સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૪ — અહિંસા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘સૌના ગાંધી’ શ્રેણી

સૌના ગાંધી શ્રેણી - ૧
પુસ્તક - ૪


Sauna Gandhi title 04.jpg


અહિંસા

નારાયણ દેસાઈ


Gujarat Vidyapith (emblem).png



પ્રકાશન વિગત



ગાંધીજીને સત્ય ગળથૂથીમાંથી મળ્યું હતું. સત્યને રસ્તે જતાં એમને અહિંસા જડી હતી. નાનપણમાં પોતાની ભૂલ પિતા પાસે કબૂલ કરવાનું તેમણે ઠેરવ્યું. પિતાના મારનો ડર ન હતો. પણ તેઓ દુ:ખી થઈ માથું કૂટશે એવો ભય હતો. એ જોખમ ખેડીને પણ પોતાની ભૂલ કબૂલી માફી માગતી ચિટ્ઠી લખી તેમણે ધ્રૂજતે હાથે પિતાશ્રીને આપી. તેમાં પિતા પોતે દુ:ખ વહોરી ન લે એવી આજીજી કરી સજા પણ માગી, અને ફરી એવી ભૂલ ન કરવા પ્રતિજ્ઞા લીધી, ગળથૂથીમાં મેળવેલા સંસ્કારને લીધે તેમણે આમ કર્યું. પિતાએ ચિટ્ઠી વાંચી. એમની આંખમાંથી મોતીનાં બિંદુ ટપક્યાં. ચિટ્ઠી ભીંજાઈ. ક્ષણવાર આંખ મીંચી તેમણે ચિટ્ઠી ફાડી નાખી ને પોતાની માંદગીની પથારી પર પાછા આડા પડ્યા. ગાંધીજી રડ્યા. પિતાનું દુ:ખ સમજી શક્યા. પિતાના મોતી સમા અશ્રુબાણે તેઓ વીંધાયા. ગાંધીજીને સારુ અહિંસાનો આ કદાચ પહેલો પદાર્થપાઠ હતો. ગાંધીજીનાં લગ્ન ૧૩ વર્ષની બાળવયે થયેલાં. ધણીપણાના ખોટા ખ્યાલે તેમણે એમનાથી ૬ માસ મોટાં એવાં કસ્તૂરબા પર એવાં નિયમનો મૂકવા માંડ્યાં કે એમને પૂછ્યા વિના કસ્તુરબાએ ક્યાંય બહાર ન જવું. કસ્તુરબા મંદિરે જવામાં કે ઓળખીતાઓને મળવા જવામાં ગાંધીજીની રજા લેવા હરગિજ તૈયાર ન હતાં. ગાંધીજીના આદેશનો તેઓ સામે બોલીને જવાબ નહોતાં આપતાં, પણ જે આદેશને પોતે ખોટો માનતાં તેને કદી માનતાં પણ નહીં. ગાંધીજી સારુ સવિનયભંગનો આ પ્રથમ પદાર્થપાઠ હતો. દક્ષિણ આફ્રિકામાં પીટરમારિત્સબર્ગ સ્ટેશને પ્રથમ વર્ગની ટિકિટ હોવા છતાં ગાંધીજીને ત્યાંની રંગદ્વેષી પરંપરાને લીધે બળજબરીથી ગાડીમાંથી ધકેલી દેવામાં આવ્યા ત્યારે આખી રાત કડકડતી ટાઢમાં બેઠા. તેમણે જે વિચારો કર્યા તેમાંથી ગાંધીજીના મનમાં સત્યાગ્રહના સિદ્ધાંતનાં બી વવાયાં. તેમણે વિચાર્યું કે કાં તો મારે હિંદીઓના હકોને સારુ લડવું અથવા પાછા જવું. લડવું હોય તો જે અપમાન થાય તે સહન કરવાં. ભાગવું એ તો નામર્દગી ગણાય. મારી ઉપર દુ:ખ પડ્યું તે તો ઉપરચોટિયું દરદ હતું; ઊંડે રહેલા મહારોગનું તે એક લક્ષણ હતું. આ મહારોગ તે રંગદ્વેષ. તે નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો. તેમ કરતાં જાત ઉપર દુ:ખ પડે તે બધાં સહન કરવાં. દક્ષિણ આફ્રિકાનો આ અનુભવ ગાંધીજી સારુ અહિંસાનો માત્ર પદાર્થપાઠ પૂરો પાડનાર જ ન નીવડ્યો, એ અનુભવથી એમના જીવનના મહાન પરિવર્તનોનો આરંભ થયો. એ અનુભવથી એમની અહિંસા અંગેની દૃષ્ટિ પણ સ્પષ્ટ થઈ. તેઓ શીખ્યા કે: ૧. શક્તિશાળી અહિંસાનો પ્રયોગ તો જ થઈ શકે છે કે જો એ અહિંસા પાછળ બીક કે કાયરતા ન હોય. ૨. જેને બદલવું છે તેનું મૂળ પરંપરા કે વ્યવસ્થામાં છે. જે વ્યક્તિ અન્યાય કે જુલમ કરે છે તે તો માત્ર એ વ્યવસ્થાનો એક સાંચો છે. ૩. પ્રતિકાર રોગનો કરવાનો છે, રોગીનો નહીં. ૪. તેથી અન્યાય કરનારનું વેર વાળવા કે બદલો લેવાનો કોઈ અર્થ નથી. ૫. અહિંસાનો ઉપયોગ જો વ્યવસ્થાને બદલવા સારુ હોય તો લાંબા ગાળા સુધી કષ્ટ વેઠવાની તૈયારી હોવી જોઈએ. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી જુદા જુદા ધર્મના અનુયાયીઓના ગાઢ સંપર્કમાં આવ્યા. આમાંથી કેટલાક ઉત્સાહીઓએ એમનો ધર્મપલટો કરાવવાનો પણ પ્રયત્ન કર્યો. ગાંધીજીએ ધર્મ બાબત શ્રીમદ્ રાજચંદ્રની સલાહ લીધી. શ્રીમદ્ે તેમને બધી બાજુનું અધ્યયન કરીને છેવટે નિર્ણય તો પોતે જ કરવાની સલાહ આપી. શ્રીમદ્ની સલાહથી ગાંધીજી અહિંસાનું એક નવું પાસું શીખ્યા. જૈન ધર્મમાં એને અનેકાંતવાદ અથવા સ્યાદવાદ કહેવામાં આવે છે. આપણને જે દેખાય છે તે પૂરું નહીં પણ આંશિક સત્ય હોય છે. એ સત્યના બીજા પાસાંઓને સમજવા સારુ આપણા મનને નમ્રપણે સદા ખુલ્લું રાખવું જોઈએ. જે પોતાના સત્યને પરમ સત્ય માને છે તે એ સત્યને ખાતર બીજાનું માથું વાઢવા પણ તૈયાર થાય. પણ જે સત્યની બીજી બાજુ પણ હોઈ શકે છે એમ જે માને છે એ કદી સામેનાનું માથું વાઢવા તૈયાર નહીં થાય. જ્યાં સુધી એને સામાનું સત્ય સમજાતું નથી, ત્યાં સુધી એ પોતાના સત્યને જરૂર વળગી રહેશે, બીજાને એ સમજવા કહેશે કે સમજાવવા પ્રયત્ન કરશે. પણ સામેનાના સત્યને બળજબરી કે હિંસાથી દાબી દેવાનો પ્રયત્ન નહીં કરે. ઉપર ત્રણ ચાર દાખલાઓ દ્વારા આપણે ગાંધીજીના મનમાં અહિંસા વિષેના જ્ઞાનનો કેવી રીતે ઉદય થયો તે જોયું. એ જેમ જેમ અહિંસાની શક્તિનો ઉપયોગ કરતા ગયા તેમ તેમ એમના મનમાં એને અંગેનો વિચાર ખીલતો ગયો. થોડા વખતમાં તો એમને પાકો વિશ્વાસ થઈ ગયો હતો કે સત્ય સુધી પહોંચવા સારુ અહિંસા જ એક અમોઘ સાધન છે. તેઓ સત્ય અને અહિંસા એ બંને શબ્દોને હંમેશા સાથે સાથે જ વાપરતા થયા. સત્ય અહિંસામાંથી સત્ય સાધ્ય (લક્ષ્ય) છે અને અહિંસા સાધન (માર્ગ) છે, એમ સમજવા છતાં એમને સારુ એ બંને અલગ ન રહ્યાં. આમ તો અહિંસાનો વિચાર કાંઈ ગાંધીજીએ ગોતી કાઢેલો નવો વિચાર નથી. તેમણે પોતે તો પૂરી નમ્રતા સાથે કહ્યું છે કે મારે કશું નવું શીખવવાનું નથી, સત્ય અહિંસા તો અનાદિકાળથી ચાલતાં આવ્યાં છે. પણ ગાંધીજીએ અહિંસાને પોતાના આચરણ દ્વારા, પોતાના તપ દ્વારા, અને સમાજમાં વ્યાપક વપરાશ દ્વારા એક એવો તેજસ્વી અર્થ આપ્યો કે દુનિયા મોંમાં આંગળાં ઘાલીને જોઈ રહી અને હવે તો દુનિયાના ભલભલા વિચારકોને આંતકવાદ, છૂટી છવાઈ હિંસા અને યુદ્ધોથી ઘેરાયેલી દુનિયાના કોયડાઓનો અહિંસા જ એક માત્ર ઉકેલ લાગે છે. ગાંધીજીએ પોતાના તપોમય જીવન અને સત્યાગ્રહ આંદોલનો દ્વારા અહિંસાને એક તેજસ્વી રૂપ આપ્યું. તેમણે એ શબ્દના અર્થમાં જ જબરદસ્ત ગાંભીર્ય આણી દીધું. જૂની અહિંસા અને ગાંધીજીએ ચીંધેલી