સ્વાધ્યાયલોક—૩/યુજેનિઓ મોન્તાલેની કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


યુજેનિઓ મોન્તાલેની કવિતા

મોન્તાલેએ મિલાનમાં જાણ્યું કે સ્ટોકહોમમાં એમને નોબેલ પારિતોષિક અર્પણ કરવાનું જાહેર થયું છે કે તરત પહેલાં તો એમણે ટેલિફોન બંધ કર્યો અને પછી એમના વિઆ બિગ્લી એપાર્ટમેન્ટનું બારણું બંધ કર્યું. પછી જ્યારે કંઈક કહ્યું ત્યારે આમ કહ્યું, ‘આ પુરસ્કારથી મારું જીવન જે સદાય દુઃખમય હતું તે સહેજ ઓછું દુઃખમય થયું.’ અને પછી ઉમેર્યું, ‘કોઈ પણ કવિતા એ સંદેશો છે એમ સમજવું ન જોઈએ પણ આશાને આમંત્રણ છે એમ સમજવું જોઈએ.’ નોબેલ પારિતોષિક સમિતિએ એના નિર્દેશનમાં નોંધ્યું છે, ‘યુજેનિઓ મોન્તાલે પશ્ચિમના કવિઓમાં એક અત્યંત મહત્ત્વના કવિ છે.’ અને પછી ઉમેર્યું છે, ‘ભ્રાંતિઓ વિનાના જીવનદર્શનના સંકેત દ્વારા કલામય સંવદેનશીલતા સાથે માનવમૂલ્યો વિશે સૂઝસમજ પ્રગટતી એમની વિશિષ્ટ કવિતા માટે એમને પારિતોષિક અર્પણ કરવામાં આવે છે. એમના પોતાના દેશમાં અને સારા યે જગતમાં એમણે યુવાનોનું હૃદય જીતી લીધું છે એ એમની કવિતાની નગદ ગુણવત્તા અને અનશ્વર અસરકારકતાનો પૂરતો પુરાવો છે. એમના કાવ્યસંગ્રહોમાં એમણે વાચકનું બે હાથ પસારીને સ્વાગત કર્યું નથી. એમના કાવ્યસંગ્રહોમાં નાસ્તિવાચકતાની જ નહિ, પણ ઘોર નિર્વેદની અભિવ્યક્તિ છે. પોતાના યુગમાં જીવવાનું એમણે કદી સ્વીકાર્યું નથી. પ્રથમ વિશ્વયુદ્ધમાં એ ઑસ્ટ્રિયાના મોરચા પર ઑફિસર હતા. પણ આ ભીષણ વ્યવહારમાં કશું યે ઉન્નત હોય, કશું યે ઉદાત્ત હોય એવું એમણે અનુભવ્યું ન હતું. પછીથી એમણે ફાસિસ્ટ આંદોલનમાં સહકાર આપવાનું નકાર્યું હતું. અને એથી એમણે આજીવિકાનું સાધન ગુમાવ્યું હતું. એમણે એમની અલગતામાં અવિરત અને અનિયંત્રિત એમનું કવિકર્મ કર્યું હતું. ભાગ્યે જ કોઈ મનુષ્ય સાચા અર્થમાં હર્મેટિક હોય, એ આવા હર્મેટિક હતા. ચિત્તમાં આ વાતનું સ્મરણ કરીને અમે અમારી જાતને કહીએ છીએ કે જો આપણે આપણી ‘ના’ કહેવાની શક્તિ ગુમાવીએ તો સમજવું કે આપણે સર્વસ્વ ગુમાવ્યું છે. યુજેનિઓ મોન્તાલેની કવિતામાં મનુષ્યજાતિ અને મનુષ્યજીવન પ્રત્યે તુચ્છકાર અને તિરસ્કારથી નહિ પણ મનુષ્યજાતિના ગૌરવ અને મનુષ્યજીવનના મૂલ્ય પ્રત્યે પ્રેમથી પ્રેરાયેલી એવી નાસ્તિવાચકતા છે. અને એ જ એમની કવિતાનું આત્મબળ છે.’ મોન્તાલેના જીવન અને કવન પર એક નાનકડા વિવેચનનિબંધ જેવું નોબેલ પારિતોષિક સમિતિનું આ નિર્દેશન છે. યુજેનિઓ મોન્તાલેનો જન્મ ઈટલીમાં જીનોઆમાં ૧૮૯૬ના ઑક્ટોબરની ૧૨મીએ, એટલે કે કોલંબસ દિને. કોલંબસ દિન એટલે શુભ દિન. પણ એને વિશે ઉપહાસમાં એમણે કહ્યું હતું કે શુભ સાથે સંબંધ છે ત્યાં સુધી ઑક્ટોબર ૧૨મીનો શુભ જન્મદિન એમને માટે નિરર્થક હતો. એના કારણમાં જ કદાચ એમણે કહ્યું હશે, ‘મારા જન્મદિનથી જ મેં મારી આસપાસની વાસ્તવિકતા સાથે સંપૂર્ણ વિસંવાદ અનુભવ્યો છે. એથી મારી કવિતાની પ્રેરણાની સામગ્રી ભાગ્યે જ અન્ય કશું હોઈ શકે, સિવાય કે આ વિસંવાદ.’ પણ આ વિસંવાદમાંથી એમણે એમની મહાન કવિતાનું સર્જન કર્યું છે એથી ભલે મોન્તાલેએ એમના જન્મદિન વિશે આમ કહ્યું હોય, એમની સાથે અસંમત થવું અનિવાર્ય છે. મોન્તાલેનું બાળપણ જીનોઆમાં એટલે કે ભૂમધ્ય સમુદ્રના તટ પર વીત્યું હતું. ભૂમધ્ય સમુદ્રના જ તટ પરના ઇસ્ટેરિનાના દક્ષિણ લિગુરિઆમાં પણ એમના કુટુંબની મિલકત હતી. એથી એમના બાળપણનો કેટલોક કાળ, ગ્રીષ્મઋતુઓનો કાળ લિગુરિઆમાં પણ વીત્યો હતો. હવે પછી જોઈશું તેમ, ભૂમધ્ય સમુદ્ર અને લિગુરિઆએ, એના પદાર્થો અને પ્રતીકોએ, એની પ્રકૃતિ અને વાસ્તવિકતાએ, એનાં અનુભવો અને સંસ્મરણોએ પછીથી એમની કવિતામાં અત્યંત મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. જીનોઆની યુનિવર્સિટીમાં એમણે સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. સાથે સાથે બારિતોન સિવોરિ પાસેથી સંગીતનું શિક્ષણ પણ પ્રાપ્ત કર્યું હતું. આ અભ્યાસ અને શિક્ષણને કારણે તીવ્ર બુદ્ધિના તીક્ષ્ણ વિવેચક તરીકે એમણે જીવનભર સતત સાહિત્ય અને સંગીતનું સૂક્ષ્મ અને માર્મિક વિવેચન કર્યું છે. અને યુરોપની અને જગતની અન્ય ભાષાઓ– સવિશેષ ફ્રેંચ, સ્પૅનિશ, અંગ્રેજી અને અમેરિકન ભાષાઓ–ના સાહિત્યનું એમણે જીવનભર સતત અધ્યયન અને અવલોકન કર્યું છે. કોર્નાઇનાં નાટકો, યોર્ઝ ઝીલેંનાં કાવ્યો, શેક્સ્પિયરનાં સૉનેટો, એમિલી ડિકિન્સનનાં કાવ્યો, હરમન મેલવિલની નવલકથા આદિ કૃતિઓનો ઇટાલિયન ભાષામાં અનુવાદ પણ કર્યો છે. પણ મોન્તાલે, જગતના સૌ મહાન કવિઓની જેમ, મુખ્યત્વે સ્વ-શિક્ષિત હતા. ૧૯૧૭માં પ્રથમ વિશ્વયુદ્ધના સમયમાં બે વરસ માટે યુદ્ધભૂમિ પર સૈનિક તરીકે સેવા આપવાને બોલાવવામાં આવ્યા એથી એકવીસ વરસની વયે મોન્તાલેએ અભ્યાસનો ત્યાગ કર્યો અને ઑસ્ટ્રિયાના મોરચા પર માઉન્ટ કોર્નો અને લોનેરમાં ઑફિસર તરીકે યુદ્ધસેવા બજાવી હતી. મોન્તાલેને આમ યુદ્ધનો સક્રિય અને અંગત અનુભવ હતો છતાં એમણે યુદ્ધ વિશે સમ ખાવા પૂરતું પણ કાવ્ય કર્યું નથી. માત્ર કોઈ કોઈ કાવ્યમાં યુદ્ધ વિશેનું એકાદ પ્રતીક ક્વચિત યોજ્યું હોય એટલું જ. યુદ્ધવિરામ પછી એ એમની જન્મભૂમિ જીનોઆમાં નહિ પણ એમની શૈશવની ભૂમિમાં, એમની ‘મરુભૂમિ’માં, લિગુરિઆમાં તોરિનોમાં વસ્યા હતા. ૧૯૨૩માં બે મિત્રોની સાથે ‘પ્રિમો તામ્પો’ નામના સાહિત્યિક સામયિકનું સહસંપાદન કર્યું હતું. પણ થોડાક જ મહિનામાં આ સામયિક બંધ થયું હતું. તોરિનોમાં એમને એક મિત્ર પ્રાપ્ત થયો — મિસેરો ગોબેતિ. એની સહાયથી ૧૯૨૫માં એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કટલ-મત્સ્યનાં અસ્થિ’ — ‘ઓસ્સિ દિ સેપિઆ’ પ્રસિદ્ધ થયો. આ કાવ્યસંગ્રહનું શીર્ષક સંગ્રહમાં જે કાવ્યો છે એનાં વસ્તુવિષય અને શૈલીસ્વરૂપનું પ્રતીક છે. મોન્તાલે હજુ તો યુદ્ધમાં ગયા ન હતા ત્યારે એમણે લિગુરિઆના પ્રદેશની વાસ્તવિકતા સાથેના વિસંવાદની પ્રેરણાથી ઓગણીસ-વીસ વરસની વયે એક શીર્ષક વિનાનું કાવ્ય રચ્યું હતું, ‘બપોરે બળતી દીવાલની પડખે આડા પડવું, મ્લાન અને મગ્ન.’ એમાં કાવ્યનાયક ગ્રીષ્મમધ્યાહ્નમાં એટલે કે વરસની સૌથી વધુ રુક્ષ, કઠોર, શુષ્ક, નઠોર ઋતુના કોઈ એક દિવસના સૌથી વધુ રુક્ષ, કઠોર, શુષ્ક, નઠોર સમયે એક બળતી દીવાલને પડખે આડો પડ્યો છે, મ્લાન અને મગ્ન છે, પછી આસપાસની વાસ્તવિકતા — જીવજંતુ, પશુ, પંખી, વનસ્પતિ, પર્વત, સમુદ્ર–ને સાંભળે છે, જુએ છે, અનુભવે છે. એ વિશેના ચારચાર પંક્તિના ત્રણ શ્લોક પછી પાંચ પંક્તિના ચોથા અને અંતિમ શ્લોકમાં મોન્તાલેને કવિ તરીકેના જન્મદિનથી જ વાસ્તવિકતા સાથેના વિસંવાદનો અનુભવ છે:

‘અને બળબળતા તાપમાં ફરવું,
કરુણ આશ્ચર્ય અનુભવવું,
સમગ્ર જીવન અને જીવવાનો પરિશ્રમ એટલે
આ દીવાલને પડખે આમ આથડ્યા કરવું
જેની ટોચ પર તૂટેલી શીશીઓના ટુકડા જડ્યા છે.’

