સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૫ — રચનાત્મક કાર્યક્રમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘સૌના ગાંધી’ શ્રેણી

સૌના ગાંધી શ્રેણી - ૧
પુસ્તક - ૫


Sauna Gandhi title 05.jpg


રચનાત્મક કાર્યક્રમ

નારાયણ દેસાઈ


Gujarat Vidyapith (emblem).png



પ્રકાશન વિગત


સમાજમાં થનાર દરેક પરિવર્તનને બે પાસાં હોય છે. સમાજની ચાલુ હાલતમાંથી એ પરિવર્તન કેટલુંક મટાડી દે છે અને કેટલુંક નવું સર્જે છે. ૧૯૬૭-૬૮માં ફ્રાન્સમાં વિદ્યાર્થીઓની એક જબરજસ્ત ચળવળ થઈ ગઈ. એ ચળવળના અનુભવને અંતે એના આગેવાનોમાંથી એકે લખ્યું હતું. “ક્રાંતિ કેટલુંક જમીનદોસ્ત કરી દે છે, ને કેટલુંક જમીનમાંથી નવું ઉગાડે છે.” સમાજની કેટલીક પરંપરા, કેટલાંક મૂલ્યો, કેટલાંક સંબંધો ને કેટલાંક માળખાં બદલાય ત્યારે એને ક્રાંતિ કહે છે. ઘણાખરા ક્રાંતિકારીઓ એ જાણતા હોય છે, કે સમાજમાંથી એમને શું કાઢવું છે. કોઈને ગુલામી કાઢવી છે, કોઈને શોષણ દૂર કરવું છે, કોઈને અસમાનતા હટાવવી છે. પણ ઘણાખરા ક્રાંતિકારીઓ ક્રાંતિના આ નકારાત્મક પાસા વિષે જેટલા સ્પષ્ટ હોય છે, તેટલા ક્રાંતિ વડે શું નવું ઊભું કરવું છે, તેને અંગે સ્પષ્ટ નથી હોતા, તેથી ઘણી ક્રાંતિઓ અધૂરી રહી જાય છે, ઘણી ક્રાંતિનાં પરિણામો મૂળ ધારણાં કરતાં અવળાં જ આવે છે. વળી ક્રાંતિના નેતાઓ એક વ્યવસ્થાને તોડી પાડવાના કામમાં એટલા મશગૂલ હોય છે કે તેમને તે વ્યવસ્થા તૂટી ન પડે ત્યાં સુધી બીજું કશું સૂઝતું પણ નથી. ગાંધીજી આ બંને બાબતમાં અપવાદરૂપ ક્રાંતિકારી નેતા હતા. તેમના મનમાં સમાજવ્યવસ્થા બદલવા બાબત જેવી સ્પષ્ટતા હતી એટલી જ સ્પષ્ટતા જે નવી વ્યવસ્થા ઊભી કરવી હતી તેને વિષે પણ હતી. વળી તેઓ જૂની વ્યવસ્થા બદલવા મથતા હતા ત્યારે જ નવી વ્યવસ્થાનો પાયો પણ રચતા જતા હતા. ગાંધીજીને દેશની તે કાળની વ્યવસ્થા બદલવી હતી. તેમને ગરીબી દૂર કરવી હતી, બેકારી દૂર કરવી હતી, અસમાનતા દૂર કરવી હતી, ગંદકી દૂર કરવી હતી, રોગ દૂર કરવા હતા, અજ્ઞાન દૂર કરવું હતું. આ બધું દૂર કરવામાં દેશની ગુલામી આડે આવતી હતી, તેથી સૌથી પહેલાં તેમને ગુલામી દૂર કરવી હતી. આમ આખી વ્યવસ્થાને દૂર કરીને તેઓ એક નવી વ્યવસ્થા ઊભી કરવા માગતા હતા. તેને તેઓ અહિંસક સમાજ વ્યવસ્થા કહેતા હતા. આ નવી વ્યવસ્થા અંગે પણ તેમના મનમાં સ્પષ્ટ કલ્પના હતી અને એ વ્યવસ્થા ઊભી કરવા તેઓ ગુલામી હટે ત્યાં સુધી થોભી જવા તૈયાર નહોતા. બલ્કે એમની પાસે એવો કાર્યક્રમ હતો કે જે દેશની ગુલામીને કાઢી પણ શકે અને નવા અહિંસક સમાજનો પાયો પણ નાખી શકે. આ કાર્યક્રમને તેમણે રચનાત્મક કાર્યક્રમ એવું નામ આપ્યું હતું. તેમને એમ પણ સ્પષ્ટપણે દેખાતું હતું કે જો આખો દેશ રચનાત્મક કાર્યક્રમને સોએ સો ટકા પાર પાડે તો એને પરિણામે દેશ આઝાદી ભોગવતો થઈ જાય. અને આઝાદી મેળવવા સારુ રચનાત્મક કાર્યક્રમથી અલગ એવા સવિનય ભંગના કાર્યક્રમો ન કરવા પડે. પરંતુ ગાંધીજી જેમ એક તરફ આદર્શનાં સપનાં જોતા હતા, તેમ બીજી તરફ એમને દેશની વાસ્તવિક સ્થિતિ શી છે, એનો પણ ખ્યાલ હતો. તેથી તેઓ રચનાત્મક કાર્યક્રમો એક પછી એક આપતા જતા હતા. એ કાર્યક્રમોને પૂરા કરવા સારુ સંસ્થાઓ ઊભી કરતા જતા હતા. એ સંસ્થાઓ ચલાવવા સારુ તેઓ લોકો શોધી કાઢતા હતા અને તેમને તે કામ સોંપતા જતા હતા. આ રીતે એમનો આદર્શ વ્યવહારની નક્કર ભૂમિ ઉપર ઊભો હતો અને તે ધીરે ધીરે વધતો જતો હતો. વધવાનું કામ કાર્યક્રમોની સંખ્યાની દૃષ્ટિએ જેટલું સાચું હતું, તેટલું જ એની ગુણવત્તા અને ઊંડાણની બાબતે પણ સાચું હતું. તેથી જ જ્યારે તેમણે દેશ આગળ પહેલી વાર રચનાત્મક કામની વાત કરી ત્યારે ત્રણ કાર્યક્રમો સૂચવેલા અને આગળ જતાં છેવટે એ વધતા વધતા અઢાર રચનાત્મક કાર્યક્રમો બન્યા. આ બાબત પણ તેમણે કહ્યું હતું કે અઢાર કાર્યક્રમોની આ યાદી પણ છેવટની નથી, તેમાં પણ વધારો થવાનો પૂરો અવકાશ છે. જેમ જેમ આ કાર્યક્રમો ઉપાડી લેનારા કાર્યકર્તાઓ તેમને મળતા ગયા તેમ તેમ ગાંધીજીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમોની ગુણવત્તામાં પણ વધારો થતો ગયો અને એ પૈકી ઘણા કાર્યક્રમોના ઊંડાણ સુધી કાર્યકર્તાની મદદથી જઈ શક્યા હતા. રચનાત્મક કાર્યક્રમો ગાંધીજીની અહિંસક સમાજરચનાની કલ્પનાને આધારે અને આ દેશની વાસ્તવિકતાના ભાનને લીધે બન્યા હતા. ગાંધીજી દેશ અને દુનિયાને જે કેટલીક મોટામાં મોટી દેણ આપી ગયા તેમાં રચનાત્મક કાર્યક્રમ સહેજે સ્થાન પામી શકે એવા હતા. રચનાત્મક કાર્યક્રમોનો ઉદ્દેશ અહિંસક સમાજ-રચના ઊભી કરવાનો હતો. તેને સારુ તેમને ત્રણ ચીજો જરૂરી લાગી હતી. એવો સમાજ રચવો હોય તો તેમાંથી દરેક પ્રકારનું શોષણ નાબૂદ થવું જોઈએ. એવા સમાજની વ્યવસ્થા સારુ વહીવટી તંત્ર ઓછામાં ઓછું હોવું જોઈએ. એટલે કે લોકો જ પોતાનું તંત્ર ચલાવતા થઈ જાય ત્યાં સુધી પહોંચવું જોઈએ. અને તેમ કરવા જતાં વર્તમાન સમાજમાં જે અડચણો હોય તે દૂર થતી જવી જોઈએ. બીજી રીતે કહીએ તો અહિંસક સમાજ રચવો હોય તો ગાંધીજીને તેનું લક્ષ્ય શોષણને ખતમ કરવાનું અને સમાજમાંથી શાસનને બને એટલું ઓછું કરવાનું દેખાતું હતું. આ બે લક્ષ્યો સુધી પહોંચવા સારુ જે જે અડચણો આવે તેને દૂર કરવી એ જ રચનાત્મક કામ હતું. અડચણો દૂર કરવાની ગાંધીજીની પ્રક્રિયામાં બે વાત પર ખાસ ભાર દેવાયો હતો. પહેલી વાત તો એ કે સૌના કલ્યાણના આ કામની શરૂઆત સૌથી પછવાડેના માણસથી કરવી જોઈએ અને બીજી વાત એ કે તેના પરિણામ સ્વરૂપ લોકોની શક્તિ વધવી જોઈએ. ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમની શરૂઆત કોમી એકતા, ખાદી અને અસ્પૃશ્યતા નિવારણથી કરી હતી. છેવટે તેમણે જે સમગ્ર રચનાત્મક કાર્યક્રમ સૂચવ્યો હતો તે નીચે મુજબનો હતો. ૧. કોમી એકતા, ૨. અસ્પૃશ્યતા નિવારણ, ૩. દારૂબંધી, ૪. ખાદી, ૫. બીજા ગ્રામોદ્યોગો, ૬. ગ્રામસફાઈ, ૭. નવી તાલીમ, ૮. પ્રૌઢશિક્ષણ, ૯. સ્ત્રીઓ, ૧૦. તંદુરસ્તીના નિયમોની કેળવણી, ૧૧. પ્રાંતિક ભાષાઓ, ૧૨. રાષ્ટ્રભાષા, ૧૩. આર્થિક સમાનતા, ૧૪. કિસાનો, ૧૫. મજૂરો, ૧૬. આદિવાસીઓ, ૧૭. રક્તપિત્તના રોગીઓ, ૧૮. વિદ્યાર્થીઓ. આ ક્રમ આપવામાં ગાંધીજીએ કોઈ ચોક્કસ નિયમનું પાલન કર્યું હોય એમ લાગતું નથી. જેમ જેમ તેમની દૃષ્ટિ આગળ કામ ઊઘડતું ગયું તેમ તેમ તેમણે એને રચનાત્મક કાર્યક્રમોમાં સ્થાન આપ્યું. આ અઢારવિધ કાર્યક્રમો અપાયા ત્યાર પછી ગોસેવાનો કાર્યક્રમ આવ્યો હતો, જો કે એ પ્રવૃત્તિ તો ગાંધીજીએ વર્ષો પહેલાં શરૂ કરી દીધેલી. આખા કાર્યક્રમ પર એકી સાથે દૃષ્ટિ ફેરવીએ તો તરત એ વાત આપણા ધ્યાનમાં આવશે કે ગાંધીજીએ એ કાર્યક્રમ નિમિત્તે જીવનમાં ઘણાં પાસાંઓને સ્પર્શ કર્યો છે, તેથી કાર્યક્રમોમાં એવાયે કેટલાક છે, જે જીવનમાં એક કરતાં વધારે ક્ષેત્રોને સ્પર્શે છે. આપણે આ કાર્યક્રમોનો વિચાર ગાંધીજીએ જે ક્રમમાં રજૂ કર્યો હતો તેને બદલે જીવનના અલગ અલગ ક્ષેત્રવાર કરીએ તો સમગ્ર કલ્પના સ્પષ્ટ થવાનો વધુ સંભવ છે. રચનાત્મક કાર્યક્રમોના આર્થિક પાસામાં આપણે ખાદી, ગ્રામોદ્યોગો, આર્થિક સમતા, કિસાનો, મજૂરો અને અમુક અંશે ગોસેવાનો સમાવેશ કરી શકીએ. આ કાર્યક્રમોમાં જે લક્ષ્ય સુધી પહોંચવાનું છે તે આર્થિક સમતાનું છે, ને જેની મારફત તે કાર્યક્રમ પાર પાડવો છે તે કિસાનો, મજૂરો અને ગામડાના કારીગરો છે. એ કાર્યક્રમ જે પ્રવૃત્તિઓ વડે પાર પાડવાનો છે તે ખાદી તથા અન્ય ગ્રામોદ્યોગોનો છે. કૃષિ સુધારાનો કાર્યક્રમ પણ આમાં આવી જાય. જો કે ગાંધીજી એમ માનીને ચાલતા લાગે છે કે આ દેશના ૮૦ ટકા લોકો કિસાનો છે, અને મુખ્યત્વે એમના પુરુષાર્થથી જ સ્વરાજ આવવાનું છે. તેઓ કહે છે કે “સ્વરાજની ઇમારત જબરજસ્ત છે. તેને બાંધવામાં ખેડૂતોની સંખ્યા મોટામાં મોટી છે. કિસાનોને જ્યારે પોતાની અહિંસક તાકાતનું ભાન થશે ત્યારે દુનિયાની કોઈ સત્તા તેમની સામે ટકી શકવાની નથી.” જમીન સુધારણા અને કાયદા વગેરેના પ્રશ્નો સ્વરાજ પ્રાપ્ત કર્યા પછી હાથ ધરવાના છે. સ્વરાજ પહેલાં તો કિસાનોની અહિંસક શક્તિ અંગે તેમને સભાન કરવાના છે. ચંપારણમાં કિસાનોની જાગૃતિને લીધે સવા સો વર્ષથી ચાલી આવતી અન્યાયી ‘તિનકઠિયા’ પ્રથા છ-આઠ મહિનાના અહિંસક આંદોલનથી જ નાબૂદ થઈ. તે પહેલાં એ પ્રથા સામે ઘણીવાર હિંસક બળવા થયા હતા, પરંતુ તેમાં કિસાનોને કચડી નાંખવામાં આવ્યા હતા. પણ અહિંસક લડત બહુ થોડા સમયમાં સફળ થઈ. જો એ રીતે કિસાનોના માત્ર સભા સરઘસો અને ઉશ્કેરણીના કાર્યક્રમોને બદલે એમનાં દુ:ખો અંગેનો કોઈ મુદ્દો લઈને તે બાબત લોકજાગૃતિ કરવામાં આવે તો ખેડૂતો અહિંસક શક્તિ દ્વારા મોટાં પરિવર્તન કરવાની તાકાત બતાવી શકે. આર્થિક રીતે ખેતી સુધારાની સાથે સાથે જ ગોસેવા પણ આવી જાય. ગાય એ આપણા કૃષિના આખા ચક્રનું એક આવશ્યક અંગ છે. તે આપણને ખેતી કરવાની ઊર્જાનું એક મોટું સાધન-બળદ-આપે છે, ખેતીને પુષ્ટ કરનાર ખાતર આપે છે, અને કિસાનને પુષ્ટ કરનાર દૂધ આપે છે. ગાંધીજીએ અહિંસક જાગૃતિ અને સંગઠન દ્વારા લોકશક્તિ પેદા કરીને સ્વરાજની ઇમારત ચણવાનો જે કાર્યક્રમ રજૂ કર્યો તેના એકમો તરીકે તેમણે ગામડાં લીધાં. તેઓ ત્યાર સુધી સ્વરાજ સારુ શહેરોમાં સભા સંમેલન ભરનાર અને ઠરાવો કરનાર લોકોને એ વાત સમજાવતા થાકતા નહોતા કે હિંદુસ્તાનની મોટાભાગની વસતી તો એનાં ગામડાંમાં વસે છે. એટલે એ ગામડાંની જાગૃતિનો કાર્યક્રમ સૌથી પહેલો લેવો જોઈએ. વળી તેઓ એમ પણ માનતા હતા કે કોઈ પણ આખા સમાજની ખરેખર તાકાત જગાડવી હોય તો સમાજના સૌથી નબળા અંગને મજબૂત કરવાથી જ તે જાગવાની છે. અંત્યોદયના આ વિચારની પાછળ સૌથી દલિત, પીડિત પ્રત્યેની કરુણા અને આખા સમાજને મજબૂત કરવાની વ્યૂહરચના એક સાથે કામ કરે છે. એટલે તેમણે ગામડાંના કામમાં પણ ખાદી ગ્રામોદ્યોગોને પહેલું સ્થાન આપ્યું. જે લોકો ખાદી કે ગ્રામોદ્યોગનાં કામોમાં અત્યાર સુધી રોકાયેલાં હતાં અને મોટા