અહિંસામાં મુખ્ય મુખ્ય તફાવત નીચે મુજબના હતા. ૧. ગાંધીજીની અહિંસા એ માત્ર હિંસા ન આચરવી એટલું જ સૂચવતી નહોતી, તે એક પ્રબળ સક્રિય શક્તિ હતી. ૨. તે કોઈ એક વ્યક્તિને વાપરવાનો ગુણ નહોતો, પણ સમાજમાં વહેવારમાં લાવવાનું મૂલ્ય હતું. ૩. તે માત્ર શારીરિક હિંસાનો નિષેધ નહોતી કરતી. ૪. એનો સંબંધ માણસ માણસ વચ્ચેના નાનામોટા કજિયા પૂરતો જ મર્યાદિત રહેતો નહોતો. પણ જીવનનાં તમામ ક્ષેત્રો સાથે આવતો તેનો સંબંધ હતો. વળી તેનો સંબંધ માણસ અને પશુપક્ષી તેમજ માણસ અને કુદરત સાથે પણ આવતો હતો. ૫. ગાંધીજીની અહિંસાનો સંબંધ જીવનના સર્વ ક્ષેત્ર સાથે હતો તેથી અહિંસા આખી સંસ્કૃતિને સ્પર્શ કરનાર શબ્દ બની જતો હતો. સામાન્ય રીતે અહિંસાનો અર્થ કોઈને દુ:ખ ન દેવું એવો થતો આવ્યો છે. એમાંથી જ માંસાહાર ત્યાગ, વાંદરા, મોરલા કે રોઝડાંને ન મારવાનો વિચાર જન્મ્યો છે. જૈન ધર્મ તો જીવો પર થતી આ હિંસાને અટકાવવામાં ઠીક ઠીક ઊંડો ઊતર્યો છે. શ્વાસોશ્વાસમાં જે સૂક્ષ્મ જંતુઓ હોય છે તેને મારવાની હિંસામાંથી બચવાના ઉપાયો યોજાય છે. નાનપણમાં દાક્તરી વિદ્યાનો અભ્યાસ કરતી વખતે દેડકાં ચીરવાં પડે એ હિંસાને ટાળવા ગાંધીજીને દાક્તર ન થવાની સલાહ અપાયેલી ! આવી સૂક્ષ્મ અહિંસાની ગાંધીજી કદર કરતા. પણ એમની અહિંસા એટલાથી અટકતી નહોતી. તેઓ અહિંસાને પ્રેમના આર્વિભાવ તરીકે જોતા. તેથી જ તેઓ અહિંસાનો એક વિધાયક શક્તિ તરીકે ઉપયોગ કરી શક્યા. અહિંસાના સક્રિય સામાજિક પ્રયોગ એવા સત્યાગ્રહને તેમણે ત્રણ રીતે વર્ણવેલો: સત્યશક્તિ, પ્રેમશક્તિ અને આત્મશક્તિ. ગાંધીજીએ અન્યાયનો સામનો કરવા ઘણીવાર સત્યાગ્રહનો રસ્તો લીધો, પરંતુ અન્યાયપૂર્ણ વ્યવસ્થાનો ગમે તેટલો સખત પ્રતિકાર કરતી વખતે પણ અન્યાય કરનાર પ્રત્યે દ્વેષ કે વેરભાવ તેમનામાં નહોતો. એ સત્યાગ્રહો મારફત આત્માની શક્તિ પ્રેમરૂપે પ્રગટ થતી હતી. આને લીધે જ એમના જીવનમાં સંખ્યાબંધ એવા દાખલા જોવામાં આવ્યા કે જ્યારે એમની ઉપર ક્રોધ કરનાર કે વાર કરનાર અથવા એમને સજા કરવા આવેલ વ્યક્તિ એમની મિત્ર બની ગઈ હતી. પ્રેમની આ શક્તિનો ઉપયોગ વ્યક્તિગત રીતે થતો ઇતિહાસમાં જરૂર જોવા મળ્યો છે. અનેક વીરોએ દુશ્મનોને ક્ષમા આપ્યાના દાખલા નોંધાયા છે. ગાંધીજીએ પણ એમની ઉપર શારીરિક આક્રમણ કરનારાઓને તો ઘણીવાર ક્ષમા બક્ષી હતી. પરંતુ ગાંધીજીની અહિંસા માત્ર વ્યક્તિ પૂરતી મર્યાદિત નહોતી. એમણે અહિંસાનો સમૂહમાં ઉપયોગ કરી બતાવ્યો. સત્યાગ્રહના આંદોલનમાં લાખો લોકોએ સ્વેચ્છાથી જેલ ભોગવી. હજારોએ માર ખાધો, કૈં કેટલાકે જાન સુદ્ધાં ગુમાવ્યા. અનેક વ્યક્તિઓ દ્વારા વપરાયેલી અહિંસાની આ શક્તિ એક કરતાં વધારે વાર કારગર નીવડી હતી. અહિંસાની સામૂહિક શક્તિથી દક્ષિણ આફ્રિકામાં ગિરમીટિયાની પ્રથા હચમચી ઊઠી ને છેવટે ગઈ. ચંપારણમાં સવાસો વરસથી ચાલી આવેલી તિનકઠિયાની અન્યાયી ખેડ વ્યવસ્થા ગઈ, કે બારડોલીમાં અન્યાયપૂર્ણ જમીન મહેસૂલ વ્યવસ્થામાં સુધારો થયો અને છેવટે સામૂહિક અહિંસાની શક્તિ બ્રિટિશ સામ્રાજ્યવાદને હિંદમાંથી પાછાં પગલાં ભરાવવામાં એક મુખ્ય તાકાત સિદ્ધ થઈ. ગાંધીજીની અહિંસા જેમ એક બાજુથી એટલી વ્યાપક હતી કે તે વ્યક્તિગત મટીને સામાજિક શક્તિ બની ગઈ, તેમ બીજી બાજુએ એવી સૂક્ષ્મ હતી કે તે માત્ર શારીરિક અહિંસા ન રહેતાં મન અને વચન સુધી પણ પહોંચી. માત્ર કોઈને શારીરિક ઇજા નહીં પણ વાણી દ્વારા પણ કોઈને દુ:ખ આપવું એ હિંસા છે એ વાત આમ તો ખૂબ સીધી સાદી લાગે છે પરંતુ ગાંધીજીની આ વ્યાખ્યાની અસર દક્ષિણ આફ્રિકા અને ભારત બંનેના સામાજિક વાતાવરણ પર પણ પડી હતી. ગાંધીજી કોઈ વાતનો વિરોધ કરવાનો હોય ત્યારે પણ એમની ભાષા ખૂબ સંયમિત રહેતી. તેને લીધે વિરોધીઓ પણ એમને દાદ દેતા. વિરોધી મુશ્કેલીમાં હોય ત્યારે એની પર દબાણ ન લાવવાની ગાંધીજીની રીતને રાજકારણી લોકો સમજી નહોતા શકતા. એમની દૃષ્ટિએ તો વિરોધી મુસીબતમાં હોય ત્યારે એની પર વાર કરવામાં ચતુરાઈ લાગતી હશે. વિરોધીને મૂંઝવણમાં ન મૂકવાની ગાંધીજીની નીતિને લીધે દક્ષિણ આફ્રિકામાં ત્રીજી વારનો સત્યાગ્રહ પૂરા જોશમાં હતો ત્યારે ત્યાંના રેલવે કર્મચારીઓએ હડતાલ પાડી તે જોઈ ગાંધીજીએ સત્યાગ્રહને સ્થગિત કરી દીધો હતો. એટલે તો ગાંધીજીના પ્રખર વિરોધી જનરલ સ્મટ્સના અંતરંગ માણસે કહ્યું હતું કે તમને કચડી નાખવાનું મન તો બહુ થતું હતું. પણ શું કરીએ ? તમે તો એવા છો કે અમે મુશ્કેલીમાં છીએ એમ જણાય તો તમે અમારી મદદે ધાઓ છો. તમને શી રીતે કચડાય ? ગાંધીજીની અહિંસા સામાન્યપણે તો માનવીય સંબંધો પૂરતી મર્યાદિત હતી. શરીરધારી કાંઈક ને કાંઈક સૂક્ષ્મ કે સ્થૂળ હિંસા કર્યા વિના જીવી જ ન શકે એ જોઈને ગાંધીજી અહિંસા જો માણસ માણસ વચ્ચેના સંબંધો પૂરતી મર્યાદિત રહે તો એટલાથી સંતોષ માનતા. પણ તેઓ બીજા પ્રાણીઓ પ્રત્યેની હિંસાને પણ બને તેટલી ઓછી કરવા પ્રયાસ તો કરતા જ. શાકાહારને તેમણે પહેલાં કૌટુંબિક પરંપરા અને વડીલો પ્રત્યેની આમન્યા તરીકે સ્વીકાર્યો હતો, પણ પાછળથી તે તેમને સારુ અહિંસક જીવનનું એક અંગ બની ગયો હતો. ગાંધીજીના આશ્રમમાં ઝેરીમાં ઝેરી સાપને પણ મારતા નહીં. એ જ વાત વીંછી વિષે પણ સાચી હતી. શિકાર કે મુષ્ટિ-યુદ્ધ (બૉક્સિંગ) જેવા ખેલો ગાંધીજીની દૃષ્ટિએ માણસને ન છાજે એવી રમતો હતી. ગાયને તો ગાંધીજીના સમાજશાસ્ત્રમાં પરિવારમાં મા સમાણું સ્થાન હતું. ગાયોની સેવા સારુ તો તેમણે ગો સેવા સંઘની સ્થાપના કરી હતી. પરંતુ ગાયની કતલ કરનાર માણસની કોઈ કતલ કરે તે સ્વીકારવા તેઓ કદી કબૂલ ન થાત. માણસને તેઓ અવધ્ય ગણતા. ચર્મકારો ચામડું વાપરે તો પણ તે મરેલા ઢોરનું વાપરે એવો તેઓ આગ્રહ રાખતા અને એવા ચામડાથી બનાવેલા ચંપલને ‘અહિંસક ચંપલ’ કહેતા. મધપૂડા નીચે ધુમાડો કરી સંખ્યાબંધ મધમાખીઓને મારીને કાઢેલ મધને બદલે તેઓ મધમાખી પાળવામાં માનતા અને તેવું ‘અહિંસક મધ’ વાપરતા. ગાંધીજીની અહિંસા