સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૧ — માટીમાંથી મરદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘સૌના ગાંધી’ શ્રેણી

સૌના ગાંધી શ્રેણી - ૧
પુસ્તક - ૧


Sauna Gandhi title 01.jpg


માટીમાંથી મરદ

નારાયણ દેસાઈ


Gujarat Vidyapith (emblem).png



પ્રકાશન વિગત


ભારત સેવક ગોપાલ કૃષ્ણ ગોખલે અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા બે રાષ્ટ્રનેતાઓએ ગાંધીજી વિષે એક વાત સરખી કરી છે કે તેમણે આપણને માટીમાંથી મરદ બનાવ્યા. ગાંધીજી વિષે ગોખલેજીનો અનુભવ દક્ષિણ આફ્રિકાના કાળનો હતો અને સરદારનો અનુભવ તેઓ ભારત આવ્યા ત્યાર પછીનો. ગોખલેજી વિનીત દળના આગેવાન અને સરદાર લોખંડી પુરુષ. સ્વભાવ અને વૃત્તિથી સાવ જુદી જુદી પ્રકૃતિના નેતાઓને ગાંધીજીમાં એક ગુણ સામાન્ય જણાયો, તે એમનો માટીમાંથી મરદ બનાવવાનો એટલે કે સાવ સામાન્ય શક્તિવાળા, અને ઢીલા પોચા લોકોમાંથી અસામાન્ય શક્તિશાળી, બહાદુર અને ટકી રહેનારી વ્યક્તિઓ અને સમાજ ઘડવાની શક્તિનો. આ વાત ગાંધીજીએ તૈયાર કરેલા દેશસેવકોને પણ એટલી જ લાગુ પડે છે જેટલી તેમણે તૈયાર કરેલી આખા દેશની સામાન્ય જનતાને. આપણે એ બંને દૃષ્ટિએ આ બાબતને વિચારીએ. ગાંધીજીની સાથી પસંદ કરવાની રીત અનેરી હતી. તેઓ જાહેરખબરો આપીને, કે પરીક્ષાનાં પરિણામો જોઈને સાથી પસંદ નહોતા કરતા. એનું મુખ્ય કારણ તો એ હતું કે તેમને પગારદાર કાર્યકર્તાઓ પસંદ કરવાના નહોતા. એમને તો એવા સાથીઓની જરૂર હતી જે પોતાના મહાન ઉદ્દેશને ખાતર પ્રાણ પાથરવા તૈયાર થઈ જાય, એવા સેવકો કે જે પગાર કે બીજી સગવડોની પરવા ન કરતા હોય. ગાંધીજી પાસે પણ એવા લોકો જ આવ્યા જેમણે પોતાના વ્યક્તિગત સ્વાર્થ કે સુખ-સગવડની કદી પરવા નહોતી કરી. એમના સુખ-સગવડની ચિંતા તો પાછળથી ગાંધીજીએ જાતે જ કરી હતી. આજ સુધી સાથીઓ, કર્મચારીઓ કે ચાકરો શોધવામાં સામાન્યપણે એ વ્યક્તિ કેટલી યોગ્યતા ધરાવે છે એ વાતનો વિચાર કરવામાં આવે છે. પણ ગાંધીજીની એ બાબતની રીત કાંઈક નિરાળી જ હતી. તેઓ એમ માનતા કે કોઈ વ્યક્તિ અયોગ્ય છે જ નહીં. દરેકમાં કાંઈક ને કાંઈક યોગ્યતા હોય જ છે. કોઈ એક બાબતમાં યોગ્ય હોય, તો કોઈક બીજી બાબતમાં. કસોટી તો પસંદગી કરનારની આવડતની છે. કોઈનેય અયોગ્ય ન ગણી, દરેકની ખાસ યોગ્યતા કઈ છે એ ખોળી કાઢી, તેને એની યોગ્યતા મુજબનું પણ મોટા કે ઊંચા ઉદ્દેશની પૂર્તિ કરનારું કામ સુઝાડવું એ પસંદગી કરનારની આવડત પર આધાર રાખે છે. આ બાબત વિષે, વર્ષોના અનુભવને આધારે, ગાંધીજી ઠીક ઠીક પાવરધા થયેલા હતા. તેથી તેમણે તેમની પાસે આવેલા લોકોને ઘણી વાર તો એવાં એવાં કામો સોંપ્યાં કે જેની આવનારાઓએ સ્વપ્નમાં પણ કલ્પના ન કરી હોય. પણ ઘણાખરા કિસ્સાઓમાં તો આમ સાવ નવી દિશામાં દોરવાયેલા લોકોએ નવા કામની પાછળ પોતાની આખી જિંદગી કાઢી નાખી હતી અને તેમ કરવામાં તેમણે પરમ સંતોષ ને આનંદ અનુભવ્યાં હતાં. અલબત્ત, ગાંધીજીની પસંદગી કરવાની આ પદ્ધતિમાં કેટલીકવાર લોકો ઝાઝું ટકી શકતાં નહીં અને તેઓ કાળની ચાળણીમાં ચળાઈ પણ જતાં. કોઈને પોતાની પાસે બોલાવવા સારું ગાંધીજી સામાન્યપણે ખાસ આયાસ કરતા નહીં. પોતે જે કામ ઉપાડ્યું હોય તેને પૂરું દિલ દઈને કરતા જાય અને પ્રવાહ-પતિત સાથીઓ તેમને આવી આવીને મળતા જાય. દક્ષિણ આફ્રિકાથી ભારતમાં કાયમને સારુ વસવાટ કરવા આવ્યા પછી ગાંધીજી આગળ આવેલાં કામોમાં ચંપારણના કિસાનોની તીનકઠિયા વ્યવસ્થાની તપાસનું કામ એ મહત્ત્વનું જાહેર હિતનું કામ હતું. એ કામ પાછળથી ચંપારણના સત્યાગ્રહ તરીકે જગજાહેર થયું. એ સત્યાગ્રહની વિગતમાં અહીં ન જતાં તે નિમિત્તે એકઠા થયેલા કાર્યકર્તાઓમાંથી કેટલાકને ગાંધીજીએ આજીવન સેવક અને સાથી કેવી રીતે બનાવ્યા એટલો જ વિચાર કરીએ. બિહારના એક ખેડૂતની ફરિયાદ સાંભળીને એની ફરિયાદમાં કેટલી વજૂદ છે એ જોવા નીકળેલા ગાંધીજીને ૧૯૧૭માં ત્યાંની ભૂગોળનું પણ પૂરું જ્ઞાન નહોતું. પેલા ખેડૂત ભાઈ એમને કલકત્તા લેવા આવ્યા હતા. ત્યાંથી તેઓ બંને પટણા ગયા ને પછી ઉત્તર બિહારમાં મુજફફરપુર ગયા. