સ્વાધ્યાયલોક—૧/ફિલ્મ વિશે
સાહિત્ય સંગીત અને સિનેમા — આ ત્રણ કળાઓમાં ભારતમાં અર્વાચીન યુગમાં સર્વતોમુખી પ્રતિભાનું દર્શન થાય છે; સાહિત્યમાં રવીન્દ્રનાથ સંગીતમાં રવિશંકર અને સિનેમામાં સત્યજિત રાય. એ એક યોગાનુયોગ જ માત્ર હશે કે આ ત્રણે પ્રતિભા બંગાળની સરજત છે? કે પછી બંગાળની ભૂમિમાં જ કોઈ અનન્ય અસાધારણ સત્ત્વ છે? સિનેમાની શતાબ્દીના આ વર્ષમાં જ્યારે છેલ્લા પાંચેક દાયકામાં જે અસંખ્ય ફિલ્મો જોઈ છે એનું સ્મરણ કરું છું તો સત્યજિત રાયની ‘પથેર પાંચાલી’ ફિલ્મ સ્મૃતિમાં પ્રથમ ચમકી જાય છે. ‘પથેર પાંચાલી’ સત્યજિત રાયની પ્રથમ ફિલ્મ છે. પહેલો જ કૂદકો અને સત્યજિત રાય સર્જકતાના એવરેસ્ટને આંબી ગયા છે. ‘પથેર પાંચાલી’ સત્યજિત રાયની ફિલ્મત્રયીની પ્રથમ ફિલ્મ છે. પછીથી સત્યજિત રાયે ‘આગંતુક’ લગીમાં અનેક ફિલ્મોનું સર્જન કર્યું છે. પણ એમની આ પ્રથમ ફિલ્મ એક સાદ્યંતસુંદર અને સર્વાંગસંપૂર્ણ કલાકૃતિ રૂપે માત્ર આજ લગીની ભારતની સૌ ફિલ્મોમાં જ નહિ, પણ સત્યજિત રાયની સૌ ફિલ્મોમાં પણ અદ્વિતીય છે. ‘પથેર પાંચાલી’ વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની પ્રસિદ્ધ બંગાળી નવલકથા છે. નવલકથા તરીકે એ સુન્દર છે, પણ જ્યારે એક કલામાધ્યમમાંથી અન્ય કલામાધ્યમમાં કલાકૃતિનું રૂપાન્તર થાય છે ત્યારે એ સર્વદા સુભગ ન પણ હોય. પણ ‘પથેર પાંચાલી.’ નવલકથાનું સત્યજિત રાયે ફિલ્મના કલામાધ્યમમાં જે રૂપાન્તર કર્યું છે તે સુભગ તો છે જ, પણ ફિલ્મ તરીકે એ સ્વતંત્ર અને સ્વાયત્ત એવી એક સાદ્યંતસુન્દર અને સર્વાંગસંપૂર્ણ કલાકૃતિ છે. ‘પથેર પાંચાલી’માં ભારતનો ચિરંતન આત્મા પ્રગટ થાય છે — સવિશેષ અપુની ફોઈ ઇન્દિરના પાત્રમાં. આ પાત્ર એ ભારતની યુગોની વેદનાનું પ્રતીક છે. દીવાની જ્યોતના આછા પ્રકાશમાં સોયમાં દોરો પરોવવાનો એનો પ્રયત્ન, એનો સંઘર્ષ એ માત્ર ભારતનો જ નહિ પણ સ્વયં જીવનનો સંઘર્ષ છે. એમાં સત્યજિત રાયની કળાની વૈશ્વિકતાનું દર્શન થાય છે. ‘પથેર પાંચાલી’માં અનેક પ્રતીકો છે, પણ એમાંનું આ સર્વશ્રેષ્ઠ પ્રતીક છે. ઇન્દિરના મૃત્યુની ક્ષણે હાથમાંથી સરી જતા પાત્રનો અવાજ, તારના થાંભલા પર સૂસવતા પવનનો અવાજ, દુર્ગાનાં મૃત્યુની ક્ષણે બારણાંનો કિચૂડ કિચૂડ અવાજ, પસાર થતી રેલગાડીના એન્જિનનો અવાજ; ખેતરના છોડને નીચા નમાવીને ઉપર છવાતા ધુમાડાનું દૃશ્ય, પિતાનો પત્ર આવતાં ‘ચિઠ્ઠી, ચિઠ્ઠી’ના આનંદનું અને સાથે સાથે જંતુનુત્યનું દૃશ્ય, દુર્ગાનાં મૃત્યુ પછી દુરિતના પ્રતીક જેવી માળાને ફગાવતા અપુના રોષનું દૃશ્ય — આ અવાજો અને દૃશ્યો આજે પણ ચિત્તમાં ચમક્યા કરે છે, સદાય ચમક્યા કરશે. ૧૯૯૬