સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/ધર્માદાનો દ્રવ્યસંચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધર્માદાનો દ્રવ્યસંચય

એક દિવસ આ તુલસીશ્યામની જાહોજલાલી હતી. બાબરિયાવાડનાં બેતાલીસ ગામ એ ‘શ્યામજીના ધામ’ ઉપર ઓછાં ઓછાં થઈ જતાં. અટવીનાં નિવાસી અજ્ઞાન આહીર ચારણો અને બાબરિયાઓના અંધારે પડેલા જીવનમાં આસ્થા અને પવિત્રતાનું દિવેલ પુરાતું. પણ પછી તો એ જગ્યાની સમૃદ્ધિ વધી. એક મહંતે કંજૂસાઈ કરી કરીને દ્રવ્ય સંઘર્યું, અરણ્યમાંથી ઊપડીને એણે ડેડાણ શહેરમાં વસવાટ જમાવ્યા. આ જગ્યા ફના થઈ ગઈ. અને એ સૂમનું સંચેલું ધન આખરે એક શિષ્યને હાથે ગાદી-પ્રાપ્તિના કજિયા લડવામાં કુમાર્ગે વહી ગયું. (આપણે જૈનો, સ્વામીપંથીઓ, બલકે જાહેર કાર્યકર્તાઓ પણ ન ભૂલીએ કે ધર્માદાના સંચેલ દ્રવ્યની આખરી અવદશા એ જ થાય છે.) આજે એ સ્થળે એક જુવાન દૂધાહારી હિન્દુસ્તાની સ્વામીએ ગૌશાળા વગેરે બાંધી જગ્યાનો પુનરુદ્ધાર આદરેલો દીસે છે. આ હિન્દુસ્તાની સાધુઓ ભારી વિલક્ષણ! કાઠિયાવાડમાં ઠેર ઠેર તેઓને તમે અક્કેક ધર્મસ્થાનક ખરી નિષ્ઠાથી ચલાવતા જોશો. સામાન્ય રીતે સ્વભાવના કડક, સ્વતંત્ર તાસીરના, ને મોટા ચમરબંધીની પણ પરવા ન રાખનાર ફાટેલ પ્યાલાના હોય છે. આપણામાં એ દૈવત ક્યારે આવશે?