હતા. આ હુલ્લડ સારુ કોણ જવાબદાર છે એને અંગે હિંદુમહાસભા અને ફોરવર્ડ બ્લૉક એકબીજા સામે આંગળી ચીંધતા હતા. ગાંધીજીના ઉપવાસના સમાચાર વીજળી વેગે આખા શહેરમાં ફેલાઈ ગયા. કોઈએ એની ટીખળ કરી. કોઈ કોઈ અકળાયા. કોઈ કોઈ એમ વિચારવા લાગ્યા કે એમના ઉપવાસ છોડાવવા અમારાથી શું થઈ શકે. આમ વિચારનારાઓને ગાંધીજી સલાહ આપતા કે તમે મહોલ્લે મહોલ્લે ફરીને લોકોને શાંતિ રાખવા સમજાવો. આવો પ્રયાસ કરતાં બે યુવાનો શ્રી સચિન મિત્ર અને શ્રી સ્મૃતિશ બેનર્જી મોતને ભેટ્યા હતા. ગાંધીજીએ એમના પરિવારજનોને સાંત્વના આપવાની સાથે એમને પણ શાંતિના કામમાં પોતાનાથી બની શકે તેવી સેવા આપવા સુઝાડ્યું હતું. હિંદુમહાસભાના આગેવાન શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી ત્યારે શહેરમાં બીમાર અવસ્થામાં હતા. તેમને મળવા ગાંધીજી વતી જ્યારે પ્યારેલાલ ગયા ત્યારે તેઓ તરત એ વાતને સમજી ગયા કે આઝાદી પછી તરત જો આપણા દેશમાં કોમી હુલ્લડો થશે તો એની પ્રતિક્રિયા પાકિસ્તાનમાં વધુ માઠી આવશે. તેમણે તરત કલકત્તાના નાગરિકો જોગ શાંતિ સ્થાપવાની અપીલનો ખરડો તૈયાર કરી આપીને તેની ઉપર પોતાની સહી કરી આપી. કલકત્તાના ઘણાખરા પક્ષોના આગેવાનોએ આ અપીલ પર સહીઓ કરી. ઠેર ઠેર લોકો શાંતિ પ્રયાસમાં લાગી ગયા. ગાંધીજીને આ દિવસોમાં કોઈએ કહ્યું કે તોફાનો તો મવાલીઓ કરે છે. ગાંધીજીએ એમને સમજાવ્યું તે વાત સાચી હોય તો પણ એમને મવાલી બનાવવામાં સમાજની જવાબદારી છે. મવાલીને આપણે ન સમજાવી શકીએ તોયે આપણે એમનો ઉપયોગ કરનાર તત્ત્વોને સમજાવવા પ્રયત્ન કરવો જોઈએ. આ ઉપવાસમાં ગાંધીજીની તબિયત ખૂબ વહેલી બગડી. એમની સ્થિતિ કટોકટ છે એ વાત પણ શહેરમાં ફેલાઈ ગઈ. વાતાવરણમાં એક જ વાત ગુંજતી થઈ ગઈ. આપણે લીધે ગાંધીજી પોતાનો જાન જોખમમાં મૂકી રહ્યા છે. હુલ્લડમાં સક્રિય એવા ગુંડાઓ ઘેરે ગયા ત્યારે તેમને સારુ તો ભોજન તૈયાર હતું. પણ તેમણે જોયું કે ઘરવાળીએ મોંમાં અન્નનો દાણો પણ મૂક્યો નથી. ‘ગાંધીજી આપણી ખાતર પ્રાણ આપી રહ્યા છે, ને આપણાથી શી રીતે ખવાય?’ એ એમનો પ્રશ્ન કેટલાકે કાનેથી સાંભળ્યો, કેટલાએ એમની આંખમાં વાંચ્યો અને પલટો આવ્યો. પહેલાં એક બે, પછી નાની ટુકડીઓમાં આવી આવીને ખુદ હિંસા કરનારાઓએ ગાંધીજી સમક્ષ પોતાની ભૂલ કબૂલી. હૈદરી મેન્શનમાં ગુંડાઓએ વાપરેલા હથિયારોનો ખડકલો થયો. એક પછી એક મહોલ્લામાં પૂરી શાંતિ સ્થપાયાના સમાચાર આવવા લાગ્યા. નેતાઓએ આવી ગાંધીજીને પારણાં કરવા વિનંતી કરી. ગાંધીજીએ આવી હિંસા ફરી થાય તો પોતે પ્રાણ જ આપશે એવી ચેતવણી આપી પારણાં કર્યાં. જ્યાં હુલ્લડો થયાં હતાં એવા મહોલ્લાઓમાં એક કોમના લોકોએ બીજી કોમના લોકોને ભેટીને એમનાં મોં મીઠાં કર્યાં. વાઈસરૉય લોર્ડ માઉન્ટબેટને ગાંધીજીને લખ્યું કે એક “સેનાપતિ અને એક વહીવટકર્તા તરીકે મને કહેવા દો કે