ઉદ્યોગોના આવવાને લીધે જેમની રોજીરોટી છીનવાઈ ગઈ હતી તેમને તે ભિક્ષા તરીકે નહીં, પણ સ્વમાનભેર મહેનતના બદલામાં અપાય તો સમાજનો આ સૌથી દરિદ્ર વર્ગ બેઠો થાય. અને જેમ આખી સાંકળમાં સૌથી નબળી કે ભાંગી ગયેલી કડીને સમારવાથી આખી સાંકળ મજબૂત થાય છે તેમ સમાજમાં સૌથી છેવાડે પડેલાં લોકોની તાકાત વધે તો આખા સમાજની તાકાત વધે. ખાદી, ગ્રામોદ્યોગ અને ગોસેવાના આર્થિક કાર્યક્રમો આ દૃષ્ટિએ જ રચનાત્મક કાર્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ કાર્યક્રમો, ખાસ કરીને ખાદીના કામમાં, બીજા પણ દેખીતા લાભ હતા. એ તરફ ગાંધીજીએ શરૂથી ધ્યાન દોર્યું હતું. ખાદીનું કામ એવું હતું કે જેમાં વધુમાં વધુ સમય લેનાર કામ-કાંતણ-એ ગમે ત્યારે શરૂ કરી શકાય અને ગમે ત્યારે સમેટીને બાજુએ રાખી શકાય. વરસમાં ચાર-છ માસ પૂરા કામ વિના રહેનારા કિસાનને સારુ એ ફુરસદના સમયનું કામ પૂરું પાડે તેવી ક્રિયા હતી. વળી આ કામ એવું પણ હતું કે જેને નાનાં, મોટાં, સ્ત્રી, પુરુષ, બુઢ્ઢાં અને ઘણાખરાં બીમાર લોકો પણ કરી શકે. બહુ ઓછી મૂડી રોકવાથી એનાં સાધનો મળી શકે એમ હતાં. અને મોટે ભાગે ગામડાના સુથાર લુહારો એનું સમારકામ કરી શકે એમ હતા. આ આર્થિક કાર્યક્રમના એક મહત્ત્વના મુદ્દા તરીકે ગાંધીજીએ ગ્રામ સ્વાવલંબનનો વિચાર પણ મૂક્યો હતો. ગ્રામ સ્વાવલંબનનો અર્થ તો આર્થિક ક્ષેત્ર પૂરતું ગામડાંનું રાજ એવો થાય. જો હિંદુસ્તાનનાં સાત લાખ ગામડાં સ્વાવલંબી બની જાય તો સ્વતંત્ર ભારતની સરકારને શહેરો કે વિદેશો આગળ હાથ ધરવાનો પ્રશ્ન જ ન આવે. રચનાત્મક કાર્યના રાજનૈતિક પાસામાં આપણે અસ્પૃશ્યતા નિવારણ, કોમી એકતા, પ્રૌઢ શિક્ષણ, સ્ત્રી, કિસાન, મજૂર અને વિદ્યાર્થીઓના કામનો સમાવેશ કરી શકીએ. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય ભાવાત્મક એકતા સ્થાપવાનો હતો. કોમ કોમ વચ્ચેના ભેદભાવ અને અસ્પૃશ્યતા એ આપણા દેશમાં ઊભી અને આડી તિરાડ પાડનાર તત્ત્વો છે. બંનેના મૂળમાં મુખ્યત્વે આપણા દેશની જાતિવ્યવસ્થા છે. અંગ્રેજોએ પોતાના રાજ્યકાળ દરમિયાન ઇરાદાપૂર્વક આ બંને કમજોરીઓને વધારી આપી. એમાંથી વૈમનસ્ય ઊભું થયું. ગાંધીજીએ સૂચવેલાં બે મુખ્ય રચનાકાર્યો આ દૂષણોને નિર્મૂળ કરવા માટે જ હતાં. અસ્પૃશ્યતાના પ્રશ્ન ઉપર ગાંધીજીએ અનશન દ્વારા જાનને જોખમમાં મૂક્યો હતો અને એકથી વધારે વાર તેમની ઉપર આ મુદ્દાને લીધે હુમલા પણ થયેલા. કોમી પ્રશ્ન અંગે તો છેવટે તેમણે પોતાનું બલિદાન જ આપ્યું. એકથી વધારે વાર આપણો દેશ આ પ્રશ્નો અંગે સમાધાનને આરે આવીને ઊભો હતો. પણ ભાગલા પાડીને પોતાના સામ્રાજ્યને ચિરંજીવી બનાવવા ઇચ્છતા અંગ્રેજી રાજને આ બાબતમાં સમાધાન થાય એ પોસાતું નહોતું. આપણા સમાજમાં પડેલા ભેદભાવનાં બીજ અને આપણા રાજકારણીઓએ તેમાં પૂરેલાં ખાતર પાણીએ આ વિષવૃક્ષને વધાર્યું હતું. તેથી આ બંને કાર્યક્રમોને પાર પાડવા ગાંધીજી સતત પોતાના સાથીઓ અને કોંગ્રેસના સભ્યોને વિનવ્યા કરતા. બંધારણની દૃષ્ટિએ આપણે આઝાદી મળ્યા પછી થોડા અરસામાં જ અસ્પૃશ્યતાની કાયદેસરની હકાલપટ્ટી કરી શક્યા. પણ હજારો વર્ષોના સંસ્કાર આપણા લોહીમાં હજીયે પડ્યા છે. ગાંધીજી અસ્પૃશ્યતાને હચમચાવી શક્યા, અને તેને અપ્રતિષ્ઠિત કરી શક્યા. પણ તેને નાબૂદ ન કરી શક્યા. કોમી વિખવાદ અને રાજકારણી ખટપટ છેવટે દેશના ભાગલા પડાવીને જ રહ્યાં. એનાં દુષ્પરિણામો સ્વરાજ આવ્યા પછી અર્ધી સદીથીયે વધુ વીતી ગઈ તોયે આપણે ભોગવી રહ્યાં છીએ. આપણા દેશના દુર્ભાગ્યે આ બંને કાર્યક્રમો તરફ, કેટલાક ઝળહળતા અપવાદોને બાદ કરતાં, રાષ્ટ્રીય કૉંગ્રેસે પૂરતું ધ્યાન આપ્યું નહીં. આજે પણ આપણે મહદ્ અંશે એ ભૂલનાં ફળ ભોગવીએ છીએ. ઘણાના મનમાં પ્રશ્ન થશે કે પ્રૌઢ શિક્ષણના કાર્યક્રમને આપણે રાજકારણના મથાળા હેઠળ શાને લીધો. એનું કારણ પ્રૌઢ શિક્ષણની ગાંધીજીની મૌલિક વ્યાખ્યા છે. ગાંધીજી પ્રૌઢ શિક્ષણનો અર્થ મોટી ઉંમરના લોકોને લખતાં વાંચતા શીખવવું એટલો જ નહોતા કરતા. જો સાચા અર્થમાં પ્રૌઢ શિક્ષણ થાય તો એટલું તો અનાયાસ જ થઈ જાય એમ તેઓ માનતા. પ્રૌઢ શિક્ષણનો ગાંધીજી જે અર્થ કરતા હતા તે તો દેશના સૌ પ્રૌઢોને પોતે કેવા દેશના વતની છે અને કેવડી ભવ્ય સંસ્કૃતિના વારસદાર છે એને વિષે સભાન કરવા, એ થતો હતો. હજીયે આજે પણ આપણામાંથી ઘણા ‘ભણેલાં ગણેલાં’ લોકોને પણ પોતે કેવા દેશના નાગરિક છે એનું પૂરતું ભાન ક્યાં છે ? હિંદુસ્તાનના નકશા પર આપણને હિંદુસ્તાની જોવા મળે છે ખરા ? ક્યાંક ગુજરાતી છે, ક્યાંક મરાઠી છે, ક્યાંક હિંદુ છે, ક્યાંક મુસલમાન છે, ક્યાંક ઉચ્ચવર્ણના છે, ક્યાંક પછાત વર્ગના છે, પણ સર્વપ્રથમ હું હિંદનો નાગરિક છું એવી ચેતનાવાળા લોકો કેટલા ? વળી આ દેશનો નાગરિક એટલે એક ભવ્ય સાંસ્કૃતિક વારસાનો વારસ પણ ખરો. આપણા દેશમાં કેટકેટલા માનવપ્રવાહો આવ્યા! બધાય આ દેશના માનવોના મોટા મહેરામણમાં મળીને એકરૂપ થઈ ગયા. આવી ઊંડી સમન્વયકારી સંસ્કૃતિનો વારસો આપણને હિંદનો નાગરિક બનાવે છે. ગાંધીજીનું પ્રૌઢ શિક્ષણ એ વિરાટ ને ઉચ્ચ વારસા અંગે દેશના સર્વ પ્રૌઢોને સભાન કરવા માગતું હતું. તેથી આપણે પ્રૌઢ શિક્ષણના રચનાત્મક કાર્યક્રમને રાજકારણના મથાળા હેઠળ ગણાવ્યું. ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમના એક ભાગ તરીકે જ્યારે પ્રૌઢ શિક્ષણની વાત કરી ત્યારે એમણે પોતાની એવી માન્યતા વ્યક્ત કરી હતી કે આવી લોકચેતના જગાડનાર કાર્યક્રમની સામે બ્રિટિશ સરકારનો પણ આડા આવવાનો કાળ વહી ગયો હતો. છતાં એમણે તો એટલે સુધી સૂચવ્યું હતું કે ધારો કે સરકાર એવી દખલગીરી કરે તો લોકોને સાચી કેળવણી આપવાના આ મૂળ હક સારુ લડી લેવું જોઈએ. કારણ કે હક વિના સ્વરાજ મળવાનું નથી. દેશને એક કરીને સાચા અર્થમાં સ્વરાજ મેળવવાના કાર્યક્રમમાં ગાંધીજીને જે લોકોના સહકારની જરૂર હતી તે હતાં સ્ત્રીઓ, કિસાન, મજૂર અને વિદ્યાર્થીઓ. એટલે એ બધા વચ્ચે કામ કરવાનો પણ તેમણે રચનાત્મક કામોમાં સમાવેશ કર્યો હતો. આ લોકોમાં જાગૃતિ અને ચેતના લાવવાનો ગાંધીજી પાસે એક સચોટ ઉપાય હતો: રાષ્ટ્રીય આઝાદીની ચળવળમાં એમને ભેળવવાનો. આ બધાં ક્ષેત્રોમાં આપણે કામ કરવું જોઈએ એવી સલાહ તેમણે કૉંગ્રેસને આપી હતી. દરેક ક્ષેત્ર કોઈ વિભાગ, કોઈ કેન્દ્ર કે કોઈ જવાબદાર વ્યક્તિને સોંપીને તેની મારફત આ બધાં વચ્ચે કાંઈક ને કાંઈક લોકશિક્ષણ, સંગઠન અને નિર્માણની પ્રવૃત્તિ ચાલે એ પણ તેમનું સૂચન હતું. આ બધા વર્ગોમાં કામ કરતી વખતે ગાંધીજીએ કેટલાક સ્વૈચ્છિક નિયમનો સ્વીકારવાનો આગ્રહ રાખ્યો હતો. દાખલા તરીકે વિદ્યાર્થીઓ કોઈ પક્ષાપક્ષીના રાજકારણમાં ન પડે એમ તેઓ ઇચ્છતા. હડતાળો વગેરેના પણ ગાંધીજી સામાન્યપણે સમર્થક નહોતા. કોઈ મોટી રાષ્ટ્રીય ચળવળ આવી પડે તો બધું છોડીને યાહોમ કરીને તેમાં ઝંપલાવવાની તેઓ સલાહ આપતા, પણ સામાન્ય દિવસોમાં તેઓ કિસાનો, મજૂરો કે વિદ્યાર્થીઓને અહિંસક ચળવળના ઇતિહાસનો અભ્યાસ કરી અહિંસા દ્વારા કામ કરવાથી કેવાં ધીમાં પણ સ્થાયી મહત્ત્વનાં પરિણામો આવે છે, તે સમજવાની સલાહ આપતા અને કૉંગ્રેસ કાર્યકરોને આ વર્ગોના પ્રશ્નો લઈને તેને શાંતિમય રીતે ઉકેલતા જતાં તેમનામાં જાગૃતિ લાવવા પ્રેરતા. ’૩૦-’૩૨નાં મોટાં આંદોલનોએ હિંદની સ્ત્રીઓમાં તો અભૂતપૂર્વ જાગૃતિ લાવી દીધી હતી. સ્ત્રીઓનાં કામને રચનાત્મક કાર્યક્રમનો એક ભાગ ગણીને ગાંધીજી કૉંગ્રેસને હંમેશા સ્ત્રીઓનાં કામો કરવાની જવાબદારી સોંપવા માગતા હતા. ત્યાર સુધી કૉંગ્રેસ અધિવેશનો વખતે મહિલા સ્વંયસેવિકાઓ તૈયાર કરીને કૃતાર્થતા અનુભવતી હતી. તેને બદલે મહિલાઓના પ્રશ્નોમાં વધુ રસ લઈ સ્ત્રીઓને પુરુષોની બરાબરીનું કામ સોંપવાનો ગાંધીજીનો પ્રયાસ હતો. આ બાબત એમણે જે સફળતા મેળવી હતી તે કાંઈ નગણ્ય નહોતી. પણ દેશની વિશાળતા અને આખા દેશની અરધોઅરધ વસ્તી સ્ત્રીઓની હતી એ જોતાં ઘણું કામ કરવાનું બાકી પણ હતું. રચનાત્મક કાર્યક્રમોના સામાજિક પાસામાં પણ ફરી પાછા કોમી એકતા અને અસ્પૃશ્યતા નિવારણનાં કામો આવે, તે ઉપરાંત જાતિવ્યવસ્થા પર આઘાત કરવો, આદિવાસીઓની સેવા અને સ્ત્રીઓના શિક્ષણનો કાર્યક્રમ પણ આ મથાળા હેઠળ જ આવી શકે. રચનાત્મક કામ દ્વારા ગાંધીજી સામાજિક ક્ષેત્રમાં સમાનતા લાવવા માગતા હતા. ભારતમાં સામાજિક ક્ષેત્રે અસમાનતાનું સૌથી માઠું લક્ષણ હતું અસ્પૃશ્યતા. સમાજનો આ રોગ એટલો જૂનો હતો કે એનો આરંભ ક્યારે થયો એ કહેવું પણ લગભગ અશક્ય હતું. કેટલાક માનતા હતા કે જાતિવ્યવસ્થા વર્ણવ્યવસ્થામાં પાછળથી ઘૂસી ગયેલી વિકૃતિ છે. કેટલાકનું અનુમાન હતું કે અલગ અલગ જાતિઓ એનાથી પણ પહેલાં હતી અને પછી સમાજને વ્યવસ્થિત કરવા સારુ વર્ણવ્યવસ્થા ઊભી કરવામાં આવી હશે. એ જે હોય તે. પણ એ તો એક બદનસીબ હકીકત હતી કે ભારતમાં અસ્પૃશ્યતા ઘર કરી ગઈ હતી. માણસ માણસ વચ્ચે ભેદભાવ હોય એ ગાંધીજીને મન અસહ્ય વાત હતી. તેથી સાવ નાનપણમાં જ એમણે પોતાની વહાલી માની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પણ આભડછેટનો અસ્વીકાર કરેલો. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યાર પછી દેશોમાં અનેક વાર પ્રવાસો કર્યા. ત્યાં એમણે જોયું કે દેશના કેટલાક ભાગોમાં તો આભડછેટ માત્ર અમુક વર્ગને ન અડવાથી જ અટકી જતી નહોતી. પણ અમુક જાતિના લોકોની છાયા પણ ઉચ્ચ કહેવાતી જાતિના લોકો પર પડવી ન જોઈએ એટલે સુધી પહોંચી ગઈ હતી. ‘અસ્પૃશ્ય’ કહેવાતા લોકોની દુર્દશા જોઈને ગાંધીજીનું હૃદય દ્રવી ઊઠતું હતું. કોચરબમાં આશ્રમ સ્થાપ્યા પછી તેમણે એક ‘અસ્પૃશ્ય’ કુટુંબને આશ્રમમાં દાખલ કર્યું હતું અને તેને લીધે અમદાવાદના શ્રેષ્ઠી સમાજનો આર્થિક બહિષ્કાર પણ ભોગવ્યો હતો. ‘અસ્પૃશ્ય’ કહેવાતા લોકોમાંથી કેટલાક લોકો જે કામ કરતા તે સમાજને ચોખ્ખો રાખવાનું કામ હતું. પણ છતાં એ કામ કરનાર ગંદા મનાતા. એ હકીકત જોઈ ગાંધીજી ધ્રુજી ઊઠ્યા હતા. તેથી