સ્વાધ્યાયલોક—૨/ધ લવ સૉંગ ઑફ જે. આલ્ફ્રેડ પ્રુફ્રૉક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘ધ લવ સૉંગ ઑફ જે. આલ્ફ્રેડ પ્રુફ્રૉક’

         જે. આલ્ફ્રેડ પ્રુફ્રૉકનું પ્રેમગીત
જો હું જાણું કે મારો ઉત્તર
જે પૃથ્વી પર પાછો ફરી શકે એવા માનવીને હું આપું છું,
તો આ શિખા વધુ કંપે નહિ.
પણ આ ગર્તામાંથી કોઈ સદેહે પાછો ફરી શક્યો નથી
— હું જે સાંભળું છું તે સાચું હોય તો —
એથી અકીર્તિના ભય વિના હું તને ઉત્તર આપું છું.

ભલે આપણે જઈએ ત્યારે, તું અને હું,
સંધ્યાએ જ્યારે આખાયે આભને છાયું
ટેબલ પર કોઈ ઈથરઅસરમાં રોગીની જેમ;
ભલે આપણે જઈએ કેટલીક આછી વસ્તીની શેરીઓમાંથી,
એક રાતના વાસા માટેની સસ્તી હોટેલોમાં
અને છીપલાંની રાખડબી ધરતી, વહેર પાથરતી રેસ્તોરાંમાં
ક્ષુબ્ધ રાત્રિઓની પ્રલાપતી પીછેહઠમાંથી
વિકારી હેતુના નિર્વેદમય વિચારની જેમ
પૂંઠે પૂંઠે આવે તે શેરીઓમાંથી,
એનું ગન્તવ્ય છે એક પ્રબલ પ્રશ્ન…
ભલા, પૂછીશ નહિ, ‘કયો?’
ભલે આપણે જઈએ, અભિસારે, ચલો!

ખંડમાં સન્નારીઓ આવે ને જાય
વાતો માઇકલઍન્જેલોની થાય.

પીળું ધુમ્મસ જે બારીઓના કાચ પર પોતાની પીઠ ઘસે,
પીળું ધૂંવાળું જે બારીઓના કાચ પર પોતાનું મોઢું ઘસે,
એણે સંધ્યાના ખૂણેખૂણાને પોતાની જીભ વડે ચાટ્યો,
એ જલભર્યાં ખાબોચિયાં પર થોભ્યું,

એણે ચીમનીઓમાંથી પડતો ધુમાડો પોતાની પીઠ પર
                                             પડવા દીધો,
એ અગાસી પાસેથી સરક્યું, ઓચિંતું કૂદ્યું,
અને ઑક્ટોબરની સ્નિગ્ધ સંધ્યા છે એમ જાણીને,
ઘરની ચોમેર એક વાર વીંટળાયું અને નિદ્રાધીન થયું.

અને સાચ્ચે જ સમય હશે
બારીઓના કાચ પર પોતાની પીઠ ઘસીને
શેરીઓમાંથી સરકતા પીળા ધૂમ્રને માટે;
સમય હશે, સમય હશે
જે ચહેરાઓને મળવાનું છે તેમને મળવા ચહેરો
                                    સજાવવા માટે;

સમય હશે સંહાર અને સર્જન માટે,
સમય હશે પ્રશ્નને ઊંચકીને થાળી પર ધરતા હાથનાં
કાર્યો અને દિનો માટે;
સમય હશે તારે માટે, સમય હશે મારે માટે,
સમય હશે હજુ શતશત અનિશ્ચિતતાઓ માટે,
અને શતશત દર્શનો અને પુન:દર્શનો માટે,
ચા અને ટોસ્ટ લેતાં પ્હેલાં.

ખંડમાં સન્નારીઓ આવે ને જાય
વાતો માઇકલઍન્જેલોની થાય.

અને સાચ્ચે જ સમય હશે
આશ્ચર્ય માટે, ‘હું સાહસ કરી શકું?’, અને
                           ‘હું સાહસ કરી શકું?’
સમય હશે પાછા ફરવા અને સીડી ઊતરવા,
મારા વાળની વચ્ચોવચ છે તાલ —
(તેઓ કહેશે  ‘એના વાળ કેવા આછા થતા જાય છે!’)
પ્રભાતે પહેરવાનો મારો કોટ, ચિબૂક લગી અક્કડ ઊંચે
                                    જતો મારો કૉલર,
સમૃદ્ધ અને નમ્ર મારી નેકટાઈ, સાદી પિનથી જે સુબદ્ધ —
(તેઓ કહેશે  ‘પણ એના હાથ-પગ કેવા પાતળા
                                    થતા જાય છે!)
હું સાહસ કરી શકું
વિશ્વને વિક્ષુબ્ધ કરવાનું?
એક પળમાં સમય હશે
નિશ્ચયો અને પુન:દર્શનો માટે ને અન્ય પળે એમને પલટવા માટે.
કારણ હું એ સૌને ક્યારનો જાણી ગયો છું,
                           સૌને જાણી ગયો છું —
જાણી ગયો છું સંધ્યાઓને, પ્રભાતોને, પરાહ્નોને,
મેં કૉફીની ચમચીઓ વડે મારું જીવન માપી લીધું છે;
હું વિલંબિત લયમાં મૃત્યુ પામતા અવાજોને જાણું છું
દૂરના કોઈ ખંડમાંથી વહી આવતા સંગીતની અંતરાલે.
પછી હું કેવી રીતે સાહસ કરું?
અને હું એ આંખોને ક્યારનો જાણી ગયો છું,
                           સૌને જાણી ગયો છું —
ઔપચારિક શબ્દાવલિમાં જકડતી આંખોને,
અને જ્યારે હું જકડાઉં, પિનથી વીંધાઉં, પહોળો પથરાઉં,
જ્યારે હું વીંધાઉં, ભીંત પર અમળાઉં,
ત્યારે હું કેવી રીતે આરંભ કરું
મારી દિનચર્ચા અને કર્મચર્યાનાં ઠૂંઠાંને થૂંકી નાખવાનો?
                           અને હું કેવી રીતે સાહસ કરું?
અને હું એ બાહુને ક્યારનો જાણી ગયો છું,
                           સૌને જાણી ગયો છું —
અલંકૃત અને શ્વેત અને ઉઘાડા બાહુને
(પણ દીવાતેજે, ભૂખરા કોમળ કેશ નીચે સ્નિગ્ધ!)
કોઈ વસ્ત્રની સુગંધ
આમ મારી વાતમાં શું પાડી રહી ભંગ?
ટેબલ પર લંબાયલા બાહુ, શાલ આસપાસ વીંટળાયેલા બાહુ.
અને પછી હું સાહસ કરું?
અને હું કેવી રીતે આરંભ કરું?
                  … …
હું કહું, સાયંકાળે સાંકડી શેરીઓમાંથી પસાર થયો છું
બારી બહાર ડોકાતા ખમીસબાંયમાં એકલવાયા મનુષ્યોની
પાઇપમાંથી નીકળતી ધૂમ્રસેર નિહાળી છે?…
હું રુક્ષ ન્હોરની જોડ રૂપે જન્મ્યો હોત તો!
સમુદ્રના શાંત અતલમાં આંદોલાતી.
                  … …
અને મધ્યાહ્ન, સંધ્યા, શાંતિથી નિદ્રાધીન!
તનુ અંગુલિઓથી મસૃણ,
નિદ્રાધીન… ક્લાન્ત… અથવા તો રુગ્ણાભાસી,
ભોંય પર વિસ્તર્ણ, અહીં તારી અને મારી નિકટ.

ચા અને કેઇક અને આઇસ પછી,
આ ક્ષણને સંકટ લગી ધકેલવાનું બળ પ્રાપ્ત કરવું?
પણ જોકે મેં રુદન-અનશન કર્યું, રુદન-પ્રાર્થન કર્યું,
જોકે મારું શિર (જેમાં સ્હેજ તાલ)
                  થાળીમાં લઈ જવાતું જોયું,
હું કોઈ ભવિષ્યવેત્તા નથી — અને અહીં કોઈ મોટી વાત નથી;
મારી મહાનતાની ક્ષણને કંપતી-બૂઝતી જોઈ,
અને શાશ્વત પાસવાનને મારો કોટ પકડતો, અને હણતો જોયો,
અને ટૂંકમાં, હું ડર્યો.