આ દીવાલ કદી ઓળંગી શકાશે નહિ, કારણ કે એની ટોચ પર તૂટેલી શીશીઓના કાચના ટુકડા જડ્યા છે. આ દીવાલ દુર્ભેદ્ય છે, દુર્ઘર્ષ છે, દુર્ગમ છે, દુર્જય છે. એની પેલી પાર શું છે એ જોઈ શકાશે નહિ. એની પછવાડે શું છે એ જાણી શકાશે નહિ. મોન્તાલેના સમકાલીન ઇટાલિયન સર્જક સીઝારે પાવેસેએ જેને ‘ઇલ મેસ્તિએરે દિ વિવેરે’ — જીવનનો વ્યાપાર — કહ્યો છે એમાં અસદ્‌ છે. અને મોન્તાલેને આ અસદ્‌નો વારંવાર અનુભવ થયો છે. શીર્ષક વિનાના એક અન્ય કાવ્યમાં અસદ્‌નો આ અનુભવ છે:

‘જીવવામાં જે અસદ્‌ છે એનો મને વારંવાર ભેટો થયો છે.
એ ખળખળતું ટૂંપાયલું ઝરણું હતું,
એ સુકાયલી ચીમળાયલી પાંદડી હતી,
એ પડેલો ટિપાયેલો અશ્વ હતો.
જે દૈવની ઉદાસીનતા પ્રગટ કરે છે
એ સંકેતની પાર મેં કોઈ સદ્ જાણ્યું નથી.
એ મધ્યાહ્નની અલસતામાં
પ્રતિમા હતી, અભ્ર હતું, ઊંચે ઊડતો બાજ હતો.’

મોન્તાલેની કવિતાનો વિષય છે અસદ્‌. અસદ્‌ છે એટલું જ નહિ પણ સદ્ અને અસદ્‌ વચ્ચે સંઘર્ષ છે. અને આ સંઘર્ષમાં અસદ્‌નો વિજય થાય છે. હવે જોઈશું તેમ, ‘હિટલર વસંત’ કાવ્યમાં અંતે અસદ્‌ના વિજયનો ઉલ્લેખ છે. વળી ‘ઈસ્ટબોર્ન’ કાવ્યમાં અંતે અસદ્‌ના વિજયનો જ માત્ર નહિ પણ સદ્ અને અસદ્‌ વચ્ચેનો આ સંઘર્ષ એ સનાતન સંઘર્ષ છે એવો પણ ઉલ્લેખ છે. અને એથી મોન્તાલેએ એક પછી એક કાવ્યમાં, કાવ્યે કાવ્યે અસદ્‌નો ઉલ્લેખ કર્યો છે. અને પ્રશ્ન પૂછ્યો છે કે અસદ્‌ શાથી છે ? પણ એકે કાવ્યમાં એમણે એનો ઉત્તર આપ્યો નથી. કારણ કે એનો ઉત્તર એમને જડ્યો નથી. એ ઉત્તર શોધે છે. એમની અલગતામાં એ આ ઉત્તર શોધે છે. અથવા તો આ ઉત્તર શોધવા માટે એ અલગ-અળગા રહ્યા છે. એમની કવિતા આ ઉત્તરની શોધ છે. આ ઉત્તર જડે તો જીવનનો અર્થ જડે. એમની કવિતા આ અર્થની શોધ છે. એ હર્મેટિક છે. એમની કવિતા હર્મેટિક કવિતા છે. કોઈ રહસ્યમય રસાયણ દ્વારા સત્યની શોધના એ સાધક છે. એમની કવિતા સત્યની શોધ માટેની સાધના છે. એ પારસમણિ શોધે છે. પણ ૨૦મી સદીના કવિ છે એથી એ પારસમણિને સૂર્યમુખી કહે છે. ‘મને સૂર્યમુખી લાવી આપો’ કાવ્યમાં એ આ ઉત્તર, આ અર્થ, આ સત્ય શોધે છે, સૂર્યમુખી શોધે છે, ઝંખે છે:

‘મને સૂર્યમુખી લાવી આપો, એને હું રોપું
સમુદ્રના સીકરોથી દાઝેલી મારી પોતાની ધરતીમાં,
અને દિવસભર દેખાડું પેલા ભૂરા આકાશને
એ સુવર્ણ-મુખીની ઝંખના.
અંધકારમાં છુપાયલાં અજવાળું ઝંખે છે,
બધાં ભસ્મીભૂત બનીને વહી જાય છે
પડછાયાના વહેણમાં, ગાતાં ગાતાં કહી જાય છે
સૌ સદ્ભાગ્યોમાં પરમ સદ્ભાગ્ય છે નિર્વાણ.
તો લાવી આપો મને એ છોડ જે લઈ જાય છે ત્યાં,
જ્યાં સૂર્યનો ઉદય થાય છે
અને મુક્તાત્માની જેમ જીવન વિલીન થાય છે,
પ્રકાશને માટે પાગલ એવું લાવી આપો મને સૂર્યમુખી.’

એ ઝંખે છે, ઝંખે છે ને જડતું નથી, એ શોધે છે, શોધે છે ને લાધતું નથી. ‘મોસંબીનાં વૃક્ષો’ કાવ્યમાં જાણે કે આ ઉત્તર, આ અર્થ, આ સત્ય હમણાં આ હાથમાં આવ્યું, આ જડ્યું, આ લાધ્યું એમ થાય છે ને ત્યાં જ ભ્રમ ભાંગી જાય છે:

‘જુઓ, આ નીરવતાઓમાં
જ્યાં બધી વસ્તુઓ શરણાગતિ કરે છે, લાગે છે
જાણે કે એમનું અંતિમ રહસ્ય હમણાં પ્રગટ કરશે,
ક્યારેક આપણને કંઈક આશા રહે છે
કે જડી આવશે પ્રકૃતિની ભૂલ,
વિશ્વનું મૃતબિંદુ, નબળી કડી,
એ સૂત્ર કે જે ઉકેલવાથી આપણે અંતે
સત્યના કેન્દ્રમાં આવીને ઊભા રહી શકીએ
… … …
પણ ભ્રમ ભાંગી જાય છે, અને કાળ
                  આપણને પાછા લાવે છે
આપણી કલબલતી નગરીઓમાં…’

અને કાવ્યને અંતે ભવિષ્યમાં કોઈક દિવસ કોઈકને આ ઉત્તર, આ અર્થ કદાચ જડશે, આ સત્ય કદાચ લાધશે એવી એક શક્યતાભર્યું અને આશાભર્યું કવિનું સ્વપ્ન છે:

‘જ્યારે એક દિવસ અર્ધબંધ દરવાજે
બગીચાની હરિયાળીમાં
મોસંબીની પીતવર્ણ કાયા ચોમેર ચમકશે
અને હૈયાનું હિમ પીગળશે
અને હૃદય પર
સંગીતની ઝડીઓ વરસશે
સૂર્યત્વની સુવર્ણ દુદુંભિઓમાંથી.’

‘અસ્થિ’માં સર્વશ્રેષ્ઠ કાવ્ય છે ‘મેડિટરેનિયન’ — ‘દામેદિતરાવિઓ.’ એનું કારણ છે મોન્તાલેનો આ સમુદ્ર સાથેનો આત્મીય અને અનિવર્ચનીય સંબંધ. એમાં (અને ‘ફાલ્સેટ્ટો’ જેવાં અન્ય કાવ્યોમાં) સમુદ્ર, હવે પછી જોઈશું તેમ, મોન્તાલેની કવિતાનું સર્વશ્રેષ્ઠ પ્રતીક છે. એ સંવાદ અને સર્જનનું, મુક્તિ અને મોક્ષનું પ્રતીક છે. પણ સાથે સાથે વક્રતા અને વિચિત્રતા એ છે કે અહીં અને અન્યત્ર ‘ઈસ્ટબોર્ન’ જેવાં કાવ્યોમાં એ વિસંવાદ અને વિસર્જનનું, મૃત્યુ અને મહાશૂન્યનું પણ પ્રતીક છે. આ કાવ્ય વિશે એક સ્વતંત્ર લેખ લખવાનો હોય તો જ સંતોષ થાય એવું આ સભર અને સમૃદ્ધ કાવ્ય છે. એથી અહીં આટલા સૂચનથી સંતોષ માનવો રહ્યો. આ કાવ્યમાં પણ અસદ્‌નો અનુભવ અને પરિણામે અગ્નિશોધન છે:

‘મારે જોવું અસદ્‌
જે વિશ્વને કોરી ખાય છે, એ નાનકડી કમાન
જે સમગ્ર વિશ્વના યંત્રને અટકાવી શકે છે,
… હું બરોબર જાણું છું, બળવું,
બસ એ જ, અન્ય કંઈ જ નહિ,
હા એ જ મારા જીવનનો અર્થ છે.’

અસદ્‌ છે. અસદ્‌ શાથી છે ? એનો ઉત્તર નથી. એથી મોન્તાલેની કવિતામાં ‘શ્રદ્ધા’ નથી. કોઈ કાર્યક્રમ નથી. છે માત્ર ક્ષણિકમ્, ક્ષણિકમ્ અને દુઃખમ્ દુઃખમ્; છે માત્ર આશ્ચર્ય અને સ્વપ્ન. આ છે મોન્તાલેનું વિશ્વદર્શન, જીવનદર્શન. આ નિરાશાભર્યું, નિર્વેદભર્યું, નકારાત્મક, નાસ્તિવાચન દર્શન છે. એથી જ આ પ્રતિબદ્ધતાના યુગમાં મોન્તાલે અપ્રતિબદ્ધ છે. એથી જ એમણે ‘મારી પાસેથી ન માગશો એ મંત્ર’ કાવ્યમાં એમણે જગતને ચેતવણી આપી છે:

‘મારી પાસેથી ન માગશો મંત્ર નવી સૃષ્ટિઓના નિર્માણ માટે,
એકાદો થરડેલો મરડેલો શબ્દ, હા, કોઈ મૃત-શુષ્ક ડાળ જેવો,
આ સમયે તો હું તમને માત્ર આટલું જ કહી શકું:
આપણે શું નથી, આપણે શું જોઈતું નથી.’

આ ઉત્તર અને આ અર્થ જડવો, આ સત્ય લાધવું શક્ય પણ નથી. સદ્ભાગ્ય કહો કે દુર્ભાગ્ય કહો, પણ આ છે મનુષ્યનું ભાગ્ય. આ ભાગ્યનો સદાય સામનો કરવો, સદાય સહન કરવું, સદાય નમ્ર થવું, સદાય સમજવું; એથી વિશેષ મનુષ્યને માટે કશું જ શક્ય નથી અને મનુષ્યમાં આ નમ્રતા, આ સહનશીલતા અને આ સમજશક્તિ શક્ય છે. એ મોન્તાલેની શ્રદ્ધા છે. ‘કદાચ કોઈ સવારે’ કાવ્યમાં આ શ્રદ્ધાનું રહસ્ય પ્રગટ થાય છે:

‘કદાચ કોઈ સવારે કાચ જેવી શુષ્ક હવામાં ફરતાં ફરતાં
કોઈ ચમત્કાર થશે એમ માનીને પાછું જોઈશ:
મારી પૂંઠે શૂન્યતા, મારી પછવાડે રિક્તતા,
કોઈ ભયભીય દારૂડિયાની જેમ.
ત્યારે જાણે કોઈ પટ પર, એકસાથે એક વેગે
આવશે વૃક્ષો, ઘરો, ટેકરીઓ, એ જ નિત્યની યુક્તિથી.
પણ ત્યારે ઘણું મોડું થયું હશે. અને હું
                  ચૂપચાપ ચાલતો રહીશ
જે પાછું જોતા નથી એવા મનુષ્યોની વચ્ચે,
                  મારા રહસ્ય સાથે.’

