સ્વાધ્યાયલોક—૨/ફિનિસ અંગ્રેજી ભાષામાં ગ્રીક મુક્તક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘ફિનિસ’  અંગ્રેજી ભાષામાં ગ્રીક મુક્તક

                           FINIS
I strove with none, for none was worth my strife.
         Nature I loved and, next to Nature, Art:
I warmed both hands before the fire of life;
         It sinks, and I am ready to depart.
                           — Walter Savage Landor

‘I strove with none….’ (લડ્યો ન…). કારણ? અહિંસ? ના, જીવનભર (અને જીવન પણ ખાસ્સું ૧૭૭૫થી ૧૮૬૪ લગીનું ૮૯ વર્ષનું, સુદીર્ઘ) જેણે લડ્યા કર્યું હતું એ મનુષ્ય આમ કહે છે, જેનું નામ પણ વૉલ્ટર સૅવૅઇજ લૅન્ડર હતું એ મનુષ્ય આમ કહે છે, જેનો જન્મદિન જાન્યુઆરી ૩૦, એટલે કે એ હોંશે હોંશે જેનું સ્મરણ કરતો હતો તે ચાર્લ્સ પહેલાના શિરચ્છેદનો દિન હતો (અને જોકે હવે મોહનદાસ ગાંધીની હત્યાનો પણ દિન છે) એ મનુષ્ય આમ કહે છે. નાનો હતો ત્યારે એ પોતાને ‘fierce democrat’ — ઉગ્ર પ્રજાવાદી માનતો-મનાવતો હતો, ત્યારે એ ફ્રેન્ચ પ્રજા ઇંગ્લૅન્ડ પર આક્રમણ કરે અને આજુબાજુ કૅન્ટરબરી અને યૉર્કના આર્ચબિશપોનો — એ બે ચોરનો અને વચમાં જૉર્જ ત્રીજાનો શિરચ્છેદ કરવામાં અંગ્રેજોને સહાય કરે એવું ઇચ્છતો હતો. આ ઇચ્છાને કારણે એ જેને મૂર્ખ માનતો હતો એવી એની માતાએ એના કાન આમળ્યા હતા. પ્રથમ રગ્બી સ્કૂલમાંથી અને પછીથી ૧૭૯૪માં ટ્રિનિટી કૉલેજ, ઑક્સફર્ડમાંથી એણે જ્યારે ટોરી પક્ષના એક સભ્યના ઘરની બારી પર બંદૂકમાંથી ગોળી છોડી ત્યારે એને ‘Mad Jacobin’ — પાગલ જૅકોબિન ગણીને બરતરફ કરવામાં આવ્યો હતો. બે સત્રની આ બરતરફીને કારણે એને ઉપાધિયોગ પ્રાપ્ત ન થયો, ત્યારે એના પિતાનો એની સામે ઉગ્ર વિરોધ થયો અને ગૃહત્યાગ કરવાનો નિર્ણય કરીને એ પિતાની સાથે લડ્યો હતો. એક મિત્રની દરમ્યાનગીરીથી માંડ માંડ એણે પિતાની સાથે સમાધાન (ગૃહત્યાગ કરવાની છૂટ સાથે પિતા એને વાર્ષિક ૧૫૦ પાઉન્ડની રકમ આપે એ શરતે) કર્યું હતું. ઑક્સફર્ડમાંથી બરતરફ થયા પછી એ અવારનવાર દક્ષિણ વેલ્સમાં વસ્યો હતો અને નૅન્સી જોન્સ (એનાં અનેક કાવ્યોની ‘Ione’), રોઝ એઇલ્મેર (એના પ્રસિદ્ધ લઘુ શોકકાવ્યની નાયિકા) અને જેઇન સ્વિફ્ટ (એનાં અનેક કાવ્યોની ‘Ianthe’) સાથે પ્રણયકલહ કર્યો હતો. એના શ્રીમંત પિતાનું ૧૮૦૫માં અવસાન થયું પછી એને વારસો પ્રાપ્ત થયો ત્યારે એ જન્મસ્થાન વૉરિકમાંથી ખસીને બાથમાં વસ્યો હતો. નેપોલિયનની સામે સ્પૅનિશ ક્રાન્તિકારી સ્વાતંત્ર્યવીરોને તથા ૧૮૦૮માં ત્રણ માસ સ્પેનમાં વસીને રાષ્ટ્રીય સૈન્યમાં એક સૈનિકટુકડીને પોતાને પૈસે નભાવીને એણે (ટેનિસન અને આર્થર હૅલમની જેમ) તન, મન, ધનથી સહાય કરી ત્યારે એને કર્નલનું માનાર્હ પદ અર્પણ થયું હતું. ‘માડ્રિડ ગેઝેટ’માં એની યુદ્ધસેવા માટે એનો જાહેર આભાર માનવામાં આવ્યો હતો. પછી વૉટર્લુના યુદ્ધથી અને નેપોલિયનના પરાજયથી એ રાજી થયો હતો. પણ પછીથી યુરોપમાં જે પ્રત્યાઘાત પડ્યો એનાથી એ ભારે નારાજ થયો હતો અને એને ‘પ્રથમ સૌ પ્રજાસત્તાકોની સામે અને હવે સૌ રાજ્યબંધારણોની સામે રાજાઓનું કાવતરું’ કહીને જીવનભર ધિક્કારતો રહ્યો હતો. એના ‘સંવાદો’માંના પ્રથમ ત્રેવીસ સંવાદો પર એની અસર હતી એમ એણે કહ્યું હતું. દક્ષિણ વેલ્સની સીમા પર મૉનમથશાયરમાં ૧૮૦૯માં લૅન્થની ઍબી ખરીદીને આસપાસના પડતર અને પછાત પ્રદેશમાં એણે વનો અને પશુઓનું સંવર્ધન તથા ઘરો અને રસ્તાઓનું સર્જન કર્યું હતું. બાથમાં હતો ત્યારે ૧૮૧૧ના એપ્રિલ-મેમાં એક સ્વિસ બૅન્કરની સુંદર પુત્રી જુલિયા સાથે પ્રથમ દૃષ્ટિએ પ્રેમ થયો અને એક જ માસમાં મે — જૂનમાં લગ્ન કર્યાં હતાં અને લૅન્થનીમાં વસ્યો હતો. અહીંની પ્રજાનું અને વિશેષ તો પોતાના ભાડૂતોનું ભાગ્ય સુધારવામાં એણે એના વારસાની સમગ્ર મિલકત બગાડી હતી. આ અકૃતજ્ઞી પ્રજાએ એની આસપાસ વૈર અને શંકાનું વાતાવરણ સર્જ્યું હતું. એના ભાડૂતો એને ભાડું તો આપતા ન હતા એટલું જ નહિ, પણ સ્થાનિક પ્રપંચી વકીલોની સહાયથી એનો માલિકીહક પણ પડકારતા હતા. એની મિલકતની ભાંગફોડ પણ કરતા હતા. એક ભાડૂત તો વાડ તોડીને ઘરમાં ઘૂસી ગયો હતો. એનો ‘હાથ તરત જ પકડીને એને વાડની બહાર’ કાઢવો પડ્યો હતો. વૃક્ષોનો વિનાશ કરનાર એક યુવાનની વિરુદ્ધ બદનક્ષીભર્યાં ચોપાનિયાં એણે અને એની પત્ની જુલિયાએ મૉનમથના માર્ગો પર ઊભાં રહીને વહેંચ્યાં હતાં. આ અને આવા અન્ય પ્રસંગે કોર્ટમાં સામસામે દાવા પણ થયા હતા. આમ ને આમ દક્ષિણ વેલ્સની પ્રજાની સાથે લડવામાં ને લડવામાં એની વારસાની સમગ્ર મિલકતનો નાશ તો થયો પણ ઉપરાંત દેવું પણ થયું હતું. એ દેવું એ ચૂકવી શક્યો ન હતો. પરિણામે