સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/કાળમુખો કસુંબો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાળમુખો કસુંબો

પરંતુ નાગેશ્વરીને હું પૂછતો ઊભો કે ઓ વીરભોમ! તારા બાબરિયાવાડના જવાંમર્દો ક્યાં અદૃશ્ય થયા? એ પ્રશ્નનો જવાબ મારે માટે આગળ રાહ જોતો ઊભો હતો. એનો જવાબ છે કાળમુખો કસુંબો! આખે રસ્તે મને એનું વિનાશી સ્વરૂપ દેખાયા કર્યું. એ કસુંબો નથી સમય-કુસમય જોતો, નથી યુવાન-વૃદ્ધ જોતો, નથી પૈસા કે ગરીબી જોતો. એ તો, બસ, પીવાય છે. મરજી પડે ત્યારે પીવાય છે. રડીને, કરગરીને, રિસાઈને, ગોળાનું પાણી હરામ કરવાના ડારા દઈને પણ સામસામો પીવરાવાય છે. રાજુલામાં એક જુવાન ધાંખડો જોયો : વીસ વરસનો પડછંદ જુવાન : સાચેસાચી ગુલાબી મુખમુદ્રા : ભરપૂર બદન : ગાલ ઉપર હેતપ્રીત ને ભોળપની ચૂમકીઓ ઊપડે : દુશ્મનનું પણ દિલ ઠરે એવો જુવાન : એક દસકામાં એ બુઢ્ઢો બનશે. એની સંતતિ, સ્ત્રી, જાગીર, તમામ એને બોજારૂપ થઈ પડશે. એ રંગીલા દેહમાંથી પૌરુષ વિદાય લેશે. અફીણને એ ધિક્કારે છે. પણ પિતા ગુજરી જતાં પોતાના ઉપર એ કર્તવ્ય ઊતરેલું માને છે કે અતિથિઓ માટે કસુંબો કાઢવો, ને અતિથિઓના હાથની અંજલિ પણ લેવી! એ વ્યવહાર! બીજાં પીણાંમાં — દારૂમાં, ચામાં, કાવામાં, બીડીમાં વગેરેમાં — તો મીઠાશ છે. સ્વાદનું ને ખુમારીનું પ્રલોભન છે. પણ અફીણ તો કડવું ઝેર! કશું આકર્ષણ ન મળે! કેવળ વ્યવહાર. કેવળ શિષ્ટાચાર. કેવળ પ્રતિષ્ઠાનું જૂઠું કાટલું! મને કહેવામાં આવ્યું કે હજુ તો કાંઈ જ નથી. તમે હજુ ક્યાં દીઠું છે? બાબરિયાવાડમાં આગળ વધો : ચૌદ-ચૌદ, સોળ-સોળ, અઢાર-અઢાર વર્ષના જુવાનોને પિતા પોતે બંધાણ કરાવે છે અને એ અકાળે વૃદ્ધ બનેલા યુવકો, પોતાનાં જ જીવતાં પ્રેતો જેવાં, ડેલીએ બેસી ઝોલાં ખાય છે. અને આ બધું શા માટે? એક બંધાણી ભેરુ કહે કે આંકુશ છે આંકુશ! આ આંકુશ શું? ઊછરતો જુવાન ફાટીને બદફેલીમાં ન પડી જાય તે માટેનો અંકુશ. શાબાશ અંકુશની વાતો કરનારાઓ! ઘોડેસવારીનો, રમતગમતનો, ખેતીના ઉદ્યમનો, લશ્કરી નોકરીનો, શિકારની સહેલગાહનો — એ બધા અંકુશ મરી ગયા પછી આ અફીણ અંકુશનું સ્થાન લ્યે છે! ને એ અંકુશની આરાધના તે ક્યાં સુધી! અમારા ભલા ભોળા ને પ્રભુપ્રેમી … ભાઈ પોતાના એક-બે વર્ષના બાળક બેટાને પણ આંગળી ભરીને કસુંબો ચટાડે છે. હું જો જૂનાગઢનો નવાબ હોઉં તો બાબરિયાવાડમાંથી કસુંબાને શોખની કે વ્યવહારની વસ્તુ તરીકે દેશવટો દઉં — પણ એ તો મિયાંના પગની જૂતીવાળી વાત થઈ! હજુ એક ભયાનક વાત બાકી છે. અફીણની જન્મકેદમાં ફસાઈ જનાર એક હાડપિંજરે મને પેટ ઉઘાડીને વાત કહી — સાચું કારણ કહ્યું — કે શા માટે આ શત્રુ પેઠો છે : હું એની યોજેલી નગ્ન ભાષાને શી રીતે વાપરી શકું? હું એનો સભ્ય ભાષામાં તરજૂમો કરું છું કે “ભાઈ! વિષયભોગની તાત્કાલિક વધુ તાકાત પામવાને ખાતર જ સહુ કસુંબો પીવે છે”. ભલે પીવે ને ભોગવે. મેં સાંભળ્યું છે કે કાકા કાલેલકરની દૃષ્ટિમાં આ બધી વીર જાતિઓનો વિનાશ જ અનિવાર્ય લાગી ગયો છે. ‘ધે હેવ આઉટલિવ્ડ ધેર યુટિલિટી’, એમની ઉપયોગિતા અસ્ત પામી છે. માટે ભલે ઢીંચી ઢીંચીને… ના ના! મારા મુખમાં એ અભિશાપ શોભતો નથી. ત્યાં સર્વત્ર કેળવણી અને સંસ્કાર જલદી જઈ પહોંચો, એ જ મારી પ્રાર્થના હોવી ઘટે. ભાઈ, તે બાજુ તમારું કામ છે. પણ તમારા કાર્યક્રમમાં સોરઠ ને ગીર ક્યાં છે? તમારા સૌરાષ્ટ્રનો નકશો એટલે ફક્ત ભાલ…! જવા દો. તમારા પર હું બહુ ઘાતકી બનતો જાઉં છું, ખરું? તમારાં મૂઠી હાડકાં કેટલેક પહોંચી શકે?