મોન્તાલેમાં સ્વનિર્મિત એકલતા છે, અળગાપણું છે, મોન્તાલેના પ્રત્યેક કાવ્યમાં કાવ્યનાયક મોન્તાલે જ છે. છતાં એમાં જે અનુભવ અને દર્શન છે તે અંગત અને વ્યક્તિગત અનુભવ અને દર્શન નથી, એ બિનઅંગત અને વૈશ્વિક અનુભવ અને દર્શન છે. આ અનુભવ અને આ દર્શનને કારણે મોન્તાલે પર, ‘આદર્શ વિનાનો કવિ’, ‘નાસ્તિવાચક કવિ’ એવા એવા આક્ષેપો થયા છે, પણ હમણાં જ જોયું તેમ, મોન્તાલેમાં એક અનન્ય શ્રદ્ધા છે. અલબત્ત, એ સમકાલીન સમાજના આત્મદ્રોહ અને આત્મહ્રાસના કવિ છે. પણ સાથે સાથે એ વ્યક્તિમાં અને વ્યક્તિની નમ્રતા, સહનશીલતા અને સમજશક્તિમાં શ્રદ્ધાના પણ કવિ છે. અને એથી એમની કવિતાનો અવાજ એ ગઈ સદીના અંત ભાગમાં જેનો જન્મ થયો એ પેઢીના અંતરાત્માનો અવાજ છે. પ્રથમ વિશ્વયુદ્ધનો અનુભવ એ આ પેઢીનો કરુણતમ અનુભવ છે. પ્રથમ વિશ્વયુદ્ધના અનુભવે મનુષ્યજાતિને જે આઘાત આપ્યો છે એવો આઘાત સમગ્ર ઇતિહાસમાં પૂર્વેના કોઈ અનુભવે આપ્યો નથી. ભૂતકાળની શ્રદ્ધાઓ અને માન્યતાઓનો, એનાં સિદ્ધાન્તો અને મૂલ્યો, એની સંસ્થાઓ અને પરંપરાઓની પોકળતા અને પામરતા; વર્તમાનનો આત્મદ્રોહ અને આત્મહ્રાસ, એની હિંસા અને ક્રૂરતા, એનાં વૈર અને તિરસ્કારની ભીષણતા અને ભયાનકતા, પરિણામે શૂન્યતા-રિક્તતા, એકલતા, વિચ્છિન્નતા અને ભવિષ્યની અનિશ્ચિતતા, અસ્પષ્ટતા, ઘોર નિરાશા અને ઘેરી ચિંતા — આ જેનો અનુભવ હતો તે પ્રથમ વિશ્વયુદ્ધ પછીની યુવાન પેઢીના સૌ સહૃદય અને સંવેદનશીલ મનુષ્યોને જેની કવિતાની ભારે અપીલ હતી તે કવિ ‘આદર્શ વિનાનો કવિ’, ‘નાસ્તિવાચક કવિ’ કદાપિ ન હોય. મોન્તાલેએ ‘મોસંબીનાં વૃક્ષો’ કાવ્યના આરંભે જાણે કે પોતાનું કાવ્યશાસ્ત્ર રચ્યું છે, પોતાનો કાવ્યસિદ્ધાન્ત સ્થાપ્યો છે:

‘સુણો; રાજકવિઓ
ચાલે છે માત્ર અપરિચિત નામોનાં
વૃક્ષો વચ્ચે, બોક્સવૂડ, એકેન્થસ;
હું, મારી વાત કરું તો, પસંદ કરું છું શેરીઓ
જે ઘાસિયા નીકોમાં ખોવાઈ જાય છે, ત્યાં કોઈ છોકરો
અરધા સૂકાયલાં ખાબોચિયામાં જાળ પાથરે છે
અને ક્યારેક એકાદી અમથી ઈલ પકડી પાડે છે;’

(પછીથી, હવે પછી જોઈશું તેમ, મોન્તાલેએ સાચે જ ‘અમથી’ નહિ પણ એક અદ્ભુત ઈલ પકડી પાડી છે.) વિવેચકોએ મોન્તાલેની કવિતાના વસ્તુવિષય પર લીઓપાર્દિ, ડેન્ટિ આદિ દૂર-અદૂરના પુરોગામીઓની અસર નોંધી છે. તેમ શૈલીસ્વરૂપ પર અદૂરના પુરોગામીઓ ગોઝાનો, દાનન્ઝિઓ, કાર્દુસિ અને સવિશેષ પાસ્કોલિ તથા બૉદલેર અને અન્ય ફ્રેંચ પ્રતીકવાદી કવિઓની અસર નોંધી છે. પણ મોન્તાલેની કવિતામાં શૈલીસ્વરૂપ પર એથી યે વધુ નોંધપાત્ર તો આ સદીના લિગુરિઆના સામયિક ‘લા રિવિએરા લિગુરે’માં પ્રસિદ્ધ થતી કવિતાના વાતાવરણની અને લિગુરિઆના કવિઓ બ્વાને, સ્બાર્બારો અને સવિશેષ રોકાતાગ્લિઆતા — સેકાદિની અસર છે. પણ મોન્તાલેની કવિતામાં વસ્તુવિષય પ્રાદેશિકતાની સીમાઓથી સીમિત નથી. એમાં યુરોપીયતા છે એટલું જ નહિ પણ વિશ્વજનીનતા છે. એથી એલિયટની જેમ એમની કવિતામાં શૈલીસ્વરૂપ પર અનિવાર્યપણે અંતે જે સૌથી વધુ નોંધપાત્ર છે તે તો ડેન્ટિની અસર છે, પૂર્વકાલીન ડેન્ટિની ‘દોલ્ચે સ્તિલ નૂવો’ — નૂતન માધુર્ય શૈલી–ની તથા ઉત્તરકાલીન ડેન્ટિની ઓજસ્ શૈલીની એમ ઉભય પ્રકારની અસર છે. આરંભથી જ મોન્તાલેની શૈલી સંકુલ છે. અને તે અંત લગી અનિવાર્ય સંકુલ જ રહી છે. એમાં અત્રતત્ર, આ કે તે અંગોપાંગમાં ક્વચિત્ ક્વચિત્ પરિવર્તન થયું છે, પણ તે ગૌણપણે. પ્રધાનપણે, તાત્ત્વિકપણે તો સાદ્યંત કોઈ પરિવર્તન થયું નથી. ૨૦મી સદીના સૌ મહાન કવિઓમાં એક મોન્તાલેની કવિતા જ જેને ગદ્યકથનમાં ભાગ્યે જ તારવી-સારવી શકાય એવી કવિતા છે. એથી વાચકોને એમાં પ્રથમ દૃષ્ટિએ દુર્બોધતાનો અનુભવ થાય છે. મોન્તાલે એ દુરારાધ્ય વાચકો માટેના દુરારાધ્ય કવિ છે. એમની કવિતામાં વાચકો પાસેથી એમને સંપૂર્ણ ધ્યાનની, એકાગ્રતાની અપેક્ષા છે. એમની કવિતાના વાચકો છે, પણ તે અલ્પસંખ્ય છે. સ્વયં ઇટલીમાં પણ અલ્પસંખ્ય છે. ઇટલી સિવાયના જગતમાં હમણાં એકાદ દાયકાથી જ એમની કવિતાનો પરિચય થયો છે. પણ જે કોઈ વાચકો છે એમનામાં એમની કવિતા પ્રત્યે અનન્ય નિષ્ઠા અને ભક્તિ છે. કોઈપણ કવિ જાણીબૂઝીને દુર્બોધ કે રહસ્યમય હોતો નથી અને કોઈપણ કવિ કેવળ સુબોધ થવાની મહત્ત્વાકાંક્ષાથી કવિતા રચતો નથી. વળી, કોઈ પણ કવિ શબ્દોમાં અભિવ્યક્તિની જે શક્તિ છે એથી યે વિશેષ અભિવ્યક્તિ માટે સતત મથતો-મચતો હોય છે. આરંભમાં મોન્તાલેનો ‘હર્મેટિક સ્કૂલ’ — રહસ્યમય રસાયણ દ્વારા સત્યની શોધના સાધકોના, કીમિયાગારોના પંથના નેતા તરીકે અને એમની કવિતાનો હર્મેટિક કવિતા તરીકે ઉલ્લેખ થતો હતો. પણ મોન્તાલેને મન ‘હર્મેટિસિઝમ’ એ માત્ર લેબલ ન હતું, માત્ર ફેશન ન હતી. એથી હવે આજે જ્યારે ઈટલીમાં હર્મેટિક સ્કૂલ અદૃશ્ય છે ત્યારે પણ મોન્તાલેની કવિતા હર્મેટિક છે. મોન્તાલે પ્રકૃતિમાંથી — જીવ, જંતુ, પશુ, પંખી, વનસ્પતિ, ધાતુ, પર્વત, સમુદ્ર આદિ — વૈશ્વિક તત્ત્વો, વૈશ્વિક પદાર્થો પ્રતીક તરીકે યોજે છે. કોઈ પણ ભાવ કે વિચારનું પદાર્થમાં, પ્રતીકમાં પરિવર્તન કરે છે. ભાવ, વિચાર અને પદાર્થ તથા પ્રતીક વચ્ચેની તાર્કિકતાનો એ લોપ કરે છે અને એ દ્વારા એ આ પરિવર્તન સિદ્ધ કરે છે એથી એમની કવિતા ‘લૉજિકલ’ નહિ, ‘એનોલૉજિકલ’ છે. એમાં ‘એલિપ્સિસ’ — શબ્દલોપ છે અને ‘ઓબ્જેક્ટિવ કોરીલેટિવ’–ભાવપ્રતીક છે. એથી એલિયટની કવિતા સાથે એનું સૌથી વિશેષ સામ્ય છે. આ સંદર્ભમાં વિવેચકોએ મોન્તાલેની કવિતા પર એલિયટની કવિતાની અસર છે એવું સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. ૧૯૨૯માં મોન્તાલેએ એલિયટની કવિતાનો ઇટાલિયન ભાષામાં અનુવાદ કર્યો હતો. પણ તે પૂર્વે ૧૯૨૮માં એલિયટે એમના સામયિક ‘ધ ક્રાઇટેરિઅન’માં મોન્તાલેના એક કાવ્ય ‘આર્સેનિઓ’નો મારિઓ પ્રાઝનો અનુવાદ પ્રગટ કર્યો હતો. તે પૂર્વે મોન્તાલેએ એલિયટનું નામ પણ શ્રવણગોચર નહોતું કર્યું ત્યારે મોન્તાલેની કવિતામાં એમની આ શૈલી સિદ્ધ-પ્રતિષ્ઠિત હતી. જોકે વસ્તુવિષય અને શૈલીસ્વરૂપ બન્નેની દૃષ્ટિએ આ બે કવિઓની સરખામણી એ એક રસપ્રદ વિષય છે. મોન્તાલેએ પ્રકૃતિમાંથી પદાર્થો અને પ્રતીકો યોજ્યાં છે એનું કારણ એ છે કે પ્રકૃતિમાં પણ એમણે મનુષ્યજીવનમાં કર્યું છે એવું જ હ્રાસ, નાશ, મૃત્યુ અને નિર્વાણનું, શૂન્યનું દર્શન કર્યું છે. અને આ પદાર્થો અને પ્રતીકોને એમણે એમની કવિતામાં વાગ્મિતા વિના, ઊર્મિલતા અને લાગણીવશતા વિના શુષ્ક, કઠોર, રુક્ષ, નઠોર રૂપે યોજ્યાં છે; અસ્થિઓ — રુધિર-માંસ, મજ્જા વિનાના અસ્થિઓ રૂપે યોજ્યાં છે. મોન્તાલે જાણે કે એમાં સાગરીત નથી, માત્ર મૂક સાક્ષી છે. આ કાવ્યસંગ્રહમાં સર્વશ્રેષ્ઠ પ્રતીક છે સમુદ્ર. સમુદ્ર એ સમગ્ર જીવનનું, સમગ્ર અસ્તિત્વનું આદિ સ્વરૂપ છે અને સનાતન સ્વરૂપ છે. એ નિરાકાર અને નિઃસીમ છે. મોન્તાલેની કવિતામાં બાહ્ય જગતની ઐતિહાસિક ઘટનાઓ નથી, તો અંગત જીવનની વૈયક્તિક ઘટનાઓ પણ નથી. એમાં સનાતન ઘટનાઓ છે. એથી એમની કવિતામાં કોઈ યોજના કે કાર્યક્રમ નથી, કોઈ સિદ્ધાંત કે સંદેશ નથી. કોઈ તત્કાલીનતા નથી. છે કેવળ સર્વકાલીનતા, વૈશ્વિકતા, તાત્ત્વિકતા. ‘અસ્થિ’માં ત્રણ વિભાગો છે. ‘કટલ-મત્સ્યનાં અસ્થિ’, ‘મેડિટરેનિયન’ તથા ‘મધ્યાહ્ન અને પડછાયા.’ એમાં વસ્તુવિષયમાં બે બિન્દુઓ છે, એક ‘કઠોર વાસ્તવિકતા’નું, ‘નઠોર નામહીન વેદના’નું અને બીજું ‘સંકેત’ની આશાનું, ‘રહસ્યોદ્ઘાટન’ની શક્યતાનું. અને એથી એમાં શૈલીસ્વરૂપમાં બે પ્રકારો છે: ‘મેડિટરેનિયન’ તથા ‘મધ્યાહ્ન અને પડછાયા’નાં કાવ્યોમાં મુખ્યત્વે ‘કઠોર વાસ્તવિકતા’નું અને ‘નઠોર, નામહીન વેદના’નું બિંદુ છે. ત્યાં એને અનુકૂળ અને અનુરૂપ તાર્કિકતા, વાગ્મિતા, વિસ્તીર્ણ લયો (પણ મુખ્યત્વે પ્રાસયોજનાનો અભાવ), સ્પષ્ટતા અને તીવ્રતાયુક્ત પદાવલિ તથા પુનરાવર્તનો છે. ‘કટલ-મત્સ્યના અસ્થિ’નાં કાવ્યોમાં મુખ્યત્વે ‘સંકેત’ની આશાનું અને ‘રહસ્યોદ્ઘાટન’ની શક્યતાનું બિંદુ છે. ત્યાં એને અનુકૂળ અને અનુરૂપ સૂક્ષ્મ સંગીતમયતા, ભારયુક્ત લઘુ લયો, વર્ણસગાઈ, પ્રાસ, આંતરપ્રાસ, અર્ધપ્રાસ, પ્રાસાભાસ છે. આ કાવ્યોમાં અંગત અનુભવો પણ બિનઅંગત સ્વરૂપે પ્રગટ થાય છે. મોન્તાલેના હવે પછીના કાવ્યસંગ્રહોમાં પ્રથમ પ્રકારના શૈલીસ્વરૂપનો ‘પવિત્ર શબ્દો’, ‘ઝબકારા અને અર્પણો’ આદિ વિભાગનાં કાવ્યોમાં ઉત્તરોત્તર વિકાસ થયો છે. ‘અસ્થિ’ને અંતે ‘આર્સેનિ’, ‘ડેલ્ટા’, ‘મિલન’ આદિ જે કાવ્યો છે, એનું, અલબત્ત, વિભિન્ન વાતાવરણમાં, સહજસરલ અનુસંધાન આ પછીના બીજા કાવ્યસંગ્રહ ‘ક્ષણો’માં છે. મોન્તાલે ૧૯૨૬માં તુરિનમાંથી ફ્લોરેન્સમાં વસ્યા. આરંભમાં એક પ્રકાશનગૃહમાં કાર્ય કર્યું. પછી ૧૯૨૯માં ફ્લોરેન્સની પ્રસિદ્ધ લાઇબ્રેરી– ગાબિનેત્તો વીસો–વૈજ્ઞાનિક સાહિત્યિક મંડળ–માં લાઇબ્રેરિયનપદે નિયુક્ત થયા. ૧૯૩૨માં એમનો બીજો કાવ્યસંગ્રહ ‘કસ્ટમ હાઉસ અને અન્ય કાવ્યો’ — લા કાસા દી દોગાનિએરિ એ આલ્તિ વેર્સિ — પ્રસિદ્ધ થયો. આ વરસમાં એમને ‘દેલાન્તિકો ફાતોરે’ પુરસ્કાર અર્પણ થયો. ફાસિસ્ટ પક્ષમાં સભ્ય થવું એમને માટે અશક્ય હતું એથી એમને એમના લાઇબ્રેરિયનપદેથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી ત્યારે ૧૯૩૮માં એમણે એ પદેથી રાજીનામું આપ્યું. ૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધની પૂર્વસંધ્યાએ ૧૯૩૨ના કાવ્યસંગ્રહનાં કાવ્યો સમેતનો એમનો ત્રીજો કાવ્યસંગ્રહ ‘ક્ષણો’ — લ ઓકાસિઓનિ — પ્રસિદ્ધ થયો. ‘ક્ષણો’ બીજા વિશ્વયુદ્ધની પૂર્વસંધ્યાએ પ્રગટ થયો છે એથી એમાં બીજા વિશ્વયુદ્ધ પૂર્વેના દાયકાનું વાતાવરણ છે. જગત જાણે કે સર્વનાશને આરે ઊભું છે. પ્રલય જાણે કે હાથવેંતમાં છે. અને મનુષ્યજાતિનું અસ્તિત્વ જાણે કે ભયમાં છે. ‘ક્ષણો’માં મોન્તાલેએ જાણે કે દાયકાનો ઇતિહાસ આલેખ્યો છે, અસંખ્ય મનુષ્યોના હૃદય-મનમાં જે વાત હતી એને જાણે કે વાચા આપી છે. ‘પવિત્ર શબ્દો’ — મોત્તેત્તિ — એક અર્થમાં પ્રેમનાં કાવ્યોનો વિભાગ છે પણ એ દાયકામાં પૃથ્વી પર નરકની જે નિયતિતા હતી અને મનુષ્યોનું જે જીવન હતું એનો અનુભવ છે:

‘… હું સંકેત શોધું છું
જે લુપ્ત થયો છે, મારો એ એકમાત્ર શ્રદ્ધાશબ્દ
                           હતો, મુક્તપણે
મને મળ્યો હતો તારી પાસેથી.
                  અને નરક નિશ્ચિત છે.

જીવન લાગતું હતું
વિરાટ, તે તારા રૂમાલથી પણ વધુ ટૂંકું છે.’

‘ક્ષણો’માં મોન્તાલેએ સદ્-અસદ્‌ વચ્ચેનો સંઘર્ષ વધુ સ્પષ્ટપણે, વધુ અસંદિગ્ધપણે આલેખ્યો છે. ‘અસ્થિ’માં આ સંઘર્ષ પરોક્ષ રૂપે હતો તે ‘ક્ષણો’માં ‘પવિત્ર’ શબ્દો ઉપરાંત ‘દોરા માર્ક્સ’, ‘આમિઆતામાંથી સમાચાર’–નોતિઝી દાલામિઆતા–આદિ કાવ્યોમાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ થાય છે. ‘ઈસ્ટબોર્ન’ કાવ્યમાં અસદ્‌નો વિજય થાય છે અને સદ્-અસદ્‌નો સંઘર્ષ સનાતન છે, કદી શમવાનો નથી એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. ‘ક્ષણો’માં સર્વશ્રેષ્ઠ કાવ્ય છે ‘કસ્ટમ હાઉસ’ — લા કાસા દી દોગાનિએરિ. એમાં સદ્‌નું પ્રતીક કોમ્પાસ અને અસદ્‌નું પ્રતીક છે પાસો. કાવ્યમાં જીર્ણ કસ્ટમ હાઉસનું વર્ણન છે. એમાં જીર્ણ સ્મૃતિ અને જીર્ણ માનવસંબંધનો અનુભવ છે:

‘દક્ષિણના વાયુએ જીર્ણ ભીંતોને વર્ષોથી ઉઝરડી છે,
તારા હાસ્યનો અવાજ હવે આનંદતો નથી,
કોમ્પાસ ગમે તેવું વિચિત્ર રીતે વર્તે છે.
અને પાસો આપણે પક્ષે પોબાર પડતો નથી,
તને કશું યાદ નથી, અન્ય કોઈ સમયની વાત
તારી સ્મૃતિને સતાવે છે, હાથમાંથી દોર સરકી રહ્યો છે.’

