સ્વાધ્યાયલોક—૧/સાક્ષરતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાક્ષરતા — એક આહ્વાન

ઈશુનું વર્ષ બે હજાર, ને ભારતમાં એક અબજ માણસની વસ્તી. આ સાદા અંકગણિતનો સ્કોટક અર્થ એ થાય કે આજે ૧૯૮૧માં ભારતમાં સિત્તેર કરોડ માણસની વસ્તી છે એમાંથી બે હજારની સાલ સુધીનું મૃત્યુનું પ્રમાણ ગણતરીમાં લઈએ તો આવતા બે દાયકામાં, ભારતમાં ચાલીસેક કરોડ માણસનો જન્મ થશે. એટલે કે બે હજારની સાલમાં ભારતમાં એક વર્ષથી માંડીને વીસ વર્ષ સુધીની વયનાં ચાલીસેક કરોડ માણસ હશે. વળી આજે ૧૯૮૧માં ભારતમાં સિત્તેર ટકા નિરક્ષરતા છે, એટલે કે પચાસેક કરોડ નિરક્ષરો છે. એમાંથી આવતા બે દાયકાનું નિરક્ષરોના મૃત્યુનું પ્રમાણ અને નિરક્ષરોના શિક્ષણ — પ્રૌઢ શિક્ષણનું પ્રમાણ ગણતરીમાં લઈએ તો બે હજારની સાલમાં ભારતમાં વીસ વર્ષથી ઉપરની વયનાં ચાલીસેક કરોડ નિરક્ષરો હશે. હવે જો બે હજારની સાલ સુધીમાં આપણે ભારતમાં નિરક્ષરતાનું નિઃશેષ નિવારણ કરવું હોય, સંપૂર્ણ સાક્ષરતા સિદ્ધ કરવી હોય તો આવતા બે દાયકામાં એક વર્ષથી માંડીને વીસ વર્ષ સુધીની વયનાં ચાલીસેક કરોડ નિરક્ષરોના પ્રૌઢ શિક્ષણનું શું? — આ પ્રશ્નનો ઉત્તર આપવાનો રહેશે. આવતા બે દાયકામાં ભારત સમક્ષ અનેક મહાન આર્થિક, રાજકીય, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રશ્નો હશે. પણ એ સૌ પ્રશ્નોના ઉત્તરોનો આધાર કદાચને આ પ્રશ્નના ઉત્તર પર હશે. એવા આ પ્રશ્નોનો પ્રશ્ન છે. વસ્તી અને સાક્ષરતાનો પ્રશ્ન એ ભારત સમક્ષ સૌથી મહાન પ્રશ્ન છે. આજે વિશ્વ-સાક્ષરતાદિન નિમિત્તે આ પ્રશ્નનું સ્મરણ કરવું- કરાવવું તથા આવતા બે દાયકામાં સમાજ અને રાજ્ય જો આ પ્રશ્નનો ઉત્તર નહિ આપે તો સમાજ અને રાજ્યનું ભાવિ અંધકારમય છે એવું આત્મપરીક્ષણ કરવું-કરાવવું એમાં જ આજના દિનનું ગૌરવ છે. જોકે આવા વાર્તાલાપમાં આ પ્રશ્ન આમ આરંભે નહિ, પણ અંતે પૂછવાનો હોય. આરંભે તો એ પ્રશ્ન પૂછવાનો હોય કે નિરક્ષરતા એટલે શું? અર્ધનિરક્ષરતા એટલે શું? સાક્ષરતા એટલે શું? લિપિ, લેખન અને મુદ્રણનો ઉદ્ભવ કોણે, ક્યાં, ક્યારે, શી રીતે અને શા માટે કર્યો? સાક્ષરતાનો વિકાસ કોણે, ક્યાં, ક્યારે, શી રીતે અને શા માટે કર્યો? આ પ્રશ્નનો ઉત્તર એ સ્વયં આ રસિક અને રોમાંચક ઇતિહાસ છે. વળી આ પ્રશ્નને