તેમણે કૉંગ્રેસને અહિંસાને રસ્તે સ્વરાજ મેળવવાના માર્ગ તરીકે જે રચનાત્મક કાર્યક્રમ સુઝાડ્યો તેમાં અસ્પૃશ્યતા નિવારણને મોખરાનું સ્થાન આપ્યું હતું. તેમનું માનવું હતું કે અસ્પૃશ્યતા એ હિંદુધર્મને લાગેલું કલંક છે. અને સવર્ણ હિંદુઓએ તેનું પ્રાયશ્ચિત કરી એ કલંક ધોવું જ જોઈએ. અસ્પૃશ્ય કહેવાતા લોકોને તેમણે મુડદાલ માંસ ન ખાવાની સલાહ આપી અને શહેરો ને કસ્બાઓમાં મેલાનો ટોપલો માથે ઉપાડવાનો રિવાજ હતો તેનો સખત વિરોધ કર્યો. તેમણે કૉંગ્રેસજનોને સલાહ આપી કે અસ્પૃશ્યતાને વળગી રહેનારા સનાતની લોકો પાસે લડવાના જુસ્સાથી નહીં, પણ અહિંસાને છાજે તેવી મિત્રાચારીની લાગણીથી પહોંચવું જોઈએ. એકોએક હિંદુએ અસ્પૃશ્યતાના કહેવાતા કામને પોતાનું માનીને તેમને મદદગાર થવું જોઈએ અને તેમના અળગાપણામાં તેમની પડખે રહેવું જોઈએ. ગાંધીજીએ સાવ શરૂઆતથી જ એ વાત પર ભાર મૂક્યો હતો કે અસ્પૃશ્યતા નિવારણનું કામ એ કોઈ રાજનૈતિક ચળવળ નથી. પણ મનુષ્ય માત્રને ખરા દિલથી એક માનવાની ધાર્મિક કે આધ્યાત્મિક ચળવળ છે. દુર્ભાગ્યે સ્વરાજ પ્રાપ્તિ પહેલાં અને ત્યારબાદ પણ આ કામને એક રાજકીય સ્વરૂપ અપાયું હતું. અને તેમને સારુ સમાજના અલગ અલગ ક્ષેત્રોમાં સ્વીકારાયેલી અનામતની વ્યવસ્થાને પણ એના ટેકેદારો અને વિરોધીઓ બંનેએ માત્ર વોટ મેળવવાનું સાધન જ માન્યું. આધુનિક યુગમાં રાજા રામમોહન રાયથી માંડીને ગાંધીજી સુધી જ્ઞાતિવ્યવસ્થા પર જે પ્રહારો થયા હતા, અને જેને લીધે એ શિથિલ પણ થઈ હતી, તેને સ્વરાજ પછીની આપણી ચૂંટણીની પદ્ધતિએ માત્ર જીવતદાન આપ્યું એટલું જ નહીં પણ એને વધુ વકરાવી. સમાજમાં ભેદભાવ પેદા કરનાર બીજું મોટું તત્ત્વ હતું કોમી ભેદભાવ. ગાંધીજીએ પોતાના જીવના જોખમે પણ એનો સતત વિરોધ કર્યો હતો એ સૌ કોઈ જાણે છે. આપણા સમાજમાં રહેલા ભેદભાવો વધારનારાં તત્ત્વો, અને એ તત્ત્વોને ટેકો આપી પોતાનું રાજકારણ ચલાવનાર સરકારે આ ભેદભાવોને પોષ્યા. આપણા સમાજમાં જુદા જુદા સાંપ્રદાયિક તત્ત્વોએ સ્વરાજ પહેલાં અને તે પછી પણ કોમી ભેદભાવના ઝેરને સતત યોજનાપૂર્વક વધાર્યું અને એનો રાજનૈતિક ફાયદો ઉઠાવવા પ્રયત્ન કર્યો. એક સુસંવાદી સમાજ બનાવવાની આડે આવતું આ કદાચ સૌથી મોટું તત્ત્વ રહ્યું છે. ગાંધીજીની આદિવાસીઓની સેવાના કામને રચનાત્મક કાર્યક્રમમાં સ્થાન આપીને દેશની ભીતરી સુસંવાદિતાને દૃઢ કરવાનો એક બીજો માર્ગ બતાવ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે આ પ્રકારની તમામ સેવાઓ કેવળ માનવતા પ્રેરિત નથી, પણ સંગીન રાષ્ટ્રસેવા યે છે અને સાચા અર્થમાં અહિંસક સમાજની દિશામાં જનારું કામ છે. ખુદ ગાંધીજી પણ આખા દેશના આદિવાસીઓની દશાથી એટલા વાકેફ નહોતા, જેટલા એમના એક આજીવન સાથી ઠક્કરબાપા હતા. ઠક્કરબાપાએ આદિમ જાતિ સેવા સંઘ મારફતે ઉપાડેલા કામને ગાંધીજીએ ટેકો આપ્યો હતો અને કૉંગ્રેસ સંસ્થાનું એ તરફ ધ્યાન ખેંચ્યું હતું કે આ કામ માનવતાનું તો છે જ, પણ રાષ્ટ્રની એકાત્મતાને માટે પણ અત્યંત જરૂરી છે. ગાંધીજી એ બરાબર જાણતા હતા કે કોઈ પણ સમાજની કરોડરજ્જુ એના નાગરિકોનું શિક્ષણ છે. તેથી લાંબા અનુભવને અંતે, તેમણે પોતાના સપનાના અહિંસક સમાજને સારુ એક શિક્ષણ વ્યવસ્થા પણ કલ્પી હતી અને વર્ષો સુધી એને અજમાવી પણ જોઈ હતી. રચનાત્મક કાર્યોમાં પણ તેમણે શિક્ષણને અગત્યનું સ્થાન આપ્યું હતું. સમાજના શૈક્ષણિક પાસામાં ગાંધીજીએ જન્મથી મરણ સુધીની નઈ તાલીમ, માતૃભાષા, રાષ્ટ્રભાષા, આરોગ્ય અંગેનું શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણ એટલા કાર્યક્રમોને સ્થાન આપ્યું હતું. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પોતાનાં બાળકોની કેળવણીના પ્રશ્નથી શિક્ષણના ક્ષેત્રમાં રસ લેવા માંડ્યો હતો. ફિનિક્સ વસાહત અને ટૉલ્સ્ટૉય વાડીમાં તેમણે શિક્ષણ વિષે ઊંડું ધ્યાન આપ્યું હતું. સાબરમતીમાં તેમણે આશ્રમી શાળા જ ચલાવી હતી. અને કૉંગ્રેસે જ્યારે વિદ્યાલયો મહાવિદ્યાલયોનો બહિષ્કાર જાહેર કર્યો ત્યારે દેશભરમાં ઠેર ઠેર તેણે રાષ્ટ્રીય શિક્ષણ આપનારી વિદ્યાપીઠો ખોલી હતી. અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ જાતે કરી હતી. ૧૯૩૭માં જ્યારે દેશમાં પ્રાંતિક સ્વરાજ આવ્યું ત્યારે ગાંધીજીએ વર્ધામાં શિક્ષણમાં રસ ધરાવનારા લોકોનું એક સંમેલન બોલાવ્યું હતું અને તેમાં શિક્ષણ અંગેની પોતાની કલ્પના રજૂ કરી હતી. ૧૯૩૭માં હરિપુરાની મહાસભા વખતે કૉંગ્રેસે શિક્ષણ અંગેના ગાંધીજીના મૂળ વિચારને સ્વીકારીને તેને ચાલના આપવા હિંદુસ્તાની તાલીમી સંઘ નામની સંસ્થા સ્થાપી હતી. પ્રાંતીય સરકારોના અમલ દરમિયાન ઘણાં રાજ્યોની સરકારોએ પોતાના પ્રાંતોમાં શિક્ષણ વિભાગમાં નઈ તાલીમની કલ્પનાનો સ્વીકાર કરીને એને અમલમાં મૂકવાનો આરંભ કર્યો હતો. નઈ તાલીમની મૂળ કલ્પના એ છે કે બાળકોનું શિક્ષણ એમના જીવન સાથે જોડાયેલું હોવું જોઈએ. તે શિક્ષણ બાળકોનાં