સમાજના રાજનૈતિક, આર્થિક ને સામાજિક વગેરે તમામ ક્ષેત્રોને સ્પર્શતી હતી. આર્થિક શોષણને તેઓ હિંસા માનતા. અસ્પૃશ્યતા જેવા સામાજિક અન્યાયને તેઓ હિંસા માનતા. ‘સુધરેલો’ ગણાતો માણસ પોતાની જીવનની જરૂરિયાતોને નિરંતર વધારતા રહેવાને વિકાસ ગણે છે. ગાંધીજી એને હિંસા ગણતા અને કહેતા કે આ પૃથ્વી પાસે દરેકની જરૂરિયાત પૂરી પાડવા જેટલી સંપત્તિ તો છે પણ દરેકના લોભને પૂરો પાડવા જેટલી નથી. પૃથ્વીના પટનું અને એના પર્યાવરણનું માણસ શોષણ કરે તે પણ ગાંધીજીની અહિંસા માન્ય કરતી નહોતી. આમ ગાંધીજીની અહિંસા સમગ્ર સંસ્કૃતિને આવરી લેતી. આખી સંસ્કૃતિને આવરી લેનારી અહિંસા વિષે ગાંધીજીની એ અપેક્ષા રહેતી કે દરેકે દરેક કર્મમાં તે પ્રગટ થવી જોઈએ. સાચી અહિંસા કર્મમાં પ્રગટ તો જ થાય કે જો તે માણસના મનમાં અને વાણીમાં પણ ઊતરી હોય. તેમ કરવા સારુ માણસે સતત જાગૃત રહીને પ્રયાસ કરવો જોઈએ. સત્યની શોધમાં નીકળેલા અહિંસક પ્રયોગવીર સારુ ગાંધીજીએ પોતાના અનુભવને આધારે જુદા જુદા લેખો અને ભાષણો દ્વારા એક રૂપરેખા દોરી હતી. પોતાના આચરણ દ્વારા તેમણે એ આખી રૂપરેખાને અમલમાં મૂકવા પ્રયાસ કર્યો હતો. આપણે એ રૂપરેખાને ટૂંકમાં છતાં થોડી વિગતવાર તપાસીએ. અહિંસાને ગાંધીજી જીવનનો મૂળ સિદ્ધાંત કે પાયો માનતા હતા. માનવ સભ્યતાને ટકાવી રાખનાર સિદ્ધાંત તો અહિંસા જ હોઈ શકે. એના વિના તો સમાજ પરસ્પર હિંસા આચરી ખતમ થઈ જાય એમ તેઓ માનતા. સમાજને ખતમ કરનારા ઘણાખરા ઝઘડા ‘હું’ અને ‘મારું’માંથી નીપજે છે. માટે હિંસાને જો ટાળવી હોય તો માણસજાતે હુંપણાને સતત ઓછો કરતા રહેવું પડશે. એમ કરવું એ જ અહિંસાની સાધના ગણાય. અહિંસા પાછળ જીવ માત્ર પ્રત્યેનો આદરભાવ છે. સૂક્ષ્મ રીતે જોતાં તો આખું જગત એને આધારે જ ટકે છે. સચરાચર સૃષ્ટિમાં એકત્વનો ભાવ એ અહિંસાના મૂળમાં રહેલો વિચાર છે. છતાં શરીર ટકાવી રાખવા માણસે કાંઈક ને કાંઈક હિંસા તો કરવી જ પડે છે. એને બને એટલી ઓછી કરતા જવાથી માણસ સૃષ્ટિના નિયમ જોડે સંવાદિતા સાધે છે. સત્યનો આગ્રહી પોતે આખા માનવસમાજને એક કુટુંબ માનીને વિશ્વ સાથેની સંવાદિતા પોતાના જીવનમાં ઉતારવા મથે છે. જે માણસ આખા જગતને એક કુટુંબ માને છે, તેને માટે આ મારું કુટુંબ, આ તારું કુટુંબ એવા ભેદભાવ રહેતા નથી. ક્રમશ: એ જાતિ, વર્ણ, વંશ, રાજ્ય, દેશ વગેરેના ભેદભાવથી ઉપર ઊઠતો જાય છે. અલબત્ત સત્યનો આગ્રહી આ ભેદોને અવગણતો નથી. પરંતુ તેને અંગેના મદ કે દુરાભિમાનને તે ખોટાં ગણે છે. એક સ્વસ્થ કુટુંબમાં જેમ દરેક સભ્યનું આગવું સ્થાન હોય છે, તેમ જ દુનિયામાં પણ જુદા જુદા જૂથોનું સ્વતંત્ર સ્થાન મનાવું જોઈએ. સૌ આખા કુટુંબના હિતનો વિચાર કરે અને તેનું સુખ વધારવા પ્રયાસ કરે તો જ અહિંસક સંસ્કૃતિ નભી કે વિકસી શકે. ભેદો અને ભિન્નતાઓને લીધે માણસે પરસ્પરના સંબંધોનો વિચાર કરવો પડે છે. દરેક પોતાના કર્તવ્ય કે ફરજનો વિચાર પહેલો કરે. એ કર્તવ્યની બજવણીમાંથી જ દરેકના અધિકાર કે હક કુદરતી રીતે ઉત્પન્ન થાય. પારસ્પરિકતાના આ નિયમમાંથી જ સર્વધર્મસમભાવ, અસ્પૃશ્યતાનિવારણ, વિશ્વકુટુંબભાવ વગેરે ફલિત થાય. આખા માનવકુટુંબનું હિત સિદ્ધ થવા સારુ પહેલી શરત હિંસા દૂર થાય એ છે. કોઈ એક પક્ષે હિંસા થાય ત્યારે સામે પક્ષે એનો બદલો લેવાની લાગણી થાય છે. પણ બદલો કદી પહેલે પગથિયે અટકતો નથી. હિંસા વળતી હિંસા અને ફરી પાછી હિંસા એમ એની સાંકળ રચાતી જ જાય છે. વળી બદલાની હિંસા સામાન્ય રીતે મૂળ હિંસા કરતાં વધુ આકરી બનવા પ્રયત્ન કરે છે. એમ એનો છેડો જ આવતો નથી. માણસજાતે એકબીજાથી ડરી ડરીને એકબીજા કરતાં ચડિયાતાં શસ્ત્રો બનાવ્યાં. અને શસ્ત્રોની એ હોડ આજે આખી માણસજાતનો વિનાશ કરી શકે એવાં સંહારક શસ્ત્રો સુધી પહોંચી છે. આ જોતાં ગમે તેટલા અન્યાય કે અપકર્મનો જવાબ હિંસા કે અપકર્મથી ન આપવો એ જ સોનેરી નિયમ છે. અહિંસામાં ન્યાય કરવાની શક્તિ હોવી જોઈએ. નહીં તો એ અહિંસા વાંઝણી કહેવાય. અહિંસાને અસરકારક બનાવવા સારુ નવા નવા ઉપાયો શોધાવા જોઈએ. ગાંધીજીએ પોતાના જીવનમાં અસહકાર, બહિષ્કાર, સવિનયભંગ વગેરે કેટલાક ઉપાયો શોધ્યા હતા. પણ એ શોધ ગાંધીજીથી જ અટકતી નથી. દુનિયાને જો ટકવું હશે અને માનવજાતને જો આપઘાતમાંથી બચવું હશે તો તેણે સતત અહિંસાની નવી નવી શોધો કરતા રહેવું પડશે. અમુક ક્ષેત્રમાં તો અહિંસા ન જ ચાલે એમ માનીને હિંસા કરનારો ક્યાં જઈને અટકશે એ કહેવું મુશ્કેલ છે. માણસે સતત તમામ ક્ષેત્રોમાં અહિંસાને પ્રભાવશાળી બનાવવાના પ્રયોગો કરતા રહેવું પડશે. આમ અહિંસક શક્તિને પોષવા અને તેને વધુ સમર્થ બનાવવા અત્યાર સુધીના માણસના અનુભવોને ધ્યાનમાં લઈને માણસજાતે કેટલાક પાઠ શીખવા જોઈશે. માણસે ક્યાંય ને ક્યાંય તો પોતાના ભોગવિલાસ અને એશઆરામની મર્યાદા બાંધવી જ પડશે. આખરે આ સૃષ્ટિમાં ઘણી સંપત્તિ મર્યાદિત છે. એનો અંધાધૂંધ ઉપભોગ માણસને દેવાળિયો કરી શકે. માણસે સૃષ્ટિના છંદ અને લયને સમજીને એની સાથે સંવાદિતા સાધવી પડશે. છેવટે તો અહિંસાનો અર્થ સાથી માનવો જોડે અને સૃષ્ટિ જોડે સંવાદિતા સાધવી એવો થશે. અહિંસાની સંસ્કૃતિનું લક્ષણ એ છે કે તે આખી માનવજાતને સાદું, સંયમી, ખડતલ, મહેનતુ, નિર્ભય, સ્વાભિમાની અને માધુર્યભર્યું જીવન બનાવવાની અનુકૂળતા કરી આપે છે. અહિંસક સંસ્કૃતિનો અર્થ અવ્યવસ્થા અને અરાજકતાભરી, એકબીજાથી અલગ અલગ રહેનારી ટોળીઓ એવો હરગિજ નથી થતો. એનું ધ્યેય આખા વિશ્વ સાથે એકતાનો અનુભવ કરવાનું છે. આવી સંસ્કૃતિની સાધના વ્યક્તિ અને સમાજ બંનેના પુરુષાર્થથી થશે. એનો આરંભ વ્યક્તિના જીવનથી થશે. પણ પરિસમાપ્તિ સમાજનું માળખું બદલવાથી થશે. ગાંધીજી માનતા હતા કે અહિંસા આખા સમાજ સારુ પરમધર્મ છે, પણ સત્યાગ્રહી સારુ તો એ તત્ક્ષણ આરંભવાનો સ્વધર્મ છે. એ ધર્મને પાળતાં જે કોઈ કષ્ટો આવી પડે, તે હસતે મોઢે ઝીલવા તૈયાર રહેવું જોઈએ. આવી નિષ્ઠા