આર્થિક, રાજકીય સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રશ્નોનો સંદર્ભ છે. એથી આ પ્રશ્નનો ઉત્તર એ એક સંકુલ અને સાહસિક ઇતિહાસ પણ છે. આ ઇતિહાસ માટે અહીં અત્યારે કોઈ સ્થાન કે સમય નથી. છતાં એની રૂપરેખા આ પ્રમાણે છે : માણસ ન વાંચી શકે, ન લખી શકે એ નિરક્ષરતા. માણસ વાંચી શકે પણ લખી ન શકે અથવા માણસ વાંચી શકે, લખી શકે પણ સમજી ન શકે એ અર્ધનિરક્ષરતા. માણસ વાંચી શકે, લખી શકે અને સમજી શકે એ સાક્ષરતા. લિપિ, લેખન અને મુદ્રણનો ઉદ્ભવ તથા સાક્ષરતાનો વિકાસ એકસાથે અને આકસ્મિક થયો નથી, પણ ક્રમશઃ અને સકારણ થયો છે. પ્રાગ્-ઐતિહાસિક યુગમાં મનુષ્યે એનાં મોં અને કાનની સહાયથી બોલીનું-ભાષાનું સર્જન કર્યું તથા એનાં હાથ અને આંખની સહાયથી ચિત્રનું, શિલાચિત્રનું સર્જન કર્યું. દૃશ્ય અને સ્પર્શ્ય એવા પદાર્થની અનુકૃતિ, આકૃતિ શક્ય છે. પણ અદૃશ્ય અને અસ્પર્શ્ય એવા ભાવ અને વિચારની અનુકૃતિ આકૃતિ શક્ય નથી. એથી કૃષિક્રાંતિ પછી આજથી પાંચેક હજાર વર્ષ પૂર્વે સુમેરની પ્રજાએ એની ભાષાની વિલક્ષણતાને, વિશેષતાને આધારે જેમાં ભાષાનું, શબ્દનું, અવાજનું સૂચન હોય એવી પાંચસો-છસો સંજ્ઞાઓનું સર્જન કર્યું. પછી આજથી ચારેક હજાર વર્ષ પૂર્વે સીરિયા — પેલેસ્ટાઈનની પ્રજાએ એના વ્યાપારી અને રાજદ્વારી સંબંધોને માટે એમાંથી સ્વર-વ્યંજનની વ્યવસ્થા સાથેની લિપિનું સર્જન કર્યું. પરિણામે ભણવા-ગણવાનું એટલે કે વાંચવા-લખવાનું અને ગણિત ગણવાનું અસ્તિત્વમાં આવ્યું. Three Rsની સાક્ષરતા અસ્તિત્વમાં આવી. પછી સદીઓ સુધી આ સાક્ષરતા ભૌગોલિક, સાંસ્કૃતિક સીમાઓને અતિક્રમી શકી પણ આર્થિક કારણોથી સામાજિક સીમાઓને અતિક્રમી શકી નહિ. એથી સદીઓ સુધી કોઈપણ પ્રાચીન કે અર્વાચીન સમાજમાં — પ્રાચીન ગ્રીસ, રોમ અને ભારતના સમાજમાં કે અર્વાચીન યુરોપ કે ભારતના સમાજમાં — સાક્ષરતા એ અલ્યસંખ્ય મનુષ્યોનો, કોઈ એક વિશિષ્ટ વર્ગ કે વર્ણનો, બ્રાહ્મણ-વૈશ્ય વર્ણનો પવિત્ર અધિકાર હતો. ૫મી સદીમાં બર્બરોના આક્રમણથી રોમના સામ્રાજ્યનું પતન થયું અને સાક્ષરતાનો હ્રાસ થયો, ત્યારે યુરોપમાં જે કંઈ દસેક ટકા સાક્ષરતા હતી એમાં ૫મી સદીથી ૧૧મી સદી સુધી ધર્મનું અને ૧૧મી સદીથી ૧૮મી સદી સુધી વ્યાપાર અને ઉદ્યોગનું. સૈન્ય અને નૌકાસૈન્યનું તથા