સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૬ — અસ્પૃશ્યતા નિવારણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘સૌના ગાંધી’ શ્રેણી

સૌના ગાંધી શ્રેણી - ૧
પુસ્તક - ૬



Sauna Gandhi title 06.jpg


અસ્પૃશ્યતા નિવારણ

નારાયણ દેસાઈ


Gujarat Vidyapith (emblem).png



પ્રકાશન વિગત


ભારતના સ્વરાજ અંગેનું ગાંધીજીનું સપનું હિંદને અંગ્રેજોની ઝુંસરી નીચેથી મુક્ત કરીને અટકતું નહોતું, એ સપનું રાજનૈતિક સ્વરાજ સાથે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સ્વરાજનું પણ હિમાયતી હતું. પોતાના મરણના આગલા દિવસે પણ ગાંધીજીએ લખ્યું હતું કે આર્થિક અને સામાજિક આઝાદી વિનાની આઝાદી અધૂરી છે. જેમ ગુલામીને તેઓ સાંખી લેવા તૈયાર નહોતા તેમ જ તેઓ ગરીબી, ભૂખમરો, આર્થિક વિષમતા કે સમાજમાં ઊંચનીચની ભાવના હોય તેને પણ સાંખી લેવા તૈયાર નહોતા. તેમાંયે અસ્પૃશ્યતાને તો એ હિંદુધર્મનું કલંક અને માનવતાની શરમ માનતા હતા. તેમણે લગભગ આખી જિંદગી અસ્પૃશ્યતાને કાઢવા સારુ પ્રયત્ન કર્યા હતા અને એકથી વધારે વાર અસ્પૃશ્યતાનિવારણના પ્રશ્ન અંગે પોતાની જિંદગીને હોડમાં મૂકી દીધી હતી. છેલ્લાં થોડાં વર્ષોથી દલિતોનો પ્રશ્ન એ લાગતા વળગતા પક્ષ સારુ મત મેળવવાનો પ્રશ્ન બન્યો છે. ગુજરાતમાં અનામત આંદોલન દલિતોને સારુ અનામત રાખેલી બેઠકોની નિમિત્તે ચાલ્યું હતું. એમાં બેઉ પક્ષે લોકોનાં મન ઊંચા થયાં હતાં. ઠીક ઠીક પ્રમાણમાં હિંસા થઈ હતી અને આખા સમાજનું વાતાવરણ ડહોળાઈ ગયું હતું. પરંતુ જરાક ઊંડા ઊતરીને જોઈએ તો એમાં બંને પક્ષોને અસ્પૃશ્યતાની નાબૂદી કે દલિતોના ખરા હિતની રક્ષા કરતાં સામસામે પક્ષે મત મેળવવાની ચિંતા જ વધુ હોય એમ લાગતું હતું. આ જ સંદર્ભમાં કેટલીક ચર્ચાઓ તો ઠેઠ લોકસભાના સ્તર સુધી પહોંચી હતી. કેટલાક આગેવાનોએ ગાંધીજીએ દલિતોના કલ્યાણ અર્થે કરેલા કામ અંગે જ શંકા ઉઠાવી હતી અને બીજા કેટલાક આગેવાનોએ એમનો તીવ્ર વિરોધ કર્યો હતો. ‘ગાંધીજીએ દલિતોને સારુ કાંઇ કર્યું નહીં’ એવો એક મત છે અને ‘ગાંધીજીએ દલિતોને નકામા ચડાવી માર્યા, કે ફટવી માર્યા’ એ બીજો મત છે. એમાંથી પહેલો મત, દલિતોની સ્થિતિ અંગે જોઈતો સુધાર હજીયે નથી થયો એને અંગેનો આક્રોશ સૂચવે છે. અને બીજો મત, ગાંધીજીએ કરેલા કામને લીધે પોતાના (ઉચ્ચ વર્ણના) હિતને આવેલી આંચને લીધે પેદા થયેલો ગુસ્સો સૂચવે છે. સત્યનો પથ લઈને તટસ્થ રીતે ચાલનારાને ઘણીવાર આમ બંને બાજુની ખફગી વહોરવી પડતી હોય છે. પણ બંને બાજુની ટીકા કરનારાઓને ગાંધીજીએ શું કર્યું કે શું ન કર્યું એ જ કહેવાનું છે. ગાંધીજી પોતે પણ પોતાને વિષે કહી ચૂક્યા છે કે ‘મારું જીવન એ જ મારી વાણી’. એટલે આ બાબત તો ગાંધીજી પણ ટીકાકારો જોડે સમ્મત થઈને કહેત કે ભાઈ, મારી વર્તણૂંક તપાસીને જ મારી પરીક્ષા લો. એમના વિચારો અંગેના મતભેદોને આપણે પાછળથી તપાસીશું. પહેલાં એમની વર્તણૂંકને જ તપાસીએ. અસ્પૃશ્યતા જવી જોઈએ એ બાબતના ગાંધીજીના વિચાર સાવ નાનપણથી જ પાકા થઈ ચૂક્યા હતા. એમણે કહ્યું છે કે ‘મેં મારી પત્ની જોડે લગ્ન કર્યાં તે પહેલાં જ હું અસ્પૃશ્યતા નિવારણને વર્યો હતો.’ તેમનાં લગ્ન સાવ નાનપણમાં એટલે કે ૧૩ વર્ષની ઉંમરે થયાં હતાં. અસ્પૃશ્યતાનો વિચાર ખોટો છે એ એમને એનાથીયે પહેલાં સમજાયેલું. તેઓ એમ તો વૈષ્ણવ કુટુંબમાં ઉછરેલા. દીવાનના ઘરમાં સંડાસની સફાઈ કરવા આવનાર ઉકાભાઈને ન અડવાની મા પુતળીબાઈએ આજ્ઞા કરી. સામાન્યરીતે માતા વિષે ખૂબ આદર અને મમતા ધરાવનાર મોહને આ આજ્ઞાનું પાલન કરવા ઇન્કાર કર્યો. એ બાબત એમણે લખ્યું છે, ‘મારો બળવો ત્યારથી શરૂ થયો.’ ગાંધીજીએ આખું જીવન હજારો વર્ષોથી હિંદુઓમાં ઘર કરી ગયેલી અસ્પૃશ્યતાની સામે બળવો પોકાર્યો. માતાપિતાના તેઓ આજ્ઞાંકિત પુત્ર હતા, પણ તેમના અંતર આત્માના વિવેકને જો કોઈ વાત ન રુચે તો તેની સામે તેઓ એ આજ્ઞાને પણ ગણકારતા નહીં. પછી આવ્યો પત્ની સામે બળવો કરવાનો વારો. દક્ષિણ આફ્રિકામાં ડરબનના તેમના બંગલામાં ગુજરાતનાં કેટલાંક મકાનોમાં હોય છે તેવી રીતે લઘુશંકાએ જવા સારુ મોરીની વ્યવસ્થા નહોતી. એને બદલે સૂવાના પલંગ પાસે પૉટ રાખવામાં આવતા. ગાંધીજીના મકાનમાં એમની ઑફિસમાં કામ કરનારા કારકૂનો વગેરેને પણ સ્થાન હતું. સામાન્ય રીતે તો આ લોકો ગાંધીજી અને કસ્તુરબાની માફક સવારે ઊઠીને પોતે પોતાના પૉટ સાફ કરી આવતા, પણ એક વાર કોઈ નવા નવા કારકૂન આવ્યા, જેમને આવી સફાઈ કરવાની ટેવ નહોતી. જે લોકો આમ સફાઈ ન કરે તેમના પૉટ ગાંધીજી કે કસ્તુરબા સાફ કરી લેતાં. પણ નવા આવેલા કારકૂન મૂળ ‘અસ્પૃશ્ય’ ગણાતી જાતિના હતા. તે દિવસે ગાંધીજી કોઈ કારણસર એમનો પૉટ સાફ કરી શકે એમ નહોતા તેથી તેમણે તે કામ કસ્તુરબાને કરવા કહ્યું. કસ્તુરબાના રૂઢિચુસ્ત સંસ્કારને એ વાત ખટકી. એટલે તેમણે એ પૉટ સાફ કરવા અંગે આનાકાની કરી. ગાંધીજીનો પિત્તો ગયો. બીજાઓના પૉટ તો કસ્તુરબા સાફ કરી દેતાં. પણ આ ખ્રિસ્તી કારકુન મૂળ દલિત હતા તેથી કસ્તૂરબા તૈયાર નહોતાં થતાં. એ જોઈને ગાંધીજીએ કહ્યું, ‘મારા ઘરમાં એ નહીં ચાલે.’ કસ્તુરબાની આનાકાની તો મનમાં મનમાં ચાલુ જ રહી પણ આંખમાં આંસુ સાથે તેઓ એ પૉટ ઉપાડવા તૈયાર થયાં પણ ગાંધીજીને એટલાથી સમાધાન ન થયું. એમણે એમ કસાણું મોં કરીને નહીં પણ હસતે મોંએ સાફ કરવાનો આગ્રહ કર્યો. કસ્તુરબાથી એ ન સ્વીકારાયું એટલે ગાંધીજી એમને હાથ પકડીને ઘરની બહાર કાઢવા તૈયાર થયા. ખેંચીને તેમને બારણા સુધી લઈ પણ ગયા. બારણું અર્ધું ખોલ્યું ત્યાં કસ્તુરબાએ કહ્યું, ‘તમને તો લાજ નથી પણ મને છે. કોક જોશે તો તમારી અને મારી બંનેની ફજેતી થશે. આટલે દૂર વિદેશમાં હું ઘરમાંથી નીકળીને જાઉં પણ ક્યાં? જરા શરમાઓ તો ખરા ?’ ગાંધીજી પસ્તાયા. તેમણે બારણું તરત બંધ કર્યું. ઘૂંટણિયે પડીને કસ્તુરબાની માફી માગી. આ પ્રસંગને ગાંધીજીએ જાતે જ પોતાની આત્મકથામાં લખીને જગજાહેર કરી દીધો છે. આ વિષયને લઈને ગાંધીજી પોતાની પત્ની પ્રત્યે કેટલા અનુદાર હતા અને તેમને કેવો અન્યાય કરતા, એવી ટીકા દેશમાં ને વિદેશમાં થતી આવી છે. પણ આ ટીકા કરનારાઓમાંથી કોઈએ ગાંધીજીના ગુસ્સે થવા પાછળના અસલી કારણને ખોટું નથી ગણાવ્યું. એ પૉટ જો કોઈ બીજા વર્ણના લોકનો હોત તો કસ્તુરબા તૈયાર થઈ જાત. અને પહેલાં તેઓ એમ કરતાં પણ ખરાં, પણ દલિતનો પૉટ તેમનાથી સાફ નહોતો થતો અને બીજા અને દલિત વચ્ચ તેમણે જે તફાવત કર્યો તે ગાંધીજીથી સહન ન થઈ શક્યો એ બાબત આપણા વિષયને માટે પ્રાસંગિક છે. દક્ષિણ આફ્રિકામાં બીજી પણ અનેકવાર ગાંધીજીએ દલિતોને સંભારેલા. રંગભેદને કારણે તેમનું દક્ષિણ આફ્રિકામાં ઘણી વાર અપમાન થયેલું. ગાંધીજીએ હિંદીઓ પ્રત્યેના ગોરાઓના રંગને કારણે પ્રગટ થનાર દ્વેષનો તો હંમેશા વિરોધ કરેલો. પણ આ અપમાનથીયે તેમને ભારતના દલિતો યાદ આવતા. તેઓ લખે છે : ‘આપણે ત્યાં હિંદુસ્તાનમાં અસ્પૃશ્યો સાથે આવો જ વ્યવહાર કરીએ છીએને ?’ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ સ્થાપેલા બંને આશ્રમો ફિનિક્સ વસાહત અને ટૉલ્સ્ટૉય વાડીમાં બધી જાતિના લોકો એક સાથે જ ભોજન લેતા. અને ત્યાં ચાલેલા ત્રીજા સત્યાગ્રહ વખતે તો અનેક ભાષાઓ બોલનારા અને અનેક જાતિઓમાં જન્મેલા ગિરમીટિયાઓએ એક સાથે મળીને કૂચ કરેલી. આ કૂચ દરમિયાન ગાંધીજીએ તો પોતાનો પહેરવેશ પણ ગિરમીટિયા જેવો જ કરી નાખ્યો હતો. સૌનું એક જ રસોડું હતું. ઓછો અને સાદો ખોરાક સૌને પીરસવાનું પ્રમાણમાં કઠણ કામ ગાંધીજી જાતે જ કરતા. જેલમાં જનારાઓમાં પણ બધી જાતિઓનાં સ્ત્રીપુરુષો સામેલ હતા. સત્યાગ્રહ આંદોલનોએ પોતાપૂરતી આ અસ્પૃશ્યતા નાબૂદ કરી જ દીધી હતી. કોઈ પણ વ્યવસાયને કારણે તો તે કરનાર લોકો ઊંચા કે નીચા ગણાવા ન જોઈએ. આફ્રિકાથી જ્યારે બંને આશ્રમના વિદ્યાર્થીઓ ભારત ગયા ત્યારે શરૂઆતના થોડા દિવસો શાંતિનિકેતનમાં તેમનો મુકામ હતો. ત્યાં બધું કામ નોકરોની મારફત થતું જોઈને ગાંધીજીએ ગુરુદેવ રવીન્દ્રનાથની રજા લઈ સફાઈ-રસોઈ-પીરસવું વગેરે કામો પોતે ને પોતાના વિદ્યાર્થીઓએ હાથમાં લીધાં. તત્કાલ પૂરતા શાંતિનિકેતનમાં વ્યવસાય અનુસાર થતા ભેદો મટ્યા. વધુ મોટો પ્રશ્ન આવ્યો જ્યારે અમદાવાદમાં કોચરબમાં ગાંધીજીએ આશ્રમ સ્થાપ્યો ત્યારે. ઠક્કરબાપાની ભલામણથી અસ્પૃશ્યોનું એક કુટુંબ આશ્રમમાં રહેવા આવ્યું. દુદાભાઈના આવવાથી આશ્રમ પરિસરમાં જ ખળભળાટ અને ચણભણાટ શરૂ થયો. દક્ષિણ આફ્રિકામાં વિદેશી વાતાવરણમાં તો બધાં સાથે ખાઈ પી લેતાં. ખાસ કોઈને વાંધો નહોતો. પણ ભારતમાં લોકોના પોતપોતાના ઘરના રૂઢિચુસ્ત સંસ્કારો સાંભરી આવ્યા હશે. જે મકાન - આશ્રમ સારુ ભાડે લીધું હતું તેના માલિક મકાનનો અર્ધો ભાગ વાપરતા હતા. દુદાભાઈ કે એમનાં પત્ની એ જ કૂવેથી પાણી ભરે એ કેમ સંખાય? કોસ ચલાવતા કોસિયાએ જ ગાળાગાળી કરવા માંડી. ખુદ આશ્રમવાસીઓમાં પણ ચડભડાટ થયો. ગાંધીજી આગળ મોટો પ્રશ્ન આવી ને ઊભો રહ્યો. નવા આવનાર કુટુંબનો વિરોધ કરનારાંમાં ખુદ કસ્તુરબા અને આશ્રમ વ્યવસ્થાપક મગનલાલ ગાંધીનાં પત્ની સંતોકબહેન પણ હતાં. ગાંધીજીએ એમને સંભળાવી દીધું કે અસ્પૃશ્યતાને નહીં સ્વીકારવાનો નિયમ જેને માન્ય ન હોય તે આશ્રમ છોડીને જાય. ‘અસ્પૃશ્ય’ પરિવાર આશ્રમ નહીં છોડે. કસ્તુરબાએ તો ‘આપણે તો પતિનો ધર્મ એ આપણો ધર્મ’ એમ માનીને સમાધાન કરી લીધું. અને પછી તો દુદાભાઈની દીકરી - લક્ષ્મી - જેને ગાંધીજીએ પોતાની દીકરી માની હતી, તેને પોતાના પરિવારમાં સ્વીકારી લીધી. પણ મગનલાલભાઈને એ બાબતમાં સફળતા મળી નહીં એટલે ગાંધીજીએ તેમને આશ્રમમાંથી મુક્ત કરીને મદ્રાસ મોકલી દીધા. આશ્રમમાં અસ્પૃશ્યતાને માન્યતા ન જ મળી. અલબત્ત જેને ગાંધીજી આશ્રમના પ્રાણ માનતા હતા એવા મગનલાલભાઈને થોડા માસ માટે છૂટા કરવા પડ્યા. છ એક માસમાં મગનલાલાભાઈ મદ્રાસથી વણાટકામ શીખી આવ્યા અને એમનાં પત્ની સંતોકબહેને પણ આશ્રમનું શિસ્ત માથે ચડાવ્યું. દુદાભાઈના પરિવારને આશ્રમવાસી તરીકે અપનાવવાથી માત્ર આશ્રમવાસીઓમાં જ ખળભળાટ ન થયો. કોચરબના મકાન પાસે કોસ હાંકતો કોસિયો જ વિફર્યો હતો એમ નહીં, અમદાવાદના મહાજનો, જેની પાસેથી આશ્રમનો ચાલુ ખર્ચ આવતો હતો એ પણ વિફર્યા હતા. આશ્રમને આર્થિક મદદ આવતી અટકી ગઈ. એમના સામાજિક બહિષ્કારના ભણકારા પણ સંભળાવા લાગ્યા. પણ ગાંધીજી અસ્પૃશ્યતા બાબત કશીય બાંધછોડ કરવા તૈયાર નહોતા. ‘બહિષ્કાર થશે’ તો કહે, ‘આપણે અસ્પૃશ્યોના વાસમાં રહેવા જઈશું.’ ‘આવતી કાલે શાક લાવવાના પૈસા નથી’ તો કહે ‘મજૂરી કરીને જે મળશે તે ખાઈશું.’ ગાંધીજીની સિદ્ધાંત વિષેની નિષ્ઠા જેટલી પાકી હતી એટલી જ ઇશ્વર વિષેની શ્રદ્ધા દૃઢ હતી. તેમને પાકી શ્રદ્ધા હતી કે ‘ઇશ્વર કસોટી કરે છે,’ પણ તેની દયા કદી ખૂટતી નથી.’ એ જ મહાજનો પૈકી એક શેઠ ગુપચુપ આવીને ૧૩,૦૦૦ રૂપિયા આપી ગયા. ગાંધીજીએ માન્યું કે શામળિયાએ નરસૈંયાની હૂંડી સ્વીકારી. આશ્રમના ભોજનાલયમાં પહેલાં થોડો વખત જુદી પંક્તિઓ બેસતી. ધીરે ધીરે એ એવી નાબૂદ થઈ ગઈ કે કોઈને ખબરેય ન પડી કે એ ક્યારે ગઈ. ગાંધીજીનો સત્યાગ્રહ આશ્રમ આખા દેશના સત્યાગ્રહીઓને માટે તાલીમનું કેન્દ્ર બની ગયો. જાતિ, વર્ણ, સંપ્રદાય કે ધર્મનો ભેદ ત્યાં છે જાણે કે જ નહીં એવી સ્થિતિ થઈ. આ લેખકે જીવનની શરૂઆતના બે દાયકા ગાંધીજીના સાબરમતી અને સેવાગ્રામ આશ્રમમાં ગાળ્યા છે. હું જુવાન થયો ત્યાં સુધી મને એ વાતનું ભાન જ નહોતું કે મારો કયો મિત્ર સવર્ણ હતો કે કયો નહોતો. ગાંધીજી એમના જીવનમાં ઘણાખરા પ્રયોગો પોતાની જાતથી, પોતાના પરિવારથી કે પોતાના આશ્રમથી શરૂ કરતા. પણ એટલાથી તેઓ અટકી જતા નહોતા. પોતે જે નિષ્કર્ષ પર પહોંચે તે આખા સમાજ સુધી પહોંચાડ્યા વિના તેમને ચેન પડતું નહીં. તેઓ માનતા હતા કે જન્મથી કોઈ ઊંચું કે નીચું નથી હોતું. ઇશ્વરનાં સૌ બાળ સરખાં. ઊંચનીચનો ભેદભાવ રાખવો એ કોઈપણ ધર્મ શીખવી જ ન શકે. અસ્પૃશ્યતાની પરંપરા ભલે જૂની હોય પણ ગાંધીજી તેને હિંદુધર્મનું અંગ માનવા તૈયાર નહોતા. તેઓ ધર્મ એને જ માનતા કે જે મનુષ્યમાત્રને સમાન માને. અસ્પૃશ્યતા તો હિંદુ પરંપરામાં ઘૂસી ગયેલી એક બદી છે. તે ધર્મના શરીર પર થયેલું ગૂમડું છે. એને નાબૂદ કરવું જ જોઈએ. અસ્પૃશ્યતા નિવારણના કાર્યક્રમને ગાંધીજી માત્ર સમાજસુધારાનું કામ નહીં પણ એક આધ્યાત્મિક કામ માનતા હતા. અસ્પૃશ્યતા દૂર કરવાથી હિંદુધર્મનો એ વિકાર દૂર થશે અને તે પરિશુદ્ધ બનશે એવો તેમનો પાકો વિશ્વાસ હતો. તેઓ એટલે સુધી માનતા કે અસ્પૃશ્યતા જીવે એના કરતાં હિંદુધર્મ મરી જાય એ વધુ સારું. કૉંગ્રેસ પર ગાંધીજીનો પ્રભાવ પડવા માંડ્યો ત્યારથી જ ગાંધીજી સ્વરાજના આંદોલન સાથે રચનાત્મક કાર્યક્રમો જોડાવા જોઈએ એમ માનતા હતા. શરૂઆતના વર્ષોમાં જ ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને કોંગ્રેસના માન્ય રચનાત્મક કાર્યક્રમોમાં મહત્ત્વનો ભાગ માન્યું હતું. ૧૯૨૧માં બારડોલી તાલુકાએ અસહકાર અને સવિનય ભંગના કાર્યક્રમ સારુ પોતાના ક્ષેત્રને પહેલી પસંદગી આપવી એવી માગણી કરી, ત્યારે ગાંધીજીએ સ્વરાજની લડતની તૈયારી રૂપે અનિવાર્ય જે ત્રણ શરત મૂકેલી એ ત્રણમાંની એક અસ્પૃશ્યતા નિવારણની હતી. અને તેથી બારડોલી તાલુકાના પ્રજાજનો ગામડે ગામડે ગામના જાહેર કૂવાઓ ‘અસ્પૃશ્યો’ સારુ ખુલ્લા મૂકતા અને ત્યાંની શાળાઓમાં અસ્પૃશ્ય બાળકોને બીજાં બાળકો સાથે કશાય ભેદભાવ વગર બેસાડતા થયા હતા. એ જમાનાની દૃષ્ટિએ આટલા સાદા સુધારા પણ ઘણા અગત્યના હતા. એ જમાનો એવો હતો કે જ્યારે આગગાડીમાં બેઠા હોય તો પાસેના મુસાફરો કોણ જાણે કઈ જાતનો હશે એમ વિચારીને લોકો ઘેર આવીને પહેલું કામ નહાવાનું કરતા. અસ્પૃશ્યોને મંદિરોમાં પ્રવેશ નહોતો. દક્ષિણ ભારતમાં કેટલાંક સ્થળોએ અસ્પૃશ્યોનો પડછાયો સવર્ણો પર પડે એ પણ ઘોર પાપ કહેવાતું. એટલે દલિતોને ઘરથી બહાર નીકળતાં પહેલાં ગળે ઘંટ કે ઢોલ રાખીને ‘છેટા રહેજો માબાપ!’ કહી સવર્ણોને ચેતવણી આપવી પડતી. આ મુદ્દા પર જ કેરળના વાઇકોમના મંદિર આગળ ગાંધીજીની પ્રેરણા અને આશીર્વાદથી દલિતોએ મંદિરના રસ્તે જવા દેવા માટેનો સત્યાગ્રહ ચલાવ્યો હતો અને ચૌદ ચૌદ મહિના સુધી ટાઢ, તડકો અને કેરળના મુશળધાર વરસાદને સહન કરી, કેટલીક વાર કેડ સમાણાં તો કોઈ કોઈ વાર છાતી સમાણાં પાણીમાં ઊભા રહીને ભજન કીર્તનરૂપે સત્યાગ્રહ કર્યો હતો અને આખરે એમાં સફળતા મેળવી હતી. કૉંગ્રેસે અસ્પૃશ્યતા નિવારણ અંગે ખાસ સમિતિની રચના કરી હતી અને તેના સંયોજક શેઠ જમનાલાલ બજાજે પોતાના ટ્રસ્ટ્ના લક્ષ્મીનારાયણ મંદિરને અસ્પૃશ્યનો સારુ ખુલ્લુ મૂકીને એવા કાર્યક્રમોનો આરંભ કર્યો હતો. આખા દેશને ખૂણે ખૂણે જ્યાં જ્યારે જ્યારે પણ ગાંધીજી જતા હતા અસ્પૃશ્યતાનિવારણની વાત કહેવાનું ચૂકતા નહીં. ૧૯૩૧ની બીજી ગોળમેજી પરિષદ વખતથી અસ્પૃશ્યતાના વિષય અંગેની એક જાહેર ચર્ચા શરૂ થઈ, જેણે દેશ અને દુનિયામાં આ વિષય પરત્વે ધ્યાન ખેંચ્યું. એ ગોળમેજી પરિષદમાં કૉંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજી ઇંગ્લેન્ડ ગયા હતા. બાકી એ પરિષદમાં હાજર રહેલા ઘણાખરા પ્રતિનિધિઓ અંગ્રેજ સરકાર દ્વારા પસંદ કરીને બોલાવવામાં આવ્યા હતા. કૉંગ્રેસની સંપૂર્ણ સ્વરાજની માગણીને ટેકો ન મળે એ દૃષ્ટિએ અંગ્રેજ સરકારે એમાં બને એટલા વધારે મતભેદના મુદ્દાઓ ઊભા કર્યા હતા. એમાંનો એક મુદ્દો અસ્પૃશ્યતાને અલગ મતદાન મંડળ આપવાનો હતો. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિંદ આવ્યા એના આઠ નવ વર્ષ પહેલાં જ અંગ્રેજોએ મુસ્લિમોને અલગ મતદાન મંડળ આપી દીધું હતું. ગાંધીજી દેશમાં આવ્યા ત્યારે મુસ્લિમોને અલગ મતદારમંડળ એ એક હકીકત બની ચૂકેલી ઘટના હતી. ગાંધીજીને એ પ્રિય નહોતું પણ દેશના હાથ એ બાબત બંધાઈ ચૂક્યા હતા. હવે અસ્પૃશ્યોને અલગ મતદાન મંડળ આપીને અંગ્રેજો દેશમાં એક નવો ભાગલો સ્થાયી કરવા માગતા હતા. ગાંધીજીએ આ અલગ મતદારમંડળનો સખત વિરોધ કર્યો. અસ્પૃશ્યોના પ્રતિનિધિ તરીકે ખાસ નિમંત્રવામાં આવેલા ડૉ. ભીમરાવ આંબેડકરે અલગ મતદારમંડળને ટેકો આપ્યો હતો. આંબેડકરને એમ લાગતું હતું કે અલગ મતદારમંડળનો વિરોધ કરીને ગાંધીજી અસ્પૃશ્યોના હિતમાં બાધા નાખે છે. ગાંધીજી કહેતા હતા કે અલગ મતદારમંડળ મેળવીને તો અસ્પૃશ્યો કાયમને માટે અસ્પૃશ્યો જ રહેશે અને હિંદુધર્મના ભાગલા પાડવાની ચાલબાજીમાં અંગ્રેજો સફળ થશે. અલગ મતદારમંડળનો ઠરાવ ગોળમેજી પરિષદમાં પસાર નહોતો થઈ શક્યો. પણ તે અંગે છેવટનો નિર્ણય વડાપ્રધાન રામ્સે મેકડોનલ્ડ આપશે એમ ઠર્યું હતું. ગાંધીજીએ તે વખતે જ ચેતવણી આપી હતી કે વડાપ્રધાનના કોમી ચુકાદામાં અલગ મતદારમંડળને સ્વીકારવામાં આવશે તો તેઓ એનો પ્રાણપણે વિરોધ કરશે. એ ક્ષણને આવવાની બહુ વાટ ન જોવી પડી. ગોળમેજી પરિષદથી સ્વદેશ પાછા ફરતાં જ ગાંધીજીને ગિરફતાર કરવામાં આવ્યા અને ગાંધીજીએ જેલમાં જ સાંભળ્યું કે કોમી ચુકાદામાં અલગ મતદાર મંડળ સ્વીકારાશે. ગાંધીજીએ સરકારને પત્ર લખીને પોતે આપેલી ચેતવણીની ગંભીરતાની યાદ આપી. પોતે જેલમાં હતા તેથી કોઈ પણ પગલું ભરતાં પહેલાં સરકારને પૂરતી સૂચના આપવી જરૂરી માની. પણ પ્રથમ ચેતવણી પછી છ માસે તેમણે કોમી ચુકાદાની આ કલમની વિરુદ્ધ આમરણ અનશન શરૂ કર્યાં. જેલમાં દેશના બીજા નેતાઓની સાથે ડૉ. આંબેડકરને પણ ગાંધીજીને મળવા દેવામાં આવ્યા. ડૉ. આંબેડકરે બહુ સ્પષ્ટ વાત કરી. ‘આ ચુકાદા દ્વારા અમને અલગ મતદાર મંડળ મળે છે. તમે એનો વિરોધ કરો છો. એના બદલામાં અમને શું આપો છો એ જાણવા હું આવ્યો છું.’ ગાંધીજીએ ડૉ. આંબેડકરની ચોખ્ખી વાતની કદર કરી અને પછી સવર્ણ હિંદુઓ અને અસ્પૃશ્યોના પ્રતિનિધિઓ વચ્ચે વાટાઘાટો ચાલી. ગાંધીજી અસ્પૃશ્યોને એમની વસ્તીના પ્રમાણમાં વધુ જગ્યાઓ આપવા તૈયાર હતા, પણ અલગ મતદારમંડળ સ્વીકારવા તૈયાર નહોતા. આ ઉપવાસથી દેશ જાગી ઊઠ્યો. સવર્ણોમાં અને અસ્પૃશ્યોમાં ત્યાર પહેલાં કદી આવી નહોતી એવી ચેતના જાગી. સમગ્ર હિંદુજાતિએ એક અભૂતપૂર્વ ઉથલપાથલ અનુભવી. ઉપવાસની શરૂઆતમાં જ કલકત્તાના પ્રખ્યાત કાલિમંદિરનાં દ્વાર અસ્પૃશ્યો માટે ખુલી ગયાં. બનારસનું રામમંદિર ખુલ્યું. દિલ્હીમાં સવર્ણો અને અવર્ણોએ જાહેરમાં સાથે મળીને સરઘસ કાઢ્યાં. મુંબઈમાં સ્ત્રીઓના એક રાષ્ટ્રીય મંડળે સાત મોટાં મંદિરો આગળ જાહેર પેટીઓમાં મંદિર પ્રવેશના મુદ્દા અંગે મતદાન કરાવ્યું. ૨૪,૭૯૭ લોકોએ મંદિર પ્રવેશના પક્ષમાં અને ૪૪૫ લોકોએ એની વિરુદ્ધ મત આપ્યા. દેશમાં ઠેર ઠેર અસ્પૃશ્યતા નાબૂદી માટેના નક્કર કાર્યક્રમો થયા. ગાંધીજીના ઉપવાસને લીધે હજારો વર્ષ જૂની અસ્પૃશ્યતા સમૂળગી નાશ તો ન પામી, પણ તે સાવ અપ્રતિષ્ઠિત થઈ ગઈ. છટ્ઠે દિવસે સવર્ણ અને અસ્પૃશ્ય આગેવાનોએ એક કરાર પર સહી કરી જે પૂના કરાર કહેવાયા. વડાપ્રધાનને પોતાનો ચુકાદો બદલીને અલગ મતદારમંડળની વ્યવસ્થા રદ કરવાની ફરજ પડી. આ કરારને લીધે બંધારણ મુજબ વડાપ્રધાનના ચુકાદામાં મળતી હતી તેનાથી બમણા કરતાં પણ વધુ બેઠકો અસ્પૃશ્યોને મળી. આ બેઠકો દરમિયાન ગાંધીજીએ એવો દાવો કર્યો કે આંબેડકર તો જન્મથી અસ્પૃશ્ય હશે, પણ હું તો ચાહીને અસ્પૃશ્ય બન્યો છું. તેથી ઓછી બેઠકોથી મને સંતોષ નહીં થાય. આંબેડકરે જાહેર સભામાં પૂના કરારને પોતાનો ટેકો જાહેર કર્યો. પણ તેમણે એમ પણ કહ્યું કે ‘આટલી જ વાત જો ગાંધીજીએ ગોળમેજી પરિષદમાં માની લીધી હોત તો તેમને ઉપવાસનું કષ્ટ વેઠવું પડ્યું ન હોત.’ પરંતુ આપણે એ વાતનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે ગોળમેજી પરિષદમાં જ જો અલગ મતદાર મંડળને બદલે વધારાની બેઠકોનું સમાધાન થઈ ગયું હોત તો ઉપવાસથી દેશમાં જે જાગૃતિ આવી તે તો ન જ આવી હોત. તે વખતે તો આંબેડકરે ગાંધીજીએ ઉપવાસ છૂટ્યા પછી એમ કહ્યું હતું કે આપ મને જેટલું સમજો છો એટલું આપના લોકો નથી સમજતા. આપણે બંને જ આ લોકો કરતાં વધુ નજીક છીએ. દુર્ભાગ્યે ડૉ. આંબેડકરનો ગાંધીજી સાથેનો મેળ બહુ લાંબો ટક્યો નહોતો. એનું કદાચ મુખ્ય કારણ રાજકારણ હતું. પૂના કરાર મુજબ આપવામાં આવેલા બંધારણ પ્રમાણે જ્યારે દેશમાં ૧૯૩૭માં ચૂંટણી થઈ ત્યારે આંબેડકર કૉંગ્રેસની વિરુદ્ધ હતા. ચૂંટણીમાં દલિતોને સીટ તો કોમી ચુકાદામાં મળત એના કરતાં ઘણી વધારે મળી પણ એમાં બહુમતી કૉંગ્રેસની ટિકિટ પર ઊભેલા દલિતોની હતી. ડૉ. આંબેડકર પાસે તે દિવસની કૉંગ્રેસનો મુકાબલો કરી શકે એવું સંગઠન નહોતું. અને એટલા સ્વયંસેવકો પણ નહોતા. જેલમાં અને બહાર ગાંધીજી સાથે ડૉ. આંબેડકરના કડવા, મીઠા, તીખા કે તૂરા સંવાદો ચાલતા રહ્યા. પણ ગાંધીજીએ આંબેડકરની બુદ્ધિમત્તા, દલિતોની સ્થિતિ સુધરે તેને માટેની એમની લગન, એમનું અધ્યયન અને રાષ્ટ્ર પ્રત્યેની એમની નિષ્ઠા જોઈ લીધાં હતાં. તેથી જ જ્યારે પં. જવાહરલાલ નહેરુએ પોતે જે પ્રધાનમંડળ રચવા માગતા હતા તેનાં નામોની યાદી ગાંધીજીને મોકલાવી આપી ત્યારે ગાંધીજીએ તેમાં ડૉ. આંબેડકરનું નામ ઉમેરીને જવાહરલાલજીને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા. તેમણે પૂછ્યું પણ હતું કે ‘આંબેડકર તો હમેશા કૉંગ્રેસનો વિરોધ કરતા રહ્યા છે. એમને કેમ લેવાય?’ ત્યારે ગાંધીજીએ જવાબ આપ્યો હતો કે ‘તમારે પ્રધાનમંડળ કૉંગ્રેસનું કરવું છે કે રાષ્ટ્રનું?’ દેશનું બંધારણ ઘડાવાનું હતું ત્યારે બંધારણને લગતા પ્રશ્નો અંગે સલાહ આપી શકે એવા એક વિદેશી સજ્જનને રોકવાનો પોતાનો ઇરાદો જવાહરલાલજીએ ગાંધીજીને કહ્યો ત્યારે ગાંધીજીએ પૂછ્યું, ‘વિદેશી શા સારુ, સ્વદેશી કેમ નહીં?’ જ્યારે જવાહરલાલે કહ્યું કે બંધારણીય પ્રશ્નોની ઝીણવટ સમજી શકે અને તે અંગે સલાહ આપી શકે એવા આપણી પાસે માણસ કોણ છે? ત્યારે ગાંધીજીએ તરત કહ્યું હતું. ‘કેમ? આંબેડકર છે ને?’ એ સલાહ મુજબ આંબેડકર બંધારણ સમિતિમાં લેવાયા પછી એનો ખરડો ઘડનાર ઉપસમિતિના વડા બનાવાયા. બંધારણ સમિતિમાં આંબેડકરે આપેલ પહેલું ભાષણ સાંભળીને તો ભલભલા રાષ્ટ્રભક્તો મોંમાં આંગળા ઘાલી ગયા હતા. અને તેમણે માન્યું હતું કે ગાંધીજીની પસંદગી સર્વ રીતે યોગ્ય હતી. પરંતુ એનો અર્થ એ નહીં કે ગાંધીજી અને આંબેડકર અસ્પૃશ્યતાના પ્રશ્ન અંગે એક સરખો વિચાર કરતા હતા. ગાંધીજી અસ્પૃશ્યતાને હિંદુધર્મનું કલંક માનતા હતા. અને એમ પણ ચોક્કસપણે માનતા હતા કે સદીઓથી સવર્ણોએ દલિતો પર ગુજારેલા જુલ્મો અંગે એમણે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. ગાંધીજીએ પોતાના આ વિચારો સમજાવીને સેંકડો બલ્કે હજારો સવર્ણોને અસ્પૃશ્યતા નિવારણના કામની દીક્ષા આપી હતી. એમાંના કેટલાકે અસ્પૃશ્યતા નિવારણના કામ સારુ જ પોતાની આખી જિંદગી સમર્પિત કરી દીધી હતી. આંબેડકર એમ માનતા હતા કે અસ્પૃશ્યો પર થતા અન્યાયને રોકવા સારુ એમને કાયદા અને બંધારણનો ટેકો મળવો જોઈએ. ગાંધીજી તો આજે છે ને કાલે નથી. કાયદો હશે તો અસ્પૃશ્યોને કાયમનું સંરક્ષણ મળશે. ગાંધીજી માનતા હતા કે સારામાં સારા કાયદાઓ પણ પોથીમાં રહી જાય છે. જે કાયદાની પાછળ લોકમતનુ પીઠબળ ન હોય તે ધૂળ પર લીંપણ જેવા નીવડે. તેઓ અસ્પૃશ્યતાની વિરુદ્ધ લોકમાનસ કેળવવામાં માનતા હતા. અને સવર્ણ હિંદુઓમાં અસ્પૃશ્યતારૂપે આજ સુધી આચરાયેલા પાપ અંગે ખરા અંત:કરણની પ્રાયશ્ચિત્ત વૃત્તિ જાગે તે સારુ મથતા હતા. લોકમાનસ અનુકૂળ થયા વિના જો અલગ મતદાર મંડળ રચવામાં આવે તો એનાથી ભારે અનિષ્ટ થાય એમ પણ ગાંધીજી જોઈ શકતા હતા. દલિતો આખા દેશમાં ઠેર ઠેર અને ઊંડાણનાં ગામડાં સુધી ફેલાયેલા હતા. તેઓ દેશના કોઈ એક ક્ષેત્રમાં એક સાથે નહોતા રહેતા કે સંગઠિત થઈને અત્યાચારોનો સામનો કરી શકે. અલગ મતદાર મંડળના મુદ્દાને લઈને જો દેશમાં તોફાનો જાગે તો ગામડે ગામડે છૂટક છૂટક ફેલાયેલા ગરીબ, મોટે ભાગે અભણ અને અલ્પ સંખ્યક દલિતો તો માર્યા જ જાય. વળી અસ્પૃશ્યતા એવી બુરાઈ છે કે જે જલ્દીમાં જલ્દી ખતમ જ થવી જોઈએ. અલગ મતદાર મંડળ આપીને અસ્પૃશ્યતાને કાયમી બનાવવી એ તો ભારે ભૂલ થશે. ડૉ. આંબેડકર અને ગાંધીજી બંને આખા દલિત વર્ગમાં શિક્ષણ વધે અને એમનામાં જાગૃતિ આવે એમ ઇચ્છતા હતા. બંને પોતપોતાની રીતે એ કામ કરતા હતા. ગાંધીજીએ તો જેલમાં હતા ત્યારે જ હરિજન બંધુ, હરિજન અને હરિજન સેવક નામના ક્રમશ: ગુજરાતી, અંગ્રેજી અને હિંદી સાપ્તાહિકો શરૂ કર્યાં હતાં અને એક કાળે ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’ મારફત જેવું લોકશિક્ષણ થતું હતું તેવું જ લોકશિક્ષણ હરિજન પત્રો દ્વારા થવા લાગ્યું હતું. ગાંધીજીની નાદુરસ્ત તબિયતને કારણે તેમને સરકારે વહેલા છોડી દીધા ત્યારે પોતાની ઉપર થયેલી સજામાંથી બચેલી એક વર્ષની કેદની સજાનો ઉપયોગ તેમણે બીજી કોઈ રાજનૈતિક