અપાવવામાં શ્રદ્ધા બહુ ઉપયોગી થઈ પડે. માણસ માત્રમાં કાંઈ ને કાંઈક સારપ છે અને જગત છેવટે તો કલ્યાણ તરફ જ ગતિ કરી રહ્યું છે એવી શ્રદ્ધા અહિંસાના ઉપાસકને ગમે તેટલી મુશ્કેલીમાં પણ ટકવાની શક્તિ આપી શકે. ગાંધીજીએ જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં અહિંસાશક્તિ અનુભવી હતી. દક્ષિણ આફ્રિકામાં જ્યારે દસ આંગળાનાં નિશાન આપવા ગાંધીજી રજીસ્ટ્રેશન ઑફિસે જતા હતા ત્યારે તેમને મીર આલમે એટલો માર માર્યો હતો કે તેઓ થોડી વાર બેહોશ થઈ ગયા હતા. એમનો હોઠ ફાટી ગયો હતો. પરંતુ ભાનમાં આવ્યા પછી તરત જ તેમણે મીર આલમ પઠાણની ભાળ કાઢી હતી. અને એ પકડાઈ ગયો છે એમ જાણ્યું ત્યારે તેને ન સતાવવા વિનંતી કરી હતી. એ તો એની સમજ મુજબ જ વર્ત્યો હતો એમ કહ્યું હતું. ઈંગ્લેન્ડથી વડાપ્રધાને ગાંધીજીના ખબર પુછાવ્યા. દક્ષિણ આફ્રિકામાં ઠેકઠેકાણેથી મીર આલમ અને એના સાથીઓને સજા થવી જોઈએ એવાં દબાણ આવવા લાગ્યાં પણ ગાંધીજીએ પોતે તો એના વિરુદ્ધ સાક્ષી આપવાની પણ ઘસીને ના પાડી દીધી હતી. આનું પરિણામ એ આવ્યું હતું કે મીર આલમને પોતાની ભૂલ સમજાઈ હતી. અને પાછળથી એક પ્રસંગે ગાંધીજી ઉપર હુમલો થશે એવી ગંધ આવતાં મીર આલમ ગાંધીજીની પડખે એમનું રક્ષણ કરવા ખડો થઈ ગયો હતો. દક્ષિણ આફ્રિકામાં એકથી વધારે વાર ગાંધીજી ઉપર હુમલા થયા હતા. પરંતુ કદીયે એમણે હુમલાનો બદલો હુમલાથી તો નહોતો વાળ્યો પણ એમની ઉપર થયેલા અંગત આક્રમણ અંગે કોઈવાર ફરિયાદ સુદ્ધાં નહોતી નોંધાવી. પ્રતિકાર પાપનો કરવાનો છે, પાપીનો નહીં, એનાં ઉદાહરણ એમણે અનેકવાર પૂરાં પાડ્યાં હતાં. ચંપારણની તીનકઠિયા વ્યવસ્થાની ગાંધીજી જે તપાસ કરી રહ્યા હતા તેથી એ વ્યવસ્થાનો લાભ લઈને ગરીબ કિસાનોનું શોષણ કરતા ગોરા ‘નીલવરો’માંથી એક બોલી ઊઠ્યો હતો કે ‘આ ગાંધી બીકણ છે. આખો દિવસ ટોળાંઓ વચ્ચે જ રહે છે. કોઈકવાર એકાંતમાં મળે તો હું જરૂર એના પ્રાણ લઉં.’ આ વાત ગાંધીજીને કાને પડી. તેને બીજે દિવસે ગાંધીજી રોજ કરતાં વહેલા એટલે કે ચારને બદલે ત્રણ વાગ્યે ઊઠ્યા. હાથ મોં ધોઈને કોઈનો સાથ લીધા વિના એકલા ચાલતા પડોશના ગામે જઈને એમણે પેલા નીલવરનું બારણું ખખડાવ્યું. અરધી ઊંઘમાંથી ધૂંવાંપૂવાં થતો નીલવર જાગીને બહાર આવ્યો ત્યારે સામે ગાંધીજી ઊભા હતા! એમણે નીલવરને એટલું જ કહ્યું કે ‘ભાઈ, હું શું કરું?’ આ ખેડૂતો પોતાની ફરિયાદો નોંધાવવા મને આખો દિવસ વીંટળાઈ વળે છે, પણ આજે વહેલો ઊઠીને સાવ એકલો તારી આગળ આવ્યો છું. મને મારવાની તારી ઇચ્છા પૂરી કર!’ સૌમાં પોતાના અથવા પરમેશ્વરના અંશને જોવાની વૃત્તિ ગાંધીજીમાં કેટલી પ્રબળ હતી તેનો દાખલો પૂનાની જેલમાં તેમને એપેન્ડિસાઇટિસનો હુમલો આવ્યો ત્યારે જોવા મળ્યો હતો. દાક્તરે ઑપરેશન વખતે પોતાના કોઈ સગાવહાલાને કે સ્વજનને બોલાવવા હોય તો બોલાવવા કહ્યું. પણ સાથે તાકીદ કરી કે ઝાઝો વિલંબ કરી શકાય એમ નથી. કસ્તુરબા વગેરે ત્યારે દૂર સાબરમતીમાં હતાં. એઓ ત્યાંથી આવે એટલી વાટ જોઈ શકાય એમ નહોતી. ગાંધીજીએ તરત કહ્યું: ‘અહીં મારા સ્વજનો ક્યાં ઓછા છે?’ એમણે તરત જ જે ત્રણ નામ આપ્યાં તેમાંથી બે તો એમના રાજનૈતિક વિરોધીઓ હતા અને એક ખાદી ભંડારમાં કામ કરનાર એક સામાન્ય કર્મચારી હતો. ગાંધીજીએ પોતાને વિષે દાખવેલા આવા વિશ્વાસની બંને રાજકારણીઓ ઉપર ઊંડી અસર થઈ હતી. રાજનૈતિક ક્ષેત્રે એમણે કરેલા સત્યાગ્રહની વાત તો જગજાહેર છે. અરે, ‘ભારત છોડો’ની વાત જ્યારે ૧૯૪૨માં પહેલીવાર કરી ત્યારે પણ તેમણે કહ્યું હતું કે ‘હું આ સૂચન બ્રિટિશ સરકારના હિતમાં કરું છું. કારણ કે રોજેરોજ એ પોતાની પ્રતિષ્ઠા ગુમાવી રહી છે અને જેટલું વહેલું એ ભારત છોડશે એમાં એનું જ કલ્યાણ છે.’ ૧૯૪૨ના ઑગસ્ટ માસની ૮મી તારીખે તેમણે મુંબઈના ગોવાળિયા તળાવના મેદાન પરથી જે ભાષણ આપ્યું હતું તેમાં અંગ્રેજ સરકારને ભલે આખરીનામું લાગ્યું હોય, પણ પાછળથી ગાંધીજી ઉપર એમણે કરેલા આરોપમાં આ ભાષણમાંથી એક પણ કડવાશભર્યો શબ્દ તેઓ ટાંકી શક્યા નહોતા. અહિંસાના ઉપાસકે પરિગ્રહથી બને તેટલા દૂર રહેવું જોઈએ એમ તેઓ માનતા હતા. જ્યારે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની આગેવાની લીધી ત્યાર પહેલાં તેઓ વકીલાત દ્વારા લાખો રૂપિયા કમાતા હતા. તેઓ ગુજરી ગયા ત્યારે તેમની મૂડી કોઈ સાચા ફકીરની હોય એટલી હતી. દક્ષિણ આફિકાથી માંડીને દિલ્હી સુધીનું એમનું આખું જીવન જાણે અપરિગ્રહ-યાત્રા જેવું હતું. અલબત્ત તેમણે જાહેર કામો સારુ કરોડો રૂપિયા એકઠા કર્યા હતા અને વાપર્યા પણ હતા. પણ તેઓએ પાઈએ પાઈનો હિસાબ રાખ્યો હતો અને પોતાની મુસાફરીના ભાડાનું ખર્ચ પણ કોઈ જાહેર સંસ્થા પાસે નહીં, પણ મિત્રો પાસેથી લીધું હતું. પોતાના વહેવારમાં જો પ્રતિપક્ષીને દબાણ જેવું લાગે તો તરત ગાંધીજી પોતાની જાતને તપાસી જોવા તત્પર રહેતા. રાજકોટના પ્રજા આંદોલન વખતે ત્યાંના ઠાકોરસાહેબે આપેલાં વચનો નહોતાં પાળ્યાં તેથી ઉપવાસ કર્યા હતા. ભારતના વાઈસરૉયના સૂચનથી તેમણે આ બાબત નિર્ણય કરવાનું ભારતના વડા ન્યાયાધીશ સર મોરિસ ગ્વાયરને સોંપ્યું. સર મોરિસ ગ્વાયરે બંને પક્ષોનાં કાગળિયાં તપાસી જે ચુકાદો આપ્યો તે સોએ સો ટકા પ્રજા પક્ષે આપ્યો. પરંતુ દીવાન વીરાવાળાએ જ્યારે કહ્યું કે હવે તો તમે આ ચુકાદો દેખાડી અમારી પર દબાણ લાવશો, ત્યારે ગાંધીજીએ ચિંતન કર્યું. વાઈસરૉયની સલાહ ને ન્યાયમૂર્તિનો ચુકાદો માનવામાં એમને થોડો નૈતિક દબાણનો અણસાર આવ્યો. એટલે તરત એ ચુકાદાને ફગાવી દઈ એકડે એકથી વાટાઘાટો શરૂ કરવા તેઓ તૈયાર થયા હતા. સવિનય કાનૂનભંગ આંદોલન વખતે વાયવ્ય સરહદ પ્રાંતના પઠાણોનાં શાંત ટોળાં પર બ્રિટિશ સરકારે બેફામ ગોળી ચલાવી હતી. આ પઠાણો તો પેઢી દર પેઢી ખૂનનો બદલો ખૂનથી લેવા સારુ જાણીતા હતા. પરંતુ ખુદાઈ ખિદમતગારો તરીકે અહિંસક આંદોલનમાં જોડાયા પછી એમની વીરતા કોઈ જુદા પ્રકારની જ જોવામાં