સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૩ — ગાંધીજીની કેટલીક લાક્ષણિકતાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘સૌના ગાંધી’ શ્રેણી

સૌના ગાંધી શ્રેણી - ૧
પુસ્તક - ૩


Sauna Gandhi title 03.jpg


ગાંધીજીની કેટલીક લાક્ષણિકતાઓ

નારાયણ દેસાઈ


Gujarat Vidyapith (emblem).png



પ્રકાશન વિગત


ગાંધીજી મારા તમારા જેવા સાધારણ માણસ હતા. પોતાના પુરુષાર્થ વડે તે આગળ વધ્યા. મહાત્મા હોવાનો તેમણે દાવો નહોતો કર્યો. બલ્કે મહાત્મા સંબોધનથી તેમને સંકોચ થતો. છતાં એ તો કબૂલ કરવું પડશે કે તેઓ સાધારણમાંથી અસાધારણ માણસ થયા હતા. એમની એ સફર પાછળ કાળનું બળ હતું. સંજોગોની અનુકૂળતા હતી. છતાં એ પણ એક હકીકત હતી કે એમની કેટલીક લાક્ષણિકતાઓ એવી હતી કે જે તેમને આ સફર કરાવી શકી હતી. એમાંની કેટલીક લાક્ષણિકતાઓનો આપણે અહીં વિચાર કરીએ. ગાંધીજીએ ભૂલો તો અનેક કરી હતી. એ બાબતમાં એ આપણાથી કાંઈ જુદા નહોતા. એમનું જુદાપણું હોય તો એ બાબતમાં હતું કે સામાન્ય રીતે એકવાર કરેલી ભૂલ તેઓ બીજી વાર નહોતા કરતા. આ એમની નૈતિક પ્રગતિની ચાવી હતી. જરા વધુ ઊંડા ઊતરીએ. ગાંધીજીને પોતાનું મૂલ્યાંકન કરવાની નાનપણથી ટેવ હતી. એ દરેક પ્રસંગે જાતને તપાસી જોતા. જે ભૂલોની બીજા કોઈને ખબર જ ન પડી હોય તેની પણ તેમણે મનમાં ઊંડા ઊતરીને તપાસ કરી છે. અને વચન કે કૃત્યથી ઠીક, પણ મનથી પણ ભૂલ કરી હોય તો તેની તેમણે મૂલવણી કરી છે. સામાન્ય રીતે માણસ ભૂલ કરે ત્યારે એને બીજાઓથી છુપાવી રાખવા પ્રયત્ન કરતો હોય છે. ગાંધીજી એમ માનતા કે મનમાં પણ જો ભૂલ કરી હોય તોયે તેને દેખનારો ઈશ્વર તો બેઠો છે. ઈશ્વર પાસે પોતાની ભૂલ કબૂલ કરવાની રીત પોતાની ભૂલોને દુનિયા સમક્ષ ખુલ્લી મૂકી દેવી એ હતી. ઊંડા ચિંતનને અંતે તેઓ પોતાની ભૂલો સારુ પ્રાયશ્ચિત્તની કોઈ ને કોઈ રીત શોધી કાઢતા અને બીજા કોઈની ભલામણ પહેલાં એનો અમલ પણ કરતા, ફીનિક્સ વસાહતમાં ગાંધીજીએ આ રીતે પ્રાયશ્ચિત્તપૂર્વક એકટાણું, અન્નત્યાગ, મીઠાનો ત્યાગ વગેરે કરેલાં. પાછળથી તેઓ ઉપવાસ સુધી પણ ગયેલા. પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત્ત આગળ જતાં સાથીઓ, આશ્રમવાસીઓ કે સમાજને સારુ પણ લાગુ પડ્યું. તેને લીધે તેમણે સત્યાગ્રહ આંદોલનમાં આવેલી અશુદ્ધિ સારુ ને કોઈ વાર આખા સમાજમાં દેખા દેતી હિંસા કે વેરઝેર સારુ જાતે ઉપવાસ કરેલા. ઉપવાસ વખતે તેમની પ્રાર્થના હમેશા કરતાં પણ વધુ તીવ્ર થતી અને તે શરૂ કરવા પહેલાં અનુભવેલ વિષાદ કે રંજને બદલે શાંતિનો અનુભવ કરતા. ગાંધીજીનું એક નિરીક્ષણ એવું હતું કે સામાન્ય રીતે માણસને બીજાના દોષો વધુ વહેલા દેખાય છે અને પોતાના દોષોને એ માફ કરી દેતો હોય છે. તેનું યોગ્ય પ્રમાણ જાળવવા સારુ જ તેઓ પોતાની કે પોતાની આસપાસના લોકોની થઈ ગયેલી ભૂલોને મોટી કરીને જગ આગળ મૂકતા. બીજાના દોષોનું વર્ણન કરવામાં તેઓ ઝાઝો રસ લેતા નહીં. ગાંધીજીએ આ વિચારોને લીધે પોતાની ભૂલોને ‘હિમાલય જેવડી ભૂલ’ તરીકે વર્ણવેલી. આ શબ્દ-પ્રયોગ તો જાણે એમને લીધે જ પ્રસિદ્ધ થઈ ગયો. એ યાદ રાખવા જેવું છે કે આ વિશેષણ ગાંધીજીએ કદી કોઈ બીજાની ભૂલ સારુ વાપર્યું નથી. પોતાની ભૂલોને શોધી કાઢી, એને જાહેર કરી, તેને અંગે પસ્તાવો અનુભવી, પ્રાયશ્ચિત્ત કરી, તેવી ભૂલ કદી ન કરવાનો તેઓ નિશ્ચય કરતા. એમ કરતાં કરતાં જ તેઓ સત્યની એક એક ટૂંક એવી ચડતા જતા કે તેઓ નૈતિકતાના હિમાલય પર ચડી શક્યા હતા. પોતાની જાતને સુધારતા જવાની ગાંધીજીની આ લાક્ષણિકતા તેમને નૈતિકતા તરફ આગળ ને આગળ વધારતી. એમાંથી એમની બીજી લાક્ષણિકતા વિકસી-નિત્ય વિકાસશીલતા. એક વાર પોતાની ભૂલ તેમને સમજાય પછી અહંકારને પોષવા તેઓ એને વળગી રહેતા નહીં. તેથી તેમના વિચારો, અભિપ્રાયો અને આચરણો પણ બદલાતા રહેતા. ઘણા લોકો પોતાના વિચારો બદલાયા હોય તે છતાં એક વાર વ્યક્ત કરેલી વાતને વળગી રહે છે, અને તેને સુસંગતતા કહે છે. ગાંધીજીને એમ સુસંગત રહેવામાં રસ નહોતો. તેથી તેઓ પોતાના વાચકોની આગળ જાહેર કહી ચૂક્યા છે કે મારાં બે વચનોમાં તમને સુસંગતતા ન લાગે ત્યારે તમે એમાંથી પાછળના વચનોને જ માનજો. નિરંતર જાગૃતિને કારણે ગાંધીજી પોતાની જાતને તેમ જ પોતાના વિચારોને તપાસતા રહેતા. એમાં ભૂલ કે ત્રુટી જણાય તો તેમાં સંશોધન કરતા અને આગલી વાત કરતાં જુદી વાત કહેતાં જરાય સંકોચ અનુભવતા નહીં. આ ટેવને લીધે તેઓ રોજ રોજ વિકાસને પંથે આગળ વધતા. નિત્યવિકાસશીલતાને કારણે જ આપણે એક કાળે અંધારામાં એકલા બહાર નીકળતાં ડરતા મોહનને દુનિયાના તે કાળના સૌથી મહાન બ્રિટિશ સામ્રાજ્યને હિંમતપૂર્વક પડકારતો અને અનેક વાર જેલ, શારીરિક હુમલા કે મૃત્યુનો સામનો સાહસપૂર્વક કરતો જોઈ શકીએ છીએ. વિચાર ક્ષેત્રમાં ગાંધીજીએ નિરંતર જાગરૂકતાને લીધે આ જ રીતે વિકાસની હરણફાળો ભરી હતી. એક જમાનામાં પોતાના આશ્રમોમાં થતાં લગ્નો એક જાતિમાં થવાનો આગ્રહ રાખતા ગાંધીજીએ જીવનનાં છેલ્લાં દશ બાર વર્ષોમાં એવો નિશ્ચય કર્યો હતો કે જો લગ્નોત્સુક જોડામાં એક હરિજન અને બીજું સવર્ણ હશે તો જ તેઓ તે લગ્નમાં હાજરી આપશે, આમ કરીને તેમણે જ્ઞાતિવ્યવસ્થા પર આઘાત કરેલો. ગાંધીજીની નિત્ય વિકાસશીલતા પાછળ એમની નિરંતર જાગરૂકતા અને જે વિચારે એનો અમલ કરવાની વૃત્તિ કામ કરતી હતી. વ્યક્તિ તરીકે ગાંધીજીની બીજી એક લાક્ષણિકતા એ હતી કે તેમના વ્યક્તિત્વમાં તર્કસંગતતા અને શ્રદ્ધાનો સુમેળ હતો. સામાન્ય રીતે તો તેઓ બુદ્ધિથી ગળે ઉતરે એવી વાત સ્વીકારતા. દાખલા તરીકે થિયોસોફિક્લ સોસાયટીના ઘણા લોકોના વિચારો અને દર્શનમાં તેમને રસ હતો. તેઓ પોતાની ફિલસૂફીમાં ભારતીય ચિંતનને જે મહત્ત્વ આપતા તે ગાંધીજીને ગમતું. પણ થિયૉસૉફીમાં આવતી લોકોત્તર વાતોમાં તેમને રસ પડતો નહીં. મરણોત્તર અવસ્થા અંગે ચિંતન કરવામાં તેમને રસ પડતો નહીં. અસ્પૃશ્યતાનો વિરોધ પણ ગાંધીજીએ તર્કસંગત રીતે જ કર્યો હતો. પણ તેઓ ઘણી બાબતમાં બુદ્ધિ જ્યાં તર્ક કરતી અટકી જાય, ત્યાં શ્રદ્ધાથી કામ લેતા. આ શ્રદ્ધા દિવસે દિવસે એમના જીવનમાં ઊંડી થતી જતી હતી. અને મૂળભૂત શ્રદ્ધા ખાતર તેઓ પ્રાણ પાથરવા પણ તૈયાર થઈ જતા. તેઓ એમ માનતા કે બુદ્ધિ માણસને એક હદ સુધી લઈ જાય છે. જ્યાં બુદ્ધિ અટકી જાય ત્યાં તેઓ શ્રદ્ધાપૂર્વક આગળ વધતા. ગાંધીજીને ઈશ્વર વિષે ઊંડી શ્રદ્ધા હતી. એ શ્રદ્ધા તેમને તર્કથી વિરુદ્ધ લઈ નહોતી જતી. સત્ય વિષેની ગાંધીજીની શ્રદ્ધા તેમને બે ક્ષેત્રોમાં પોતાનું જીવનદર્શન ઘડવા સુધી લઈ જતી. તેઓ એમ માનતા કે સૌમાં ઈશ્વર તત્ત્વ રહેલું છે, અને ઈશ્વર જો ભલું કામ કરનાર અને કલ્યાણકારી છે તો દરેક મનુષ્યમાં કાંઈક ને કાંઈક ભલાઈ કે સારપ તો હોય જ છે. અને સૃષ્ટિકર્તા ઈશ્વર જો કલ્યાણકારી હોય તો છેવટે તો એ જગતના કલ્યાણની દિશામાં લઈ જાય છે. આ બે શ્રદ્ધા ઉપર ગાંધીજીનું જીવન-દર્શન ઘડાયેલું છે. સત્ય વિષે તેમને અતૂટ શ્રદ્ધા હતી અને એ સત્યને પામવા સારુ તેઓ અહિંસક પુરુષાર્થ કરતા. સત્ય-અહિંસા ગાંધીજીના જીવનમંત્રો હતો. અને શ્રદ્ધા અને પુરુષાર્થ બેઉના સુમેળ પર એમનું જીવન ખડું હતું. ગાંધીજી સામાન્ય રીતે શાસ્ત્ર-વચનોને માન આપતા, કારણ કે તેઓ એમ માનતા કે એની પાછળ ઋષિઓનું ચિંતન-મનન અને અનુભવ હોય છે. આટલો આદરભાવ હોવા છતાં તેઓ શાસ્ત્રોને તર્કથી તપાસતા અને તર્કની કસોટી પર ખરા ન ઊતરે તો તેને માન્ય ન કરતા. જો કે આ બાબતમાં છેવટની કસોટી તો એમને મન અંતરાત્માનો વિવેક જ હતી. તેથી છેક નાનપણમાં માતા પૂતળીબાઈ વિષે અપાર સ્નેહ અને માન હોવા છતાં તેમણે જ્યાં નાના મોહનને એમ કહ્યું કે પોતાનું સંડાસ સાફ કરવા આવતા ઉકાભાઈને ન અડાય, તે એમને માન્ય નહોતું, માણસ માણસથી અછૂત હોય એ વાત તેમના અંતરાત્માને સ્વીકાર્ય નહોતી. આ બાબતમાં મોટપણમાં ગાંધીજીએ એટલે સુધી કહેલું કે કોઈ પંડિત મારી આગળ એમ પુરવાર કરી આપે કે વેદમાં અસ્પૃશ્યતા ઉપદેશેલી છે તો હું વેદને અમાન્ય કરીશ, આભડછેટને માન્ય નહીં કરું. દક્ષિણ આફ્રિકાના ત્રીજા સત્યાગ્રહ વખતે જ્યારે જનરલ સ્મટ્સે સ્થાપેલી તપાસ સમિતિને માન્ય કરવાની સલાહ ગોખલેજીએ આપી ત્યારે એમને વિષે અત્યંત માન ધરાવતા છતાં ગાંધીજીએ એમની સલાહનો આદરપૂર્વક અસ્વીકાર કરેલો કારણ ત્રણ જણની તપાસ સમિતિમાં બબ્બે જણ જાણીતા ભારતદ્વેષીઓ હતા, તે સમિતિનો બહિષ્કાર તેમણે કરવો જ રહ્યો. એકટાણું, ફળાહાર, મીઠું ત્યાગ કે ઉપવાસ વગેરે ગાંધીજીએ અનેકવાર કર્યા હતા. પણ તેનાથી કોઈ એમ ન માની લે કે તેઓ દેહપીડનમાં માનતા હતા. અલબત્ત દેહને તેઓ આત્માથી ભિન્ન, એનું દેવળ માનતા. એટલે દેવળની આળપંપાળ કરવામાં નહોતા માનતા, પણ એની બને એટલી સંભાળ રાખતા. તેમનો ખોરાક પૌષ્ટિક, સમતોલ અને પ્રમાણમાં પૂરતો હતો. તેઓ આસન વ્યાયામ વગેરે તો નહોતા કરતા, પણ આખી જિંદગી એમને ચાલવાની ટેવ હતી. રોજનું દસ પંદર માઇલ ચાલતા. તેઓ ઘણીવાર જોહાનિસબર્ગથી 21 માઈલ દૂર ટૉલ્સ્ટૉય ફાર્મ સુધી ચાલતા જતા અને કેટલીક વાર તો એક જ દિવસે આવવા જવાનો બેવડો આંટો થઈ જતો. બોઅર યુદ્ધ વખતે ઘાયલોને ઝોળીમાં ઉપાડનાર તરીકે કોઈક કોઈક વાર તેમને ઝોળીમા ઉપાડીને લાંબું અંતર કાપવું પડતું. પણ ગાંધીજીએ શરીરની કાળજી રાખી હતી તેથી ઘણાં કઠણ શારીરિક કષ્ટો પણ તેઓ સહી લેતા. છેવટ સુધી રોજ શરીરને લગભગ પોણો કલાક માલિશ કરાવતા, ખાવાપીવામાં ખૂબ નિયમિતતા જાળવતા, રોજ ફરવાનું રાખતા. જ્યારે જ્યારે પણ શક્ય હોય ત્યારે ખુલ્લા આકાશ તળે સૂતા, આ બધાને કારણે તેઓ શરીરની આળપંપાળ કર્યા વિના પણ એનું જતન કરતા. ગાંધીજી સત્યના પૂજારી હતા. સત્ય જીવનના સર્વ ક્ષેત્રમાં વ્યાપેલું જોતા, તેથી તેમની એક લાક્ષણિકતા એ હતી કે તેઓ જીવનને જુદા જુદા વિભાગો કે ખાનાંઓમાં ન જોતાં એની સમગ્રતામાં જ જોતા. એમની જુવાનીના કાળમાં વિશ્વમાં અર્થશાસ્ત્રીઓમાં એક વિચાર એવો ફેલાયેલો હતો કે અર્થશાસ્ત્ર તો એક વિજ્ઞાન છે, શાસ્ત્ર છે. એને નૈતિક મૂલ્યો સાથે કોઈ લેવા દેવા નથી. ગાંધીજીને આ વિચાર મંજૂર ન હતો. તેઓ માનતા કે નૈતિકતાથી અલગ અર્થશાસ્ત્ર તો અનર્થ જ કરે. એ જ રીતે તેઓ રાજકારણ અને અધ્યાત્મને પણ એકબીજાની પાસે પણ ન આવી શકે એવા વિષયો નહોતા માનતા. તેથી ગોખલેજીની રાજકારણના આધ્યાત્મિકીકરણની વાત તેમને બરાબર રુચિ ગઈ હતી. જીવનનો આખો ઉત્તરાર્ધ તો તેમણે રાજકારણ પર આધ્યાત્મનો ઓપ ચડાવવાના કામમાં જ ગાળ્યો હતો. જીવનની સમગ્રતાનો વિચાર કરવાને લીધે જ તેઓ ઘણા સાધુ સંતો રહે છે તેમ રાજકારણથી અલગ ન રહ્યા. અલબત્ત સ્વરાજ આવ્યું ત્યારે તેમણે કોઈ રાજનૈતિક પદ નહોતું સ્વીકાર્યું, પણ પોતાના કાળના તમામ રાજકારણના પ્રશ્નોમાં તેઓ ઊંડો રસ લેતા અને એ રાજકારણને માનવીય મૂલ્યો પર ખડું કરવા તેઓ સદા મથતા રહ્યા. જીવનને સમગ્રતાથી જોવાનું એક શુભ પરિણામ એ આવતું કે તેઓ માણસને એને લાગેલા લેબલ પરથી નહીં ઓળખતા પણ એને નર્યા માણસ તરીકે જ જોતા. આપણે જ્યારે કોઈને મળીએ છીએ ત્યારે સામે મળનાર વ્યક્તિ ભણેલી છે કે