પ્રવૃત્તિમાં ન કરતાં અસ્પૃશ્યતા નિવારણના કામ અંગે આખા દેશમાં યાત્રા કરવામાં ગાળ્યો હતો. ઠેર ઠેર નાની મોટી સભાઓ, કાર્યકર્તા સંમેલનો વગેરે કરીને તેઓ રોજેરોજ અસ્પૃશ્યતાની બદી દૂર કરવા લોકશિક્ષણ કરતા હતા. ગામડાંઓ અને શહેરોમાંથી તેઓ હરિજન સેવા સારુ ફાળો પણ ઊઘરાવતા હતા. હરિજન યાત્રાના પોતાના કાર્યક્રમને લીધે ગાંધીજીએ જવાહરલાલજી અને સમાજવાદીઓનો ખોફ પણ વહોરી લીધો હતો. એ લોકો એમ માનતા હતા કે દેશમાં મુખ્ય કામ સ્વરાજની લડત લડવાનું છે, અને હરિજન યાત્રાથી ગાંધીજી રસ્તો ચાતરી રહ્યા હતા તેથી દેશનું ધ્યાન મુખ્ય વસ્તુને બદલે ગૌણ મુદ્દા પર કેન્દ્રિત થતું હતું. પરંતુ ગાંધીજી માનતા હતા કે દેશની ખાસી મોટી વસ્તી જ્યારે સામાજિક ગુલામી ભોગવતી હોય ત્યારે એમને રાજનૈતિક સ્વરાજની કિંમત શી ? વળી ૧૯૩૩-૩૪માં કૉંગ્રેસની પણ સ્થિતિ એવી નહોતી કે તે કોઈ મોટી ચળવળ ઊભી કરી શકે. અસ્પૃશ્યતા નિવારણનો કાર્યક્રમ હાથ ધરવાથી કૉંગ્રેસની પહોંચ ગામડે ગામડે સાવ ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગ સુધી થતી હતી અને કૉંગ્રેસનો વ્યાપક પાયો રચાતો હતો. આ કાર્યક્રમની નોંધ ગાંધીજીના સમાજવાદી પ્રશંસકો કરતાં અંગ્રેજોએ અને કેટલાક સનાતની હિંદુઓએ વધુ ગંભીરતાથી લીધી હતી. અંગ્રેજોએ તો ગાંધીજીના હરિજન યાત્રાના દરેકે દરેક કાર્યક્રમ પર ચાંપતી નજર રાખવા માંડી હતી. તેમણે પોતાની આખી ગુપ્તચર વ્યવસ્થાને આ બાબત સાબદી કરી હતી અને જિલ્લા સ્તર કે તેથી યે ઉપલા સ્તરના અધિકારીઓ પાસે સરકાર યાત્રાની ગતિવિધિ અંગે અહેવાલો મંગાવતી. આ પ્રવૃત્તિ એવી હતી કે જેનો અંગ્રેજ સરકાર જાહેર રીતે વિરોધ તો કરી શકતી નહોતી, પણ એની મારફત ગાંધીજી પોતાની સેના સારુ વ્યાપક ક્ષેત્ર ઊભું કરી રહ્યા છે એ જોઈને ગિન્નાતી હતી. સનાતની હિંદુઓમાંથી કેટલાકે ગાંધીજી સાથે શાસ્ત્રાર્થ કરવાના પ્રયાસ કર્યા હતા. તેઓ કોઈ એ સિદ્ધ નહોતા કરી શક્યા કે અસ્પૃશ્યતા એ હિંદુશાસ્ત્રોમાં કહેવાયેલી વાત છે. જો કે ગાંધીજી તો એટલે સુધી કહી ચૂક્યા હતા કે જો કોઈ સિદ્ધ કરી આપશે કે અસ્પૃશ્યતા વેદોમાં પ્રબોધાયેલી વાત છે, તો હું અસ્પૃશ્યતા સ્વીકારવાને બદલે વેદોનો ત્યાગ કરવા તૈયાર છું. બીજા કેટલાક સનાતનીઓને બુદ્ધિના બળ કરતાં શરીરબળમાં વધુ વિશ્વાસ હતો. તેમણે શરીરબળ વાપરીને અસ્પૃશ્યતાનિવારણયજ્ઞમાં હાડકાં નાખવાના બાલિશ પ્રયાસો કરવા માંડ્યા. યરવડાના ઉપવાસ અને પૂના કરાર થયા પછી એક વાર પૂનાની સુધરાઈએ ગાંધીજીને માનપત્ર આપવાનું ઠરાવ્યું. એ સભામાં ગાંધીજી જતા હતા ત્યારે ગાંધીજીની કાર પર બોમ્બ નાખવામાં આવ્યો હતો. સદ્ભાગ્યે એ બોમ્બ ગાંધીજી જે કારમાં જતા હતા તેના પર પડ્યો નહીં. પણ એમની પછીની કાર પર પડ્યો હતો. તેમાં બેઠેલા પાંચ સાત કાર્યકરોને ગંભીર ઈજા થઈ હતી. બનારસના પંડિત લાલનાથની આગેવાની હેઠળ થોડા સનાતનીઓએ ગાંધીજીની હરિજનયાત્રામાં ઠેર ઠેર દેખાવો કરવાનો કાર્યક્રમ ગોઠવ્યો. કાળા વાવટા, ગાંધી-વિરોધી સૂત્રો વગેરે દેખાવો તો યાત્રામાં આવતાં મોટાં મોટાં શહેરોના જાણે કે નિયમિત કાર્યક્રમ જ બની ગયા. અને વારંવારની ટેવને લીધે લાલનાથ વગેરે કેટલાક લોકોના ચહેરાઓ તો ગાંધીજીને સારુ ઓળખીતા થઈ ગયા. ગાંધીજી તો આ દેખાવોને મનોરંજન તરીકે લેતા. કેટલીક વાર તો યાત્રામાં એમની રહેવા જમવાની સગવડ થઈ કે નહીં એની પણ ગાંધીજી પૂછપરછ કરતા પણ કોઈ કોઈ વાર ગાંધીજીને સાંભળવા આવેલા લોકો પૈકી કેટલાક વચમાં પડતી આ ખલેલને લીધે છંછેડાઈ જતા. ‘બેસી જાઓ, બેસી જાઓ’, ‘અમને સાંભળવો દો’ના પોકારોથી લાલનાથ વગેરે ઉશ્કેરાઈ પણ જતા. સિંધના કાર્યક્રમમાં એકાદ વાર સભાજનોએ લાલનાથને ધક્કે ચડાવ્યા. લાલનાથે એની ફરિયાદ ગાંધીજી આગળ કરી. ગાંધીજીએ આમાં બહુમતીની લઘુમતી ઉપર વપરાતી બળજબરી માની. તેથી તેમણે આ ઘટનાના પ્રાયશ્ચિત તરીકે પાંચ દિવસ ઉપવાસ કર્યા. ગાંધીજીનો હરિજન યાત્રાનો એક વર્ષનો કાર્યક્રમ બનારસમાં પૂરો થતો હતો. બનારસ તો લાલનાથનું પોતાનું નગર. એટલે ત્યાં તો એ હક્કપૂર્વક દેખાવો કરે જ ને ! ગાંધીજીએ પોતાના મંચ પરથી લાલનાથને ભાષણ આપવા નોતર્યા. લાલનાથ તૈયાર થઈ ગયા. પણ એમનું ભાષણ ગાંધીજી આગળ એટલું ફિક્કું પડ્યું કે પછી ધીરે રહીને લાલનાથ અને એમની ટોળી સભામાંથી સરકી ગઈ. કેટલાક દલિત આગેવાનોને ગાંધીજી સાથે સૈદ્ધાંતિક મતભેદ હતો. ગાંધીજીના ગુજરી ગયા પછી પણ કેટલાકે એમને ‘મનુવાદી’ કહ્યા હતા. એમને બિચારાઓને એ વાતની જાણ નહીં હોય કે સાવ નાનપણમાં ગાંધીજીએ જ્યારે એમના પિતાના સંગ્રહમાં મનુસ્મૃતિ જોઈ ત્યારે તેમને એમાંની ઘણી બાબતો વિષે સખત અણગમો થયેલો. ગાંધીજીને મન ગીતા કે ઉપનિષદોને વિષે જેવો આદર હતો, તેવો મનુસ્મૃતિ વિષે કદી નહોતો. બલ્કે એમાં જે બાબતો એમને પસંદ નહોતી તેને વિષે એમણે ટીકા પણ કરેલી. સૈદ્ધાંતિક મતભેદોનો એક મુખ્ય વિષય ગાંધીજીની