સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૨ — ગાંધીજીની ત્રણ મુખ્ય દેણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘સૌના ગાંધી’ શ્રેણી

સૌના ગાંધી શ્રેણી - ૧
પુસ્તક - ૨



Sauna Gandhi title 02.jpg


ગાંધીજીની ત્રણ મુખ્ય દેણ

નારાયણ દેસાઈ


Gujarat Vidyapith (emblem).png



પ્રકાશન વિગત


સૂર્યની આપણને કેટલી બધી દેણ છે ? એમાંથી જ આપણી પૃથ્વી બની છે. એની ગરમીને લીધે જ આપણે ઠરીને ઠીકરું નથી થઈ જતાં. એના પ્રકાશથી વૃક્ષોનાં પાંદડાં ખીલી ઊઠે છે. સૂરજની ત્રણ મુખ્ય દેણ એટલે એનો પ્રકાશ, એની ગરમી અને એની ઊર્જા. એ જ રીતે ગણાવવા બેસીએ તો ગાંધીજીની પણ ઘણીબધી દેણ ગણાવી શકાય. કોઈ કહેશે કે એમણે આપણને સ્વરાજ અપાવ્યું, કોઈ કહેશે કે એમના પ્રયાસોને લીધે જ દક્ષિણ આફ્રિકાના ગિરમીટિયાઓની ગિરમીટ પ્રથા ગઈ, કોઈ કહેશે એમણે ચંપારણમાં ‘તિનકઠિયા’ પ્રથાને કાઢી, કોઈ કહેશે એમણે ‘ભારત છોડો’નો મંત્ર આપ્યો. પણ લાંબો અને ઊંડો વિચાર કરતાં સમજાશે કે ગાંધીજીએ આપણા દેશને અને એક અર્થમાં આખી માનવતાને જે મોટી ત્રણ દેણ આપી હતી તે સત્યાગ્રહ, રચનાત્મક કાર્યક્રમ અને એકાદશવ્રતોની. આ ત્રણમાંથી સત્યાગ્રહ અંગે આપણામાંથી ઘણાખરાને આછીપાતળી કાંઈક જાણ તો હશે, પણ આપણામાંના ઘણા એવાય હશે કે જેમને બાકીની બે દેણ વિષે તો ભાગ્યે જ કાંઈ ખબર હશે. આપણે એ ત્રણે વિષે થોડી વિશેષ જાણકારી મેળવીએ તો આપણે ગાંધીજીના મુખ્ય તત્ત્વોને સમજી શકીશું. સામાન્ય રીતે જોઈએ તો સત્યાગ્રહ એટલે ગાંધીજીએ અન્યાય સામે અહિંસક રીતે લડવાની જે પદ્ધતિ શોધી કાઢી હતી અને લગભગ પાંચ દાયકા સુધી જેનો વિવિધ રીતે પ્રયોગ કરી બતાવ્યો હતો તે રીત, એવો અર્થ થાય. સત્યાગ્રહો વડે જે લડાઈ ચાલી રહી હતી તે વખતે જ દેશને બેઠો કરવા સારુ ગાંધીજીએ જે કાર્યક્રમ આપ્યો હતો તેને રચનાત્મક કાર્યક્રમ કહે છે અને પોતાના સત્યાગ્રહ આશ્રમમાં આશ્રમવાસી તરીકે રહેવા ઇચ્છનારાઓ સારુ તેમણે જે નિયમાવલિ ઘડી કાઢી હતી તે અગિયાર વ્રતોની બની હતી. એને જ પાછળથી વિનોબાએ ‘એકાદશવ્રત’ એવું નામ આપ્યું હતું. એ જ નામ પછીથી ગાંધીજીની પ્રેરણાથી ચાલતા દેશના સંખ્યાબંધ આશ્રમોમાં રૂઢ થઈ ગયું. આ ત્રણે શબ્દો પાછળ ગાંધીજીના ઊંડા વિચાર અને તપશ્ચર્યા હતાં. એમણે પોતાના વિચારો દ્વારા જગતને જે એક નવું દર્શન આપ્યું અને પોતાના જીવન દ્વારા એ દર્શનને અમલમાં મૂકી બતાવ્યું તે આખું આ શબ્દો દ્વારા પ્રગટ થાય છે તેથી જ આપણે તેને ગાંધીજીની ત્રણ મુખ્ય દેણ ગણી. ગાંધીજીના જીવન અને એમના તત્ત્વજ્ઞાનને સમજવા સારુયે આ ત્રણેય દેણનો થોડો વધુ વિચાર કરી લેવો ઉપયોગી થશે. એમ જો જોઈએ તો આ ત્રણેય શબ્દો સાવ નવા જ છે. પણ પૂરા પાંચ દાયકા સુધી એના વ્યાપક પ્રયોગને લીધે એમાંથી સત્યાગ્રહ શબ્દે તો હવે દેશવિદેશની ભાષાઓના શબ્દકોશમાં સ્થાન મેળવ્યું છે. રચનાત્મક કાર્યક્રમે દેશની કેટલીક ભાષાઓના શબ્દકોશમાં સ્થાન લઈ લીધું હશે. પરંતુ ‘એકાદશવ્રત’ શબ્દ પ્રયોગ બીજી બે જેટલો રૂઢ નથી થયો. ખુદ ગાંધીજીના જીવનમાં પણ આ શબ્દો અમુક વર્ષોને અંતરે આવ્યા છે. આપણે પણ એને એ જ ક્રમમાં લઈએ. ગાંધીજીએ ભારત આવીને કાયમ સારુ વસવાટ કર્યો તે પહેલાં તેમણે દક્ષિણ આફ્રિકામાં વીસ-એકવીસ વર્ષ ગાળેલા. એમ તો તેઓ એક વર્ષ સારુ થોડી આજીવિકા કમાવા ભારતથી દક્ષિણ આફ્રિકા ગયા હતા. પણ ત્યાં વસતા હિંદીઓના પ્રશ્નોમાં તેમણે રસ લીધો તેથી શરૂઆતમાં થોડાં વર્ષો ચાલુ વકીલાતે અને પાછલા વર્ષોમાં વકીલાતને પડતી મૂકીને તેમણે દક્ષિણ આફ્રિકાના હિંદીઓની અહિંસક લડતની આગેવાની લીધેલી. ગાંધીજીએ પોતે શોધેલી અને વિકસિત કરેલી રીત સારુ ‘સત્યાગ્રહ’ શબ્દ યોજેલો, જે શબ્દ આગળ જતાં કેટલીકવાર તેમણે માત્ર અહિંસક લડાઈની રીત સારુ જ નહીં, પણ પોતાના આખા જીવનદર્શન સારુ પણ વાપર્યો છે. સત્યાગ્રહ શબ્દ ઘડાયો તે પહેલાં જ એનો અમલ થયેલો. દક્ષિણ આફ્રિકાની સરકારના કેટલાક કાયદાઓ ત્યાંની હિંદી કોમને અન્યાય કરનાર હતા તેથી એ અન્યાયનો પ્રતિકાર કરવા સારુ ગાંધીજીએ જે ચળવળનો આરંભ કરેલો તેને કોઈકવાર પોતે અને કોઈકવાર ત્યાંના છાપાવાળાઓ ‘પેસિવ રૅઝિસ્ટન્સ’ એટલે કે નિષ્ક્રિય પ્રતિકાર તરીકે વર્ણવતા. એ શબ્દો યુરોપના કેટલાક દેશોમાં જે આંદોલનોમાં પ્રત્યક્ષ હિંસા ન વપરાતી હોય, પણ જે પ્રચલિત બંધારણીય પદ્ધતિને વટાવી જતી હોય એવી ચળવળ સારુ વપરાતા. ઇંગ્લેન્ડની સ્ત્રીઓએ મતાધિકાર મેળવવા સારુ જે ‘સફ્રેજેટ’ આંદોલન ચલાવેલું તેના સંદર્ભમાં ‘પેસિવ રૅઝિસ્ટન્સ’ શબ્દ ખાસ વપરાતો. દક્ષિણ આફ્રિકાની લડતના કામ અંગે ગાંધીજી ઇંગ્લેંડ ગયા ત્યારે તેઓ આ ચળવળ સાથે સંકળાયેલી કેટલીક વ્યક્તિઓને મળેલા અને તેમણે એ ચળવળ વિષે થોડો અભ્યાસ પણ કરેલો. બીજા કોઈ શબ્દના અભાવે ગાંધીજી પણ દક્ષિણ આફ્રિકાના હિંદીઓના આંદોલન સારુ ‘પેસિવ રૅઝિસ્ટન્સ’ શબ્દ જ વાપરતા. પણ તેમને એ શબ્દથી સંતોષ નહોતો. કારણ, આ ચળવળમાં કેટલીકવાર ભાંગફોડનો આશરો લેવામાં આવે અથવા એ આંદોલન પાછળ વિરોધીઓ પ્રત્યે ક્રોધ કે દ્વેષ હોય, એ ગાંધીજીને બિલકુલ મંજૂર નહોતું. તેથી તેઓ હિંદીઓની ચળવળ વિષે લોકોના મનમાં એવા ભાવો જાગે એમ જરાય ઇચ્છતા નહોતા. આ કારણે તેમણે પોતાની ચળવળ સારુ કોઈ યોગ્ય શબ્દની શોધ કરવા માંડી. આ શોધમાં ચળવળમાં ભાગીદાર અથવા એના આશયને સમજનારા લોકો પણ ભળે એ હેતુથી ચળવળના મુખપત્ર ‘ઇંડિયન ઓપિનિયનમાં’ ગાંધીજીએ એવી જાહેરાત આપી કે જે કોઈ આંદોલન સારુ બરાબર બંધબેસતો શબ્દ સૂચવશે તેને ઈનામ આપવામાં આવશે. એવો શબ્દ સૂચવનાર એમના પિતરાઈ ભાઈના દીકરા મગનલાલ ગાંધી જ મળી આવ્યા. મગનલાલભાઈ ગાંધીજી સાથે જ ફિનિક્સ આશ્રમમાં રહેતા હતા અને ગાંધીજીના દરેક કામનો ખૂબ શ્રદ્ધા, ભક્તિ અને બુદ્ધિપૂર્વક અભ્યાસ કરતા હતા. વીસેક વર્ષ પછી એમનું અવસાન થયું ત્યારે ગાંધીજી અને સરદાર પટેલે એમને સારુ ‘આશ્રમના પ્રાણ’ એવા શબ્દો વાપરેલા. મગનલાલ ગાંધીએ સૂચવેલો ‘સદાગ્રહ’ શબ્દ ગાંધીજીને પોતાના આંદોલનની મૂળ ભાવનાને ચોક્કસપણે વ્યક્ત કરતો લાગ્યો. પણ સદાગ્રહ શબ્દનો અર્થ કોઈપણ સારી વસ્તુનો આગ્રહ એવોયે થઈ શકે, તેથી એ શબ્દને વધુ ધારદાર બનાવવાની દૃષ્ટિએ ગાંધીજીએ એને બદલે ‘સત્યાગ્રહ’ શબ્દ સ્વીકાર્યો અને સત્યાગ્રહ અને પેસિવ રૅઝિસ્ટન્સ વચ્ચે સિદ્ધાંતની દૃષ્ટિએ શો ભેદ હતો એ સમજાવતાં લખાણ ઇન્ડિયન ઓપિનિયનમાં અને અન્યત્ર પણ લખ્યાં. ત્યારથી સત્યાગ્રહ શબ્દ ગાંધીજી સાથે જોડાઈ ગયો. એ જાણે કે ગાંધીજીવન દર્શન અને ગાંધીજીની કાર્ય કરવાની પદ્ધતિ સારુ પર્યાયવાચી શબ્દ બની ગયો. સત્યાગ્રહ શબ્દ દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની ચળવળને લીધે પ્રચલિત થયો, પરંતુ ગાંધીજીના મનમાં એનાં બી તો વવાયાં હતાં, ચળવળ ઉપડી તેનાથી ૧૩-૧૪ વર્ષ પહેલાં જ. તેઓ પહેલીવાર દક્ષિણ આફ્રિકામાં આવ્યા ત્યાર પછી તરત જ ગાંધીજીને ત્યાંના રંગદ્વેષનો કડવો અનુભવ થઈ ચૂક્યો હતો. એમની પાસે પ્રથમ વર્ગની ટિકિટ હતી તે છતાં ગોરા લોકોએ એમને કાળાઓના ડબ્બામાં જવા કહ્યું હતું. અને જ્યારે તેમણે ડબ્બો છોડવાની ના પાડી ત્યારે, પીટરમારિત્સબર્ગ સ્ટેશનના પ્લેટફોર્મ પર, એમને ધકેલીને ઉતારવામાં આવ્યા હતા. શિયાળાની કડકડતી ટાઢમાં સ્ટેશનના નાના સરખા મુસાફરખાનામાં ગાંધીજીને જે વિચારો આવ્યા તે તેમણે પોતાની આત્મકથામાં નિખાલસપણે નોંધ્યા છે. તેમને પહેલો વિચારતો એ આવ્યો કે ક્યાં દેશથી આટલે આઘે આવાં અપમાનો સહન કરવા આવી પડ્યો, ચાલને જીવ! પાછા દેશ ભેગા થઈ જઈએ! પણ પછી તરત એના કરતાંય પ્રબળ વિચાર આવ્યો કે એમ પાછા જવું એ તો કાયરતા કહેવાય. અને કાયરતા એટલે મરતાં પહેલાં હાથે કરી મરવું. બીજો એક વિચાર એવો પણ આવ્યો કે જેણે એમને ધકેલ્યા હતા તે ગોરા પોલીસ અને એમ કરવાનો આદેશ આપનાર ગોરા રેલ્વે અધિકારીની સામે ફરિયાદ માંડુ? પણ એ વિચાર પણ ગાંધીજીએ એમ કરીને મનમાંથી કાઢી નાખ્યો કે આમ કરનારાઓ તો બિચારા ચાલુ રિવાજ પ્રમાણે વર્ત્યા છે. એમાં એમનો શો વાંક ? વાંક તો મૂળ રંગદ્વેષ પરંપરાનો છે. એક બે જણ પર ફરિયાદ નોંધાવવાથી કદાચ એમને સજાયે થાય, પણ તેથી એ વ્યવસ્થા કાંઈ ઓછી દૂર થવાની હતી? તે રાતે છેવટે તેઓ એવા નિર્ણય પર આવ્યા કે ગમે તેટલું કષ્ટ વેઠીને પણ આ વ્યવસ્થા સામે લડી લેવું. બીજે દિવસે સિગરામમાં બેસતાં ફરી પાછો એનાથીયે વધારે કડવો અનુભવ થયો. સિગરામમાં એમણે લીધેલી જગા ખાલી કરાવવા મથનારા કદાવર ગોરા ‘ખલાસીના’ હાથનો સારી પેઠે માર પણ તેમને ખાવો પડ્યો. છતાં તેઓ એકના બે ન થયા. એ જ સિગરામમાં બેઠેલા બીજા ગોરા મુસાફરોને તેમને માર પડતો જોઈને દયા આવી. એમણે ગાંધીજીનું ઉપરાણું લીધું તેથી છેવટે મારનાર ગોરો ભોંઠો પડ્યો. આ જ મુસાફરીમાં, આગળ ઉપર ટ્રેનમાં પ્રથમ વર્ગની ટિકિટ સાથે બેસવા જતાં બીજા રેલ અધિકારીએ ફરી વાંધો ઉઠાવ્યો. પણ એ જ ડબ્બામાં બેઠેલા એક ગોરા મુસાફરે ગાંધીજીનો પક્ષ તાણ્યો અને ગાંધીજીએ કાયદેસર રીતે પોતાની મુસાફરી પ્રથમ વર્ગમાં બેસીને પૂરી કરી. ગાંધીજીએ આ પ્રસંગને પોતાના જીવનમાં વધુમાં વધુ ‘નવોન્મેષકારી’ અનુભવ તરીકે વર્ણવ્યો છે. આ આખા પ્રસંગમાં સત્યાગ્રહના કેટલાક સિદ્ધાંતો આપણને જોવા મળે છે. તેને આમ ગણાવી શકાય. ૧. કોઈ પણ સંયોગોમાં અન્યાયને સાંખી લેવો નહીં. ૨. તેમ કરવામાં જે કષ્ટ પડે તે સ્વેચ્છાએ વેઠી લેવું. ૩. સત્યનો આ આગ્રહ અને કાયરતા બંને કદી સાથે ચાલી ન શકે. ૪. સત્યાગ્રહમાં વિરોધ અન્યાયી વ્યવસ્થાનો કરવાનો છે, અન્યાય કરનાર વ્યક્તિનો નહીં. ૫. સત્યાગ્રહ બદલો લેવા કે સામાને સજા કરાવવા ખાતર ન હોઈ શકે. ૬. કોઈ આખી પ્રજા એકસરખી દુષ્ટ નથી હોતી. દરેક પ્રજામાં સારા માઠા બંને પ્રકારના લોકો હોય છે. ૭. જાતે જાણી જોઈને