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહોની સફળતાને લીધે ગાંધીજીનું નામ ત્યાર સુધીમાં જાહેર કાર્યકર્તાઓમાં થોડું જાણીતું થઈ ગયેલું. પણ વ્યક્તિગત રીતે બિહારના આગેવાનો પણ તેમને ખાસ જાણતા નહોતા. બિહારના કિસાનો ઉપર ગળીનાં કારખાનાં ચલાવનાર મોટે ભાગે અંગ્રેજ માલિકો દ્વારા ગુજારવામાં આવતા જુલમોની તપાસ કરવા ગાંધીજી આવ્યા છે, એની જાણ પણ પટણાના જાણીતા વકીલોને ગાંધીજીનો પત્ર મળ્યો ત્યાર પછીથી જ થયેલી. પણ આ માણસ આટલે બધે દૂરથી આપણે ત્યાંના જુલમની તપાસ કરવા આવ્યો છે, તો આપણે પણ એને સાથ આપવો જોઈએ એવા વિચારથી થોડા દિવસો સારુ કામચલાઉ રીતે, તેઓ ગાંધીજી પાસે ગયા. આ દરમિયાન ઉત્તર બિહારની કોર્ટમાં ગાંધીજી પર ચાલેલા ખટલાની અને તેમાં ગાંધીજીને મળેલી સફળતા અને સુયશની વાતો પટણાના આ નામાંકિત વકીલો પાસે પહોંચી ગયેલી. તે દિવસોમાં જાહેર કામોમાં રસ ધરાવનારા ઘણાખરા કાર્યકર્તાઓ વકીલો જ હતા. બીજાઓ કરતાં વકીલોને જ પોતાની આજીવિકા મેળવી લીધા પછી સમાજ સારુ થોડો સમય ફાજલ પાડવાની નવરાશ મળતી, એ પણ કદાચ એનું એક કારણ હશે. ગાંધીજી પાસે ચંપારણ આવેલા વકીલોમાં એક રાજેન્દ્રપ્રસાદ હતા. વકીલ તરીકે જાણીતા ખરા, પણ રાજકારણમાં તે ટાણે ચાંચ બુડાડેલી નહીં. ત્યાં આવનારાઓમાં સૌથી વરિષ્ઠ નહીં, પણ વરિષ્ઠમાંના એક ખરા. રાજેન્દ્રપ્રસાદ સારુ ગાંધીજી સાથે ચંપારણમાં ગાળેલાં આ થોડાં અઠવાડિયાં આખા જીવનમાં પલટો આણનારાં હતાં. તેથી તેમણે એને અંગે બે ત્રણ જગાએ પોતાનાં પુસ્તકોમાં એની નોંધ પણ કરી છે. કાર્યકર્તાઓને પરખી, પોતાની સોડમાં લઈ, તેમને પલોટવાની ગાંધીજીની રીત આ લખાણોમાં છતી થાય છે. ગાંધીજીને જે કહેવું હોય તે કહેતાં પહેલાં તેઓ જાતે કરવા લાગતા. એક દિવસ આખા દિવસની મહેનતને અંતે આ વકીલોએ જોયું કે ગાંધીજી રાતે પોતાનાં કપડાં ધોતા હતા. વળી ગાંધીજીએ સર્વનાં કપડાં પણ ધોઈ આપવાની તત્પરતા દેખાડી. વકીલોએ શરમાઈને પોતાનાં કપડાં અઠવાડિયા સુધી ધોબી સારુ રાખી મૂકવાને બદલે જાતે ધોવા માંડ્યાં. ઘણાખરા વકીલો ન્યાતજાતમાં માનતા હતા. ગાંધીજી પાસે આવ્યા ત્યારે પોતપોતાનો બ્રાહ્મણ રસોઈયો સાથે લાવેલા, એમના હાથનું રાંધેલું જ તેઓ ખાતા. ગાંધીજીએ કહ્યું કે આપણે એક સાથે એક ઉદ્દેશથી કામ કરીએ છીએ, તો એક સાથે એક પંગતમાં કેમ જમાય નહીં? અને ચંપારણમાં શરૂ થયું સામૂહિક રસોડું. રસોડાની મુખ્ય જવાબદારી લીધી કસ્તુરબાએ. એમની મદદમાં રહ્યાં દુર્ગાબહેન દેસાઈ અને મણિબહેન પરીખ. ભાઈઓએ પણ રસોડામાં થોડી ઘણી મદદ કરવા માંડી. રસોઈયાઓ ઘેર પાછા ગયા. રાજેન્દ્રપ્રસાદે નોંધ કરી છે કે તેમણે પોતાની જિંદગીમાં પહેલી વાર પોતાના ઘરની સ્ત્રીઓ કે બ્રાહ્મણ સિવાયની બીજી કોઈ જાતિની વ્યક્તિના હાથે રાંધેલી રસોઈ ખાધી! એમના જીવનમાં જાતિવાદ પર એ પહેલો આઘાત હતો, આ રાજેન્દ્રપ્રસાદ તે આઝાદ ભારતના પહેલા રાષ્ટ્રપતિ. ગાંધીજી એક મણ ઉપદેશ કરતાં એક અધોળ આચરણને વધુ મહત્ત્વનું ગણતા અને આચરણ એ જ એમનું માટીમાંથી મરદ બનાવવાનું સૌથી મોટું સાધન હતું. સરદાર પટેલે કહ્યું હતું કે બીજા નેતાઓ અને ગાંધીજી વચ્ચે જ્યારે મેં એ ભેદ જોયો કે તેઓ જે કહે છે તે કરે છે, ત્યાર પછી જ હું ગાંધીજી તરફ આકર્ષાયો હતો. વિનોબાજી ગાંધીજી તરફ આકર્ષાયા તેનું મુખ્ય કારણ એ હતું કે તેમને ગાંધીજીમાં આત્મશુદ્ધિ અને ક્રાંતિના કાર્યક્રમનો મેળ થતો દેખાયો હતો. તેથી જ તેઓ હિમાલય કે બંગાળ જવાને બદલે બનારસથી સાબરમતી તરફ વળ્યા હતા. કોચરબમાં ગાંધીજી સાથે પહેલી મુલાકાત થઈ ત્યારે તેમણે ગાંધીજીને રસોડામાં બેસીને શાક સમારતા જોયા. ગાંધીજીએ વિનોબાને પણ પોતાની સાથે શાક સમારતાં સમારતાં વાતો કરવા નોતર્યા, વિનોબાએ આને જ કર્મયોગની દીક્ષા માની હતી. મહાદેવભાઈ દેસાઈ જ્યારે નવા નવા ગાંધીજી સાથે જોડાયા ત્યારે તેમને એકવાર રસોઈ કરવાનું સોંપાયું હતું. મહાદેવભાઈને રસોઈ બનાવતાં આવડતી નહોતી. તેથી રસોઈ બનાવતાં તેમની આંખમાંથી અશ્રુબિંદુ ઝરતાં. ગાંધીજીએ જ એમને રસોઈ બનાવવાનો પહેલો પદાર્થ પાઠ આપ્યો હતો. અને ગાંધીજી દ્વારા બનાવેલા ભોજનના સ્વાદને મહાદેવભાઈએ દિવ્ય સ્વાદ તરીકે વર્ણવ્યો હતો. ગાંધીજી પોતાની પાસે આવનાર કાર્યકર્તાઓની કસોટી કરવાનું પણ ચૂકતા નહીં. બલ્કે પોતાના નીવડેલા સાથીઓની તો તેઓ સતત કસોટી કરતા રહેતા. આ કસોટીથી કાર્યકર્તાઓ વધુ ઘડાતા. અલબત્ત, કેટલાક આને લીધે ખરી પણ પડતા. પણ ગાંધીજીનું ઉપાડેલું કામ તેથી વધુ શુદ્ધ બનતું. વળી કેટલાક કાર્યકર્તા એક યા બીજા કારણસર કામમાંથી બહાર નીકળી જાય તે છતાં ગાંધીજી તેમને સાચવી પણ લેતા. માણસમાં રહેલી મૂળભૂત ભલાઈમાં શ્રદ્ધા ધરાવનાર ગાંધીજી કોઈ માણસ વિશ્વાસને પાત્ર નથી એમ સિદ્ધ થાય ત્યાં સુધી કોઈનો, અરે, પોતાને દુશ્મન ગણનાર સુદ્ધાંનો, પણ અવિશ્વાસ કરવા તૈયાર નહોતા. એમેય એઓ માણસને જલદી ઓળખી લેતા. અને એક વાર ઓળખ્યા પછી સહવાસ દરમિયાન એની ઉપર પૂરો ભરોસા રાખતા. તેઓ એમ માનતા કે બીજાને છેતરવા કરતાં જાતે છેતરાવું અનેકગણું સારું છે, જો કે માણસને પારખવાની તીવ્ર બુદ્ધિને લીધે તેઓ મોટા મોટા મુત્સદ્દીઓથી પણ છેતરાયા નહોતા. મહાદેવભાઈ આગળ એક વાર તો ગાંધીજીએ એવો દાવો કરેલો કે નાનપણના દોસ્તાર શેખ મહેતાબ સિવાય તેઓ આખી જિંદગીમાં કોઈથી છેતરાયા નહોતા! ચંપારણ કાળનો જ એક કિસ્સો આચાર્ય કૃપાલાની પાછળથી નોંધે છે, જેને તેઓ આખી જિંદગી સુધી ભૂલ્યા નહોતા. આચાર્ય કૃપાલાની મૂળ તિલકપંથી. એમને અહિંસામાં પાકો વિશ્વાસ બેઠેલો નહીં. પણ કરણી અને કથની વચ્ચેના ગાંધીજીના અભેદને જોઈને તેઓ શાંતિનિકેતનમાં એમને પહેલીવાર જોયા ત્યારથી જ અંજાયેલા. એટલે ચંપારણ જતાં પહેલાં ગાંધીજી મુજફફરપુરમાં તેમને મળ્યા ત્યારે તેમણે ગાંધીજીનું ભાવથી સ્વાગત કરેલું, એમની સાથે બે ચાર સ્થાનિક વકીલોની ઓળખાણ પણ કરાવી આપેલી અને ગાંધીજીએ જ્યારે તેમને પોતાની સાથે ચંપારણ આવવા આગ્રહ કર્યો ત્યારે આ એકલપંડા પ્રાધ્યાપક તૈયાર પણ થઈ ગયા હતા. ગાંધીજીએ જ્યારે ચંપારણના ગરીબ કિસાનોની ફરિયાદો નોંધવા માંડી ત્યારે રાજેન્દ્રબાબુ, વ્રજકિશોરબાબુ, નરહરિ અને મહાદેવ જેવા વકીલો જોડે આ ઇતિહાસ, અને રાજનીતિશાસ્ત્રના પ્રાધ્યાપક પણ જોડાઈ ગયા હતા. હવે અંગ્રેજ સરકાર ચાંપતી નજરે ગાંધીજીની દરેક હિલચાલને નિહાળી રહી હતી. ઉપરથી ગવર્નરનો આદેશ હતો એટલે ગાંધજીના કોઈ કામમાં અડચણ તો નહોતી નાખતી, પણ એમને કોણ કોણ મદદ કરે છે તેની ચોક્કસ નોંધ રાખતી. આમ કરનાર અધિકારીઓને પણ ગાંધીજી ‘એ બિચારા પોતાને અપાયેલો હુકમ જ બજાવે છે, એમાં આપણે શા સારુ વાંધો ઉઠાવીએ?’ કરીને બધી ચોકીદારી જાણતા છતાં એને રમૂજભરી નજરે વધાવી લેતા. એક દિવસ એક અધિકારીએ ગાંધીજીને કહ્યું કે ‘આપ તો પૂરા અહિંસક છો એની અમને ખાતરી છે, પણ આપને સાથ આવનારાઓ વિષે એવી ખાતરી શી રીતે રાખી શકાય?’ ગાંધીજી કહે કે ‘આમાંના ઘણા તો બિહારના પ્રતિષ્ઠિત વકીલો છે, અને પોતાનો કામધંધો બાજુએ રાખીને થોડા વખત સારુ મારી તપાસમાં મદદ કરવા આવેલા છે.’ પેલા અધિકારી કહે, ‘પણ પ્રોફેસર કૃપાલાનીનું શું ?’ ગાંધીજીએ તરત એમને આશ્વાસન આપતાં કહ્યું, ‘એમને હું શાંતિનિકેતનમાં પહેલી વાર મળેલો, એમની જોડે મેં હિંસા અહિંસાની ચર્ચા તો ઝાઝી નથી કરી. પણ મારો આખો કાર્યક્રમ અહિંસા ઉપર આધારિત છે એ તેઓ સારી પેઠે જાણે છે. અને મારા ખુલ્લા કામમાં ખુલ્લી રીતે મદદ કરે છે. મને છેતરીને તેઓ અહીં મારી સાથે રહીને હિંસક પ્રવૃત્તિને ટેકો આપે એવું કોઈ કામ કરે એમ માનવા હું તૈયાર નથી.’ પેલા અધિકારીએ આનાથી વધુ ચર્ચા કરી નહીં. આચાર્ય કૃપાલાનીએ આ પ્રસંગ અંગે એ મતલબનું લખ્યું છે કે જે માણસને માણસ જાત પર જ આટલો વિશ્વાસ હોય તેનો વિશ્વાસઘાત કોણ કરે ? ગાંધીજીનો વિશ્વાસ જ સાથીઓને વિશ્વસનીય બનાવતો. માટીમાંથી મરદ બનાવવાની ગાંધીજીની પ્રયોગશાળાઓ ગાંધીજીના આશ્રમો પણ હતા. દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે જ ગાંધીજીએ બે આશ્રમો સ્થાપેલા. અલબત્ત, એને આશ્રમનું નામ ત્યારે નહોતું આપ્યું. પહેલો આશ્રમ ફિનિક્સ વસાહત અને બીજો ટૉલ્સ્ટૉૅય વાડી. બે આશ્રમ તેમણે ભારતમાં આવીને સ્થાપેલા. એક અમદાવાદમાં અને બીજો સેવાગ્રામ. આ બંને આશ્રમ તરીકે ઓળખાયા. આશ્રમનું સમૂહ જીવન માણસના ઘડતરમાં અગત્યનો ભાગ ભજવે છે. ગાંધીજીના આશ્રમો એટલે એવાં સ્થાન કે જ્યાં જાતજાતના લોકો ભેગા મળીને રહે. એમની ન્યાત-જાત, સંપ્રદાય, ધર્મ, ભાષા અને રાષ્ટ્રીયતા પણ જુદી જુદી ભલે હોય પણ સહજીવનનો સૌનો ઉદ્દેશ એકસરખો હોય, વળી તેઓ એકબીજાના સુખદુ:ખમાં ભાગીદાર બનીને રહે, ચારેય આશ્રમોમાં કોઈ મંદિર, મસ્જિદ કે બીજાં દેવસ્થાન રચેલાં નહોતાં. પણ ચારેયમાં સવાર સાંજ સામૂહિક પ્રાર્થના થતી. પોતાની બીજી અનેક જાહેર પ્રવૃત્તિઓને લીધે ગાંધીજી પૂરો વખત તો આ આશ્રમોમાં ગાળી નહોતા શકતા, પણ જ્યારે ત્યાં રહે ત્યારે આશ્રમની પ્રવૃત્તિઓમાં બીજા આશ્રમવાસીઓની પેઠે જ ભળી જતા, અને ગાંધીજીની વર્તણૂક જ ઘણીવાર બીજાંઓ સારુ જીવનઘડતરનું એક નક્કર સાધન બની જતી. પ્રભુદાસ ગાંધીએ દક્ષિણ આફ્રિકાના આશ્રમોના જીવનને ઘડનાર અનેક કિસ્સાઓનો મનોહર ચિતાર પોતાના ‘જીવનનું પરોઢ’ નામના મૂળગામી પુસ્તકમાં આપ્યો છે. પ્રભુદાસભાઈ એમ તો ગાંધી કુટુંબના જ. ગાંધીજીના પિત્રાઈ ભત્રીજાના દીકરા. ફિનિક્સ આશ્રમમાં પ્રભુદાસ નવા