સ્વાધ્યાયલોક—૩/સૈનિકમાંથી સંત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૈનિકમાંથી સંત

૧૯૮૨માં સપ્ટેમ્બરની ૧૬મીથી ઑક્ટોબરની ૧૬મી લગી એક મહિનો મેં પગવાટે પૅરિસનો પ્રવાસ કર્યો હતો. ત્યારે ઑક્ટોબરની ૧લીએ મોંમાર્ત્ર વિસ્તારમાં ફરતો ફરતો બપોરના બારેક વાગ્યે Rue Yvonne-Le-Tac(ર્‌યુ ઇવોન્ન-લ-તાક)માં આવી પહોંચ્યો. અહીં ૯ નંબરનું મકાન એ એક દેવળ — Eglise de la Notre Dame de Montmartre (ઍગ્લિસ દ લા નોત્ર દામ દ મોંમાર્ત્ર) છે. ૩જી સદીમાં આ સ્થળે સેં દેની અને એમના બે મિત્રોનો વધ કરવામાં આવ્યો હતો એવી માન્યતા છે. એથી પછીથી આ સ્થળે એક શહીદ સ્મારક — Martyrium (માર્ટીરિયમ) રચવામાં આવ્યું હતું અને આ વિસ્તાર મોંમાર્ત્ર (Montmartre — શહીદોની ટેકરી) તરીકે પ્રસિદ્ધ થયો હતો. આમ, આ દેવળમાં અને આ વિસ્તારમાં સદીઓથી શહીદી અને પવિત્રતાનું, ધાર્મિકતાનું વાતાવરણ હતું. ૧૫૩૪ના ઑગસ્ટની ૧૫મીએ માતા મેરીના ઊર્ધ્વારોહણના દિવસે સવારે પ્રાર્થના(Mass)ના સમયે આ દેવળના ભોંયરામાં ઇગ્નાશિયસ લોયોલા તથા એમના ગુરુ પીએર લફાબ્ર અને ફ્રાન્સિસ ઝેવિયર સમેત સોર્બોન યુનિવર્સિટીના એમના પાંચ સહાધ્યાયીઓએ પવિત્ર પ્રસાદ (Holy Communion) આગળ શપથ સાથે શેષજીવન પ્રભુની સેવામાં સમર્પણ કરવાનો અંતિમ નિર્ણય કર્યો હતો. અને એક અર્થમાં ‘સોસાયટી ઑફ જિસસ’ (ઈશુવૃન્દ)નો અનૌપચારિક આરંભ કર્યો હતો. હું અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજનો અધ્યાપક એટલે આ પવિત્ર ભૂમિ સાથે મારે કંઈક પરોક્ષ સંબંધ હતો. મને એનું દર્શન કરવાની તીવ્ર ઇચ્છા હતી. પણ આ દેવળ જાહેર જનતા માટે ખુલ્લું નથી એથી હું આ દેવળમાં પ્રવેશ કરી શક્યો ન હતો. અને આ ભોંયરાનું દર્શન કરી શક્યો ન હતો. એનો મને ભારે અસંતોષ હતો. માત્ર બહારથી આ દેવળનું દર્શન કરી શક્યો હતો અને રસ્તા પરથી એનો ફોટોગ્રાફ પાડી શક્યો હતો એટલું આશ્વાસન હતું. એકાદ વરસ પછી સેન્ટ ઝેવિયર્સ કૉલેજના ગુજરાતીના અધ્યાપક ભાઈશ્રી રાયમંડ પરમારે સુખદ સમાચાર આપ્યા કે એમણે સંત લોયોલા વિશેની એક નવલકથાનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અને એ પ્રસિદ્ધ કરવાની એમની ઇચ્છા છે. પણ મારી પ્રસ્તાવના સાથે એ પ્રસિદ્ધ કરવાનો એમનો આગ્રહ હતો. આ નિમિત્તે હું આ નવલકથા અને આ અનુવાદ વાંચી ગયો ત્યારે મારો પૂર્વોક્ત અસંતોષ કંઈક દૂર થયો. આ અનુવાદના વાચનમાંથી મને એટલું સાન્ત્વન પ્રાપ્ત થયું. આ ઋણમાંથી મુકત થવા મેં પ્રસ્તાવના લખવાનું સ્વીકાર્યું. બૉદલેરે એમની નોંધપોથી ‘Mon coeur mis a nu’ (નગ્નહૃદય)માં નોંધ્યું છે, ‘જે કવિતા કરે છે, જીવનમાં અનેક બલિદાન કરે છે અને સ્વયં જીવનનું બલિદાન કરે છે એવા કવિ, સંત અને સૈનિક સિવાય કોઈ મહાપુરુષો નથી.’ સંત લોયોલા માત્ર સંત ન હતા. સંત થયા તે પૂર્વે એ સૈનિક હતા. એ સૈનિકમાંથી સંત થયા હતા. એ સૈનિક સંત હતા. એ એમની વિશેષતા હતી. આમ, બૉદલેરના મહાપુરુષો અંગેના આદર્શ અનુસાર એ બેવડા મહાપુરુષ હતા. સૌ સંતોમાં આ એમની અનન્યતા હતી. આ કૃતિ વાંચતો હતો ત્યારે સતત પ્રશ્ન થતો હતો: આ નવલકથા છે કે જીવનચરિત્ર છે ? આ જો નવલકથા હોય તો જીવનચરિત્રાત્મક નવલકથા — biographical fiction — છે અને આ જો જીવનચરિત્ર હોય તો નવલકથાત્મક જીવનચરિત્ર — fictionalized biography — છે. કોઈ પણ ઐતિહાસિક મનુષ્ય વિશે જ્યારે આવું સાહિત્યસર્જન થાય ત્યારે એના સાહિત્યસ્વરૂપ અંગે આવો પ્રશ્ન થાય એ અનિવાર્ય છે. આવું સાહિત્યસર્જન નવલકથા અને જીવનચરિત્ર વચ્ચેની, બે સાહિત્યસ્વરૂપો વચ્ચેની સીમાનું ઉલ્લંઘન કરવા માટે સતત ઉત્સુક હોય છે. નવલકથા અને જીવનચરિત્ર વચ્ચે, અલબત્ત, અસામ્ય છે. પ્રત્યેક સ્વતંત્ર સાહિત્યસ્વરૂપ છે, પ્રત્યેકને વિશિષ્ટ લક્ષણો અને વિભિન્ન ગુણધર્મો છે. છતાં બન્ને વચ્ચે એટલું જ સામ્ય છે — બલકે બન્ને વચ્ચે અસામ્યથી વિશેષ તો સામ્ય છે. નવલકથા એટલે નવલ એવી કથા. નવલકથામાં બધું જ — પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિ — નવલ હોય એટલે કે કાલ્પનિક હોય. ટૂંકમાં, નવલકથા એટલે કલ્પના. છતાં આ કલ્પનાનો ક્યાંક વાસ્તવ સાથે, સત્ય સાથે પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ સંબંધ હોય, હોવો જ જોઈએ. નહિ તો નવલકથા એ પરીકથા બની જાય. જીવનચરિત્ર એટલે જીવનનું ચરિત્ર, કોઈ એક મનુષ્યના જીવનનું ચરિત્ર; કોઈ એક મનુષ્યના જીવનમાં જે કંઈ હોય, જેવું કંઈ હોય, જેટલું કંઈ હોય એનું ચરિત્ર. જીવનચરિત્રમાં બધું જ — પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિ સત્ય હોય એટલે કે વાસ્તવિક હોય. ટૂંકમાં, જીવનચરિત્ર એટલે સત્ય, વાસ્તવ. છતાં આ સત્યનો, વાસ્તવનો ક્યાંક કલ્પના સાથે, સંવેદના સાથે પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ સંબંધ હોય, હોવો જ જોઈએ. નહિ તો જીવનચરિત્ર એ દસ્તાવેજ બની જાય. જીવનચરિત્રકાર ઇતિ-હ-આસમાંથી, હકીકતમાંથી, વાસ્તવમાંથી પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિની પસંદગી કરે છે, એનું વિશ્લેષણ કરે છે, અર્થઘટન કરે છે. એમાં જાણ્યે-અજાણ્યે એની રુચિ-અરુચિ, એનો પક્ષપાત-પૂર્વગ્રહ, પુરસ્કાર-તિરસ્કાર, સ્વીકાર-અસ્વીકાર એટલે કે એની કલ્પના, એની સંવેદના સક્રિય હોય છે. પ્રત્યેક જીવનચરિત્રકાર એક અર્થમાં નવલકથાકાર છે, પ્રચ્છન્ન નવલકથાકાર છે, ‘Truth is stranger than ficiton’ — સત્ય કલ્પનાથીયે વધુ વિચિત્ર છે. આ અંગ્રેજી કથનની સહાયથી નવલકથા અને જીવનચરિત્ર વચ્ચેનું આ સામ્ય-અસામ્ય સમજી-સમજાવી શકાય, વધુ સ્પષ્ટપણે સમજી-સમજાવી શકાય. નવલકથાને આ ‘વધુ વિચિત્ર સત્ય’ સાથે પ્રત્યક્ષ સંબંધ નથી. છતાં નવલકથામાં જે કલ્પના છે અને આ ‘વધુ વિચિત્ર સત્ય’ સાથે પરોક્ષ સંબંધ છે એની પ્રતીતિ થવી જોઈએ. જીવનચરિત્રને આ ‘વધુ વિચિત્ર સત્ય’ સાથે પ્રત્યક્ષ સંબંધ છે. છતાં જીવનચરિત્રને કલ્પના અને સંવેદના સાથે પણ પરોક્ષ સંબંધ છે એની પ્રતીતિ થવી જોઈએ. અહીં આ કૃતિમાં અનેક ગૌણ પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિ એ કલ્પનાની, સંવેદનાની સરજત છે. સ્વયં મુખ્ય પાત્ર અંગેની કેટલીક નાનીમોટી વિગતો એ પણ કલ્પનાની, સંવેદનાની સરજત છે. એથી આ કૃતિ જો જીવનચરિત્ર હોય તો નવલકથાત્મક જીવનચરિત્ર છે. જીવનચરિત્રની જે પરંપરાનો ‘Ariel’ આદિમાં આન્દ્રે મોર્વા આદિએ વિકાસ-વિસ્તાર કર્યો એ પરંપરાની આ સાહિત્યકૃતિ છે. પણ એથીયે વિશેષ તો આ કૃતિ વાંચ્યા પછી કોઈ વિદગ્ધ વાચકને, કોઈ અભિજ્ઞ ભાવકને આ જીવનચરિત્રાત્મક નવલકથા છે એવો ઉત્તર પૂર્વોક્ત પ્રશ્ન અંગે આપવાનું સૂઝે તો નવાઈ નહિ. સંત ઇગ્નાશિયસ લોયોલાનું બાપ્તિસ્મા સમયનું અસલ નામ ઇનિગો. ઇગ્નાશિયસ નામ તો ૨જી સદીના સંત સમા શહીદ ધર્મગુરુ અંત્યોખના ઇગ્નાશિયસના નામ પરથી એમણે પછીથી ધારણ કર્યું હતું. ઇનિગોનો જન્મ ૧૪૯૧માં સ્પેનમાં બાસ્ક ઉત્તરપ્રદેશમાં ગીપુઝકોઆ પ્રાંતમાં લોયોલામાં. માતા મારિયા સાએઝ દ બાલ્દા અને પિતા દોન બૅલ્ત્રાન યાનેઝ દ ઑનાઝ યી લોયોલા. ઇનિગો એમનાં માતાપિતાનાં અગિયારેક — અનૌરસ સંતાનો સમેત તો અગિયારથીયે વિશેષ — સંતાનોમાં સૌથી નાના સંતાન અને પુત્રોમાં સાતમા પુત્ર. પૂર્વજો ૧૩મી સદીથી કાસ્તિલ્લાના રાજાના સૈન્યમાં વંશપરંપરાથી સૈનિકો. હંગરી, નેપલ્સ આદિ યુદ્ધોમાં સક્રિય. યુદ્ધભૂમિ પર શૌર્ય માટે પ્રસિદ્ધ. એથી કુટુંબને યુદ્ધ સેવા માટે લોયોલા ગામ ગરાસમાં પ્રાપ્ત થયું હતું. આમ, કુટુંબમાં શિસ્ત, સંયમ, વ્યવસ્થા, નિષ્ઠા, કર્તવ્ય, આજ્ઞાપાલન આદિ અમીરી આદર્શો. કુટુંબમાં ખાનદાની, પણ તે ગ્રામપ્રદેશની ખાનદાની. જોકે એથી ધીંગી ધરતી સાથે, જગતની અને જીવનની વાસ્તવિકતા સાથે સીધો સંબંધ. કુટુંબ લોયોલામાં અગ્રણી અને શ્રીમંત પણ સમગ્ર સ્પેનમાં તો સામાન્ય અને મધ્યમ વર્ગનું કુટુંબ. કુટુંબ ખ્રિસ્તી પણ કોઈ પણ અન્ય ખ્રિસ્તી જેવું સામાન્ય, સાધારણ ખ્રિસ્તી કુટુંબ. એથી કુટુંબમાં આધ્યાત્મિકતા કે ધાર્મિકતાનું કોઈ વિશેષ વાતાવરણ નહિ. જોકે નાનાપણમાં ઇનિગોનું મુંડન (tonsure) કરવામાં આવ્યું હતું. પણ એ તો મોટપણમાં ઇનિગોને ધર્મસંઘમાં ક્યાંક કોઈક પદ પ્રાપ્ત થાય એ આશાએ. પણ મોટપણમાં ઇનિગો સંત ઇગ્નાશિયસ થશે એવો વહેમ સુધ્ધાં આવી શકે એવું વાતાવરણ તો કુટુંબમાં નહિ જ. વળી સમગ્ર સ્પેનમાં તો મધ્યકાલીન પ્રેમશૌર્ય, ભૌતિક સાહસપરાક્રમ અને દુન્યવી સિદ્ધિ-પ્રસિદ્ધિનું જ વાતાવરણ. ઇનિગોના જન્મના બીજે વરસે જ કોલંબસે સમુદ્રયાત્રાનું સાહસ અને ‘નૂતન જગત’ની શોધનું પરાક્રમ કર્યું હતું. સુભટ થવું, સામંત થવું, અમીરઉમરાવ થવું, રાજારાણીનું — વિશેષ તો રાણીનું — હૃદય જીતવું — આ હતું ઇનિગોનું શૈશવનું રંગબેરંગી સ્વપ્ન, આ હતી ઇનિગોની શૈશવની ચિત્રવિચિત્ર મહેચ્છા. એથી પછી કિશોરાવસ્થામાં એ સંગીત, નૃત્ય, પ્રેમ, શૌર્ય, દ્યૂત, મદ્ય, દ્વન્દ્વ, અસ્ત્ર, શસ્ત્ર આદિ અંગેના જ્ઞાનમાં પારંગત, પણ અક્ષરજ્ઞાનને નામે મોટું મીડું. ૧૪૯૮માં ઇનિગોનું સાત વરસનું વય. ત્યારે કુટુંબના એક સ્વજન દોન હુવાન વેલાઝકેઝ દ ક્વેલ્યાર આરેવાલો ગામમાં આરાગોનના રાજા ફર્દિનાન્દના ગ્રીષ્મપ્રાસાદમાં સંચાલક. દોન હુવાને ઇનિગોને આ પ્રાસાદમાં સેવક (page) તરીકે સેવા કરવા માટે આમંત્રણ આપ્યું. ઇનિગોનાં માતાપિતાએ આ આમંત્રણ સ્વીકાર્યું. એથી ઇનિગો આરેવાલો ગયા. દોન હુવાનનાં પત્ની દોના મારિઆ અને રાણી ઇઝાબેલા વચ્ચે સખ્ય. પ્રાસાદમાં બે સખીઓનું મિલન થાય, બન્ને વચ્ચે સંવાદ થાય ત્યારે ઇનિગોની ઉપસ્થિતિ હોય. એથી હવે ઇનિગોને રાણી ઇઝાબેલાનું હૃદય જીતવાનું સ્વપ્ન. પણ થોડાંક વરસમાં રાણી ઇઝાબેલાનું અવસાન થયું. પછી રાજા ફર્દિનાન્દે ફ્રાન્સની યુવાન રાજકુંવરી ઝરમેન દ ફુવા સાથે લગ્ન કર્યું. રાણી ઝરમેન જાહોજલાલીમાં જાજ્વલ્યમાન અને વૈભવવિલાસમાં રોમેન્ટિક. દોના મારિયાએ આવી રાણીને પાત્ર થવાનો પુરુષાર્થ કર્યો. એથી એની પ્રથમ પરિચારિકાના પદ પર બઢતી કરવામાં આવી. દોના મારિયા અને રાણી ઝરમેન વચ્ચે પણ હવે સખ્ય. એથી રાણી ઝરમેનનું દોના મારિયાના નિવાસસ્થાને વારંવાર આગમન થતું. ત્યારે પણ ઇનિગોની ઉપસ્થિતિ હોય. ૧૫૦૫માં ઇનિગોનું ચૌદ વરસનું વય. ત્યારે એમને ઉમરાવપદ અર્પણ કરવામાં આવ્યું. આ પછી પરંપરા પ્રમાણે ઇનિગોને ‘હૃદયની રાણી’ પસંદ કરવાનું આવ્યું ત્યારે એમની પસંદગી હતી રાણી ઝરમેન. ઇનિગોને રાણી ઝરમેન પ્રત્યે પ્રેમ હતો. આ પ્રેમ સ્થૂલ પ્રેમ નહિ, દેહસંબંધ નહિ. આ પ્રેમ એટલે રાણીની કૃપાને પાત્ર થવું, એના કરુણાકટાક્ષને પાત્ર થવું, ક્રીડાંગણ પર એના સ્વહસ્તે રેશમી રૂમાલની ભેટને પાત્ર થવું વગેરે વગેરે. જોકે આ સમયમાં ઇનિગોને રાજકુટુંબની એક કુંવરી, કદાચને ફિલિપ દ ફેરની પુત્રી દોના કાતેરિના સાથે અને અન્ય સ્ત્રીઓ સાથે સ્થૂલ પ્રેમ પણ થયો હતો એવો પોતે એકરાર કર્યો છે. વળી કયારેક લોયોલા આવવાનું થતું એમાં એક વાર મદિરાપાન અને દ્વંદ્વયુદ્ધમાં સપડાયા, પકડાયા હતા અને ત્યારે નાનપણમાં પોતે મુંડન કરાવ્યું હતું, નૈતિક હતા, ધાર્મિક હતા એવા એવા સાચાખોટા બહાને બચાવ કરવામાં નિષ્ફળ ગયા હતા પણ અંતે છટકી ગયા હતા, એવો પણ એક પ્રસંગ નોંધવામાં આવ્યો છે. થોડાંક વરસમાં રાણી ઝરમેન અને દોના મારિયા વચ્ચે કોઈ ગેરસમજને કારણે દોન વોન અને દોના મારિયાને પદભ્રષ્ટ કરવામાં આવ્યા એની સાથે આપોઆપ ઇનિગો પણ પદભ્રષ્ટ થયા. અને