પંજાબમાં અમારી ૫૫૦૦૦ની ફોજ ખડી છે અને અમે સ્થિતિને કાબૂમાં લાવી નથી શકતા. પૂર્વમાં અમારું એક જણનું લશ્કર છે ને તેમણે અશાંતિને રોકી દીધી છે.” દિલ્હીનું તો વાતાવરણ જ એવું હતું કે ગાંધીજી જેવાનો જીવ ગૂંગળાય. શરણાર્થીઓએ મસ્જિદોના કબજા લીધા હતા. દિલ્હી ખાલી કરી ગયેલા લોકોનાં ઘરોના પણ એ જ હાલ હતા. શાંતિ સ્થાપવા જનારા લોકો ઉપર સાંપ્રદાયિક સંગઠનોના દફતરોમાંથી ગોળીઓ વછૂટતી હતી. ઘવાઈને હૉસ્પિટલમાં પહોંચેલા લોકો પર હુમલા થતા હતા. ભાગલા પછી પણ જે લોકોએ ભારત ન છોડવાનો નિર્ણય કર્યો હતો એવા મુસ્લિમોની શ્રદ્ધા ડગમગવા લાગી હતી. ગાંધીજીને અવારનવાર મળવા આવનાર બે ત્રણ મૌલાનાઓએ એમને કહ્યું કે “હવે તો અમને ઇગ્લેન્ડની ટિકિટ કપાવી આપો. અમારે પાકિસ્તાન જવું નથી ને હિંદમાં અમારાથી રહેવાતું નથી.” છેલ્લા થોડા દિવસોથી ગાંધીજી ખૂબ અકળાતા હતા. તેઓ તીવ્રતાથી પ્રાર્થના કરતા હતા. મૌલાનાઓને તો ગાંધીજીએ ઠપકો આપ્યો, પણ પોતે વિચાર્યું કે હું સુરક્ષિત હોઉંને આમને હિંમત રાખવાની સલાહ શી રીતે આપી શકું? ૧૩મી તારીખે સોમવાર હતો. તે દિવસે પ્રાર્થના સભામાં ગાંધીજીનું લિખિત પ્રવચન વાંચી સંભળાવવામાં આવ્યું. ગાંધીજીએ દિલ્હીમાં પૂરી શાંતિ ન થાય ત્યાં સુધી અનશન કરવાની જાહેરાત કરી. ઉપવાસ પહેલા અનુભવેલી મૂંઝવણ ઉપવાસ શરૂ કર્યા પછી તરત ખતમ થઈ. તેઓ પરમ શાંતિનો અનુભવ કરવા લાગ્યા. તેઓ ઉપવાસને ઉપાસનાનું માધ્યમ માનતા હતા અને એક વાર ઉપવાસ શરૂ કર્યા પછી પોતાને હરિને શરણે સોંપી દેતા. ઉપાસના અને ઉપવાસ બંનેનું જોડકું એવું હતું કે બંને એક બીજાને શક્તિ આપતાં. આ ઉપવાસની અસર માત્ર આ દેશમાં જ નહીં પણ પાકિસ્તાન સહિત બીજા અનેક દેશો પર પણ પડી. દિલ્હીની વીશીઓએ ભોજનાલયો બંધ રાખ્યાં. કટ્ટર હિંદુ ગણાતા મહોલ્લાઓએ મુસ્લિમ ભાઈ બહેનોનું સ્વાગત કર્યું. જે શરણાર્થીઓમાંથી કોઈ કોઈ ગાંધીજીને સલાહ આપતું કે તમે રાજકારણ છોડી હિમાલય સિધાવો. તેમાંથી લાખેક જેટલા શરણાર્થીઓએ ગાંધીજીની સહાનુભૂતિમાં ભોજન છોડ્યું. ભારત છોડીને પાકિસ્તાન ગયેલા કેટલાક મુસલમાનો ભારત પાછા આવવા તૈયાર થયા છે એવા સમાચાર ગાંધીજીને મળ્યા. ગાંધીજીના ઉપવાસ છોડાવવા કેટલાક લોકોને એમના અંતરંગ લોકોએ સમજાવ્યું કે ગાંધીજીએ એક વાર એવો નિર્ણય લીધો પછી એને ફેરવવો અશક્ય હોય છે. બીજાઓએ સમજાવ્યું કે એના કરતાં શું કરીએ તો ગાંધીજી ઉપવાસ છોડે એનો વિચાર કરીએ. ગાંધીજીને એ પૃચ્છા કરવામાં આવી. ગાંધીજીએ પોતાની શરતો લખી આપી. એ શરતો પર સર્વ પક્ષ અને સાંસ્કૃતિક સંસ્થાઓના આગેવાનોએ સહી કરી ત્યાર પછી જ ગાંધીજીએ પ્રાર્થના કરીને પારણાં કર્યાં હતાં. ગાંધીજીએ દિલ્હીમાં ઉપવાસ કર્યા હતા ત્યારે પં. જવાહરલાલજીએ પણ કોઈ જાતની જાહેરાત કર્યા વિના ઉપવાસ કર્યા હતા. ગાંધીજીએ ઉપવાસ પછી પારણાં કર્યાં ત્યારે