આવેલા. કિશોર વયે પણ એમનામાં તીવ્ર નિરીક્ષણશક્તિ હતી. ફિનિક્સ આશ્રમની બધી હિલચાલની એમની ચપળ આંખો નોંધ લેતી. એમના નાનાભાઈ કૃષ્ણદાસને ગૂમડું નીકળેલું. એ ફાટતું નહોતું. એટલે એમાં નસ્તર મૂકવાની વાત હતી. ગાંધીજી સબ બંદર કે વેપારી જેવા હતા, એટલે જરૂર હોય તો કૃષ્ણદાસને નસ્તર મૂકવાની પણ એમની તૈયારી હતી. પોતાની જરૂર પડે તો બોલાવી લેવાનું કહીને એ ખેતરે ગયા. ત્યાં આશ્રમકુમારો સાથે મળીને એમણે પાવડા વડે ખેતર સાફ કરવા માંડ્યું. ગાંધીજીને બોલાવવા ગયેલા પ્રભુદાસે એ સ્થળે જે દૃશ્ય જોયું તેનાથી એમને અચંબા સાથે આંચકો લાગ્યો. એમણે જોયું કે ગાંધીજી પૂરું મન દઈ પાવડો ચલાવતા ચલાવતા આગળ વધી ગયા છે અને છોકરાઓ પાછળ પડી ગયા છે. વળી એ છોકરાઓ આખો વખત ઠટ્ઠામશ્કરી અને ટોળટપ્પા પણ કરતા જતા હતા, જેને લીધે એમની ઝડપ ઓછી થતી જતી હતી. પ્રભુદાસે આવીને ગાંધીજીને ખબર આપ્યા કે નાનાભાઈ કૃષ્ણદાસને નસ્તર મૂકવા તમને ઘેર બોલાવ્યા છે. પોતાનો પાવડો બાજુમાં મૂકી હાથ પગ ખંખેરી ગાંધીજીએ પેલા આશ્રમકુમારો ભણી વળીને કહ્યું, ‘જુઓ, તમે હું હતો ત્યાં સુધી તો હસતાં રમતાં કામ કરતા હતા. હવે મારે બીજા કામે જવાનું થાય છે. હવે જવાબદારી તમારે માથે આવે છે. હું જાઉં ત્યારે તમારે વધુ ધ્યાન દઈ કામ કરવું જોઈએ.’ હવે બન્યું એમ કે ગાંધીજી અને પ્રભુદાસ ખેતર પરથી ઘેર પહોંચ્યા ત્યાં સુધીમાં કૃષ્ણદાસનું ગૂમડું પોતાને મેળે ફાટી ગયું એટલે નસ્તર મૂકવાની કંઈ જરૂર ન રહી. ગાંધીજીએ ઘાને સાફ કરી પાટાપિંડી કરી. પણ વખત ઘણો બચી ગયો હતો તેથી તેઓ ખેતર તરફ પાછા ફર્યા. પ્રભુદાસને એ જાણવાની ઇચ્છા થઈ કે ખેતર છોડીને ઘર ભણી આવતાં પહેલાં ગાંધીજીએ છોકરાઓને જે બોધ આપ્યો હતો તેની કોઈ અસર થઈ હતી કે નહીં. ગાંધીજીની પાછળ પાછળ ખેતર પહોંચીને પ્રભુદાસે જે દૃશ્ય જોયું એનાથી એ આભા જ બની ગયા. ખેતરે લગભગ પૂરું સાફ થઈ ગયું હતું અને છોકરાઓ કામ પતાવી ઘર તરફ વળવાની તૈયારી કરતા હતા. ગાંધીજીનો બોધ ફિનિક્સના આશ્રમકુમારોએ એમની ગેરહાજરીમાં પૂરી વફાદારીથી ગ્રહણ કર્યો હતો. ગાંધીજીના પોતાના જીવનમાં કરણી કથની વચ્ચે જે અભેદ હતો, તે હજારો તરુણોને તેમની તરફ લાવતો અને એમના કહ્યા મુજબ કામ કરવા પ્રેરણા આપતો. દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ વસાહત અને ટૉલ્સ્ટૉયવાડી તથા ભારતમાં કોચરબ, સાબરમતી અને સેવાગ્રામ આશ્રમોમાં આશ્રમનું સમૂહજીવન સેંકડો, બલ્કે હજારો નાના મોટા સ્ત્રીપુરુષોનું પોતાના વાતાવરણ દ્વારા જ ઘડતર થતું હતું. આ બધા આશ્રમો ચાલતા હતા ત્યારે ગાંધીજી નાની મોટી કંઈક ને કંઈક ચળવળમાં ગૂંથાયેલા હતા. તેથી દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને દેશને ખાતર કષ્ટો વેઠી આનંદ અનુભવવાનું વાતાવરણ આશ્રમના સમૂહજીવનમાં સદા મહેકતું રહેતું. એમ તો આ લેખકના જન્મ પહેલાં પણ એના પિતાએ આકરો જેલવાસ ભોગવેલો. મારી બાલ્ય અવસ્થાનાં સંસ્મરણોમાં એક જે મારા મનમાં લગભગ પોણી સદી વીતી ગઈ તે છતાં તાજું છે તેની વાત કહું. પોલીસની કાળી સળિયાવાળી લાંબી વાન મહાદેવભાઈને ગિરફતાર કરવા આવી. અમે આશ્રમનાં કેટલાંક બાળકો પિતાશ્રીને વળાવવા આશ્રમના દરવાજા સુધી વાનની પાછળ પાછળ દોડતાં ગયાં. પિતાને વિદાય આપતાં હું એમ કહેતો હતો કે ‘કાકા, આ વખતે તમને બે વરસથી ઓછી સજા ન થવી જોઈએ!’ આશ્રમમાં વાતાવરણ એવું હતું કે પિતા જો મહિના બે મહિનાની સજા પામે તો નીચોજોણા જેવું લાગતું. ત્યાગ એ આશ્રમના વાતાવરણમાં ગૌરવનો વિષય હતો. દક્ષિણ આફ્રિકાના આશ્રમો અને ભારતના ગાંધીજીના આશ્રમો જાણે કે સત્યાગ્રહની ચળવળ માટેનાં તાલીમ કેન્દ્રો હતાં. ફિનિક્સ અને ટૉલ્સ્ટૉય વાડીમાં તો નવો નવો જેલવાસ ભોગવવાનો મોકો હતો. એટલે ગાંધીજી ઇરાદાપૂર્વક એ આશ્રમોમાં જેલ જેવો જ ખોરાક લેવાનો આગ્રહ રાખતા. એમની જોડે અનેક તરુણો પણ એવો, તપસ્વીને શોભે તેવો ખોરાક લેતા. આ બાબત મગનલાલ ગાંધી સૌની મોખરે હતા. આશ્રમના બીજા સાથીઓ સવિનય કાયદોભંગ કરીને જેલ ગયેલા, પણ મગનલાલ ગાંધીને ગાંધીજીએ પ્રિન્ટિંગ પ્રેસ સંભાળવા અને ‘ઇન્ડિયન ઓપિનિયન’ પત્ર ચલાવવા, આશ્રમના બાળકોને શિક્ષણ આપવા તથા આશ્રમની ખેતીવાડીની માવજત કરવા જેલમાં જવા દીધા નહોતા. તે ટાણે મગનલાલ ગાંધીએ એવું તપોમય જીવન વિતાવ્યું હતું કે જેલમાં ગયેલા સાથીઓ કરતાં એમનું શરીર વધુ ક્ષીણ થઈ ગયું હતું. જેલમાં જેવા સંજોગો હતા તેવા જ સંજોગોમાં જીવવાના આગ્રહે પારસી