આવી. પેશાવરનાં એ ટોળાં પર ગોળી ચાલી તેથી સ્ત્રીઓ અને બાળકો સહિત કેટલા પઠાણો શહીદ થયા તેનો ચોક્કસ આંકડો કોઈની પાસે નથી, કારણ લશ્કરે મરેલા પઠાણોનાં મૃતદેહોમાંથી ઘણાને જંગલમાં લઈ જઈ એમની ઉપર પેટ્રોલ છાંટીને બાળી મૂક્યા હતા. બાકી રહેલા સાઠેક જેટલા મૃતદેહોમાં એક પણ એવો નહોતો કે જેની પીઠ પાછળ ગોળી વાગી હોય. સૌએ સામી છાતીએ ગોળી ઝીલી હતી. પઠાણોની આ વીરોની અહિંસા જોઈને ગુરખા સૈનિકોની એક ટુકડીએ લશ્કરી આજ્ઞા માનવાનો ઇન્કાર કર્યો હતો અને પરિણામે માર્શલ લૉના નિયમ મુજબ આખી ટુકડીએ વર્ષોના વર્ષો સુધી કારાવાસ ભોગવ્યો હતો. મુંબઈના ઍસ્પ્લેનેડ (આજના આઝાદ) મેદાનમાં શીખ સ્ત્રી-પુરુષો પર ગોરા સારજન્ટો આડેધડ તૂટી પડે છે. સત્યાગ્રહીઓનું વિશાળ ટોળું ત્યાર પહેલાં માર ખાઈને થોડું ઘણું વિખેરાઈ ગયું છે. બાકીનું દવાખાના ભેગું થયું છે. બચ્યા છે એ કેશ, કટાર, કંગીવાળા કેસરિયા કરતા શીખો મેદાનની વચ્ચોવચ્ચ કુંડાળુંવાળી બેસી ગયા છે. દરેકે દરેક એ જાણે છે કે થોડી મિનિટ પહેલાં એમણે બીજા સ્વયંસેવકોના જે હાલ થતા જોયા છે તે જ તેમના થવાના છે. પણ જાણે એની જ વાટ જોતા હોય તેમ એ બેઠા છે. દેશવિદેશથી અહિંસક વીરતાના આ અદ્ભુત પ્રદર્શનનો આંખે દેખ્યો હાલ પ્રગટ કરવા આવેલા પત્રકારોમાંથી એક અમેરિકન નેસ્લી ફારસને એ પ્રસંગના કરેલા લાંબા, રૂંવાડા ઊભા કરે એવા વર્ણનમાંથી એક સાવ નાનકડો ભાગ નીચે ટાંકીએ છીએ: પેલા હિંદુ ભાઈઓ (સ્વંયસેવકો)ના હરખમાં વધારો કરતા તેઓ (શીખો) પોકારી ઊઠ્યા: ‘કભી નહીં હારના, ભાવે સાડી જાન જાય. કભી નહીં હારના, કભી નહીં હારના.’ પોલીસો શીખો ઉપર હાથ ઉપાડતાં પહેલાં જરા ખંચકાયા, એમણે એમની સ્ત્રીઓને કહ્યું. ‘મહેરબાની કરી તમે મેદાન ખાલી કરી જશો?’ ‘ના,અમે અમારા પુરુષો સાથે જ મરશું.’ આખા મેદાનમાં આમથી તેમ ફરી ફરીને માથાંઓ ફોડતા ઘોડેસ્વારો પણ આ ભૂરા સાફાવાળા અકાલીઓના ઝુંડ સમક્ષ આવ્યા ત્યારે જરા થોભી ગયા. ‘શીખો બહાદુર હોય છે. અમે એમને શી રીતે મારીએ?’ તેઓ ભયથી નહીં, તેઓ આદરથી કહેતા હતા. પણ મેદાન ખાલી કરાવવા કૃતનિશ્ચયી પોલીસો છેવટે શીખ સ્ત્રીઓની ફરતે આવીને પુરુષોને દૂર કરવા લાગ્યા. એક શીખ નાયક પોતાના શરીર પર લાઠીના વાર ઝીલતો હતો. હું એનાથી પાંચેક ફીટ છેટે ઊભો હતો. એ ઠીંગણો ને મજબૂત સ્નાયુઓવાળો હતો. ફટકા પડવા માંડ્યા. એ તો ટટ્ટાર જ ઊભો હતો. એનો સાફો આઘો ફેંકાઈ ગયો. એના લાંબા કેશ અંબોડો બાંધેલા કપડાં સાથે ખુલ્લા દેખાવા લાગ્યા. આંખો પર ફટકા પડતા ત્યારે એની આંખો મીંચાઈ જતી. એમ વાર ઝીલતાં ઝીલતાં એ છેવટે તમ્મર ખાઈને ભોંય પર ઢળી પડ્યો. બીજા કોઈ શીખે ત્યાર સુધી એની ઢાલ બનવા પ્રયત્ન નહોતો કર્યો. પણ હવે તેઓ સૂત્રો ઉચ્ચારતા એના મોંમાંથી નીકળતું લોહી લૂછવા આગળ આવ્યા. લાગણીપ્રધાન હિંદુઓ દોડી આવ્યા અને એની આંખ પર પડેલ સોળ ને ઉઝરડા પર બરફના ટુકડા ઘસવા લાગ્યા. પેલો શીખ નાયક મારી ભણી જોઈને હસ્યો અને વધુ માર ઝીલવા ખડો થઈ ગયો. પછી તો પોલીસોએ હાથ ઊંચા કરી દીધા. આવો ત્રાસદાયક જડભરત જો આમ ફરી ખડો થઈ જતો હોય તો એની ઉપર હાથ કેમ ઊઠે? પૂરા બે કલાક સુધી આ ન કલ્પી શકાય એવું તાંડવ ભજવાતું રહ્યું. મોટાભાગના હિંદુઓને મેદાનમાંથી બહાર ખસેડી દેવામાં આવ્યા હતા. આસપાસના લોકોએ એમને ત્યાંથી ખસેડી લીધા હતા. પણ ઘણા હિંદુઓ અને અલબત્ત ઘણા બધા શીખો ત્યાં જ ખોડાયેલા રહ્યા. છેવટે સૌની ઉપર વરસાદે આવીને પડદો પાડ્યો.’ ગાંધીજીની અહિંસાનું એક પાસું અન્યાયના પ્રતિકારનું હતું તેના કેટલાક દાખલા આપણે જોયા. એમની અહિંસાનું બીજું પાસું હતું રચનાત્મક કામ. અહિંસા એના રચનાત્મક સ્વરૂપે રાહત, સેવા, સંગઠન અને સમાજઘડતરનું રૂપ લે છે. રાહતના રૂપે અહિંસાનું મૂળ સ્રોત કરુણા હોય છે. ગાંધીજી પાસે આ કરુણા કુષ્ઠરોગીઓની શુશ્રૂષાનું રૂપ લે છે, યુદ્ધમાં ઘાયલ થયેલા (સામા પક્ષના) ઝુલુઓના સડેલા ઘાની પાટાપિંડી કરાવે છે, કોમી હુલ્લડોમાં જખમી થયેલાઓની સેવા બરદાસ્ત કરાવે છે. એમની પ્રેરણાથી એ કરુણા મૃદુલા સારાભાઈને, અને કમળાબહેનને દેશના ભાગલા પછી પાકિસ્તાનના ઊંડાણના પહાડી પ્રદેશોમાં લઈ જઈ મૂળમાંથી ઊખડી ગયેલી નારીઓને ફરી માન આબરુભર્યું જીવન જીવતી કરાવે છે. આચાર્ય ભણસાળી પાસે ત્રેંસઠ ત્રેંસઠ દિવસના ઉપવાસ કરાવી આષ્ટી-ચિમૂરની બલાત્કાર પીડિત બહેનો અંગે હઠી બ્રિટિશ સરકાર પાસે તપાસપંચ નિમાવી લે છે. અહિંસા જ્યારે સેવાનું રૂપ ધારણ કરે છે ત્યારે તે સમાજના સૌથી દલિત, સૌની પછવાડે રહી ગયેલાઓથી આરંભ કરે છે. ગાંધીજી ખુદ એને સારુ હજારો માઇલોની યાત્રા કરે છે. ઠેઠ મરતાં સુધી, કામના અતિશય બોજ હેઠળ દબાયલા હોવા છતાં દિવસરાત ન જોતા, થર્ડક્લાસના ડબ્બામાંથી સ્ટેશને સ્ટેશને હાથ બહાર કાઢીને હરિજન ફંડ સારું પાઈ પૈસા ઉઘરાવે છે. ગાંધીજી સેવા કરવા સદા તત્પર હતા. પણ તેમ કરતાં તેઓ સૈન્યને પાંગળું બનાવવા નહોતા માગતા તેથી પોતે ભીખ માંગતા છતાં કોઈને ભીખનું માગેલું આપતાં નહીં. એને બદલે તેઓ કાંઈક ને કાંઈક કામ આપવાનો પ્રયાસ કરતા. તેમાંથી જ વિકસી ગાંધીજીની રેંટિયા પ્રવૃત્તિ. જેણે બે એક લાખ ગામડાં સુધી કાંતનાર બહેનો અને વણકર ભાઈઓને મજૂરી પહોંચાડી હતી. સેવાના આ વિશાળ કામમાંથી જ ઠેઠ ગામડાં સુધી પહોંચતાં સંગઠનો તેમણે ઊભાં કર્યાં. અખિલ ભારત ચરખા સંઘ, અ.