‘ક્ષણો’માં જે ક્ષણો છે તે રહસ્યોદ્ઘાટનની ક્ષણો છે, દર્શનની ક્ષણો છે. આ રહસ્યોદ્ઘાટન, આ દર્શન મોન્તાલે પરમેશ્વર પાસેથી નહિ, મનુષ્યો પાસેથી પામે છે. ‘ક્ષણો’માં આમ તો અંગત જીવનના અનુભવો છે. સૂચનો દ્વારા એને ગોપવવા, છુપાવવાના પ્રયત્નો દ્વારા એ પ્રગટ થાય છે. આ મનુષ્યો સાથે કવિ એકરૂપ છે છતાં અલગ છે. અને અલગ છે છતાં એકરૂપ છે. જેઇમ્સ જોઇસની જેમ એ અંગત જીવનના અનુભવથી પર અને પાર જાય છે, બહિર્મુખ થાય છે. ‘ક્ષણો’માં બાહ્યજીવન અને બાહ્યજગત, માત્ર લિગુરિયા જ નહિ, ઇટલીના અન્ય પ્રદેશો અને એ પ્રદેશોના જીવ, જંતુ, પશુ, પંખી, વનસ્પતિ, પર્વતો આદિ અન્ય પાત્રોનું અસ્તિત્વ છે. ‘અસ્થિ’માં મનુષ્ય માત્રની ગઈકાલના ભાગરૂપ જે પ્રદેશો અને પ્રસંગો હતા એ સૌને એમની વાસ્તવિકતા અને એની સાથેના વિસંવાદ સહિત ‘ક્ષણો’માં મોન્તાલે પોતાની સ્મૃતિમાં સજીવન કરે છે. એમાં સાક્ષાત્ અને નામરૂપે નક્કર અને નિશ્ચિત છે એ દ્વારા અસીમ માટેની ઝંખના, અનંત માટેની અભીપ્સા પ્રગટ થાય છે. એ દ્વારા મનુષ્ય જાણે કે અસીમ અને અનંત લોકમાંથી નિર્વાસિત થયો છે અને આ પૃથ્વી પર ક્ષણેક વસ્યો છે, આ જગત જાણે કે પરદેશ છે એવો અનુભવ પ્રગટ થાય છે. અહીં આ પૃથ્વી પર પરિવર્તનશીલ સંસારમાં બધું જ અનિશ્ચિત છે, અનિત્ય છે; સ્મૃતિનો નાશ છે, સંબંધોનો હ્રાસ છે. એથી મૃત્યુ અને નિર્વાણનો અસ્વીકાર એ જ આ પૃથ્વી પરનું નરક છે. મૃત્યુ અને નિર્વાણનો સ્વીકાર એ જ એકમાત્ર સંજીવની છે, સ્વર્ગ છે. ‘ક્ષણો’માં કેન્દ્રમાં વસ્તુવિષય છે કાળ. કાળ એટલે સમય અને કાળ એટલે મૃત્યુ. આ બન્ને અર્થમાં ‘અસ્થિ’ના અંતભાગનાં કાવ્યોમાં ‘તું’થી જેને સંબધોન કર્યું છે એવું એક પાત્ર હતું. આ પાત્રનો ‘ક્ષણો’માં વિકાસ થાય છે. આ પાત્રનાં અહીં વિવિધ અને વિભિન્ન સ્વરૂપો છે. આ સ્ત્રીપાત્ર છે. ક્યારેક આ ‘તું’ કવિ સ્વયં છે, ક્યારેક સંવાદમાં સામી વ્યક્તિ છે. ક્યારેક અનેક સ્ત્રીઓના સંમિશ્રણ જેવી, સરવાળા જેવી આદર્શ સ્ત્રી છે, ‘અસ્થિ’માં આ પાત્ર જાણે કે કોઈ પૂર્વ અનુભવનું પરિચિત વાસ્તવિક પાત્ર હતું. ‘ક્ષણો’માં આ પાત્ર એ જાણે કે આધુનિક રહસ્યમય પેર્ટ્રાકની અસ્પષ્ટ લોરા છે. આ ‘તું’ જેનું નામ ક્યારેક ગર્તિ છે, ક્યારેક લિયુબા છે, ક્યારેક દોરા માર્ક્સ છે, બહુધા અનામી છે — જાણે કે વાસ્તવિકતા અને પુરાકલ્પનના સંગમ પર એ બેની મિલનભૂમિ પર વસે છે, ક્યારેક એ દૈવી છે, કયારેક એ આસુરી છે. ‘પવિત્ર શબ્દો’માં આ ‘તું’ જાણે કે કવિના અંતસ્તલમાં, કવિના અસ્તિત્વના અતલમાં વસે છે. સ્મૃતિનો નાશ, સંબંધનો હ્રાસ, અને આ ‘તું’ — સૌ દ્વારા મોન્તાલેની જગપ્રસિદ્ધ અલગતા, એમનું અળગાપણું અનિવાર્ય છે એની પ્રતીતિ થાય છે. ‘ક્ષણો’માં જાણે કે ગૃહત્યાગની ક્ષણ છે. ‘વર્ષા’ — સોત્તો લા પિએગિઆ–માં જાણે કે બુદ્ધના ગૃહત્યાગમાં જે કરુણા હતી તે કરુણા છે. હવે પછી જોઈશું તેમ, ‘ઈલ’ કાવ્યમાં અતિવિસ્તારથી સમુદ્રયાત્રાનું વિગતે વર્ણન કર્યું છે. તે ‘ઈલ’ની જેમ ‘વર્ષા’માં કાવ્યને અંતે અતિલાઘવથી જેનું ઇટલીના હિમશૃંગોથી કેઇપ પ્રતિની નભયાત્રામાં મિતાક્ષરે વર્ણન કર્યું છે તે સ્ટોર્ક પંખી એ આ કરુણાનું પ્રતીક છે. ‘ક્ષણો’માં મોન્તાલેની ઊર્મિકવિતાની પરિપક્વતા છે, એમાં શૈલી- સ્વરૂપમાં પ્રતીકોથી વિશેષ તો ચિત્રસંજ્ઞાઓ — ideograms — છે. એમાં એલિયટની કવિતામાં છે તેવો પુરાગામી કવિઓની પંક્તિઓ અને પરભાષાના શબ્દોનો સર્જનાત્મક ઉપયોગ છે. અને એ દ્વારા બે કાળ અને બે સ્થળનું સૂચન છે, સ્મૃતિ અને સંબંધોના વસ્તુવિષયનાં આ કાવ્યોમાં સર્વત્ર વ્યાપ્ત એવી કાળની ગતિનું સૂચન છે. અનેક અર્થમાં આ કાવ્યસંગ્રહનું શીર્ષક ‘ક્ષણો’ સાર્થક થાય છે. મોન્તાલેએ બીજા વિશ્વયુદ્ધના સમયમાં જ ૧૯૪૩માં હજુ તો યુદ્ધ ચાલતું હતું ત્યારે, મુસોલિનિના ઇટલીમાં રહીને કાવ્યસંગ્રહ પ્રગટ કરવામાં જાનનું જોખમ હતું છતાં, મૌનથી તો મોત ભલું એવી પ્રતીતિથી એમનો ચોથો કાવ્યસંગ્રહ સ્વિટ્ઝર્લેન્ડમાંથી પ્રસિદ્ધ કર્યો. બીજા વિશ્વયુદ્ધને અંતે ફ્લોરેન્સની મુક્તિ પછી એ પાક્ષિક ‘ઈલ મોન્દો’ના સહતંત્રી થયા. ૧૯૪૭માં એ ફલોરેન્સમાંથી મિલાનોમાં વસ્યા. ત્યારથી મિલાનો એમનું કાયમનું નિવાસસ્થાન રહ્યું છે. ૧૯૪૮માં એમણે મિલાનોમાંથી ઇટાલીનું સૌથી વધુ લોકપ્રિય દૈનિક ‘ઇલ કોરિએરે દલા સરા’ શરૂ કર્યું. ત્યારથી એ એના ત્રીજા એટલે કે સાહિત્યના પાનાનું સંપાદન કરે છે. આ પાના માટે સાહિત્યનું વિવેચન કરે છે અને આ દૈનિકની સાંજની આવૃત્તિ માટે સંગીતનું વિવેચન કરે છે. આ ઉપરાંત એ અનુવાદનું કાર્ય પણ કરે છે. ૧૯૫૬માં ‘ફિનિસ્તેરે’ કાવ્યસંગ્રહમાંનાં કાવ્ય સમેતનો એમનો પાંચમો કાવ્યસંગ્રહ ‘ઝંઝા અને અન્ય’ — લા બુફેરાએ આર્લ્ત્રો — પ્રગટ થયો. ડેન્ટિએ ‘ઇન્ફર્નો’ (નરક)માં નરકની ઝંઝા માટે ‘બુફેરા’ શબ્દ યોજ્યો છે. એ જ શબ્દ મોન્તાલેએ આ કાવ્યસંગ્રહના શીર્ષકમાં યોજ્યો છે. પણ મોન્તાલેની ‘ઝંઝા’ એ પૃથ્વી પરની મનુષ્યસર્જિત બીજા વિશ્વયુદ્ધ અને એના દુરિતરૂપ ઝંઝા છે અને મોન્તાલેનું નરક એ પૃથ્વી પરનું નરક છે એવું એમાં સૂચન છે. મોન્તાલેએ એમના આઠ દાયકાના દીર્ઘાયુષ્યમાં અનેક ઊથલપાથલો અને આસમાનીસુલતાનીઓ, અંધાધૂંધીઓ અને અરાજકતાઓ જોઈ છે. હજારો વરસના પરંપરાગત મૂલ્યોનો હ્રાસ, અનેક માન્યતાઓ અને શ્રદ્ધાઓનો નાશ, ત્રણ ક્રાંતિઓ, બે વિશ્વયુદ્ધો, અનેક આંતરવિગ્રહો અને સંઘર્ષો, અનેક સિતમખોરીઓ અને સરમુખત્યારશાહીઓ, કોન્સન્ટ્રેશન કેમ્પ્સ અને ચેમ્બર્સમાં લાખો નિર્દોષ મનુષ્યોની યાતનાઓ અને કતલો, હિંસા, ક્રૂરતા, તિરસ્કાર, અમાનુષિતા વગેરેના મોન્તાલે સાક્ષી છે, છતાં એમણે એમાંથી કોઈ કહેતાં કોઈ વિશે સમ ખાવા પૂરતું એક કાવ્ય પણ રચ્યું નથી. ‘કસ્ટમ હાઉસ’માં બીજા વિશ્વયુદ્ધ પૂર્વેના દાયકામાં એમની અલગતાનું, એમના અળગાપણાનું સૂચન છે. કસ્ટમ હાઉસ જીર્ણ છે. ચોમેર બધું દિશાશૂન્ય છે, અર્થશૂન્ય છે, અન્ય પાત્રનું સ્મરણ સુધ્ધાં નથી. બીજા વિશ્વયુદ્ધના સમયમાં ‘ઝંઝા’નાં કાવ્યોમાંની એમની આ અલગતાની, એમના આ અળગાપણાની ચરમ સીમા છે. હમણાં દોઢેક દાયકા પહેલાં જ મોન્તાલેએ પોતાની અલગતા વિશે આમ કહ્યું હતું, ‘ફાસીવાદ અને યુદ્ધે આ મારી અલગતાની લાગણીને માટે કદાચ જે જરૂરી હતી એ — એની અન્યત્ર હોવા અંગેની સાબિતી — એલિબિનો સ્વીકાર કર્યો.’ જે સમયમાં યુરોપમાં અને ઇટલીમાં અસંખ્ય બુદ્ધિજીવીઓ અને કવિઓ-કલાકારો ડાબેરી કે જમણેરી પક્ષ, આ કે તે વાદ, આ કે તે ધર્મ, અને ખાસ તો નાઝીવાદ કે ફાસીવાદને શરણે ગયા એ સમયમાં મોન્તાલેએ શું કર્યું ? ન તો એમણે કોઈનું ઢોલ પીટ્યું, ન તો એમણે કોઈ સૂત્રોચ્ચાર કર્યો, ન તો એમણે કોઈ વાવટો ફરકાવ્યો, ન તો એમણે કોઈ વીરપૂજન કર્યું, કંઈ કહેતાં કંઈ ન કર્યું. ન કોઈ ઘોંઘાટ, ન કોઈ ઘોષણા, ન કોઈ ધાંધલ, ન કોઈ ધમાલ, કંઈ કહેતાં કંઈ નહિ, ઊલટાનું પછીથી ‘નાનકડું વસિયતનામું’ કાવ્યમાં કહ્યું:

‘મારા ચિત્તમાં કોઈ પ્રકાશ દેવળનો કે કારખાનાનો પોષ્યો નથી
કોઈ લાલ કે કાળા પાદરીએ…’

અને એમણે કંઈ એવું કર્યું કે જેથી જ્યારે ૧૯૬૬માં એમના સિત્તેરમા જન્મદિવસનો ઉત્સવ ઊજવાયો ત્યારે અનેક સ્તુતિવચનોનો સમ હતો ઃ મોન્તાલે અમારે માટે એક બોધપાઠ સમાન છે. આ અલગતાના, અળગાપણાના કવિએ એવું તે શું કર્યું કે એમની પ્રજાના હૃદયમાં એક આદર્શ રૂપે વસી ગયા ? ‘ઝંઝામાં જ્યોત’ જેવા ઝગી ગયા ? એમણે, આગળ જોયું તેમ, ૧૯૩૭માં રાજીનામું આપ્યું, ચૂપચાપ. અને ૧૯૪૨માં કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો, તે પણ ચૂપચાપ, કોઈનું યે ધ્યાન ન જાય તેમ; કવિની જેમ. આ બે ઘટનાઓ આમ તો સામાન્ય ઘટનાઓ છે. પણ ૧૯૩૭માં અને ૧૪૪૨માં યુરોપમાં અને ઇટલીમાં જે માનસિક આબોહવા હતી એમાં એ અસામાન્ય ઘટનાઓ હતી એમ હવે આટલે વરસે આજે જગતને સમજાય છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ આ ઘટનાઓમાં કેટલું તો શાંત બળ હતું એ જગતને વધુ ને વધુ સમજાય છે. ‘ઝંઝા’નાં કાવ્યોમાં મોન્તાલેએ જે સમાજને પોતે એક મહાન સંસ્કૃતિનો સર્જક છે એવું અભિમાન છે એને એ આધ્યાત્મિક નાદારી નોંધાવી શકે એવું એના જીવનવ્યાપારનું સરવૈયું કાઢી આપ્યું છે. કાવ્યે કાવ્યે એક અતિવિચિત્ર જગતને માથે ઝંઝા વીંઝાય છે. ‘વિરહીજનો’ — પેરસોની સેપારાતી–માં આ ઝંઝાનો પરોક્ષ પરિચય થાય છે:

‘છિન્નભિન્ન છે માનુષી અરણ્ય’

આ ઝંઝામાં મનુષ્યો, સ્વશાપિત મનુષ્યો આમતેમ ભમે-ભટકે છે. કવિ એમની સાથે એકત્વ અનુભવે છે. એમની વેદનાને આત્મસાત્ કરે છે, પ્રેમ અને કરુણા દ્વારા. શીર્ષક કાવ્ય ‘ઝંઝા’માં જાણે કે મનુષ્યજાતિને સંબોધન છે:

‘તારા ભાગ્યમાં છે મૃત્યુ,
પ્રેમથી યે વિશેષ તો એ તને મારી સાથે ગાંઠે છે,
હે મારી વિચિત્ર સ્વસા…’

મોન્તાલેએ ૧૯૪૦માં ‘હિટલર વસંત’ — લા પ્રિમાવેરા હિટલેરિઆના — કાવ્ય રચ્યું છે. જાણે કે જગતમાં અસદ્‌ની વસંત ફાલીફૂલી ન હોય ! એક નાનકડી નોંધમાં મોન્તાલેએ આ કાવ્યનો પ્રેરક પ્રસંગ નોંધ્યો છે: ‘હિટલર અને મુસોલિની ફલોરેન્સમાં. નગરખંડમાં મહેફિલની રાત. આર્નો ઉપર જંતુઓની હિમવર્ષા.’

‘ગાઢું જંતુઓનું ધોળું વાદળ ગાંડું થતું જતું
ઘૂમે છે ઝાંખા દીવાની આસપાસ નદીતટ પર,
જમીન પર એક ચાદર પાથરે છે,
જેની પર પગ જાણે કે સાકર પર દબાય છે;
આવતી વસંત રાત્રિની ઠંડીને પ્રસારે છે
આજ લગી જે બદ્ધ હતી
મૃત ઋતુની છૂપી ગર્તાઓમાં તેને
મેઈઆનોથી આ રેતી લગી પથરાયલી વાડીઓમાં.’