અને એનો કોઈ અર્થ છે, આ બધા પછી,
પ્યાલા પછી, મુરબ્બા પછી, ચા પછી,
વાસણકૂસણ વચ્ચે, તારી મારી કશીક વાતની વચ્ચે,
એનો કોઈ અર્થ છે,
વાતને દાંત વચ્ચે કચરીને હસી નાખવાનો,
વિશ્વને એક દડામાં દબાવીને,
ગબડાવવાનો કોઈ પ્રબલ પ્રશ્ન પ્રતિ,
કહેવાનો  ‘હું લૅઝૅરસ, મૃત્યુલોકથી આવ્યો છું,
તને બધું જ કહેવા આવ્યો છું, તને બધું જ કહીશ.’ —
જો એ, માથા પાસે ઉશીકું ગોઠવતાં,
કહેવાની હોય  ‘આ તો મારા મનમાં હતું જ નહિ.
આ તો નહિ જ.’
અને એનો કોઈ અર્થ છે, આ બધા પછી,
એનો કોઈ અર્થ છે,
સૂર્યાસ્તો પછી, પ્રાંગણો પછી, સિંચિત શેરીઓ પછી,
નવલકથાઓ પછી, ચાના પ્યાલાઓ પછી, ભોંય પર
                           ઘસડાતાં સ્કર્ટ્સ પછી —
આ અને બીજાં ઘણાં બધાં પછી? —
મારે મન જે સમજું છું તે કહેવું અશક્ય છે!
પણ જાણે કે કોઈ જાદુઈ ચિરાગ જ્ઞાનતંતુઓને, આકારબદ્ધ,
                           પરદા પર ફેંકે છે 
એનો કોઈ અર્થ છે
જો એ, ઉશીકું ગોઠવતાં, અથવા શાલને ફંગોળતાં,
અને બારી ભણી ફરતાં, કહેવાની હોય
‘આ તો નહિ જ,
આ તો મારા મનમાં હતું જ નહિ.’
                  … …

ના! હું રાજકુમાર હૅમ્લેટ નથી, થવા માટે જન્મ્યો પણ નથી;
હું અનુચર ઉમરાવ, જે નભી શકે
વિકાસ કરાવવા, એકબે દૃશ્યો આરંભવા,
કુમારને સલાહ આપવા; નિ:શંક, સુલભ સાધન,
માનદાતા, ઉપયોગી થવા રાજી,
કૂટ, સાવધાન, અને સૂક્ષ્મદર્શી;
ભારે ડહાપણભર્યો, પણ સ્હેજ મંદબુદ્ધિ;
ક્યારેક, સાચ્ચે જ, લગભગ હાસ્યાસ્પદ —
લગભગ, ક્યારેક, મૂર્ખ.

હું વૃદ્ધ થતો જાઉં છું… હું વૃદ્ધ થતો જાઉં છું…
પાટલૂનને છેડે પટ્ટીઓ વાળીને પહેરીશ.

મારા વાળમાં પાછળ સેંથો પાડું? પીચ ખાવાનું સાહસ કરું?
સફેદ ફ્લૅનલનું પાટલૂન પહેરીશ અને સમુદ્રતટ પર ફરીશ.
મેં જલપરીઓને ગાતી સાંભળી છે, પરસ્પર.
હું નથી માનતો કે એ મારે માટે ગાય.
મેં એમને જોઈ છે તરંગો પર સવાર થતી સમુદ્ર પ્રતિ જતી
પાછા પછડાતા તરંગોના શ્વેત કેશ ગૂંથતી
વાયુ જ્યારે શ્વેત અને શ્યામ જલને વહેતો વાય.
આપણે સમુદ્રના ખંડોમાં થોભ્યા
રાતી અને ભૂખરી સમુદ્રદૂર્વાથી સુશોભિત જલકન્યાઓની નિકટ
પછી માનુષી અવાજોથી આપણે જાગીએ અને આપણે ડૂબીએ.