અભણ, ગોરી છે કે કાળી, ગરીબ છે કે અમીર, કોઈ પદ પર બેઠેલી છે કે નહિ તેનો વિચાર જાણ્યે અજાણ્યે પણ કરી લઈએ છીએ, ગાંધીજી માણસને નકરા માણસ તરીકે જોવા પ્રયાસ કરતા. આ ટેવને લીધે તેઓ જેની સાથે મળતા તેમને સમાજે બીજા બધા જે આવરણોથી ઢાંકી રાખ્યા હોય તેને બાજુએ રાખી એના હૃદયમાં જ સોંસરવો પ્રવેશ કરી લેતા. એને લીધે જ તેઓ ખૂબ ધ્યાન દઈને સામાની વાત સાંભળે તેવા શ્રોતા પણ હતા. સામાન્ય રીતે નેતાઓને પોતાનો અવાજ સાંભળવો જ ગમતો હોય છે. સામાની વાતને તેઓ જલદી કાને ધરતા નથી હોતા. પોતે સારા વક્તા બને અને સામેની વ્યક્તિ પર છાપ પાડી શકે તેની પણ તેઓ કોશિશ કરતા હોય છે. ગાંધીજીનું આનાથી સાવ ઊલટું હતું. ગાંધીજી પોતાના ભાષણોની પણ ભાગ્યે જ ખાસ તૈયારી કરતા. આગળથી નોંધ તો નહોતા જ લખી રાખતા. તે વખતે જે સ્ફુરે તે બોલી દેતા. તેથી ગાંધીજી સારા વક્તા નહોતા. પણ તેઓ હમેશા સારા શ્રોતા હતા. જેમ તેઓ માણસને માણસ તરીકે જ જોતા એટલે સમાન ભાવે જોઈ શકતા, તેમ જ તેઓ કામ માત્રને પણ સમાન ભાવે જોતા. કામ માત્ર જો ઇશ્વરને સમર્પિત હોય તો પછી એમાં મોટું કયું અને નાનું કયું? ઊંચું કયું ને નીચું કયું ? ભારે કયું ને હલકું કયું ? બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યાર પછી તરત જ હિંદના વાઇસરૉયે એવી જાહેરાત કરી કે ભારત સાથી રાજ્યોના પક્ષે છે. તે વખતે ભારતના મોટાભાગના પ્રાંતોમાં કૉંગ્રેસનાં પ્રધાનમંડળો હતાં. વાઇસરૉયના આ નિવેદન સામે કૉંગ્રેસે વાંધો ઉઠાવ્યો કે વાઇસરૉયે કોઈ પણ પ્રાંતના પ્રધાનમંડળ સાથે મસલત કર્યા વિના આવી મહત્ત્વની જાહેરાત શી રીતે કરી? આવે તબક્કે મસલત કરવાથી કૉંગ્રેસ સાથી રાજ્યોના યુદ્ધના ઉદ્દેશો શા છે તેની ચોખવટ કરી શકત અને યુદ્ધ દરમિયાન કે ત્યાર બાદ તરત સંસ્થાનોની સ્વતંત્રતાની જાહેરાત પણ કરાવી શકી હોત, એવી કૉંગ્રેસની ગણતરી હશે. યુદ્ધમાં ભારતના લોકોનો પૂરો સાથ મળે એની તો બ્રિટિશ સામ્રાજ્યને પણ જરૂર હતી. તેથી વાઈસરૉયે ગાંધીજીને આ બાબત ચર્ચા કરવા સીમલા બોલાવ્યા. વાઈસરૉય સાથે ગાંધીજીની ચર્ચાઓ ચાલતી હતી તે દરમિયાન વચ્ચે એવો તબક્કો આવ્યો કે વાઈસરૉયને બ્રિટિશ પ્રધાન મંડળના આદેશની જરૂર પડી એટલે વાઈસરૉયે જણાવ્યું કે આગલી વાટાઘાટો એકાદ અઠવાડિયા પછી રાખીશું. ગાંધીજીની સાથે એમના સચિવાલયમાં ગયેલા આ લેખક જેવા કિશોર સાથીને થયું કે સિમલામાં એક અઠવાડિયું ગાળવાની તક મળી. રોજ નવી નવી એક એક ટૂંક પર ફરી આવીશું પણ ત્યાં તો ગાંધીજીનો હુકમ છૂટ્યો કે બિસ્તરા બાંધો. પાછા સેવાગ્રામ જવું છે. અમને પ્રશ્ન થયો કે સેવાગ્રામમાં એવું તે શું મોટું કામ અટકી પડ્યું છે કે જે અઠવાડિયાના ગાળામાં રહી જવાનું હતું? સીમલાથી સેવાગ્રામ જવા આવવામાં જ ચાર દિવસ લાગી જશે. માત્ર ત્રણ દિવસ સારુ સીમલાની શીતલ આબોહવામાંથી સેવાગ્રામના ભડભડતા ઉનાળામાં જવાનું! પણ ગાંધીજીને મન સેવાગ્રામના એ ત્રણ દિવસનો ખૂબ ઉપયોગ હતો. ત્યાં પરચુરે શાસ્ત્રી હતા. પરચુરે શાસ્ત્રી એક કુષ્ટરોગી હતા. મૂળ સંસ્કૃતના પંડિત, સાબરમતી આશ્રમમાં રહી ચૂકેલા. કુષ્ટરોગ ઘેર ગયા પછી પરખાયેલો. એ જમાનામાં કુષ્ટરોગ અસાધ્ય અને ભારે ચેપી ગણાતો. તેથી પરિવારજનો પણ પરચુરે શાસ્ત્રીને પોતાની સાથે રાખવા તૈયાર નહોતાં. દાક્તરો જીવવાની આશા આપી શકે એમ તો નહોતા જ. શાસ્ત્રીજી સેવાગ્રામ આવ્યા. તેમણે ગાંધીજીને કહ્યું કે મારે આપના આશ્રમમાં મરવું છે. ગાંધીજીએ પરચુરેજીને કહ્યું કે “તમારી બે ઇચ્છા છે. તમારે આ આશ્રમમાં રહેવું છે. અને અહીં મરવું છે. તમારી પહેલી ઇચ્છા તમે અહીં રહીને પૂરી કરી શકો છો. પણ તમને અહીં મરવા નહીં દઈએ.” એમને માટે જોતજોતામાં એક ઝૂંપડી બનાવવામાં આવી. બીજી ચિકિત્સા ઉપરાંત ગાંધીજી રોજ એમના શરીરે માલિશ કરવા લાગ્યા. ગાંધીજીને મન વાઇસરૉય સાથેની મસલત જેટલું જ અગત્યનું કામ પરચુરે શાસ્ત્રીને માલિશ કરવાનું હતું. એને સારુ ત્રણ દિવસ મળતા હોય તો તે કેમ જવા દેવાય? બંને કામો ઇશ્વરદત્ત જ હતાં. દરેક કામને ઇશ્વરદત્ત સમજતા હતા તેથી જ ગાંધીજી નાનાં મોટાં સર્વ કામોમાં પોતાની ભક્તિ રેડી શકતા હતા. જીવનમાં પરિવર્તન અંગે જે કાંઈ કરવા જેવું લાગે તેનો આરંભ પોતાનાથી કરવો એ ગાંધીજીની બીજી એક લાક્ષણિકતા હતી. કોઈ વાર એ કામ પોતાના પરિવારજનો કે આશ્રમવાસીઓથી શરૂ થતું. જ્હોન રસ્કિનની ‘અન ટુ ધિસ લાસ્ટ’ ચોપડી વાંચીને તેમને થયું કે આ પુસ્તકમાં આપેલા વિચારોમાંથી જે યોગ્ય લાગે છે તેનો પ્રયોગ કરી જોવો જોઈએ. એટલે થોડા દિવસમાં તેમણે ડરબન શહેરમાંથી ઉચાળા ભરીને ફિનિક્સ જેવા વગડામાં જઈને વસવાટ કર્યો. હજારો પાઉંડની કમાણી સાથે જે જિંદગી ગાળતા હતા, તે છોડીને જાતમહેનતથી જિંદગીની શરૂઆત કરી. એકવાર કસ્તુરબાને મીઠું છોડવાની સલાહ આપી. કસ્તુરબાએ એમને પૂછ્યું કે તમારાથી મીઠું છૂટે ખરું? તત્ક્ષણ ગાંધીજીએ મીઠું છોડ્યું તે આખી જિંદગી સુધી છોડ્યું. જુવાનોને ગ્રામસફાઈનો કાર્યક્રમ આપતાં પહેલાં પોતે વર્ધા પાસેના સિંદી ગામમાં ડોલો ઉપાડી મળમૂત્રની સફાઈ કરવા માંડી; લોકોને સાદાં કપડાં પહેરવાની સલાહ આપતા પહેલાં પોતે શરીર ઉપરથી પંચપસાર ઉતારી પોતડી ને ચાદરભેર રહેવા લાગ્યા; ગ્રામોદ્યોગ સંઘની સ્થાપના કરતાંની સાથે જ હાથે બનાવેલા કાગળ અને બરુનો ઉપયોગ શરૂ કર્યો. લોકો સાથેના વહેવારમાં ગાંધીજી નમ્રતા કદી ચૂકતા નહીં. નાનાં કે સમવયસ્કો જોડે વિનોદ મશ્કરી જરૂર કરી લે, પણ તેમાંય વિવેક ચૂકે