કષ્ટ વેઠી લેવું એ અન્યાયનો પ્રતિકાર કરવાનું સાધન બની શકે છે. કષ્ટસહન એ પોતાની વાતને સામાના દિલ સુધી પહોંચાડવાનું માધ્યમ બની શકે છે. અલબત્ત પીટરમારિત્સબર્ગના સ્ટેશન પર અને ત્યાર પછીની મુસાફરીના આ અનુભવમાં સત્યાગ્રહનાં મૂળ તત્ત્વોનાં બીજ જોવા મળે છે. પરંતુ એ વાત પણ ધ્યાનમાં રહે કે આ બી પણ ગાંધીજીના હૃદયમાં વર્ષોથી વવાઈ ચૂકેલાં હતાં. સાવ નાનપણમાં ગાંધીજીએ જ્યારે પોતે કરેલી ભૂલની કબૂલાત બીમાર પિતા આગળ ચિટ્ઠી લખીને કરી ત્યારે એમના પિતાએ એમને ધમકાવ્યા નહોતા કે એમણે બાળક મોહનને નહોતી કરી કોઈ સજા. એમને તો વેદનાપૂર્વક હૈયે ચિટ્ઠી વાંચીને આંખમાંથી ‘અમૃતબિંદુ’ સાર્યાં હતાં અને ચિટ્ઠી ફાડી નાખી હતી. ગાંધીજીને તે દિવસથી સમજાઈ ગયું હતું કે સ્વેચ્છાપૂર્વક કરેલું કષ્ટસહન એ પણ સામેની વ્યક્તિના હૃદય સુધી પહોંચવાનું એક અત્યંત અસરકારક માધ્યમ બની શકે છે. દક્ષિણ આફ્રિકાના હિંદીઓ સારુ અજમાવેલ સત્યાગ્રહ પાછળથી ગાંધીજીના જીવનની સૌથી મોટી દેણ બની ગઈ. તેમણે જીવનમાં અનેક પ્રસંગોએ સત્યાગ્રહ કર્યા. દર સત્યાગ્રહ વખતે તેઓ પરિસ્થિતિ મુજબ એને અમલમાં મૂકવાની રીતમાં જરૂરી લાગ્યા તેવા ફેરફારો કરતા રહ્યા, સતત એને વિષે ચિંતન કરતા રહ્યા અને લગભગ પાંચ દાયકાઓ સુધી એને અંગે જાહેરમાં બોલતા કે લખતા રહ્યા. તેમણે પોતે દાવો કર્યો હતો કે તેઓ સત્યાગ્રહના વિશેષજ્ઞ બની ગયા હતા. અને કોઈએ એ દાવાને પડકાર્યો નહોતો. પણ તેઓ સત્યાગ્રહ જેને તેમણે સત્યની શક્તિ, પ્રેમની શક્તિ કે આત્માની શક્તિ તરીકે ઓળખાવ્યો હતો, તેને વિષે એમ નહોતા માનતા કે એ શક્તિ અંગે પોતે છેવટની શોધ કરી ચૂક્યા છે. તેમને એમાં અપાર શક્તિ સમાયેલી લાગતી હતી અને તેઓ માનતા હતા કે જેમ જેમ સાચી સમજ સાથે એના પ્રયોગો થતા જશે તેમ તેમ સત્ય, પ્રેમ કે આત્માની આ શક્તિનાં વિવિધ પાસાંઓ દુનિયા આગળ ઊઘડતાં જશે. પોતાને તેમણે સત્યાગ્રહના સર્વજ્ઞ કદી માન્યા નહોતા. ગાંધીજીએ પોતાની જિંદગીમાં સત્યાગ્રહના કરેલા કે કરવા ધારેલા પ્રયોગો નીચેના પ્રકારના હતા.અલબત્ત દરેક પ્રકારમાં સંખ્યાબંધ પેટા-પ્રકારો પણ હોઈ શકે છે. ૧. વિચારોની કે સત્યની, ન્યાયની સમજાવટથી કામ પતી જતું હોય તો તે ઉત્તમ. ૨. અન્યાયની જાણ પોતાના લોકોને, સામાન્ય જનતાને અને સામેના પક્ષને સ્પષ્ટ રીતે કરવી. ૩. અન્યાયી વ્યવસ્થા સામે વિવિધ પ્રકારના અસહકાર કરવા. ૪. અન્યાયી કાયદાનો સવિનય અને ખુલ્લો ભંગ કરી, એના પરિણામે થતી સજા સ્વેચ્છાએ સ્વીકારી લેવી. ૫. વિવિધ પ્રકારના કર ન ભરવા. ૬. પ્રજાનાં નાનાં મોટાં એકમોમાં શાસનની વ્યવસ્થા જાતે સંભાળી લઈને અન્યાયી પ્રશાસકના વહીવટને નિરર્થક અને અનાવશ્યક બનાવી દેવો. દેશે ગાંધીજીના પ્રત્યક્ષ કે પરોક્ષ નેતૃત્વ હેઠળ સત્યાગ્રહના વિવિધ ક્ષેત્રોમાં પ્રયોગો જોયા. ૧૯૧૯-૨૨ સુધીનું અસહકાર આંદોલન અને ૧૯૩૦-૩૪નાં સવિનય કાનૂનભંગનાં આંદોલનોએ આખા દેશને ચેતના પૂરી પાડી. અનેક પ્રકારનાં કષ્ટો વેઠીને પણ લોકોએ લાંબા ગાળા સુધી પોતાનો જુસ્સો જાળવી રાખ્યો હતો. તેમાંથી પ્રથમ આંદોલન દરમિયાન પહેલીવાર દેશના ભણેલાગણેલા મધ્યમ વર્ગના લોકોએ જેલવાસ વહોરી લીધો. અને બીજા આંદોલનમાં સ્ત્રીઓએ હજારોની સંખ્યામાં ભાગ લીધો હતો. બંને આંદોલનોથી લોકોને એ વિશ્વાસ બેઠો હતો કે સત્યાગ્રહ એ અન્યાયનો પ્રતિકાર કરવાનો એક કારગર ઉપાય છે. સવિનયભંગના આંદોલન દરમિયાન ધરાસણા, પેશાવર, વડાલા વગેરે સ્થળોએ કષ્ટસહનની ચરમ સીમાનું પ્રદર્શન થયું હતું. તે ઉપરાંત ચંપારણમાં તિનકઠિયા વ્યવસ્થા સામે પડકાર, વાઇકોમ (કેરળ)માં દલિતોનો મંદિર - પ્રવેશ, બારડોલીમાં અન્યાયી મહેસૂલ વધારાનો વિરોધ વગેરે નિશ્ચિત અને સીમિત ઉદ્દેશવાળા સત્યાગ્રહો દ્વારા રાષ્ટ્રીય જીવનના વિવિધ ક્ષેત્રોમાં ચોક્કસ જીત હાંસલ કરીને દેશે પોતાનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. સત્યાગ્રહની આ દેણ મારફત ગાંધીજીએ દુનિયાના અન્યાયગ્રસ્ત, પીડિત, ત્રસ્ત, દલિત લોકો સારુ આત્મશક્તિથી લડવાનું એક ખૂબ અસરકારક સાધન આપ્યું હતું. ઉપરાંત માણસજાતને લોભ અને ભયને ઠેકાણે પ્રેમથી પરિવર્તનનું ત્રીજું પ્રેરક તત્ત્વ ચીંધ્યું હતું. અન્યાય સામેની લડતની સાથે સાથે જ જેમાં લોકોની શક્તિ વધતી હોય એવા કાર્યક્રમો તો ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી જ શરૂ કરી દીધેલા. બોઅર યુદ્ધ અને ઝુલુ એમ બબ્બે યુદ્ધ વખતે ગાંધીજીએ હિંદી સ્વયંસેવકોની ભરતી કરી હતી. આ લોકોએ ઘાયલોને ઝોળીઓમાં ઉપાડી જવાના અને તેમને તબીબી સારવાર આપવાના કામો જીવને જોખમે કર્યાં હતાં. તેથી દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની પ્રતિષ્ઠા અને શક્તિમાં વધારો થયો હતો. કોમમાં આત્મવિશ્વાસ વધ્યો હતો અને હિંદીઓ તો સાવ બીકણ બાયલા છે એવી છાપ ત્યાંના ગોરાઓના મનમાંથી સાવ ભૂંસાઈ ગઈ હતી. જોહાનિસબર્ગમાં ભયંકર મરકી ફાટી નીકળી ત્યારે બીજા કોઈ ત્યાં જવાની હિંમત પણ નહોતા કરતા તેવાં સ્થળોએ પહોંચી જઈ દિવસ રાત રોગીઓની સેવા કરી હિંદીઓએ ઘણાના પ્રાણ બચાવ્યા હતા અને બિનહિંદીઓની પ્રશંસા પણ મેળવી હતી. હિંદીઓ સારુ ખાસ શાળાઓ ખોલી કે કુષ્ટરોગ જેવા ચેપી રોગોની ચિકિત્સાની વ્યવસ્થા ગોઠવીને ગાંધીજીએ રચનાત્મક કામની પહેલ કરી હતી. દક્ષિણ આફ્રિકાના બે આશ્રમો, ફિનિક્સ વસાહત અને ટૉલ્સ્ટૉય વાડીમાં કાર્યકર્તા સ્ત્રી-પુરુષો અને તેમનાં બાળકોને તાલીમ આપીને ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમોનો પાયો નાખ્યો હતો. એ કહેવાની જરૂર ભાગ્યે જ ગણાય કે આવા દરેક રચનાત્મક કામમાં ગાંધીજી તેમના આશ્રમોમાં અને બહાર હમેશા સૌની મોખરે રહેતા. પણ સમાજનું નવું ઘડતર કરનાર કાર્યક્રમોને વ્યવસ્થિત યોજનાબદ્ધ સ્વરૂપ આપી એને કૉંગ્રેસના રાષ્ટ્રીય કાર્યક્રમમાં સ્થાન અપાવવાનું તો ગાંધીજી હિંદ આવ્યા ત્યાર બાદ જ કરી શક્યા. ત્યારે જ તેમણે આવા કાર્યક્રમને ‘રચનાત્મક’ એવી સંજ્ઞા આપી. બારડોલી તાલુકામાં સવિનય કાનૂનભંગની ચળવળ ઉપાડતાં પહેલાં ત્યાં ખાદી, અસ્પૃશ્યતાનિવારણ અને રાષ્ટ્રીય શિક્ષણ વ્યાપક બનવાં જોઈએ એવી શરત મૂકીને ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમોને આઝાદીના આંદોલનમાં માનભર્યું સ્થાન આપ્યું હતું. વળી આઝાદી માટેની અહિંસક લડાઈ એ કેવળ વિરોધ કરનારી નકારાત્મક લડાઈ જ નથી, પણ સમાજમાં ધરમૂળથી પરિવર્તન લાવનાર હકારાત્મક ચળવળ પણ છે, એ સિદ્ધ કરી આપ્યું હતું. કૉંગ્રેસે ડૉમિનિયન સ્ટેટસના પોતાના ઉદ્દેશ સારુ એક વર્ષની મહેતલ આપી. એ મુદતમાં જો ડોમિનિયમ સ્ટેટસ ન આપવામાં આવે તો કૉંગ્રેસનો ઉદ્દેશ પૂર્ણ સ્વતંત્રતાનો કરવાનું ઠરાવ્યું. ત્યારે એ એક વર્ષ દરમિયાન જોઈતી તાકાત અને યોગ્યતા કેળવવા જે કાર્યક્રમ અપાયો હતો એ પણ આખો રચનાત્મક કાર્યક્રમ જ હતો. કોમી એકતા, ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, દારૂબંધી ઉપરાંત તેમાં વામપંથી કૉંગ્રેસજનોના આગ્રહથી કિસાનો અને મજૂરોના સંગઠનના કાર્યક્રમો પણ જોડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમો સારુ કૉંગ્રેસે પોતાના મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓની બનેલી ઉપસમિતિઓ પણ સ્થાપી હતી. ઘણીખરી સમિતિઓ આખું વર્ષ આ કામ પાછળ પૂરી નિષ્ઠાથી લાગી ગઈ હતી. પરંતુ આથી એ પહેલાં તિલક મહારાજના સ્મરણમાં તિલક સ્વરાજ ફંડ ઉઘરાવવામાં આવ્યું ત્યારે કૉંગ્રેસના એક કરોડ સભ્યો નોંધવા અને એક કરોડ રૂપિયા એકઠા કરવાના સંગઠનાત્મક કાર્યક્રમની સાથે દેશમાં વીસ લાખ રેંટિયા ચાલુ કરવાનો કાર્યક્રમ પણ જોડવામાં આવ્યો હતો અને ‘એક વર્ષમાં સ્વરાજ’ના ગાંધીજીના લોભામણા કાર્યક્રમ આગળ પણ તિલક સ્વરાજ ફંડ માટેના આ ત્રણે લક્ષ્યાંકોને અનિવાર્ય શરત તરીકે જોડવામાં આવ્યા હતા. વળી ૧૯૨૫માં કૉંગ્રેસના ખાસ ઠરાવ દ્વારા અખિલ ભારત ચરખા સંઘ નામની એક રાષ્ટ્રીય સ્તરની સ્વાયત્ત સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી અને તેને સારુ ફાળો ભેગો કરવા ગાંધીજીએ આખા દેશમાં તેમજ બ્રહ્મદેશ તથા લંકાના પ્રવાસ પણ ખેડ્યા હતા. મહત્ત્વનાં સર્વ રચનાત્મક કામો સારુ અલગ સંઘ સ્થાપી એની ખાસ જવાબદારી કોઈ રાષ્ટ્રીય સ્તરની વ્યક્તિને સોંપવાનો ગાંધીજીએ જાણે કે રિવાજ જ પાડી દીધો હતો. આઝાદીની લડાઈ દરમિયાન એ રીતે ચરખા સંઘ, ગ્રામોદ્યોગ સંઘ, હરિજન સેવક સંઘ, તાલીમી સંઘ, ગો સેવા સંઘ, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, આદિમજાતિ સેવક સંઘ, મજૂર મહાજન વગેરે વિવિધ પ્રકારની રચનાત્મક સમિતિઓ સ્થાપવા તથા તેની પાછળ એક એક એવા માણસને મૂકી દેવાની પરંપરા ગાંધીજીએ પાડી હતી કે જેમણે પોતાનાં પૂરેપૂરાં જીવન જ એ કાર્યોને સમર્પી દીધાં હતાં. ગાંધીજીની આ સૂઝબૂઝ કાંઈ જેવી તેવી નહોતી. દુર્ભાગ્યે રાષ્ટ્રીય કૉંગ્રેસે આઝાદીના આંદોલનમાં જેટલું ધ્યાન આપ્યું હતું અને શક્તિ ખર્ચી હતી, તેટલી કદી રચનાત્મક કામો પાછળ ખર્ચી નહોતી. જો તેમ કર્યું હોત તો કદાચ દેશ પાસે સ્વરાજ આવ્યું ત્યારે જ એવી મોટી અહિંસક સેના ખડી થઈ ગઈ હોત કે સ્વરાજ પછી થયેલી દેશની ઘણી અધોગતિને રોકી શકી હોત. દુનિયાના બહુ ઓછા ક્રાંતિકારીઓના મનમાં ક્રાંતિનાં નકારાત્મક અને હકારાત્મક બંને પાસાં સ્પષ્ટ હોય છે. મોટાભાગના ક્રાંતિકારીઓ જે વ્યવસ્થાને ઉથલાવી પાડવાના હોય છે એને અંગે તો મનથી સ્પષ્ટ હોય છે, પણ જે નવી વ્યવસ્થા ઊભી કરવાની હોય છે, તે અંગે તેઓ એટલા સ્પષ્ટ નથી હોતા. ગાંધીજી આ બાબતમાં એક ઝળહળતા અપવાદ જેવા હતા. એમણે રચનાત્મક કાર્યક્રમો મારફત સ્વરાજ પછીના સમાજ અંગેની પોતાની કલ્પનાના ચિત્રમાં પૂરતા રંગો પૂર્યા હતા. રચનાત્મક કાર્યક્રમ સ્વરાજને નીચેથી ઉપર સુધી રચવાનો એક