સ્વાધ્યાયલોક—૨/મિલ્ટન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મિલ્ટન

મિલ્ટન ઇંગ્લૅન્ડનો એકનો એક અને યુરોપનો હોમર અને વર્જિલ પછી ત્રીજો અને છેલ્લો મહાકવિ છે. એણે કવિતાનું જે જે સ્વરૂપ અજમાવ્યું એને પોતાના સભર અને સમૃદ્ધ વ્યક્તિત્વની મુદ્રાથી અંકિત કર્યું છે. ‘નેટિવિટી ઓડ’નું સ્તોત્ર હોય, ‘આર્કેઇડ્ઝ’નાં ગીતો હોય, ‘કોમસ’ની ગીતનૃત્યનાટિકા હોય, ‘લિસિડાસ’ની કરુણપ્રશસ્તિ હોય, ‘ઑન હિઝ બ્લાઇન્ડનેસ’નું સૉનેટ હોય, ‘પૅરેડાઇઝ લૉસ્ટ’ ને ‘પૅરેડાઇઝ રીગેઇન્ડ’નાં મહાકાવ્યો હોય કે ‘સૅમ્સન ઍગોનિસ્ટીઝ’નું કરુણનાટક હોય — કવિતાનાં આ સૌ સ્વરૂપોમાં એની સિદ્ધિ માત્ર ઇંગ્લૅન્ડના જ નહિ, જગતભરના સાહિત્યમાં અપૂર્વ અને અદ્વિતીય છે. એના અંગત જીવનના એકેએક અનુભવને એણે કાવ્યના અનુભવમાં પલટ્યો છે. આદિથી અંત લગીના સર્જનમાં એકેએક કૃતિ, એકેએક પંક્તિ, એકેએક શબ્દમાં એનો ઉદાત્ત આત્મા પ્રગટ્યો છે. મિલ્ટનનો જન્મ ૧૬૦૮માં અને એનું મૃત્યુ ૧૬૭૪માં. આ યુગ ઇંગ્લૅન્ડના ઇતિહાસમાં મહાન પરિવર્તનનો યુગ હતો. અંગ્રેજ પ્રજાના જીવનનો કરુણમાં કરુણ અનુભવ, આંતરવિગ્રહનો અનુભવ આ યુગમાં, ૧૬૪૮માં. એલિઝાબેધન અને ઑગસ્ટન એ બે પૂર્ણતાના યુગની વચ્ચે આ અપૂર્ણતાનો યુગ હતો, સંઘર્ષનો યુગ હતો, મર્યાદાનો યુગ હતો. મિલ્ટનનું વ્યક્તિત્વ અને આ યુગનો મિજાજ એવાં તો ઓતપ્રોત અને એકરસ હતાં કે આ અપૂર્ણતા, સંઘર્ષ અને મર્યાદાનું પુનરાવર્તન મિલ્ટનના વ્યક્તિત્વમાં થયું હતું. મિલ્ટનના વ્યક્તિત્વથી એના પોતાના સમકાલીનોમાં તેમ જ એલિયટ જેવા આપણા સમકાલીનોમાં અસંતોષ પ્રગટ્યો હતો. મિલ્ટનનું વ્યક્તિત્વ ભલે અપૂર્ણ હોય પણ એની પાસે મહાકવિમાં જે અનિવાર્ય અને સહજ તે પૂર્ણતાનો આદર્શ હતો અને આ આદર્શ એણે વાસ્તવની સૃષ્ટિમાં નહિ, પણ ભાવનાની સૃષ્ટિમાં, કવિતામાં સિદ્ધ કર્યો છે. જીવનની અપૂર્ણતાને એણે કવનમાં ગાળી-ઓગાળી નાખી છે. એથી જ એની કવિતામાં મનુષ્યજીવનના મહાન આદર્શોનું દર્શન થાય છે. મિલ્ટનનું જીવન અને કવન જેટલું સમરેખ કે સમાંતર છે એટલું ભાગ્યે જ કોઈ કવિનું હશે. પ્રથમ મહત્ત્વના કાવ્ય ‘નેટિવિટી ઓડ’માં જ ભાવી સર્જનનો ઇશારો છે. એમાં શહીદ ક્રાઇસ્ટ નહિ પણ સૈનિક ક્રાઇસ્ટનો મહિમા છે. અને એમાંના ગ્રીક દેવતાઓ એ સેતાનના સાથી છે. મિલ્ટનના ભાવી જીવનમાં રિપબ્લિકન્સ અને રૉયલિસ્ટ્સ વચ્ચેનો સંઘર્ષ પણ અહીં સૂચવાયો છે. ભાવી સર્જનનાં ક્રાઇસ્ટ, સૅમ્સન અને એમના પ્રતિસ્પર્ધીઓનાં પાત્રોનો અહીં પ્રથમ પરિચય થાય છે. ‘કોમસ’માં કેમ્બ્રિજની ક્રાઇસ્ટ્સ કૉલેજના વિદ્યાર્થી મિલ્ટનનું ‘ધ લેડી ઑફ ધ ક્રાઇસ્ટ્સ’ નામ સૂચવતું ધ લેડીનું પાત્ર, કોમસનું પાત્ર અને ‘પૅરેડાઇઝ રીગેઇન્ડ’નાં ક્રાઇસ્ટ અને સેતાનનાં પાત્રોનાં આછાં રેખાચિત્રો છે. ‘લિસિડાસ’માં ઇંગ્લૅન્ડના દેવળ સામેનો સેન્ટ પીટરનો પુણ્યપ્રકોપ આંતરવિગ્રહનો અણસારો આપે