એની સાથે ઇનિગોનું પ્રેમશૌર્યનું સ્વપ્ન પણ સમાઈ ગયું, સમેટાઈ ગયું. ૧૫૧૭માં ઇનિગોનું છવ્વીસ વરસનું વય. ત્યારે કુટુંબના એક અન્ય સ્વજન નાહોરાના ડયુક નાવારામાં વાઇસરૉય. ઇનિગો એમના સૈન્યમાં સૈનિક થયા. ક્રીડાંગણને સ્થાને સમરાંગણ. ક્રીડાંગણ પર ક્રીડાવીર તરીકે રાણીનું હૃદય જીતવાને સ્થાને સમરાંગણ પર યુદ્ધવીર તરીકે રાજાનું અને એ દ્વારા રાણીનું પણ હૃદય જીતવાનું વધુ વિકટ હતું પણ વિકલ્પ ન હતો, વધુ અઘરું હતું પણ અનિવાર્ય હતું. નાહોરામાં પ્રજાનો વિદ્રોહ થયો. ઇનિગોને સેનાપતિ તરીકે શૌર્ય પ્રગટ કરવાનો અવકાશ હતો. પણ પ્રતિકાર થાય તે પૂર્વે જ પ્રજાએ શરણાગતિનો સ્વીકાર કર્યો. ૧૫૨૧માં ઇનિગોનું ત્રીસ વરસનું વય. ત્યારે ફ્રેંચ સૈન્યે નાવારા પર આક્રમણ કર્યું. અને ફ્રાન્સના રાજા ફ્રાન્સિસ ૧લા અને સ્પેનના સમ્રાટ ચાર્લ્સ પમા વચ્ચે મહાન યુદ્ધનો આરંભ થયો. એથી હવે ઇનિગોને સૈનિક તરીકે શૌર્ય પ્રગટ કરવાનો પુનશ્ચ અવકાશ હતો. સ્પેનના ગવર્નરે ફ્રેંચ સૈન્યનો પ્રતિકાર ન કર્યો એથી કાઉન્ટ દ લા ફુવાની આગેવાનીમાં ફ્રેંચ સૈન્ય આગેકૂચ કરતું કરતું મે મહિનામાં પામ્પ્લોના નગરના દ્વાર પર આવી પહોંચ્યું. આ સમયે ઇનિગો પણ પામ્પ્લોના આવી પહોંચ્યા. સ્પેનના સૈન્યથી ફ્રાન્સનું સૈન્ય દસ ગણું મોટું હતું એથી વાઇસરૉય પલાયન થયા, નગરજનોએ ફ્રેંચ સૈન્યનું સ્વાગત કરવાનું સ્વીકાર્યું. એથી સ્પેનના નાનકડા સૈન્યે ગઢમાં આશ્રય લેવાનું વિચાર્યું. પણ સાધનસામગ્રીને અભાવે પ્રતિકાર કરવાનું અશક્ય હતું એથી સૌ સૈનિકો અને સેનાપતિએ અંતે શરણાગતિ કરવાનું વિચાર્યું. એ ક્ષણે ઇનિગોએ યુયુત્સાપ્રેરક પ્રવચન કર્યું. એના પ્રભાવથી સૌએ પ્રતિકાર કરવાનું સ્વીકાર્યું. સ્પેનના સૈન્ય પાસે તલવારો હતી. ફ્રાન્સના સૈન્ય પાસે તોપો હતી. તોપના ગોળાથી ગઢમાં ગાબડું પડ્યું. ગઢનું રક્ષણ કરવા નાનકડા સૈન્ય સાથે અને હાથમાં નાગી તલવાર સાથે ઇનિગો ધસ્યા. સામે જોયું તો તોપનો ગોળો ! તલવારની સામે તોપનો ગોળો ! યુદ્ધના કાલગ્રસ્ત યંત્રવિજ્ઞાનની સામે યુદ્ધનું આધુનિક યંજ્ઞવિજ્ઞાન ! ઇનિગો લાચાર, નિરાધાર. તોપનો ગોળો પગ પર પડ્યો. ડાબા પગમાં ઘા ને જમણા પગમાં હાડકાના ટુકડા. શત્રુઓએ ઇનિગોનું અપમાન ન કર્યું પણ એમના વીરત્વનું બહુમાન કર્યું. ડૉક્ટરો બોલાવ્યા, ઘા રુઝાવ્યો, હાડકું બેસાડ્યું. એમને કેદ ન કર્યા પણ મુક્તજન તરીકે રક્ષકો સાથે પાલખીમાં માનભેર લોયોલા મોકલી આપ્યા. લોયોલામાં આવીને ઇનિગોએ જોયું તો ડૉક્ટરોએ જમણા પગનું હાડકું બરોબર બેસાડ્યું ન હતું. લોયોલાના ડૉક્ટરોએ હાડકું ફરીથી તોડ્યું ને ફરીથી બેસાડ્યું. હવે હાડકાનો ચેપ લાગ્યો, ગૅન્ગ્રીન થયું. મૃત્યુથી માંડ માંડ બચી ગયા. સાજા થયા ને જોયું તો જમણો પટ ટૂંકો ને બેડોળ. હાડકું બરોબર બેસાડ્યું પણ ઢીંચણ નીચેથી બહાર ઊપસી આવ્યું હતું. એક પગ ટૂંકો હોય એ તો ઠીક પણ બેડોળ હોય એ તો અસહ્ય. પ્રેમશૌર્યના વીરનાયકનું સમગ્ર સૌંદર્ય એના પગની પિંડીમાં. એના મોહક મરોડ પર, એની લયલોલિત ગતિ પર તો સુંદરીઓ મુગ્ધ થાય, વારી જાય અને સુગંધિત હાથમોજાં ને હાથરૂમાલ, સુવર્ણની મુદ્રિકા ને હીરાના હાર — એવી એવી ભેટસોગાદો અર્પી જાય. ઊપસેલું હાડકું વહેરાવ્યું ને પગ લાંબો થાય એ માટે પગ પર વજન મૂકીને પથારીમાં દિવસોના દિવસો લગી ચત્તાપાટ પડ્યા રહેવાનું સ્વીકાર્યું. પથારીમાં પડ્યા પડ્યા ક્યારેક સુંદરીઓ અને સમ્રાજ્ઞીઓનાં સ્વપ્નો, તો ક્યારેક ત્રાસ અને કંટાળો, કંઈક વાંચવાનું મન થયું. પ્રેમશૌર્યની કથાઓ, સાહસપરાક્રમની કથાઓ, સિદ્ધિ-પ્રસિદ્ધિની કથાઓ વાંચવાનું મન થયું. પ્રિય પુસ્તક ‘આમાદિસ દ ગૌલા’ વાંચવાનું મન થયું. પણ લોયોલાની લાઇબ્રેરીમાં આવું એક પણ પુસ્તક ન હતું. માત્ર બે જ પુસ્તકો હતાં, જેનો ૧૫૦૩માં સાધુ આમ્બ્રોસ મોન્તેસિનોએ અસલ જર્મનમાંથી સ્પૅનિશમાં ચાર ગ્રંથોમાં અનુવાદ કર્યો હતો તે સેક્સનીના લ્યુડોલ્ફનું પુસ્તક ‘ક્રાઇસ્ટનું જીવન’ અને જેનો ગોલર્તો વેગડે અસલ લૅટિનમાંથી સ્પૅનિશમાં અનુવાદ કર્યો હતો તે જાકોપો દ વોરાજિનનું પુસ્તક ‘સંતોની સુવર્ણકથાઓ’. ઇનિગોએ આ બે પુસ્તકોનું વાચન કર્યું. અને ‘કંઈક’ થયું. સૈનિકોને સ્થાને સંતો, સેનાપતિને સ્થાને ક્રાઇસ્ટ, રાણીને સ્થાને માતા મેરી અને રાજાને સ્થાને રાજાઓના રાજા પરમેશ્વર. સિદ્ધિ-પ્રસિદ્ધિનું એક નવું સ્વરૂપ, સાહસપરાક્રમનું એક નવું સ્વપ્ન, પ્રેમશૌર્યનું એક નવું દર્શન પ્રગટ થયું. અને સૈનિક ઇનિગોમાંથી સંત ઇગ્નાશિયસનું પુનઃસર્જન થયું. વાચન સમયે નોંધપોથીમાં