રુસ્તમજી અને કેલનબેક જેવા ગર્ભશ્રીમંતોને પણ શેતરંજી પર સૂતા અને સાદું ભોજન લેતા કરી મૂકેલા. જેલો અને સત્યાગ્રહ છાવણીઓ પણ સત્યાગ્રહીઓને તાલીમ આપનાર વિદ્યાપીઠો બની રહેતી. જેલના બધા નિયમોનું પાલન કરી, જેમને સખત મજૂરીની સજા હોય તે પોતાને ભાગે આવેલું કામ પતાવીને કાંઈક ને કાંઈક ફુરસદનો સમય કાઢતા, એટલે ઠેર ઠેર જેલમાં શિબિરો અને તાલીમ વર્ગો ચાલતા. ગાંધીજીને પોતાને ઘણીવાર સાદી જેલ થતી એટલે એમને સખત મજૂરીની સજાવાળા કેદીઓ કરતાં અધ્યયન કરવા સારુ ઘણો વધારે સમય મળી રહેતો. ૧૯૨૨થી ૨૪ સુધી અને ૧૯૩૨-૩૪માં ગાંધીજીએ જાતજાતના વિષયો પર સેંકડો પુસ્તકો વાંચેલાં. જેલમાં એમણે રાખેલી ડાયરીઓ પરથી એ ખ્યાલ આવે છે કે કેટલીક વાર તો એમણે એક જ દિવસમાં મોટી દળદાર ચોપડીઓ પણ વાંચીને પૂરી કરેલી. પણ જેલમાં સ્વાધ્યાયનો કદાચ સૌથી વધુ લાભ ઊઠાવ્યો હશે તો તે તરુણ - તરુણીઓએ. આ લેખક કેટલાક એવા તરુણ તરુણીઓને ઓળખે છે જેમણે જેલવાસ દરમિયાન યુનિવર્સિટીના શિક્ષણ કરતાં જરાય ઊતરતી કક્ષાનું જ્ઞાન મેળવ્યું નહોતું. કારાવાસનો એક બીજો મોટો લાભ થયો હોય તો તે એ કે અનેક મનીષીઓએ જેમાં જ કેટલાંક અમૂલ્ય પુસ્તકો લખ્યાં હતાં. ગાંધીજીએ જેલમાંથી અઠવાડિયે અઠવાડિયે આશ્રમવાસીને ઉદ્દેશીને આશ્રમનાં વ્રતો ને નિયમો અંગે લખેલા પત્રોનો સંગ્રહ ‘મંગળપ્રભાત’ને નામે પ્રસિદ્ધ થયો છે. ગાંધીજીના પાયાના ગ્રંથોમાંનો આ એક ગ્રંથ છે. ધૂળિયા જેલમાં દર રવિવારે વિનોબાજીએ ગીતા વિષેનાં આપેલાં પ્રવચનોની સાને ગુરુજીએ નોંધ લીધી અને એની બનેલ ‘ગીતા પ્રવચનો’ નામની ચોપડીની લાખો નકલો દેશ અને દુનિયાની અનેક ભાષાઓમાં ફેલાઈ છે. જવાહરલાલજીએ લખેલી ‘ડિસ્કવરી ઑફ ઈન્ડિયા’ પણ જેલવાસમાં લખાઈ. તિલક મહારાજના ‘ગીતા રહસ્ય’ એ આ બાબતમાં પહેલ કરેલી. માટીમાંથી મરદ બનાવવાની ગાંધીજીની સૌથી ઉત્તમ કળા જો ક્યાંય ખીલી હોય તો તે પ્રત્યક્ષ આંદોલનોમાં. ચંપારણનું આંદોલન ગાંધીજીએ જાતે ચાહીને ઉપાડ્યું નહોતું, આંદોલન એમની પાસે અનાયાસ આવી મળ્યું હતું. ચંપારણના ગરીબ કિસાનો ઉપર સો વરસથી વધુ લાંબા ગાળાથી લદાયલી તીનકઠિયા વ્યવસ્થાની તપાસ કરવા જતાં પહેલાં જેમની સામે અત્યાચારો ને અન્યાયની ફરિયાદ હતી કે ગળીનાં કારખાનાંના માલિકોના સંઘના ગોરા મંત્રીએ ગાંધીજીને બહારના માણસ કહી એમને મુજફફરપુરથી જ પાછા જવાની સલાહ આપી હતી, અને તિરહુતના કમિશ્નરશ્રીએ પણ લગભગ એવી જ સલાહ આપી હતી. પણ પોતાના દેશવાસીઓ પર જુલમ ગુજારાય છે એવો આક્ષેપ હોય તો એની તપાસ કરવી એને પોતાનો સ્વધર્મ સમજી ગાંધીજી ચંપારણ તરફ જતા હતા ત્યારે સાઈકલ પર આવેલા એક સરકારી અમલદારે ગાંધીજીને ખબર આપી કે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ સલામ કહેવડાવે છે. આને આદેશ સમજીને ગાંધીજી પોતાના એક સાથીને પ્રવાસમાં આગળ જવાની સલાહ આપી પોતે મેજિસ્ટ્રેટને મળવા ગયા. મેજિસ્ટ્રેટે ગાંધીજીને ચંપારણ ન જવાનો લેખી આદેશ આપ્યો. ગાંધીજીએ કહ્યું કે તેમને કાયદાને માન્ય રાખનાર નાગરિક તરીકે લેખી આદેશ માનવાનું ગમતું હતું, પણ ગરીબ લોકોની બૂરી અવસ્થાની તપાસ કરવા જવાનો તેઓ પોતાનો ધર્મ માનતા હતા. ઉપરવાળાનો ન્યાય સરકારના ન્યાય કરતાં વધુ અગત્યનો માની તેઓ આ આદેશનો અદબપૂર્વક ભંગ કરશે. ગાંધીજી ચંપારણ જિલ્લા તરફ આગળ વધ્યા ને એમને ગિરફતાર કરવામાં આવ્યા. એમ આંદોલનની શરૂઆત થઈ. દરમિયાન ગાંધીજીની ગિરફતારી અને એમની ઉપર કોર્ટમાં ખટલો ચલાવવાની વાત તો ચારે તરફ તરત ફેલાઈ ગઈ હતી. કોર્ટમાં આ ખટલો જોવા હજારો લોકોની ઠઠ જામી. દેશમાં સવિનય કાયદાભંગનો આ કદાચ સૌથી પહેલો પ્રસંગ હશે. કોર્ટની અંદર ને બહાર એકઠી થયેલી માનવમેદની શાંત અને શિસ્તબદ્ધ રાખવાની જવાબદારી ગાંધીજીની મંડળીએ લઈ લીધી. મેજિસ્ટ્રેટને માટે પણ આ પ્રકારનો ખટલો પહેલવહેલો જ હતો. સરકાર તરફના સાક્ષીઓ એમ સિદ્ધ કરવા માગતા હતા કે ગાંધીજીએ કાયદાનો ભંગ કર્યો છે. તેમને વચ્ચેથી રોકીને ગાંધીજીએ મેજિસ્ટ્રેટને કહ્યું કે આપને આ બધી તકલીફ લેવાની જરૂર નથી. કારણ હું પૂછ્યા વિના જ કબૂલ કરું છું કે આગળ ન વધવાના આદેશનો મેં ભંગ કર્યો છે. પોતાના દેશમાં એકથી બીજી જગ્યાએ જવાની મનાઈ કયા કાયદા અનુસાર કરવામાં આવી છે તે હું અલબત સમજી શકતો નથી, પણ કાયદાભંગને લીધે જો ગુનો થતો હોય તો તે બદલ હું સજા સહન કરવા તૈયાર છું. ન્યાયાધીશ મૂંઝાયા. એમણે ચુકાદો આપવા સારુ એક દિવસ પછીની તારીખ પાડી. ગાંધીજીએ પોતાની