સ્વાધ્યાયલોક—૩/હબસી ક્રીડાવીર ઓવન્સ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હબસી ક્રીડાવીર ઓવન્સ:
અર્વાચીન પિન્દારસનું ભવ્યસુન્દર સ્તોત્ર

૧૯૮૦ના માર્ચની ૩૧મીએ અમેરિકામાં ઍરિઝોનામાં ટસ્કનમાં પ્રસિદ્ધ અમેરિકન હબસી ક્રીડાવીર જેસી ઓવન્સનું છાસઠ વર્ષની વયે અવસાન થયું. જેસી ઓવન્સનો જન્મ ૧૯૧૩માં અમેરિકામાં આલાબામામાં. પિતા વ્યવસાયે મોચી. જેસી એના માતાપિતાનાં અગિયાર સંતાનોમાંનું એક સંતાન. આલાબામામાં દુષ્કાળની પરિસ્થિતિને પરિણામે કુટુંબ ઓહાયોમાં કલીવલૅન્ડમાં વસ્યું. કિશોરવયમાં જેસીએ અભ્યાસની સાથેસાથે બૂટપૉલિશ કરવાનું કામ પણ કર્યું. એની મહત્ત્વાકાંક્ષા બૂટની દુકાન કરવાની હતી. પણ શાળાના વ્યાયામશિક્ષક જેસીમાં ભવિષ્યમાં એક મહાન ક્રીડાવીર થવાની પ્રચ્છન્ન પ્રતિભા છે એ રહસ્ય પામી ગયા અને એમણે જેસીને દોડવાની તાલીમ લેવાનું સૂચન કર્યું. જેસીએ આ તાલીમમાં એટલો વિકાસ કર્યો કે ૧૯૩૩માં વીસ વર્ષની વયે જેસી માટે એકસો મીટરની દોડ માટે ૯.૪ સેકન્ડનો જે વિશ્વવિક્રમ પૂર્વે સિદ્ધ થયો હતો ત્યાં લગી આવી પહોંચવાનું શક્ય થયું. આ સમયમાં નોકરીની સાથે સાથે અભ્યાસ પણ કર્યો. ૧૯૩૫માં યુનિવર્સિટીની સ્પર્ધામાં જેસીએ લાંબા કૂદકામાં ૨૬ ફીટ ૮.૫ ઇંચનો વિશ્વવિક્રમ સ્થાપ્યો. અને ૧૯૩૬માં બર્લિનમાં ઑલીમ્પિક ક્રીડા મહોત્સવમાં એકસો મીટરની દોડ, બસો મીટરની દોડ, લાંબો કૂદકો અને ચારસો મીટરની રીલે રેઈસ માટે ચાર સુવર્ણચન્દ્રકો પ્રાપ્ત કર્યા. આ જેસીના જીવનની પરાકાષ્ઠા હતી, એક વિરલ મનુષ્યના જીવનની વિરલ ક્ષણ હતી. ત્યાર પછી જેસીએ ભિન્ન ભિન્ન પ્રકારની અનેક નોકરીઓ કરી હતી. ૧૯૬૪માં એક ટેલિવિઝન ફિલ્મ તૈયાર કરવા માટે જેસીને પુનશ્ચ બર્લિન જવાનું પણ થયું હતું. પણ ૧૯૩૬માં બર્લિનમાં ઑલીમ્પિક ક્રીડા મહોત્સવમાં જે અનુભવ થયો એ જેસીના જીવનનો સર્વશ્રેષ્ઠ અનુભવ હતો. ઑલીમ્પિક ક્રીડા મહોત્સવ ૧૯૩૬માં ગ્રીષ્મમાં બર્લિનમાં યોજવામાં આવ્યો હતો. એમાં હિટલરના મનમાં એક મેલી મુરાદ હતી. ૧૯૩૩માં હિટલર સત્તાસ્થાને આવ્યો હતો. અને ૧૯૩૬માં જ, એટલે કે ત્રણ જ વર્ષમાં હિટલરને એ સિદ્ધ કરવું હતું કે એના, એટલે કે જર્મનોના ક્રીડાવીરો એ વિશ્વની સર્વશ્રેષ્ઠ પ્રજાના ક્રીડાવીરો છે. ઑલીમ્પિક ક્રીડા મહોત્સવ ૧૯૩૬માં બર્લિનમાં યોજવામાં આવ્યો હતો એનું આ રહસ્ય જગજાહેર