‘પ્રુફ્રૉક’માં નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક પરિમાણ છે; ‘પ્રુફ્રૉક’ના કેન્દ્રમાં પરમેશ્વર છે, એ ‘પ્રુફ્રૉક’માં ધ્વનિરૂપે પ્રગટ થાય છે; અને એમાં ‘પ્રુફ્રૉક’ની મહાનતા છે એ સમજવાનો અત્યારે અહીં પ્રયત્ન કરીશું. ‘પ્રુફ્રૉક’ પર છેલ્લા છ દાયકામાં સારું એવું વિવેચન થયું છે. એમાં મુખ્યત્વે ‘પ્રુફ્રૉક’માં જે અન્ય બે — જાતીય અને સામાજિક — પરિમાણો છે એનો મહિમા થયો છે. ફ્રૉઇડ અને માર્ક્સના વિચારોનો જે વાતાવરણમાં પ્રબળ પ્રભાવ હોય એમાં આમ થાય એ અનિવાર્ય હતું. વળી જે યુગમાં મોટા ભાગની મનુષ્યજાતિમાં જીવનના નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક પરિમાણ પ્રત્યે ઉદાસીનતા હોય; પરમેશ્વર પ્રત્યે ઉપેક્ષા હોય; વિચિત્ર દેવોની આરાધના (‘after strange gods’) હોય; માનવતાવાદનો પરમેશ્વરનિરપેક્ષ મનુષ્યનો આદર્શ હોય એમાં આરંભે નોંધ્યું છે એવું અર્થદર્શન, અર્થઘટન ન થાય એ શક્ય હતું. ‘પ્રુફ્રૉક’નો નાયક છે મધ્યમવયનો, મધ્યમવર્ગનો એકલવાયો મનુષ્ય — જે. આલ્ફ્રેડ ‘પ્રુફ્રૉક’. એલિયટે એક વ્યાખ્યાનમાં જનાન્તિકે પ્રુફ્રૉકને યુવાન કહ્યો હતો પણ એનું નામ, માનસ અને વ્યક્તિત્વ એનું મધ્યમવય સૂચવે છે. જોકે ૧૯૦૯–૧૧માં ‘પ્રુફ્રૉક’ રચ્યું ત્યારે એલિયટ (જ. ૧૮૮૮) પોતે યુવાન હતા. કાવ્યમાં સમય છે ઑક્ટોબરની એક સંધ્યા. કાવ્યમાં સ્થળ છે કોઈ એક નગરના સામાન્ય વિસ્તારમાં પ્રુફ્રૉકના ઘરનો ખંડ. કાવ્યમાં અન્ય પ્રત્યક્ષ પાત્ર છે પ્રુફ્રૉકનો મિત્ર અને અપ્રત્યક્ષ પાત્રો છે સન્નારીઓ, એકલવાયા મનુષ્યો તથા જલપરીઓ-જલકન્યાઓ. કાવ્યમાં અન્ય સૂચિત સ્થળો છે શેરીઓ, અસામાન્ય વિસ્તારમાં સન્નારીઓના એકાન્ત ઘરનો પહેલા માળ પરનો ખંડ અને સમુદ્રતટ. કાવ્યમાં પ્રધાનપણે પ્રુફ્રૉકના અને સન્નારીઓના તથા ગૌણપણે એકલવાયા મનુષ્યોના અને જલપરીઓ — જલકન્યાઓના બાહ્યજગતની અને બાહ્યજીવનની અર્થપૂર્ણ અને સૂચક એવી અનેક નાનીમોટી વિગતો છે. પણ કાવ્યનું અમોઘ આકર્ષણ તો છે પ્રુફ્રૉકનું ચિત્ત અને એ ચિત્તમાંનો સંઘર્ષ. પ્રુફ્રૉક એ જાણે કે વ્યક્તિનું નહિ પણ ચિત્તની અવસ્થાનું નામ ન હોય! કાવ્યમાં પ્રુફ્રૉકના મિત્રના પ્રશ્નના ઉત્તરરૂપ, મિત્રને સંબોધનરૂપ પ્રુફ્રૉકની નાટ્યાત્મક એકોક્તિ છે. ૧૩૧ પંક્તિની આ એકોક્તિ દ્વારા પ્રુફ્રૉકનું ચિત્ત અને એ ચિત્તમાંનો સંઘર્ષ પૂર્ણપણે પ્રગટ થાય છે. એલિયટનું જ રૂપક યોજીને કહેવું હોય તો કોઈ જાદુઈ ચિરાગ દ્વારા જાણે કે પ્રુફ્રૉકના જ્ઞાનતંતુઓ — તંતુએ તંતુ — પ્રગટ થાય છે. પ્રુફ્રૉકના ચિત્તમાં જે સંઘર્ષ છે એનું કારણ છે ‘એક પ્રબલ પ્રશ્ન’. પ્રુફ્રૉકના ચિત્તમાં એક પ્રબલ પ્રશ્ન છે. પ્રુફ્રૉકે આ પ્રશ્ન સન્નારીઓને અથવા કોઈ એક સન્નારીને પૂછવો છે. પણ પ્રુફ્રૉક આ પ્રશ્ન પૂછશે નહિ, પૂછી શકશે નહિ, આ કારણે પ્રુફ્રૉકના ચિત્તમાં આ સંઘર્ષ છે. પણ પોતાના ચિત્તમાં એક પ્રબલ પ્રશ્ન છે અને પોતે એ પ્રશ્ન સન્નારીઓને અથવા કોઈ એક સન્નારીને પૂછવો છે પણ પોતે એ પ્રશ્ન પૂછશે નહિ, પૂછી શકશે નહિ એવું નર્યું કથન પ્રુફ્રૉક કાવ્યમાં ક્યાંય કરતો નથી. વળી પોતાના ચિત્તમાં કયો પ્રબલ પ્રશ્ન છે અને પોતે એ પ્રશ્ન સન્નારીઓને અથવા કોઈ એક સન્નારીને કેમ પૂછવો છે અને પોતે એ પ્રશ્ન કેમ પૂછશે નહિ, પૂછી શકશે નહિ એ વિશેનું નર્યું કથન પણ પ્રુફ્રૉક કાવ્યમાં ક્યાંય કરતો નથી. એટલું જ નહિ પણ કાવ્યને આરંભે એ મિત્રને કહે છે, ‘ભલા, પૂછીશ નહિ, ‘કયો?” અને કાવ્યને અંતે, અલબત્ત, એ એટલું કહે છે, ‘મારે મન જે સમજું છું તે કહેવું અશક્ય છે.’ પણ આ બધું પ્રુફ્રૉક પ્રશ્નો, પ્રતીકો, કલ્પનો, સૂચનો, સંદર્ભો દ્વારા; વિવિધ છંદો, લયો, વિરામો, અર્ધોક્તિઓ, પુનરુક્તિઓ — મૌન સુધ્ધાં — દ્વારા; એક જ શબ્દમાં કહેવું હોય તો ધ્વનિ દ્વારા પ્રગટ કરે છે. એમાં જ ‘પ્રુફ્રૉક’ની અને પ્રુફ્રૉકની મહાનતા છે. પોતાના ચિત્તમાં કયો પ્રબલ પ્રશ્ન છે એવો પ્રશ્ન ન પૂછવાનું પ્રુફ્રૉક એના મિત્રને કહે છે એનું કારણ એ હોય કે એ પ્રબલ પ્રશ્ન વિશેના પ્રશ્નનો ઉત્તર — મિત્ર સુધ્ધાંને — આપવો એ પ્રુફ્રૉકને માટે — સંવેદનશીલ અને સુસંસ્કૃત પ્રુફ્રૉકને માટે અસહ્ય વેદનાનો અનુભવ હોય, અને સાચો મિત્ર હોય તે મિત્રને અસહ્ય વેદનાનો અનુભવ થાય એવું ન ઇચ્છે — એ પ્રુફ્રૉક અને એનો મિત્ર બેય કદાચ બરોબર જાણે, સમજે છે. તો એનું કારણ એ પણ હોય કે આ પ્રશ્ન એવો તો પ્રબલ છે કે માનવવાણી દ્વારા એનું નામ પાડવું શક્ય નથી, અને માનવવાણી દ્વારા એનું નામ પાડવું શક્ય હોય તોપણ પ્રુફ્રૉક માટે એ શક્ય નથી. એટલે એ કહે છે કે એને મન એ જે સમજે છે તે કહેવું અશક્ય છે. આ કયો પ્રબલ પ્રશ્ન છે એ મનોમન સમજવાનું, પામી જવાનું હોય. પ્રુફ્રૉકને કદાચ આરંભથી શ્રદ્ધા છે કે એનો મિત્ર ૧૩૧ પંક્તિની એની એકોક્તિનું અંત લગી શ્રવણ કરશે પછી આપોઆપ, આગળ કહ્યું તેમ એના ધ્વનિ દ્વારા આ કયો પ્રબલ પ્રશ્ન છે તે મનોમન સમજી જશે, પામી જશે. તો શીર્ષક, પૂર્વલેખ, કાવ્ય દ્વારા, આ સૌના ધ્વનિ દ્વારા આ પ્રબલ પ્રશ્નને સમજવો, પામવો રહ્યો. શીર્ષકમાં ‘પ્રેમગીત’ શબ્દ છે એથી આ પ્રશ્ન સ્ત્રી-પુરુષ-સંબંધ વિશેનો, પ્રેમ અને લગ્ન વિશેનો પ્રશ્ન છે એમ સૂચવાય છે. વળી આ કાવ્યમાં અન્ય પાત્રોમાં સન્નારીઓ છે. એથી પ્રુફ્રૉકે આ સન્નારીઓમાંથી કોઈ એક સન્નારીને ‘હું તને પ્રેમ કરું છું. તું મારી સાથે લગ્ન કરીશ?’ — એવો પ્રશ્ન પૂછવો છે એમ સૂચવાય છે. વળી કાવ્યમાં પણ પ્રુફ્રૉકના ચિત્તમાં આ પ્રશ્ન હોય એવો ધ્વનિ છે. તો વળી કાવ્યમાં જેની સાથે આ પ્રશ્ન સુસંગત ન હોય એવો પણ ધ્વનિ છે. ખંડમાં જે અનેક સન્નારીઓ છે એમાંથી કોઈ એક અમુક જ વિશિષ્ટ સન્નારી, સન્નારીવિશેષ પ્રુફ્રૉકના ચિત્તમાં નિશ્ચિત નથી. પ્રુફ્રૉક માત્ર ‘એ’ (‘one’) રૂપે જ ગમે તે એક સન્નારીનો ઉલ્લેખ કરે છે. તો પછી પ્રુફૉકે આ પ્રશ્ન કઈ સન્નારીને પૂછવો છે? અને પ્રુફ્રૉકના ચિત્તમાં કોઈ એક અમુક જ વિશિષ્ટ સન્નારી, સન્નારીવિશેષ નિશ્ચિત હોય તોપણ એ સન્નારીની સાથે એની સખીઓ — અન્ય સન્નારીઓ હોય અને પોતાની સાથે પોતાનો મિત્ર હોય તે ક્ષણે અને એ પણ ચાને સમયે, સંધ્યા જેવા સમયે અને ખંડ જેવા સ્થળે પ્રુફ્રૉકે એ સન્નારીને આ પ્રશ્ન પૂછવો છે? આમ, પાત્ર, સમય અને સ્થળ — કોઈની સાથે આ પ્રશ્ન ભાગ્યે જ સુસંગત હોય. અને સુસંગત હોય તોપણ આ પ્રશ્નને, પ્રુફ્રૉકના સ્ત્રી-પુરુષ-સંબંધના, પ્રેમ અને લગ્નના આદર્શને માત્ર જાતીય અને સામાજિક એવાં બે જ પરિમાણો છે? પ્રુફ્રૉકના ચિત્તમાં જે પ્રકારનો અને જે માત્રાનો સંઘર્ષ છે તે દ્વારા પ્રુફ્રૉકના સ્ત્રી-પુરુષ-સંબંધના, પ્રેમ અને લગ્નના આદર્શને જાતીય અને સામાજિક પરિમાણોથી વિશેષ પરિમાણો છે એમ સૂચવાય છે. એ નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક પરિમાણ છે; પ્રુફ્રૉકને માટે સ્ત્રી-પુરુષ-સંબંધ, પ્રેમ અને લગ્ન એ પરમેશ્વરનો પર્યાય છે એમ અનિવાર્યપણે સૂચવાય છે. આ પરિમાણ અને પર્યાય ન હોય તો આવો સંઘર્ષ ન હોય. આ પરિમાણ અને પર્યાય છે એથી જ આવો સંઘર્ષ છે. કાવ્યનું સંપૂર્ણ શીર્ષક છે  ‘જે. આલ્ફ્રેડ પ્રુફ્રૉકનું પ્રેમગીત’. આ કાવ્યનાં શબ્દો, શબ્દઝૂમખાં, પંક્તિઓ ચિત્તમાં ચમક્યાં જ કરે છે. એવી સમગ્ર કાવ્યની જાદુઈ ભૂરકી છે. અને એવી જ ભૂરકી છે પ્રુફ્રૉકના નામની. એકમાત્ર શીર્ષકમાં જ આ નામ એક વાર આવે છે. પછી સમગ્ર કાવ્યમાં ક્યાંય એનો અણસારો સુધ્ધાં નથી. પણ સમગ્ર કાવ્ય જાણે આ નામનો જ વિસ્તાર-પ્રસાર છે. આ નામ જાણે કે વ્યક્તિનું નહિ પણ ચિત્તની અવસ્થાનું નામ ન હોય! આ નામથી અનેક સંસ્કારો, સહભાવો જાગૃત થાય છે. આ નામ, એના વિશિષ્ટ અર્થ સાથે, અંગ્રેજી ભાષાના શબ્દકોશમાં એનું ગૌરવભર્યું સ્થાન પામ્યું છે. કોઈ ધન્ય ક્ષણે એલિયટને આ નામ સૂઝ્યું હશે. આ નામ ક્યાંથી સૂઝ્યું? — એવા પ્રશ્નના ઉત્તરમાં એલિયટે ૧૯૫૦ની આસપાસ એક પત્રમાં લખ્યું હતું, ‘quite unconscious.’ — ‘સાવ અભાનપણે.’ એક અકસ્માત રૂપે આ નામ સૂઝ્યું હતું એમ એલિયટ ભલે કહે. એલિયટ ભારે રમૂજી અને રહસ્યમય હતા, ભારે મશ્કરા અને માર્મિક હતા. ગોપનની કળામાં પારંગત હતા. જન્મસ્થાન સેન્ટ લુઈમાં જે અનેક જર્મન કુટુંબો વસ્યાં હતાં એમાંથી એક કુટુંબની ‘Prufrock-Littau’ — ‘પ્રુફ્રૉક-લીટો’ ની જથ્થાબંધ ફર્નિચરની વ્યાપારી સંસ્થા હતી એની જાહેરાતો એલિયટે નાનપણમાં વાંચી હશે. એલિયટે પ્રુફ્રૉક આરંભ્યું ૧૯૦૯માં હાર્વર્ડમાં, વિકસાવ્યું ૧૯૧૦માં સોરબોનમાં અને પૂર્ણ કર્યું ૧૯૧૧માં મ્યૂનિકમાં — જર્મનીમાં. ત્યાર પછી જર્મનીમાં જ એમણે શીર્ષક ખોજ્યું-યોજ્યું હોય ત્યારે જર્મન નામ પ્રુફ્રૉક સૂઝ્યું હોય. પણ આ તો કેવળ સંભાવના છે. બાકી એલિયટનાં કાવ્યો અને નાટકોમાં કેટલાંક નામોનો ભારે મહિમા છે. સૂક્ષ્મ સૂઝસમજથી એમણે અનેક નામોનું સર્જન કર્યું છે. ‘Old Possum’s Book of Practical Cats’  —  બિલાડીઓ વિશેનાં હળવા હાસ્યનાં આ ગહન-ગંભીર કાવ્યોમાં એમણે અનેક બિલાડીઓનાં નામ પાડ્યાં છે. ત્યાર પછી એલિયટ પાસે પોતાની બિલાડીઓનાં નામ પડાવવાની ઇંગ્લૅન્ડ-અમેરિકામાં લોકોને ભારે હોંસ હતી — કહો કે એની ફૅશન ફાટી નીકળી હતી. આ બિલાડીકાવ્યો — બાળકાવ્યોની પ્રસ્તાવના રૂપે એક કાવ્ય — ‘Naming of Cats’ — ‘બિલાડીઓનાં નામ પાડવાં વિશે’માં એલિયટે નામમહિમા ગાયો છે. એમાં એ કહે છે કે પ્રત્યેક બિલાડીને ત્રણ નામ હોવાં જોઈએ. સમગ્ર કુટુંબ રોજ બોલી શકે એવું એક સામાન્ય નામ, બિલાડીને અદ્વિતીય વ્યક્તિત્વ અને અનન્ય ગૌરવ અર્પે એવું બીજું વિશિષ્ટ નામ, અને ત્રીજું નામ તો કોઈ કલ્પી ન શકે, સંશોધનથી પણ પામી ન શકે પણ જે માત્ર બિલાડી પોતે જ જાણે અને કદી કોઈની કને કબૂલે નહિ એવું નામ. પ્રુફ્રૉકના સંપૂર્ણ નામમાં એનું પ્રથમ નામ — જે માત્ર ‘જે.’ — ‘J.’ સંજ્ઞા રૂપે જ છે તે — તો એકમાત્ર પ્રુફ્રૉક જ જાણે છે, એ નામ તો રહસ્યમય છે. ‘આલ્ફ્રેડ’ — ‘Alfred’ એ એનું વિશિષ્ટ નામ છે. એનો અર્થ છે સાચી સલાહ આપનાર. પણ શીર્ષકની પછી તરત જ પૂર્વલેખ (epigraph) છે. એમાં જે ઉક્તિ છે તે, હવે પછી જોઈશું તેમ, ખોટી સલાહ આપનારની ઉક્તિ છે. વળી સમગ્ર કાવ્ય દ્વારા પણ પ્રુફ્રૉક પોતે પણ સન્નારીઓને અને પોતાને સાચી નહિ પણ ખોટી સલાહ આપનાર મનુષ્ય છે એમ સૂચવાય છે એથી આ નામમાં — અને એથી શીર્ષકમાં પણ — ભારે કટાક્ષ અને વક્રતા છે. ‘પ્રુફ્રૉક’ — ‘Prufrock’ અટક એ એનું સામાન્ય નામ છે. એમાં Prude — ડાહ્યો, શાણો, વાણી-વર્તનમાં વિવેકી-વિનયી, કૃત્રિમ, દંભી, જુઠ્ઠો તથા frock — ધર્મગુરુનો પહોળી બાંયનો લાંબો ઝભ્ભો, નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક માનસ, સ્વભાવ, વ્યક્તિત્વ એવા અર્થોનું મિશ્રણ સૂચવાય છે. વળી ‘જે. આલ્ફ્રેડ પ્રુફ્રૉક’ એવી નામશૈલી દ્વારા આ કોઈ યુવાનનું નહિ પણ મધ્યમવયના મનુષ્યનું અને તેય વ્યાપારી માણસનું નામ છે એમ સૂચવાય છે. આ ‘parting of the name in the middle’ — અધવચથી ભાગ પાડવાની નામશૈલી પ્રત્યે લિંકન અને માર્ક ટ્વેઇનને અવિશ્વાસ હતો. આ સદીના આરંભે એલિયટ જ્યારે હાર્વર્ડમાં વિદ્યાર્થી હતા ત્યારે ત્યાં પૅરિસની લેફટ બૅન્કની વસ્ત્રશૈલી અને કેશશૈલી કેટલાક બોહેમિયન — સ્વચ્છંદી — યુવાનોમાં લોકપ્રિય હતી. પ્રુફ્રૉક પણ કાવ્યને અંતે નિર્વેદથી પ્રબલ પ્રશ્નને સ્થાને કરુણ ભાવથી હાસ્યપ્રેરક પ્રશ્ન પૂછે છે, ‘મારા વાળમાં પાછળ સેંથો પાડું?’ પ્રુફ્રૉકની આ નામશૈલીનું આ કેશશૈલી સાથે સામ્ય છે. ‘જે.’ બરાબર આગળની તાલ અને ‘આલ્ફ્રેડ પ્રુફ્રૉક’ બરાબર પાછળના વાળનો સેંથો. પ્રુફ્રૉકનું નામ પ્રુફ્રૉકના માથાના પ્રતિનિધિરૂપ છે. વળી આ સમયમાં એલિયટે પોતે પણ ક્યારેક ‘ટી. સ્ટાર્ન્સ એલિયટ’ એવી નામશૈલી પોતાને માટે અપનાવી હતી. ‘જે. આલ્ફ્રેડ પ્રુફ્રૉકનું પ્રેમગીત’ — હવે આ શીર્ષક કેવું લાગે છે? જે. આલ્ફ્રેડ પ્રુફ્રૉકને તે વળી પ્રેમ? અને એ પ્રેમનું તે વળી ગીત? એમાં કેવું tragicomic — કરુણ અને હાસ્યનું મિશ્રણ છે! એમાં કેવો mock-heroic — કૃતકવીર-રસપ્રધાન ગીતનો સૂર છે! શીર્ષકનો પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ કેવો એકમેકનો હ્રાસ કરે છે! પ્રેમ! એ તો પરમેશ્વરનો પર્યાય! भयानां भयं भीषणं भीषणानाम्। — કેવો ડારતો અનુભવ છે! પ્રેમ એ કેવું સાહસ છે! કેવો બળનો અનુભવ છે! એ સાહસ, એ બળ પ્રુફ્રૉકમાં છે જ ક્યાં તે? પ્રુફ્રૉકને પ્રેમનો અનુભવ થયો હોય એવું કાવ્યમાં ક્યાંય પ્રગટ થતું નથી, પ્રતીત થતું નથી. પ્રુફ્રૉકે પરમેશ્વરને પ્રેમ કર્યો નથી, એથી પ્રુફ્રૉકને માટે પ્રેમ અશક્ય છે. પ્રુફ્રૉકમાં પોતાને માટે, અન્ય કોઈ મનુષ્યને માટે, સમગ્ર વિશ્વને માટે પ્રેમ અશક્ય છે. પ્રુફ્રૉક આ સત્યથી સભાન છે. એથી સ્તો એના ચિત્તમાં સંઘર્ષ છે. પ્રેમનું નહિ, પ્રેમની અશક્યતાનું આ કાવ્ય છે. અને છતાં એલિયટ શીર્ષકમાં એને ‘પ્રેમગીત’ કહે છે. કાવ્યનું શીર્ષક કાવ્યમાં પ્રુફ્રૉકનો જે હાસ્યકરુણમિશ્રિત સંઘર્ષ અને એ દ્વારા વ્યક્ત થતું એનું જે હળવુંગંભીર વ્યક્તિત્વ છે એની સાથે સુસંગત છે. આમ, શીર્ષકમાં કેટકેટલો કટાક્ષ છે, કેટકેટલી વક્રતા છે, આ શીર્ષક એલિયટની સર્જકપ્રતિભાની મહાન સિદ્ધિ છે. કાવ્યને આ અવિસ્મરણીય શીર્ષક અર્પીને એલિયટ વિસ્મરણીય થયા છે, અલોપ થયા છે, અંતર્ધાન થયા છે. આ શીર્ષક દ્વારા એલિયટ કાવ્યના કેન્દ્રમાંથી ખસી ગયા છે અને કાવ્યના પરિઘ પર ક્યાંક વસી ગયા છે, કાવ્યથી અળગા, અલિપ્ત રહ્યા છે. આ શીર્ષક દ્વારા એલિયટ આત્મલક્ષિતાની અકીર્તિથી, સ્વાનુભવના દુ:સાહસથી મુક્ત થયા છે. આ શીર્ષકનું અનસ્તિત્વ કલ્પો તો! પણ હવે સમગ્ર કાવ્યનું કર્તૃત્વ પ્રુફ્રૉકનું છે, એલિયટનું નહિ. હવે આ એકોક્તિનો વક્તા અને કાવ્યનો કર્તા એકમેકથી સ્વતંત્ર છે, ભિન્ન છે. આ એક શીર્ષક માત્રથી એક મનુષ્યમાંથી બે મનુષ્યનું સર્જન થયું છે, અન્ય એક મનુષ્યનું નવસર્જન થયું છે. આ persona, mask, છદ્મવેશ દ્વારા એલિયટનો કવિ અને કાવ્યનો આદર્શ — વ્યક્તિત્વમાંથી મુક્તિ (escape from personality), ઊર્મિમાંથી મુક્તિ (escape from emotion) અને પરોક્ષ ભાવપ્રતીક (objective correlative) — સિદ્ધ થાય છે. આમ, આ શીર્ષક દ્વારા પ્રુફ્રૉકનો પ્રશ્ન સ્ત્રી-પુરુષ-સંબંધ વિશેનો, પ્રેમ અને લગ્ન વિશેનો પ્રશ્ન છે પણ એમાં જાતીય અને સામાજિક એમ બે જ પરિમાણો નહિ પણ નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક પરિમાણ છે, એમાં પરમેશ્વરનો પર્યાય છે એમ સૂચવાય છે. પ્રુફ્રૉક એની એકોક્તિમાં પૂર્વલેખ રૂપે ડેન્ટિની ‘લા દીવીના કૉમેદીઆ’ — ‘દિવ્ય આનંદગાન’માંથી એક અવતરણ આપે છે. ડેન્ટિએ પોતાનો સ્ત્રી-પુરુષ-સંબંધનો, પ્રેમ અને લગ્નનો આદર્શ ‘વીતા નોવા’ — ‘નવજીવન’માં પ્રગટ કર્યો છે. એને વિશે એલિયટે જે અર્થદર્શન, અર્થઘટન કર્યું છે તે પ્રુફ્રૉકના સ્ત્રી-પુરુષ-સંબંધના, પ્રેમ અને લગ્નના આદર્શને સમજવામાં સહાયરૂપ છે. એલિયટ એમના ડેન્ટિ પરના પ્રસિદ્ધ નિબંધ ‘Dante’ (૧૯૨૯)માં લખે છે, ‘This attitude of Dante to the fundamental experience of the ‘Vita Nuova’ can only be understood by accustoming ourselves to find meaning in final causes… the final cause is the attraction towards God… the love of man and woman (or for that matter of man and man) is only explained and made reasonable by the higher love or else is simply the coupling of animals’ — ‘અંતિમ કારણોમાં અર્થ પામવાનો અભ્યાસ આપણે કેળવીએ તો જ ‘વીતા નોવા’માં જે મૂળ અનુભવ છે એની પ્રત્યેનો ડેન્ટિનો ભાવ આપણે કળી શકીએ… અંતિમ કારણ છે પરમેશ્વર પ્રત્યેની અભીપ્સા… સ્ત્રી અને પુરુષ વચ્ચેનો પ્રેમ (અને એમ તો પુરુષ વચ્ચેનો પ્રેમ) ઉચ્ચતર પ્રેમ દ્વારા જ સ્પષ્ટ અને સાર્થ થાય છે, નહિ તો એ નરી પશુતા જ કહેવાય.’ કદાચને પ્રુફ્રૉકે ખંડમાં અનેક સન્નારીઓ છે એમાંથી કોઈ એક સન્નારીને ‘હું તને પ્રેમ કરું છું. તું મારી સાથે લગ્ન કરીશ?’ — એ પ્રશ્ન પૂછવા પૂર્વે એને ‘તારા સ્ત્રી-પુરુષ સંબંધના પ્રેમ અને લગ્નના આદર્શને નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક પરિમાણ છે? તારે માટે સ્ત્રી-પુરુષ-સંબંધ, પ્રેમ અને લગ્ન પરમેશ્વરનો પર્યાય છે?’ — એ પ્રશ્ન પૂછવો છે. પ્રુફ્રૉક એની એકોક્તિમાં પૂર્વલેખ રૂપે ડેન્ટિની ‘લા દીવીના કૉમેદીઆ’ના ‘ઇન્ફર્નો’ના સર્ગ ૨૭માંથી પંક્તિઓ ૬૧–૬૬નું અવતરણ આપે છે. આ પંક્તિઓમાં ગીદો દા મૉન્તેફૅલ્ત્રોની ઉક્તિનો આરંભ છે. ગીદો પૂર્વજીવનમાં સૈનિક હતો અને ઉત્તરજીવનમાં સંત ફ્રાન્સિસના સંપ્રદાયમાં સાધુ હતો, જીવનભર તેજસ્વી બુદ્ધિજીવી હતો. એણે પોપ બોનીફેઇસ ૮માને કોલોના કુટુંબના પ્રત્યે દ્રોહ કરવાની ખોટી સલાહ આપી હતી. ગીદો આ પાપ કરે તે પૂર્વે જ પોપે ગીદોને ક્ષમા અર્પી હતી એથી ગીદોએ પાપ કર્યા પછી પ્રાયશ્ચિત્ત કર્યું ન હતું. આ ગીદોનો બુદ્ધિનાશ હતો. આ ગીદોનું diabolism — સેતાનકર્મ હતું. એથી ગીદોના મૃત્યુ પછી ગીદોના આત્માને સેતાનના તર્કચતુર દૂતે સંત ફ્રાન્સિસ પાસેથી મેળવીને અનંતકાળ માટે નરકમાં નાખ્યો હતો. ગીદોએ આ પાપ જિહ્વા દ્વારા કર્યું હતું એથી એ નરકમાં અગ્નિજ્યોતની જિહ્વા રૂપે જલે છે. ગીદોના જીવનમાં સ્ત્રી-પુરુષ-સંબંધનો, પ્રેમ અને લગ્નનો અણસારો સુધ્ધાં નથી. ગીદોનો પરમેશ્વર પ્રત્યે દ્રોહ, પાપ, પતન, શાપ, શિક્ષાનો અનુભવ છે. એમાં, અલબત્ત, નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક પરિમાણ છે; અને ડૅન્ટિના કાવ્યના કેન્દ્રમાં પરમેશ્વર છે. આમ, પૂર્વલેખ દ્વારા પ્રુફ્રૉકનો આ પ્રશ્ન સ્ત્રી-પુરુષ-સંબંધ વિશેનો, પ્રેમ અને લગ્ન વિશેનો નહિ પણ જેને નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક પરિમાણ છે એવો પ્રશ્ન છે એમ સૂચવાય છે. અને ‘પ્રુફ્રૉક’ના કેન્દ્રમાં પરમેશ્વર છે એમ સૂચવાય છે. પ્રુફ્રૉક એની એકોક્તિમાં ત્રણ વાર (એમાં બે વાર ‘પ્રબલ’ વિશેષણ સાથે) ‘પ્રશ્ન’ શબ્દ યોજે છે. કાવ્યમાં આ અને આવા અન્ય કેટલાક સંદર્ભો દ્વારા પ્રુફ્રૉકનો આ પ્રશ્ન માત્ર સ્ત્રી-પુરુષ-સંબંધ વિશેનો, પ્રેમ અને લગ્ન વિશેનો જ નહિ, પણ એથીયે અનેકગણો, અનંતગણો વ્યાપક, વિરાટ, વૈશ્વિક એવો કોઈ પ્રશ્ન છે; સાચ્ચે જ કોઈ પ્રબલ પ્રશ્ન છે એમ સૂચવાય છે. જેમ સન્નારીઓનો ખંડ એ શેરીઓનું ગન્તવ્ય છે તેમ આ પ્રબલ પ્રશ્ન એ ‘વિકારી હેતુના નિર્વેદમય વિચાર’નું ગન્તવ્ય છે. પ્રુફૉકનો આ પ્રશ્ન માત્ર સ્ત્રી-પુરુષ-સંબંધ વિશેનો, પ્રેમ અને લગ્ન વિશેનો જ પ્રશ્ન હોય તો આ પ્રશ્ન પૂર્વે વિકારી હેતુનો નિર્વેદમય વિચાર હોય? આ સંદર્ભ દ્વારા પ્રુફ્રૉકના આ પ્રશ્નને નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક પરિમાણ છે અને એમાં પરમેશ્વરનો પર્યાય છે એમ સૂચવાય છે. પ્રુફ્રૉકનો આ પ્રશ્ન કોઈના હાથ એની થાળીમાં ઊંચકીને ધરે છે. આ હાથ કોના હશે? પ્રુફ્રૉક આ હાથનાં ‘કાર્યો અને દિનો’નો ઉલ્લેખ કરે છે. એમાં ઈ. પૂ. ૮મી સદીના ગ્રીક કવિ હેસિયડના કૃષિકારોનાં કાર્યો અને દિનો અંગેના પ્રસિદ્ધ કાવ્ય ‘Works and Days’ — ‘કાર્યો અને દિનો’નો સંદર્ભ છે. આ સંદર્ભ દ્વારા પ્રુફ્રૉક વર્ષોથી સન્નારીઓના ખંડમાં અસંખ્ય ભોજનસમારંભોમાં ઉપસ્થિત હશે અને ત્યારે બબરચીએ ખાદ્ય પદાર્થો ઊંચકીને એની થાળીમાં ધર્યા હશે એનું એને અત્યારે સ્મરણ થતું હશે એથી આ હાથ બબરચીના હાથ હશે એમ સૂચવાય છે. પણ બબરચી તો ખાદ્ય પદાર્થો ઊંચકીને થાળીમાં ધરે, પ્રશ્ન નહિ. પણ પ્રુફ્રૉકને એ ભોજનસમારંભોમાં ત્યારે આ પ્રશ્નનું સ્મરણ થતું હશે. પણ પ્રુફ્રૉક આ હાથનાં ‘કાર્યો અને દિનો’નો ઉલ્લેખ કરે છે. એમાં વિશેષ તો બાઇબલના ‘ઍક્લૅઝીઆસ્ટસ, ૩’નો સંદર્ભ છે. એમાં પરમેશ્વરપ્રણીત મનુષ્યનાં સદ્-અસદ્ કાર્યો અને દિનોનો તથા એ કાર્યો અને દિનો પર પરમેશ્વરના અંતિમ ન્યાય — શાપ અને વરદાન, નરક અને સ્વર્ગનો ઉલ્લેખ છે. એથી આ સંદર્ભ દ્વારા આ હાથ પરમેશ્વરના હાથ છે એમ સૂચવાય છે અને એ દ્વારા પ્રુફ્રૉકના આ પ્રશ્નને નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક પરિમાણ છે અને એમાં પરમેશ્વરનો પર્યાય છે એમ સૂચવાય છે. પ્રુફ્રૉક એની એકોક્તિમાં ‘હું સાહસ કરી શકું?’ — એવું બે વાર આશ્ચર્ય અનુભવે છે. પછી પાછા ફરવાનો અને સીડી ઊતરવાનો ઉલ્લેખ કરે છે અને એની તાલ, એનો કોટ, કૉલર, એની નેકટાઇ, પિન આદિનો ઉલ્લેખ કરે છે અને સાથે સાથે એ સૌ પરની સન્નારીઓની હાસ્યપૂર્ણ ટીકાનો ઉલ્લેખ કરે છે એમાં એનો આ પ્રશ્ન સ્ત્રી-પુરુષ-સંબંધ વિશેનો, પ્રેમ અને લગ્ન વિશેનો પ્રશ્ન છે એમ સૂચવાય છે. પણ ત્યાર પછી ત્રીજી વાર એ ‘હું સાહસ કરી શકું/વિશ્વને વિક્ષુબ્ધ કરવાનું?’ — એવો ભય અનુભવે છે. પ્રુફ્રૉકનું સાહસ, એનો પ્રશ્ન વિશ્વને વિક્ષુબ્ધ કરે એમ છે એમાં એનો પ્રશ્ન માત્ર સ્ત્રી-પુરુષ-સંબંધ વિશેનો, પ્રેમ અને લગ્ન વિશેનો જ નહિ, પણ એથી અનેકગણો, અનંતગણો વ્યાપક, વિરાટ, વૈશ્વિક પ્રશ્ન છે એમ સૂચવાય છે; એને નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક પરિમાણ છે અને એમાં પરમેશ્વરનો પર્યાય છે એમ સૂચવાય છે. પ્રુફ્રૉક એની એકોક્તિમાં ‘મેં રુદન-અનશન કર્યું, રુદન-પ્રાર્થન કર્યું’, — એવો ઉલ્લેખ કરે છે એમાં બાઇબલના ‘સૅમ્યુઅલ-૨, ૧’નો સંદર્ભ છે. એમાં ડેવિડના પુત્ર સૉલના મૃત્યુ પછી પ્રજાએ રુદન અને અનશન કર્યું હતું એનો ઉલ્લેખ છે. પછી પ્રુફ્રૉક ‘જોકે મારું શિર (જેમાં સહેજ તાલ)/ થાળીમાં લઈ જવાતું જોયું.’ — એવો ઉલ્લેખ કરે છે એમાં બાઇબલના ‘મૅથ્યુ, ૧૪’નો સંદર્ભ છે. જૉન ધ બાપ્ટિસ્ટ હેરડનો બંદીજન હતો ત્યારે એણે હેરડની ભાભી-અને હવે એની પત્ની — હેરોડિયસની પુત્રી સેલોમીના પ્રેમનું પ્રત્યાખ્યાન કર્યું હતું. પછી સેલોમીએ હેરડના જન્મદિને નૃત્ય દ્વારા હેરડને પ્રસન્ન કરીને પુરસ્કારમાં જૉનનું શિર થાળીમાં માગ્યું હતું. હેરડે જૉનનો શિરચ્છેદ કરીને જૉનનું શિર થાળીમાં સેલોમીને વચન પ્રમાણે પુરસ્કારરૂપે અર્પણ કર્યું હતું. અહીં પ્રુફ્રૉકનું જૉન સાથેનું સામ્ય અને અસામ્ય બન્ને પ્રગટ થાય છે. બન્નેને તાલ હતી. જૉને સેલોમીના પ્રેમનું પ્રત્યાખ્યાન કર્યું હતું અને એથી એનું અંતે શિરચ્છેદ દ્વારા મૃત્યુ થયું હતું. પ્રુફૉકે કોઈ એક સન્નારીના પ્રેમનું પ્રત્યાખ્યાન કર્યું નથી. પ્રુફ્રૉકના હૃદયમાં કદાચ એમ કરવાની ઇચ્છા હોય પણ જો એ એમ કરે તો એનું મૃત્યુ થાય એવો એને ભય છે. જૉનમાં અભય હતું. પ્રુફ્રૉકમાં ભય છે. જૉન સક્રિય હતો, પ્રુફ્રૉક નિષ્ક્રિય છે. આ સંદર્ભ દ્વારા પ્રુફ્રૉકનો પ્રશ્ન સ્ત્રી-પુરુષ-સંબંધ વિશેનો, પ્રેમ અને લગ્ન વિશેનો પ્રશ્ન છે એમ સૂચવાય છે. પણ પછી ‘હું કોઈ ભવિષ્યવેત્તા નથી — અને અહીં કોઈ મોટી વાત નથી;’ એવો ઉલ્લેખ કરે છે એમાં બાઇબલના ‘માર્ક, ૧’નો સંદર્ભ છે. જૉન ધ બાપ્ટિસ્ટે ઈશુના આગમનની ભવિષ્યવાણી ઉચ્ચારી હતી અને એ માટે એ હેરડનો બંદીજન બન્યો હતો. આમ, પ્રુફ્રૉકનું જૉન સાથેનું સામ્ય અને અસામ્ય બન્ને પ્રગટ થાય છે. જૉનની વાત એ કોઈ મોટી વાત હતી અને જૉને ભવિષ્યવાણી ઉચ્ચારી હતી. પ્રુફ્રૉકની વાત એ પણ કોઈ મોટી વાત છે પણ એ ભવિષ્યવાણી ઉચ્ચારશે નહિ, ઉચ્ચારી શકશે નહિ. જૉનમાં અભય હતું. પુફ્રૉકમાં ભય છે. જૉન સક્રિય હતો, પ્રુફ્રૉક નિષ્ક્રિય છે. આ સંદર્ભ દ્વારા પણ પ્રુફ્રૉકના પ્રશ્નને નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક પરિમાણ છે અને એમાં પરમેશ્વરનો પર્યાય છે એમ સૂચવાય છે. પ્રુફ્રૉક એની એકોક્તિમાં ‘ત્યારે હું કેવી રીતે આરંભ કરું/મારી દિનચર્યા અને કર્મચર્યાનાં ઠૂંઠાંને થૂંકી નાખવાનો?’ — એમ ઉલ્લેખ કરે છે અને પછી ઉત્તરોત્તર વધુ ને વધુ ઉગ્ર, તીવ્ર, આક્રમક ક્રિયાપદો યોજીને ‘એનો કોઈ અર્થ છે,/વાતને દાંત વચ્ચે કચરીને હસી નાખવાનો,/વિશ્વને એક દડામાં દબાવીને/ગબડાવવાનો કોઈ એક પ્રબલ પ્રશ્ન પ્રતિ’, — એમ ઉલ્લેખ કરે છે એમાં ૧૭મી સદીના પ્રસિદ્ધ અંગ્રેજ કવિ ઍન્ડ્રુ માર્વેલના પ્રસિદ્ધ કાવ્ય ‘To His Coy Mistress’ — ‘લજ્જાવંતી પ્રેયસી’નો સંદર્ભ છે. એથી પ્રુફ્રૉકનો આ પ્રશ્ન સ્ત્રી-પુરુષ-સંબંધ વિશેનો, પ્રેમ અને લગ્ન વિશેનો પ્રશ્ન છે એમ સૂચવાય છે. એમાં પ્રુફ્રૉક અને માર્વેલના કાવ્યના પ્રેમી વચ્ચે સામ્ય અને અસામ્ય પ્રગટ થાય છે. માર્વેલના કાવ્યના પ્રેમીમાં વિશ્વને દડામાં દબાવીને ગબડાવવાની ઇચ્છા છે અને એનામાં એમ કરવાનું બળ પણ છે. જ્યારે પ્રુફ્રૉકમાં એવી ઇચ્છા છે, પણ એનામાં એમ કરવાનું બળ નથી. માર્વેલના કાવ્યનો પ્રેમી સક્રિય છે, પ્રુફ્રૉક નિષ્ક્રિય છે. એમાં પ્રુફ્રૉકના પ્રશ્નને નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક પરિમાણ છે અને એમાં પરમેશ્વરનો પર્યાય છે એમ સૂચવાય છે. આ પછી પ્રુફ્રૉક ‘કોઈ એક પ્રબલ પ્રશ્ન પ્રતિ’, — એવો ‘પ્રશ્ન’નો અહીં આમ બીજી વાર ઉલ્લેખ કરે છે તે પછી ‘હું લૅઝૅરસ, મૃત્યુલોકમાંથી આવ્યો છું,/તને બધું જ કહેવા આવ્યો છું, તને બધું જ કહીશ.’ — એમાં લૅઝૅરસનો ઉલ્લેખ કરે છે. એમાં બાઇબલના ‘જૉન, ૧૧’ અને ‘લ્યુક, ૧૬’નો સંદર્ભ છે. બાઇબલમાં બે લૅઝૅરસ છે. એક માર્થા અને મૅરીનો ભાઈ લૅઝૅરસ અને બીજો શ્રીમંત ડાઇવ્ઝનો સમકાલીન ભિક્ષુક લૅઝૅરસ. પ્રુફ્રૉકના પ્રશ્નને સમજવા માટે આ સંદર્ભ કદાચને સૌથી વધુ સૂચક અને સહાયરૂપ છે. ઈશુના ચમત્કારથી પ્રથમ લૅઝૅરસનું મૃત્યુ પછી જીવનમાં, મૃત્યુલોકમાંથી પૃથ્વીલોકમાં પુનરાગમન થાય છે. એ દ્વારા લૅઝૅરસને પરમેશ્વરનો અનુભવ થાય છે. પણ એ પછી એણે એના આ અનુભવ વિશે એક અક્ષર ઉચ્ચાર્યો નથી, એ વિશે એનામાં ચિરમૌન છે. બીજો લૅઝૅરસ પૃથ્વીલોકમાં, જીવનમાં, એ ભિક્ષુક હતો એથી મૃત્યુ પછી પરમેશ્વર પાસે સ્વર્ગમાં જાય છે; જ્યારે એનો સમકાલીન ડાઇવ્ઝ પૃથ્વીલોકમાં, જીવનમાં શ્રીમંત હતો એથી મૃત્યુ પછી નરકમાં જાય છે. ડાઇવ્ઝ પોતાની શાંતિ માટે લૅઝૅરસને સ્વર્ગમાંથી પોતાની પાસે નરકમાં મોકલી આપવા ઍબ્રાહમને વિનંતી કરે છે ત્યારે ઍબ્રાહમ લૅઝૅરસ અને ડાઇવ્ઝની વચ્ચે હવે એક અનુલ્લંઘનીય એવી ગર્તા છે જેથી એમ કરવું અશક્ય છે એવો ઉત્તર ડાઇવ્ઝને આપે છે. ત્યારે ડાઇવ્ઝ પૃથ્વીલોકમાં હજુ પોતાના પાંચ બંધુઓ છે તેઓ જો મૃત્યુલોકમાંથી કે સ્વર્ગમાંથી કોઈ મનુષ્યનું પૃથ્વીલોકમાં પુનરાગમન થાય તો એના પરિચય દ્વારા પ્રાયશ્ચિત્ત કરે જેથી તેઓ પોતાની જેમ મૃત્યુ પછી નરકમાં ન જાય એ માટે લૅઝૅરસને મૃત્યુલોકમાંથી, સ્વર્ગમાંથી એમની પાસે પૃથ્વીલોકમાં મોકલી આપવા ઍબ્રાહમને વિનંતી કરે છે. ત્યારે ઍબ્રાહમ જેઓ મોઝિઝ અને પયગંબરોના પરિચય દ્વારા પ્રાયશ્ચિત્ત ન કરે તેઓ મૃત્યુલોકમાંથી કે સ્વર્ગમાંથી કોઈ મનુષ્યનું પૃથ્વીલોકમાં પુનરાગમન થાય તો એના પરિચય દ્વારા પણ પ્રાયશ્ચિત્ત ન જ કરે એથી લૅઝૅરસને એમની પાસે મોકલી આપવાનો કોઈ જ અર્થ નથી એવો ઉત્તર ડાઇવ્ઝને આપે છે. એમાં પ્રુફ્રૉક અને બન્ને લૅઝૅરસ વચ્ચે સામ્ય અને અસામ્ય પ્રગટ થાય છે. ઈશુના ચમત્કારથી એક લૅઝૅરસનું મૃત્યુમાંથી જીવનમાં, મૃત્યુલોકમાંથી પૃથ્વીલોકમાં પુનરાગમન થાય છે. પ્રુફ્રૉક અન્ય પ્રકારના મૃત્યુ પછી મૃત્યુલોકમાં જ, નરકમાં જ રહે છે. એનું પૃથ્વીલોકમાં સન્નારીઓના ખંડમાં પુનરાગમન થાય એમ ઇચ્છે છે, પણ એમ થશે નહિ, થઈ શકશે નહિ. લૅઝૅરસને પરમેશ્વરનો અનુભવ થાય છે પણ એ પછી એણે એના આ અનુભવ વિશે એક અક્ષર ઉચ્ચાર્યો નથી, એ વિશે એનામાં ચિરમૌન છે. પ્રુફ્રૉકને પરમેશ્વરનો અન્ય પ્રકારનો અનુભવ થાય છે પણ એ પછી એને આ અનુભવ વિશે સન્નારીઓને અથવા કોઈ એક સન્નારીને કોઈ એક પ્રશ્ન પૂછવો છે, પણ પૂછશે નહિ, પૂછી શકશે નહિ. ‘બધું’ જ કહેવું છે, પણ કહેશે નહિ, કહી શકશે નહિ. બીજો લૅઝૅરસ મૃત્યુ પછી સ્વર્ગમાં પરમેશ્વર પાસે જાય છે, પણ પછી નરકમાં ડાઇવ્ઝ પાસે કે પૃથ્વીલોકમાં ડાઇવ્ઝના પાંચ બંધુઓ પાસે જતો નથી. પ્રુફ્રૉક અન્ય પ્રકારના મૃત્યુ પછી નરકમાં જાય છે, પણ પછી ખંડમાં સન્નારીઓ કે કોઈ એક સન્નારી પાસે, એમના નરકમાં એમની શાંતિ માટે કે એમના પૃથ્વીલોકમાં એ પ્રાયશ્ચિત્ત કરે એ માટે જવાનું ઇચ્છે છે, પણ જશે નહિ, જઈ શકશે નહિ. બન્ને લૅઝૅરસના જીવનમાં સ્ત્રી-પુરુષ-સંબંધનો, પ્રેમ અને લગ્નનો અણસારો સુધ્ધાં નથી. બન્ને લૅઝૅરસનો જે અનુભવ છે એને નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક પરિમાણ છે; એ અનુભવ પરમેશ્વરનો અનુભવ છે. આ સંદર્ભ દ્વારા પ્રુફ્રૉકનો આ પ્રશ્ન સ્ત્રી-પુરુષ-સંબંધ વિશેનો, પ્રેમ અને લગ્ન વિશેનો નહિ પણ જેને નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક પરિમાણ છે એવો પ્રશ્ન છે એમ સૂચવાય છે અને ‘પ્રુફ્રૉક’ના કેન્દ્રમાં પરમેશ્વર છે એમ સૂચવાય છે. પ્રુફ્રૉક એની એકોક્તિમાં ‘તને બધું જ કહેવા આવ્યો છું, તને બધું જ કહીશ.’ — એમ ઉલ્લેખ કરે છે. એમાં બાઇબલના ‘જૉન, ૧૪’નો સંદર્ભ છે. એમાં ઈશુ પોતે ક્રૂસ પર ચડશે અને પોતાનો વધ થશે પછી પિતાપરમેશ્વર ઈશુને નામે જ શિષ્યોના આશ્વાસન માટે આશ્વાસક, ‘પવિત્ર પ્રેત’ને પૃથ્વી પર શિષ્યોની પાસે મોકલી આપશે અને એ આશ્વાસક શિષ્યોને બધું જ કહેશે, પોતે જે બધું કહ્યું છે એનું સ્મરણ કરાવશે એવું વચન શિષ્યો સાથેના એમના અંતિમ મિલન સમયે શિષ્યોને અર્પે છે. એમાં પ્રુફ્રૉક અને ઈશુ વચ્ચે સામ્ય અને અસામ્ય પ્રગટ થાય છે. પ્રુફ્રૉક પણ મૃત્યુ પછી ઈશુને નામે જ સન્નારીઓ અથવા કોઈ એક સન્નારીના આશ્વાસન માટે આશ્વાસક, પવિત્ર પ્રેતરૂપે એમના ખંડમાં એમની પાસે જવા ઇચ્છે છે, પણ જશે નહિ, જઈ શકશે નહિ. એમને બધું જ કહેવા ઇચ્છે છે, પણ કહેશે નહિ, કહી શકશે નહિ; એમને ઈશુએ શિષ્યોને અને એ દ્વારા સમગ્ર મનુષ્યજાતિને જે બધું કહ્યું હતું એનું સ્મરણ કરાવવા ઇચ્છે છે પણ કરાવશે નહિ, કરાવી શકશે નહિ. આ સંદર્ભ દ્વારા પ્રુફ્રૉકનો આ પ્રશ્ન સ્ત્રી-પુરુષ-સંબંધ વિશેનો, પ્રેમ અને લગ્ન વિશેનો નહિ પણ જેને નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક પરિમાણ છે એવો કોઈ પ્રશ્ન છે એમ સૂચવાય છે, અને ‘પ્રુફ્રૉક’ના કેન્દ્રમાં ‘બધું’ — ‘all’ — પરમેશ્વર છે એમ સૂચવાય છે. આમ, શીર્ષક, પૂર્વલેખ અને એકોક્તિના અનેક સંદર્ભો દ્વારા, ધ્વનિ દ્વારા પ્રુફ્રૉકનો આ પ્રશ્ન સ્ત્રી-પુરુષ-સંબંધ વિશેનો, પ્રેમ અને લગ્ન વિશેનો, જેમાં જાતીય અને