નકશા, ઘડિયાળ, તોલમાપ, ચશ્માં, કાગળ મુદ્રણ આદિ યંત્રો અને સાધનોના વિજ્ઞાનનું મુખ્ય અર્પણ હતું. ૧૭૫૦માં, પાંચ હજાર વર્ષ પછી પણ, પૂર્વમાં કે પશ્ચિમમાં કોઈ પણ સમાજમાં નેવું ટકા મનુષ્યો, ક્ષત્રિય-શૂદ્ર વર્ણનાં મનુષ્યો, ગ્રામપ્રદેશમાં કૃષિવર્ગનાં મનુષ્યો, અકિંચનો, સ્ત્રીઓ આદિ સાક્ષરતાથી વંચિત હતાં. પણ ૧૭૫૦માં ઔદ્યોગિક ક્રાંતિ પછી સાક્ષરતાનો અસાધારણ વિકાસ થયો. ૧૭૫૦ પછી યુરોપમાં ઔદ્યોગીકરણને પરિણામે નાગરિકીકરણ અને નાગરિકીકરણને પરિણામે આધુનિકીકરણ થયું અને આ સૌને પરિણામે સાક્ષરતાનો અભૂતપૂર્વ વિકાસ થયો. ૧૭૫૦માં પશ્ચિમમાં સૌથી વધુ સાક્ષરતા હતી. ૧૮૫૦માં પચાસ ટકા સાક્ષરતા હતી. આજે નેવુંથી નવ્વાણું ટકા સાક્ષરતા છે. પશ્ચિમમાં ૧૯મી સદી સુધી સાક્ષરતાના વિકાસની મંદ ગતિ હતી, ૧૯મી સદી પછી ત્વરિત ગતિ છે. છેલ્લાં બસો — સવા બસો વરસમાં પૂર્વ અને પશ્ચિમમાં સાક્ષરતા વચ્ચે જે અંતર છે તે ઘટ્યું નથી, પણ વધ્યું છે. ૧૭૫૦થી ઔદ્યોગિક ક્રાંતિ પછી જગતભરમાં સાક્ષરતા માટે અસાધારણ ચિન્તા અને ચિન્તનનું દર્શન થાય છે. ૧૯મી સદીથી જગતભરમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો ક્રમશઃ સ્વીકાર થયો છે. આજે હવે જગતભરમાં કોઈ પણ રાષ્ટ્રને માટે નિરક્ષરતા એ એક રાષ્ટ્રીય કલંક છે. ૧૭૫૦થી સાક્ષરતા અને ઔદ્યોગીકરણ, નાગરિકીકરણ, આધુનિકીકરણ, પરસ્પરને પ્રેરણા અને પ્રોત્સાહનરૂપ છે. ૧૭૫૦થી ઔદ્યોગિક ક્રાંતિને કારણે જેમ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં સ્ફોટ થયો હતો તેમ ૧૯૫૦થી યંત્રવૈજ્ઞાનિક ક્રાંતિને કારણે ઉચ્ચ શિક્ષણમાં એક મહાન સ્ફોટ થયો છે. એક સદી પૂર્વે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જેટલું આવશ્યક હતું એટલું જ આજે ઉચ્ચ શિક્ષણ આવશ્યક છે. ગઈ કાલ સુધી માત્ર સાક્ષરતા તથા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પર્યાપ્ત હતું, આજે હવે અપર્યાપ્ત છે. ગઈ કાલ સુધી સાક્ષરતા એટલે અક્ષરજ્ઞાન. આજે હવે સાક્ષરતા એટલે અક્ષરજ્ઞાન ઉપરાંત જ્ઞાન, વિજ્ઞાન, ઉચ્ચ જ્ઞાન. ગઈ કાલ સુધી પરંપરાગત શિક્ષણસંસ્થાઓ અસ્તિત્વમાં આવી હતી, આજે હવે યંત્રવૈજ્ઞાનિક યુગમાં યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિ, સમાજ, મનુષ્ય અને જીવનને