સ્વાધ્યાયલોક—૩/સાલ્વાતોરે ક્વાસીમોદો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાલ્વાતોરે ક્વાસીમોદો

૧૯૫૯ના ઑક્ટોબરમાં સ્વીડનની નૉબેલ પ્રાઇઝ સમિતિએ ઇટલીના કવિ સાલ્વાતોરે ક્વાસીમોદો(જ. ૧૯૦૧)ને એની કવિતા માટે સાહિત્યનું નોબેલ પ્રાઇઝ અર્પણ કરીને ઇટલીની બહાર અને ઇટલીની અંદર પણ અલ્પપરિચિત એવા આ કવિની જ કવિતા પ્રત્યે માત્ર નહિ, પણ ૨૦મી સદીના પૂર્વાર્ધમાં ઇટાલિયન કવિતાએ જે અભૂતપૂર્વ આધુનિકતા સિદ્ધ કરી છે એ પ્રત્યે આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આસિસીના સંત ફ્રાન્સિસ (૧૧૮૬ — ૧૨૨૬)ના સરલમધુર કૅન્ટિકોથી ૧૨મી-૧૩મી સદીમાં આરંભ પામતી ઇટાલિયન કવિતાએ એના ઇતિહાસમાં વચમાં ૧૩મી-૧૪મી સદીમાં કેવેલકેન્ટી (૧૨૫૫–૧૩૦૦), ડેન્ટિ (૧૨૬૫–૧૩૨૧) અને પેટ્રાર્ક (૧૩૦૪–૧૩૭૪) આદિ મધ્યકાલીન કવિઓની જગપ્રસિદ્ધ મહાન કવિતાના સર્જન પછી ૧૯મી સદીના આરંભમાં લિયોપાર્ડી (૧૭૯૮–૧૮૩૭)ની કવિતા દ્વારા આધુનિકતા–એ શબ્દના સાચા અર્થમાં — પ્રથમ વાર જ સિદ્ધ કરી. ૨૦મી સદીમાં કેમ્પાના (૧૮૮૫–૧૯૩૨), યુન્ગેરેટી (જ. ૧૮૮૮), મોન્તાલે (જ. ૧૮૯૬) અને ક્વાસીમોદો (જ. ૧૯૦૧) — મુખ્યત્વે આ ચાર કવિઓએ આ આધુનિકતાને પોતપોતાની આગવી અવનવીન મૌલિક, સ્વતંત્ર રીતે વિકસાવી અને સમૃદ્ધ કરી. વ્યવસાય તરીકે મિલાનોની ઍકેડેમી ઑફ મ્યુઝિકમાં સાહિત્યના અધ્યાપક તરીકે કામ કરતા અને વ્યક્તિ તરીકે વાતવાતમાં વેરીઓ ઊભા કરતા અને વારંવાર એમનું સ્મરણ કરતા આ કવિએ ૫૮ વર્ષની વયે પોતાને નોબેલ પ્રાઇઝ અર્પણ થયાની જાહેરાત સાંભળી ત્યારે તાત્કાલિક આનંદ, આશ્ચર્ય અને આઘાત એમ ત્રણે મિશ્ર લાગણીઓ અનુભવીને મૌન ધારણ કર્યું હતું. ઇટલીના વિવેચકોએ આઘાત અનુભવીને રોષ ધારણ કર્યો હતો. (સ્વીડનના જ એક સન્માન્ય પત્રે પણ આ વિવેચકો સહર્ષ સ્વીકારે એવી ‘એક સામાન્ય કવિનું સન્માન’ એવી ટકોર કરી હતી.) ઇટલીમાં કવિના એક વાલેશરીએ તો એવી વાત પણ વહેતી કરી હતી કે વર્ષોથી નોબેલ પ્રાઇઝની લાલચે આ કવિ પોતાની કવિતાનું પ્રકાશન પોતાને હિસાબે ને જોખમે સ્વીડનમાં કરાવતો હતો. ઇટલીની બહાર આ કવિના નામથી અલ્પપરિચિત એવા અલ્પસંખ્ય રસિકજનોએ આશ્ચર્ય અનુભવીને મૂંઝવણ પ્રગટ કરી હતી. માત્ર સામ્યવાદ-તરફીઓએ આનંદ અનુભવીને અભિમાન પ્રગટ કર્યું હતું. કવિએ જ્યારે આ પ્રદાન વિશે મૌનભંગ કર્યો ત્યારે એનું ‘યુદ્ધમાં એકલે હાથે ઝૂઝી ઝઝૂમીને વરેલો