એણે ૧૮૧૪માં ઇંગ્લૅન્ડનો ત્યાગ કર્યો હતો. ઇંગ્લૅન્ડનો ત્યાગ કરીને ૧૮૧૫થી ૧૮૨૧ લગી ટુર, કોમો અને પીઝામાં તથા ૧૮૨૧થી ૧૮૩૫ લગી ફ્લૉરેન્સમાં વસ્યો હતો. ઇંગ્લૅન્ડનો ત્યાગ કર્યો ને તરત જ ફ્રાન્સ જતાં અધવાટે જ જર્સીમાં હંમેશ માટે ઇંગ્લૅન્ડનો આમ ત્યાગ કરવાની સામે પત્નીનો વિરોધ થયો ત્યારે પત્ની સાથે લડ્યો હતો. અને પોતે પત્નીને કદી નહિ મળે એવી પ્રતિજ્ઞા સાથે છૂટો પડ્યો હતો. પણ વળી પત્નીની માંદગીના સમાચારથી સમાધાન કર્યું હતું, અને ત્યાર પછી વીસેક વરસ લગી લગ્ન નભાવ્યું હતું. જ્યારે જેઇન સ્વિફ્ટ ૧૮૨૯માં ફ્લૉરેન્સમાં વસી ત્યારે એની સાથેનો પ્રણયસંબંધ પુનર્જીવન પામ્યો હતો. પત્ની આ સંબંધ સમજી કે સહી શકી નહિ એથી ચાર સંતાનો હોવા છતાં પરિણામે ૧૮૩૫માં એની સાથે લગ્નજીવનનો અંત આવ્યો હતો. પછી એ ૧૮૩૮માં ફ્લૉરેન્સથી એકલો ઇંગ્લૅન્ડ પાછો આવ્યો હતો અને ૧૮૫૮ લગી બાથમાં વસ્યો હતો. અહીં બાથમાં ૧૮૫૮માં પોતાના પ્રકાશન ‘Dry Sticks’માં એણે કોઈ એક મિસિસ યસકુમ્બ સામે કેટલાંક વિધાનો કર્યાં હતાં. પરિણામે એની સામે બદનક્ષીનો દાવો થયો હતો અને એણે ૧૮૫૮માં ફરીથી ઇંગ્લૅન્ડનો ત્યાગ કર્યો હતો. અંતિમ વર્ષોમાં એ ફ્લૉરેન્સમાં જ રહ્યો હતો. ૧૮૬૪ના સપ્ટેમ્બરની ૧૭મીએ ફ્લૉરેન્સમાં એનું અવસાન થયું હતું. આ છે લૅન્ડરના જીવનચરિત્રની હકીકતો. સમકાલીનોએ લૅન્ડરની કવિપ્રતિભાનો સ્વીકાર કર્યો હતો. વર્ડ્ઝવર્થ, સધે, શેલી, સ્વિન્બર્ન, બ્રાઉનિંગ, હૉપ્કિન્સ (તથા અનુગામીઓમાં યેટ્સ, ફ્રૉસ્ટ, પાઉન્ડ) આદિ કવિઓએ લૅન્ડરની ક્લાસિકલ કલાનો આદર કર્યો હતો. પણ એના સ્વભાવ વિશે, વ્યક્તિત્વ વિશે, એમાંના બિન-ક્લાસિકલ અથવા રોમેન્ટિક તત્ત્વો વિશે, ‘such strange tempers and crochets and waywardness’ — વિચિત્ર મિજાજ અને વક્રતા અને મનસ્વિતા — વિશે એટલું જ આશ્ચર્ય અનુભવ્યું હતું. વૃદ્ધ વર્ડ્ઝવર્થે વૃદ્ધ લૅન્ડરને ‘a man so deplorably tormented by ungovernable passion’ — અદમ્ય આવેશથી કરુણપણે પીડાતો મનુષ્ય કહ્યો હતો. અને વર્ડ્ઝવર્થ રાજકવિ થયા અને એક સ્વનિયુક્ત જાહેર સંસ્થા જેવા બની ગયા હતા ત્યારે લૅન્ડરે એમની કવિતામાં, કાવ્યબાનીમાં જે શિથિલ અંગ હતું એ પર વિવેચન કર્યું હતું. એના પ્રત્યાઘાતમાં વર્ડ્ઝવર્થે લૅન્ડર વિશે કહ્યું હતું કે લૅન્ડરનું વ્યક્તિત્વ બે કે ત્રણ શબ્દોમાં પ્રગટ કરી શકાય  ‘a mad man, a bad man, yet a man of genius, as many a mad man is.’ — પાગલ મનુષ્ય, દુષ્ટ મનુષ્ય, છતાં અનેક પાગલ મનુષ્યો હોય છે એવો પ્રતિભાપુરુષ. આ છે લૅન્ડરના સ્વભાવ વિશે, વ્યક્તિત્વ વિશે સમકાલીનોની સાક્ષી. લૅન્ડરના જીવનચરિત્રની આ હકીકતો અને એના સ્વભાવ વિશે, વ્યક્તિત્વ વિશે એના સમકાલીનોની આ સાક્ષી પરથી જો કોઈ એવા નિર્ણય પર આવે કે લૅન્ડરે એના જીવનમાં લડવા સિવાય કંઈ જ નથી કર્યું તો એણે લૅન્ડરમાં પ્રેમ અને મૈત્રીની જે અસાધારણ શક્તિ હતી એનો સામનો કરવાનો રહે. નૅન્સી જોન્સ (‘Ione’), રોઝ એઇલ્મર અને જેઇન સ્વિફ્ટ (‘Ianthe’)ને સંબોધીને એણે જે પ્રેમકાવ્યો રચ્યાં છે એમાં એના હૃદયની કોમળતાનું દર્શન થાય છે. જેઇન સાથેનો પ્રેમ એ પ્રેમથીયે કંઈક વિશેષ એવો ‘પ્રેમ’, જેને નામ ન આપી શકાય એવો પ્રેમ હતો. આ ‘પ્રેમ’ વિશે લૅન્ડરના પ્રથમ ચરિત્રકાર ફૉર્સ્ટરે ૧૮૬૯માં કહ્યું હતું, ‘It was to see Landor at his very best to see him in the presence of this lady. In language, manner, look, voice, even in the minutest points of gesture and bearing, it was all that one could possibly imagine of the perfection of chivalrous respect.’ — આ સન્નારીની હાજરીમાં લૅન્ડરને જોવો એટલે એના અત્યુત્તમ સ્વરૂપમાં જોવો. વાણીમાં, વર્તનમાં, આકૃતિમાં, અવાજમાં, હાવભાવ અને હલનચલનની ઝીણામાં ઝીણી વિગતમાં સ્ત્રીદાક્ષિણ્યની પૂર્ણતા વિશેની જે કંઈ શક્ય એવી કલ્પના હોય તે સમગ્રપણે સાકાર થતી હતી. એ બાથમાં વસ્યો હતો ત્યારે ૧૮૦૮માં સધે સાથે એને પ્રથમ પરિચય થયો. તે પછીથી જીવનભરની પરમ વિરલ મૈત્રીરૂપે વિકસ્યો-વિલસ્યો હતો. વૃદ્ધ વયે એને ડિકિન્સ અને ફૉર્સ્ટરની મૈત્રીનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. ડિકિન્સે એની ‘બ્લીક હાઉસ’ નવલકથામાં લૅન્ડર સાથેની આ મૈત્રીના અનુભવની પ્રેરણાથી લૉરેન્સ બૉયથૉર્નના મનસ્વી અને પ્રીતિપ્રેરક પાત્રનું સર્જન કર્યું હતું. ફૉર્સ્ટરે ૧૮૬૯માં લૅન્ડરનું પ્રથમ જીવનચરિત્ર રચ્યું હતું. અંતિમ વર્ષોમાં એને બ્રાઉનિંગ અને સ્વિનબર્નનો આદર પ્રાપ્ત થયો હતો. લૅન્ડરના મૃત્યુ પછી એની સ્મૃતિમાં સ્વિન્બર્ને એનું ‘ઍટલાન્ટા ઇન કૅલિડન’ નાટક