સામાજિક પરિમાણો તો છે જ પણ સાથે સાથે જેમાં અનિવાર્યપણે નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક પરિમાણ તથા પરમેશ્વરનો પર્યાય છે એવો પ્રશ્ન છે; વળી પ્રુફ્રૉકનો આ પ્રશ્ન સ્ત્રી-પુરુષ-સંબંધ વિશેનો, પ્રેમ અને લગ્ન વિશેનો નહિ પણ એથીયે અનેકગણો, અનંતગણો વ્યાપક, વિરાટ, વૈશ્વિક પ્રશ્ન છે એમ સૂચવાય છે. આ અર્થમાં એ ‘એક પ્રબલ પ્રશ્ન’ છે. અને એને કારણે પ્રુફ્રૉકના ચિત્તમાં આ પ્રકારનો અને આ માત્રાનો સંઘર્ષ છે. પ્રુફ્રૉકનો આ પ્રશ્ન છે  સ્ત્રી-પુરુષ-સંબંધ, પ્રેમ અને લગ્ન શું છે? મનુષ્યનું શ્રેય શું છે? મનુષ્યનું ધ્યેય શું છે? મનુષ્યનું પરમ શું છે? મનુષ્યનું ચરમ શું છે? મનુષ્યનો અર્થ શો છે? મનુષ્યનું મૂલ્ય શું છે? વિશ્વ શું છે? વિશ્વ શા માટે છે? વિશ્વનો ક્રમ શો છે? વિશ્વનો હેતુ શો છે? વિશ્વનો અર્થ શો છે? વિશ્વનું મૂલ્ય શું છે? મનુષ્ય અને વિશ્વનો સંબંધ શો છે? એક જ શબ્દમાં આ સૌ પ્રશ્નનો સરવાળો છે  Logos, ૐ, બ્રહ્મ, સ:, તદ્, પરમેશ્વર. પ્રુફ્રૉક એની એકોક્તિમાં અંતે કહે છે, ‘મારે મન જે સમજું છું તે કહેવું અશક્ય છે!’ પ્રુફ્રૉકનો આ પ્રશ્ન એ માત્ર સ્ત્રી-પુરુષ-સંબંધ વિશેનો, પ્રેમ અને લગ્ન વિશેનો જ પ્રશ્ન હોત, એમાં માત્ર જાતીય અને સામાજિક એવાં બે જ પરિમાણો હોત તો તો એ પ્રશ્ન પૂછવો શક્ય છે, પ્રુફ્રૉક એ પ્રશ્ન પૂછે, પૂછી શકે, અરે, પ્રુફ્રૉકે ક્યારનો પૂછ્યો હોત! પ્રુફ્રૉકે આ સંઘર્ષ અનુભવ્યો ન હોત! એણે પ્રશ્ન પૂછવો છે, પણ પૂછશે નહિ, પૂછી શકશે નહિ એની અસહ્ય વેદનાની ૧૩૧ પંક્તિની આ એકોક્તિ મિત્રને ઉત્તર રૂપે, સંબોધન રૂપે ઉચ્ચારી ન હોત! પણ એમાં નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક પરિમાણ છે, એમાં પરમેશ્વરનો પર્યાય છે; વળી એ પ્રશ્ન માત્ર સ્ત્રી-પુરુષ-સંબંધ વિશેનો, પ્રેમ અને લગ્ન વિશેનો નહિ પણ એથીયે અનેકગણો, અનંતગણો વ્યાપક, વિરાટ, વૈશ્વિક પ્રશ્ન છે એથી એ પૂછશે નહિ, પૂછી શકશે નહિ. એનું કારણ સન્નારીઓ અથવા કોઈ એક સન્નારી છે અને એથીયે વિશેષ તો પ્રુફ્રૉક સ્વયં છે. એથી પ્રુફ્રૉક કહે છે, ‘મારે મન જે સમજું છું તે કહેવું અશક્ય છે.’ વળી મૂળ અંગ્રેજીમાં આ પંક્તિ આમ છે  ‘It is impossible to say just what I mean.’ એનો અનુવાદ આમ પણ થાય  ‘મારે મન શું સમજું છું એ કહેવું અશક્ય છે.’ (કોઈ પણ કાવ્યનો અને સવિશેષ એલિયટ જેવા મૅટાફિઝિકલ — શબ્દના બન્ને અર્થમાં — કવિના કાવ્યનો, કાવ્યના શબ્દોમાં અનેક ‘અર્થો’, સંદર્ભો હોય એથી, સંપૂર્ણ સંતોષકારક અનુવાદ અશક્ય છે. અહીં જે અનુવાદ આપ્યો છે એથી અનુવાદકને, અન્ય કોઈને પણ હોય એથી સહેજ પણ ઓછો નહિ એવો, ભારે અસંતોષ છે.) એથી એનો અર્થ એમ પણ થાય કે પ્રુફ્રૉક પોતે જ જો કશુંય અથવા બધું જ ન સમજે તો પછી વાણી દ્વારા કશુંય અથવા બધું જ કહેવું અશક્ય છે. અને એથી જ કદાચ પ્રુફ્રૉક આરંભે એના મિત્રને કહે છે  ‘ભલા, પૂછીશ નહિ, ‘ક્યો?’ ’. આજ લગી અસંખ્ય મનુષ્યોએ અનંત શબ્દો (એમાંના કેટલાક રંકમાં રંક શબ્દો આ લેખમાં છે.) દ્વારા આ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કર્યો છે, પણ મનુષ્યો માટે વાણી દ્વારા, શબ્દો દ્વારા આ પ્રશ્નને પૂર્ણપણે સમજવો શક્ય છે? એમ શક્ય હોય તો પણ બાઇબલના દશ આદેશમાંથી ત્રીજા આદેશને કારણે પ્રુફ્રૉક માટે શક્ય છે? અને પ્રુફ્રૉક માટે સમજવો શક્ય હોય તોપણ પ્રુફ્રૉક માટે ખંડમાં સન્નારીઓને અથવા કોઈ એક સન્નારીને આ પ્રશ્ન પૂછવાનું શક્ય છે? પરમેશ્વરનો ‘પ’ પણ ઉચ્ચારવાનું શક્ય છે? પ્રુફ્રૉકનું સંપૂર્ણ નામ છે  જે. આલ્ફ્રેડ પ્રુફ્રૉક. આ નામ પૂર્ણપણે સમજવું અશક્ય છે. એમાં પ્રથમ નામ, માત્ર ‘જે.’ની સંજ્ઞારૂપે જ છે, રહસ્યમય છે. એમ આ પ્રશ્ન પૂર્ણપણે સમજવો અશક્ય છે. એમાં કશુંક સંજ્ઞા રૂપે જ છે, રહસ્યમય છે. એલિયટે ૧૯૫૫માં લંડનમાં કન્ઝર્વેટિવ પાર્ટી — રૂઢિચુસ્ત પક્ષ — ના ‘લંડન કન્ઝર્વેટિવ યુનિયન’ના ઉપક્રમે સાહિત્યિક ભોજનસમારંભમાં ‘The Literature of Politics’ — ‘રાજકારણનું સાહિત્ય’ એ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું, એમાં એમણે અંતે જે માત્ર રાજકારણ વિશે, એના સાહિત્ય વિશે, એ સાહિત્યના સર્જકો વિશે પ્રસંગોચિત કહ્યું હતું તે જીવનના એકેએક ‘કારણ’ — જાતીયકારણ, સમાજકારણ, સ્ત્રી-પુરુષ-સંબંધ, પ્રેમ, લગ્ન આદિ — સમગ્ર જીવનકારણ વિશે, એના સમગ્ર સાહિત્ય વિશે, એ સાહિત્યના સૌ સર્જકો વિશે — સ્વયં એલિયટ વિશે અરે, સુસંસ્કૃત, બહુશ્રુત સૌંદર્યશીલ, સંવેદનશીલ મનુષ્ય અને કાવ્ય એની એકોક્તિ છે એથી જ સર્જનશીલ કવિ એવા પ્રુફ્રૉક સુધ્ધાં વિશે — સાચું છે અને પ્રુફ્રૉકને, પ્રુફ્રૉકના પ્રશ્નને સમજવામાં સહાયરૂપ છે, ‘…there should always be a few writers preoccupied in penetrating to the core of the matter… The proper area for such men is what may be called, not the political, but the pre-political area… it is the domain of ethics — in the end, the domain of theology. For the question of questions, which no political philosophy can escape, and by the right answer to which all political thinking must in the end be judged, is simply this: What is Man? what are his limitations? what is his misery and what his greatness? and, what, finally, his destiny?’ — ‘જે વસ્તુના હાર્દને પામવામાં રત હોય એવા કેટલાક લેખકો હંમેશને માટે હોવા જોઈએ… આવા લેખકો માટેનો સાચો પ્રદેશ રાજકીય નહિ પણ જેને ‘પ્રાગ્ રાજકીય’ કહેવાય એ પ્રદેશ છે… એ નીતિશાસ્ત્રનો પ્રદેશ છે — અને અંતમાં તો ઈશ્વરશાસ્ત્રનો પ્રદેશ છે. કોઈ પણ રાજકીય ફિલસૂફી જેમાંથી છટકી શકે નહિ અને અંતે જેના સાચા ઉત્તર પરથી જ સૌ રાજકીય ચિંતનનું મૂલ્યાંકન થવું જોઈએ એ પ્રશ્નોનો પ્રશ્ન તો છે માત્ર આ  મનુષ્ય શું છે? એની મર્યાદાઓ શી છે? એની વેદના શી છે? અને એની મહાનતા શી છે? અને, અંતે, એની નિયતિ શી છે?’

૧૯૭૧

*