ભા. ગ્રામોદ્યોગ સંઘ, હિન્દુસ્તાની તાલીમી સંઘ, આદિમ જાતિ સેવક સંઘ, હરિજન સેવક સંઘ વગેરે સંગઠનો ગાંધીજીની અહિંસાના વિધાયક પાસાના સંગઠિત નમૂનાઓ હતા. ગાંધીજીની ખાદીની ચળવળે રાજનૈતિક રૂપ પણ ધારણ કર્યું હતું. ‘સૂતરને તાંતણે સ્વરાજનું’ એમનું સૂત્ર કાંઈ પોકળ નહોતું. એને લીધે લેંકેશાયર અને મૅન્ચેસ્ટરની મિલો બંધ પડી હતી. પરંતુ વિદેશી માલના બહિષ્કાર કે વિલાયતી કાપડની હોળી જેવા નકારાત્મક કાર્યક્રમો પાછળ પણ ગાંધીજીની અહિંસાનું સકારાત્મક પાસું પડ્યું હતું. દુનિયાને એની ખાતરી ત્યારે થઈ જ્યારે ગોળમેજી પરિષદ ટાણે ઇંગ્લેન્ડમાં ગાંધીજી જાતે માગણી કરીને બંધ પડેલી મિલોના કામગારો વચ્ચે ગયા. બ્રિટિશ સરકારને તો ભય હતો કે ભૂખથી પીડાતા મજૂરો ક્યાંક એમના આ મહેમાન પર હુમલો ન કરી બેસે. પણ ગાંધીજી એમની વચ્ચે છૂટથી ફર્યા. એ મજૂરોને તેમણે સમજાવ્યું કે ખાદીના કાર્યક્રમથી જો તેમના પેટમાં તસુતસુ જેટલા ખાડા પડ્યા હોય, તો બ્રિટિશ મિલોને લીધે હિંદુસ્તાનના મજૂરોના પેટમાં વેંતવેંત જેવડા ખાડા પડ્યા હતા. મજૂરો પ્રત્યેના પ્રેમને લીધે જ તેમણે આ પ્રવૃત્તિ ઉપાડી હતી. ગાંધીજી કાપડ મિલોના ક્ષેત્રમાં જ્યાં ગયા ત્યાં એમનું ઉમળકાભેર સ્વાગત થયું હતું. ગાંધીજી અહિંસાને સમાજજીવનને ટકાવી રાખનાર તત્ત્વ માનતા હતા. તેથી કહેતા હતા કે જેમ ગુરુત્વાકર્ષણ પૃથ્વી અને બીજા ગ્રહનક્ષત્રોને સમતોલ અને વ્યવસ્થિત રાખે છે, તેમ અહિંસા સમાજને સંતુલિત રાખે છે. આ કારણે જ તેઓ બ્રિટિશ કે દક્ષિણ આફ્રિકી સરકાર દ્વારા કરાયેલી હિંસાના જેવા વિરોધી હતા તેવા જ પ્રજા દ્વારા થતી હિંસાના પણ વિરોધી હતા. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું કર્મક્ષેત્ર પ્રમાણમાં મર્યાદિત હતું તેથી તેઓ આંદોલનને અહિંસક રાખી શક્યા હતા. પણ ભારતમાં વિશાળ ક્ષેત્ર હતું અને અહીં કોયડાઓ પણ જાતજાતના હતા. અહીં ગાંધીજી આખા દેશને અહિંસાને માર્ગે દોરી શક્યા હતા, પણ ત્રીસ વરસ સુધી દરેક ક્ષેત્રમાં અહિંસા જાળવી રાખવામાં સફળ નહોતા થયા. ખાસ કરીને એમની જિંદગીના અંત ભાગમાં ઉત્તર ભારતમાં જે કોમી દાવાનળ ફાટી નીકળ્યો હતો તેને સંપૂર્ણપણે કાબૂમાં રાખી શક્યા નહોતા. અહિંસાનો માર્ગ ખાંડાની ધાર પર ચાલવા જેવો કપરો અને સીધો હતો. તેઓ કોમી હિંસા સામે પણ ઝઝૂમતા રહ્યા. અત્યંત ધૈર્યપૂર્વક તાપ વેઠતાં તેઓ જાતે બળીને પ્રકાશ આપતા રહ્યા. આંતરિક હિંસાનો મુકાબલો કરવા તેમણે શાંતિસેનાનો માર્ગ વિચારેલો. આખા દેશમાં શાંતિસેના સંગઠિત કરવાનું તેમનું સપનું અધૂરું જ રહ્યું હતું. પરંતુ પોતા પૂરતું તો તેઓ એક આદર્શ શાંતિ સૈનિક તરીકે જીવ્યા અને મર્યા હતા. નોઆખલી, બિહાર, દિલ્હી અને કલકત્તામાં તેમણે કરેલા શાંતિ પ્રયાસો અજોડ હતા. ગાંધીજી એમ પણ માનતા કે ધીરજપૂર્વક કષ્ટ સહન કરતા જવાથી માણસના મનના મેલ બળીને ખાક થઈ જાય છે. તે ઉત્તરોત્તર શુદ્ધ થતો જાય છે. માણસનો પ્રેમ જ્યારે ચરમસીમાએ પહોંચે ત્યારે જ તે પ્રાણાહુતિ આપી શકે છે. આ માન્યતાને તેમણે પોતાના જીવનમાં અક્ષરશ: સિદ્ધ કરી બતાવી હતી. એક એવું ક્ષેત્ર હતું કે જ્યાં ગાંધીજી અહિંસાનો પ્રત્યક્ષ પ્રયોગ કરી બતાવી શક્યા નહોતા. તે ક્ષેત્ર હતું વિદેશી આક્રમણ વખતે અહિંસા. દક્ષિણ આફ્રિકામાં બે યુદ્ધો વખતે તેમણે ઘાયલોની સેવા કરનાર ટુકડીઓ સંગઠિત કરી હતી. બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યેની તેમની વફાદારીએ તેમને આ બંને યુદ્ધો અને પ્રથમ વિશ્વયુદ્ધ વખતે પણ અંગ્રેજ સામ્રાજ્યની પડખે રાખેલ. ઝુલુ યુદ્ધ વખતે તેઓ ગોરી સરકારની પડખે હતા. પણ તેમણે ઘાયલ ઝુલુ લોકોની સેવા અત્યંત પ્રેમપૂર્વક કરી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પ્રારંભ થયું ત્યારે ઇંગ્લૅન્ડમાં પણ દક્ષિણ આફ્રિકા જેવી જ સ્વંયસેવકોની ટુકડી સંગઠિત કરવા પ્રયાસ કરેલો, પણ માંદગીને કારણે તેમને ભારત આવી જવું પડેલું. એ જ યુદ્ધ વખતે તેમણે ભારતમાં તો રીતસર સૈનિક ભરતીનો પ્રયાસ કરેલો, પરંતુ તેમાં તેમને ખાસ સફળતા મળી નહોતી. જીવનની બીજી અનેક બાબતોની જેમ અહિંસા અંગેના ગાંધીજીના વિચારોનો પણ વિકાસ થયો હતો. પ્રથમ મહાયુદ્ધ વખતે તેઓ સૈનિક ભરતી કરતા હતા તે બીજા મહાયુદ્ધ વખતે યુદ્ધવિરોધી બની ચૂક્યા હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાની લશ્કરો જ્યારે દક્ષિણ એશિયાની ભૂમિને ધમરોળવા લાગ્યાં ત્યારે અહિંસાના આ પૂજારીને પૂછવામાં આવ્યું કે વિદેશી આક્રમણ વખતે અહિંસા શી રીતે કારગર થાય? ગાંધીજીએ આ પ્રશ્ન પ્રત્યે પણ ધ્યાન તો આપ્યું જ હતું. બલ્કે જાપાની સેનાઓ જો ભારતની પૂર્વી કિનારે ઊતરે તો હિંદની પ્રજા એનો સામનો કેવી રીતે કરી શકે તે વિષયની પૂરી તપાસ ને છણાવટ કરવા તેમણે મીરાબહેનને ઓરિસ્સા મોકલ્યાં હતાં. શ્રી સતીષચંદ્ર દાસગુપ્તાની આગેવાની હેઠળ બંગાળના કેટલાક સર્વોદય કાર્યકરો પણ કાંઠા વિભાગમાં ફરીને લોકમાનસ જાણવા પ્રયાસ કરતા હતા. ગાંધીજીએ વિદેશી આક્રમણ અંગે અહિંસક પ્રતિકાર વિષે એક અમેરિકન છાપાને મુલાકાત પણ આપેલી. આ મુલાકાતનો અહેવાલ અને મીરાબહેનની જોડે થયેલા પત્રવ્યવહારને આધારે આપણી આંખ આગળ આ અંગેનું ગાંધીજીની કલ્પનાનું એક ચિત્ર ખડું થાય છે. અલબત્ત જાપાની સેનાનો રીતસરનો હુમલો ભારત પર થયો નહોતો તેથી સ્વતંત્ર ભારતને અહિંસક પ્રતિકાર અંગે આંગળી ચીંધી દેવાનો પ્રત્યક્ષ મોકો ગાંધીજીને મળ્યો નહોતો. પણ તે અંગેની ગાંધીજીની કલ્પનાનો સાર ટૂંકમાં નીચે મુજબ હતો. ગાંધીજી માનતા હતા કે આત્મરક્ષા સારુ મારવાની નહીં પણ મરવાની તૈયારી જોઈએ. સ્વતંત્ર ભારત સ્વેચ્છાપૂર્વક હિંસક સેના ન રાખવાનો નિર્ણય કરશે. તે જો તેમ કરે તો સ્વાભાવિક રીતે તેને દુનિયાના ઘણા દેશોની મૈત્રી લાધે અને જો કોઈ દેશ એની પર હિંસક આક્રમણ કરે તો કદાચ એને બાકીની દુનિયાની સહાનુભૂતિ પણ મળે. સ્વતંત્ર ભારતની વિદેશનીતિ એવી હશે કે જેને લીધે એનો બધા પડોશી દેશો જોડે મિત્રાચારીનો સંબંધ હશે તેથી એની ઉપર આક્રમણ થવાની સંભાવના ઘટી જશે. છતાં જો કોઈ સત્તા કે સંપત્તિલોલુપ દેશ ભારતભૂમિ પર સીધો હુમલો કરે જ તો અહિંસક સૈનિકો ભારે મોટી સંખ્યામાં એની સરહદ પર નિ:શસ્ત્ર ખડા રહેશે. તે આક્રમકોની તોપોના મોં આગળ ઊભા રહીને પોતાનું બલિદાન આપશે. આવા બલિદાન પછી પણ જો હુમલાખોર સેનાઓ ભારતના અહિંસક સૈનિકોની લાશ પર થઈને ભારતની ભૂમિ પર આગળ ઘૂસી આવશે તો સ્વતંત્ર ભારતની