નક્કર કાર્યક્રમ હતો. તેમાં જીવનના આર્થિક, રાજનૈતિક, સામાજિક, શૈક્ષણિક વગેરે સમગ્ર ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હતા. આર્થિક ક્ષેત્રમાં ખાદી, ગ્રામોદ્યોગ, ગો સેવા, આર્થિક સમતા, કિસાનોનાં હિતો જેવા વિષયોનો સમાવેશ થતો હતો. રાજનૈતિક ક્ષેત્રમાં કોમી એકતા દ્વારા લોકચેતના જાગરણ, કિસાન, મજૂર અને વિદ્યાર્થી સંગઠનોને લેવામાં આવ્યાં હતાં. સામાજિક ક્ષેત્રમાં સ્ત્રી-શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ દ્વારા લોકચેતના જાગરણ, અસ્પૃશ્યતા-નિવારણ, કુષ્ટરોગીઓની સેવા જેવા વિષયોને આવરી લેવાયા હતા. શૈક્ષણિક ક્ષેત્રમાં બાલવાડીથી માંડીને ઉચ્ચતમ શિક્ષણ સુધીની નઈતાલીમ, આરોગ્ય અને સ્વચ્છતાનું શિક્ષણ વગેરે આવતાં હતાં. સાંસ્કૃતિક ક્ષેત્રમાં, માતૃભાષાપ્રેમ અને રાષ્ટ્રભાષા શિક્ષણને સમાવવામાં આવ્યાં હતાં. ગાંધીજીએ ખુદ આ દરેક કાર્યક્રમ અંગે અલગ અલગ નોંધ કરીને કાર્યકર્તાઓ સારુ માર્ગદર્શક પુસ્તિકા તૈયાર કરી હતી, જેની પુષ્ટિ તત્કાલીન કૉંગ્રેસ અધ્યક્ષ બાબુ રાજેન્દ્ર પ્રસાદજીએ એક બીજી પુસ્તિકા દ્વારા કરી હતી. ગાંધીજીની આ પુસ્તિકામાં ઘણાં રચનાત્મક કાર્યોની મૂળગામી વ્યાખ્યા કરવામાં આવી હતી. રચનાત્મક કાર્યક્રમોએ કૉંગ્રેસ જેવી રાષ્ટ્રીય સંસ્થાને હિંદના ગામડે ગામડે સુધી પહોંચી શકવાની એક સોનેરી તક પૂરી પાડી હતી. કૉંગ્રેસે અધૂરીપધૂરી નિષ્ઠા સાથે પણ રચનાત્મક કાર્યક્રમોને જેટલે અંશે ઉપાડી લીધા હતા તેને લીધે જ એક રાષ્ટ્રીય સંસ્થાનું સ્વરૂપ મળ્યું હતું. વ્યૂહરચનાની દૃષ્ટિએ રચનાત્મક કાર્યક્રમોનું એક વિશેષ મહત્વ હતું. આઝાદીની અહિંસક લડાઈના ત્રણ દાયકા દરમિયાન દેશ ત્રણ મોટા મોટા આંદોલનોમાંથી પસાર થયો હતો. લગભગ દાયકે દાયકે આવતાં આ મોટાં આંદોલનોની વચ્ચેના ગાળામાં કાર્યકર્તાઓ થાક કે નિરાશ અનુભવે એવા ગાળામાં રચનાત્મક કાર્યક્રમો તેમને લોકો પાસે પહોંચવાનું સુલભ સાધન ઉપલબ્ધ કરી દેતા. કૉંગ્રેસના જે કાર્યકરોએ લાંબા જેલવાસમાંથી છૂટી આવેલા કાર્યકર્તાઓની ગામડે ગામડે જઈને કામ કરોની હાકલને માન આપ્યું હતું, તેમણે કદી માત્ર જેલ જવાના કાર્યક્રમો વખતે જ થનગની ઊઠતા અને પછી વીલે મોઢે બેસી રહેતા કાર્યકરોની માફક નિરાશા કે ઉત્સાહનો અભાવ અનુભવ્યાં નહોતા. અંગ્રેજ સરકાર ગાંધીજીની આ વ્યૂહરચનાને જેટલી સમજી હતી એટલી કદાચ ઘણા કૉંગ્રેસ આગેવાનો પણ નહોતા સમજતા. દા.ત. ૧૯૩૦-૧૯૩૪ના લાંબા અને કષ્ટકર આંદોલન પછી જ્યારે ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ અને હરિજન સેવાના કાર્યક્રમો ઉપાડી હરિજન યાત્રા શરૂ કરી, ત્યારે ઘણા સમાજવાદી આગેવાનો એમ માનતા હતા કે ગાંધીજી આઝાદી આંદોલનના મુખ્ય લક્ષથી ચાતરી રહ્યા છે. પણ અસ્પૃશ્યતા નિવારણના આ વ્યાપક કાર્યક્રમનું સુફળ કૉંગ્રેસ ૧૯૩૭ની ચૂંટણી વખતે ‘અસ્પૃશ્યોના’ વધુમાં વધુ મત મેળવીને ચાખ્યાં હતાં. રચનાત્મક કાર્યક્રમે કૉંગ્રેસ જેવી રાષ્ટ્રીય સંસ્થાને એક વ્યાપક રાષ્ટ્રવ્યાપી આધાર પૂરો પાડ્યો હતો. હિંસક લડાઈમાં જેવું પુરવઠા ખાતાનું મહત્ત્વ છે તેવું મહત્ત્વ અહિંસક લડાઈમાં રચનાત્મક કાર્યનું થઈ જાય છે. ગાંધીજીએ જ્યારથી સામાજિક કામો શરૂ કર્યાં ત્યારથી જ તેમણે એ કામનો સંબંધ પોતાની આત્મશુદ્ધિ સાથે જોડ્યો હતો. સામાજિક કામોને એમણે ભગવદ્ભક્તિનું એક સ્વરૂપ માન્યું હતું. ભક્તિ કરવી હોય તો તે શુદ્ધ હૃદયથી જ થઈ શકે એવા સંસ્કાર એમને નાનપણથી મળ્યા હતા. તેથી શું ઈંગ્લેંડમાં વેજિટેરિયન સોસાયટી જોડેના કામોમાં, કે શું દક્ષિણ આફ્રિકામાં એક પછી એક સંસ્થાના હોદ્દેદારો તરીકે કામ કરતાં તેમણે વગર પગારે જ માનદ્ સેવા આપી હતી. જ્યારે દાદા અબદુલ્લાને ત્યાં વિદાય સભામાં એમને દેશવાસીઓનો પ્રશ્ન હાથ ધરીને થોડું વધુ રોકાઈ જવાનો આગ્રહ કરવામાં આવ્યો, અને તેમણે એક માસ સારુ વધુ રોકાઈ જવાનું કબૂલ કર્યું ત્યારે તેમણે દફતર ચલાવવાના ખર્ચની જોગવાઈ કરી, પણ પોતાના પગારની તો તેમણે કલ્પના સુદ્ધાં ન કરી. ઝુલુ લડાઈ પછી તેમણે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી ત્યારે પણ તેમના મનમાં એક મુખ્ય વિચાર એ હતો કે જેણે જાહેર જીવનમાં વધુ સક્રિય બનવું હોય તેને પોતાની કુટુંબજાળ વધારવી ન પોસાય. એમ જો સાવ શરૂઆતથી જોઈએ તો, નાનપણમાં હરિશ્ચંદ્ર નાટક જોઈને પણ એમને માત્ર એટલો જ વિચાર નહોતો આવ્યો કે હું પણ હરિશ્ચંદ્ર કેમ ન બની શકું? ઠેઠ ત્યારથી જ ગાંધીજીના મનમાં સામાન્ય લોકો જેને વ્યક્તિગત ગુણ માને છે તેને સામાજિક મૂલ્ય તરીકે વિકસાવવાની હોંશ હતી. એમની જીવનભરની શોધ સત્યની હતી. પણ એમનું સત્ય એ માત્ર એક ેવ્યક્તિગત ગુણ નહોતું, તે એક સામાજિક મૂલ્ય હતું. ગાંધીજીએ પ્રેરેલાં એકાદશવ્રતો એ એમ જોઈએ તો ત્યાર સુધી સમાજે જેને વ્યક્તિગત ગુણ માન્યાં હતાં તેને સામાજિક