નહીં. પોતાનાથી મોટાંને તો તેઓ હમેશાં વાંકા વળીને પગે લાગતા. રવીન્દ્રનાથ ટાગોરને મળે ત્યારે બંને સામસામે ઝૂકીને પ્રણામ કરતા. ગાંધીજી જ્યારે મોટીબહેન રળિયાતબહેનને મળે ત્યારે એમને પણ પગે લાગવાનું ચૂકતા નહીં. જો કે નમ્રતા અને ખુશામત કે ખોટી પ્રશંસા વચ્ચેનો વિવેક તેઓ જરૂર કરતા. એક વાર ગુજરાતીના એક પ્રસિદ્ધ કવિને પત્ર લખવાનો હતો. તેનો ખરડો ઘડવાનું કામ તેમણે આ લેખકનું સોંપ્યું. એ પત્રનું સંબોધન મેં કવિવર એમ કર્યું હતું. ગાંધીજીએ તરત મને ટોક્યો. આપણા મનમાં ખરેખર તેઓ કવિઓમાં શ્રેષ્ઠ છે ખરા? જો તેમ ન હોય તો એ સંબોધનનો અર્થ એમની ખુશામત થાય! મહાદેવભાઈ દેસાઈને મોર્લીના ‘ઑન કૉમ્પ્રોમાઈઝ’ પુસ્તકના ભાષાંતર સારુ ઇનામ મળ્યું હતું. એ ભાષાંતર છપાવવાની રજા મેળવવા સારુ તેમણે લૉર્ડ મૉર્લીને લખેલા પત્રનો ખરડો ગાંધીજીને દેખાડ્યો. ગાંધીજી સાથેનો તેમનો નવોસવો પરિચય હતો. ગાંધીજીએ મહાદેવભાઈનો ખરડો વાંચીને કહ્યું કે આપણા દેશને સ્વરાજ નથી મળતું એનું એક કારણ અંગ્રેજોની આપણે ખુશામત કરીએ છીએ એ પણ છે. આ તો કામ અંગેનો પત્ર હતો. તમારે એમને જણાવવું હતું કે તમે ભાષાંતર કર્યું છે. એ ભાષાંતર કરવાની તમારી યોગ્યતા છે. તેને છાપવાની રજા માગવી જોઈતી હતી. તેને બદલે મોર્લીના વખાણ ને એમના પુસ્તકના વખાણના પેરેગ્રાફો શી રીતે લખાય? એ તો ખુશામત કહેવાય. નમ્રતા અને આત્મસન્માન વચ્ચેનો વિવેક ગાંધીજી બરાબર કરી જાણતા. ભગતસિંહને ફાંસી ન થાય એને માટેના પ્રયાસો તેમણે લૉર્ડ અરવિન સાથેની વાટાઘાટો ચાલતી હતી તે દિવસો દરમિયાન અનેક વાર કરેલા. અરવિનને સમજાવવામાં તેઓ સફળ નહોતા થયા. ફાંસીની સજામાંથી દયાની રૂએ મુક્તિ અપાવવા સારુ ભગતસિંહના પરિવાર તરફથી બૅરિસ્ટર આસફલીએ દયાની અરજી ઘડી. એ અરજી જ્યારે તેમણે ગાંધીજીને બતાવી ત્યારે ગાંધીજીએ તે નાપસંદ કરી. ભગતસિંહ જેવા વીર પુરુષને ફાંસીમાંથી માફી અપાવવા આવી અરજી કરાય? એમાં તો એમનું સમ્માન હણાય. એ અરજી એવી હોવી જોઈએ કે જેમાં સજામાંથી માફીની માગણી જરૂર હોય. પણ એમનું ગૌરવ જરાય હણાવું ન જોઈએ. વીર દેશપ્રેમીને શોભે તેવી એ અરજી હોવી જોઈએ. એ મુજબનો છેવટનો ખરડો ગાંધીજીએ જાતે જ લખી આપ્યો હતો. તે જોઈ પરિવારજનો પણ સંતુષ્ટ થયા હતા. વ્યક્તિગત કામોમાં અને જાહેર કામોમાં તો એ કામો કરવાની શૈલી મહત્ત્વની હોય છે. કેટલાંક કામો શાસ્ત્રીય ઢબે થતાં હોય છે. કેટલાંક કરવામાં માણસ પોતાની કળા વાપરતો હોય છે, ગાંધીજીનાં કામોમાં શાસ્ત્ર અને કળાનો સમન્વય થતો. ગાંધીજીએ પોતાના જીવનમાં અનેક સત્યાગ્રહોને દોરવણી આપેલી. એમ કરતાં કરતાં તેમણે સત્યાગ્રહનું એક શાસ્ત્ર પણ વિકસિત કરેલું. અમુક પ્રકારની તૈયારીઓ વિના અમુક પ્રકારનાં પગલાં ન ભરાય, સત્યાગ્રહીઓની પોતાની આગવી એક શિસ્ત હોવી જોઈએ, જેલમાં જનાર સત્યાગ્રહીઓનો વહેવાર કેવો હોવો જોઈએ, સત્યાગ્રહ અંગે ચાલતી વાટાઘાટોમાં કઈ બાબતોમાં બાંધછોડ થઈ શકે અને કઈ બાબતમાં મચક ન અપાય વગેરે વગેરે. બીજી બાજુ એમણે શરૂ કરેલા દરેક સત્યાગ્રહમાં પગલાં લેવાની રીત દરેક વખતે આગવી જ રહેતી. ક્યાંક વિરોધ પ્રદર્શન હોય, ક્યાંક બહિષ્કાર હોય, ક્યાંક વિનયપૂર્વક કાયદાનો ભંગ હોય, ક્યાંક કર ન ભરવાનો હોય વગેરે. વળી સત્યાગ્રહની આખી ઝુંબેશ દરમિયાન પણ જુદા જુદા પ્રકારની વ્યૂહરચનાઓ ગોઠવતા રહેવું પડતું હતું. ગાંધીજીએ સત્યાગ્રહનું શાસ્ત્ર તો પ્રત્યક્ષ સત્યાગ્રહ આચર્યા પછી કેળવેલું અને એને અંગે તેમને બોલવાનું કે લખવાનું થયેલું. પણ સત્યાગ્રહનાં દરેક પગલાં વખતે પ્રતિપક્ષી સાથેના દરેક વ્યવહાર વખતે ગાંધીજીને નવી નવી રીતો અજમાવવી પડતી. આ મુજબ જે સિદ્ધાંતો તૈયાર થતા તેમાંથી સત્યાગ્રહનું શાસ્ત્ર બન્યું અને અલગ અલગ સત્યાગ્રહ વખતે તેમણે વાપરેલી કુનેહમાં સત્યાગ્રહની કળા પ્રગટ થઈ. એમ તો શાસ્ત્ર પણ વિકસતું જતું હતું અને કળા પણ ખીલતી જતી હતી. પણ સત્યાગ્રહ આંદોલનમાં શાસ્ત્ર ક્રમશ: વધુ દૃઢ અને સ્પષ્ટ થતું જતું અને કળા અવનવા સ્વરૂપે પ્રગટ થતી હતી. જે વ્યક્તિત્વ અખંડ અને અવિચ્છિન્ન હતું તેમાંથી જો પૃથક્કરણ કરવા ખાતર વર્ગીકરણ કરીએ તો કદાચ કહેવું પડે કે સત્યાગ્રહનું શાસ્ત્ર ગાંધીજીની બુદ્ધિ અને ચિંતનની નીપજ હતી. એની કળા ગાંધીજીની હૈયાસૂઝમાંથી સહજ રીતે પ્રગટ થતી હતી. સત્યાગ્રહનાં શાસ્ત્ર અને કળાના વિકાસમાં ગાંધીજીની પૂર્વ અને પશ્ચિમ બંનેની કેળવણીનો ચોક્કસ ફાળો હતો એમ કહી શકાય. એમ તો આ બંને સ્રોત સ્થાનો વિષે પણ ભેદ પાડવા એ બહુ યોગ્ય નથી. કારણ ગાંધીજીના આખા વ્યક્તિત્વમાં બંનેનો સમન્વય થયેલો હતો. પણ ગાંધીજીની લાક્ષણિકતા સમજવા ખાતર આપણે એનો અહીં સહેજ ઉલ્લેખ કરી લઈએ. ગાંધીજીની શ્રદ્ધા, જીવનમૂલ્યો પ્રત્યેની તેમની નિષ્ઠા, જગ વિષેનો તેમનો મંગળ અભિગમ તેમને તેમના પ્રાચ્ય સંસ્કારમાંથી પ્રાપ્ત થયાં હતાં અને કામની ચોક્કસતા, શિસ્ત, સમયપાલન, આખી રહેણીકરણીમાં ભદ્ર નાગરિકતા ગાંધીજીને એમની પશ્ચિમી કેળવણીમાંથી મળ્યાં હતાં. આમ એમના વ્યક્તિત્વમાં આપણને પૂર્વ અને પશ્ચિમનો મનોહર સંગમ જોવા મળે છે. વ્યક્તિ તરીકે ગાંધીજીની કેટલીક લાક્ષણિકતાઓનો વિચાર કર્યો. હવે સામાજિક ક્ષેત્રે એમની કેટલીક વિશેષતાઓનો વિચાર કરીએ. ગાંધીજીને મન વ્યક્તિ અને સમાજ માટેનાં નીતિનાં ધોરણો અલગ અલગ નહોતાં. આપણે બંને ધોરણો અલગ અલગ રાખતા હોઈએ છીએ. વ્યક્તિ તરીકે કદી અસત્યાચરણ ન કરનારો માણસ વકીલ તરીકે અસત્યને પોષતો હોય