કૃતજ્ઞતાપૂર્વક લૅન્ડરને અર્પણ કર્યું હતું. લૅન્ડરે જીવનભર લડ્યા કર્યું હતું. માતાપિતા, ગુરુજનો, પડોશીઓ, પત્ની — સૌની સાથે લડ્યા કર્યું હતું. પણ તે એણે કોઈ એક મહાન આદર્શને, કોઈ એક મહાન ભાવનાને, કોઈ એક મહાન હેતુને, કોઈ એક મહાન લક્ષ્યને, કોઈ એક મહાન સ્વપ્નને એની અંતિમ નિષ્ઠા અર્પણ કરી હતી એ કારણે. આ નિષ્ઠા દ્વારા એનામાં ચિત્તની ઉદાત્તતા અને હૃદયની ઉદારતા પ્રગટી હતી. એથી એના સૌ સંઘર્ષોમાં ક્યાંય ક્યારેય સ્વાર્થનું, સંકુચિતતાનું, ક્ષુદ્રતાનું કે પામરતાનું દર્શન થતું નથી. અલબત્ત, અહમ્ નું, અભિમાનનું દર્શન થાય છે. તો સાથે સાથે નમ્રતાનું પણ દર્શન થાય છે. એનાં અનેક કાવ્યો, સવિશેષ તો એનાં મુક્તકો એના આ અભિમાન અને નમ્રતાના સંવાદ-સંઘર્ષને કારણે એના સંકુલ વ્યક્તિત્વનાં સાક્ષી છે. એમાં એમની વિરલતા છે. પરમેશ્વર સાથેના સંબંધમાં જેમ જૉર્જ હર્બર્ટમાં એક વિરલ અભિમાની નમ્ર આત્મા પ્રગટ થયો તેમ મનુષ્યો સાથેના સંબંધમાં લૅન્ડરમાં એક વિરલ અભિમાની નમ્ર આત્મા પ્રગટ થયો હતો. અને છતાં આ મુક્તકની પ્રથમ પંક્તિના પૂર્વાર્ધમાં લૅન્ડર કહે છે, ‘I strove with none…’ (લડ્યો ન…) કારણ? સત્ય? હા. એક અર્થમાં આ અક્ષરશ: સત્ય છે. કવિ તરીકેની એની દીર્ઘ, લગભગ ૭૫ વર્ષ જેટલી દીર્ઘ, સુદીર્ઘ, અતિદીર્ઘ કારકિર્દીમાં લૅન્ડર એક પણ કવિ કે સર્જક કે સાહિત્યકારની સાથે એક ક્ષણ માટે પણ લડ્યો ન હતો. આ સત્યનું લૅન્ડરે વારંવાર ગદ્ય અને પદ્યમાં ઉચ્ચારણ કર્યું હતું. પરમ મિત્ર સધેના મૃત્યુ સમયે એણે ગદ્યમાં એનો મૃત્યુલેખ રચ્યો ત્યારે એમાં પણ એણે પોતાના જ કવિજીવનનું સત્ય ઉચ્ચાર્યું હતું, ‘Rarely hath any author been so exempt from the maladies of emulation.’ (હરીફાઈના રોગમાંથી ભાગ્યે જ કોઈ સાહિત્યકાર આવો મુક્ત હશે.) એના ‘Imaginary Conversations’ (કાલ્પનિક સંવાદો)માંના એક સંવાદમાં એક પાત્રને મુખે એ ઉચ્ચારાવે છે, ‘Authors are like cattle going to a fair, those of the same field can never move on without butting one another’ (સાહિત્યકારો કોઈ મેળામાં જતાં ઢોર જેવા હોય છે, એક જ ખેતરનાં હોય તો તો એકમેકને ધક્કો માર્યા વિના ચાલી જ ન શકે) — સાહિત્યકારો વચ્ચે પરસ્પરની ઈર્ષ્યા, અસૂયા, એકમેકની હરીફાઈ, હોંસાતૂંસી કેટલી તો સુપરિચિત છે! અને ઈર્ષ્યા જેવી અસુંદર કે અધમ કોઈ ઊર્મિ નથી. અસૂયા જેવો પામર કે પંગુ કોઈ ભાવ નથી. હરીફાઈ અને હોંસાતૂંસી જેવો સ્વતંત્રતાનો કોઈ હ્રાસ નથી. સરખામણી કે તુલના જેવો સ્વમાનનો કોઈ પરિહાસ નથી. કવિનું જો કોઈ પાપ હોય તો તે ઈર્ષ્યા. કવિનું જો કોઈ પાતક હોય તો તે અસૂયા. સર્જક કે સાહિત્યકારનો સર્જકતા અને સાહિત્યની સામે કોઈ દ્રોહ હોય તો તે હરીફાઈ, હોંસાતૂંસી. લૅન્ડરે કદી આ પાપ, આ પાતક કર્યું ન હતું. આ દ્રોહ કર્યો ન હતો. એણે કદી કોઈ કવિ કે સર્જક કે સાહિત્યકારની ઈર્ષ્યા, અસૂયા અનુભવી ન હતી. કોઈની સાથે હરીફાઈ, હોંસાતૂંસી અનુભવી ન હતી, એણે કદી ધન, સત્તા કે કીર્તિ માટે એક અક્ષરે લખ્યો ન હતો. એને આરંભથી જ પાકી પ્રતીતિ હતી કે સાચો કવિ કે સર્જક કે સાહિત્યકાર એકલપંથી હોય છે. કમમાં કમ પોતે તો હતો જ. એકલો-અટૂલો, નિરાળો, નિજમાં નિમગ્ન. એટલે આ અર્થમાં એ સોએ સો ટકા સાચું કહે છે  ‘I strove with none, for none was worth my strife.’ (લડ્યો ન, લડવા સમુંય મુજને ન કોઈ મળ્યું.) ‘Nature I loved…’ (સદા કુદરતે) – ક્લાસિક અને રોમેન્ટિક બન્ને અર્થમાં એણે પ્રકૃતિને પ્રેમ કર્યો હતો. દક્ષિણ વેલ્સમાં મૉનમથશાયરમાં લૅન્થની ઍબીની આસપાસના પડતર અને પછાત પ્રદેશમાં એણે વનો અને પશુઓનું સંવર્ધન તથા ઘરો અને રસ્તાઓનું સર્જન કર્યું હતું. ફ્લૉરેન્સમાં પણ ફીએસૉલીમાં એણે એની ગ્રામકુટિરમાં એક ઉપવન ઉછેર્યું હતું. એમાં એનો પ્રકૃતિપ્રેમ પ્રગટ થાય છે. પ્રકૃતિનો એક મહાન ગુણ પ્રફુલ્લતા — તાજગી, એ એની કવિતાની ભાષા તથા શૈલીમાં સર્વત્ર પ્રગટ થાય છે. ‘…and, next to Nature, Art:’(કલારસ વિશે જ હૈયું ઢળ્યું.) એણે કલાને, અલબત્ત, પ્રકૃતિ પછી બીજે નંબરે કલાને પ્રેમ કર્યો હતો એનું આ મુક્તક સ્વયં એક ઉજ્જ્વલ અને ઉત્તમ ઉદાહરણ છે. એની ગદ્યકૃતિ ‘પૅન્ટામૅરૉન’માં એણે બોકાશિયોના મુખેથી પ્રશ્ન પૂછ્યો હતો, ‘What is there lovely in poetry?’ — કવિતામાં સુંદર શું છે? એનો એ પ્રશ્નના જ ઉત્તરાર્ધમાં એણે ઉત્તર આપ્યો હતો  ‘…unless there be moderation and composure’ (સિવાય કે એમાં સંયમ અને સ્વસ્થતા હોય.) અને પછી ઉમેર્યું હતું  ‘Whoever has the power of creating has likewise the inferior power of keeping his creation in order. The best poets are most impressive because their steps are regular; for without regularity there is neither strength nor State.’ (જેનામાં સર્જન કરવાની પ્રધાન શક્તિ છે એનામાં એના સર્જનને સંયમિત કરવાની ગૌણ શક્તિ પણ છે. ઉત્તમ કવિઓનો પ્રભાવ એમની ચાલમાં જે નિયમન-નિયંત્રણ છે એને કારણે છે. નિયમન-નિયંત્રણ વિના શક્તિ કે રાજ્ય શક્ય નથી.) આ મુક્તકમાં, એની પંક્તિએપંક્તિમાં, એના શબ્દેશબ્દમાં, એના અવાજમાં, અરે, એના મૌન-વિરામ સુધ્ધાંમાં કેટકેટલો સંયમ છે, કેટકેટલી સ્વસ્થતા, સ્પષ્ટતા અને સરલતા છે! ૩૫ શબ્દોના આ મુક્તકમાં ૩૦ શબ્દો એક સ્વરયુક્ત — monosyllabic છે, માત્ર ૫ શબ્દો જ દ્વિસ્વરયુક્ત — disyllabic — છે. આ અને આવાં અનેક મુક્તકો તથા કાવ્યોમાં લૅન્ડરની ક્લાસિકલ કલાનું દર્શન થાય છે, એની કલાના ગ્રીક આત્માનું દર્શન થાય છે. આ કલાની લગભગ ૭૫ વર્ષ જેટલા દીર્ઘકાળની એની એકનિષ્ઠ અને એકાગ્ર સાધના હતી. એમાં એનો કલાનો પ્રેમ પ્રગટ થાય છે. ‘I warmed both hands before the fire of life’  (તપ્યો સતત તાપ, હાથ મુજ બેઉ હૂંફે ભર્યા.) જીવનનો કેટકેટલો આનંદ અનુભવ્યો હતો એની પ્રતીતિ આ એક જ પંક્તિમાં પ્રગટ થાય છે. જીવનનો અગ્નિ. સુંદર રૂપક છે. હું તાપ્યો. કેટકેટલી ઉષ્મા છે! I warmed. સુંદર ક્રિયાપદ છે. અને કેવું તાપ્યો? બન્ને હાથે. કેટકેટલો સંતોષ છે, કેટકેટલી ધન્યતા, સાર્થકતા, ચરિતાર્થતા છે! બન્ને સ્વર પર ભાર છે : both hands. Iamb — આયેમ્બ — ગણને સ્થાને અહીં ગણવિકલ્પ છે. એથી એકસાથે ત્રણ ભારયુક્ત સ્વરો દ્વારા જીવનનો આનંદ, સંતોષ અનુભવ્યો છે; જીવનની ધન્યતા, સાર્થકતા, ચરિતાર્થતા અનુભવી છે એની સ્પષ્ટ અને સચોટ પ્રતીતિ થાય છે. ‘It sinks, and I am ready to depart.’ (શમ્યો, ઊપડવું, પ્રયાણ અબ પ્રાણ ઝંખે નર્યા.) જીવનની ક્ષણિકતા, ક્ષણભંગુરતા આ પંક્તિના પૂર્વાર્ધમાં ‘sinks’ — શમી જાય છે — ક્રિયાપદ દ્વારા પ્રગટ થાય છે. એમાં મૃત્યુની અનિવાર્યતા પ્રગટ થાય છે અને મૃત્યુ પછી જે શાશ્વત મૌનનો અનુભવ થવાનો છે એ મૌનનો અનુભવ એક ક્ષણ માટે અહીં ‘sinks’ પછીના મૌન-વિરામ (pause) દ્વારા અનિવાર્યપણે થાય છે. આ મૌન — વિરામ પછી તરત જ પોતે વિદાય માટે સંપૂર્ણ તૈયાર છે. એમાં મૃત્યુની સાહસપૂર્ણ સ્વીકૃતિ પ્રગટ થાય છે. આ મુક્તકને