સ્વાધ્યાયલોક—૨/વર્ડ્ઝવર્થ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વર્ડ્ઝવર્થ

જેણે પ્રકૃતિની ભંગુરતાને ભવ્યતાનો નવજન્મ આપ્યો એ ‘માનવતા અને પ્રકૃતિ’ના કવિ વિલિયમ વર્ડ્ઝવર્થના મૃત્યુની શતાબ્દી આ વર્ષે જગત ઊજવે છે. ‘માનવી’ શબ્દનો સાચો અર્થ શબ્દકોષમાંથી નહિ પણ વર્ડ્ઝવર્થ જેવા કવિના કાવ્યકોષમાંથી જ જડી આવે. વળી વર્ડ્ઝવર્થથી વધુ ગરવો એવો પોતાનો ગાયક તો પ્રકૃતિને પણ ભાગ્યે જ મળ્યો હશે. જીવનની ક્ષુદ્રતામાંથી પણ ભવ્યતાનો આનંદ પીનાર અને પાનાર આવા કવિને પ્રકટાવીને તો જીવને પોતાનો જ મહિમા પ્રકટ કર્યો છે. ઇંગ્લૅન્ડના કૉકરમાઉથ નામે ગામડામાં, ૧૭૭૦ના એપ્રિલની ૭મીએ એક જાગીરદારના એજન્ટ જ્હૉન વર્ડ્ઝવર્થને ત્યાં એ જન્મ્યો. જ્હૉનનાં પાંચ સંતાનોમાંનું બીજું સંતાન તે કવિ વિલિયમ વર્ડ્ઝવર્થ. પરંતુ કવિનાં ચાર ભાઈબહેનોમાંથી એક નાની બહેન ડૉરૉથી અને અનુજ જ્હૉન એમ બેનું જ એના જીવનમાં મહત્ત્વનું સ્થાન રહ્યું. અને તેમાંયે ‘વિલિયમ’ વર્ડ્ઝવર્થને ‘કવિ વર્ડ્ઝવર્થ’ બનાવનાર જો કોઈ હોય તો તે ડૉરૉથી જ. જોકે કવિના શિશુ-હૃદયમાં તો પોતાના ઘરની પાછળથી વહી જતી નદી ડર્વેન્ટ અને નવ માઈલ દૂર ઊભેલી સ્કિડો ટેકરીને જ મહત્ત્વનું સ્થાન હતું. કવિના શૈશવકાળનો સૌથી મહત્ત્વનો પ્રથમ પ્રસંગ તે ૧૭૭૮માં માતાનું મૃત્યુ. એને પરિણામે સારોયે પરિવાર છૂટો પડી ગયો. મોટાં ચારે બાળકો (રિચાર્ડ, વિલિયમ, ડૉરૉથી ને જ્હૉન) પેનરિથ મુકામે તેમને મોસાળ ગયાં, જ્યાં તેમના નાના (દાદા) વિલિયમ કૂકસન દુકાન ચલાવતા. બાપીકા ઘર પાછળની ખડતલ ટેકરીઓ, પુરાણો કિલ્લો ને રોજ જેમાં નાહવાની મઝા આવતી એવી મધુરી ડર્વેન્ટ નદીનું આહ્લાદક કુદરતી વાતાવરણ છોડી મોસાળ જવું વિલિયમને ગમ્યું નહિ હોય એમ લાગે છે. કદાચ નાનાના ઘરનું વાતાવરણ બંધિયાર ને કંટાળાભરેલું લાગ્યું હશે. ગમે તેમ, પણ ત્યાં એ એકલસૂરો, ધૂની ને ચીડિયો બની ગયો. એક વખત તો કોઈ કારણે બહુ લાગી આવ્યું હશે, તેથી ઘરના માળિયા ઉપર જઈને ત્યાં પડી રહેતી તલવારથી આપઘાત કરવાનો બાલિશ પ્રયત્ન પણ કરેલો, પરંતુ છેલ્લી ઘડીએ જીવ ન ચાલ્યો! પણ અહીંથી તેને હૉક્સ-હેડ ગામની શાળાએ ભણવા મૂકેલો, ત્યાં એને છુટ્ટો દોર મળતો; એટલે ત્યાં અનેક પ્રવૃત્તિઓમાં તે ખીલી ઊઠ્યો  નદીમાં તરતો, હોડીઓ ચલાવતો, બરફ પર લપસતો અને ચોમેરના પ્રદેશમાં માઈલો સુધી ભટકીને ગોપ-જનો, ખેડૂતો, ભરવાડો ને ભમતારામ જાતિઓ જોડે અવનવી ઓળખાણો સાધતો. આમ, હૉક્સ-હેડના સમાજમાં એ માનવહૃદયનો પ્રથમ પરિચય પામ્યો. પોતાના એક શ્રેષ્ઠ કાવ્ય ‘માઇકલ’ની વાર્તા એણે અહીં જ ઍન ટાઇસન નામે એક બાઈ (જેના મકાનમાં એ રહેતો તેની) પાસેથી સાંભળી અને કવિના સુકુમાર હૃદયમાં માનવપ્રેમની સૌરભ મહેકી ઊઠી. આ કાળનાં એનાં પ્રિય પુસ્તકોમાં હતી અરેબિયન નાઇટ્સ (જે એનું સૌથી વધુ પ્રિય પુસ્તક), કિહોતે તથા ફીલ્ડિંગ અને સ્વિફ્ટની નવલકથાઓ. પણ એ સૌથીયે પ્રિયતર તો કુદરતની કિતાબ જ હતી. હૉક્સ-હેડથી સહેજ જ છેટે કોનિસ્ટનમાં એક સાયંકાળે અસ્તાચળનાં રવિકિરણની રક્તરંગીન ઝલક જોઈને, હજુ તો ઊઘડતું એવું એનું કવિઉર ગાઈ ઊઠ્યું હતું:

‘… There I said
That in whatever region I should close
My mortal life; I would remember you
Fair scenes!’