હતું. જેસીને હિટલરના આ રાષ્ટ્રવાદની, આ રાષ્ટ્રીય અહમ્‌ની કોઈ પરવા ન હતી, કોઈ પરેશાની ન હતી. એણે છ વર્ષના સુદીર્ઘ સમયથી ઑલીમ્પિક ક્રીડા પર એનું સમગ્ર ધ્યાન સંપૂર્ણ એકાગ્રતાથી કેન્દ્રિત કર્યું હતું અને સતત અવિરત શ્રમ અને સાહસપૂર્વક, અથવા અકથ્ય પ્રયત્ન અને પુરુષાર્થપૂર્વક સાધના કરી હતી. સવિશેષ તો લાંબા કૂદકામાં વિશ્વવિક્રમ સ્થાપવાની એની મહત્ત્વાકાંક્ષા હતી. અન્ય સૌને પણ જેસીની આ મહત્ત્વાકાંક્ષામાં શ્રદ્ધા હતી. એ બર્લિન આવ્યો અને ક્રીડા મહોત્સવની પૂર્વસંધ્યાએ એને એક અકલ્પ્ય આશ્ચર્યનો અનુભવ થયો. લાંબા કૂદકાની સ્પર્ધા માટેની પૂર્વપરીક્ષામાં એને એક યુવાનનું દર્શન થયું. ઊંચો, પોતાથી એક ઇંચ વધુ ઊંચો, પાતળો, માંસલ; સ્વચ્છ સ્વચ્છ અને ભૂરી ભૂરી આંખો, ઊજળા ઊજળા વાળ, સુંદર મોહક ચહેરો. પૂર્વપરીક્ષામાં લાંબા કૂદકામાં એની સિદ્ધિ દ્વારા એ જેસીને જાણે પ્રતીતિ કરાવી રહ્યો હતો કે બીજે દિવસે લાંબા કૂદકાની સ્પર્ધામાં એ વિશ્વવિક્રમ સ્થાપશે. એ જર્મન હતો. એનું નામ હતું લુઝ લૉન્ગ. હિટલરે એને વર્ષો લગી અપ્રગટ રાખ્યો હતો અને ઑલીમ્પિક ક્રીડા મહોત્સવમાં લાંબા કૂદકાની સ્પર્ધામાં એ જ વિશ્વવિજેતા થશે એ આશા સાથે આ ક્ષણે અને તે પણ બર્લિનમાં જ ઑલીમ્પિક ક્રીડા મહોત્સવ યોજવામાં આવ્યો હોય ત્યારે જ પ્રગટ કર્યો હતો. જેસીને થયું કે જો લુઝ વિશ્વવિજેતા થશે તો નાઝીઓનો આર્ય-સર્વોપરીતાનો સિદ્ધાંત (આર્યન-સુપીરિયોરિટી થિયરી) પ્રબળપણે પુરસ્કૃત થશે. વળી પોતે તો હબસી હતો. હિટલરની અસ્મિતામાં તો સૌ ગૌર પ્રજાઓથી જર્મનપ્રજા સર્વોપરી અને સૌ શ્યામ પ્રજાઓથી કોઈ પણ ગૌર પ્રજા તો, અલબત્ત, સર્વોપરી જ. આમ, હિટલરની અસ્મિતા દ્વિગુણ તુષ્ટ-પુષ્ટ થશે. એણે દૃઢ નિશ્ચય કર્યો કે તો તો હવે હેર ફ્યુહરર અને એની સર્વોપરી જર્મન પ્રજાને હંમેશ માટે એ જ્ઞાન-ભાન કરાવવું કે સર્વોપરી કોણ છે અને કોણ નથી. હવે જેસી ભારે રોષમાં હતો. અને જ્યારે કોઈ પણ ક્રીડાવીર આમ ભારે રોષમાં હોય છે ત્યારે એના ભાગ્યમાં નિષ્ફળતા જ હોય છે. પૂર્વપરીક્ષામાં બન્ને પ્રયત્નમાં જેસી નિષ્ફળ થયો. એણે કટુતા અને ક્રૂરતાપૂર્વક પોતાને પૂછ્યું, ‘આમ પૂર્વપરીક્ષામાં જ નિષ્ફળ થવા, જર્મન પ્રજા સમક્ષ મહામૂર્ખ સિદ્ધ થવા જ શું હું ત્રણ હજાર માઈલ દૂરથી અહીં આવ્યો હતો ? એ ક્રીડાભૂમિથી થોડેક જ દૂર ગયો ન ગયો, એણે ભારે ધિક્કાર અને તિરસ્કારપૂર્વક પગ પછાડ્યો ન પછાડ્યો ત્યાં જ ઓચિંતા એના ખભા પર કોઈએ હાથ મૂક્યો. એણે પાછું વાળીને જોયું તો જે પેલો જર્મન યુવાન, પૂર્વપરીક્ષામાં પ્રથમ પ્રયત્ને જ સાહજિકતા અને સરલતાપૂર્વક સફળ થયો હતો એ જ, લુઝ લૉન્ગ. એણે જોયું ન જોયું ત્યાં જ લુઝે એની સાથે પ્રેમથી હાથ મિલાવ્યો. પછી જેસીએ અને લુઝે પરસ્પરનો પરિચય કર્યો, પરસ્પરને ‘કેમ છો ?’ પૂછ્યું, લુઝને અંગ્રેજી ભાષાનો પરિચય હતો. પછી લુઝે જેસીને એના રોષનું કારણ પૂછ્યું. જેસીએ કારણ કહ્યું નહિ, પણ લુઝ જેસીનો માત્ર રોષ જ નહિ, પણ એ રોષનું કારણ પણ પામી ગયો હતો. લુઝ, અલબત્ત, નાઝી યુવા-આંદોલનમાં શિક્ષણ અને સંસ્કાર પામ્યો હતો. વળી એનો દેહ અને દેખાવ એવો હતો કે લુઝ એટલે કે જાણે મૂર્તિમંત આર્ય-સર્વોપરીતા ! એ વાત પર બન્ને પ્રતિસ્પર્ધીઓ ખૂબ હસ્યા. છતાં જેસીની જેમ જ લુઝને આર્ય-સર્વોપરીતાના સિદ્ધાંત-ફિદ્ધાંતમાં શ્રદ્ધા ન હતી. થોડીક જ મિનિટની વાતચીતમાંથી આટલું તો સ્પષ્ટ થયું જ. એથી જેસી કંઈક નિશ્ચિંત થયો. પછી પૂર્વપરીક્ષામાં લાંબા કૂદકામાં શું કરવું જેથી જેસી સફળ થાય એ વિશે લુઝે જેસીને માર્ગદર્શન આપ્યું. અને પૂર્વપરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થાય તોયે શું ને ન થાય તોયે શું, પૂર્વપરીક્ષાનું નહિ, પણ અંતિમ સ્પર્ધાનું જ મહત્ત્વ છે એવું દર્શન પણ આપ્યું. એથી એકાએક જેસીના સંઘર્ષનું સમાધાન થયું, એ શાંત અને સ્વસ્થ થયો. ક્રીડાભૂમિ પર પાછો ગયો. એણે લુઝના માર્ગદર્શન પ્રમાણે પૂર્વપરીક્ષામાં લાંબા કૂદકાનો એક વધુ પ્રયત્ન કર્યો અને એ સફળ થયો. બીજે દિવસે અંતિમ સ્પર્ધા હતી એને માટે એ પાત્ર થયો. તે રાતે જેસી લુઝનો આભાર માનવા માટે ઑલીમ્પિક નગરીમાં લુઝના નિવાસસ્થાન પર ગયો. લુઝ હોય નહિ ને પોતે પૂર્વપરીક્ષામાં સફળ થાય નહિ, અંતિમ સ્પર્ધાને માટે પાત્ર થાય નહિ એની જેસીને હવે પૂર્ણ પ્રતીતિ હતી. ખાસ્સા બે કલાક લગી નિરાંતે પરસ્પર વિશે, રમતગમત વિશે, જગતની વર્તમાન પરિસ્થિતિ વિશે એમ અનેક વિષયો પરની ગોષ્ઠિ પછી લુઝના નિવાસસ્થાનમાંથી જેસી જ્યારે વિદાય થયો ત્યારે એમની વચ્ચે હવે સાચી મૈત્રી જન્મી ચૂકી છે એની બન્ને પ્રતિસ્પર્ધીઓને પૂર્ણ પ્રતીતિ હતી. લુઝે પોતાના વિજયને ભોગે જ એક સાચા મિત્રની જેમ જેસીને સહાય કરી હતી. બીજે