છે. દુકાનના ગલ્લા પર બેઠેલો માણસ ભાવતાલમાં કે માપતોલમાં અમુક અનીતિ ચલાવવી જ પડે એમ માનતો હોય છે. એ જ વ્યક્તિ કુટુંબમાં એવી અનીતિ કરવાનો કે સહેવાનો વિચાર સુદ્ધાં નથી કરી શકતો. ગાંધીજી જે જીવનને ભાગલામાં જોવા તૈયાર નહોતા, તે વ્યક્તિ અને સમાજ સારુ આમ નોખા નોખા ગજ વાપરવા તૈયાર નહોતા. તેથી તેઓ વ્યક્તિ તરીકે, કુટુંબના સભ્ય તરીકે જે નિયમોનો આગ્રહ રાખતા, તે જ સમાજના સભ્ય તરીકે પણ પાળવામાં માનતા હતા. બલ્કે તેમની શ્રદ્ધા એવી હતી કે જે સારાં કામો એક માણસ કરી શકે, તે સમાજમાં પણ પ્રચલિત થઈ શકે. નાનપણમાં તેમણે હરિશ્ચંદ્ર નાટક જોયું ત્યારે બીજો કોઈ હોત તો કદાચ તેને એવો વિચાર આવ્યો હોત કે મોટો થઈને પણ હરિશ્ચંદ્ર જેવો કેમ ન બની શકું, પણ ગાંધીજીએ એક ડગલું આગળ વિચાર્યું. “બધાં કાં હરિશ્ચંદ્ર ન બની શકે?” ગાંધીજીએ પોતાના આશ્રમો સારુ વિચારેલાં અગિયાર વ્રતો વ્યક્તિગત-સામાજિક ધોરણોના અભેદના વિચારમાંથી જ જન્મેલાં છે. સમાજ અત્યારસુધી સત્ય, પ્રેમ, ત્યાગ, અભય આદિને વ્યક્તિગત ગુણ માનીને ચાલતો હતો, તેને ગાંધીજીએ સામાજિક મૂલ્યોનું રૂપ આપવા પ્રયત્ન કર્યો. માણસ જો સમાજથી સાવ અળગો હોય, કોઈ પર્વતની ગુફામાં રહીને કુદરત જે કાંઈ બક્ષે તે જ ખાઈ પીને રહે, સમાજ સાથે એને કાંઈ નાતો જ ન હોય, તો સત્ય, પ્રેમ ત્યાગ વગેરેની કોઈ જરૂર જ ન રહે. જ્યારે બે વ્યક્તિ એક બીજાના સંપર્કમાં આવે છે ત્યારે સત્ય, મિથ્યા કે અસત્યનો પ્રશ્ન આવે છે. અને બે વ્યક્તિ એટલે સમાજનું નાનામાં નાનું એકમ. આ વિચારને આધારે ગાંધીજીએ વ્યક્તિગત મનાતા ગુણોને સામાજિક મૂલ્યોનો દરજ્જો આપ્યો. એના અમલના પ્રયાસ તરીકે તેમણે વકીલાત પણ સત્યને આધાર બનાવીને કરી અને બ્રિટિશ સરકાર જોડે લડત માંડી તો તે પણ અહિંસક સાધનો વડે જ લડ્યા. ગાંધીજીમાં લોકોને પોતાની તરફ ખેંચવાની અદ્ભુત આકર્ષણ શક્તિ હતી. તેમનું વ્યક્તિત્વ એક પ્રકારે હૃદય ચુંબકત્વવાળું હતું. સરદાર વલ્લભભાઈએ એક વાર પટ્ટાભિ સીતારામૈયાને પોતાનાં સંસ્મરણો સંભળાવતાં કહેલું કે “ગાંધીજીએ જ્યારે કોચરબ આશ્રમમાં આવી થાણું નાખ્યું ત્યારે હું એમની પાસે નહીં ગયેલો. કેટલાક જુવાનિયા કૂતુહલવશ એમની પાસે જતા, તેમને હું વારતો પણ ખરો કે ત્યાં જવાનું શું કામ છે? તમારે જગતની સ્થિતિ સમજવી હોય તો અહીં આવોને ? પણ હું ધ્યાનપૂર્વક એ જોયા કરતો કે એમની પાસે કોણ કોણ જાય છે અને ટકે છે. મેં જ્યારે જોયું કે એમની પાસે જનારા અને એમની પાસે રોકાઈ જનારા ઘણાખરા સાત્ત્વિક પ્રકૃતિના જુવાનિયાઓ જ હતા ત્યારે મેં એમની કિંમત પિછાણી હતી.” શું દક્ષિણ આફ્રિકામાં કે શું ભારતમાં ગાંધીજી જ્યાં ગયા ત્યાં તેમણે અનેક લોકોનાં દિલ જીતી લીધાં હતાં. ગાંધીજીના હૃદયની એ એક વિશેષતા હતી કે એમનાથી ઘણાં સ્ત્રીપુરુષો આકર્ષાતાં. ઉપર જણાવ્યું તે ઉપરાંત તેનાં કમસે કમ બીજાં બે કારણો પણ હતાં. એક કારણ તો દેખીતું હતું કે તેઓ દેશના જૂજ એવા આગેવાનોમાંના હતા કે જે કહેતા હતા તે કરતા હતા. કરણી અને કથનીનો ગાંધીજીનો અભેદ ઘણાને એમની તરફ આકર્ષતો. બીજું કારણ દાર્શનિક હતું. તે કાળે પોતાનું સામાન્ય દુનિયાદારીવાળું જીવન છોડીને જાહેર કામમાં જોડાનારા જુવાનોમાં ઘણા એવા હતા કે જેમને દેશની આઝાદીની તમન્ના હતી, અને બીજા એવા ઘણા હતા જેમને મોક્ષની આધ્યાત્મિક લાગણી હતી. ગાંધીજીના આશ્રમમાં અને એમના સાર્વજનિક જીવનમાં ઘણાની આ બંને પ્રકારની અભિલાષા સંતોષાતી. ત્યાં મુમુક્ષુને સંતોષે તેવું અધ્યાત્મ અને દેશભક્તોને સંતોષે તેવું રાજકારણ ભેળું થયેલું દેખાતું. આ કારણે વિનોબાજીએ કહ્યું હતું કે મારી એક ઇચ્છા હિમાલયમાં જઈને સાધના કરવાની હતી અને બીજી ઇચ્છા બંગાળ જઈને ક્રાંતિકારીઓ સાથે ભળવાની હતી. પણ સાબરમતીમાં મને બંગાળ અને હિમાલય બંને એક સાથે મળી ગયાં. ગાંધીજીનું દક્ષિણ આફ્રિકામાં જે આંદોલન ચાલ્યું ત્યાં અને ભારતમાં આઝાદીની લડાઈને તેમણે વળાંક આપ્યો તેમાં એક વાત સરખી હતી, બંનેમાં વિરોધ અન્યાયી વ્યવસ્થાનો હતો, કોઈ વ્યક્તિનો નહીં, તેથી તેમની ઉપર હુમલો કરનારાઓને પણ તેઓ એમ કહીને માફી બક્ષતા કે એ બીચારા એમની સમજ મુજબ વર્ત્યા છે, એમાં એમનો શો વાંક? આરોગ્યના ક્ષેત્રમાં આપણે જેમ રોગને ખતમ કરીને રોગીને બચાવવા માગીએ છીએ કે શિક્ષણના ક્ષેત્રમાં અજ્ઞાનને મટાડીને અજ્ઞાનીને ઉગારવા માગીએ છીએ તેમ રાજકારણના ક્ષેત્રમાં ગાંધીજી જુલમને ખતમ કરીને જુલમીને બચાવવા માગતા હતા. આપણે જોઈ ગયા કે સત્ય ઉપરની એમની શ્રદ્ધા એમને એ વિચાર સુધી લઈ જતી હતી કે દરેકેદરેક વ્યક્તિમાં કાંઈક ને કાંઇક સારપ તો હોય જ છે અને છેવટે આખી દુનિયા ટેકરા ચડતી અને ખાડા ઊતરતી અથવા વાંકેચૂકે રસ્તે થઈ જતી હોય, તો પણ અંતમાં તો કલ્યાણની દિશામાં જ ગતિ કરે છે. ગાંધીજીનાં ઘણા સામાજિક કાર્યક્રમો આ બેવડી શ્રદ્ધા પર આધારિત હતા. એવી જ એક શ્રદ્ધા ગાંધીજીને લોકો પર એટલે કે સામાન્યજનો પર હતી. દક્ષિણ આફ્રિકામાં ગિરમીટિયાઓને લઈને તેમણે જ્યારે કૂચ કાઢી ત્યારે તેઓ જોઈ શક્યા કે એક વાર જો લોકોના મનમાં ઉદ્દેશ સ્પષ્ટ થઈ જાય તો પછી તેઓ એને સારુ મોટાં-મોટાં બલિદાનો સુદ્ધાં આપવા તૈયાર થઈ શકે. હિંદમાં આવ્યા પછી સામાન્યજનો વિષે એમની શ્રદ્ધા વધુ દૃઢ થઈ હતી. તેમને એમ પણ લાગતું હતું કે ભારતીય સંસ્કૃતિમાં પ્રતિજ્ઞાપાલનનું એટલું મહત્ત્વ છે કે જે સામાન્યજનોના લોહી સુધી પહોંચી ગયું છે. એને પરિણામે જીવનના છેલ્લા દિવસોમાં