મૂલ્યોમાં પલટી નાખવા સારુ જ હતાં. આ વ્રતોનો આગ્રહ દક્ષિણ આફ્રિકામાં ડરબન શહેર છોડીને વગડામાં જઈ ફિનિક્સ વસાહત ઊભી કરી ત્યારથી જ શરૂ થયો હતો. સાદું જીવન, શ્રમ પ્રત્યેની નિષ્ઠા, ખોરાક અંગે વરણાગિયાવેડા ન હોવા જોઈએ વગેરે એમના આગ્રહો ધીરે ધીરે વ્રતોનું રૂપ ધારણ કરતા જતા હતા. ભારત આવ્યા પછી પોતાના આશ્રમ અંગે તેમણે નિયમાવલિ બહાર પાડી તે એમના એકાદશવ્રતોનો પહેલો ખરડો હતો. એ વ્રતો અંગેનું એમનું ચિંતન નિત્ય નિરંતર ચાલતું રહ્યું. પોતાના સાથીઓ એ વ્રતો પાળે એના આગ્રહ કરતાં પોતાને માટે એ ઘણા વધારે કડક આગ્રહી હતા. બધાં વ્રતો અંગે પોતે પૂર્ણતાએ પહોંચ્યા હતા એવો દાવો તો એમણે કદીયે કર્યો નહોતો. એના પાલન અંગે તેઓ જાગરૂક રહીને હરહંમેશ પ્રયત્નશીલ રહેતા એટલું તેઓ જરૂર કહેતા. રચનાત્મક કાર્યો જો અહિંસક યોદ્ધાને વ્યાપક લોકસમર્થન દ્વારા નૈતિક રસદ પૂરી પાડે છે, તો એકાદશવ્રતો સત્યાગ્રહી સેનામાં સૈનિક દાખલ થઈ શકે તેની પૂર્વશરતો જેવાં છે. અલબત્ત આ વ્રતો અંગેનો આગ્રહ પણ સત્યાગ્રહીની સાધનાની પ્રગતિ સાથે ઉત્તરોત્તર વિકાસ પામતો હોય છે. તેથી ગાંધીજીની અપેક્ષા એ રહેતી કે સત્યાગ્રહી સેનામાં દાખલ થયા પછી આ વ્રતોનો પોતાના સૈનિક જીવનમાં વિકાસ કરતો રહેશે. મૂળમાં ગાંધીજીની પોતાની શોધ સત્યની છે, સત્યની એમની વ્યાખ્યા પણ વિકાસ પામતી ગઈ છે. પણ એ શોધ કરવા જતાં જે બીજા ગુણોના વિકાસની જરૂરિયાત જણાઈ તે ગુણો વ્રતો રૂપે જીવનમાં સ્થાન પામતા રહ્યા અને પછી આશ્રમોમાં અને આંદોલનોમાં પણ તે સત્યાગ્રહીની સાધનાનાં ઉપકરણો તરીકે જોડાતા રહ્યા. ગાંધીજીએ સૂચવેલા આ અગિયાર વ્રતોમાં કેટલાંક તો તેમણે સીધે સીધા માનવીય સંસ્કૃતિ પાસેથી જ નમ્રભાવે, પણ આગ્રહપૂર્વક લીધેલાં છે. ગાંધીજીએ દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મ-સિદ્ધાંતોનો જે અભ્યાસ કર્યો હતો તેના પરથી એમણે એવું તારણ કાઢ્યું હતું કે એમાંના ઘણા ખરા ધર્મોમાં મૂળ વાત તો એકની એક જ હતી. આવી મૂળ વાતોને ઘણાખરા ધર્મોએ એક યા બીજા નામે સ્વીકારી અને ઉપદેશી છે. ગાંધીજીએ સૂચવેલાં અગિયાર વ્રતો નીચે મુજબ છે. ૧. સત્ય,૨. અહિંસા, ૩. બ્રહ્મચર્ય, ૪. અસ્વાદ, ૫. અસ્તેય, ૬. અપરિગ્રહ, ૭. અભય, ૮. અસ્પૃશ્યતાનિવારણ, ૯. જાતમહેનત, ૧૦. સર્વધર્મસમભાવ અને ૧૧. સ્વદેશી. આમાંથી સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ લગભગ બધા મુખ્ય મુખ્ય ધર્મોને માન્ય છે. વૈદિક ધર્મમાં આ પાંચને ‘મહાવ્રત’ કહેવામાં આવ્યાં છે. મુનિ પતંજલિએ પોતાના યોગસૂત્રમાં એને ‘પંચયમ’ કહ્યાં છે, જૈનોએ એને ‘પંચમહાવ્રત’ અને બૌદ્ધોએ એને ‘પંચશીલ’ કહ્યાં છે. યહુદી, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામે આ વ્રતોને આ ક્રમ કે આવું કોઈ નામ ભલે ન આપ્યું હોય, પણ એમના ધર્મગ્રંથોમાં પણ આ વ્રતોને અગત્યનું સ્થાન મળેલું છે. અભયનું વ્રત એવું છે કે જેના વિના બીજા કોઈ વ્રતોનું પાલન ન થઈ શકે. તેથી તે સર્વ વ્રતોનું પુષ્ટિકર્તા અને સહાયક બની રહે છે. અસ્વાદવ્રતને ગાંધીજીએ ખાસ કરીને બ્રહ્મચર્યવ્રતના પાલન સારુ વિશેષ સહાયક માન્યું છે. બ્રહ્મચર્યનો અર્થ તેઓ સર્વેન્દ્રિય સંયમ એવો કરે છે. પણ જિહ્વાના સંયમને તેઓ સર્વેન્દ્રિય સંયમ સારુ પણ વિશેષ ઉપકારી માને છે. આમ અભય અને અસ્વાદને આપણે બે સહાયક વ્રતો તરીકે ઓળખી શકીએ. બાકીનાં ચાર વ્રતો એને એ રૂપમાં કોઈ ધર્મગ્રંથોમાં કે કોઈ સામાજિક નિયમોમાં આવતાં નથી. એ બધાં વ્રતો ગાંધીજીને જે દેશકાળની પરિસ્થિતિમાં તેઓ જીવ્યા અને તેમણે કામ કર્યું તેમાંથી તેમને સૂઝેલાં વ્રતો છે. જો પહેલાં પાંચ વ્રતો સર્વધાર્મિક, સર્વકાલીન કે સર્વદેશીય છે, તો અભય અને અસ્વાદ તેમને સહાયક કે પોષક છે. અસ્પૃશ્યતાનિવારણ, જાત મહેનત, સર્વધર્મસમભાવ અને સ્વદેશી એ ચાર એવાં વ્રતો છે કે જે ગાંધીજીને દેશકાળની પરિસ્થિતિમાંથી સૂઝ્યાં છે. ૧૯૩૦માં યરવડા જેલમાંથી આશ્રમવાસીઓને ઉદ્દેશીને અઠવાડિયે અઠવાડિયે ગાંધીજી એક એક વ્રતનું સરળ ભાષામાં પણ ઊંડું વિવેચન કરતા પત્રો લખતા. એમાં સર્વધર્મસમભાવ વિષે બે પત્રો લખેલા અને પોતે જેલમાં હતા અને સ્વદેશીવ્રતનો રાજનૈતિક અર્થ થઈ શકે એમ માનીને તેમણે તે વ્રત વિષે પત્ર નહોતો લખ્યો. પણ પાછળથી એ વિષેની નોંધ ઉમેરીને એક પુસ્તિકા બનાવવામાં આવી. પહેલાં એ પુસ્તકનું નામ ‘યરવડા મંદિરેથી’ હતું પણ આ પત્રો મંગળવારે સવારની પ્રાર્થના પછી લખાતા તેથી તે પુસ્તકનું નામ ‘મંગળ પ્રભાત’ રાખવામાં આવ્યું અને એ જ પ્રચલિત થયું. આ પુસ્તક ગાંધીજીના મૂળ ગ્રંથોમાં સ્થાન પામે તેવું છે, અને અત્યાર સુધીમાં મૂળ ગુજરાતી પુસ્તકની પોણા બે લાખથી વધુ નકલો વેચાઈ ચૂકી છે. આ પુસ્તકમાં ગાંધીજીએ ખૂબ સરળ ભાષામાં અને સંક્ષેપમાં એમનું પોતાનું જીવન જે સિદ્ધાંતોને આધારે ખડું હતું તેનું નિરૂપણ કર્યું છે. એકાદશવ્રતો એ ગાંધીજીની સામૂહિક સાધનાનું અધિષ્ઠાન છે. વ્રત વિચાર વધુ સ્પષ્ટ થાય એટલા સારુ ગાંધીજીએ ૧૯૧૫માં આશ્રમની નિયમાવલિ તૈયાર કરી હતી. તેમાંથી નીચે ખૂબ ટૂંકા ઉતારા આપીએ છીએ. “સત્ય: સત્ય એ જ પરમેશ્વર છે. એ સત્યની શોધને અંગે જ બીજા બધા અંગોની આવશ્યકતા રહે છે. સત્યના ઉપાસક પોતે કલ્પેલા દેશહિતને સારુ પણ અસત્ય નહીં બોલે, નહીં આચરે.” “અહિંસા: એટલે સૂક્ષ્મ જંતુઓથી માંડીને મનુષ્ય સુધી બધા જીવો પ્રત્યે સમભાવ. (અહિંસાના) વ્રતનો પાલક ઘોર અન્યાય કરનાર પ્રત્યે પણ ક્રોધ ન કરે, પણ તેમના પર પ્રેમભાવ રાખે... પ્રેમ કરતો છતાં પણ અન્યાયીના અન્યાયને વશ ન થાય. ને તેમ કરતાં તે જે કષ્ટ આપે તે ધીરજપૂર્વક અને દ્વેષ કર્યા વિના સહન કરે. “બ્રહ્મચર્ય: બ્રહ્મચર્યના પાલન વિના ઉપરના વ્રતોનું પાલન અશક્ય છે. સ્પર્શ અથવા કે બીજી ચેષ્ટા પણ બ્રહ્મચર્યનો ભંગ છે.” “અસ્વાદ: મનુષ્ય જ્યાં લગી જીવનરસોને જીતે નહીં ત્યાં લગી બ્રહ્મચર્યનું પાલન અતિ કઠિન છે. ભોજન કેવળ શરીરયાત્રાને જ અર્થે હોય, ભોગને અર્થે નહીં.” “અસ્તેય: જે વસ્તુ જે ઉપયોગને સારુ આપણને મળી હોય તેના કરતાં વધારે મુદત લગી તેનો ઉપયોગ કરવો એ પણ ચોરી છે. આ વ્રતના મૂળમાં સત્ય એ રહ્યું છે કે પરમાત્મા પ્રાણીઓને સારુ નિત્યની આવશ્યક વસ્તુ જ નિત્ય આપે છે. તેથી પોતાની ઓછામાં ઓછી આવશ્યકતા ઉપરાંત જે કંઈ પણ મનુષ્ય લે છે તે ચોરી કરે છે.” “અપરિગ્રહ: અનાવશ્યક વસ્તુ જેમ લેવાય નહીં તેમ તેનો સંગ્રહ પણ ન થાય... અપરિગ્રહી પોતાનું જીવન નિત્ય સાદું કરતો જાય છે.” “જાતમહેનત: મનુષ્ય માત્ર શરીર નિર્વાહ શારીરિક મહેનતથી કરે તો જ તે સમાજના અને પોતાના દ્રોહમાંથી બચી શકે.” “સ્વદેશી: મનુષ્ય સર્વશક્તિમાન પ્રાણી નથી. તેથી તે પોતાના પાડોશીની સેવા કરવામાં જગતની સેવા કરે છે. આ ભાવનાનું નામ સ્વદેશી છે. સ્વદેશીમાં સ્વાર્થને સ્થાન નથી, પોતે કુટુંબના, કુટુંબ શહેરના, શહેર દેશના ને દેશ જગતના કલ્યાણાર્થે હોમાય.” “અભય: સત્ય, અહિંસા, ઇત્યાદિ વ્રતોનું પાલન નિર્ભયતા વિના અસંભવિત છે... જે સત્યપરાયણ રહેવા માંગે તે ન નાતજાતથી ડરે, ન સરકારથી ડરે, ન ચોરથી ડરે, ન ગરીબાઈથી ડરે, ન મોતથી ડરે.” “અસ્પૃશ્યતાનિવારણ: આશ્રમ જાતિભેદને માનતું નથી. (તેનાથી) હિંદુધર્મને નુક્સાન થયું છે... તેમાં રહેલી ઊંચનીચની અને આભડછેટની ભાવના અહિંસા ધર્મની ઘાતક છે... આશ્રમમાં વર્ણભેદને અવકાશ નથી.” “સહિષ્ણુતા: જગતમાં પ્રચલિત પ્રખ્યાત ધર્મો સત્યને વ્યક્ત કરનાર છે. પણ તે બધા અપૂર્ણ મનુષ્ય દ્વારા વ્યક્ત થયેલા હોઈ બધામાં અપૂર્ણતાનું અથવા અસત્યનું મિશ્રણ થયું છે. તેથી જેવું આપણને આપણા ધર્મ વિષે માન હોય તેટલું જ માન આપણે બીજાના ધર્મ પ્રત્યે રાખવું ઘટે. આવી સહિષ્ણુતા હોય ત્યાં એકબીજાના ધર્મનો વિરોધ નથી સંભવતો, નથી પરધર્મીને પોતાના ધર્મમાં લાવવાનો પ્રયત્ન સંભવતો.” આમ ગાંધીજીએ માનવતાને આપેલી એકાદશવ્રત, રચનાત્મક કાર્યક્રમ અને સત્યાગ્રહરૂપી ત્રિવિધ દેણ વ્યક્તિના ચારિત્ર્યથી માંડીને આખા સમાજની સભ્યતાનું અને આજની પરિસ્થિતિમાંથી એ સમાજ સુધી પહોંચવાના માર્ગનું સમગ્ર ચિત્ર દોરે છે. આ સમાજ એ અહિંસક સમાજ છે, આ સંસ્કૃતિ અહિંસક સંસ્કૃતિ છે અને તેને પ્રાપ્ત કરવાનું સાધન પણ અહિંસક જ છે. અલબત્ત ગાંધીજીએ શીખવેલા ઘણા પાઠો તે કાળની પરિસ્થિતિમાંથી જન્મેલા હતા. તેથી તે એના એ જ રૂપમાં આજે લાગુ ન પણ થઈ શકે. પરંતુ એમની ઉપર જણાવેલી દેણમાં ઘણી એવી છે કે જે સ્થળકાળની મર્યાદાને ઓળંગીને લાંબા ગાળા સુધી અને દુનિયાના કોઈ પણ ખૂણામાં પ્રસ્તુત બની શકે એમ છે. એકાદશવ્રતમાંથી પહેલા પાંચ અને અભય એ છ વ્રતો તો કોઈપણ પરિસ્થિતિમાં માનવ સમાજને સ્વસ્થ અને શાણો રાખવા સારુ ઉપયોગી થાય એવાં સનાતન મૂલ્યો ધરાવે છે. અસ્વાદવ્રતમાંથી પણ એટલું તો ગ્રહણ કરવા જેવું છે કે માત્ર જીભના ચટાકાથી કોઈ સમાજ સુખી થતો નથી. બાકીના જે ચાર વ્રતો છે તેની જરૂરિયાત ભલે ગાંધીજીને તે કાળની પરિસ્થિતિમાંથી જણાઈ હોય, પણ એ ચારેયમાં એવાં તત્ત્વો પડ્યાં છે કે જે શાશ્વત મૂલ્યો સાથે સંકળાયેલાં છે. માટે અસ્પૃશ્યતાનિવારણનું વ્રત ભલે મહાવ્રત ન રહે, પણ માનવ માનવ ને સમાન ભાવે જોવા અને કોઈ પણ પ્રત્યે તિરસ્કાર ન કરવાનો આદેશ તો યાવત્ચંદ્ર દિવાકરૌ એટલો જ કામનો છે, જેટલો ગાંધીજીના જીવનકાળ દરમિયાન હતો. સ્વદેશીની વ્યાખ્યા જ જ્યારે પાડોશી પ્રત્યેની આપણી ફરજ એવી થઈ ગઈ હોય ત્યારે તે અનંતકાળ સુધી પ્રસ્તુત ભાવ બની જાય છે. હિંદના મધ્યમ વર્ગના ઘણા લોકોએ જાતમહેનતનું મહત્ત્વ સમજવા પશ્ચિમના વિકસિત દેશોની પ્રગતિનું રહસ્ય સમજવું પડશે. આપણને ઘણા દેશો એવા મળશે કે જ્યાં શરીરશ્રમ એ પ્રતિષ્ઠિત શ્રમ છે, અને કોઈ પણ શારીરિક શ્રમને હલકો ગણવામાં આવતો નથી. એ કહેવાની જરૂર આજે તો નથી જ કે સર્વધર્મસમભાવની આવશ્યકતા આજે આખી દુનિયામાં ગાંધીના કાળ કરતાં વધારે જણાઈ આવે છે. રચનાત્મક કામો પૈકી ઘણાં એવાં છે ખરાં કે જે આપણને અપ્રાસંગિક કે જૂનવાણી લાગે. પણ રચનાત્મક કામ પાછળ ગાંધીજીની અન્યાય અને શોષણ પર ઊભેલી એક વ્યવસ્થાને ઉખાડી નાખીને તેને ઠેકાણે ન્યાય અને ભ્રાતૃભાવ પર ઊભેલી સમાજ વ્યવસ્થા ઊભી કરવાની વાત તો ખૂબ જ પ્રાસંગિક છે. સમાજનું ઘડતર પણ ઉપરથી લાદવામાં આવેલા આદેશ મુજબ નહીં, પણ નીચેથી સ્વયંસ્ફૂર્ત રીતે થવું જોઈએ એ વાત પણ જરાય જૂનવાણી કે અપ્રસ્તુત લાગે એવી નથી. રચનાત્મક કામનાં સ્વરૂપ દેશકાળ મુજબ ભલે બદલાતાં રહે પણ ઉપર જણાવેલા એનાં મૂળ તત્ત્વો તો દુનિયા સારુ ક્યારેક પણ માર્ગદર્શક પુરવાર થવાનાં. ગાંધીજીના સત્યાગ્રહે દુનિયાના તમામ શોષિત, દલિત કે નબળાં વર્ગો સારુ પરિસ્થિતિમાં વાંછિત સુધારો લાવવાનું એક અમોઘ સાધન ઉપલબ્ધ કરી દીધું છે. એ બાબતે તો દુનિયાના ઘણા દેશો સજગ બન્યા છે. સત્યાગ્રહ એક માર્ગદર્શક સિદ્ધાંત છે, આત્મશક્તિના સફળ પ્રયોગની અનેક નવી નવી રીતો તો હજી હવે શોધાશે. ગાંધીજીએ કરેલા પ્રત્યક્ષ પ્રયોગોને લીધે એટલું તો સિદ્ધ થયું છે કે પાપીને હણવાથી પાપ નષ્ટ થતું નથી. પ્રતિકાર તો પાપનો જ કરવો ઘટે, પાપીને બચાવી લેવા અર્થે પણ. દુનિયામાં જેમ જેમ શારીરિક, માનસિક કે સામાજિક હિંસાનાં સાધનો વધુ ને વધુ પ્રબળ બનતાં જાય છે, તેમ તેમ ગાંધીજીની સાધનશુદ્ધિની વાત વધુ પ્રસ્તુત બનતી જાય છે. ઉત્તરોત્તર ચડિયાતી હિંસા વાપરવાથી કદી હિંસા શમતી નથી. અન્યાય, અસત્યને હિંસાને નાબૂદ કરવા માનવજાતે ન્યાયપૂર્ણ, સત્યાધારિત અને અહિંસક સાધનોની જ શોધો કરવી પડશે એમ ગાંધીજીના સત્યાગ્રહના પ્રયોગોએ સિદ્ધ કરી દીધું છે. સત્યાગ્રહ, રચનાત્મક કામ અને એકાદશવ્રત ગાંધીજીની સૌથી મોટી દેણ એટલા સારુ ગણાય કે એ ત્રણે દેણથી ગાંધીજીએ પોતાની જાત પર કાબૂ રાખતી વ્યક્તિ, પોતાના પાડોશી સાથે સુખ દુ:ખ વહેંચી ખાતા સમાજના ઝાંખા પાંખા પણ નમૂના પેશ કર્યા છે અને એ અવસ્થા સુધી પહોંચવા સારુ, કયો અને કેવો માર્ગ લેવો પડશે એની તરફ પણ ગાંધીજી ઇશારો કરી ગયા છે. ગાંધીજીની આ ત્રણ દેણનું મહત્ત્વ માણસજાતને આજના કરતાં કદાચ આવતી કાલે વધારે સમજાશે. ઇતિહાસની દૃષ્ટિએ આપણે બહુ પાસે છીએ એટલે એમની આ ત્રણ દેણનું મહત્ત્વ સમજવામાં મુશ્કેલી પડે છે. દેશ અને કાળની મર્યાદાઓથી આપણે આપણા આકલનને મર્યાદિત કરી દઇએ એમ બને. ઇતિહાસના સમગ્ર પટ પર મહાપુરુષોનું મહત્ત્વ તેઓ હયાત હતા ત્યારે કે ત્યાર બાદ તરતના કાળમાં સમજાયું છે, એના કરતાં સદીઓ વીત્યા બાદ વધુ સમજાયું છે. આજે જો આપણે એટલું સમજી લઈએ કે એ પુરુષની એવી કોઈ દેણ હતી, જે કાળ અને સ્થળની સીમાઓને ઓળંગી શકે એવી શક્યતાઓ ધરાવતી હતી, તો ભાવિ ઇતિહાસને સમજવાની સાચી દિશામાં હોઈશું. સત્યાગ્રહની પાછળ રોગને રોગીથી અલગ કરી રોગને ખતમ કરવા અને રોગીને બચાવવામાં આખી એક શક્યતા દેખાય છે. વળી સત્યાગ્રહનું સાધન એ સાધ્ય-સાધન વિવેક કરવા પણ આદેશ આપે છે. આજે જ્યારે મનુષ્યને હણવાનાં શસ્ત્રો વિધ્વંસક બન્યાં છે અને બનતાં જાય છે, ત્યારે ગાંધીનો સાધનશુદ્ધિનો આગ્રહ એ માત્ર આદર્શ જ નહીં, પણ નર્યો વ્યવહાર્ય બની જાય છે. માણસજાતે જો ભવિષ્યમાં હળીમળીને રહેવું હશે તો સમાજના દરેક સભ્યે આખા સમાજ પ્રત્યે અને પરસ્પર જવાબદાર રહેવું પડશે. પૃથ્વીનાં પરિમિત સાધનોનો ઉપયોગ પણ વહેંચીને કરવો પડશે અને તેમ કરવાની આખી પ્રક્રિયાનો આરંભ સૌથી છેવાડાના દુર્બળ, પીડિત, દલિત કે અશક્ત માણસથી કરવો પડશે એ રચનાત્મક કાર્યક્રમોનો સંકેત છે. ઇતિહાસના પટ પર માત્ર ઇન્દ્રિયોના ઉપભોગવાદ પર ઊભેલી સંસ્કૃતિઓ ઝાઝી ટકતી નથી. જરૂરિયાતો નિરંતર અને અનંત સુધી વધારતા જવું એ ઉપભોગવાદનું લક્ષ છે. પણ તે આ જગતને ટકાઉ વિકાસ આપી શકે એમ નથી. ચિરંજીવ વિકાસ તો પ્રકૃતિના નિયમોને સમજીને એના લયમાં પોતાના લયને મેળવીને જ સાધી શકાય. આ મેળ અનિર્બંધ ઉપભોગથી નહીં, પણ સમજપૂર્વકના, સ્વેચ્છાથી સ્વીકારેલા સંયમથી જ સાધી શકાય એમ છે. એકાદશવ્રત આવા વિવેકપૂર્ણ આત્મસંયમનો સંકેત કરે છે. અને તે એવો પણ સંકેત કરે છે કે માણસ એક નિતાંત સામાજિક પ્રાણી છે. એટલે માત્ર પોતાનો આધ્યાત્મિક વિકાસ એને સારુ પર્યાપ્ત નથી. તેથી આજ સુધી તે સત્ય, અહિંસાદિ આધ્યાત્મિક સિદ્ધાંતોને વ્યક્તિગત ગુણ માનતો હતો. તે સામાજિક મૂલ્ય છે એ સમજીને એ મૂલ્યોનો વિકાસ એ મનુષ્યની સામૂહિક સાધનાનો વિષય બનવો જોઈએ. જ્યારે જાતિ, સંપ્રદાય, ધર્મ, રંગ, લિંગ, કે રાષ્ટ્રની વિભાવનાઓ પણ જૂનવાણી થઈ જશે ત્યારે પણ ગાંધીએ સૂચવેલાં એકાદશવ્રતો અભિનવ સ્વરૂપે ભલેને હોય, પણ પૂર્ણપણે પ્રસ્તુત રહેશે.

***
વાંચો: સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૩ — ગાંધીજીની કેટલીક લાક્ષણિકતાઓ