શરીર, મન અને આત્મા ત્રણેના વિકાસ સારુ હોવું જોઈએ. ગાંધીજીને મૂળ વિશ્વાસ એ હતો કે દરેક બાળકમાં અપાર શક્તિઓ અને શક્યતાઓ પડેલી હોય છે. શિક્ષણનું કામ આ શક્તિઓને બહાર લાવવાનું છે. શિક્ષણ એટલે માત્ર માહિતી જ નહીં, પણ જ્ઞાનને પચાવવું, આજકાલના શિક્ષણમાં બાળક લખવા સારુ પોતાનાં ત્રણ આંગળાં વાપરે છે. જો બાળક પ્રત્યક્ષ કામનો અનુભવ લે તો એનાં દસે આંગળાં વાપરવાનો એને લાભ મળે. બાળક જે ઘર, ગામ ને સમાજમાં તે મોટું થાય છે તેની સાથેના દરેક પ્રકારના વ્યવહાર પણ તેને શિક્ષણ અપાવનાર થઈ પડે. જે વિશાળ પ્રકૃતિ વચ્ચે એ ઊછરે છે, તે તો એને પ્રતિક્ષણ શિક્ષણ આપી શકે એમ છે. તેથી નઈ તાલીમે ઉદ્યોગ, સમાજ અને પ્રકૃતિને શિક્ષણનાં મોટાં માધ્યમો માન્યાં છે. જીવનના અનુભવોને આધારે જ્ઞાન મેળવવાની ક્રિયાને નઈ તાલીમ અનુબંધ કહે છે. અનુબંધ જીવન અને જ્ઞાનનો મેળાપ કરી આપે છે. ગાંધીજીના શિક્ષણ સંબંધી આ વિચારોએ દેશ અને દુનિયાના શિક્ષણશાસ્ત્રીઓનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. શિક્ષણશાસ્ત્રના છેલ્લામાં છેલ્લા સિદ્ધાંતો સાથે તે વિચારો બંધબેસતા આવતા હતા. ગાંધીજીના વિચારોને આધારે શિક્ષણના વિવિધ પ્રકારના પ્રયોગો કરતા લોકોએ જુદી જુદી ઉંમર અને જ્ઞાન-મર્યાદા અનુસાર તેમાં ઊંડા ઊતરી એ અંગેની ઘણી વિગતો પણ વિચારી કાઢી. શરૂઆતમાં ગાંધીજીના શિક્ષણ વિચારો પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે અજમાવાયા. એ કેળવણીને પાયાની કેળવણી અથવા બુનિયાદી તાલીમ કહેવામાં આવી. આ વિચારનો વિકાસ થતાં થતાં તેમાં પૂર્વ બુનિયાદી, બુનિયાદી, ઉત્તરબુનિયાદી અને ઉત્તમબુનિયાદી કે ઉચ્ચશિક્ષણ એવી શ્રેણીઓ આલેખાઈ. રચનાત્મક કાર્યક્રમ બુનિયાદી તાલીમનાં આ બધાં ક્ષેત્રોને આવરી લે છે. શિક્ષણ ક્ષેત્રે રચનાત્મક કામોનું બીજું એક અંગ એમ તો નવા જૂના બધા શિક્ષણને લાગુ પડે છે. પણ દેશની તે કાળની પરિસ્થિતિ જોઈ ગાંધીજીએ તેની ઉપર વિશેષ ધ્યાન આપ્યું હતું. આજે સ્વરાજ પછી અર્ધી સદી વીતી ચૂકી છે ત્યારે એનું મહત્ત્વ ગાંધીજીના કાળમાં હતું તેનાથી જરાય ઓછું નથી. રચનાત્મક કાર્યક્રમની સૂચિમાં ગાંધીજીએ પ્રાંતિક ભાષાઓ અને રાષ્ટ્રભાષાના બે અલગ અલગ કાર્યક્રમો રાખ્યા હતા. પ્રાંતિક ભાષા એટલે કે તે તે પ્રદેશના લોકોની માતૃભાષા તેના પર આપણા ભણેલા ગણેલા વર્ગે દુર્લક્ષ કીધું અને તેને પરિણામે એક બાજુ લોકો ભણેલાગણેલાથી છૂટા પડી ગયા અને પરિણામે વહેમો અને અંધશ્રદ્ધાના અંધારા હેઠળ રહ્યા. તો બીજી તરફ ભણેલાંગણેલાં લોકો પણ સામાન્ય જનતાથી અળગાં પડી ગયાં તેથી તેઓ દેશની નાડી પારખી શકતાં નથી, અને મોટેભાગે તો પરદેશી ભાષાની મારફત પરદેશના અનુકરણમાંથી બહાર નથી આવતાં. આપણે એ પણ સમજવું જોઈએ કે દેશની પ્રાંતિક ભાષાઓ સેંકડો વર્ષ જૂની અને કેટલીક તો હજાર કરતાં પણ વધારે વર્ષ જૂની સંસ્કૃતિનો વારસો સાચવે છે. એનો સંપર્ક તૂટી જાય તો એ સંસ્કૃતિ સાથેનો સંપર્ક પણ તૂટી જાય. નરસિંહ-મીરાં, તુલસી-સૂર, કબીર-નાનક દક્ષિણના સંતો અને કવિઓ, તત્ત્વજ્ઞાનીઓ, સૂફીઓ, વિજ્ઞાનના જાણકારો વગેરેના વારસા વિનાના આજકાલના ભણેલા ગણેલા લોકો એકડા વિનાના મીંડા જેવા થઈ રહે છે. સામાન્ય જનતાએ પણ એ સમજવું જોઈએ કે દુનિયાના બધા પ્રગતિશીલ દેશોમાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચશિક્ષણ સુધી તમામ શિક્ષણ માતૃભાષામાં જ અપાય છે. ભાષાઓ ગમે તેટલી શીખો ને જ્ઞાન ગમે ત્યાંથી મેળવો, પણ શિક્ષણનું માધ્યમ તો વિદ્યાર્થી સારુ જે ભાષા સૌથી સરળ ને સ્વાભાવિક છે તે જ હોવું જોઈએ. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી કાયમને માટે હિંદુસ્તાનમાં વસવા આવ્યા ત્યારે તેમણે જોયું કે અહીં દરેક ભણેલોગણેલો માણસ અંગ્રેજીમાં બોલવા કે લખવામાં પોતાની મોટાઈ સમજે છે. ગાંધીજીએ આગ્રહપૂર્વક એમનામાંથી ઘણાને માતૃભાષામાં બોલતા કર્યા હતા. એક કાળે ગાંધીજીએ સ્થાપેલ ગૂજરાત વિદ્યાપીઠ માતૃભાષાની ઊંચામાં ઊંચી સેવા માટે જાણીતી હતી. દેશમાં રાષ્ટ્રભાષાની હાલત પણ દયાજનક હતી. ભણેલાંગણેલાં લોકો એ સમ્માન અંગ્રેજી ભાષાને જ આપતા હતા. અલગ અલગ ભાષા બોલનાર બે વ્યક્તિ ભેગી થાય તે અંગ્રેજીમાં જ વાતચીત કરે. કેટલાક જાણીતા ગાંધીજનો પણ રાષ્ટ્રભાષાના જ્ઞાનથી વંચિત હતા. ગાંધીજીએ દક્ષિણ ભારત હિંદી પ્રચાર સભા સ્થાપી ત્યાં લાખો તરુણ તરુણીઓને હિંદી શિખવાડ્યું. પોતાના સૌથી નાના પુત્ર દેવદાસને તેમણે તે કામ માટે જ દક્ષિણ ભારત મોકલ્યા હતા. દુનિયાના વીસેક જેટલા દેશોમાં તે તે દેશોના એક મોટા જૂથ દ્વારા હિંદી બોલવામાં આવે છે. ભારતમાં કરોડો લોકો હિંદી બોલે છે અને બીજા કરોડો હિંદી સમજે છે. તે છતાં સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ હજી હિંદીને અંતર્રાષ્ટ્રીય ભાષાનું ગૌરવ પ્રદાન નથી કર્યું. ભારતીય લોકો વચ્ચે ગાંધીજીએ પોતાની ભાંગીતૂટી હિંદીમાં