ભાગલાનો નિર્ણય થઈ ગયો ત્યાર પછી પણ એમણે હિંદુસ્તાન અને પાકિસ્તાનના લોકો વિષે આશા રાખવી છોડી નહોતી. જનતા વિષેની આ અપાર શ્રદ્ધા જનતાને પણ નેતાને વિષે શ્રદ્ધેય બનાવતી હતી. સામાન્ય રીતે ગાંધીજીના કાર્યક્રમોનાં ત્રણ પગલાંને સર્વ સામાન્ય ગણાવી શકાય. તેઓ કોઈ પણ પરિવર્તનકારી કાર્યનો આરંભ પોતાની જાત કે પોતાના પરિવારથી કરતા. પછી એ બાબતનું ધ્યાન આપતા કે એનાથી દેશના અંતિમજનને લાભ થાય છે કે નહીં. એટલે સુધી કે તેમને કોઈ આધ્યાત્મિક મૂંઝવણ હોય તો પણ એને માટે આ તિલસ્મ બતાવ્યો હતો કે તમે જીવનમાં જોયેલા સૌથી દીન દરિદ્ર માણસને યાદ કરો અને પોતાની જાતને પૂછો કે તમારું કામ એ દરિદ્ર નારાયણને મદદ કરે એમ છે ? જો તેમ હશે તો તમે લીધેલો રસ્તો સાચો ઠરશે. પરંતુ દરિદ્રનારાયણ, સર્વહારા, ગરીબ કે પછાત, દલિત કે પીડિત લોકોને મદદ કરનારાં કામ પણ છેવટે તો આખા સમાજના હિતને ધ્યાનમાં રાખીને જ થવાં જોઈએ. તેઓ સમાજમાં એક જ વર્ગ કે વર્ણનું કે જૂથનું હિત નહોતા ઇચ્છતા, પણ આખા સમાજનું હિત ઇચ્છતા હતા. તેઓ આરંભ અંત્યોદયથી કરવામાં માનતા, પણ અંતિમ લક્ષ્ય તરીકે તો સર્વોદયને જ ધ્યાનમાં રાખવાનું કહેતા હતા. જીવનને સમગ્રતામાં જોવાને લીધે ગાંધીજીના જીવનમાં ઘણી બાબતો સમન્વિત રૂપમાં જોવામાં આવતી. બીજાઓમાં જે ગુણો પરસ્પર વિરોધી જણાઈ એકબીજાને પ્રતિબંધક હોય એવા દેખાતા હોય તે ગાંધીજીમાં સુમેળ સાધીને ગોઠવાઈ ગયા હોય એવા લાગતા. દાખલા તરીકે તર્કને જ સર્વોપરી માનતા હોય તેવા ઘણા લોકો શ્રદ્ધા માત્રને અંધશ્રદ્ધા માનીને એનાથી છેટા રહેતા. પણ ગાંધીજીને તર્ક અને શ્રદ્ધા પરસ્પર વિરોધી લાગતાં નહીં, તેઓ તર્ક ગળે ન ઊતરે તે વાત સ્વીકારતા નહીં, પણ તર્ક જ્યાં પહોંચીને અટકી જાય ત્યાં શ્રદ્ધાને આધારે આગળ વધતા. એવી જ રીતે રાજકારણમાં જે લોકો જહાલ હતા તેઓ સામાજિક સુધારા બાબત ઘણી બાંધછોડ કરતા દેખાતા. અને સમાજ સુધારા વિષે જેઓ આગ્રહી હતા તેઓ રાજકારણ બાબત મવાળ દેખાતા હતા. ગાંધીજીની બાબતમાં સત્ય તણો આગ્રહ રાજકારણ અને સમાજસુધારા બંને બાબતમાં એક સરખો રહી શકતો. તેઓ રાજકારણમાં જેટલી તીવ્રતાથી સ્વરાજ મેળવવાના પક્ષમાં હતા એટલી જ તીવ્રતાથી સમાજમાંથી અસ્પૃશ્યતાને કાઢવાના પણ આગ્રહી હતા. ગાંધીજીનું વ્યક્તિત્વ જેટલું સમન્વયકારી હતું એટલું જ વિવેક કરનારું પણ હતું. ઘણા લોકો એમ માનતા હતા કે ગાંધીજી વિજ્ઞાનના વિરોધી હતા. પણ વાસ્તવમાં તેમ નહોતું. એમ હોત તો તેઓ પોતાની આત્મકથાને ‘સત્યના પ્રયોગો’ જેવું વિજ્ઞાનીને શોભે તેવું શીર્ષક આપત જ નહીં. અને એને વિષે પ્રસ્તાવનામાં કહે છે : “વિજ્ઞાનશાસ્ત્રી જેમ પોતાના પ્રયોગો અતિશય નિયમસર, વિચારપૂર્વક અને ઝીણવટથી કરે છે, છતાં તેમાંથી નિપજાવેલાં પરિણામોને તે છેવટનાં ગણાવતો નથી, અથવા તો એ એનાં સાચાં જ પરિણામ છે એ વિશે સાશંક નહીં તો તટસ્થ રહે છે, તેવો જ મારા પ્રયોગોને વિષે મારો ફાળો છે. મેં ખૂબ આત્મનિરીક્ષણ કર્યું છે, એકે એક ભાવને તપાસ્યો છે, તેનું પૃથક્કરણ કર્યું છે, પણ તેમાંથી નીપજેલાં પરિણામ એ સહુને સારુ છેવટનાં જ છે, એ ખરાં છે અથવા એ જ ખરાં છે, એવો દાવો હું કોઈ દિવસ કરવા ઇચ્છતો નથી. હા, એક દાવો હું અવશ્ય કરું છું કે મારી દૃષ્ટિએ ખરાં છે અને અત્યારે તો છેવટનાં જેવા લાગે છે. પણ હું તો પગલે પગલે જે જે વસ્તુઓને જોઉં તેને ત્યાજ્ય અને ગ્રાહ્ય વસ્તુ સમજું તે પ્રમાણે મારા આચારને ઘડું અને જ્યાં લગી એ પ્રમાણે ઘડાયેલા આચાર મને, એટલે મારી બુદ્ધિ અને આત્માને, સંતોષ આપે ત્યાં લગી મારે તેનાં શુભ પરિણામો વિષે અચલિત વિશ્વાસ રાખવો જ જોઈએ.” ઉપરના ઉદ્ધરણના છેલ્લા વાક્યમાં બુદ્ધિ અને વિશ્વાસ બંને શબ્દો સાથે આવે છે એ નોંધવા જેવું છે. વિજ્ઞાન વિષે આપણે એમ કહી શકીએ કે ગાંધીજીની જીવનને નીરખવાની રીત વૈજ્ઞાનિક હતી. પણ ટેક્નૉલોજીમાં કઈ ગ્રાહ્ય અને કઈ વર્જ્ય એનો નિર્ણય તેઓ માનવીય મૂલ્યોને આંખ આગળ રાખીને કરતા. આ જ એમની વિવેકદૃષ્ટિ હતી. ગાંધીજીની આંખે ઊડીને વળગે એવી લાક્ષણિકતા એ હતી કે તેમની કરણી અને કથની વચ્ચે ભાગ્યે જ કોઈ ભેદ રહેતો. ઘણી વાર તો તેમની વાણી તેમના આચરણનું અનુસરણ કરતી. એટલે કે તેઓ પહેલાં કામ કરીને પછી એને વિષે કહેતા. કરણી કથનીના અભેદને લીધે ગાંધીજીની સ્ફટિકશી પારદર્શિતા પ્રગટ થતી. આ પારદર્શિતાને લીધે ગાંધીજી એક તરફ જેમ વિશાળ જનતાને એ ખાતરી અપાવી શકતા કે આ આગેવાન જે કહેશે તે અવશ્ય કરશે, તેમ બીજી તરફ એમના ઘણાખરા વિરોધીઓને સુદ્ધાં એ ખાતરી રહેતી કે આ માણસની પ્રામાણિકતા અંગે શંકા કરી શકાય એમ નથી. હા, કેટલાક વિરોધીઓ એવા યે હતા, જેમને ગાંધીજીની ઈમાનદારી પર પણ શંકા જતી. એનાં કદાચ એ કારણો હોઈ શકે કે પોતાની નિત્યવિકાસશીલતાને કારણે તેઓ આજે એક વાત કહેતા હોય ને કાલે બીજી વાત કહેતા હોય એમ બનતું. અલબત્ત ગાંધીજી પોતાના બદલાયેલા વિચારોને તરત જાહેર કરી દેતા. પણ ગાંધીજીને કેવળ રાજકારણી તરીકે જોનારને એમ લાગતું કે ગાંધીજીએ ફેરવી તોળ્યું. ગાંધીજીની પારદર્શિતા વિષે શંકા કરવાનું બીજું કારણ એ હતું કે મુત્સદ્દીઓ ગાંધીજીને પોતાના અરીસામાં જોતા. તેથી બદલાયલા ગાંધીજી તેમને છેતરતા ગાંધીજી દેખાતા! ગાંધીજીની મુત્સુદ્દીગીરી સત્યની મુત્સદ્દીગીરી હતી. એ સત્ય ગતિશીલ હતું તેથી ટીકાકારોને એ ફેરવાતા સત્ય જેવું લાગતું. પણ એવા અપવાદો હોવા છતાંય સામાન્યપણે એમ કહી શકાય ખરું કે ગાંધીજીની પારદર્શિતા ‘શત્રુ’ને