દિવસે અંતિમ સ્પર્ધામાં લુઝ એના પૂર્વેના વિક્રમને અતિક્રમી ગયો. પણ એને જ પરિણામે જેસી લુઝના આ નવા વિક્રમને અતિક્રમી ગયો. જેસીએ લાંબા કૂદકામાં નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો. જેસી વિજેતા થયો ત્યારે ક્રીડાભૂમિ પર લુઝ એની નિકટ હતો, એને અભિનંદન અર્પતો હતો. ત્યારે માંડ સો વાર દૂર પ્રેક્ષકગૃહમાંથી હિટલર એમની સામે તાકી રહ્યો હતો. લુઝે જેસી સાથે હાથ મિલાવ્યો, જોર જોરથી હોંસે હોંસે હાથ મિલાવ્યો, ભગ્ન હૃદયના ભ્રામક સ્મિત સાથે નહિ પણ ખુલ્લા દિલથી, મોકળા મનથી, ખરા જિગરથી, આખે આખા હૃદયથી હાથ મિલાવ્યો. લખલખ લાકોની વચ્ચે હાથ મિલાવ્યો. સાક્ષાત્ હિટલરની સન્મુખ પ્રત્યક્ષ હાથ મિલાવ્યો. એ ક્ષણે જીવનભર અન્ય અનેક વિજયપ્રસંગોએ જે પ્રાપ્ત કર્યા હતા તે સૌ સુવર્ણ ચન્દ્રકો અને પદ્મ-પદકો ગાળી-ઓગાળીને એમનો રસ કર્યો હોય તોપણ એ રસથી જે રસાય નહિ એવી ચોવીસ કેરેટની મૈત્રીનો જેસીએ અનુભવ કર્યો. અને એ જ ક્ષણે હિટલર જેસીને ચાર અંતિમ સ્પર્ધામાં વિજય માટે ચાર સુવર્ણ ચન્દ્રકો અર્પણ કર્યા વિના, જેસી સાથે હાથ મિલાવ્યા વિના પ્રેક્ષકગૃહમાંથી ચાલ્યો ગયો. આમ, પીએર દુ કુબર્તાંએ ૧૮૯૬માં ઑલીમ્પિક ક્રીડા મહોત્સવનું પુનરુત્થાન કર્યું ત્યારે એ મહાન પ્રણેતાનો જે આદર્શ હતો તે લુઝે ચરિતાર્થ કર્યો: ઑલીમ્પિક ક્રીડામાં જીતનું નહિ, જિંદાદિલીનું મહત્ત્વ છે. જીવનમાં વિજયનો નહિ, સાચી સ્પર્ધાનો મહિમા છે. પ્રાચીન ગ્રીસમાં માત્ર મનુષ્યની બુદ્ધિનો કે મનુષ્યના આત્માનો જ મહિમા ન હતો, મનુષ્યના દેહનો પણ એટલો જ મહિમા હતો. ગ્રીક મહાકાવ્યો અને શિલ્પો એનાં સાક્ષી છે. દેહનું બળ, શરીરની શક્તિ એ મહાકાવ્યના નાયકનું, વીરપુરુષની વીરતાનું મુખ્ય લક્ષણ હતું. પુરુષનું દેહસૌંદર્ય એ શિલ્પનો મુખ્ય વિષય હતો. પ્રાચીન ગ્રીસમાં અનેક સ્થળે પ્રતિ બે કે ચાર વર્ષે ક્રીડા મહોત્સવ યોજવામાં આવતો હતો, એમાં ચાર મુખ્ય સ્થળો હતાં, એમાં પણ ઑલીમ્પિઆ મુખ્ય સ્થળ હતું. જગતના સૌ સ્તોત્રકવિઓમાં પિન્દારસ સર્વશ્રેષ્ઠ છે. પિન્દારસનાં સૌ સ્તોત્રો-કાવ્યોમાં પણ આ ક્રીડા મહોત્સવોના વિજેતા ક્રીડાવીરોને અંજલિરૂપ સ્તોત્રો સર્વશ્રેષ્ઠ છે. પ્રાચીન યુગમાં પિન્દારસનાં કાવ્યો સત્તર ગ્રંથોમાં એકત્રિત થયાં હતાં. એમાંથી આજે હવે લગભગ સંપૂર્ણ સ્વરૂપમાં ઍપિનિકિયન