ગિરફતારીની સાથે જ એના સમાચાર બિહારના ગવર્નરની મારફત વાઈસરૉયને પહોંચાડ્યા હતા. આ બાજુ સરકારી હુકમનો ભંગ કરનાર ગાંધીજીની વાત ચંપારણને ગામડે ગામડે પહોંચી ગઈ હતી. પોતાની ઉપર થતા અન્યાયની તપાસ કરવા જનાર અને બહાદુરીપૂર્વક પૂરી સ્વસ્થતાથી મેજિસ્ટ્રેટ આગળ બોલનાર ગાંધીજી જેવા આગેવાન એમને પહેલીવાર જોવા જાણવા મળ્યા હતા. જેમ કેટલીક વાર એકની બીક આખા ટોળાને ભયભીત કરી મૂકતી હોય છે, તેમ એકની નિર્ભયતા આસપાસના અનેક લોકોને પણ નિર્ભય બનાવી દેતી હોય છે. વાઈસરૉયની દખલગીરીથી બીજે દિવસે ગાંધીજી પરથી મનાઈ હુકમ પાછો ખેંચવામાં આવ્યો અને એમણે આદરેલી તપાસમાં બનતી મદદ કરવાની પણ સરકારને સલાહ આપવામાં આવી. જનતાને ગાંધીજીની આ દેખીતી જીત લાગી. આખા ચંપારણમાં ઠેર ઠેર કિસાનોનાં ટોળાંઓ આવી આવીને પોતપોતાની ફરિયાદો જે લોકો પોલીસની હાજરીથી જ ભડકી ઊઠતાં હતાં તે જરાય સંકોચ રાખ્યા વિના નોંધાવવા લાગ્યાં. સરકારી લોકોની હાજરીથી ઘણીવાર ગાંધીજીના સાથીઓ અકળાતા. તેઓ ફરિયાદ નોંધાતી હોય ત્યારે તેમની સહેજ આઘે ઊભા રહીને જોવાનું કહેવા લાગ્યા. ગાંધીજીએ સાથીઓને સમજાવ્યું કે આમાં પણ આપણા મનનો છૂપો ડર જ કામ કરે છે. પોલીસ અધિકારીઓ સત્ય હકીકતોને આપણે કેટલી ચકાસી ચકાસીને નોંધીએ છીએ એ જુએ એમાં વાંધો ઉઠાવવાની શી જરૂર છે? આ જ દિવસો દરમિયાન ગાંધીજીના અંગ્રેજ મિત્ર સી.એફ.એન્ડ્રુઝ ચંપારણ આવ્યા હતા. સરકારના લોકો ઉપર તેમની પડતી છાપ જોઈને બિહારના કાર્યકર્તા તેમને થોડા દિવસ વધુ રોકાવાનો આગ્રહ કરવા લાગ્યા. એમના આગ્રહને વશ થઈને એન્ડ્રુઝ સાહેબે કહ્યું કે ગાંધીજી જો રજા આપતા હોય તો તેઓ રોકાઈ શકે. ગાંધીજી આગળ બિહારના મિત્રો એન્ડ્રુઝ સાહેબને થોડું વધારે રોકી લેવા વિનંતી કરવા લાગ્યા. પણ ગાંધીજીએ એની ઘસીને ના પાડી. એમણે કહ્યું કે અન્ડ્રુઝ સાહેબની ગોરી ચામડી જોઈ તથા સરકાર ઉપર તેમની કાંઈક વગ ચાલતી જોઈ તમે એમને વધુ રોકવા ઈચ્છો છો, એ બાબત પણ આપણા મનની અંદરનો ગોરી ચામડી અને સરકાર વિષેનો ભય જ સૂચવે છે. આપણે આપણી લડાઈ જાતે જ લડવાની છે. એમાં બહારની મદદ ન જોઈએ. આમ એક તરફથી જનતા આગળ નીડરતાનો દાખલો બેસાડીને અને બીજી બાજુથી કાર્યકર્તાઓના માનસના સૂક્ષ્મ ભયને પડકારીને ગાંધીજીએ દેશને પહેલો પાઠ અભયનો શીખવ્યો. અભય વિના કોઈ સદ્ગુણ સફળ થતો નથી. અભયનો આ પાઠ દેશ સારુ સંજીવની સમો નીવડ્યો. જે પ્રજાના મનમાં અંગ્રેજો અંગે અને અંગ્રેજ સરકાર અંગે બીક ઘર કરી ગઈ હતી, તે પ્રજા ખુલ્લી છાતીએ ટટ્ટાર થઈને ચાલવા લાગી. એક કાળે માતાઓ ઘોડિયામાં સુવડાવેલા બાળકને બીવડાવવા પોલીસ આવીને પકડી જવાની બીક બતાવતી હતી તે પરિસ્થિતિ પલટાઈ ગઈ. ૧૯૧૯ થી ૧૯૨૨ સુધીના અસહકાર આંદોલનમાં દેશનો ભદ્ર સમાજ પહેલીવાર ગૌરવપૂર્વક જેલ જતો થયો. ૩૦-૩૨ના આંદોલનમાં ભારતની નારીઓ મોટી સંખ્યામાં પહેલીવાર સ્વરાજની લડતમાં જોડાઈ. એને લીધે સ્ત્રીઓમાં એક અપૂર્વ જાગૃતિ આવી. મહર્ષિ કર્વે જેવા સ્ત્રીકેળવણીકારે કહ્યું કે જે જાગૃતિ આણવા મેં આખી જિંદગી કામ કર્યું તે જાગૃતિ ગાંધીજીની એક દાંડીકૂચે આણી દીધી. અહિંસક લડાઈમાં સ્ત્રીઓને પુરુષો સમાન કે તેમનાથીયે અઘરું કામ સોંપીને ગાંધીજીએ ભારતની નારીઓમાં અભૂતપૂર્વ જાગૃતિ આણી દીધી હતી. બારડોલી સત્યાગ્રહ અને મીઠાના સત્યાગ્રહ વખતે હિંદની વીરાંગનાઓએ જે ત્યાગ, બલિદાન અને તિતિક્ષા દેખાડ્યાં એ કોઈ પણ પ્રજાને ગૌરવ અપાવે એવાં હતાં. ત્યાંના બલિદાનમાં સ્વૈચ્છિક સામેલગીરીને લીધે આખી હિંસક લડાઈ ભારતનાં ગામડાંઓના ચૂલે ચૂલે પહોંચી ગઈ. સમાજના અર્ધા અંગ સમાન સ્ત્રીઓની આ ચેતનાએ આખા દેશના સમાજને સાહસ અને વીરવૃત્તિ બક્ષ્યાં. આ આંદોલનોએ મરદ શબ્દમાં, જેમ મજબૂતીનો ભાવ ભર્યો તેમ વીરાંગના શબ્દે અર્ધોઅર્ધ સમાજમાં વીરતાનો ભાવ ભર્યો. અને ૧૯૪૨ના આંદોલન વખતે તો કુમળા કિશોરો પણ સામી છાતીએ ગોળી ઝીલવા લાગ્યા. આંદોલન સમાજના બીજા એક વ્યાપક વર્ગને સ્પર્શી ગયું. સ્વતંત્રતાના અહિંસક આંદોલનોએ જેમ દેશને નીડરતા શીખવી, તેમ તેણે શહેરોમાં અને નાનાં નાનાં ગામડામાં લોકોને સંગઠિત થતાં પણ શીખવ્યું. શેરીએ શેરીએ અને મહોલ્લે મહોલ્લે પ્રભાત ફેરીઓ નીકળવા લાગી. આંદોલન લંબાય તો નિયમિત રીતે જુદા જુદા કાર્યક્રમો આપવાનું લોકો શીખ્યાં. વિશેષ દિનોએ, વિશેષ પ્રસંગોએ લોકો નવા નવા કાર્યક્રમો યોજી કાઢીને એને અમલમાં મૂકતાં થયાં. છાપાંઓ પરના વિવિધ પ્રકારના નિયમનો સામે જનતાએ પોતાની સ્વતંત્ર