મન પણ શંકાથી ઉપરનો વિષય હતી. જીવનને સમગ્રતાથી જોવાની ગાંધીજીની ખાસિયત એમની પોતાને વિષેની આચારસંહિતા, ભાવિ દુનિયા અંગેની એમની છબિ અને એમની કામ કરવાની રીત એકબીજા સાથે એવાં સરખાં સુસંગત રીતે સંકળાયેલાં દેખાય છે કે એ ત્રણેમાં આપણને અભેદ જ દેખાય. એ સુસંગત જીવન-દર્શનમાંથી ગાંધીજીના જીવનની ત્રણ મુખ્ય દેણ નીપજી છે. ગાંધીજીની આચાર-સંહિતા, એમની સમાજ અંગેની છબિ, એમણે સુઝાડેલ અને ઉત્તરોત્તર વિકાસ પામતા જતા એમના રચનાત્મક કાર્યક્રમમાં જોવા જડે છે અને એમની કામ કરવાની રીત સત્યાગ્રહના સિદ્ધાંતો ઉપર ઊભી છે. એકાદશવ્રત, રચનાત્મક કાર્ય, અને સત્યાગ્રહ ગાંધીજીના જીવનની સૌથી મોટી દેણ છે. એમાં એમનું સમગ્ર જીવન-દર્શન નિખરી ઊઠે છે. એક વાર ગાંધીજીનો ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર સાથે મિલના કાપડની હોળી કરવાના કાર્યક્રમ અંગે જાહેરમાં વિવાદ થયેલો. ટાગોરે ‘મૉડર્ન રિવ્યૂ’માં અને ગાંધીજીએ ‘યંગ ઈંન્ડિયામાં’ પોતપોતાના વિચારો અંગે ચોખવટ કરેલી. એ લેખમાળા બંનેની ઉદાત્તતા અને દૃઢતા સાથે બંનેની નમ્રતા અને ઉદારતા પણ પ્રગટ કરે છે. એમાં એક ઠેકાણે ગાંધીજી એક એવી વાત કરે છે કે જે એમના દર્શન અંગેની ખાસિયત વ્યક્ત કરે છે. તેમણે એ મતલબનું લખ્યું છે કે “મારે મારા ઘરનાં બારીબારણાં એવાં ખુલ્લાં રાખવાં છે કે જેમાંથી આખી દુનિયાના વિચારો એમાં છૂટથી પ્રવેશી શકે, પણ મારે મારા ઘરનો પાયો એવો પાકો રાખવો છે કે ચારે તરફથી દુનિયાનાં તોફાનો આવે તો પણ મારા ઘરને એ ઉખાડીને ફેંકી શકે નહીં.” ગાંધીજીના ગયા પછી દુનિયાના વિચારકોમાં એક સૂત્ર ખૂબ પ્રચલિત અને પ્રતિષ્ઠિત થયું છે. તે છે, વિચારો વિશ્વ વિષે, પણ આચરણ ઘર આંગણથી શરૂ કરો (થિંક ગ્લોબલી, બટ એક્ટ લોક્લી) ગાંધીજીના ઉપર જણાવેલ વાક્યમાં એ જ સૂત્ર પડઘા પાડે છે. ગાંધીજીએ પોતાના આશ્રમો સારુ સ્વીકારેલાં અગિયાર વ્રતોમાંથી પહેલાં પાંચ એટલે કે સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય તો એવાં હતાં કે જેને સર્વધર્મોની માન્યતા મળેલી છે. ગાંધીજી આ વ્રતોને એક એક કરીને પૂર્ણપણે વિકસાવવા માગતા હતા. એની સાથે સાથે આ પાંચે મહાવ્રતોને તેઓ એકસામટાં પણ જોતા હતા. તેમને તે પાંચેય એક-બીજા સાથે સંબંધિત લાગતાં હતાં. તેથી અપરિગ્રહનો વિકાસ કર્યા વિના અહિંસાનો પૂરો વિકાસ ન થઈ શકે એમ માનતા હતા એ જ રીતે સત્ય અહિંસાની દિશામાં પૂર્ણતા તરફ આગળ વધવું હોય તો બ્રહ્મચર્ય વ્રતને પણ ખંતપૂર્વક પાળવું જોઈએ એવી તેમની માન્યતા હતી. આ માન્યતાને લીધે ગાંધીજી બીજા સાધકો કરતાં જુદા તરી આવતા હતા. બીજા સાધકો આ વ્રતોનો વિચાર નોખો નોખો કરતા હોય છે. તેથી એક વ્રતના પાલન સારુ બીજા વ્રતોની અનિવાર્યતા નથી માનતા હોતા. ગાંધીજી આ પાંચે વ્રતોને એક-બીજા સાથે સંકળાયેલા માનતા તેથી જ પોતાની અહિંસામાં પરાકાષ્ઠા સારુ બ્રહ્મચર્યમાં પરાકાષ્ઠા સુધી પહોંચવા માગતા હતા. વળી તેમને એ પણ વિશ્વાસ હતો કે સાચી સામાજિક-રાજનૈતિક શક્તિ માણસમાં શુદ્ધિથી આવે છે, અને શુદ્ધિ વ્રતોના નિષ્કપટ પાલનથી આવે છે. તેથી એવો પણ વિચાર કરેલો કે જો તેઓ બ્રહ્મચર્યના પાલનમાં પોતાના છેવટના આદર્શ સુધી (દાખલા તરીકે શુકદેવજી જેવું સહજ નિશ્છલ બ્રહ્મચર્ય પાલન સુધી) પહોંચી શકે તો જેઓ તેમને એક નંબરના દુશ્મન માને છે તેમનું દિલ જીતવાની તાકાત તેમનામાં આવી શકે. આમ ગાંધીજી વ્રત, શુદ્ધિ અને નૈતિક તાકાતને પરસ્પર સંકળાયેલી ગણતા. જેમને ગાંધીજીની આવી તર્ક સાંકળ સમજાતી નહોતી કે માન્ય નહોતી તેમને સારુ વ્રતપાલન વિષેનો આગ્રહ મૂંઝવનારો કે અકળાવનારો થઈ પડતો. પરંતુ ભારતીય સંસ્કૃતિએ પ્રાચીન કાળથી તપ, તેજ અને તાકાતના સંબંધને માનેલો છે. આ બાબત એ વાત પણ સમજવા જેવી છે કે ગાંધીજીનો વ્રતો અંગેનો આગ્રહ એ ચોખલિયાપણા કે મરજાદી જીવનશૈલીમાંથી જન્મેલો નહોતો. આ એકાદશ વ્રત ગાંધીજી સારુ શક્તિ-સ્ત્રોત સમાં હતાં, તેમને એમાં નકારાત્મક નહીં પણ સકારાત્મક શક્તિ દેખાતી હતી. આ બાબત પ્રગટ ચિંતન તેમણે પોતાની આત્મકથામાં ઝુલુ લડાઈના પ્રસંગે કર્યું છે. ઘાયલોની ઝોળી ઉપાડીને તેમને માઈલોના માઈલોની સફર કરવી પડતી હતી. એ સમયે પોતાના શરીરે વેઠવાના કષ્ટનો વિચાર કરવાને બદલે તેમણે પોતાની આંતરિક તાકાત વધારવા અંગે ચિંતન મનન કર્યું. તેમણે ઝોળી ઉપાડવાનું કામ સ્વેચ્છાએ માગી લીધું હતું. ત્યાર સુધી તેઓ દક્ષિણ આફ્રિકાની હિંદી પ્રજા સારુ જે લડત ચલાવી રહ્યા હતા એમાં એક દલીલ એ હતી કે અમે બ્રિટિશ સામ્રાજ્યના પ્રજાજન છીએ એટલે એમને એ પ્રજાને મળે છે તેવા અધિકારો મળવા જોઈએ. આ કામ માગી લેવા પાછળ બીજું કારણ એ હતું કે ભારતીયોને નબળા અને બીકણ માનવામાં આવે છે. તે પોતાની બહાદુરી બતાવીને હિંદુ કોમનું સ્વમાન જાળવવા માગતા હતા. બહાદુરી બતાવવા સુધીની વાતમાં મનોબળની સાથે સાથે શારીરિક તાકાત પણ બતાવવાની હતી. જે હિંદીઓનો તિરસ્કાર કરનાર ગોરાઓ પણ સમજી શકે એમ હતા. સમજી શક્યા હતા. પણ ગાંધીજીનું ચિંતન એનાથી એક ડગલું આગળ ચાલીને તાકાતને ભૌતિક સ્તરથી નૈતિક સ્તર પર, એટલે કે શરીરબળને બદલે આત્મબળ અથવા શસ્ત્રોથી ખેલાતા યુદ્ધને ઠેકાણે સત્યાગ્રહ પર લઈ જવા સુધી ચાલતું હતું. એ ચિંતન એમને છેલ્લાં કેટલાંક વર્ષોથી જે બ્રહ્મચર્ય વિષે તેઓ વિચારી રહ્યા હતા તેમાં તેના અંતિમ મુકામે એટલે કે વિવાહિત જીવનમાં બ્રહ્મચર્યના સંકલ્પ સુધી લઈ ગયું હતું. આની પાછળ શક્તિવર્ધનનો સકારાત્મક