જનતાનો એક એક વર્ગ એ સેના જોડે અસહકાર કરશે. આ અસહકાર એવો સજ્જડ હશે કે આક્રમક સૈનિકો માટે કોઈપણ પ્રકારનો જીવન-વ્યવહાર કરવો અશક્ય થઈ પડશે. એમને ખોરાક નહીં મળે, જમીન, પાણી, વાયુ ઉપરનો વાહન વ્યવહાર, સામાન ઊંચકવા, સંદેશ વ્યવહાર વગેરે માટે કોઈપણ પ્રકારની સેવાઓ નહીં મળે. રેલવે, ટપાલવ્યવહાર, બેન્કો એમની જોડે કોઈ પ્રકારનો વહેવાર કરવા ઇન્કાર કરશે. આમ આક્રમક સારુ સરકાર તરીકે કામ કરવું અશક્ય થઈ પડશે. અલબત્ત આ એક કલ્પનાચિત્ર જ હતું. પણ તેને અમલી બનાવવા ગાંધીજીએ પોતાના આશ્રમવાસીઓને તોપોના મોં પર ધસી જનારી સેનાના સૈનિક બનવા તૈયાર રહેવા કહેલું. આ લેખકના માતાપિતા બંને આવી સેનામાં ભરતી થવા તૈયાર થયેલાં. એટલું આ કલ્પનાચિત્ર ગાંધીજી અને તેમના સાથીઓ સારુ વાસ્તવિક હતું. આજે દુનિયામાં અનેક ઠેકાણે શાંતિ શોધકો આ અંગે સંશોધન કરે છે ત્યારે તેમની શોધના વિષયોમાં ગાંધીજીનું કલ્પેલું આ ચિત્ર પણ અગત્યનું સ્થાન પામે છે. ગાંધીજીને ખાસ કરીને આ દેશનાં લોકોમાં રહેલી કાયરતા દૂર કરવાનું કામ કરવું પડ્યું હતું. તેઓ એકથી વધારે વાર એ કહી ચૂક્યા હતા કે કાયરતા કરતાં હિંસા સારી. પરંતુ તેઓ દર વખતે એમ પણ કહેતા કે હિંસા કરતાં અહિંસા ક્યાંય વધુ સારી. કેટલાક હિંસાના સમર્થકો અને કેટલીક વાર તો સરકારી તંત્ર સુદ્ધાં કાયરતા અને હિંસા અંગેના ગાંધીજીના આ વચનોનો દુરુપયોગ હિંસાના પ્રચારાર્થે કરે છે. એમ કરવું, ખાસ કરીને એમની હયાતી ન હોય ત્યારે એમની પીઠ પાછળ ઘા કરવા બરાબર અને ભોળી જનતાને છેતરવાના એક પ્રયાસ સમાન છે. સ્વતંત્રતાની લડાઈ વખતે ગાંધીજીએ જે અહિંસાનો રસ્તો બતાવ્યો તે એક રીતે જોઈએ તો આફતને અવસરમાં પલટી નાખવાનો પરાક્રમી કાર્યક્રમ હતો. તે વખતે આફત એ હતી કે આપણો દેશ ગુલામ હતો અને એ ગુલામીને કાઢવા સારુ દેશ પાસે શસ્ત્રો નહોતાં. નિ:શસ્ત્ર પ્રતિકારનો માર્ગ બતાવીને ગાંધીજીએ એ આફતને અવસરમાં પલટાવી નાખી. પણ ગાંધીજી જે અહિંસાની વાત કરતા હતા તે વીરોની અહિંસાની વાત હતી. તેમના મનમાં અહિંસાના આખા દર્શન વિષે જીવંત નિષ્ઠા હતી, કૉંગ્રેસે જે અહિંસાને અપનાવી હતી તે નિષ્ઠા તરીકે નહીં, પણ એક રણનીતિ તરીકે અપનાવી હતી. તેથી એણે વાપરેલી અહિંસક શક્તિ પ્રેમમાંથી સ્ફૂર્ત શક્તિ નહોતી. એટલે ઘણીવાર દેશના અહિંસક આંદોલનમાં હિંસા નહોતી વપરાતી એ સાચું પણ તે ગાંધીજીના અર્થમાં શુદ્ધ અહિંસા નહોતી. ગાંધીજી વ્યવહારકુશળ આદર્શવાદી હતા. તેથી નીતિ તરીકે સ્વીકારાયેલી અહિંસાથી તેમણે કામ ચલાવ્યું. તેઓ પોતે તો અહિંસામાં સંપૂર્ણ નિષ્ઠા ધરાવતા હતા. એમના અનેક સાથીઓ પણ આ બાબતમાં ગાંધીજીની સાથે હતા. પણ દેશના વિશાળ જનઆંદોલનમાં જોડાયેલા ઘણાખરા લોકોનું એમ નહોતું. તેથી જ જીવનના અંતિમ ભાગમાં ગાંધીજીએ કહેલું કે ઈશ્વરને મારી પાસે અમુક કામ લેવું હતું તેથી તેણે આ બાબતમાં મારી આંખે પાટા બાંધ્યા અને મેં કાયરોની અહિંસાથી પણ કામ ચલાવી લીધું. વીરોની અહિંસા જો આચરવામાં આવે તો તેનાં પરિણામો કેવાં આવે તે આપણે ગાંધીજીના જીવનના અનેક ઉદાહરણોમાં જોઈ શકીએ છીએ. આખો સમાજ, અથવા સમાજનો મોટો ભાગ જો વીરોની અહિંસા વાપરે તો એનાં કેવાં પરિણામો આવે તે જોવાનું હજી દુનિયા સારુ બાકી છે. અહીં થોડો વિચાર અહિંસા - ધર્મ અને અહિંસા - નીતિ વિષે કરી લેવો જોઈએ. કૉંગ્રેસે અહિંસાને એક નીતિ (પૉલીસી) તરીકે જ સ્વીકારી હતી. એક ધર્મ (ક્રીડ) તરીકે નહીં. ગાંધીજીએ વીરોની અહિંસા અને કાયરોની અહિંસા એવો જે ભેદ બતાવ્યો હતો તે પણ આ બાબત ધ્યાનમાં રાખીને જ હતો એમ માની શકાય. વિદેશોમાં ઘણા શાંતિવાદીઓ અને શાંતિ અંગે સંશોધન કરનારાઓ અહિંસાને એક કૌશલ્યભરેલી રીત (ટૅક્નિક) તરીકે મહત્ત્વની ગણે છે. પણ અહિંસામાં એક જીવનશૈલી કે ફિલસૂફી તરીકે તેઓ ઝાઝો રસ ધરાવતા નથી. તેઓ માને છે કે એ વ્યક્તિગત રુચિનો વિષય છે, જેને એમ માનવું હોય તે માને, બાકી અહિંસાનો આખા મોટા સમૂહને ઉપયોગ તો એક તકનીક તરીકે જ છે. ગાંધીજીને મન અહિંસાના તત્ત્વજ્ઞાનનું જ મહત્ત્વ હતું. જેને અનુરૂપ તેઓ પોતાની આખી જીવનશૈલી ગોઠવવા નિરંતર પ્રયાસ કરતા હતા. ટૅક્નિક એક સાધન છે. જરૂર હોય ત્યારે વાપરવાનું અને જરૂર ન હોય ત્યારે છોડી દઈ શકાય તેવું. ગાંધીજી સ્વરાજના સાટામાં પણ અહિંસાને છોડવા તૈયાર ન થાત. કારણ તેઓ એને જીવન સાથે જડેલો ધર્મ માનતા હતા. અહિંસાનો જ્યારે પ્રયોગ થાય છે, ત્યારે એના બે પ્રકારના ઉપયોગ થાય છે. જ્યારે ઘણાબધા લોકો લાંબો સમય અહિંસક પદ્ધતિ વાપરે છે, ત્યારે એનું એક પ્રકારનું દબાણ સામેના પક્ષ પર આવે છે. પણ અહિંસાનો જ્યારે આત્માના ગુણ તરીકે ઉપયોગ થાય છે, ત્યારે એ સામેના આત્માને સ્પર્શ કરી એના સત્યને સમજી પોતાના સત્યને સમજાવી સામેનામાં યથેષ્ટ પરિવર્તન લાવે છે. તે અહિંસા ઘણાબધા લોકો દ્વારા વપરાયેલી હોય કે માત્ર એક જ વ્યક્તિ દ્વારા, પણ તેનું મૂળ તત્ત્વ એનું એ રહે છે. તે સામેના પક્ષને હરાવીને પોતે જીતવા નથી માગતી, પણ સામેનાને પોતાના બનાવીને બંને પક્ષોની જીત ઊજવવા માગે છે. ધર્મ તરીકે અહિંસાનો આ મૂળ ધર્મ છે. તકનીક તરીકેની અહિંસા સામેનાને હંફાવી પોતાની જીત હાંસલ કરવા પ્રયત્ન કરે છે. આ રીતે મેળવેલી જીતમાં એની પ્રતિક્રિયાનાં બી પણ સાથે સાથે વવાય છે. ધર્મ તરીકે વપરાયેલી અહિંસાની પ્રતિક્રિયા નહીં, પણ પ્રતિભાવો હોય છે. વ્યક્તિગત રીતે ગાંધીજી અહિંસાને ધર્મ તરીકે ગ્રહણ કરતા હતા. કૉંગ્રેસે અહિંસાને એક તકનીક તરીકે સ્વીકારી હતી. કૉંગ્રેસમાં તેમ જ તેની બહાર રહેલા અને છતાં સત્યાગ્રહમાં ભળેલા ઘણા લોકોએ પણ અહિંસાને ધર્મ તરીકે સ્વીકારી હતી. એટલા પ્રમાણમાં એ વીરોની અહિંસા હતી. જેટલા પ્રમાણમાં તે માત્ર તકનીક તરીકે વપરાઈ તેટલા પ્રમાણમાં એ ગાંધીજીની વ્યાખ્યા મુજબ ‘કાયરોની અહિંસા’ હતી એમ કહી શકાય. અહિંસા ધર્મ અને અહિંસા નીતિમાં બીજો એક મોટો તફાવત એ હોય છે કે ધર્મ તરીકે અહિંસાને સ્વીકારનારના હૃદયમાં પ્રતિપક્ષી પ્રત્યે જરાય તિરસ્કાર, દ્વેષ કે ક્રોધભાવ નથી હોતા, માત્ર દયા, કરુણા, ક્ષમા અને પ્રેમભાવ હોય છે. અહિંસાને નીતિ તરીકે સ્વીકારનારના હૃદયમાં પ્રતિપક્ષી પ્રત્યે ક્રોધભાવ હોય એમ પણ બને. ધરાસણામાં પોલીસની લાઠીઓ ખાઈને ભોંય પર પડીને તરફડતા સત્યાગ્રહીઓ સારુ જ્યારે ગામની બહેનો પીવાનું પાણી લાવી ત્યારે તેમણે પોલીસો તરફ ઇશારો કરીને કહ્યું કે ‘એ લોકો પણ તડકામાં ઊભા છે. એમને પહેલાં પાણી આપો.’ આ અહિંસા ધર્મના દાખલા હતા. શિસ્ત તરીકે અહિંસાને સ્વીકારી હોય પણ પોલીસો અને બીજા સરકારી અમલદારોને સત્યાગ્રહીઓને લીધે મુશ્કેલી પડતી જોઈને રાજી થનારા લોકોની અહિંસા એ માત્ર નીતિ પૂરતી જ હતી એમ કદાચ કહી શકાય. ગાંધીજીએ તો કદાચ એને અહિંસા જ ન ગણાવી હોત. અહિંસાની નીતિ માનનારા લોકોને મન અહિંસાનો અર્થ હિંસાનો અભાવ એટલો જ નકારાત્મક થઈ જાય છે, જ્યારે અહિંસા - ધર્મ માનનારાને મન અહિંસા એક સકારાત્મક શક્તિ તરીકે પ્રગટ થતી હોય છે. રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં ગાંધીજીએ કરેલા અહિંસાના પ્રયોગો આખી દુનિયાના ગરીબો, અન્યાય પીડિતો, દલિતોને- વંચિતોને એક નવી આશા આપી જાય છે. ગરીબો જેટલા વહેલા એ સમજશે કે હિંસા નહીં પણ અહિંસા એ જ એમની પાસેનું ઉત્તમ સાધન છે, તેટલો તેમને લાભ છે. કારણ હિંસક માર્ગથી સરવાળે એમને લાભ થતો નથી. આજે ગરીબોને પોતાની ઉપર થતા અન્યાય સામે ઝૂઝવાનું છે, પછી તે સરકાર હોય કે સ્થાપિત હિતો હોય. પણ સરકાર કે સ્થાપિત હિતો પાસે ગરીબો કરતાં શસ્ત્રસામગ્રી અનેક ગણી વધારે હોવાની જ. એક તો હિંસક શસ્ત્રો ઘણાં મોઘાં હોય છે. જેમ જેમ નવાં નવાં અને વધુ કારગર શસ્ત્રો શોધાતાં અને વપરાશમાં આવતાં જાય છે, તેમ તેમ એની કિંમતો પણ આકાશ આંબે એટલી ઊંચી થતી હોય છે. કેટલીક સરકારોને પણ ખરીદવા ન પાલવે એટલાં મોઘાં હોય છે. વળી સરકારી કે સ્થાપિત હિતો ગમે ત્યારે નવાં નવાં શસ્ત્રો બનાવડાવી કે ખરીદી શકે છે. ગરીબો એની સામે હરીફાઈમાં શી રીતે ઊભા રહે? બીજું, સરકારોને દેશની અંદર અને દેશના સીમાડાઓ ઉપર આ શસ્ત્રો વાપરવાનો મહાવરો પણ સ્વાભાવિક રીતે ગરીબ લોકો કરતાં વધારે હોવાનો. હિંસક અથડામણમાં શસ્ત્રો વાપરવાનો અનુભવ એ પણ એક અગત્યનું તત્ત્વ હોય છે. બિનઅનુભવી ગરીબો અનુભવી સરકારો સામે આ બાબત પણ ઝીક ઝીલી શકે એમ નથી. વળી જેમ જેમ શસ્ત્રો વધુ ને વધુ જટિલ અને ઘાતક બનતાં જાય છે, તેમ તેમ એને કુશળતાથી ચલાવવા સારુ વધુ ને વધુ તાલીમની પણ જરૂર પડવાની. આ તાલીમ આપવાનું પણ એટલું મોટું તંત્ર હોય છે કે એ ઊભું કરવું ગરીબોને ન પોસાય. આમ હિંસા દરેક અર્થમાં ગરીબોનું શસ્ત્ર નથી. છતાં આપણે જોઈએ છીએ કે આજે ગરીબો નાની મોટી, છૂટીછવાઈ અલ્પ સંગઠિત કે અસંગઠિત હિંસા તો વાપરે જ છે. એનાં કારણો પણ તપાસી જવા જેવાં છે. એનું સૌથી મોટું કારણ તો કદાચ એ છે કે ત્રાસેલા લોકોને પોતાની અકળામણ કાઢવાનું હિંસા એક સાધન બની રહે છે. હિંસા એ ત્રસ્ત કે પીડિત માણસની અકળામણની અભિવ્યક્તિ બની જાય છે. એની પાસે જો બીજી, વધુ સારી અભિવ્યક્તિનું સાધન હોય તો તે હિંસાને નયે વાપરે. એવું જ એક બીજું મોટું કારણ એ પણ છે કે દુનિયાના રોજેરોજના વહેવારમાં હિંસાને સફળ નીવડેલી જોવામાં આવે છે. ઘરમાં કે શેરીમાં ધોલધપાટ કે ધક્કા-મુક્કી, પથ્થરમારો કે છરાબાજીની ધારેલી અસર પડે છે. ઘણીવાર તો હિંસા ધાક બેસાડવા જ વપરાતી હોય છે. ઘણી સરકારો શાંતિમય પ્રતિકાર કરતાં હિંસક છમકલાને વહેલી દાદ દે છે. શ્રી રામુલુએ અલગ આંધ્ર પ્રદેશની રચના સારુ ઉપવાસ કર્યા હતા તેની તરફ નહેરુની સરકારે દિવસોના દિવસો સુધી દુર્લક્ષ કર્યું હતું. પણ તેમના મરણ બાદ ત્યાં હિંસા ફાટી નીકળી ત્યારે સરકાર વાટાઘાટો કરવા તૈયાર થઈ ગઈ અને પછી તેણે અલગ આંધ્રપ્રદેશ આપ્યો હતો. દેખીતી રીતે જ આમ સરકારે હિંસાને પ્રતિષ્ઠા આપી હતી. વળી આપણાં પ્રસાર માધ્યમો પણ શાંતિમય પ્રતિકાર કરતાં હિંસક દેખાવોને ઘણું વધારે સ્થાન આપતાં જોવામાં આવે છે, અને એમાંથી સાચો કે ખોટો લોકમત કેળવાતો કે ઉશ્કેરાતો જોવામાં આવે છે. ઘણીવાર હિંસક કે અહિંસક આંદોલનકર્તાઓ વધુ પ્રસારણને જ સફળતાનું લક્ષણ માની લેતા જોવામાં આવે છે. આવાં કારણોને લીધે આંદોલનકર્તાઓ હિંસા તરફ આકર્ષાતા જોવા મળે છે. એ સાચું છે કે અહિંસા પોતાની સફળતાના નમૂનાઓ પણ પ્રમાણમાં ઓછા પૂરા પાડે છે. અને અહિંસાના જે પ્રયોગો થાય છે તેને પ્રસિદ્ધિ પણ ઓછી મળે છે. આમ ખાસ કરીને મોટી હિંસા એટલે જ યુદ્ધ. એ યુદ્ધ અને મહાયુદ્ધને ક્ષેત્રે હિંસા કોયડાઓ ઉકેલતી જોવામાં નથી આવતી, તો બીજી બાજુ અહિંસાએ પણ પોતાનું કારગરપણું પુરવાર કરવાનું હજી બાકી છે. ગાંધીજીએ પોતાના જીવનમાં નાનાં મોટાં અનેક ક્ષેત્રોમાં અહિંસાને કારગર પુરવાર કરી બતાવી હતી. પણ એમના એ અનુભવને જ વટાવીને એમના પછીના, એટલે કે આપણા જેવા લોકો અહિંસાની વાત ન કરી શકીએ. ઇતિહાસ આગળ સામાન્યપણે આખી દુનિયાના પીડિતો સામે ગાંધીજીનો આ પડકાર છે. ભલે એમણે જેટલાં અને જેવાં ક્ષેત્રોમાં અહિંસાને કારગર પુરવાર કરી હતી, એટલી અને એવી આપણે પુરવાર ન કરી શકીએ પણ આપણી આસપાસની નાની (અને મોટી પણ) હિંસાનો મુકાબલો આપણે જેટલો અહિંસક રીતે કરી શકીશું એટલી હદે દુનિયાના માનવતાના ઇતિહાસમાં આપણી ભાગીદારી નોંધાશે. આપણે એમ સમજી લેવાની જરૂર નથી કે આ પ્રશ્ન કાંઇ ઇતિહાસમાં ભાગ ભજવવા જેવી લડાઈનો પ્રશ્ન નથી. આ પ્રશ્ન છેવટે તો આપણા અસ્તિત્વનો છે. કારણ પરિસ્થિતિ એવી છે કે માર્ટિન લ્યૂથરકિંગના શબ્દોમાં કહીએ તો: ‘માણસજાત પાસે આજે બે જ વિકલ્પો રહી ગયા છે. કાં અહિંસા કાં માણસના અસ્તિત્વની નાબૂદી’ – Non-violence or Non-existence.

***
વાંચો: સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૫ — રચનાત્મક કાર્યક્રમ