ત્યાં તો આ સુખી જીવન પર ફટકો પડ્યો. ચૌદમે વર્ષે તેના પિતા ગુજરી ગયા, ને વારસામાં માત્ર જમીનદાર પાસેનું પાંચ હજાર પાઉન્ડનું લેણું મૂકતા ગયા. પણ જમીનદારે તે ચૂકવવાની ના પાડી. કુટુંબના આ આર્થિક સંજોગોમાં વર્ડ્ઝવર્થને ઘણો આઘાત થયો, ને દુનિયા જાણે પોતા તરફ બેદરકાર છે એવી લાગણીથી તે ફરી બેચેન, વાદીલો ને અસ્થિર મનનો બની ગયો. આમ ને આમ હૉક્સ-હેડની ગ્રામર સ્કૂલનો અભ્યાસ પૂરો કરી તે આગળ અભ્યાસ માટે કેમ્બ્રિજની સેન્ટ જ્હૉન્સ કૉલેજમાં ગયો; પરંતુ ત્યાં પણ ૧૭૮૭-૯૦નાં ત્રણ વર્ષના કેમ્બ્રિજના અભ્યાસકાળમાં ઉર અને ઉપવનની કુંજોમાં અહોરાત પડ્યો રહેનારો કવિ એકલવાયો થઈ પડ્યો. અહીં પણ જીવનધ્યેય વિશે તે અસ્થિર જ રહ્યો અને ઘણી વાર ધર્મજીવનમાં પડીને પાદરી થવાના વિચારો સામે મથામણ કરતો રહ્યો. પણ સ્પેન્સર અને મિલ્ટન જેવા કવિઓની સ્મૃતિથી કેમ્બ્રિજ સભર હતું. એ ‘પુરાણા વડીલો’ની પાસે આ નવોદિત કવિએ પોતાની કાવ્યદીક્ષા લીધી; જોકે સાચી સર્જકતાનો સંસ્પર્શ તો એ વર્ષાન્તે આવતી લાંબી રજાઓના કાળમાં જ પામ્યો. આવી ત્રણે રજાઓ તેણે કેમ્બ્રિજની બહાર ગાળી. આમ, કેમ્બ્રિજનો ત્રણ વર્ષનો વસવાટ કવિના જીવનમાં વિરલ નહિ તોપણ વિકાસશીલ તો નીવડ્યો જ. અને અઢારમી સદીનાં કાવ્યોનાં સૌ અપલક્ષણોને અનુસરતો, ને તોયે નવીન કવિતાના અંશોથી ક્યાંક ક્યાંક મૌલિકતા ધારણ કરતો, એનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધી ઇવનિંગ વૉક’ આ સમયે પ્રગટ થયો. ૧૭૯૧ના ફેબ્રુઆરીમાં કેમ્બ્રિજની ઉપાધિ લઈ કવિ લંડનમાં આવીને વસ્યો. પણ હજીયે આવતી કાલ પાસે પોતાની શી અપેક્ષા છે તેનો કશો નિર્ણય તેણે કર્યો ન હતો. અંતે ફ્રેન્ચ ભાષા શીખવાના નિમિત્તે તેનો રખડુ આત્મા ફ્રાંસના પ્રવાસે નીકળી પડ્યો અને ૧૭૯૧ના નવેમ્બરથી ૧૭૯૨ના ડિસેમ્બર લગીના એ તેર માસના ફ્રાંસનિવાસથી કવિનું જીવન આમૂલ પરિવર્તન પામ્યું. ઑર્લીઆંમાં રહીને ફ્રેન્ચ ભાષાના પાઠ શીખવા નીકળેલો કવિ ‘બ્લ્વા’(Blois)ના એક ડૉક્ટરની (પોતાથી ચાર વર્ષ મોટી) દીકરી ઍનેત વાલોં પાસે પ્રેમના પાઠ શીખવા બેસી પડ્યો. આ પ્રેમનો આવેશ પાછળથી એટલો તો પ્રબળ થઈ પડ્યો કે તે એક ગેરકાનૂની બાળકીના જન્મમાં પરિણમ્યો. આ પ્રેમની કથા તેણે પાછળથી પોતાના ‘વોદ્રાકુર ઍન્ડ જૂલિયા’ નામે કાવ્યમાં ગૂંથી છે. જોકે આ પ્રસંગનો ખુલ્લો એકરાર તો તેણે કદી કર્યો નથી. એણે ને એના ચરિત્રકારોએ એ સંબંધે મૌન જ સેવેલું. પણ પોતાનાં આપ્તજનો — બહેન ડૉરૉથી ને પત્ની મેરીથી તેણે આ સત્ય કદી છુપાવ્યું ન હતું. અનેક વર્ષો પછી પ્રોફેસર હાર્વરે આ પ્રસંગનું સંશોધન કર્યું. ૧૭૯૨નો જે ઉનાળો તેણે ઍનેતના ગામ(બ્લ્વા)માં ગાળ્યો તે દરમ્યાન એ માનવપ્રેમી કેટલાક ફ્રેન્ચ અફસરોના સંસર્ગમાં આવ્યો. એ સૌ ફ્રેન્ચ ક્રાન્તિના વિરોધી હોવાથી કવિનો સ્ફુરિત રૂસોવાદ વધુ દૃઢ થયો. પ્રેમ, કરુણા, આશા અને શ્રદ્ધા જેવા માનવ્યપૂર્ણ ભાવોદ્રેકનાં, ફ્રાંસના રસ્તા પરનાં દૃશ્યોથી એનું હૃદય દ્રવી જતું. ફ્રેન્ચ ક્રાન્તિ પ્રત્યેની એની આ સમયની હમદર્દીની લાગણી, વયમાં પોતાથી પંદર વરસ આગળ એવા મિશલ બૉપે સાથેની એની મૈત્રીમાં એણે મૂર્તિમંત કરી છે અને પોતાની આત્મકથા જેવા લાંબા કાવ્ય ‘ધ પ્રેલ્યૂડ’માં એનું એક જીવંત રેખાચિત્ર દોર્યું છે. કોલરિજ અને ડૉરૉથીને બાદ કરતાં વર્ડ્ઝવર્થના બૌદ્ધિક જીવનમાં બૉપેની અસર સૌથી પ્રબળ છે. ‘લ્વાર’ના વનપ્રદેશમાં સદાયે સાથે ભટકતા આ બે મિત્રો વચ્ચે રાષ્ટ્રોના આદિ, અંત અને અસ્મિતાની અનેક ચર્ચાઓ ચાલતી. બન્ને મિત્રોનો સમાજકારણમાં ઊંડો રસ, નજરોનજર જોયેલી પીડિત માનવતામાંથી જન્મ્યો હતો. વળી, આ જ સમયમાં કવિએ પોતાના કાવ્યોદયકાળની બીજી લાંબી કૃતિ ‘ડિસ્ક્રિપ્ટિવ સ્કેચિઝ’ની રચના કરી, ને બીજે વર્ષે લંડનમાંથી એનું પ્રકાશન કર્યું. વિષય અને શૈલી બન્નેની દૃષ્ટિએ ‘ધી ઇવનિંગ વૉક’થી એમાં કશું જ નવું નથી. આખીયે કૃતિ એટલી જ કૃત્રિમ છે અને અંતના ભાગમાં રૂસોની તથા બૉપેની અસરો સ્પષ્ટ વરતાઈ આવે છે. એમાં ક્રાન્તિનાં ખુલ્લાં યશોગાન સાંભળીને લંડનના વિવેચકોએ તે વિશે એક બાજુ પોતાનો રોષ પ્રગટ કર્યો, ત્યારે હજુ તો કેમ્બ્રિજમાં ભણતા કોલરિજ જેવાએ અંગ્રેજી સાહિત્યમાં એક નવી પ્રતિભા જન્મતી જોઈને પોતાનો પરમ સંતોષ પ્રગટ કર્યો. ઑક્ટોબરમાં એ લ્વારથી પૅરિસ ગયો. એક જ મહિના પર જ્યાં ક્રાન્તિની ભયાનક કતલ ચાલી હતી એવી ત્યાંની શેરીઓમાં ફરતાં એ થોડો દુઃખી થયો; પણ માનવજાતની મુક્તિ માટે આવી કતલો કમનસીબ અનિવાર્યતા રૂપે એણે સ્વીકારી લીધી અને ડિસેમ્બરમાં એણે ફ્રાંસ છોડ્યું ત્યારે એનું ક્રાન્તિમુગ્ધ મન ગાઈ રહ્યું હતું:

‘Bliss was it in that dawn to be alive.’

