સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/રુધિર મિશ્રણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રુધિર મિશ્રણ

પણ જવા દો એ બધા પ્રણય-પ્રલાપોને. સોરઠી જુવાન એક રાત્રિને માટે પરણ્યો. ગંગાજળકુળ ગણાતા ગોહિલના બાલકે અનાર્ય મનાતી શિકારી કોમની બાલાનું પાણિગ્રહણ કર્યું, એક રાત્રિ, એક જ રાત્રિના એના દંપતી-સંસારને ક્યારે એક મિશ્રજાતિની વંશવેલ્ય ચડી, જેનું નામ ગોહિલ કોળી. એવી મંગલ ઘટનાનું લીલાસ્થાન દોણ-ગઢડા મને પ્રિય છે. કલ્પનામાં પ્રિય લાગે છે. ને સોમનાથને પાદર સમરભૂમિમાં જ્યારે શત્રુની સમશેરે પડેલા મસ્તકને બે હાથમાં ઝીલી લઈ હમીરજીનું કબંધ (ધડ) સોમનાથની સન્મુખ અર્પણ કરતું ઊભું હશે, ત્યારે પેલી ચારણી ડોશીએ દૂર ઊભે ઊભે બાળુડા હમીરને મીઠા મીઠા મરશિયા સંભળાવ્યા હશે, તેની લાગટ ચિત્ર-પરંપરા મારાં કલ્પનાચક્ષુઓ સામેથી કોઈ ઝડપી ચિત્રપટની માફક પસાર થઈ રહેલ છે :

[દુહા]

વેલો આવ્યે વીર! સખાતે સોમૈયા તણી હીલોળવા હમીર! ભાલાંની અણીએ ભીમાઉત!

પાટણ આવ્યાં પૂર ખળહળતાં ખાંડાં તણાં; શેલે માહી શૂર ભેંસાસણ શો ભીમાઉત.

વેળ્ય તાહરી વીર, આવીને ઉવાંટી નહીં; હાકમ તણી હમીર ભેખડ આડી ભીમાઉત!

ઓ ભીમ લાઠિયાના પુત્ર! તારા શૌર્યની ભરતી ચડી આવી, પણ તે પાછી ન વળી. દરિયાની ભરતીને તો પાછો ઓટ છે, પણ વીરનો શૌર્ય-જુવાળ ચડ્યો તે પાછો ન વળ્યો. કેમકે આડે હાકેમ કહેતાં મુસ્લિમ શત્રુની ફોજ રૂપી ભેખડ બંધાઈ ગઈ હતી.