સ્તોત્રોના ચાર ગ્રંથો અસ્તિત્વમાં છે. અન્ય ગ્રંથોમાંથી અપૂર્ણ સ્વરૂપમાં અલ્પસંખ્ય કાવ્યો જ અસ્તિત્વમાં છે. લગભગ સંપૂર્ણ સ્વરૂપમાં ઍપિનિકિયન સ્તોત્રોના ચાર ગ્રંથો જ અસ્તિત્વમાં હોય એમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે આ ચાર ગ્રંથોમાં પિન્દારસનાં સર્વશ્રેષ્ઠ સ્તોત્રો છે. પિન્દારસને આ ક્રીડા મહોત્સવોની કે ક્રીડાઓની વિગતોમાં રસ ન હતો. પણ એમના જીવનદર્શનમાં આ ક્રીડાઓમાં અને ક્રીડા મહોત્સવોમાં ક્રીડાવીરના વિજયનો અત્યંત માર્મિક અને સૂચક અર્થ હતો. આ વિજયમાં એમને જીવનની તાત્ત્વિકતાનું અને રહસ્યમયતાનું દર્શન થયું હતું. એમાં એમને મનુષ્યની દિવ્યતાનું દર્શન થયું હતું. દેવો કોઈ વિરલ મનુષ્યને અને તે પણ એના જીવનની કોઈ વિરલ ક્ષણે જ એમની દિવ્યતાનું અર્પણ કરે છે અને એ ક્ષણે એ મનુષ્ય એની સૌ માનવસહજ, માનવસુલભ મર્યાદાઓને અતિક્રમી જાય છે અને દેવોનો સમકક્ષ થાય છે. ક્રીડાવીર આવો વિરલ મનુષ્ય છે. વિજયની ક્ષણ એના જીવનની આવી વિરલ ક્ષણ છે એથી જ પિન્દારસે એમનાં ચુમ્માલીસ સ્તોત્રોમાં આ ક્રીડાવીરોને અને એમની દિવ્યતાને અંજલિ અર્પી છે. ‘પીથિયન ૮’ સ્તોત્રમાં અંતિમ પંક્તિઓ એમનાં આ સૌ સ્તોત્રો અને એમાંના એમના સમગ્ર જીવનદર્શનના સારરૂપ પંક્તિઓ છે:

‘મનુષ્યનું જીવન ક્ષણિક છે. મનુષ્ય શું છે ?
મનુષ્ય શું નથી ? સ્વપ્નમાંનો પડછાયો છે
મનુષ્ય; પણ જ્યારે દેવ એની દિવ્યતા વરસે છે
ત્યારે પૃથ્વી પર સર્વત્ર ઉજ્જ્વળ પ્રકાશ થાય છે
અને ત્યારે મનુષ્યનું જીવન મધ જેવું મધુર હોય છે.’

અર્વાચીન યુગમાં લુઝ લૉન્ગ આવો વિરલ મનુષ્ય હતો. ૧૯૩૬માં ગ્રીષ્મમાં બર્લિનમાં એના જીવનની એક વિરલ ક્ષણે, સાક્ષાત્ હિટલરની સન્મુખ એણે જેસી ઓવન્સ સાથે હાથ મિલાવ્યો એ ક્ષણે વિજય દ્વારા નહિ, પણ સ્વેચ્છાએ વિજયના ત્યાગ દ્વારા, પરાજય દ્વારા, મૃત્યુંજયી મૈત્રી દ્વારા એ એની સૌ માનવસહજ, માનવસુલભ ભૌતિક નહિ પણ નૈતિક-આધ્યાત્મિક મર્યાદાઓને અતિક્રમી ગયો હતો. જેસી ઓવન્સે એના હજારેક શબ્દોના લઘુ આત્મકથન ‘ઓ માય ગ્રેટેસ્ટ ઑલીમ્પિક પ્રાઇઝ’માં અર્વાચીન ઑલીમ્પિક ક્રીડા મહોત્સવના એક પરાજિત ક્રીડાવીરને–પણ ભવ્યસુંદર વિજયી મનુષ્યને એટલી જ નમ્રમધુર અંજલિ અર્પી છે. જેસી ઓવન્સનું આ ગદ્યસ્વરૂપ આત્મકથન એ સાચ્ચે જ અર્વાચીન પિન્દારસનું ભવ્યસુંદર સ્તોત્ર છે.

૧૯૮૦


*