વર્ણાશ્રમ વિષેની માન્યતાને લીધે ઊભો થતો હતો. ગાંધીજી નિશ્ચિત રીતે વર્ણ અને જાતિને અલગ અલગ માનતા હતા અને જાતિવ્યવસ્થાને તો સમાજમાં હજારો ભાગલા પડાવનાર અનિષ્ટ જ માનતા. વર્ણવ્યવસ્થા મૂળ સમાજમાંથી હરીફાઈનું તત્ત્વ ઘટાડવા અને હિતવિરોધોને મટાડવા પેદા થઈ હશે એવી તેમની માન્યતા હતી. એમના કાળમાં મૂળ વર્ણવ્યવસ્થા તેના અસલી રૂપમાં રહી જ નહોતી. વિકૃત થઈ ગઈ હતી. વિકૃત વર્ણવ્યવસ્થાને તેમણે કદી ટેકો આપ્યો નહોતો. ગાંધીજી એમ પણ માનતા હતા કે વર્ણાશ્રમમાં આંતર્વિવાહ અને આંતર્ભોજનની સામે પ્રતિબંધ ન હોવો જોઈએ. કોઈ પણ સ્ત્રી કે પુરુષને ક્યાં પરણવું કે જમવું એ તેની નિરંકુશ પસંદગી પર છોડી દેવું જોઈએ. ગાંધીજીના વિચારો બાબત અધ્યયન કરનાર દરેક જણે એક વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. ગાંધીજી નિત્ય વિકાસશીલ વ્યક્તિ હતા. એટલે એમના વિચારોમાં પણ ફેરફારો થતા રહેતા. તેથી તેઓ ભારપૂર્વક કહી ગયા છે કે ‘મને સર્વકાળે એકરૂપ જ દેખાવવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ હું શીખ્યો છું... તેથી કોઈને મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો એક જ વિષયના લખાણોમાંથી પાછલાને પ્રમાણભૂત માને.’ આ વાત જાતિ અંગેના ગાંધી વિચારને બરાબર લાગુ પડે છે. એક કાળે ગાંધીજીના આશ્રમમાં એક જાતિનાં સ્ત્રીપુરુષનાં લગ્ન થતાં ને તેમાં ગાંધીજી હાજરી અને આશીર્વાદ આપતા. પણ જીવનના છેલ્લા દસ વર્ષોમાં તેમનો વિચાર એટલો બદલાઈ ગયો હતો કે તેમણે પ્રતિજ્ઞા લઈ લીધી હતી કે તેઓ એવાં લગ્નોમાં જ હાજરી આપશે કે જેમાં બેમાંથી એક પક્ષ સવર્ણ અને બીજો પક્ષ હરિજન હોય. અસ્પૃશ્યતા કાઢવા સારુ ગાંધીજી છેવટે આંતર્જાતિય વિવાહ સુધી પહોંચી ગયા હતા. જાતિ સંસ્થાના નિર્મૂલનનું એ એક અમોઘ સાધન હતું. અહીં એક સ્મરણ થઈ આવે છે. ડૉ. આંબેડકરે બીજીવારનાં લગ્ન એક બ્રાહ્મણ કન્યા સાથે કર્યાં હતાં. આ લગ્ન તેમણે ગાંધીજીના મરણ પછી કર્યાં હતાં. તે વખતે ગાંધીજીની વિવાહ અંગેની પ્રતિજ્ઞાને યાદ કહીને ડૉ. આંબેડકરે ગાંધીજીના સચિવ શ્રી પ્યારેલાલને કહ્યું હતું: ‘આજે બાપુ હોત તો કેટલા રાજી થાત !’ કેટલાક દલિત નેતાઓએ દલિતો માટે ગાંધીજીએ વાપરેલા હરિજન શબ્દનો પણ વિરોધ કરેલો. એમાંના એકે કહ્યું કે અમે તો હરિનાં બાળકો છીએ તો બીજાં શું સેતાનની ઓલાદ છે? આ વાક્યને તો માત્ર એમના ગુસ્સાનો ઊભરો જ માનવો રહ્યો. નહીં તો આ વાક્યનો અવળો અર્થ એવો પણ થઈ શકે કે જે હરિનાં બાળકો નથી એ બધાં જો શેતાનનાં બાળકો જ ગણાતાં હોય તો જે હરિનાં બાળકો ન ગણાવવા માગતાં હોય તે શું છે? પણ આવા ખોટા અને બેધારી તલવાર જેવા તર્ક કરવાને બદલે આપણે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે ગાંધીજીની આ શબ્દ વાપરવા પાછળ કઇ વૃત્તિ કામ કરતી હતી. ગાંધીજી સવર્ણ હિંદુઓના સામુદાયિક માનસમાંથી દલિતો પ્રત્યેના તિરસ્કારને નિર્મૂળ કરવા માગતા હતા. તેથી એમને માટે વપરાતાં જુદી જુદી જાતિનાં સૂચક નામો અથવા ‘અસ્પૃશ્ય’ જેવા શબ્દને બદલવા માગતા હતા. એક દલિતભાઈએ જ તેમને હરિજન શબ્દ સૂચવ્યો હતો, જે ગુજરાતી ભાષાના ઇતિહાસમાં ભક્ત કવિઓએ ઈશ્વરના સેવકના અર્થમાં અગાઉ વાપર્યો હતો. ગાંધીજીને એ શબ્દ ગમી ગયો ને તેમણે દલિતો સારુ વપરાતા તિરસ્કારયુક્ત શબ્દોને બદલે આ શબ્દ વાપરવા માંડ્યો. પ્રશ્ન એ ઊઠે છે કે તો આ શબ્દથી કેટલાક દલિત લોકો છંછેડાય છે શા સારુ? દક્ષિણ ભારતની એક ભાષામાં હરિજન શબ્દ તિરસ્કારયુક્ત અર્થમાં વપરાય છે, એ વાતની ગાંધીજીને જાણ નહોતી. આ કારણસર પણ હરિજન શબ્દનો વિરોધ થયો હોય. જો કે એનું મૂળ કારણ કદાચ એ છે કે સમાજમાંથી ઊંચનીચની ભાવના નાબૂદ થઈ નથી. એટલે નીચલી ગણાતી કોમ માટે ગમે તેવો સારો શબ્દ વપરાય તો પણ સમાજનો એક વર્ગ એને તિરસ્કારથી જ જોવાનો. સ્વાભાવિક રીતે આ તિરસ્કાર દલિતોને અસહ્ય લાગે છે, એટલે તેઓ આ નવા શબ્દને પણ એટલી જ ખીજ સાથે જુએ છે, જેટલી ખીજ સાથે પહેલાં અગાઉના શબ્દોને જોતા હતા. મૂળ પ્રશ્ન અસ્પૃશ્યતાની ભાવનાને નાબૂદ કરવાનો છે. માત્ર શબ્દ બદલવાથી કશું વળતું નથી. થોડા વર્ષો પછી દલિત શબ્દને પણ હરિજન જેટલા જ તિરસ્કારથી જોવામાં આવે તો નવાઈ પામવા જેવું નથી. દલિત પ્રત્યેની ગાંધીજીની સહાનુભૂતિ નિર્વિવાદ હતી. તેમણે પોતાના જીવનને એમના જેવું અકિંચન બનાવવા સતત પ્રયત્ન કર્યો હતો. બીજી અનેક પ્રવૃત્તિઓ કરતી વખતે પણ ગાંધીજીના અંતરમાં દલિતો પ્રત્યે આત્મીયતાનો ભાવ રહેતો. પોતાના દરેક હસ્તાક્ષર આપતી વખતે તેઓ હરિજન ફાળા સારુ ફી ઉઘરાવતા. દરેક યાત્રા વખતે લગભગ એકોએક સ્ટેશન ઉપર બારીમાંથી હાથ બહાર કાઢીને તેઓ હરિજન ફંડ સારુ ફાળો ઉઘરાવતા. ફાળાની આ અને બીજી રકમો હરિજનોના શિક્ષણ વગેરેના કામોમાં જ વપરાતી. એમણે સ્થાપેલો હરિજન સેવક સંઘ દેશભરમાં હરિજન સેવાની પ્રવૃત્તિઓ કરે છે. હરિજનો પ્રત્યેની સહાનુભૂતિને લીધે જ ગાંધીજીએ કહ્યું હતું કે ‘(એમતો) મારે પુનર્જન્મ નથી લેવો. (પણ) મેં પ્રભુને પ્રાર્થના કરેલી કે હું આવતે જન્મે જન્મું તો અંત્યજ જ જન્મું અને તેમને પડતાં દુ:ખો અનુભવું ને તે ઓછાં કરવા તપશ્ચર્યા કરું.’ દલિતો પ્રત્યેની સવર્ણોની નિષ્ઠુરતા જોઈને ગાંધીજીએ એમ કહેલું કે: ‘જ્યારે આપણે પોતે જ નિષ્ઠુર છીએ, ત્યારે બીજાઓની નિષ્ઠુરતામાંથી આપણને છોડાવવા માટે આપણે પ્રભુના સિંહાસન આગળ પ્રાર્થના ન કરવી જોઈએ.’ ગાંધીજીએ એવી પણ ભવિષ્યવાણી ભાખેલી કે ‘અસ્પૃશ્યતાનો મેલ હિંદુધર્મમાં રહેશે તો તેનો નિશ્ચે નાશ છે.’ હિંદુધર્મમાંથી આભડછેટ કાઢવા મથનાર ગાંધીજી કોઈ પહેલી વ્યક્તિ નહોતા. સંતો, કવિઓ, સમાજસુધારકોએ અસ્પૃશ્યતાને ખતમ કરવા પહેલા ઘણીવાર પ્રયત્નો કર્યા છે. પણ ગાંધીજીએ એને સારુ જેટલો વ્યાપક અને સતત પ્રયત્ન કર્યો તેવા ગણ્યા ગાંઠ્યાએ જ કર્યો હશે. એ નરી હકીકત છે કે ગાંધીજીના ગયા પછી અરધી સદી કરતાં પણ વધુ કાળ વીતી ગયા છતાં આ દેશમાંથી અસ્પૃશ્યતાનું કલંક દૂર થયું નથી. પણ એમણે જે રીતે આ પ્રશ્નને લઈને બબ્બેવાર ઉપવાસ દ્વારા જીવનને હોડમાં મૂક્યું, તે કાળની દેશની મોટી સંસ્થાના મુખ્ય કાર્યક્રમોમાં અસ્પૃશ્યતા નિવારણને આગળ પડતું સ્થાન અપાવ્યું, એના પ્રચાર અર્થે તેઓ દેશને ખૂણેખાંચરે જે રીતે ફરી વળ્યા, તે બધાને લીધે દેશમાં એટલું તો બન્યું કે આપણા દેશની આઝાદી પછી જ્યારે બંધારણ ઘડાયું ત્યારે બંધારણ સભાના બધા સભ્યોએ સર્વસમ્મતિથી અસ્પૃશ્યતાને ગેરકાયદેસર ઠેરવી. એ પણ ગર્વનો વિષય છે કે એ બંધારણના ઘડતરમાં દલિત નેતા ડૉ. ભીમરાવ આંબેડકરનો સિંહ ફાળો હતો. બંધારણ સમિતિમાં એમને મેળવવામાં ગાંધીજીનો ફાળો હતો એ આપણે આગળ જોઈ ગયા. જ્યારે અસ્પૃશ્યતા નાબૂદી અંગેની કલમ ડૉ. આંબેડકરે બંધારણસભા આગળ વાંચી સંભળાવી, ત્યારે એનો કોઈએ વિરોધ ન કર્યો. એટલું જ નહીં પણ આખા સદને ત્યારે ગાંધીજીને યાદ કર્યા અને ‘મહાત્મા ગાંધી કી જય’ના ઘોષથી આ કલમને વધાવી લીધી ત્યારે જીવનમાં ઘણીવાર ગાંધીજી સાથે તીવ્ર મતભેદો વ્યક્ત કરનાર ડૉ. આંબેડકરના મુખ પર એટલો જ સંતોષ અને આનંદની પ્રભા હતી, જેટલી બીજા અનેક સભ્યોને હતી. ભારતના સૌ વિચારવાન નાગરિકો એ સ્વીકાર કરશે કે ગાંધીજી અને ડૉ. આંબેડકર જેવા આગેવાનોની પોતપોતાની રીતના પુરુષાર્થ છતાં દેશમાંથી અસ્પૃશ્યતા હજી નામશેષ થઈ નથી. સ્પર્શ્યાસ્પર્શ્ય ભાવનામાં પહેલા કરતાં જરૂર સુધારો થયો છે, રોટીબેટીના વહેવારો પૂર્ણપણે સમાન નથી બન્યા. પણ સ્વરાજ પહેલાં જેવી હાલત હતી તેના કરતાં વત્તેઓછે અંશે આ બાબતમાં પણ સુધારો થયો છે. પરંતુ આપણી આજકાલની ચૂંટણીની પદ્ધતિએ ‘અસ્પૃશ્ય’ ગણાતા લોકોને સૌની સમાન અધિકાર અને કર્તવ્ય ધરાવતા નાગરિક મટાડી મતગણતરીનાં માથાં વધુ બનાવી દીધાં છે. ઘણાખરા પક્ષો દલિતોનું આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન કરવાનો પ્રયત્ન કરવા કરતાં એમના મત પોતાને પક્ષે કેવી રીતે પડે તેની ચિંતા વધુ કરતા જણાય છે. દેશના દલિતોમાં એક અપૂર્વ જાગૃતિ આવી રહી છે. તે જાગૃતિ પણ માત્ર રાજનૈતિક અધિકારો પૂરતી નહીં, પણ પાયાના માનવાધિકારોથી માંડીને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્ર સુધી પહોંચાડવાનું ભગીરથ કામ હજી બાકી છે. એ કામ પૂરું થશે ત્યારે જ અસ્પૃશ્યતા નિવારણ સારુ ભોગ આપનાર આપણા વડવાઓનાં કાળજાં ઠરશે અને દેશ સામાજિક સમતાના ક્ષેત્રમાં સાચા અર્થમાં પ્રગતિ કરી શકશે. એ હકીકત સાચી છે કે આપણા બંધારણમાંથી અસ્પૃશ્યતાને નાબૂદ કર્યે અર્ધી સદી વીતી ગઈ છે છતાં આપણા સામાજિક વહેવારમાંથી એ ગઈ નથી. આજે પણ ઠેર ઠેર દલિતો પર કાળજા કપાવી નાખે એવા અત્યાચારો થાય છે. અસ્પૃશ્યતાને જડમૂળથી નાબૂદ કરવા આપણા અનેક સંતો, સમાજસુધારકો અને વિદ્વદ્જનોએ જે જે પ્રયાસો કર્યા છે તે એળે ન જાય અને આપણા સમાજનું હજી વધારે વિભાજન ન થાય એટલા સારુ સમાજના સૌ સમજુ લોકોએ સતત પ્રયત્ન કરવો જોઈએ. સૌથી પહેલી જરૂરિયાત તો આપણા મનમાંથી ઊંચનીચની ભાવના કાઢી નાખવાની છે. પોતાના કુટુંબમાં, પાડોશમાં કે ગામમાં અસ્પૃશ્યતાના ભાવને લીધે અન્યાય થતો હોય ત્યાં એનો વિરોધ કરવો જોઈએ. દલિતોએ મનમાં ક્રોધ કે દ્વેષભાવ રાખ્યા વિના અન્યાયનો અહિંસક પ્રતિકાર કરવા સારુ સંગઠિત થવું જોઈએ. સંગઠનની શરૂઆત દલિતો રચનાત્મક કામો દ્વારા કરી શકે. બિન-દલિતો પોતે તો અન્યાય-અત્યાચાર ન જ કરે, પણ આસપાસ એવું થતું જણાય તો તેનો જાહેરમાં વિરોધ કરે. આમ કરવાથી જ આપણે જેમણે જીવનના છેલ્લા દિવસ સુધી દલિતોનું હિત ઇચ્છયું હતું તેવા રાષ્ટ્રપિતા ગાંધીજીના સાચા વારસદાર બનીશું. અને આપણો દેશ અસ્પૃશ્યતાને દૂર કરીને સામાજિક ક્ષેત્રમાં નોંધ પાત્ર ક્રાંતિ કરી શકશે.

***
વાંચો: સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૭ — કોમી એખલાસ