છે. સૉનેટોમાં તો મિલ્ટનનો અંગત અને જાહેર જીવનનો કેવળ આત્મલક્ષી અનુભવ જ પ્રગટ્યો છે. ‘પૅરેડાઇઝ લૉસ્ટ’નો આદમ ‘પૅરેડાઇઝ રીગેઇન્ડ’ના ક્રાઇસ્ટ સાથે સંપૂર્ણ અસામ્ય અને ‘સૅમ્સન ઍગોનિસ્ટીઝ’ના સૅમ્સન સાથે અંશત: સામ્ય પ્રગટ કરે છે. ‘પૅરેડાઇઝ રીગેઇન્ડ’ના કાઇસ્ટ અને સેતાન ‘સૅમ્સન ઍગોનિસ્ટીઝ’ના સૅમ્સન અને ફિલિસ્ટિન્સ રૂપે પ્રગટ થાય છે. આમ, આદિથી અંત લગીની કૃતિઓમાં શૈલી, વસ્તુ, પાત્ર, ભાવ, વિચાર અને ભાવનાઓનું સાતત્ય છે અને મિલ્ટનના અંગત જીવન અને આદર્શ કવનનું એકત્વ છે. અંતિમ કૃતિ ‘સૅમ્સન ઍગોનિસ્ટીઝ’માં મિલ્ટને એનાં આગલાં કાવ્યોના અને અંગત જીવનના એકેએક અંશનો સરવાળો કર્યો છે. સૅમ્સનમાં મિલ્ટનને પોતાનું જ આબેહૂબ વ્યક્તિત્વ સંપૂર્ણપણે પ્રગટ કરતું પાત્ર પ્રાપ્ત થયું છે. એનો અહમ્, એનો રાષ્ટ્રપ્રેમ, એનો દુશ્મનની દીકરી સાથેનો લગ્નવ્યવહાર, એનો પરાજય, એનો કારાવાસ, એનો અંધાપો, એનો એકાંતવાસ, એનો પ્રલોભનો સામેનો પ્રતિકાર, એનો અંતરાત્માનો અવાજ, એનો ઈશ્વરી આદેશ અને સંકેતનો સ્વીકાર અને એનો અંતિમ વિજય, અરે એનો રોગ સુધ્ધાં મિલ્ટનના અંગત જીવનના પ્રસંગો અને અનુભવો સાથે સંપૂર્ણ સામ્ય ધરાવે છે. મિલ્ટનની શૈલી વિશે ઇંગ્લૅન્ડમાં સતત ઉગ્ર ઊહાપોહ મચ્યો છે, જે કદાચને કદી શમશે નહિ. હજુ ગઈકાલે જ પાઉન્ડે એને ‘tumefied dialect’ અને ‘pompous rhetoric’ કહીને તથા એલિયટે એને ‘Chinese wall’ અને ‘dead language’ કહીને એનો વિરોધ કર્યો છે. મિલ્ટનની શૈલીમાં મુખ્યત્વે વાગ્મિતા અને વિચિત્ર વાક્યરચનાનો વિરોધ થયો છે. પણ આ શૈલી સેતાનના પાત્રને અનુકૂળ જ નહિ, અનિવાર્ય છે. મિલ્ટને વાગ્મિતાનો પુરસ્કાર નથી કર્યો કારણ કે જાહેર જીવનનો અનુભવી મિલ્ટન વાગ્મિતાનાં ભયસ્થાનોથી સભાન હતો. વાગ્મિતા દ્વારા સેતાન કેવો દંભી છે, ઢોંગી છે, પોકળ છે, પ્રપંચી છે અને કેટલો ભયંકર અને ભયાનક છે, ભ્રામક છે એટલું જ પુરવાર કર્યું છે. આમ, મિલ્ટનની શૈલીમાં વાગ્મિતાનો તિરસ્કાર છે, પુરસ્કાર નહિ. જ્યારે જ્યારે ઈવ, આદમ, ક્રાઇસ્ટ અને સૅમ્સન તથા મિલ્ટન સ્વયં એમના જીવનની ઉત્કટ ક્ષણોમાં ઉદ્ગારો કરે છે ત્યારે ત્યારે મિલ્ટને એમાં જે શૈલી યોજી છે એની સરલતા અને સ્વાભાવિકતા ભાગ્યે જ કોઈ કવિએ સિદ્ધ કરી હશે. પણ મિલ્ટનના વસ્તુ વિશે ઇંગ્લૅન્ડમાં યોગ્ય રીતે જ ઊહાપોહ મચ્યો છે. મિલ્ટનની કવિતામાં theology અને logic અસ્વીકાર્ય અને અસંબદ્ધ છે. એથી જ એનું ઈશ્વરનું પાત્ર અપ્રતીતિકર છે અને એનાં કાવ્યોમાં કલાકૃતિની અંતિમ કસોટીરૂપ સુશ્લિષ્ટ એકતાનો અભાવ છે. મિલ્ટનના સમગ્ર કવિતાસર્જનમાં કેન્દ્રસ્થાને મિલ્ટન અને સૅમ્સન વચ્ચે સંપૂર્ણ સામ્ય હોવા છતાં ‘સૅમ્સન ઍગોનિસ્ટીઝ’ નહિ, પણ ‘પૅરેડાઇઝ લૉસ્ટ’ છે. અને ‘પૅરેડાઇઝ લૉસ્ટ’ના કેન્દ્રસ્થાને ઈશ્વર કે સેતાન નહિ, પણ આદમ અને ઈવ છે. કાવ્યના આરંભે જ મિલ્ટને આ સ્પષ્ટ કર્યું છે:

‘Of man’s first disobedience, and the fruit
Of that forbidden tree, whose mortal taste
Brought death into the world, and all our woe…’

પ્રથમ પંક્તિમાં જ પ્રથમ મનુષ્યના પ્રથમ અનાદરનો અને સ્વર્ગના ઉદ્યાનમાં નિષિદ્ધ વૃક્ષ પરના ફળનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. અને એના પ્રાણઘાતક ઉપભોગને કારણે પૃથ્વી પર મૃત્યુ અને આપણાં સર્વ દુઃખોનું અસ્તિત્વ એ પરિણામ દ્વારા સમગ્ર માનવજાતની કરુણતાનું આ કાવ્ય છે એમ પણ ઇશારો કર્યો છે. કાવ્યના કેન્દ્રમાં આદમ તો છે જ પણ ‘man’ મનુષ્ય પણ છે, એટલે કે આપણે સૌ — સમગ્ર માનવજાત છે. આમ, ‘પૅરેડાઇઝ લૉસ્ટ’ એ હોમર અને વર્જિલનાં મહાકાવ્યોની જેમ વ્યક્તિ કે રાષ્ટ્રનું નહિ પણ સમગ્ર માનવજાતનું મહાકાવ્ય છે. આ વિકાસ દ્વારા મિલ્ટને એનું મહાકવિપદ સાર્થક કર્યું છે. પતન પૂર્વેનાં આદમ અને ઈવ, પતનની ક્ષણનાં આદમ અને ઈવ, પતન પછીનાં આદમ અને ઈવ અને સ્વર્ગમાંથી અંતિમ વિદાયવેળાનાં આદમ અને ઈવમાં મિલ્ટનનો અખૂટ માનવરસ, એનું Christian humanism પ્રગટ થાય છે. આ બે પાત્રો દ્વારા, પ્રલોભન અને પતનના પ્રસંગો દ્વારા એણે માનવજીવનની અનેક વિચિત્રતાઓ અને વક્રતાઓ વ્યક્ત કરી છે, મનુષ્યની મર્યાદાનું દર્શન કર્યું છે. પ્રલોભન, પાપ, પતન, શાપ, શિક્ષા, પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત, અનુગ્રહ અને અંતે પાપમુક્તિ અને મોક્ષ એમ સમગ્ર નૈતિક પ્રશ્નોનું નિરૂપણ કર્યું છે તથા દૈવ અને પુરુષાર્થ, નિયતિ અને વ્યક્તિ વચ્ચેના સંઘર્ષનું વિશ્લેષણ કર્યું છે. મિલ્ટને એની કવિતામાં મનુષ્યજીવનનાં જે સત્યો ઉચ્ચાર્યાં છે તે મહાન અને સનાતન છે — ત્યારે પણ એ મહાન હતાં, આજે પણ છે અને આ પૃથ્વી પર જ્યાં લગી મનુષ્યજીવન અપૂર્ણ રહેશે ત્યાં લગી મહાન હશે. મિલ્ટને એની કવિતામાં જે દર્શન કર્યું છે એ એનું અનુભવસિદ્ધ દર્શન છે. ૨૦ વર્ષ જાહેર જીવનનો અનુભવ કર્યા પછી અને ૨૮ ચોપાનિયાં ચીતર્યાં પછી ઉત્તરજીવનમાં મિલ્ટને ૧૪ વર્ષનો અંધાપો અને એકાંતવાસ અનુભવ્યો હતો. એના આંતરજગતમાં પણ એણે Civil War અને Restoration — બન્નેનો અનુભવ કર્યો હતો. એના અંગત જીવનમાં પણ એણે ‘પૅરેડાઇઝ લૉસ્ટ’ અને ‘પૅરેડાઇઝ રીગેઇન્ડ’ — બન્ને અનુભવ કર્યા હતા. આ બન્ને અનુભવમાંથી મહિમા સાધ્યનો નહિ, સાધનનો છે; કર્મનો નહિ, વિચાર અને ચિત્તની વિશુદ્ધિનો છે એવું દર્શન એણે કર્યું હતું. સ્વર્ગમાં આદમ અને ઈવને કંઈ જ કર્મ કરવાપણું લાગતું નથી એથી મિલ્ટનને એમાં કંઈ જ કાવ્ય કરવાપણું પણ લાગતું નથી. જ્યારે આદમ અને ઈવ સ્વર્ગમાંથી અંતિમ વિદાય લે છે ત્યારે મિલ્ટન કહે છે:

‘Some natural tears they drop’d,
                         but wip’d them soon;
The World was all before them…’

એમ એક ક્ષણ આંસુ સાર્યાં પછી આનંદપૂર્વક ગાઈ ઊઠે છે  સ્વર્ગનો લોપ થયો? ભલે થયો! તેનાથી શું? સામે સમસ્ત પૃથ્વી પડી છે, જ્યાં કર્મ દ્વારા નૂતન સ્વર્ગની પ્રાપ્તિનું ઈશ્વરે વચન આપ્યું છે. પણ પછી ‘પૅરેડાઇઝ રીગેઇન્ડ’માં મિલ્ટને ક્રાઇસ્ટ પાસે કંઈ જ કર્મ કરાવ્યું નથી, માત્ર વિચાર અને ચિત્તની વિશુદ્ધિ કરાવી છે. અને અંતે ‘સેમ્સન ઍગોનિસ્ટીઝ’માં સૅમ્સન પાસે અંધાપામાં અને એકાંતવાસમાં અંતરાત્માનો અવાજ આવે છે, ઈશ્વરનો સંકેત અને આદેશ આવે છે, પછી જ કર્મ કરાવ્યું છે. એમાં ૨૦ વર્ષના જાહેર જીવનના કર્મ દ્વારા આદમની જેમ ઇંગ્લૅન્ડમાં નૂતન સ્વર્ગનું સર્જન કરવાનું સ્વપ્ન સેવનાર મિલ્ટન ૧૪ વર્ષના અંધાપા અને એકાંતવાસમાં ક્રાઇસ્ટની જેમ વિચાર અને ચિત્તની વિશુદ્ધિ દ્વારા અંતે જાણે કે અંતરાત્માનો અવાજ, ઈશ્વરનો સંકેત અને આદેશ આવ્યો હોય તેમ સૅમ્સનની જેમ મહાકાવ્ય સર્જવાનું મહાકર્મ કરે છે. અને ‘ઑન હિઝ બ્લાઇન્ડનેસ’ની અંતિમ પંક્તિ:

‘They also serve who only stand and wait.’

માં અંગત જીવનનું અને ‘સૅમ્સન ઍગોનિસ્ટીઝ’ની અંતિમ પંક્તિ:

‘And calm of mind, all passion spent.’

માં મહાન કવનનું ભરતવાક્ય ઉચ્ચારે છે ત્યારે મિલ્ટન ભગવદ્ગીતાના સ્થિતપ્રજ્ઞની અવસ્થા પ્રાપ્ત કરે છે અને નિષ્કામ કર્મયોગનો આદર્શ પ્રગટ કરે છે. ૧૯૫૯

*