ટેનિસનના પ્રસિદ્ધ ઊર્મિકાવ્ય ‘Crossing the Bar’ સાથે સરખાવવું એ રસિક અનુભવ છે. પંક્તિ ૧, ૩ અને ૪માં મનુષ્યની અપાત્રતા, જીવનની ક્ષણિકતા અને મૃત્યુની સાહસપૂર્ણ સ્વીકૃતિ દ્વારા મનુષ્ય, જીવન અને મૃત્યુની મર્યાદા, તથા પંક્તિ ૨માં પ્રકૃતિ અને કલાની અમરતા દ્વારા પ્રકૃતિ અને કલાનો મહિમા પ્રગટ થાય છે. લૅન્ડરે એના ૭૪મા જન્મદિનની રાતે બે મિત્રો — ડિકિન્સ ને ફૉર્સ્ટર — સાથે સાંજનું ભોજન કર્યા પછી આ મુક્તક રચ્યું ત્યારે એણે એને શીર્ષક આપ્યું હતું  The Dying Speech of an Old Philosopher’. આ મુક્તક ‘Finis’ તથા ‘On His Seventy Fifth Birthday’ના શીર્ષકથી પણ પ્રસિદ્ધ છે. આ મુક્તકની ભાષા, એના શબ્દો, શબ્દોનો ક્રમ, એનો અવાજ — આ સૌ દ્વારા આ મુક્તક એ speech છે એવી સદ્ય પ્રતીતિ થાય છે. આ મુક્તક એ એક વૃદ્ધ ચિંતકનું મૃત્યુવચન છે. એમાં ચિંતન છે. એમાં માત્ર લૅન્ડરના જ સમકાલીન મનુષ્યો અને જીવન-મૃત્યુ તથા લૅન્ડરના જ પ્રકૃતિ અને કલા પ્રત્યેના પ્રેમ વિશેનું ચિંતન નથી. પણ એમાં આપણા સૌના સમકાલીન મનુષ્યો અને જીવન-મૃત્યુ તથા આપણા સૌના પ્રકૃતિ અને કલા પ્રત્યેના પ્રેમ વિશેનું ચિંતન પણ છે. એમાં સ્વાનુભવ તો છે જ, પણ એમાં સર્વાનુભવ પણ છે. એથી આ એક અનુભવવૃદ્ધ ચિંતકનું મૃત્યુવચન છે એવી સદ્ય પ્રતીતિ થાય છે. માત્ર ચાર જ પંક્તિના આ સરલ મુક્તકમાં લૅન્ડરે એના ૯૦ વર્ષ જેટલા સુદીર્ઘ કાળના અંગત સંકુલ જીવનની કથા, એની આત્મકથા રચી છે; એટલું જ નહિ એમાં એણે મનુષ્યમાત્રની કથા, મનુષ્યની આત્મકથા રચી છે. એમાં આ મુક્તકના ગ્રીક આત્માનું દર્શન થાય છે. કીટ્સે ‘ઓડ ટુ ઑટમ’માં જેમ અંગ્રેજી ભાષામાં ગ્રીક ઓડ રચ્યું છે તેમ લૅન્ડરે ‘ધ ડાઇંગ સ્પીચ ઑફ ઍન ઓલ્ડ ફિલૉસૉફર’માં અંગ્રેજી ભાષામાં ગ્રીક મુક્તક રચ્યું છે. સમકાલીન અંગ્રેજી કવિતા રોમેન્ટિસિઝમના ખોટે માર્ગે છે એમ લૅન્ડરની પ્રતીતિ હતી. લૅન્ડરના અનુગામી એઝ્‌રા પાઉન્ડની પણ એવી જ પ્રતીતિ હતી. આ સંદર્ભમાં લૅન્ડરે પોતાની ક્લાસિકલ કવિતા વિશે વિવેકપૂર્વક કહ્યું હતું, ‘I shall dine late, but the dining-room will be well lighted, the guests few and select.’ (હું ભોજન મોડેથી કરીશ, પણ ભોજનખંડ બરોબર અજવાળ્યો હશે, અતિથિઓ અલ્પસંખ્ય અને સુપાત્ર હશે). કેટલું સાચું છે!

૧૯૭૧

*