સ્વાધ્યાયલોક—૧/સ્થાપત્ય વિશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્થાપત્ય વિશે

આજે અહીં તમારી વચમાં ઉપસ્થિત થવામાં આનંદ અનુભવું છું. કવિ, વાર્તાકાર અને કલાવિવેચક સદ્ગત રાય કૃષ્ણદાસની સ્મૃતિમાં આયોજિત આ સાતમી વ્યાખ્યાનશ્રેણીનું ઉદ્ઘાટન કરવા મને આમંત્રણ આપ્યું એ માટે ‘વત્સલનિધિ’ તથા ‘વાસ્તુશિલ્પ’ના સભ્યોનો હૃદયથી આભાર માનું છું. હું જોઉં છું કે અહીં દેશભરમાંથી સારી સંખ્યામાં કલાકારો અને કલાવિવેચકો એકત્ર થયા છે. જે નથી કલાકાર, નથી કલાવિવેચક, જે છે માત્ર પદ્ય રચનાર એટલે કે મારા જેવી વ્યક્તિ માટે તમારી વચમાં આમ ઉપસ્થિત થવું એ આનંદ અને ગૌરવનો અનુભવ છે. આ વ્યાખ્યાનશ્રેણીમાં આ બે દિવસ દરમ્યાન આપણે અહીં ‘ભારતીય ઘર : પુરાના, નયા’ એ વિષય પર પ્રયોગ સમેતની ચર્ચા-વિચારણા કરશું. એમાં ‘ભારતીય ઘર’નો ભારતમાં રચેલું ઘર એટલો જ માત્ર અર્થ નથી. એમાં માત્ર સ્થળનો જ અર્થ નથી, સ્થળવાચક જ અર્થ નથી, એમાં સ્થળથી પણ કંઈક વિશેષનો મહિમા છે. એમાં ઘર એટલે ભારતીય સંસ્કૃતિ. સભ્યતા અને સંસ્કારિતાનું પ્રતીક, ભારતીય જીવનશૈલીનું પ્રતીક એવો અર્થ છે. અને તો પછી પ્રાચીન હોય કે અર્વાચીન હોય, પુરાતન હોય કે નવીન હોય, ઘર ગમે તે હોય પણ એની શી વ્યાખ્યા કરશું? એની ભારતીયતાની શી વ્યાખ્યા કરશું? આ એક અઘરું કામ છે. કઠણ કામ છે. આ વ્યાખ્યાની સધ્ધરતાનો આધાર વૈચિત્ર્યપૂર્ણ અને વૈવિધ્યપૂર્ણ ભારતીય ઇતિહાસ-ભૂગોળમાં છે. યુગોથી ભારતે વિદેશી જાતિઓ અને વિવિધ ધર્મોને, અનેક પરદેશી વિચારધારાઓ અને સંસ્કૃતિઓને આત્મસાત્ કર્યાં છે. વળી ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન સામાજિક, આર્થિક, રાજકીય, આધ્યાત્મિક અને ધાર્મિક પ્રસંગો, પ્રક્રિયાઓ અને પરિબળોએ ભારતનું ભાગ્યનિર્માણ કર્યું છે. ઉપરાંત એ મહાકાય દેશ છે, દેશનો દેશ છે, ઉપખંડ છે. ભિન્ન ભિન્ન સ્થળે ભિન્ન ભિન્ન ભૌગોલિક પરિસ્થિતિ અને પ્રાકૃતિક વાતાવરણ છે. પ્રજાના જીવન પર એમનું વર્ચસ્ છે. પરિણામે ભારતનાં ઘરોમાં અનંત વૈવિધ્યનું પ્રતિબિંબ અને પ્રતિનિધિત્વ છે. જેમાં આ અનંત વૈવિધ્યનો સમાસ થાય એવી કોઈ એક સર્વગ્રાહી અને સર્વસ્વીકાર્ય વ્યાખ્યા કરવી એ એક વિષમ અને વિકટ કાર્ય છે. આ અનંત વૈવિધ્યથી પર અને પાર હોય, એને અતિક્રમી જાય, જે શાશ્વત અને વૈશ્વિક હોય એવું કંઈક ભારતના આ ચિત્રવિચિત્ર ઇતિહાસ-ભૂગોળમાં છે. એ એક સૂક્ષ્મ સંધાન છે, એક અદૃશ્ય સૂત્ર છે, ભલે એ સ્પષ્ટ ન હોય પણ એ અસ્પષ્ટ રૂપે એમાં અવશ્ય સુગ્રથિત છે. આપણે એને વાજબીપણે જ ગૌરવભેર વિવિધતામાં એકતા કહીએ છીએ, વિભક્તેષુ અવિભક્તમ્ કહીએ છીએ. આજે અહીં આપણે ભદ્રિક, નાગરિક હોય એવા ઉત્તર અને દક્ષિણભારત તથા ગ્રામીણ ભારત એટલે કે સૌરાષ્ટ્ર, ભારતના પર્વતીય પ્રદેશો અને ભારતના રણપ્રદેશ એટલે કે કચ્છનાં ઘરો વિશે ચર્ચાવિચારણા કરશું. મને શ્રદ્ધા છે કે આ ચર્ચાવિચારણાને અંતે ભારતીય ઘરની વ્યાખ્યા રચી શકાશે. જનાન્તિકે અહીં એ પણ ઉમેરવું જોઈએ કે આજે આપણે ચિત્રકળામાં અને ચલચિત્રકળામાં ભારતીય ઘર વિશે પણ ચર્ચાવિચારણા કરશું. જ્યારે કોઈ પણ પદાર્થ — પછી એ ભારતીય ઘર હોય કોઈ પણ ઘર હોય કે અન્ય કોઈ પદાર્થ હોય — વાસ્તવના જગતમાંથી કોઈ પણ કળાના, કળાસ્વરૂપના જગતમાં પ્રવેશ પામે છે ત્યારે એ પદાર્થ રહેતો નથી પણ કલ્પન કે પ્રતીક બની જાય છે. એ વાસ્તવના જગતમાં જે કંઈ હોય છે તે રહેતો નથી પણ અન્ય કંઈક બની જાય છે. એનું પરિવર્તન, પરાવર્તન થાય છે. આ પ્રયોગ સમેતની ચર્ચાવિચારણા દરમ્યાન આપણે જોઈશું કે ભારતીય ઘર જ્યારે ચિત્રમાં કે ચલચિત્રમાં પ્રવેશ પામે છે ત્યારે જે વધુ સમુદ્ધ અને સકૌતુક હોય એવા કશાકમાં એનું સામુદ્રિક પર્યવસાન થાય છે અને એ આપણે માટે એક રસપ્રદ અનુભવ હશે. મારા કાર્યક્ષેત્રના — એટલે કે કવિતાના — સંદર્ભમાં તો સર્વ દેશમાં અને સર્વ કાળમાં જગતની સૌ ભાષાઓમાં કવિઓએ ઘર વિશે કાવ્યો રચ્યાં છે. પ્રાચીનકાળમાં ભારતમાં શૂદ્રકે ‘મૃચ્છકટિકમ્’ નાટકમાં ઘર વિશે નોંધપાત્ર લખાણ કર્યું છે. આપણા યુગમાં અમેરિકામાં ડબ્લ્યુ. બી. ઑડને ઑસ્ટ્રિયામાં ઇશ્ચિયામાંના એમના ઘર વિશે બાર કાવ્યોનું એક સમગ્ર કાવ્યગુચ્છ ‘About the House’ — ‘ઘર વિશે’ — શીર્ષકથી રચ્યું છે. એમાં એમના ઘરના પ્રત્યેક ખંડ પર એક એક કાવ્ય રચ્યું છે. કેટલાક કવિઓ એમના જીવનકાળમાં એકથી વધુ ઘરમાં વસ્યા છે. ૧૯મી સદીના મધ્યભાગમાં ફ્રેન્ચ કવિ શાર્લ બૉદલેર એમના ૪૬ વર્ષના ટૂંકા જીવનકાળમાં પેરિસમાં ૩૩ ઘરોમાં વસ્યા હતા. એમને જેને ‘ઘર’ (home) કહેવાય એવું ઘર ન હતું. એ એમના લ્હેણદારોથી બચવા માટે હોટેલોમાં અથવા તો ખાનગી ઘરોમાં ભાડાના ખંડમાં વસ્યા હતા. આમેય તે ફ્રેન્ચ પ્રજા પાસે એમની ભાષામાં ‘ઘર’ (home) માટે કોઈ શબ્દ જ નથી. તેઓ ઘર માટે ‘ma maison’ — મારું મકાન — અથવા તો ‘Chez-moi’ — મારે ત્યાં — એવો શબ્દપ્રયોગ કરે છે. બૉદલેરે એમના ‘ઘર’ વિશે — બલકે એમના ખંડો વિશે વિધાન કર્યું છે, ‘મારા ખંડો હંમેશાં નાના હોય છે, જેથી મારાં સ્વપ્નો મોટાં બની શકે.’ આપણા યુગમાં રવીન્દ્રનાથ શાન્તિનિકેતનમાં અનેક ઘરોમાં વસ્યા હતા. થોડોક સમય એક ઘરમાં વસે અને પછી અન્ય ઘરમાં વસવાને ચાલ્યા જાય. ‘શ્યામલી’ — એનું નામ સૂચવે છે તેમ કાળી માટીનું ઘર — એ એમના અંતિમ દિવસોનું ઘર હતું. એ ઘર પર એમણે એક સમગ્ર કાવ્યસંગ્રહ રચ્યો છે. ઑડન લાંબા સમય લગી આ વરસમાં બે ઘરમાં વસ્યા હતા, વરસમાં છ મહિના એમના ન્યૂયૉર્કના એપાર્ટમન્ટમાં અને છ મહિના એમના ઑસ્ટ્રિયામાં ઇશ્ચિયામાંના ઘરમાં. એમનાં પૂર્વોક્ત બાર કાવ્યોના કાવ્યગુચ્છમાં બીજા કાવ્ય ‘Thanksgiving for a Habitiat’ — ‘ઘર માટે આભારદર્શન’ — માં એમણે એમના ઑસ્ટ્રિયામાં ઇશ્ચિયામાંના ઘર વિશે કહ્યું છે, ‘એવું સ્થળ છે જ્યાં હું આવું છે અને જ્યાંથી પાછો જાઉ છું.’ ઘર — ભારતીય ઘર સુધ્ધાં — કવિને ઝાઝો સમય ઝાલી રાખી શકે નહિ. કવિ એ એકલો અટૂલો સ્વપ્નસેવી છે, એ અસાધ્ય એવો રખડુ છે. એને ઘર સાંકડું લાગે છે અથવા એ ઘર સાંકડું હોય એમ ઇચ્છે છે, અને ઘર સાંકડું ન હોય તો પણ એ ઘરમાંથી જલદી જલદી ચાલ્યો જાય છે. એ એનું વ્યવસાયી સાહસ છે. સ્થપતિઓ, સાવધાન! અહીં અંતે એક અંગત પાદટીપ ઉમેરું તો ક્ષમા કરશો. છેલ્લા છ દાયકાથી વધુ સમય દરમ્યાન આ નગરમાં હું પાંચ ઘરોમાં વચ્ચે છું. સાબરમતીના ડાબા તટ પરના કોટની અંદરના નગરના મધ્યભાગમાં એક જૂના ઘરમાં, અને સાબરમતીના જમણા તટ પરના ઉપનગરમાં નવાં અને બહુ નવાં નહિ એવો ચાર ઘરોમાં. ઘર વિશેના મારા અનુભવ વિશે મેં કેટલીક પંક્તિઓ રચી છે એનું પઠન કરું તો તે તમે સહન કરશો :

ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવી પડે;
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર — ટોપીનો ય — માથેથી ઉતારીને
અને આ હાથ બે પહોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વના મુખ જોઈ તમને સહેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે શું તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?

(‘વત્સલનિધિ’, દિલ્હી અને ‘વાસ્તુશિલ્પ’, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ‘ભારતીય ઘર : પુરાના, નયા’ વિશેના પરિસંવાદના ઉદ્ઘાટક તરીકે અંગ્રેજી વક્તવ્યનો અનુવાદ. ૧૯૮૮)

*