વિચાર વિશેષ નોંધપાત્ર છે. એ જ ચિંતનને તેઓ આગળ ઉપર ઊંડું ને ઊંડું કરતા ગયા. તે જ ચિંતન તેમને જીવનના સાવ છેલ્લાં વર્ષોમાં, જ્યારે તેઓ ભારતને એક અને અખંડિત રાખવાની લડાઈમાં હારી રહ્યા હતા ત્યારે બ્રહ્મચર્યના એક ઊંચા આદર્શ એટલે કે શુકદેવજી જેવા સહજ જન્મજાત બ્રહ્મચર્યના આદર્શો સુધી લઈ ગયું હતું. ગાંધીજીની એક વિશેષતા એ હતી કે પોતાની સાધનાના ક્રાંતિકારી પથ પર તેમણે પોતાની દૃષ્ટિએ એક બીજો વિવેક પણ સાધ્યો હતો. તે વિવેક હતો પોતાની માગણી અંગે કઈ બાબતમાં મક્કમ રહેવું તે અંગેનો. સાદી ભાષામાં કહીએ તો ગાંધીજી યુદ્ધને અંતે વાટાઘાટોને પ્રસંગે જેને તેઓ ગૌણ કે વિગતો અંગેના મુદ્દા માનતા હતા તે બાબતમાં બાંધછોડ કરવા તૈયાર હતા. પણ જેને પાયાના, મુખ્ય કે મૂળ તત્ત્વ સાથે સંકળાયેલા મુદ્દા માનતા હતા તેને મક્કમપણે વળગી રહેતા. આ બાબત એવી હતી કે જે ગાંધીજીના પોતાના આકલન પર આધાર રાખતી. જનરલ સ્મટ્સ સાથેની વાટાઘાટો વખતે તેમણે આંગળાંનાં નિશાન આપવાની વાતને ગૌણ માનીને તે સ્વેચ્છાપૂર્વક અપાય, ફરજિયાત નહીં, એની ઉપર ભાર મૂક્યો હતો. વળી રજિસ્ટ્રેશનનો કાયદો પાછો ખેંચી લેવામાં આવશે એવું તેમણે જનરલ સ્મટ્રસ પાસે આશ્વાસન મેળવ્યું હતું. તેમણે કબૂલ્યું હતું કે જો લોકો સ્વેચ્છાએ પોતાનાં નામો નોંધાવી દેશે તો તેઓ કાયદો પાછો ખેંચી લેશે. કાયદો પાછો ખેંચાય એ હિંદી કોમ માટે અગત્યનું હતું. પહેલા આંગળાંનાં નિશાન નહીં આપીએ એમ કહ્યા પછી એ આપવાનું સ્વીકારવું એ ગાંધીજીને મન ગૌણ હતું. અલબત્ત આ કિસ્સામાં જનરલ સ્મટ્રસ વચન આપ્યા પછી, પાછળથી ફરી ગયા હતા. પણ એ અવસ્થામાં ફરી સત્યાગ્રહ ઉપાડવાનું તો હિંદીઓના હાથમાં હતું જ. ચંપારણના ખેડૂતોની તિનકઠિયા વ્યવસ્થાએ કરેલી દુર્દશાની તપાસ પછી ગાંધીજી પાસે આશરે પચીસેક હજાર કિસ્સાની સાક્ષીના ઢગલા હતા. તપાસ પંચમાં કિસાનોના પ્રતિનિધિ તરીકે ગાંધીજી એકલા જ હતા. બાકી ગળીના કારખાનાંના માલિકો કે સરકારના પ્રતિનિધિઓ હતા. ગાંધીજી પાસે ચોકસાઈથી ભેગી કરેલી સામગ્રી એટલી બધી બોલકી હતી, કે ગોરા પ્રતિનિધિઓને તેમની ફિકર થવા માંડી હશે કે આ તપાસને અંતે તો એમના કુકૃત્યો પુરવાર થઈ જશે અને એમને પોતાને જ સજા થશે. ગાંધીજીએ ગોરાઓને સજા કરાવવાની વાતને પડતી મૂકી માત્ર તિનકઠિયાની વ્યવસ્થાને નાબૂદ કરવાનો આગ્રહ રાખ્યો. પરિણામે પોતે જે તપાસ પંચમાં એકની લઘુમતીમાં હતા એ પંચે સર્વ સમ્મતિથી રિપોર્ટ તૈયાર કર્યાે. સજા કોઈને ન થઈ પણ સવા સૈકાથી ચાલી આવેલી પ્રથા નાબૂદ થઈ. ગાંધી અરવિન કરાર વખતે તો રાજાના પ્રતિનિધિ વાઇસરૉય કોંગ્રેસના પ્રતિનિધિ ગાંધીજી સાથે એક મેજ પર બરાબરીને દરજ્જે વાટાઘાટ કરે એ હકીકત જ મોટી પ્રાપ્તિ સમાન હતી. સમાધાનની શરતોમાં અહિંસક સત્યાગ્રહના સર્વ કેદીઓને છોડવાની અને આંદોલન બંધ રાખવાની શરતો સામસામે હતી. જેની ઉપર હિંસાના આરોપો મુકાયા કે સિદ્ધ થયા હોય એમને છોડવાનો ગાંધીજીએ આગ્રહ રાખ્યો નહોતો. દારૂના પીઠા પર પિકેટિંગ કરવું એ તો આધ્યાત્મિક કે નૈતિક કાર્યક્રમ છે, એ બંધ નહીં કરીએ, હા, કાયદો તોડીને જેલ નહીં ભરીએ એવી વાત ગાંધીજીએ કરી હતી. તેમાં કઈ વાત એમની દૃષ્ટિએ બાંધછોડ કરવા લાયક હતી અને કઈ નહીં તેનો નિર્ણય એમણે જાતે જ કર્યો હતો. બનતાં સુધી કૉંગ્રેસ કારોબારીમાં પણ કેટલાક સભ્યો બધા વિષયો વિષે ગાંધીજી જોડે સહમત નહોતા. પણ ગાંધીજીને જે મુદ્દો તાત્ત્વિક લાગ્યો તેને અંગે તેમણે બાંધછોડ ન કરી અને જે મુદ્દો વ્યૂહરચનાનો લાગ્યો તેને અંગે બાંધછોડ કરી. સમગ્ર ગાંધીવિચારનો વિચાર કરતાં એમ સ્પષ્ટ જણાય છે કે એમના દર્શનમાં કેટલાંક તત્ત્વો એવાં હતાં જે મૂળ તત્વજ્ઞાનને લગતાં હતાં, અને બીજાં કેટલાંક એવા હતાં જે તે કાળની પરિસ્થિતિને લીધે પેદા થયાં હતાં. પહેલા પ્રકારને આપણે ગાંધીવિચારનું તત્ત્વ અને બીજાને એનું તંત્ર કહીશું. ગાંધીજી પોતે તત્ત્વ વિષે પાકા આગ્રહી હતા. અને તંત્ર વિષે પ્રયોગો કે પરિવર્તન કરવા તૈયાર હતા, પણ એ પરિવર્તનની દિશા તો તત્ત્વ જે મૂલ્યોનું પ્રતિપાદન કરતું હોય તેના તરફ જ હોવી જોઈએ એમ ગાંધીજી માનતા. સત્ય ગાંધીજીને ગળથૂથીમાંથી મળ્યું હતું. અહિંસાનાં બીજ એમના માનસમાં બાળપણ કે કુમાર અવસ્થામાં જ રોપાયાં હતાં. સત્ય-અહિંસા ગાંધીતત્ત્વજ્ઞાનનું તત્ત્વ હતાં. એમાંથી નીકળતા આનુષંગિક વ્રતોને પણ આપણે સામાન્યપણે ગાંધીવિચાર તત્ત્વમાં ગણાવી શકીએ. તે ઉપરાંત સાધનશુદ્ધિ વિષેનો એમનો આગ્રહ, જે સત્ય વિષેની એમની ખોજમાંથી નીકળ્યો છે, તેને પણ આપણે એમના તત્ત્વમાં ગણાવી શકીએ. એમણે સુઝાડેલાં ઘણાં રચનાત્મક કાર્યો એવાં હતાં કે જે દેશ કાળ મુજબ ફેરવાઈ શકે. એને ગાંધીવિચારના તંત્રમાં સમાવી લઈ શકાય. આ તંત્ર વિષે પણ ગાંધીજીનો એ આગ્રહ તો હતો જ કે તંત્ર બદલાતું ભલે રહે, અને તે નિરંતર બદલાતું રહે એ જ ઇષ્ટ પણ છે પણ એના બદલાવની આખી દિશા માનવ મૂલ્યો તરફ જ હોવી જોઈએ. સત્તા અને સંપત્તિ બંનેને લાગુ પડે છે ત્યાં સુધી વિકેન્દ્રીકરણને આપણે ગાંધી દર્શનના મૂળતત્ત્વમાં ગણાવી શકીએ. એનો અમલ કરવા સારુ ખાદી ગ્રામોદ્યોગ, પંચાયતીરાજ કે એવા બીજા કાર્યક્રમો ગાંધીજીનાં તંત્રમાં આવી જાય. ગાંધીની છેવટની લાક્ષણિકતા આપણે એ વાતને ગણાવીશું કે તેઓ તત્ત્વ વિષે તડજોડ ન કરનારા હતા પણ તંત્રની દિશા તો તત્ત્વભણી જ રહે એ વાતના આગ્રહી હતા.

***
વાંચો: સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૪ — અહિંસા