ઇંગ્લૅન્ડ આવીને એણે ફ્રેન્ચ ક્રાન્તિને પુરસ્કારતું ‘એપૉલૉજી ફૉર ધ ફ્રેન્ચ રેવૉલ્યૂશન’ તો લખ્યું, પણ દિવસે દિવસે એ જ ક્રાન્તિનાં પરિણામો વિશે એનો ભ્રમ ભાંગતો ગયો. એ ક્રાન્તિની મૂળ પ્રેરક રૂસોની વિચારસરણીથી ઊલટી જ દિશામાં ક્રાન્તિનો પ્રવાહ સરી રહ્યો હતો. આમ, ત્રેવીસ વર્ષના આ નવલોહિયા ક્રાન્તિઘેલાની શ્રદ્ધા તૂટવાની અણી પર હતી. એટલામાં ઇંગ્લૅન્ડમાં ક્રાન્તિપ્રેરિત એક પુસ્તક પ્રગટ થયું, અને ઘડીભર તો વર્ડ્ઝવર્થની આંખ આગળથી આવતા અંધારનો ઓળો હટી ગયો. એ પુસ્તક તે વિલિયમ ગૉડવિનનું ‘એન્ક્વાયરી ઇનટુ પોલિટિકલ ફ્રાંસ’. એ જ વરસે, ૧૭૯૩માં એણે તેની અસર નીચે ‘ગિલ્ટ ઍન્ડ સૉરો’ નામની પોતાની એક મહત્ત્વની કૃતિ શરૂ કરી અને બીજે વરસે એ પૂરી કરી. આ કૃતિમાં કવિના પોતાના હૃદયધબકારનો તાલ પણ પુરાયો છે. ૧૭૯૫ના સપ્ટેમ્બરમાં કોલરિજ સાથેના પ્રથમ પરિચય બાદ વર્ડ્ઝવર્થે એ કૃતિ એની આગળ જે હરખથી વાંચી સંભળાવી એનો રસિક ઇતિહાસ (જે પ્રસંગ અંગ્રેજી સાહિત્યનો એક ચિરસ્મરણીય ઇતિહાસ ગણાયો છે) કોલરિજે પોતાના પુસ્તક ‘બાયોગ્રાફિયા લિટરારિયા’માં આલેખ્યો છે. કોલરિજને એ કૃતિમાં જે અપૂર્વતાનું દર્શન થયું તે પાછળથી એના કાવ્યવિચારના મૂળતત્ત્વ રૂપે રજૂ થયું છે. પણ ‘ગિલ્ટ ઍન્ડ સૉરો’ની પૂર્ણાહુતિ પછીનો કાળ વર્ડ્ઝવર્થના જીવનમાં સૌથી વધુ રહસ્યમય અને કટોકટીનો છે. આ કાળમાં એનામાં કોઈ નવા જ વર્ડ્ઝવર્થનો જન્મ થયો લાગે છે. ક્રાન્તિ વિશેની એની શ્રદ્ધા ભાંગીને ભુક્કો થઈ જાય છે ને રેઇસડાઉનના ૧૭૯૫ના નિવાસકાળમાં ‘ધ બોર્ડરર્સ’ નામે નાટક રચતો તે દેખાય છે. એ ૧૭૯૫નું આખુંયે વર્ષ વર્ડ્ઝવર્થના જીવનમાં અત્યંત મહત્ત્વનું છે. એક બાજુ રૂસો, ફ્રેન્ચ ક્રાન્તિ ને ગૉડવિન એના જીવનમાંથી વિદાય લે છે અને બીજી બાજુથી ડૉરૉથી ને કોલરિજનો પ્રવેશ થાય છે:

‘O welcome messenger! O welcome friend!
A captive greets thee — ’

આવા શબ્દો વડે, પોતાના જીવનમાં આમૂલ પરિવર્તન આણનાર આ બે અતિથિઓનો કવિએ હૃદયસત્કાર કર્યો છે. રેઇસડાઉનમાં કવિએ ડૉરૉથીની છાયામાં આ દ્વિજજીવનનો આરંભ કર્યો. ફ્રાંસે એને બેવડા પ્રેમથી નવાજ્યો હતો  ઍનેતના અને ક્રાન્તિના. એ બન્નેની જગ્યા જો આ બે વ્યક્તિઓએ — ડૉરૉથી ને કોલરિજે ન લીધી હોત તો આ ભાંગી પડેલો કવિ ફરીને પાછો ભાગ્યે જ ઊભો થયો હોત. આ પરિસ્થિતિમાંથી કવિને ઉગારી લેવા માટે માત્ર કવિ પોતે જ નહિ પણ આખુંયે જગત ડૉરૉથી ને કોલરિજનું ઋણી રહેશે. પોતાની એ જીવનદાત્રી પ્રત્યેની લાગણી કવિ નીચેની પંક્તિઓમાં વ્યક્ત કરે છે:

‘She gave me eyes, she gave me ears,
And humble cares, and delicate fears,
A heart, the fountain of sweet tears,
And love, and thought, and joy.’

