સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/પ્રવાસમાં કાવ્યરસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રવાસમાં કાવ્યરસ

સારા શહેરની ફિકર લઈને ફરતા પેલા કહેવત માયલા કાજીની પેઠે આ મારા સંતાપ અને રોષ મારા હૃદયમાં શમાવીને હું આગળ વધ્યો. અને ગીરમાતાની માલણ, ઝૂલાપરી, રૂપેણ, ધાંતરવડી વગેરે સુંદર નામની નાની-શી નદીઓ મારા પગમાં રમતી રમતી સામી મળી. સાથેના ચારણ સંગાથીઓ પણ પ્રસંગે પ્રસંગે દુહાઓ વરસાવી પોતાની ગુપ્ત રસજ્ઞતાનું દર્શન મને કરાવતા ચાલ્યા. નદીમાં કોઈ કપડાં ધોવાની રળિયામણી છીપર જોતાં તો અમારા લેરખડા … ભાઈએ લાખા ફુલાણીનો એકાદ દુહો ફેંક્યો જ હોય કે

લાખો કે’ મું બારીયો, લાસી છીપરિયાં, (જ્યાં) હાથ હિલોળે પગ ઘસે, ગહેકે ગોરલિયાં. [લાખો કહે છે કે ઓ ભાઈઓ! મને મુવા પછી કોઈ લીસી છીપરી ઉપર જ બાળજો, કે જે છીપરી પર રમણીઓએ વસ્ત્રો ધોતાં ધોતાં હાથ હિલોળ્યા હોય, પોતાના કોમળ પગની પાનીઓ ઘસી હોય, ને ન્હાતાં ધોતાં ટૌકારો કર્યા હોય!]

કોઈ ગામને પાદર લુંબઝુંબ વડલો આવ્યો કે તૂર્ત બીજો દુહો એ વિનોદી મોંમાંથી ટપક્યો જ સમજવો કે

જતે નમી વડ છાંય, (અતે) ખોડી ખંભ થિયાં, લંબી કર કર બાંય, ચડે ચૂડા વારીયું. [લાખો કહે છે કે ઓહો! જ્યાં આવી છાંયડીવાળી વડ-ઘટા ઢળી હોય, ત્યાં જ હું જલદી મરી જઈને ખાંભીરૂપે ખોડાઈ જવા ચાહું છું કે જેથી ચૂડલાવાળી રમણીઓ એ મારા પથ્થર-દેહ પર પગ મેલીને હાથ લંબાવી વડલે હીંચોળા ખાશે!]

એ શૃંગારી દુહાની સામે અમારા જોગી … ભાઈ તુર્ત જ પ્રતિસ્પર્ધી ભાવનો દુહો લલકારે કે

વડ વડવાયેં ઝક્કિયા, અળસર ટકિયા આણ; મેલીને જટા મોકળી, જડધર ઊભો જાણ. [વડવાઈ વડે ઝૂકેલો વડલો જાણે જટા વિખરાતી મૂકીને મહાદેવ પોતે જ ઊભો હોયની, એવો દીસે છે.]

કોઈ ગામના ઝૂંપડામાં માતાઓ કે બહેનોના હાથમાં ઊછળતું ને સામસામું ઝીલાતું બાળક જોયું, ત્યાં તો કાવ્ય-વીજળીના તાર જાણે સંધાયા, અને દુહારૂપે દીવો પ્રગટ થયો કે

એક દિયે બાંજી લિયે, (આંઉ) કફરાડિ’ કઢાં, અલ્લા ઓ ડિ’ દે, લાખો બારક થિયાં. [ઓ પ્રભુ! આ બાળકને સામસામો ફંગોળીને ઝીલતી સ્ત્રીઓને જોઉં છું, ત્યારે મને લાગે છે કે હું બહુ કારમા દિવસો કાઢું છું. મને ફરી વાર એ દિવસો ઝટ દે, કે જ્યારે હું બાળક બની જાઉં!]

એમ કરતાં કરતાં તો ગામડાંની સ્મશાન-ભૂમિ આવે છે. અને જે ગ્રામ્ય જનતા પાસે નદીનાં છીપરાં વિશેની ફાટ ફાટ રસિકતા હતી, તેની પાસે શું સ્મશાનની ફિલસૂફી ઓછી હતી? મૃત્યુની રસિકતા જો વીરભૂમિ સૌરાષ્ટ્રમાં ન હોય તો પછી એના શૂરાતનનાં સેંકડો વર્ષોનો સરવાળો શૂન્યથી વિશેષ કાંઈ જ શાનો હોય? મારા સાથીઓને પણ એ સ્મશાનમાં કાવ્યો સ્ફુર્યાં : આંઉ વંજો જીરાણમેં, કોરો ઘડો મસાણ, જેડી થૈ વઈ ઉનજી, એડી થીંદે પાણ. [હું સ્મશાને ગયો. ત્યાં ચિતા પર મેં કોરો ઘડો દીઠો. ઓ ભાઈઓ, એક દિવસ આપણને પણ એવી જ વીતશે!]

પરંતુ એ તો કેવળ વૈરાગ્ય. ખરી ફિલસૂફી તો આ રહી : હાલ હૈડા જીરાણમેં, શેણાંને કરીયેં સાદ; મટ્ટી સેં મટ્ટી મિલી, (તોય) હોંકારા દીયે હાડ. [ઓ મારા હૃદય! ચાલો સ્મશાનમાં! ત્યાં જઈ સ્વજનને સાદ કરીએ. ભલે એની માટી તો માટીમાં મળી, એનાં હાડકાં તો હજુ પડ્યાં છે ને? એ હાડકાં ઊઠીને હોંકારો દેશે.]