પત્રિકાઓ બહાર પાડી. અને બિનસરકારી વ્યવસ્થા મારફત ઊંડાણનાં ગામડાંઓ સુધી સમાચારો અને વિચારો પહોંચાડવાની વ્યવસ્થા ઊભી થવા લાગી. ઘરના કમાતા સભ્યો જેલમાં ગયા હોય ત્યારે એમના પરિવારને કંઈક આર્થિક ટેકો મળી રહે એવી વ્યવસ્થા ગોઠવાવા લાગી. જે યુવાનોએ કૉલેજનું શિક્ષણ છોડીને સ્વતંત્રતા-આંદોલનમાં ઝંપલાવ્યું હોય તેમને સારુ રાષ્ટ્રીય વિદ્યાપીઠો શરૂ થઈ અને તેમાં દેશના ઉત્તમોત્તમ અધ્યાપકોએ પોતાનાં દિલ રેડ્યાં. આશરે દસ દસ વર્ષને આંતરે આવતાં રાષ્ટ્રવ્યાપી આંદોલનો અને એવાં બે મોટાં આંદોલનોની વચ્ચે આવતાં અનેક સીમિત પણ ચોક્કસ ઉદ્દેશવાળાં આંદોલન અને એ આંદોલનોમાંથી મોટાભાગની ચળવળોમાં મળેલી જીતને કારણે ત્રણ દાયકામાં દેશનો મિજાજ સાવ બદલાઈ ગયો. આટઆટલાં વર્ષો સુધી આંદોલનોની ભરતી ઓટ છતાં દેશનો મિજાજ જળવાઈ રહ્યો તેની પાછળ એક મોટું કારણ ગાંધીજીએ પ્રેરેલા વિવિધ પ્રકારના રચનાત્મક કાર્યક્રમો પણ હતા, એ આપણે ભૂલવું ન જોઈએ. ખાદી, ગ્રામોદ્યોગ, અસ્પૃશ્યતા નિવારણ, કિસાન મજૂર સંગઠન, વિદ્યાર્થી પ્રવૃત્તિઓ વગેરેને લીધે રાષ્ટ્રીય આંદોલન દેશના ખૂણે ખૂણે પહોંચ્યું. દેશના ગરીબમાં ગરીબ માણસે આઝાદીના આંદોલન જોડે પોતાના ભવિષ્યને જોડાયેલું જોયું. આખા દેશને માટીમાંથી મરદ બનાવવામાં રચનાત્મક કાર્યક્રમોનો પણ સૂચક ફાળો હતો. નરી કંગાળ અવસ્થામાં જીવતાં લોકો આગળ માત્ર આઝાદીની વાત કાંઈ કામ ન લાગે. ભૂખ્યા માણસને તો રોટલામાં જ એનો દેવ દેખાય. રચનાત્મક કાર્યક્રમના આર્થિક પાસાંએ દેશની સૌથી ગરીબ પ્રજાના પ્રાણમાં પ્રાણ પૂર્યા હતા. સામાજિક રીતે સમાજમાં સાવ કચડાઈને લગભગ પૂરા નિષ્પ્રાણ થવા આવેલા વર્ગમાં રચનાત્મક કામના સામાજિક પાસાંએ પ્રાણ પૂર્યા. અને એકવાર જીવમાં જીવ આવે પછી જ માણસ છાતી કાઢીને ચાલતો થઈ શકે છે. ગાંધીજી મહાન લોકસંગ્રહ કરનાર હતા. આથી પ્રાંતે પ્રાંતે અને ખૂણે ખૂણે તેમને લોકો મળી રહ્યાં. રાજા ને રંક, અમીર ગરીબ, જુદી જુદી ભાષાઓ બોલનારાં અને જુદા જુદા સંપ્રદાયમાં ઉછરેલાં લોકો ગાંધીજીને આવી મળ્યાં અને એમના નેજા હેઠળ ચાલતાં રહ્યાં. બીજી ગોળમેજી પરિષદ વખતે જ્યારે એ પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો કે ગાંધીજી કોનું પ્રતિનિધિત્વ કરે છે, ત્યારે તેમણે ખૂબ વિશ્વાસપૂર્વક કહ્યું, “તમારી જેલોના કેદીઓનું રજિસ્ટર તપાસો તો તમને માલૂમ પડશે કે આઝાદીની અહિંસક લડાઈમાં દેશના તમામ વર્ગના લોકોએ સક્રિય ભાગ ભજવ્યો છે. હું એમનો પ્રતિનિધિ છું.” મહાન લોકસંગ્રાહકે દેશના વિશાળ સમુદાયના અલગ અલગ ક્ષેત્રનાં લોકોને ત્યાગ અને ફનાગીરીની તાલીમ આપી હતી અને તેને લીધે લોકો માટીમાંથી મરદ બન્યા હતા. આપણે એ વાત જોઈ ગયા કે ગાંધીજી લોકો ઉપર વિશ્વાસ રાખીને તેમને વિશ્વાસને પાત્ર બનાવતા. આ જ વાત વ્યાપક રીતે પણ એટલી જ સાચી હતી. ગાંધીજીને એક પ્રજા તરીકે હિંદની પ્રજા ઉપર ભારે વિશ્વાસ હતો. જે લોકનેતા લોક પર વિશ્વાસ રાખે છે તે જ લોકોનો વિશ્વાસ જીતી શકતા હોય છે. વળી ગાંધીજીના આ વિશ્વાસમાં તેમનો હિંદની સંસ્કૃતિ વિષેનો વિશ્વાસ પણ વ્યક્ત થતો હતો. તેથી ઘણીવાર બીજા નેતાઓ નિરાશ કે થાક અનુભવતા ત્યારે પણ ગાંધીજીનો ઉત્સાહ ઓસરી જતો નહોતો. તેમને ખાતરી હતી કે હિંદની પ્રજામાં એવી ઠંડી તાકાત છુપાયેલી પડી છે કે તે એને ટકાવી રાખશે. એક વાર જો એ પ્રતિજ્ઞા લે તો પછી એને જરૂર વળગી રહેશે. તેથી જ દરેક આંદોલન શરૂ કરતાં પહેલાં ગાંધીજી લોકો પાસે ગંભીરપણે પ્રતિજ્ઞા લેવડાવતા. આવી પ્રતિજ્ઞાનો ભંગ થતો જણાય તો કોઈ કોઈ વાર તેઓ ઉપવાસ કરવા સુધી જતા. પોતાની પ્રતિજ્ઞાના ભંગને લીધે ગાંધીજીને જાતે કષ્ટ સહન કરતા જોઈને ઢીલી પડેલી જનતા ફરી ટટ્ટાર થઈને ચાલતી થઈ જતી. કાર્યકર્તાને ને આખા દેશને હિંમતવાન બનાવનાર એક કારણ ગાંધીજીનું કોઈ ભેદભાવ ન કરનાર વ્યક્તિત્વ હતું. એમના વ્યક્તિત્વની એ ખૂબીને લીધે જ આટલા વિશાળ દેશે એકત્વનો અનુભવ કર્યો હતો. પ્રાંતે પ્રાંતનાં લોકોને ગાંધીજી પોતાના લાગતા. વળી તેમની વાણીમાં જે આધ્યાત્મિક તત્ત્વ હતું તે એમને કોઈ એક સંપ્રદાય પૂરતા સીમિત નહોતું રાખતું. દરેક સંપ્રદાયના લોકોને સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસંગ્રહ, સંયમ, નિર્ભયતા વગેરે વાતો પોતાના ધર્મ કે સંપ્રદાયે જ શીખવેલી પરિચિત વાત લાગતી. એના વાઘા ભલે નવા હોય પણ એમનો ઉપદેશ તો એ જ હતો કે જેને સેંકડો કે હજારો વર્ષોથી પોતાના ધર્મ, સંપ્રદાય, સંતો