૧૭૯૭ના જૂન માસમાં એક દિવસે, ઉપર કહેલા નાટક ‘ધ બોર્ડરર્સ’નું વર્ડ્ઝવર્થે જ્યારે કોલરિજ આગળ વાચન કર્યું એ દિવસ અંગ્રેજી સાહિત્યના સદ્ભાગ્યનો દિવસ હતો. એ વાચનને પરિણામે એ બે વચ્ચે જે મૈત્રી જામી તે ગએટે-શિલરની મૈત્રીના અપવાદ સિવાય દુનિયાના સાહિત્યજગતમાં અતિ વિરલ છે. હવે કોલરિજનો નિકટનો સહવાસ સાધવાને વર્ડ્ઝવર્થ અને ડૉરૉથી કોલરિજના ‘નેધરસ્ટોવ’ના નિવાસસ્થાનથી માત્ર ત્રણ માઈલ દૂર આલફૉક્સડનમાં રહેવા આવ્યાં. બન્નેના ઘરની વચ્ચેના માર્ગ પર રોજ ને રોજ જે કાવ્યચર્ચાઓ ચાલતી એનો સુરેખ ઇતિહાસ પણ કોલરિજે ‘બાયોગ્રાફિયા લિટરારિયા’માં આલેખ્યો છે. એ ચર્ચાઓનું પરિણામ તે બન્ને કવિઓનો જોડિયો કાવ્યસંગ્રહ ‘લિરિકલ બૅલાડ્ઝ’ ને વર્ડ્ઝવર્થનું કોલરિજે સૂચવેલા અભૂતપૂર્વ કાવ્ય ‘ધ રેક્લૂઝ’નું રૂપાંતર ‘ધ પ્રેલ્યુડ’. ‘લિરિકલ બૅલાડ્ઝ’માં વર્ડ્ઝવર્થે સામાન્યને અસામાન્ય રૂપે અને કોલરિજે અસામાન્યને સામાન્ય રૂપે નિરૂપ્યું. આ સંગ્રહમાં વર્ડ્ઝવર્થના જગતભરના એક ઉત્તમ કાવ્ય ‘લાઇન્સ રિટન ઍબવ્હ ટિન્ટર્ન ઍબી’ અને કોલરિજનાં પણ એવાં જ બે કાવ્યો, ‘એન્શ્યન્ટ મૅરિનર’ અને ‘ક્રિસ્ટાબેલ’ને સ્થાન મળ્યું છે. ‘લાઇન્સ…’માં વર્ડ્ઝવર્થે જે સંપૂર્ણતા સાધી છે તે બીજે ક્યાંય જોવા મળતી નથી. આ કાવ્ય ૧૭૯૮ના જૂનની ૧૩મીએ ડૉરૉથીની સાથે વાઈથી પાછા ફરતાં સહસા સ્ફુરી આવ્યું હતું. કવિનું સળંગ ચૈતન્ય એમાં ચમકી ઊઠ્યું છે. ‘લિરિકલ બૅલાડ્ઝ’નું ૧૭૯૮માં શકવર્તી પ્રકાશન થયું, ને પાછળથી વિવેચનના ઇતિહાસમાં પ્રખ્યાત થઈ પડેલો તેનો ‘પ્રવેશક’ બે વર્ષ પછી પ્રગટેલી એની બીજી આવૃત્તિમાં ઉમેરાયો. અને આ સંગ્રહે એક સૈકાની અંગ્રેજી કવિતાનો પ્રવાહ પલટાવી દીધો. એ જ વર્ષે આ ત્રિપુટીએ જર્મનીનો પ્રવાસ આદર્યો, જ્યાં વર્ડ્ઝવર્થે પોતાનાં પ્રખ્યાત ‘લ્યૂસી કાવ્યો’ લખ્યાં. ઇંગ્લૅન્ડ આવીને વર્ડ્ઝવર્થે ઉત્તરના સરોવર પ્રદેશોમાં આવેલા ગામ ગ્રાસમિયરમાં વાસ કર્યો. વર્ડ્ઝવર્થ જ્યારે પહેલાં આલફૉક્સ્ડનમાં રહેવા ગયો ત્યારે તેને મિત્રની જરૂર હતી; પણ હવે એથી ઊલટું બન્યું. હવે કોલરિજને મિત્રની જરૂર હતી. એટલે એ વર્ડ્ઝવર્થની પાછળ, ગ્રાસમિયરથી બાર માઈલ દૂર કેસવિકમાં ચાલી આવ્યો. અહીં વર્ડ્ઝવર્થે આગળ જણાવેલો પોતાનો પ્રખ્યાત ‘પ્રવેશક’ લખ્યો, જેનો પાછળથી કોલરિજે, મિત્રને અને સત્યને બન્નેને સાચવી લે એવો ઉત્તર ‘બાયોગ્રાફિયા લિટરારિયા’માં લખ્યો. ગ્રાસમિયરવાસના પ્રારંભકાળમાં વર્ડ્ઝવર્થે ‘માઇકલ’, ‘રેઝોલ્યૂશન ઍન્ડ ઇન્ડિપેન્ડન્સ’ તથા ‘ધ ડૅફૉડિલ્સ’ વગેરે કૃતિઓ રચી. જેના ઉપર મૅથ્યુ આર્નલ્ડ મોહી પડ્યો હતો તે ‘માઇકલ’માંની ‘Never lifted up a single stone’ તથા ‘રેઝોલ્યૂશન ઍન્ડ ઇન્ડિપેન્ડેન્સ’માંની

‘And the whole body of the Man did seem
Like one whom I had met within a dream.’