આમ, આરંભમાં જંતુઓ અને ઠંડીનો ઉલ્લેખ છે. પછી ફલોરેન્સના ઝળાંહળાં થતા રાજમાર્ગોનું વર્ણન છે:

‘હમણાં જ રાજમાર્ગ પરથી નરકનો એક દૂત ધસ્યો
હજુરિયાઓની ભાટાઈ વચ્ચે,
અસંખ્ય અંકોડિયા ક્રૂસથી
શણગારેલી અને અજવાળેલી
એક રહસ્યમય ખાઈ એને વળગીને ગળી ગઈ.

દુકાનોની બારીઓ બંધ છે,
રંક અને નિર્દોષ,
જોકે એ પણ તોપો અને યુદ્ધનાં રમકડાંઓથી સજ્જ છે.
કસાઈએ એનાં બારણાં બંધ કર્યાં છે,
એ ફૂલ લઈને કતલ પામેલાં બાળકોનાં માથાં શણગારશે,

જેમણે લોહી હજુ રેડ્યું નથી એવા ભલા ચાંડાલોનો ક્રિયાકાંડ
પીંખાયેલી પાંખોના મિલન ચકરાવામાં
નદીની ધાર પરનાં પ્રેતમાં પલટાઈ ગયો છે,
નદીનાં જળ તટને કોરી રહ્યાં છે.
હવે કોઈ નિર્દોષ નથી.’

એમાં વિજેતાના સ્વાગતમાં ભાટચારણોની ભાટાઈ જેવી પ્રશસ્તિઓ માટેનો પુરોગામી કવિ દાનન્ઝિઓનો શબ્દપ્રયોગ ‘આલાતા’ અને મનુષ્યના ચિત્તની જે અનિર્વચનીય અંધકારમય અતલ વાસનાઓ માટેનો પુરોગામી સંગીતકાર વાગ્નરનો શબ્દપ્રયોગ ‘ગોલ્ફો મિસ્તિકો’નો ઉલ્લેખ છે. એમાં હિટલર નરકનો દૂત છે. પણ મોન્તાલેએ અહીં એકલા હિટલરમાં જ દુરિત છે એવું દર્શન કર્યું નથી. પણ જે હિટલરનું પૂજન કરે છે અથવા કુતૂહલથી દર્શન કરે છે એવા અસંખ્ય મનુષ્યો અને પોતાના જેવા અનેક કવિઓ- કલાકારો પણ એ દુરિતના સહભાગી છે એનું પણ વર્ણન કર્યું છે. અહીં સીધું, સાદું, સરલ, અતિસરલ દર્શન નથી. એનાથી પર, એનાથી પારનું દર્શન છે. અહીં શ્યામ અને શ્વેત એવો ભેદ નથી, એથી જ એ કકળી ઊઠે છે: ‘હવે કોઈ નિર્દોષ નથી.’ તીવ્ર વેદનાથી ઉચ્ચારેલા આ શબ્દો છે. મોન્તાલે અલગ છે, અળગા છે, છતાં એ સૌ મનુષ્યોની સાથે, મનુષ્ય માત્રની સાથે એક છે. એમના દોષમાં, અસદ્‌ના પાપમાં અને એમની વેદનામાં સહભાગી છે:

‘તો પછી આ બધું શું નિરર્થક થાય છે ?
– આ ધીમે ધીમે ક્ષિતિજોને શ્વેત રંગતી
સાન ગિઓવાનિની રોમન મીણબત્તીઓ,
આ શપથો, આ પ્રતિજ્ઞાઓ જેવા પ્રબળ
દીર્ઘ વિદાયવચનો…’

આ અસદ્‌ની પછવાડે કોઈ હેતુ છે, એ અહેતુક નથી, અકારણ નથી.

‘આ આપણા મૃત્યુને જો મૃત્યુમાં થિજાવી શકે
તો આ ભગ્ન વસંત હજુ પણ રસભર ઋતુ બની શકે.
કદાચને મધુરકંઠી માયાવિનીઓનો,
કાળરાત્રિમાં પાશવીઓને અભિવંદતી
એમની પિશાચી વિધિઓનો ઊઠતો ધ્વનિ
સ્વર્ગમાંથી વહી આવતા સ્વરોની સાથે
દક્ષિણના ખડકોમાં પ્રજ્વલિત જલમાર્ગોની ઉપર
આવતી કાલે જે મનુષ્ય માત્રને માટે કદાચને ફરીથી
ઊગવાની છે તે શ્વેત પણ
ભીષણતાની પાંખો વિનાની
ઉષાના શ્વાસોચ્છ્વાસ સાથે જે ભળી રહ્યો છે;
તે ઊતરે છે, વિજયી થાય છે.’

આમ, મનુષ્ય માત્રને માટે નવી ઉષાની શુભેચ્છા કરે છે. પણ આ પૃથ્વી પર સ્વર્ગ ઊતરી આવે તે પૂર્વે મૃત્યુ અને નરક નિશ્ચિત સરજાશે, અસદ્‌નો વિજય થશે એવું મોન્તાલેનું કાવ્યને અંતે સ્પષ્ટ દર્શન છે. ‘હિટલર વસંત’માં અસદ્‌ને કારણે મનુષ્યની વેદનાનું સંવેદનભર્યું, મનુષ્યની કરુણતાનું કરુણાભર્યું મોન્તાલેનું જે દર્શન અભિધા રૂપે પ્રગટ થાય છે તે એમનાં અન્ય સૌ કાવ્યોમાં વ્યંજના રૂપે પ્રગટ થાય છે. મોન્તાલેની કવિતામાં બુદ્ધના નિર્વાણ પ્રતિ ગતિ છે. આ દર્શન અને આ ગતિ મોન્તાલેને એમની અલગતામાંથી, એમના અળગાપણામાંથી પ્રાપ્ત થયાં છે. ‘ઝંઝા’માં જ નહિ, મોન્તાલેની સમગ્ર કવિતામાં સર્વશ્રેષ્ઠ કાવ્ય છે ‘ઈલ’. ‘અસ્થિ’માં જેમ ‘મોસંબીનાં વૃક્ષ’ એક વિરલ કાવ્ય છે તેમ ‘ઝંઝા’માં અને મોન્તાલેની સમગ્ર કવિતામાં ‘ઈલ’ એક વિરલ કાવ્ય છે. જીવનની કોઈ ધન્ય ક્ષણે મોન્તાલેએ ‘ઈલ’ રચ્યું છે. ‘ઈલ’ એ અસ્તિત્વની આરતી છે, જીવનનું જયગાન છે, પુરુષાર્થની પ્રશસ્તિ છે, આત્મશ્રદ્ધા અને આનંદની સ્તુતિ છે. કાવ્યના પૂર્વાર્ધમાં ઇલની અર્જુનયાત્રા છે, વિદ્યુત જેવા વેગથી અને બળથી સ્થળમાં અને કાળમાં યાત્રા છે; બાલ્ટિક સમુદ્રમાં ઇટલીની નદીઓમાં, નદીઓમાંથી ખડકોમાં, ખડકોમાંથી કાદવમાં, જલમાં અને પૃથ્વીમાં સામે પૂર ઉપરવાસ સાહસયાત્રા છે. આરોહણયાત્રા છે. કાવ્યના ઉત્તરાર્ધમાં ઈલનાં રૂપાંતરો છે; જ્યોત, ચાબૂક, શર, આત્મા, સ્ફુલિંગ, યષ્ટિ, ઇન્દ્રધનુ અને અંતે સ્ત્રીમાં. ઈલ મૃત્યુ દ્વારા પુનર્જન્મની પ્રક્રિયાનું પ્રતીક છે, મૃત્યુ પર જીવનના વિજયનું પ્રતીક છે. ઈલ પૃથ્વી પર સ્વર્ગીય પ્રેમનું પ્રતીક છે, માનવતામાં દિવ્યતાનું પ્રતીક છે. કાવ્યમાં ત્રીસ પંક્તિનું એક જ વાક્ય છે. એમાં ઈલના જેવો જ નિશ્ચયાત્મક વેગ છે, ઈલના જેવી જ સોંસરી ગતિ છે. કાવ્યને અંતે જે સ્ત્રીપાત્ર છે એનું કવિના ચિત્તમાં પ્રારંભથી જ પ્રથમ પંક્તિથી જ અસ્તિત્વ હતું. ઈલમાંથી સાયરન — અર્ધ માછલી, અર્ધ સ્ત્રી અને સાયરનમાંથી સ્ત્રી એવું રૂપાંતર છે. ઈલ અને આ સ્ત્રીપાત્ર દ્વિદલ છે. પરસ્પરની સ્વસા છે. કાવ્યને અંતે જે પ્રશ્ન છે એના ઉત્તરરૂપ સમગ્ર કાવ્ય છે. કાવ્યના પ્રથમ શબ્દ ‘ઇલ’ની કાવ્યના અંતિમ શબ્દ ‘સ્વસા’ પ્રતિ કાવ્યની ઇલના જેવી જ વેગીલી અને સોંસરી ગતિ છે. આ ઈલ એ પૃથ્વી પર પ્રેમનું શર છે. મોન્તાલેએ એનું અર્થઘટન કર્યું છે કે ઈલ એ પૃથ્વી પર ધર્મનું અવતરણ છે. મોન્તાલેએ સ્ત્રીનું અર્થઘટન કર્યું નથી પણ ડેન્ટિએ એને વિશે ગાયું છે:

“મારી પ્રિયા નયનમાં નિજ પ્રેમ ધારે,
જે જે પરે ઢળત દૃષ્ટિ બધું જ તારે.”

‘ઈલ’એ માત્ર ઇલ વિશેનું જ કાવ્ય નથી, પ્રેમ વિશેનું કાવ્ય પણ છે. મોન્તાલેએ આ યુગનાં કેટલાંક મહાન અને ઉત્તમ પ્રેમકાવ્યો રચ્યાં છે. ‘ઈલ’ એ જીવ માત્રની જિજીવિષાને અંજલિ છે. જીવનના સાતત્યનું સ્તોત્ર છે. ‘ઝંઝા’માં અંતિમ વિભાગ છે: કામચલાઉ તારણો અથવા તાત્કાલિક નિર્ણયો. એમાં બે કાવ્યો છે: ‘નાનકડું વસિયતનામું’ — પિકોલ્લો તેસ્તામેન્તો અને ‘કેદીનું સ્વપ્ન’ — ઈલ સોન્યો દેલ પ્રિગિઓનિએરો. મોન્તાલે ભલે આ તારણોને કામચલાઉ કહે, ભલે આ નિર્ણયોને તાત્કાલિક કહે પણ એ કાયમી છે, સર્વકાલીન છે. એમાં એમણે કવિ એટલે શું ? કવિનું મહત્ત્વ શું ? કવિનું સ્થાન શું ? જગતને કવિનો ખપ છે ? જગતને કવિતાનો ખપ છે ? વગેરે પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો છે, પ્રતિબદ્ધતાના યુગમાં આ અપ્રતિબદ્ધ કવિ આ કાવ્યોમાં પોતાનું પ્રમાણપત્ર રજૂ કરે છે. કવિ અસદ્‌નો સાગરીત કદી ન હોય. કવિ અસદ્‌નો, અસદ્‌ અંગેના સત્યનો માત્ર સાક્ષી જ હોય. ‘નાનકડું વસિયતનામું’માં એમણે મનુષ્યજાતિને આ વારસો–વ્હાલાસોયો વારસો ભેટ ધર્યો છે:

‘આ વસ્તુ જે રાત્રિમાં ઝબકે છે
મારા મસ્તકની છાલમાં –
છીપલામાં ગોકળગાય –
ચૂરાયેલો ખડબચડો કાચ –

એ કદી કોઈ દેવળને, ઑફિસના મેજને
અજવાળી નહિ શકે,
એ કદી દીવાની જેમ પેટાવી નહિ શકે
કોઈ પણ લાલ કે કાળો પાદરી.