કે ગુરુના મુખેથી તેમણે સાંભળ્યો હતો. આ એકત્વનો ભાવ આખી પ્રજાને મજબૂત બનાવવામાં ખૂબ કામ લાગતો. એક વ્યૂહરચનાકાર તરીકે ગાંધીજીની વ્યૂહરચના પણ એવી થતી કે જે દેશની સામાન્ય જનતાને પોતાના બરની લાગતી. ગાંધીજીએ પહેલવહેલો રાષ્ટ્રીય કાર્યક્રમ આપ્યો ૨૪ કલાકના ઉપવાસનો અને એક દિવસની હડતાળનો. તે પહેલાં લોકોને અગિયારસ કે રોજા રાખવાના સંસ્કાર તો હતા, પણ ગાંધીજીએ એ સંસ્કારને જલિયાવાલાબાગ અને સ્વરાજ આંદોલન જોડે જોડી આપ્યા. ૧૯૨૨માં ન્યાયાધીશે તેમનો ધંધો પૂછ્યો તો તેમણે કહ્યું કે મારો ધંધો ખેડૂતનો ને વણકરનો છે. અમદાવાદના સર્કિટ હાઉસમાં અપાયેલા આ જવાબે આખા દેશના ખેડૂતો અને વણકરોના હૃદયમાં પડઘા પાડ્યા હશે. ગાંધીજીએ કાયદાનો ભંગ કરવાનો કાર્યક્રમ ગોઠવ્યો તો તે વાઈસરૉયનો પગાર ઘટાડવા કે લશ્કરી ખરચ ઘટાડવા કે અંગ્રેજોના પાઉન્ડની સામે ભારતના રૂપિયાની કિંમત વધારવાના મુદ્દા પર નહીં. જો કે આ બધા મુદ્દાઓ ૧૯૩૦ના આંદોલન સાથે સંકળાયેલા હતા, પણ એમણે મુદ્દો લીધો મીઠાનો. એ મીઠું જે આખી પ્રજા ખાતી હતી, ને જેના પર ભારે કરનો બોજ હતો. દક્ષિણ આફ્રિકામાં ત્રીજા સત્યાગ્રહ વખતે તેમણે એવા મુદ્દા લીધા હતા જે હિંદથી આફ્રિકા જઈ વસેલા કાળી મજૂરી કરનારા ગિરમીટિયાઓને સ્પર્શતા હતા. ગાંધીજીએ ત્યારે ગિરમીટિયાની જેમ લૂંગી અને ઝભ્ભો ધારણ કર્યાં, એમની જોડે કૂચ કરી, એમની જોડે ઘાસિયામાં સૂતા. એમને પોતાના હાથે પીરસીને સાદું ભોજન ખવડાવ્યું અને પોતે અલૂણાં કર્યાં. હિંદના ગરીબને વસ્ત્રહીન જોઈને એમણે પોતાનાં વસ્ત્રનો કાયમને માટે ત્યાગ કર્યો. એટલે સુધી કે શહેનશાહને મળવા ગયા ત્યારે પણ એ જ પોતડી અને ચાદરના વેશમાં ગયા. ગાંધીજીના જીવનમાં હિંદની જનતાને પોતાના જેવો જ આગેવાન દેખાયો તેથી એ આગેવાનની મરદાનગી, એની કષ્ટસહન કરવાની તાકાત, એની સાદગીની અસર હિંદની જનતા પર વીજળી વેગે થઈ.

ગરીબના પેટનો ખાડો પૂરવા અને કોઈના ઓશિયાળા થવું ન પડે માટે એમને ગાંધીજીએ કાંતણ, વણાટ અને બીજા સંખ્યાબંધ ગ્રામોદ્યોગો આપ્યા. દેશના હૈયામાં પડેલી તિરાડો પૂરવા તેમણે અનેકવાર દેશને એક છેડેથી બીજે છેડે સુધી મુસાફરી કરી, કૂચ કીધી, યાત્રાઓ કીધી, લોકવાણીમાં તેઓ બોલ્યા ને એ જ વાણીમાં તેમણે સત્ય સરસ્વતીને ધરતી પર પ્રગટ કરી. દુ:ખિયાના તેઓ ભેરૂ બન્યા. માનવતાના મેરુ બન્યા. તેત્રીસ કોટિ જનતાને તેમણે ત્રીસ વર્ષના ટૂંકા ગાળામાં ઊંઘતી જગાડી, આળસ મરડીને બેઠી કરી, સત્યને પગલે ચાલતી કરી, હસતે મોંએ કષ્ટો વેઠતી, પણ દમનને કદી વશ ન થતી કરી. જનતાના એક એક ગુણને તેમણે એમના હૈયાની ભીતરથી પ્રગટ કર્યા. ટીપે ટીપે તેમણે સરોવર ભર્યું. કાંકરે કાંકરે પાળ બાંધી. એક એક ઇંટ ગોઠવતાં ગોઠવતાં તેમણે રાજકીય સ્વરાજના ચણતર ચણ્યાં તેથી જ તો કવિએ ગાયું કે:

તમારા સત્ય-શૂરે માટીમાંથી મર્દ કીધા.
હતાં નહીં શસ્ત્ર તોય સહેજમાં સ્વરાજ જીત્યા.

ગાંધીજી એક એવા વિશાળ આમ્રવૃક્ષ જેવા હતા કે જે ભૂમિમાંથી રસ કસ મેળવી પુષ્ટ થાય છે અને જે આકાશભણી મોં કરી પોતાની ડાળીઓ ફેલાવે છે. એ તાકાતવાન વૃક્ષમાંથી ફળો પણ મધુર અને પુષ્ટિદાયક નીપજે છે. ગાંધીજીએ પોતાની તાકાત ભારતીય સંસ્કૃતિનાં મૂળિયાં ઊંડે ફેલાવી માનવીય સંસ્કૃતિની ભૂમિમાંથી મેળવી હતી. એમનાં મૂળિયાં એમને વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભાગવત અને સંતો સુધી લઈ જઈ અદ્વૈત અને સમન્વયનો રસ ચખાડતાં હતાં. માનવ માત્રમાં એકત્વ જોઈ ગાંધીએ રાજનૈતિક, સામાજિક અને આર્થિક ન્યાયની ભૂમિ પર પોતાનું અસ્તિત્વ દૃઢ કર્યું હતું. તેમ કરી તેમણે સ્વતંત્રતા, સમાનતા અને વિશ્વબંધુત્વ તરફ પોતાની શાખાપ્રશાખાઓ ફેલાવી હતી. માનવતાના આ નિત્ય-વર્ધમાન વૃક્ષને જે ફળ લાગ્યાં હતાં તેણે જ અનુભવ્યું હતું કે આ તો આપણી માટીમાંથી મરદ બનવાની પ્રક્રિયા પૂરી થઈ. એમાં વીરતાની સાથે ક્ષમા ભળી હતી. પરિપક્વતાની સાથે મધુરતા એકરસ થઈ હતી. પોતાની સાથેના કાર્યકર્તાઓને ગાંધીએ સત્ય-અહિંસાના તપમાં પાવન કરીને કથીરમાંથી કંચન કર્યા હતા. તમો નિંદ્રામાં પડેલી જનતાને તેમણે સત્યાગ્રહ દ્વારા ઢંઢોળીને રજોગુણની ગતિ આપી હતી અને ચિત્તશુદ્ધિ દ્વારા સત્ત્વગુણનો ઓપ આપ્યો હતો. હિંસક ક્રાંતિમાં વીરતા હતી. ગાંધીએ અહિંસક ક્રાંતિ દ્વારા એ વીરતાને મહાવીરતામાં વિકસાવી હતી.
* * *


વાંચો: સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૨ — ગાંધીજીની ત્રણ મુખ્ય દેણ