આ પંક્તિઓમાં વર્ડ્ઝવર્થનો માનવપ્રેમ, અને ‘ધ ડૅફૉડિલ્સ’ તથા એવાં બીજાં અનેક ‘કુસુમકાવ્યો’માં વર્ડ્ઝવર્થનો પ્રકૃતિપ્રેમ નીતરી રહ્યો છે. આમ, વર્ડ્ઝવર્થ જ્યારે રોજરોજ પોતાની ચેતનાથી જગતને આંજતો જતો હતો ત્યારે કોલરિજ અફીણના ઘેનમાં ઘેરાતો જતો હતો. ટી. એસ. એલિયટે જેને કરુણમાં કરુણ ગણાવ્યું છે તે કાવ્ય ‘ડિજેક્શન’ જ્યારે ૧૮૦૨ના એપ્રિલમાં કોલરિજ લખવા બેઠો ત્યારથી વર્ડ્ઝવર્થ પોતાનો એકનો એક મિત્ર ગુમાવવા બેઠો. જોકે ૧૮૦૩ના ઉનાળાના વર્ડ્ઝવર્થના સ્કૉટલૅન્ડના પ્રથમ પ્રવાસના પ્રારંભકાળમાં કોલરિજ સાથે જ હતો. કાવ્યક્ષેત્રે જર્મનીના પ્રવાસ જેટલો જ આ સ્કૉટલૅન્ડનો પ્રવાસ પણ વર્ડ્ઝવર્થને ફલદાયી નીવડ્યો. આ પ્રવાસમાં એણે ‘સ્ટેપિંગ વેસ્ટવર્ડ્ઝ’ અને ‘ધ સૉલિટરી રીપર’ જેવાં પ્રખ્યાત કાવ્યો રચ્યાં. આલફોક્સ્ડનમાં કોલરિજે સૂચવેલા ‘ધ રેક્લૂઝ’ની ‘ધ પ્રેલ્યૂડ’ રૂપે હવે પૂર્ણાહુતિ થઈ. એ ‘પ્રેલ્યૂડ’ વર્ડ્ઝવર્થનું મહાકાવ્ય મનાય છે. ૧૭૯૮ લગીના કવિ-માનસના વિકાસનો એમાં ચિતાર આપ્યો છે. ૧૭૯૮થી ૧૮૦૪ લગીનાં વર્ષોમાં એ રચાયું છે. પણ એનું પ્રકાશન તો, કવિની ઇચ્છા પ્રમાણે, ૧૮૫૦માં એનું અવસાન થયા બાદ જ થયું. ગ્રાસમિયરનો બીજો મહત્ત્વનો પ્રસંગ તે મિલ્ટનની શૈલીનું પુન: પરિશીલન. પોતાની કવિતાના ઉગમકાળમાં કેમ્બ્રિજમાં તેણે પ્રથમ મિલ્ટન વાંચેલો, પણ અનુભવોને આરે પહોંચેલા કવિચિત્તે આ બીજી વારના વાચનથી કોઈ જુદી જ અસર અનુભવી અને કવિની કલમમાંથી હવે મિલ્ટન શૈલીની વજનદાર કૃતિઓ વહેતી ચાલી. મિલ્ટન જેવા સ્વાતંત્ર્યપ્રેમી કવિનો કેફ લઈને ૧૮૦૨માં વર્ડ્ઝવર્થે એક દશકા પછી કૅલેમાં ફરીથી પગ મૂક્યો. ડોવર જતાં રસ્તામાં વેસ્ટમિન્સ્ટર બ્રિજ ઉપરથી પસાર થતાં તેણે પોતાની એ પુલ પરની પ્રખ્યાત સૉનેટ રચી. કૅલેમાં તે, ઍનેત, ડૉરૉથી ને ઍનેતની પેલી પુત્રી સાથે એક મહિનો રહ્યો ત્યારે ક્ષણભર તો જાણે કે એને એનો ભૂતકાળ પાછો મળી ગયો. કૅલેમાં પણ એણે સાત સૉનેટ રચી. કૅલેના આ પ્રવાસની અસરનો તાગ, એણે પાછા ફરીને લંડનમાં મિલ્ટનની યાદ આપે એવી કેટલીક સૉનેટો લખી છે તે પરથી પામી શકાય છે. ‘Earth has not anything to show more fair’ ગાનારો કવિ

‘Milton! thou shouldst be living at this hour,
England hath need of thee!’