વિજય’ એવું વર્ણન કર્યું હતું. સામ્યવાદીઓના સહપ્રવાસી એવા કવિના આ વર્ણનનો રાજકીય જે અર્થ થતો હોય તે ભલે થાય, એની સાથે અહીં આપણને કંઈ જ સંબંધ નથી; પણ સાહિત્યના સંદર્ભમાં અને સવિશેષ ઇટાલિયન કવિતાના સંદર્ભમાં એનો વિશિષ્ટ અર્થ થાય છે. સર્જક માત્ર એકલપંથી છે, તો વળી ઇટાલિયન કવિતાનો તો સમગ્ર ઇતિહાસ આવા એકલપંથી સર્જકોનું જ સર્જન છે. ઇટાલિયન કવિતાના આઠ સદીના સમગ્ર ઇતિહાસમાં કવિઓની કોઈ સ્કૂલ નથી, એમનો કોઈ પંથ કે વાડો નથી, કોઈ સર્વમાન્ય અને સર્વસામાન્ય શૈલી કે રીતિ નથી, કોઈ સંયુક્ત અને સંગઠિત પ્લૅન કે પ્રોગ્રામ નથી. ૧૩મી સદીના સિસિલિયન્સને નામે કે ૧૪મી સદીના ટરકન્સને નામે સુપરિચિત એવા બે કવિકુલોની કવિતામાં ઉપલક દૃષ્ટિએ ભલે સામ્ય લાગે, પણ ઊંડી દૃષ્ટિએ એ કુલના પ્રત્યેક કવિની કવિતા મૌલિક અને સ્વતંત્ર છે, એમાં પ્રત્યેક કવિનો અવાજ આગવો છે, ભાષા ભિન્ન છે, શૈલી અવનવીન છે. આ એકલપંથી કવિની કાવ્યયાત્રાનો આલેખ એના અલ્પસંખ્ય પણ બહુમૂલ્ય કાવ્યસંગ્રહોમાં પ્રાપ્ત થાય છે. ૧૯૩૦માં એનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘Acque e terre’ (જલ અને પૃથ્વી) પ્રગટ થયો, એમાં એની કવિપ્રતિભાનો અણસારો અવશ્ય આવે છે; જોકે એની પરિપક્વતા પાછળથી યુદ્ધકાલીન અને યુદ્ધોત્તર સંગ્રહોમાં પ્રગટ થાય છે. એમાં ઈટાલિયન બાનીની જગપ્રસિદ્ધ અને પરંપરાગત મધુરતા અને સરલતા છે. એમાં શૈશવના પરીપ્રદેશ સિસિલીનું, એની પ્રકૃતિના સૌંદર્યનું વર્ણન અને દર્શન છે. આ સંગ્રહ પૂર્વજ કવિ ટેસો (૧૫૪૪-૧૫૯૫)ની રોમેન્ટિક કવિતાનું સ્મરણ કરાવે છે. એકંદરે આ સંગ્રહના વસ્તુમાં પોચટ અતીતપ્રેમ છે, એની શૈલીમાં સુષ્ઠુ સુંવાળપ છે એમ લાગે. પણ કવિએ આ કવિતાનું સર્જન શૈશવના સ્વર્ગમાંથી જાણે કોઈએ દેશવટો દીધો હોય એમ ક્ષીણે પુણ્યે ઉત્તરના મર્ત્યલોક મિલાનોમાં પ્રતિકારી અને પ્રતિકૂળ વાતાવરણની વચ્ચે વસીને કર્યું છે. એથી આ કવિતા માત્ર મધુર નથી, પણ કરુણમધુર છે. એની બાનીમાં પરંપરાગત પ્રસાદ ઉપરાંત આધુનિક ઓજસ્ છે. એના શબ્દોમાં દક્ષિણ ઇટલીની સિસિલીની પ્રાચીન ગોપસંસ્કૃતિની સુંવાળપ ઉપરાંત સિસિલીથી આલ્પ્સ લગીની ઉતર ઇટલીની આધુનિક નગરસંસ્કૃતિની કર્કશતા છે. આ સંગ્રહના સર્વશ્રેષ્ઠ કાવ્ય ‘Vento a Tindari’ (ટિન્ડારીમાં વાતો વાયુ)માં પ્રાચીન અને અર્વાચીનના આ કરુણમધુર મિશ્રણનો અને કવિની મૌલિકતાનો પૂરો