આ વાતની જાણ થઈ. ગાંધીજીએ તરત કાગળ લખીને જવાહરલાલજીને ઉપવાસ છોડવા કહ્યું. બીજા એક જણે પણ ગાંધીજીની જોડે જ ઉપવાસ કર્યા હતા. તે હતા કલકત્તાના યુરોપિયન માલિકીના છાપા સ્ટેટસમેનના તંત્રી આર્થર મૂર. તેમને સામાન્યપણે તો ઉપવાસ વગેરે બાબત બહુ શ્રદ્ધા કે સમજ નહોતી. પણ કલકત્તામાં આગલે વર્ષે તેમણે ગાંધીજીના ઉપવાસથી ત્યાંની અશાંતિને મટતી જોઈ હતી. તેનાથી પ્રેરિત થઈને ગાંધીજી દિલ્હીમાં ઉપવાસ કરે છે એમ જાણ્યું હતું ત્યારથી પોતે પણ ઉપવાસ કરવા માંડ્યા હતા. ગાંધીજીના ઉપવાસ છૂટ્યા તેવા જ તેમણે આર્થર મૂરને યાદ કરીને ડૉ. સુશીલા નાયરને કહ્યું હતું કે એને બિચારાને ઉપવાસ કેવી રીતે છોડવા એને અંગે ગતાગમ નહીં હોય. માટે તું તરત એને ફોન કરીને ઉપવાસ છોડતી વખતે શી શી કાળજી રાખવી જોઈએ તે સમજાવ. સુશીલાબહેન ટેલિફોન પાસે જઈને થોડીવારમાં હસતાં હસતાં પાછાં આવ્યાં. આર્થર મૂરે એમને ફોન પર કહ્યું કે ઉપવાસ છૂટવાના સમાચાર તેમણે રેડિયો પર સાંભળ્યા હતા અને કૉફીનો એક કપ પી અને સિગારની એક ચષક લગાવી તેમણે પણ પારણાં કરી લીધાં હતાં. ગાંધીજીના ઉપવાસો એ કદાચ ઇતિહાસમાં પહેલી વાર અન્યાયના પ્રતિકાર તરીકે આટલા વ્યાપક પ્રમાણમાં વપરાયા હશે. ગાંધીજીએ જાતે જાહેર કારણોસર જિંદગીમાં કેટલાએ નાના મોટા ઉપવાસ કર્યા હતા. ગાંધીજી પહેલાં પણ અનેક લોકોએ ઉપવાસ કર્યા છે. તેમાંના મોટા ભાગના ઉપવાસ કોઈકને કોઈક ધાર્મિક કારણે થયા હતા. બીજા કેટલાક ઉપવાસ વ્યક્તિગત કોયડાના ઉકેલ સારુ કરવામાં આવ્યા હતા. પણ આખા રાષ્ટ્રને લગતા પ્રશ્નને લઈને ઉપવાસ કદાચ ગાંધીજીએ પહેલી જ વાર કર્યા હતા. ગાંધીજી કોઈક વાર ઉપવાસ અંગેના પોતાના લાંબા અનુભવને કારણે પોતાને ‘ઉપવાસ અંગેના તજ્જ્ઞ’ તરીકે પણ ઓળખાવતા! આપણે એમના જુદા જુદા ઉપવાસોના દાખલા આપતી વખતે ગાંધીજીએ પોતાના અનુભવને આધારે ઉપવાસ અંગે કાઢેલાં તારણો સંક્ષેપમાં કહીએ તો નીચે મુજબ હતા. ૧. ઉપવાસ અંદરની પ્રેરણાથી જ કરાય. કોઈ બીજાના ઉપદેશ કે ચડાવવાથી નહીં. ૨. જે વ્યક્તિ કે સમૂહની એ ઉપવાસ પર સીધી અસર પડવાની હોય તેમની સાથે ઉપવાસ કરનારનો સંબંધ સ્નેહ કે આત્મીયતાનો હોવો જોઈએ. ૩. ઉપવાસ કોઈનું વેર વાળવા કે કોઈ વ્યક્તિને હલકી પાડવા ન થાય. ૪. ઉપવાસ માણસ પોતાનું અંતર તપાસવા કે આત્મશુદ્ધિ માટે અવશ્ય કરી શકે. ૫. ઉપવાસ વખતે મન શાંત રહેવું જોઈએ. ઉપવાસ કરનાર વ્યક્તિએ શારીરિક કામો ઓછા કરી નાંખવા જોઈએ. માનસિક તાણ પણ ઓછામાં ઓછી રાખવી જોઈએ. ૬. ઉપવાસ એક રીતે જોતાં પ્રાર્થનાનો એક પ્રકાર છે. તેથી ઉપવાસ કરનારે ઉપવાસને ઇશ્વરની સોડમાં બેસવાના સાધન તરીકે લેખવા જોઈએ. પ્રાર્થનાથી ઉપવાસને અને ઉપવાસથી પ્રાર્થનાને બળ મળે છે.

***
વાંચો: સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૧૧ — ગાંધી: એક કુશળ વ્યૂહરચનાકાર