એમ કકળી ઊઠે છે. આ પ્રવાસના સમયમાં જ વર્ડ્ઝવર્થે તૂસેં પરનું પોતાનું સર્વશ્રેષ્ઠ સૉનેટ રચ્યું. એમાંની એક પંક્તિ ‘They friends are exaltations, agonies’ને આઇરિશ કવિ-વિવેચક A : એ અંગ્રેજી ભાષાના ગૌરવ ને સાહિત્યની સિદ્ધિ લેખે ગણાવી છે. ‘લિરિકલ બૅલાડ્ઝ’ના પ્રવેશકનો વર્ડ્ઝવર્થ તો અહીં શોધ્યો જડતો નથી. કૅલેથી પાછા ફરીને લંડનમાં ત્રણ અઠવાડિયાં ગાળીને કવિ યૉર્કશાયરમાં બહેન ડૉરૉથીની સહાધ્યાયિની મેરી હચિન્સનને ત્યાં અતિથિ રૂપે રહ્યો; અને એ પરિચયને પરિણામે, ૧૮૦૨ના ઑક્ટોબરની ૪થીએ ‘આનંદના ઓછાયા’ જેવી એ મેરી સાથે કવિએ લગ્ન કર્યું. લગ્નને ત્રીજે જ દિવસે આ ત્રિપુટીનું ગ્રાસમિયરમાં પુનરાગમન થયું. કૅલેના પ્રવાસે કવિના અંતરંગ પર ભારે અસર ઉપજાવી. એની પ્રતીતિ ૧૮૦૫ની આસપાસ રચેલી ‘પીલ કૅસલ’, ‘ધ હૅપી વૉરિયર’, ‘ઓડ ટુ ડ્યૂટી’ તથા ‘ઇમૉર્ટાલિટી ઓડ’ જેવી કૃતિઓ પરથી થાય છે. ‘પ્રેલ્યૂડ’માં જેમ ૧૭૯૩થી ૧૭૯૭ લગીની કવિની આત્મકથા છે અને ત્યાર પછીનો અનહદ આનંદ જેમ ‘ટિન્ટર્ન ઍબી’માં છે, તેમ ૧૮૦૨થી ૧૮૦૬ લગીની ઊથલપાથલનો ઇતિહાસ ‘ઇમૉર્ટાલિટી ઓડ’માં નોંધાયો છે. ‘ટિન્ટર્ન ઍબી’માં અધૂરો રહેલો તંતુ ત્યાં પૂરો થયો છે. કવિના વ્યક્તિત્વની ગંભીરતાનું ઉચ્ચારણ આ બે કૃતિઓમાં સર્વાંગસંપૂર્ણ શ્રવણગોચર થાય છે. એકમાં અનહદ આનંદનું તો બીજીમાં અપાર વેદનાનું પ્રકટેલું ગાન કવિના કવનની યશકલગી છે. ત્યાર પછી કવિના કવનકાળની ઊતરતી કક્ષા બેસી જાય છે. ‘ઓડ’ની અંતિમ પંક્તિમાં જ જાણે કવિના કવિત્વનો અંત આવે છે. પછીનો કવિ કુંઠિત-કંઠ બની ગયો લાગે છે. હવે કવિ ‘ધી એક્સ્કર્ઝન’ નામનું મહાકાવ્ય માંડે છે. એની પૂર્વેનાં મહાકાવ્યોથી, વસ્તુ અને રીતિમાં એ અનોખું છે. એનો વિષય છે ‘હોપ’ — આશા. પાત્રો છે ‘વૉન્ડરર’, ‘પેસ્ટર’, ‘પોએટ’ ને ‘સૉલિટરી’; એનું સ્થળ છે સરોવરપ્રદેશ. એમાં અમુક સર્ગ લગી ઉપરનાં ચાર પાત્રો વચ્ચે ઇંગ્લૅન્ડના સામાજિક અને આધ્યાત્મિક પ્રશ્નોની ચર્ચા ચાલે છે. પણ એ કાવ્યના ‘પ્રૉસ્પેક્ટસ’માં કવિએ જે અપેક્ષા જગાડી હતી તે એણે સંતોષી નહિ. ‘પ્રેલ્યૂડ’ની પેઠે કવિના અંગત જીવનની દૃષ્ટિએ જ આ કૃતિનું મહત્ત્વ છે. જોકે વર્ડ્ઝવર્થ તો એક મહાન કલાકૃતિ રૂપે જ એને માનતો હતો, કારણ કે ‘પ્રેલ્યૂડ’ને તો એ આ કલામંદિરનો એક સ્તંભમાત્ર જ ગણતો હતો. એટલે જ તો ૧૮૧૪માં એણે ‘ધી એક્સ્કર્ઝન’નું પ્રકાશન કર્યું ને ‘ધ પ્રિલ્યૂડ’ને છેક મૃત્યુ લગી અંધારામાં જ રાખ્યું. ‘ધી એક્સ્કર્ઝન’માં ક્યાંક ક્યાંક હજુયે ‘ટિન્ટર્ન ઍબી’ કે ‘ઇમૉર્ટાલિટી ઓડ’નો વર્ડ્ઝવર્થ નજરે પડે છે; અને ૧૮૧૪ના ‘લાઓડેમિયા’ તથા ૧૮૧૮ના ‘લાઇન્સ કૉમ્પોઝ્ડ ઑન ઍન ઇવનિંગ ઑવ એક્સ્ટ્રા-ઑર્ડિનરી બ્યૂટી’ના કવિમાં એની અંતિમ ઝલક જોવા મળે છે. ત્યાર પછી કવિતાની નહિ પણ કવિમાંના માનવીની પ્રગતિનો જ પરિચય થાય છે; અને એની ઉત્તરાવસ્થા એ દૃષ્ટિએ જ વિકાસગામી ગણી શકાય. ઉત્તરાશ્રમમાં વર્ડ્ઝવર્થ કવિ મટીને ફિલસૂફ બની જાય છે. ૧૮૨૦માં ‘ધ રિવર ડડન’ ઉપર તેત્રીસ સૉનેટ કવિ આપણને આપે છે, જેમાંનું એક ‘આફ્ટર થૉટ’ના અપવાદ સિવાય એકે વર્ડ્ઝવર્થની કલાનો પરિચય કરાવતું નથી. એનાં ‘એક્લિઝીઍસ્ટિકલ સૉનેટ્સ’માં પણ એમ જ બન્યું છે. ૧૮૧૩માં કવિએ ‘રાઇડલ માઉન્ટ’ ખાતે આવીને કાયમનો વાસ કર્યો, જ્યાં તેના જીવનનાં લગભગ છેલ્લાં ૪૦ વરસ વીત્યાં. હવે જીવનમાં તે સ્થિર થયો. તેને એક મિત્રનો નાનો વારસો મળી ગયેલો તેમાંથી તે બહુ કરકસરથી રહેતો. ૧૮૧૩માં તેને એક નાની સરખી સરકારી નોકરી (વેસ્ટમોરલૅન્ડ પરગણામાં સરકારી દસ્તાવેજો વેચનારની) મળી તેથી તેની આર્થિક સ્થિતિ હળવી થઈ. પછીથી તેને આબકારી ખાતામાં હોદ્દો મળ્યો, જેમાં તેને ખાસ કશું કામ જ કરવાનું ન હતું. હવે કુદરત તથા કાવ્યની કુંજોમાં તે મસ્ત રહેતો, અને ગામડાના લોકો ઘણી વાર આવા પ્રતિષ્ઠિત મોટા માણસને સરોવરને કાંઠે કે ટેકરીઓની ગાળીમાં બૂમો પાડીપાડીને કાવ્યો લલકારતો સાંભળીને અચરજ પામતા. વર્ડ્ઝવર્થને એ ટેવ હતી. ૧૮૨૦ના ઉનાળામાં કવિએ મેરી, ડૉરૉથી અને પોતાના મિત્ર ક્રૅબ રૉબિન્સન સાથે યુરોપનો બીજી વાર (કૅલેની એક માસની મુલાકાત બાદ કરતાં) પ્રવાસ કર્યો; ૧૮૨૮માં કોલરિજની સાથે રાઇન પ્રદેશમાં પ્રવાસ કર્યો; ૧૮૩૧ ને ૧૮૩૭માં એણે ઇટલીનો પ્રવાસ કર્યો. આ પ્રવાસોનો રસિક ઇતિહાસ ‘મેમોરિયલ્સ’માં અંકાયો છે. ૧૮૩૯થી મૃત્યુ લગીનો કાળ એણે ‘ધ પ્રેલ્યૂડ’ની હસ્તપ્રતમાં સુધારાવધારા કરવામાં ગાળ્યો અને પાઠાન્તરો જ એના છેલ્લા દશકાનું કાવ્યફૂલ. એ સિવાય આ દશકામાં માત્ર બે જ બનાવો કવિના જીવનમાં નોંધપાત્ર છે  એક કવિ સધેના મૃત્યુ પછી એને રાજકવિપદ પ્રાપ્ત થયું તે, ને બીજો કવિની પુત્રી ડૉરાનું અવસાન. વર્ડ્ઝવર્થની કવિ તરીકેની પ્રતિષ્ઠા ઘણી ધીમે જામતી ગયેલી, કેમ કે પોપની શૈલીની અસરવાળા એ કાળમાં પ્રવર્તતા કવિતા-વિચારોથી તેના સિદ્ધાન્તો વિરુદ્ધ હતા. છતાં નવા વિચારોનું મૂલ્ય સમજનારાએ તેને વધાવી લીધો અને આજે તો અંગ્રેજી કવિતાનાં ઉચ્ચ શિખરો પર તેનું સ્થાન છે. ૧૮૫૦ના એપ્રિલની ૨૩મીએ, ૮૦ વર્ષની પાકી વયે, પ્રકૃતિની ભંગુરતાને ભવ્યતાનો નવો જન્મ આપનાર આ કવિનું અવસાન થયું. ને આવા ભાઈને ગુમાવવાના વિરહમાં ઝૂરતી તેની બહેન ડૉરૉથી પણ તેના અવસાન પછી પાંચ વર્ષે મૃત્યુ પામી. ૧૯૫૦

*