પરિચય થાય છે. ક્વાસીમોદોની પ્રારંભની કવિતામાં પરંપરાગત કાવ્યસ્વરૂપો અને ટૂંકી પંક્તિઓ પ્રત્યે પક્ષપાત છે, પણ ઉત્તરોત્તર એમાં સુદીર્ઘ લયહિલ્લોલ અને સચોટ ગતિ પ્રતિ વિકાસ થયો છે. એક જ સીધા, સાદા, સરલ પ્રતીકમાં સંકુલ અર્થસૌંદર્ય કેન્દ્રિત કરવાની ક્વાસીમોદોની કલા અસાધારણ છે. ક્વાસીમોદો સાવધાન, સભાન અને સજાગ કવિ છે. અનિવાર્ય હોય ત્યારે જ એનો અવાજ પ્રગટ થાય છે. એનો સંયમ અદ્ભુત છે, એનું ધૈર્ય અપૂર્વ છે. પ્રકૃતિ અને માનવપ્રકૃતિ પ્રત્યે એ તીવ્ર અને સૂક્ષ્મ સંવેદન અનુભવે છે. માનવહૃદયના છટકણા ભાવોની એને ભારે સૂઝ-સમજ છે. એનું સર્જન વિપુલ નહિ પણ વિરલ છે, બહુસંખ્ય નહિ પણ બહુમૂલ્ય છે. ક્વાસીમોદોની કવિતાનો આ સમગ્ર વિકાસ એના વિશ્વયુદ્ધના અનુભવને આભારી છે. ક્વાસીમોદોની પ્રારંભની કવિતામાં એનો કેન્દ્રવર્તી અનુભવ શોકનો છે. ચાલુ સદીના ચોથા દાયકામાં ફાસિઝમ અને વિશ્વયુદ્ધ તથા પાંચમા દાયકામાં યુદ્ધોત્તર ઇટલીના છિન્નભિન્ન દેહ અને આત્માના પુનઃસર્જનના અનુભવથી આ શોક દિનપ્રતિદિન વધુ ને વધુ સબળ બન્યો. યુદ્ધસમય દરમ્યાન રચેલાં વીસ કાવ્યોનો સંગ્રહ ૧૯૪૭માં ‘Giorno dopo Giorno’ (દિનપ્રતિદિન)ને નામે જ પ્રગટ થયો છે. માતૃભૂમિના ભાવિ વિશેની ઊંડી ચિંતા દ્વારા એ સમગ્ર મનુષ્યજાતિના ભાવિ પ્રત્યે સચિંત બન્યો. અને એથી જ એ માત્ર ઇટલીનો કવિ ન રહ્યો પણ યુરોપનો અને સમગ્ર મનુષ્યજાતિનો કવિ બન્યો. યુદ્ધનાં વર્ષોમાં એણે સ્વદેશના સૌંદર્યનો હ્રાસ જોયો, મનુષ્યના ગૌરવનો નાશ જોયો, રક્તપાતની ભયાનકતા જોઈ, મહામૃત્યુની ભીષણતા જોઈ. છતાં એની કવિતામાં નિરાશા કે નિર્વેદ નથી, કેવળ કરુણા અને પ્રેમ છે. આધુનિક મનુષ્યના જીવનમાં પાર વિનાની નિષ્ફળતા, નિરાધારતા અને નિઃસારતા છે. છતાં એનો આત્મા હજુ કોઈ પરમ-ચરમ તત્ત્વને ઝંખે છે, એને માટે ઝૂઝે-ઝઝૂમે છે એની એને પાકી પ્રતીતિ છે. એને મનુષ્ય માટે આશા છે, આવતી કાલમાં શ્રદ્ધા છે. મનુષ્ય અને એના ભાવિ ભણી સમભાવ અને સહાનુભૂતિથી નજર નાંખનાર આ યુગના વિરલ કવિઓમાંનો એક કવિ ક્વાસીમોદો છે. એના સર્વશ્રેષ્ઠ કાવ્ય ‘Uomo del mio Tempo’ (મારા યુગનો મનુષ્ય)માં આધુનિક મનુષ્યના પુરુષાર્થને એણે ભવ્યસુંદર અંજલિ અર્પી છે. કરુણા, પ્રેમ, આશા અને શ્રદ્ધાપૂર્વક મનુષ્ય અને એના ભાવિ વિશે સતત સચિંત એવો આ કવિ નોબેલ પ્રાઇઝનો અને આપણાં વંદન-અભિનંદનનો અધિકારી છે.

