સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/મૃત્યુનાં ગાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મૃત્યુનાં ગાન

આ મરશિયા સોરઠી જુવાને મરતે મરતે સાંભળ્યા. પોતાના જ મૃત્યુનું કીર્તિકાવ્ય પોતે સાંભળી લીધું. સાંભળવાના એને કોડ હતા. રસ્તામાં જ એ અભિલાષ એને જન્મ્યા હતા. બુઢ્ઢી ચારણીને એણે એક સંધ્યાએ રસ્તાના એક ગીર ગામડામાં મોં ઢાંકી રડતી સાંભળી હતી. મરનાર પાછળના સોરઠી રુદનમાં પઠાણી રુદનની પેઠે જ કાવ્ય હતું, સાહિત્ય હતું, સ્નેહના કાતિલ આર્તનાદ હતા. રડનારના કંઠની કલા હતી. એવું મીઠું રુદન-ગાન સાંભળતાં સોરઠી જુવાને બુઢ્ઢીને આંગણે ઘોડો થંભાવ્યો : પૂછ્યું, માડી, શું કરતાં’તાં? બાપ, મારો જુવાન દીકરો મૂવો છે એના મરશિયા ગાતી’તી : મા, બહુ મીઠા મરશિયા; મારા ય ગાઓને? ગાશો? બહુ મીઠા : અરે બાપ! મરશિયા તો મૂવાના હોય, જીવતાના, તું સરીખા બાળના તે મરશિયા હોય? અરે મા, હું ય મરી ચૂક્યો છું. મરવા ચાલ્યો છું. શીષ સોમૈયાને અર્પણ કરીને નીકળ્યો છું. ગાવ, મા, ગાવ સુખેથી. બાપ, જા, હું રણખેતરને કાંઠે ઊભી ઊભી તારું શીશ કપાવાની ઘડીએ સંભળાવીશ. એ આ મરશિયા : એ લગ્ન : એ સ્નેહ : ને શોણિત-મિશ્રણના બનાવો : ગીરનાં જંગલો એ બધાં સ્મરણાં જગાડે છે. સોરઠની જુવાની કેવા કેવા મસ્ત તૉર સેવતી તેના વિચારે ચડી જવાય છે. હૈયા ઉપર જમાનાઓના તડકા-છાંયા રમે છે.