માત્ર આ ઇન્દ્રધનુ
હું આપતો જાઉં છું મારા પ્રમાણપત્ર તરીકે
મારી પડકારાયેલી શ્રદ્ધાના
ધીમે બહુ ધીમે બળતા કઠણ કાષ્ઠ જેવી
મારી આશાના,
સાચવજો એની રાખને તમારી મંજૂષામાં !
જ્યારે બધા જ દીવા બુઝાઈ જશે
અને નૃત્યમાં નરકનો તાલ હશે

અને અંધકારનો રાજવી લ્યુસિફર દેખા દેશે
વહાણના તૂતક પર, ટેમ્સ, હડસન અને સેન પર
શ્રમથી અરધી તૂટેલી એની અગનપાંખો
વીંઝતો, તમને કહેશે: સમય પૂરો થઈ ગયો છે.
આ વસ્તુ જે હું તમને આપતો જાઉં છું

એ મંત્ર નથી, જે સ્મૃતિના ભાગ ઉપર
લટકતી ઝંઝાને જાકારો આપી શકે.
ઇતિહાસ ઊગે છે આથમે છે ભસ્મમાં,
અને માત્ર નિર્વાણ જ શક્ય છે.
સંકેત સદ્ભાગી હતો, જેણે પણ જોયો છે
એ તમને ફરીથી શોધી કાઢવામાં નિષ્ફળ નહિ જાય,
સૌ પોતાના જાતભાઈને જાણે છે, અમારો ગર્વ
એ અમારું પલાયન ન હતું, તો અમારી નમ્રતા
એ અમારી નામર્દાઈ ન હતી અને ઝીણી જ્યોત
જલે છે તે અમે કોઈ દીવાસળીથી સળગાવી ન હતી.’

આમ, મોન્તાલે પાસે વિચારધારાના કે ઉપદેશધારાના કવિની જેમ કોઈ ઉકેલ કે ઉપાય નથી, કોઈ ઉત્તર નથી. એમની કવિતા માત્ર અસદ્‌ની — અસદ્‌ના અસ્તિત્વની સાખ પૂરે છે. ‘કેદીનું સ્વપ્ન’માં અંતે એ આત્મપરિચય આપે છે:

‘આદિકાળથી અર્થહીનપણે શોધન ચાલી રહ્યું છે.
… …
મેં આજુબાજુ જોયું છે, મેં સર્જ્યાં છે
કરોળિયાના જાળાની ક્ષિતિજો પર મેઘધનુષ્યો,
અગ્નિના સળિયા પર પુષ્પો,
હું ઊઠ્યો છું, પાછો પડ્યો છું
ગર્તામાં, જયાં સૈકો ક્ષણ જેવો હોય છે.

અને ફરીથી સંભળાય છે ધડાકા, પગલાં,
અને હજુ મને ખબર નથી કે મહેફિલમાં
હું ભોક્તા હોઈશ કે ભુક્ત. રાહ લાંબી છે,
તમારા વિશેનું મારું સ્વપ્ન પૂરું થયું નથી.

‘અસ્થિ’માં વૈશ્વિકતા સવિશેષ હતી, એમાં વિશ્વમાંથી વ્યક્તિ પ્રતિ ગતિ હતી. ‘ઝંઝા’માં વૈયક્તિકતા, ઐતિહાસિકતા સવિશેષ છે, એમાં વ્યક્તિમાંથી વિશ્વ પ્રતિ ગતિ છે. એમાં સમકાલીનતા દ્વારા સર્વકાલીનતા સિદ્ધ થાય છે. એમાં નવા સાંસ્કૃતિક સંદર્ભો છે. નવાં પ્રતીકો, પુરાકલ્પનો છે. એમાં સંદર્ભપ્રધાનતા છે. એથી વધુ દુર્બોધતા છે. દિનપ્રતિદિનના અલ્પાતિઅલ્પ અનુભવોથી કાવ્યનો આરંભ થાય છે અને પછી વ્યક્તિત્વનો સદંતર લોપ ન થાય એમ કવિ એ અનુભવોથી દૂરાતિદૂર જાય છે, ‘ઝંઝા’નાં કાવ્યોમાં જાણે કે કવિની અનંત લિપિ છે. જાણે કે મૌનની ભાષા છે, કવિના અંતરતમની લિપિ છે, જેથી વાચકોને આ કવિતા પોતાના અંતરતમમાં જે કંઈ છે એની કવિતા છે એવી પ્રતીતિ થાય એ એનો હેતુ છે. ‘અસ્થિ’માંથી ‘ક્ષણો’ દ્વારા ‘ઝંઝા’ લગીની યાત્રા એ રહસ્યમયતામાંથી પ્રતીકાત્મકતા દ્વારા અતિવાસ્તવિકતા લગીની યાત્રા છે. પણ ‘ઝંઝા’માં કાવ્યના સ્વરૂપમાં વધુ સંયમિતતા, વધુ સઘનતા, વધુ સુશ્લિષ્ટતા, વધુ સુગ્રથિતતા, વધુ પ્રશિષ્ટતા છે. શૈલીમાં વધુ ઓજસ છે. ‘દિવસ અને રાત’ — ગિઓર્નો એ નોતે — ‘મૅગ્નોલિઆની છાયા’ — લોમ્બ્રા દેલા માગ્નોલિઆ — તથા ‘ઇલ’ જેવાં કાવ્યો જેમ એક પછી એક પંક્તિ આગળ વધે છે તેમ પોતે જ પોતાનું સ્વયંભૂ સ્વરૂપ સર્જે છે. પોતે જ પોતાનો ઐચ્છિક આકાર સર્જે છે. અને અંતે શોકમાં કે આનંદમાં પરાકાષ્ઠા સિદ્ધ કરે છે. ‘ઝંઝા’નાં કાવ્યોમાં જીવ, જંતુ, પશુ, પંખી, વનસ્પતિ આદિ વધુ સંખ્યામાં છે. ક્યારેક તો એમની નામાવલિની જ પંક્તિઓ છે. અહીં ‘અસ્થિ’ અને ‘ક્ષણો’માં જે સ્ત્રીપાત્ર હતાં એનાથી કંઈક ભિન્ન એવાં સ્ત્રીપાત્રો છે. મૌલિક પ્રતીકો અને પુરાકલ્પનો દ્વારા એ પ્રગટ થાય છે. આ સ્ત્રીપાત્રો કવિના આંતરવિશ્વનાં રૂપકો છે. કવિના કાલ્પનિક સંવાદોમાં ઉત્તરદાતા છે. ‘ઝંઝા’નું સંપૂર્ણ શીર્ષક છે ઃ ‘ઝંઝા અને અન્ય’. આ ‘અન્ય’ તે આ સ્ત્રીપાત્રો છે. પૂર્વના સ્ત્રીપાત્રો માનુષી હતાં, પેગન હતાં, આ સ્ત્રીપાત્રો દૈવી છે, દિવ્ય પણ છે. ક્રિસ્ટીઅન ડાઓટિમાઓ છે. એ ધાર્મિકતાનાં પ્રતીકો છે. મોન્તાલેમાં ભલે શ્રદ્ધા નથી, કોઈ રાજ્યસંસ્થા કે ધર્મસંસ્થામાં શ્રદ્ધા નથી, એમને કોઈ ધર્મશાસ્ત્ર નથી પણ એમનામાં ધાર્મિકતા છે. આ સ્ત્રીપાત્રો, અંતે, કવિના પ્રેમનાં પ્રતીકો છે. કવિની કરુણાનાં પ્રતીકો છે. ૧૯૬૦માં મોન્તાલેનો વારતા આદિ ગદ્ય લખાણોનો સંગ્રહ ‘ફારફાલા દિનાર્દ’ પ્રસિદ્ધ થયો. ૧૯૬૨માં એમનો છઠ્ઠો કાવ્યસંગ્રહ ‘સતુરા’ પ્રસિદ્ધ થયો. એ જ વરસમાં એમને ફેલ્તિનેરિ પુરસ્કાર અર્પણ થયો. ૧૯૬૬માં ૧૯૨૫થી ૧૯૪૩ લગીના સમયના કલા અને સાહિત્ય વિશેના વિવેચન નિબંધોનો સંગ્રહ ‘ઓતો દા ફે’ પ્રસિદ્ધ થયો. એ જ વરસમાં પત્નીના મૃત્યુ પરના શોકકાવ્ય ‘ઝેનિઆ’નું ખાનગી પ્રકાશન થયું. ૧૯૬૭માં કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી એમને ડી. લિટ.ની માનદ્ ઉપાધિ અર્પણ કરવામાં આવી. એ જ વરસમાં એમને ઇટલીની સેનેટનું આજીવન માનદ્ સભ્યપદ અર્પણ કરવામાં આવ્યું. ૧૯૭૩માં એમનો સાતમો કાવ્યસંગ્રહ ‘દિઆરિઓ દેલ ૭૧ એ દેલ ૭૨’ પ્રસિદ્ધ થયો. મોન્તાલેના છેલ્લા દોઢેક દાયકાનાં કાવ્યોમાં પૂર્વેની મિતભાષિતા નથી, ક્યારેક નર્યું કથન છે, મુખ્યત્વે સરળ કથનો છે. કવિના અંગત જીવનનો અને અંગત અનુભવોનો કંઈક વધુ પરિચય થાય છે. ‘ઝેનિઆ’નો અંગ્રેજી અનુવાદ થોડાક વરસો પહેલા ‘ધ લંડન મૅગેઝિન’માં પ્રસિદ્ધ થયો છે. ‘ઝેનિઆ’માં બે વિભાગ છે. પ્રત્યેક વિભાગમાં ચૌદ ખંડ છે. એમાં પણ એમનો અલગતાનો, અળગાપણાનો અનુભવ છે:

‘લોકો કહે છે મારી કવિતા
કોઈને વરી નથી.

પણ જો એ તને વરી હોય
તો એનો અર્થ એ કે કોઈને વરી હતી.

જુદાં કે ભેગાં
આપણે એક છીએ
એ જાણીને પણ મને શાંતિ નથી.’

કાવ્યને અંતે કવિપત્નીને કવિની ભવ્ય અંજલિ છે. આ એકલતાના, અળગાપણાના કવિની અંજલિ છે, એથી આ ભવ્ય અંજલિ છે:

‘હું પણ ગળા સુધી ઘેરાયેલો છું
આરંભથી જ મારા સ્વત્વ વિશે શંકાઓ
સેવવામાં આવી હતી એથી,
મને કંઈ ધુમ્મસે ઘેર્યો નથી, પણ
કોઈ કદી જે માની નથી એવી
આશ્ચર્યજનક વાસ્તવિકતાઓની ઘટનાઓથી
હું ઘેરાયેલો છું.
આ બધાંની સામે થવા મારું બળ
એ તારી સૌ પ્રથમ ભેટ હતી,
અને એ તું જાણતી પણ નથી.’