જ બોલવાનો આગ્રહ રાખ્યો હતો. પરિણામે આપણા દેશમાં રાષ્ટ્રભાષાનું પ્રચલન વધ્યું હતું. દુર્ભાગ્યે સ્વરાજ પછી રાષ્ટ્રભાષાના વહેવારનો આગ્રહ ઘટી ગયો હતો. પરિણામે દિલ્હી જેવા શહેરોમાં, જ્યાં ભાષા હિંદી જ છે, ત્યાં પણ અંગ્રેજીમાં વ્યવહાર કરનારને વધુ પ્રતિષ્ઠા આપવામાં આવે છે. સામાન્ય રીતે દરેક દેશને એક રાષ્ટ્રભાષા હોય છે. આપણા દેશમાં ઘણી એવી ભાષાઓ છે કે જેની પાસે ભવ્ય સાહિત્યિક વારસો છે. પણ બંધારણે આંતર્ પ્રાદેશિક વહેવારોમાં રાષ્ટ્રભાષાને બે ભાષાઓને સાંકળનાર ભાષા ગણી છે. પરંતુ અહીં પણ અંગ્રેજી ભાષાનો ઉપયોગ જ વધારે થાય છે. રાષ્ટ્રભાષા અંગે ગાંધીજીની શીખ સ્વરાજ પહેલાં અને ખાસ તો સ્વરાજ પછીયે બહેરા કાને પડી છે. આખા દેશના વહેવારને સમજવામાં અને આખા દેશમાં એકાત્મનું વાતાવરણ સર્જવામાં આ હકીકત બહુ મોટી બાધા નાખે છે. રચનાત્મક કામમાં શિક્ષણને સ્પર્શે તેવો કાર્યક્રમ તંદુરસ્તીના નિયમોની કેળવણીનો છે. આપણા દેશમાં આરોગ્ય સુધારમાં આડે આવતું કોઈ મોટું તત્ત્વ હોય તો આપણા સામાન્ય નાગરિકનું સફાઈ, શરીર વિજ્ઞાન, આરોગ્ય વગેરે અંગેનું અજ્ઞાન. માતાઓના શિક્ષણને અભાવે આપણે ત્યાં બાળમરણનું પ્રમાણ ખૂબ ઊંચું છે. સુવાવડ અને બીજા સ્ત્રીઓના રોગોને લીધે જુવાન સ્ત્રીઓના મરણનું પ્રમાણ પણ ઊંચું છે. સફાઈ અંગે અજ્ઞાન અને નિષ્કાળજીને લીધે મહામારીઓમાં મરનારાઓનું પ્રમાણ પણ વધારે છે. બહારથી કોઈ પણ આવનાર અતિથિને આપણી આ રાષ્ટ્રીય કમજોરીઓ તરત દેખાઈ આવે છે. અહીં રહેનારા લોકોને મન જ્યાં ત્યાં થૂંકવું, કે ગામના પાદર પર જ મળ વિસર્જન કરવું, એ રોજની આદત થઈ ગઈ હોય. પણ આ બધી માઠી ટેવો છે એ વાત તરફ ગાંધીજી આ કાર્યક્રમ દ્વારા ખાસ ધ્યાન આકર્ષિત કરવા માગતા હતા. નશાબંધી, ગોસેવા અને રક્તપીતિયાઓની સેવા એવા કાર્યક્રમો છે, જેને આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ ગણાવી શકીએ. કવિ રવીન્દ્રનાથ ટાગોરે એક જગાએ પશ્ચિમના અને હિંદના મજૂરોની સરખામણી કરતાં એક માર્મિક વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે પશ્ચિમનો મજૂર આખા દિવસના શ્રમ પછી થાકે છે ત્યારે દારૂના પીઠામાં જઈને પોતાનો થાક ઉતારે છે, ભારતનો મજૂર મંદિરમાં જઈને ભજન ગાઈને થાક ઉતારે છે ! જો આ વાત સોએ સો ટકા સાચી હોત તો કેવું સારુ થાત ! પણ દુ:ખનો વિષય છે કે ભારતમાં માત્ર શ્રમિકોને જ નહીં, પણ કેટલાક તો બિલકુલ શ્રમ ન કરનારાને પણ પીઠાની યાદ આવે છે. લગભગ બધા ધર્મોએ નશો કરાવનાર વ્યસનોની વિરુદ્ધ માણસને ચેતવ્યો છે, પણ હજી સુધી એ ચેત્યો નથી. દુર્ભાગ્યે ભણેલાંગણેલાં, ધનવાન અને સમાજમાં આગળ પડતું સ્થાન ધરાવનારાં કેટલાક લોકો, મોંઘા દાટ દારૂ પીવાને પ્રતિષ્ઠાનો વિષય માનતા થઈ ગયા છે. આ વ્યસનો માણસને શરીરે અને આર્થિક રીતે બરબાદ કરે છે. આ બાબતમાં ગાંધીજીની લાગણી એટલી તીવ્ર હતી કે તેમણે કહ્યું હતું કે તેમને જો થોડી વાર પૂરતા જ દેશના તાનાશાહ બનાવવામાં આવે તો તેઓ પહેલો કાયદો દારૂબંધીનો કરે ! પરંતુ દારૂબંધી અંગે કદાચ સૌથી મોટી ભૂલ એ થઈ છે કે એને અમલમાં લાવવા સારુ કેટલીક સરકારોએ કાયદા, પોલીસો અને બીજા સરકારી તંત્રનો જ ઉપયોગ કર્યો છે. એને સારુ જ્યાં જ્યાં વ્યાપક જન-આંદોલનો થયાં છે. ત્યાં ત્યાં આ કાર્યક્રમને સારી સફળતા મળી છે. ગોસેવાના કાર્યક્રમને આપણે સાંસ્કૃતિક કાર્યક્રમોના મથાળા હેઠળ એટલા સારુ સામેલ કરી કે એમાં ભારતીય સંસ્કૃતિનું એક મહાન લક્ષણ વ્યક્ત થાય છે. ભારતીય સંસ્કૃતિ બહુજન હિતાયથી આગળ સર્વભૂત હિતેરતા: સુધી જાય છે. એણે માન્યું છે કે મનુષ્ય આખી પ્રકૃતિનું એક અવિભાજ્ય અંગ છે. સૃષ્ટિ સાથે સંબંધ સ્થાપવા અહીંના લોકોએ મનુષ્યેતર સૃષ્ટિમાંથી ગાયને એક પ્રતીક તરીકે પસંદ કરી છે. ગાયને ભારતીય કિસાન પોતાના પરિવારનું એક મહત્ત્વનું અંગ-માતા ગણે છે. એમ તો સૃષ્ટિના આખા ચક્રના એક ભાગ તરીકે આપણે ગાયનો વિચાર આર્થિક કાર્યક્રમોમાં કરી ગયા. પણ સાંસ્કૃતિક દૃષ્ટિએ ગોસેવા દ્વારા ભારતીય નાગરિક આખી સૃષ્ટિની સાથે પોતાનો સ્નેહનો નાતો જોડે છે. રક્તપિત્તના દરદીઓ જોડે સેંકડો વર્ષોથી એવો વ્યવહાર થયો છે કે જાણે એ લોકો માણસ જ ન હોય. એમની જોડે સ્નેહ, સેવા અને કરુણાના ભાવ જોડી માણસ પોતાને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઉપર ચડાવે છે. જો અહિંસક સમાજ સ્થાપવો હશે તો માણસે કરુણા, સ્નેહ અને સેવાના સંબંધો સ્થાપવા પડશે. એવા સમાજમાં માણસે પોતાનાથી નબળાંનો, આર્થિક રીતે કમજોરનો, શારીરિક રીતે રોગિષ્ટનો, વ્યસનોથી બરબાદ થતા લોકોનો વિચાર કરવો પડશે. એટલું જ નહીં પણ એણે આખી સૃષ્ટિના સેવક પણ બનવું પડશે. કારણ સૃષ્ટિનું કેવળ શોષણ કરનાર માણસ લાંબા ગાળા સુધી ટકી નહીં શકે એ હવે તો વિજ્ઞાને પુરવાર કરી દીધું છે. આઝાદીના આંદોલન વખતે રચનાત્મક કાર્યક્રમો આખી ચળવળની વ્યૂહરચનાના ખૂબ ઉપયોગી ભાગરૂપ થઈ પડતા હતા. દરેક મોટી ચળવળ (૧૯૧૯-૧૯૨૧, ૧૯૩૦-૩૨, ૧૯૪૨-૪૪) પછી ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો પર વિશેષ ભાર દીધો હતો. અસહકાર આંદોલન પછી તેમણે પ્રથમ રચનાત્મક કાર્યક્રમના ત્રણ કાર્યક્રમો આપ્યા, મીઠાના કાયદાનો ભંગ અને સવિનયભંગનો રાષ્ટ્રીય કાર્યક્રમ, પછી તેમણે ગ્રામોદ્યોગ સંઘ તથા હિન્દુસ્તાની તાલીમી સંઘની સ્થાપના કરી. ભારત છોડો આંદોલન પછી તેમણે ખાદીના નવસંસ્કરણ અને સમગ્ર-ગ્રામસેવાની વાત કરી. આ ઉપરથી એ સ્પષ્ટ જણાઈ આવે છે કે ગાંધીજીના મનમાં અસહકાર કે સવિનયભંગના આંદોલનો સાથે આ કાર્યક્રમો જોડાયેલા હતા. તે તેમની આખી વ્યૂહરચનાના ભાગ સમાન હતા. આઝાદીની અહિંસક લડાઈના ભાગ તરીકે રચનાત્મક કાર્યક્રમો નીચેનો મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતા: ૧. ઉપરઉપરથી શાંત પડી ગયેલા આંદોલનને આ કાર્યક્રમો દ્વારા સક્રિય બનવાનો મોકો મળતો. ૨. આ કાર્યક્રમો દ્વારા કાર્યકર્તાઓને તે દૂર દૂરનાં ગામડાંઓ સુધી લઈ જતા, જેથી આઝાદીની લડાઈ સારુ એક વિશાળ પાયો રચાતો અને ઠેર ઠેર નવાં થાણાં ઊભાં થઈ જતાં. ૩. વારંવાર જેલમાં જઈને થાકેલા કાર્યકર્તાઓને તેનાથી થોડો આરામ મળી જતો. ૪. અહિંસક આંદોલન વિષે ઊંડું ચિંતન કરનારા ગાંધીજીના સાથીઓને એનાથી ચિંતન-મનન કરવાનો અવસર મળતો. ગાંધીનો રચનાત્મક કાર્યક્રમ એક અહિંસક સમાજ રચવાનો કાર્યક્રમ છે. આર્થિક દૃષ્ટિએ તેમાં વિકેન્દ્રિત વ્યવસ્થા છે, જેને લીધે ઉત્પાદન અને ઉપભોગનાં સ્થળો વચ્ચે સામીપ્ય હોય. એને લીધે વચલી ક્રિયાઓનો સમય અને ખર્ચ બચે તથા વચેટિયાઓ શોષણ કરતા અટકે. રાજનૈતિક દૃષ્ટિએ એમાં એવી વ્યવસ્થા છે કે જ્યાં સમાજના ઘણાખરા સભ્યોની પોતાની વ્યવસ્થા કરવામાં ભાગીદારી હોય. એ રાજનૈતિક રીતે નાના નાના એકમોમાં અને જવાબદારીઓની વ્યાપક વહેંચણીમાં જ શક્ય બને. એ સમાજરચનામાં શૈક્ષણિક રીતે દરેક નાગરિકને માત્ર પોપટિયું જ્ઞાન આપીને સંતોષ નહીં માનવામાં આવે. પણ ત્યાં દરેક વ્યક્તિ યોગ, ઉદ્યોગ અને સહયોગ દ્વારા પોતાના શરીર, મન અને આત્માનો વિકાસ કરશે. સાંસ્કૃતિક રીતે તેમાં દરેક નાગરિક સ્નેહ, કરુણા, સેવા જેવાં મૂલ્યો દ્વારા ઉપર ઊઠશે અને પ્રકૃતિની ઉપાસના દ્વારા તે એની જોડે સંવાદિતા સાધશે. ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો અંગે પોતાની પુસ્તિકા તો કૉંગ્રેસ કાર્યકર્તાઓને એ કામોમાં પ્રવૃત્ત કરવાના આશયથી લખી હતી. તેમણે જ્યારે એ પુસ્તિકા લખી ત્યારે આ દેશ સ્વતંત્ર નહોતો થયો. તેથી તેમણે ઘણી બાબતો આઝાદીના આંદોલનના સંદર્ભમાં સમજાવી હતી. વળી તેમણે તે વખતે જે ટૅક્નૉલોજી-યંત્રોદ્યોગ શાસ્ત્ર પ્રચલિત હતાં તેનો ખ્યાલ રાખી તથા ભારતની તે વખતની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા કાર્યક્રમો સુઝાડ્યા છે. રાજનૈતિક દૃષ્ટિએ દેશ ગુલામ હતો, અને ગુલામીને કાઢવામાં બે ચીજોથી ભારે મુશ્કેલી આવતી હતી; એક તો સામાન્ય જનતામાં ચેતનાનો અભાવ અને બીજું-સમાજના ભેદભાવો. તેથી ગાંધીજીના રાજનૈતિક ક્ષેત્રના રચનાત્મક કાર્યક્રમો આ વિધ્નોને દૂર કરવાના કાર્યક્રમો હતા. શિક્ષણ ક્ષેત્રે ગાંધીજીને સાફ દેખાતું હતું કે ચાલુ શિક્ષણ તો ગુલામ માનસવાળા નોકરિયાત જ પેદા કરે છે અને આખી શિક્ષણવ્યવસ્થા જીવનથી વિખુખ હતી. તેથી તેમણે પોતાના પગ પર ઊભા રહે તેવા અને જીવનના પ્રશ્નોને ઉકેલવામાં સક્ષમ બને તેવા નાગરિકો પેદા કરવાની તાલીમની કલ્પના કરી હતી. ‘રચનાત્મક કાર્યક્રમ-એનું રહસ્ય અને સ્થાન’ નામની પુસ્તિકા લખ્યા પછી પણ ગાંધીજીએ એ જણાવ્યું હતું કે રચનાત્મક કાર્યક્રમોની આ કોઈ આખરી સૂચિ નથી. સમય બદલાતો રહેશે તે મુજબ એમાં અવશ્ય સુધારાવધારા થશે. ગાંધીજીએ જે ઉદ્યોગોનો ઉલ્લેખ કર્યો છે તે દરેકમાં વર્ષો સુધી જાતજાતના પ્રયોગ થતા રહ્યા, અને તેઓ જાતે પણ એવા પ્રયોગોમાં રસ લેતા. આ ઉદ્યોગોની ટેક્નૉલોજી બદલાઈ શકે. શિક્ષણની પદ્ધતિ અંગેના નવા નવા પ્રયોગ થઈ શકે. રાજનૈતિક વ્યવસ્થામાં જરૂરિયાત મુજબના ફેરફાર થઈ શકે. એ બદલાયેલા સ્વરૂપમાં પણ એને આપણે રચનાત્મક કામ કહી શકીશું, જો તે કાર્યક્રમો: ૧. લોકોની શક્તિ વધારવામાં મદદ કરતા હોય; ૨. તેનાથી સમાજ અહિંસાની દિશામાં આગળ જાય છે તેવી આપણને ખાતરી હોય, અને ૩. જો એ પ્રકૃતિ અને પર્યાવરણને જાળવતા હોય. આજે રાજનૈતિક ગુલામીમાંથી મુક્તિ માટેનું આંદોલન પૂરુ થયું છે. પણ અહિંસક સમાજરચના હજી ઘણી છેટી છે. એને સારુ પાયો બનાવવા રચનાત્મક કામનાં થાણાં ઠેકઠેકાણે આજે પણ મોજૂદ છે. જેટલે અંશે આ કાર્યક્રમો લોકોની સ્વતંત્ર અહિંસક શક્તિ વધારવામાં સફળ થાય; માનવની સારપમાં અને જગતની મંગળ ગતિમાં વિશ્વાસ વધારવામાં એ સફળ થાય તેટલે અંશે તે રચનાત્મક કેન્દ્રો જ છે. ભલે એ ગાંધીના નામ સાથે જોડાયેલાં હોય કે ન હોય.

***
વાંચો: સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૬ — અસ્પૃશ્યતા નિવારણ