૧૯૬૦


                           ટિન્ડારીમાં વાતો વાયુ
ટિન્ડારી, વિસ્તૃત ટેકરીઓની વચ્ચે તારી મૃદુતા મેં અનુભવી છે. દેવોના પ્રિયમધુર ટાપુઓની આસપાસના જલ પર તું કેવી ઝૂમે છે. આજે તું મને ઘેરી વળી છે અને મારા હૃદયમાં ઢળી છે.
હું શિખરો ચડું છું, ભેખડોમાં ભમું છું, પાઇનવૃક્ષોમાંથી વાતા પવનને ઝંખું છું. જે વૃંદે મારો વહાલથી સંગ કર્યો હતો તે હવામાં વહી જાય છે — એ સૌ અનુરાગ અને અવાજોના તરંગો. જેનો મેં અન્યાયથી ત્યાગ કર્યો છે તેની પાસેથી, છાયા અને મૌનના ભયમાંથી, એક વેળાની અવિચલ ધન્યતાના તિરસ્કારમાંથી અને આત્માના મૃત્યુમાંથી તું મને તારી પાસે લઈ લે છે.
દિનપ્રતિદિન હું જ્યાં ઊંડો ને ઊંડો ઊતરતો જાઉં છું અને ગોપન કવિતા સર્જું છું એ ભૂમિ તને અપરિચિત છે.
અન્ય પ્રકારનો પ્રકાશ તને તારા ઝરૂખે પ્રગટ કરે છે, અન્ય પ્રકારના રાત્રિપરિધાનની પાર્શ્વભૂમિકામાં; અને જે ઉમંગ હવે મારે હૈયે નથી ઊછળતો એ તારા ઉમંગમાં ઊછળે છે.
દેશવટો કેવો ક્રૂર છે ! તારામાં પર્યવસાન પામતી મારી સંવાદિતાની સાધના હવે અકાલ મૃત્યુની ચિંતામાં પલટાઈ ગઈ છે. મારો પ્રથમ પ્રેમ વેદનાની સામે ઢાલ બની ગયો છે, જ્યાં હું કડવો રોટલો ભાંગી ખાઉં છું એ અંધકારમાં અરવ પદધ્વનિ બની ગયો છે.
ટિન્ડારી, તું પાછી આવ, મારી શાંતિ પાછી લાવ; હે પ્રિય મિત્ર, મને જાગ્રત કર, જેથી આ ખડક પરથી સ્વર્ગમાં મારી ઉન્નતિ થાય, જેથી કયા ગહન વાયુએ મને શોધ્યો છે એ જેઓ નથી જાણતા તેઓને માટે હું ભયભીત છું એવો ભ્રમ ઊભો કરું.

                           મારા યુગનો મનુષ્ય
હજુ તો તું એનો એ જ છે, પથ્થરનો ને ગોફણનો, હે મારા યુગના મનુષ્ય ! તું જ યુદ્ધભૂમિ પર હતો, તારી દુષ્ટ પાંખો સાથે, તારા મૃત્યુના મહાસામ્રાજ્યમાં તું જ હતો. મેં તને દીઠો છે — જ્વાળાઓના રથ પર આરૂઢ, ફાંસીના માંચડા પર લટકતો, યાતનાના ચક્કરમાં ઘૂમતો મેં તને દીઠો છે. એ તું જ હતો. વિસર્જનને પ્રેરનારા તારા પ્રખર જ્ઞાનવિજ્ઞાનસહિત, પણ પ્રેમરહિત, પરમેશ્વરરહિત ! તું વળી વળીને મારે-સંહારે છે. હરહંમેશની જેમ, તારા પૂર્વજોની જેમ; પ્રથમવાર જ પોતે જેમની નજરે પડ્યાં તે સૌ પશુઓને મારનાર-સંહારનાર તારા પૂર્વજોની જેમ. હજુ એ રક્તની ગંધ એવી ને એવી તાજી છે, જેવી જે દિને એક ભાઈએ બીજા ભાઈને કહ્યું હતું, ‘ચાલ, મેદાનમાં ચાલ’ તે દિને હતી તેવી જ. અને એનો પડઘો, થીજેલો અને જડ પડઘો આજે પણ તારી પૂંઠે પડ્યો છે, આજે પણ આ તારા યુગમાં ગાજી રહ્યો છે. હે સંતાનો ! પૃથ્વીમાંથી ઊઠેલા આ રક્તમેઘને તમે ભૂલી જાઓ! તમારા પૂર્વેજોને તમે ભૂલી જાઓ ! એમની કબરો તો માટીમાં મળી ગઈ છે. એમનું હૃદય તો શ્યામ પંખીઓ અને પવનથી ઢંકાઈ ગયું છે.

*