‘ઝેનિઆ’ વિશે તો સ્વતંત્ર લેખ લખાય તો જ સંતોષ થાય. અહીં કાવ્યજિજ્ઞાસુઓને કાવ્ય વાંચવાની ભલામણથી જ સંતોષ માનવો રહ્યો. મોન્તાલેની કવિતા એ એમની ખાનગી ડાયરી જેવી છે. પ્રતિબદ્ધતાના યુગમાં એ અપ્રતિબદ્ધ હતા. એ અલગ હતા, અળગા હતા, સમય કે સમાજના દબાણને એ કદી વશ થયા ન હતા, કોઈ પક્ષનો કે સંસ્થાનો એમની પર પ્રભાવ પડી શક્યો ન હતો. એમની કવિતામાં ક્યાંય સમાધાન નથી, બાંધછોડ નથી. ખુશામતખોરી નથી, સોદાબાજી નથી, શરણાગતિ નથી. દુર્બોધતા, હર્મેટિસિઝમ એ એમની કવિતામાં કોઈ શોખ કે રમત નથી, બુદ્ધિની કરામત કે કારીગીરી નથી. પણ એક સર્જક તરીકેની, કલાકાર તરીકેની એમની આંતરિક અનિવાર્ય જરૂરિયાત છે. એમણે જીવનભર ‘ઝંઝા’ની વચ્ચે ‘ક્ષણો’માં ‘અસ્થિ’નું દર્શન કર્યું છે. એમના અંગત જીવનની બાહ્ય ઘટનાઓ વિશે એમાં કશું પ્રાપ્ત થતું નથી. એમાં અસ્તિત્વ, વિશ્વ, મનુષ્યજાતિ, મનુષ્યજીવન આદિના અર્થોની શોધ પ્રાપ્ત થાય છે. એથી એમની અલગતા, એમનું અળગાપણું અપ્રસ્તુત કે અપારદર્શક નથી. એમની કવિતામાં ઇતિહાસ નથી, ધર્મ છે; જ્ઞાન નથી, પ્રેમ છે. ‘અન્ય પાસેથી, સ્ત્રીપાત્ર પાસેથી અસદ્‌ શાથી છે ?’ એ પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત થતો નથી. એથી જ્ઞાન નથી, કેવળ કરુણા છે. ડેન્ટિને પણ ‘પેરેડિસો’ને અંતે પૂર્ણ પ્રકાશનું દર્શન થયું નથી. એમની આંખ અંજાઈ ગઈ હતી અને કંઈ જોઈ શકાયું ન હતું. સૂર્યચંદ્રગ્રહતારાને પણ પ્રકાશ અર્પણ કરનાર એ પરમ પ્રકાશની એમાં અભીપ્સા છે, ઝંખના છે. મોન્તાલેએ પણ એમના આ સ્ત્રીપાત્ર ‘અન્ય’ દ્વારા પ્રેમ અને કરુણાની કવિતા રચી છે, આપણા યુગની વિરલ કવિતા રચી છે. મોન્તાલે સમયમાં કે સમાજમાં બદ્ધ નથી, એનાથી એ મુક્ત છે એથી જ એમનામાં સમય અને સમાજ વિશેની વધુ સાચી સૂઝસમજ છે, એ અસદ્‌ના સાગરીત નથી, સાક્ષી છે. એથી જ એમનામાં અસદ્‌નું વધુ સ્વચ્છ દર્શન છે. આ અર્થમાં મોન્તાલેની કવિતા એ માત્ર કવિની ખાનગી ડાયરી નથી, આધ્યાત્મિક આત્મકથા નથી, પણ આપણા યુગની — સૌ યુગોની કથા છે, મનુષ્યજાતિની, મનુષ્ય માત્રની જીવનકથા છે, અર્જુનયાત્રા છે. મોન્તાલેની કવિતામાં જાત અને જગત સાથેનો સતત સંવાદ છે, આ સંવાદ સાદ્યંત એક જ શૈલીમાં છે. આ સંવાદમાં શૂન્યતા વિશે, નિર્વાણ વિશે વિદ્યુતવેગીલું, ક્ષણમાં ઝબકી શૂન્યમાં નિર્વાણ પામતું, એમની ‘ઈલ’ જેવું હાથમાં ઝાલ્યું ન ઝલાય એવું, એમના ‘આર્સેનિઓ’ના જીવનમાં છે છે અને નથી નથી જેવું, જે આવ્યું અને આવ્યું તે પૂર્વે જ ચાલ્યું ગયું એવું દર્શન છે. મોન્તાલેની કવિતાનો વિષય છે કાળ, સ્મૃતિ, ક્ષય, મૃત્યુ, અંત, પ્રલય વગેરે. સૌ અર્થોમાં કાળ–કાળની ગતિને કારણે જીર્ણતા, જરા, મૃત્યુ છે. એને કોઈ રોકી-ટોકી શકે નહિ, અટકાવી-થંભાવી શકે નહિ, બદલી-પલટી શકે નહિ. જાહેરજીવન જૂઠ છે, બાહ્યજગત છલ છે. હિટલર, મુસોલિની, રાજ્યસંસ્થા, ધર્મસંસ્થા, પક્ષ, વાદ–આ સૌના આક્રમણ સામે વ્યક્તિએ એના વ્યક્તિત્વનું, સ્વત્વનું, સત્ત્વનું રક્ષણ કરવું જોઈએ. અને તો જ એ મૂલ્યોની માવજત કરી શકે. મોન્તાલેની કવિતાનું આ સમાજદર્શન એ એમના મહાશૂન્ય વિશેના વિરાટ દર્શનનો એક અંશ માત્ર જ છે. મોન્તાલેની સંપૂર્ણ નિષ્ઠા સ્વ અને શબ્દમાં સમર્પિત છે, એ એમનું અર્પણ અને સમર્પણ છે. મોન્તાલે અને કવિતાનું અદ્વૈત છે. એમની કવિતામાં નિર્વેદ છે. પણ એમની બૌદ્ધિક પ્રામાણિકતા નિર્વિવાદ છે. મોન્તાલે શબ્દનિષ્ઠ છે, શબ્દપ્રતિષ્ઠ છે. આવા કવિની કવિતા પાસેથી આશ્વાસનની અપેક્ષા ન હોય, શ્રદ્ધાની પણ અપેક્ષા ન હોય. પ્રસિદ્ધ ઇટાલિયન વિવેચક ગ્લૉકૉન કામ્બોએ એથી જ મોન્તાલે વિશે આમ કહ્યું છે, ‘મોન્તાલે આપણને કદી કાર્યક્રમો નહિ આપે, માત્ર ‘ક્ષણો’ આપશે આશ્ચર્યની, વેદનાની, સ્વપ્નની ક્ષણો; વાસ્તવ સાથેના આકસ્મિક સંવાદો, સિદ્ધાન્તમાં સારવી-તારવી ન શકાય એવા ગુહ્ય જ્ઞાનના ચમકારા. જે એમની મર્યાદા છે એ એમનું મૂલ્ય પણ છે. કવિ પાસેથી આપણે આ સિવાય બીજા શેની આશા-અપેક્ષા રાખી શકીએ ? આપણા જગતમાં શ્રદ્ધા — બલકે એમાં જીવવાની શક્યતામાં અને એને સુધારવાની શક્યતામાં શ્રદ્ધા તો આપણે આપણા પોતામાંથી જ શોધવી રહી.’ આપણા યુગમાં મનુષ્ય મનુષ્ય વચ્ચેનો સંવાદ એ એક મહાપ્રશ્ન થયો છે ત્યારે કવિ-કલાકાર કેવળ એની અલગતા દ્વારા જ અન્ય મનુષ્યો સાથે સંવાદ રચી શકે એવી મોન્તાલેની અવળવાણી છે. આવતી કાલે પણ મનુષ્ય માત્રની વિઘાતક અલગતાનો પ્રતિધ્વનિ જે પોતાના અળગા મનુષ્યો તરીકેના અવાજ દ્વારા જગતને સંભળાવશે તેવા કલાકારોનો અવાજ સૌથી વધુ મહત્ત્વનો અવાજ હશે. આ અર્થમાં, જેઓ અળગા છે માત્ર તેઓને જ અવાજ છે. બીજાઓ જે સમૂહોની સાથે સંવાદ રચે છે તેવાઓ તો કવિના શબ્દોના પુનરુચ્ચારણો કરે છે, પડઘા પાડે છે, ચાળા પાડે છે અને એમને વિકૃત કરે છે. કવિના શબ્દો આજે શ્રદ્ધાના શબ્દો નથી. પણ કોઈ દિવસ કદાચને એ શ્રદ્ધાના શબ્દો થાય એ દિવસ મોન્તાલે માટે હમણાં જ આવ્યો, જ્યારે મોન્તાલેના શબ્દો એ શ્રદ્ધાના શબ્દો છે એવું સ્ટોકહોમમાં જાહેર થયું ત્યારે. મોન્તાલેને નોબલ પુરસ્કાર એ કવિના આ અળગાપણાના, કવિની આ એકલતાના અધિકારને પુરસ્કાર છે. પણ મોન્તાલેએ સમુદ્રમાં એક શીશી નાંખી છે. ‘ઝંઝા’માં ‘વણલખ્યા એક પત્ર વિશે’ કાવ્યમાં એ શીશી વિશેનું રહસ્ય છે:

‘…અને હજુ
ધસી આવતા ખડકોની વચ્ચે તું વસે છે
ત્યાં લગી સમુદ્રમાંથી એ શીશી પહોંચી નથી,
તરંગો, ખાલી તરંગો તટ પર અથડાય છે,
ફિનિસ્તેરીના તટ પર.’

એ શીશી તો હજુ ફિનિસ્તેરીના કે સ્વીડનના કે અન્ય કોઈ તટ લગી પહોંચી નથી. એ શીશીમાં શું હશે ? અસદ્‌ સાથી છે ? એ પ્રશ્નનો ઉત્તર હશે ? એ શીશી અનંતકાલમાં કોઈ તટ પર કોઈના લગી પહોંચશે ? આવા આવા આપણા પ્રશ્નો, જો મોન્તાલેને પૂછીશું તો એ એનો ઉત્તર આપશે, એમની હર્મેટિક ભાષામાં ભારપૂર્વક ઉત્તર આપશે: ના.

૧૯૭૫


ઇલ
 

(ઈલ એ એની ચામડી પર સતત સ્રવતા રસને કારણે હાથમાં ઝાલી ન ઝલાય એવી ચમકતી સર્પાકાર માછલી છે. એ જન્મે છે સમુદ્રમાં અને જીવવા માટે હજારો માઈલનો પ્રવાસ કરીને જાય છે નદીઓનાં ઉપરવાસમાં અને બચ્ચાંને જન્મ આપવા માટે પાછી આવે છે સમુદ્રમાં. કવિ અહીં ઇલને અનેક પ્રતીકો સાયરન–અર્ધ માછલી, અર્ધ સ્ત્રી, જ્યોત, ચાબુક, શર, આત્મા, સ્ફુલિંગ, યષ્ટિ, ઇન્દ્રધનુ અને અંતે જેને ‘તું’ કહીને સંબોધી છે તે માનવ સ્ત્રી દ્વારા જુએ છે.)

ઇલ, સાયરન
થીજેલા સમુદ્રની, બાલ્ટિક ત્યજે છે
આવી પહોંચવા આપણા સમુદ્રમાં,
આપણી નદીઓના મુખમાં, આપણી નદીઓમાં,
ચડે છે, ઊંડે ને ઊંડે, સામે પૂર, ઉપરવાસ,
એક શાખામાંથી બીજી શાખામાં, પછી
એક નસમાંથી બીજી નસમાં, સાંકડી,
અંદર ને અંદર, ઊંડે ને ઊંડે, હૈયામાં

ખડકના, સરતી
કાદવના કૂપમાં, અંતે એક દિવસ
ચેસ્ટનટ વૃક્ષોમાંથી ધસતો પ્રકાશ
પકડી પાડે છે એના ઝબકારાને બંધ જળાશયોમાં,
ખાબોચિયાઓમાં, ઢળતાં જે
ઍપેનાઇનનાં શૃંગો પરથી રોમાન્યામાં,

ઈલ, જ્યોત, ચાબુક,
પૃથ્વી પર પ્રેમનું શર,
જેને માત્ર આપણી નીકો, અથવા શુષ્ક
પીરીનીઝની ખાડીઓ પાછી લઈ જાય છે

ફળદ્રુપતાના સ્વર્ગમાં;
હરિત આત્મા શોધે છે
જીવનને ત્યાં, જયાં માત્ર
પ્રજ્વલિત શુષ્કતા અને રિક્તતા કોરી ખાય છે,

સ્ફુલિંગ કહી રહ્યું છે:
બધાનો આરંભ ત્યારે થાય છે જ્યારે બધું જાણે
ભસ્મીભૂત થાય છે, કજળેલી યષ્ટિ;
ક્ષણિક ઇન્દ્રધનુ, દ્વિદલ
તારી પાંપણોની વચ્ચે તેં જે જડ્યું છે એનું,
અને જેને તું જ્વલંત રાખે છે, અકબંધ, પુત્રો વચ્ચે
મનુષ્યના, જેઓ તારી ગર્તામાં ખૂંપ્યા છે, માની ન શકે
તું કે આ તારી સ્વસા છે ?

*