અનુકૂળ અને અનુરૂપ એવી નવા જ પ્રકારે યુનિવર્સિટીઓ સંશોધનકેન્દ્રો આદિ શિક્ષણસંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે. ૧૯૫૦થી જગતમાં અનેક રાષ્ટ્રોએ યંત્રવૈજ્ઞાનિક યુગમાં પ્રવેશ કર્યો છે અને ભારતે ઔદ્યોગિક યુગમાં પ્રવેશ કર્યો છે. એ સંદર્ભમાં ભારતે આવતા બે દાયકામાં અહીં આરંભે જે પ્રશ્ન પૂછ્યો છે એનો ઉત્તર આપવાનો છે. અને ભારતે એ ઉત્તર એની આજ સુધીની અનેક પરંપરાઓ અને આજના અનેક પ્રશ્નોના સંદર્ભમાં આપવાનો છે. ભારત વિકાસશીલ રાષ્ટ્ર છે, અને ભારતમાં જગતની છઠ્ઠા ભાગની વસ્તી છે. એમાંથી એંસી કરોડ માણસનું શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણ એ એક પ્રચંડ પુરુષાર્થ છે, એક વિરાટ કાર્ય છે. એ માટે એણે સમાજ અને રાજ્ય દ્વારા ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં વિપુલ ધનસંપત્તિ અને માનવસંપત્તિનું, શાળાઓ-મહાશાળાઓ, યુનિવર્સિટીઓ, સંશોધનકેન્દ્રો આદિ માટેનાં અનેક મકાનોનું, સેટેલાઇટ આદિ સહિતની અઢળક સાધનસામગ્રીનું તથા અસંખ્ય શિક્ષકોનું આયોજન કરવાનું રહેશે. યોગ્ય વેતન અને પ્રતિષ્ઠા દ્વારા આ અસંખ્ય શિક્ષકોની ગુણવત્તા અને કાર્યક્ષમતાનું પોષણ કરવાનું રહેશે. કોણ ભણે- ભણાવે છે? ક્યાં ભણે-ભણાવે છે? શી રીતે ભણે-ભણાવે છે? — એ પ્રશ્નનું જેટલું મહત્વ છે એટલું જ શું ભણે-ભણાવે છે? શા માટે ભણે-ભણાવે છે? — એ પ્રશ્નનું પણ મહત્ત્વ છે. સાક્ષરતા, જ્ઞાન-વિજ્ઞાન એ તો સાધન છે, સાધ્ય તો છે મૂલ્યો. જ્ઞાનનો સદુપયોગ અને દુરુપયોગ એવા બે વિકલ્પોનું જ્ઞાન એ જ્ઞાન વિશેનું મુખ્ય અને મહત્ત્વનું મૂલ્ય છે. વિશ્વવિદ્યાલયોમાં વિદ્યાપુરુષોમાં આ મૂલ્યોની સૂઝ અને સમજ હશે અને શિક્ષણમંત્રાલયોમાં રાજપુરુષોમાં આ મૂલ્યો પ્રત્યેની સંવેદનશીલતા અને કલ્પનાશીલતા હશે તો જ અંતે આ પ્રચંડ પુરુષાર્થ સફળ થશે, આ વિરાટ કાર્ય સિદ્ધ થશે. મૂલ્યો વિનાનો તે મનુષ્ય હોય? ભારતે માત્ર ડાબા હાથના અંગૂઠાનું નિશાન ભૂંસવાનું નથી પણ એ જેના ડાબા હાથના અંગૂઠાનું નિશાન છે તે મનુષ્યમાંથી સાચ્ચે જ એક સાક્ષર, એક વૈશ્વિક મનુષ્યને ઉપસાવવાનો છે. ભારતને આજના વિશ્વ-સાક્ષરતાદિનનું આ આહ્વાન છે. (‘વિશ્વ સાક્ષરતાદિન’ નિમિત્તે આકાશવાણી, અમદાવાદ પરથી વાર્તાલાપ. ૮ સપ્ટેમ્બર ૧૯૮૧.)

*