ક્રાઇસ્ટના શબ્દો લાલ શાહીમાં અને માતા મેરીના શબ્દો ભૂરી શાહીમાં નોંધવાનો આરંભ કર્યો. વળી મનોમન ‘અધ્યાત્મસાધના’ રચવાનો પણ આરંભ કર્યો. અંતે ક્યારેક ક્રાઇસ્ટની ભૂમિમાં જ ક્રાઇસ્ટની જેમ જ પ્રભુમય જીવન જીવવાનો સંકલ્પ કર્યો. ૧૫૨૨માં ઇનિગો સ્વસ્થ થયા કે તરત ક્તાલોનિયામાં મોન્ત્સેરાત ગયા. અહીં માતા મેરીના દેવળમાં પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું અને વેદી પર કટાર તથા તલવારનું સમર્પણ કર્યું. પછી મોન્ત્સેરાતની નિકટ માન્રેસા ગયા. અહીં એક ખડકની નીચે ગુફામાં એકાદ વરસ રહ્યા. અહીં ઇનિગોનું જીવન એ પ્રાયશ્ચિત્ત અને પ્રાર્થનાનું જીવન. અહીં વસ્ત્રો, ધન આદિ સૌ ચીજવસ્તુઓનું સમર્પણ કર્યું. કંથા જેવું અકિંચનનું વસ્ત્ર અને અપરિગ્રહનું વ્રત ધારણ કર્યું. અહીં ‘ક્રાઇસ્ટનું અનુકરણ’નું વાચન કર્યું. ઇનિગો પર અન્ય કોઈ પુસ્તકનો નહિ એવો આ પુસ્તકનો પ્રબળ પ્રભાવ. એની પ્રેરણાથી ‘અધ્યાત્મસાધના’ રચવાનો આરંભ કર્યો. ૧૫૨૩માં ઇનિગો ક્રાઇસ્ટની ભૂમિમાં યરુશાલેમ ગયા. અહીં તુર્કોની સત્તા હતી. એમાં ક્રાઇસ્ટની જેમ કાર્ય કરવું અશક્ય હતું. ખ્રિસ્તી ધર્મપ્રચાર અને ધર્મપરિવર્તન માટે પ્રતિકૂળ વાતાવરણ હતું. એટલે તરત જ ઇનિગો નિરાશા અને નિષ્ફળતા સાથે સ્પેન પાછા ફર્યા. ૧૫૨૪માં ઇનિગો બાર્સિલોના ગયા. તેત્રીસ વરસની પ્રૌઢ વયે એમણે પ્રાથમિક શાળામાં દસ વરસની વયનાં બાળકો સાથે લૅટિન વ્યાકરણ અને શબ્દકોશનો એકડે એકથી અભ્યાસ કરવાનો, પ્રૌઢશિક્ષણ પ્રાપ્ત કરવાનો આરંભ કર્યો. ૧૫૨૪માં ઇનિગો આલ્કાલીમાં આવેલા વિશ્વવિદ્યાલયમાં ધર્માભ્યાસ માટે ગયા. સાથેસાથે એમણે એમનું ધર્મકાર્ય કરવાનો પણ આરંભ કર્યો. તરત જ ધર્મસત્તાધીશોએ એમને મિથ્યાવચની તરીકે કેદ કર્યા અને પછી મુક્ત કર્યા. એકાદ વરસમાં જ ઇનિગોએ આલ્કાલીનો ત્યાગ કર્યો. ૧૫૨૫માં ઇનિગો સાલામાન્કાના વિશ્વવિદ્યાલયમાં ગયા. અહીં એમણે વધુ અભ્યાસ કર્યો. અહીં પણ એમણે ધર્મકાર્ય કરવાનો પ્રયત્ન કર્યો. પણ તરત જ ધર્મસત્તાધીશોએ એમને મિથ્યાવચની તરીકે કેદ કર્યા અને પછી મુક્ત કર્યા. બેએક મહિનામાં ઇનિગોએ સાલામાન્કાનો ત્યાગ કર્યો. ૧૫૨૭માં ઇનિગો ગધેડાની પીઠ પર પુસ્તકો સાથે પગે ચાલતા ચાલતા પૅરિસ ગયા. સમગ્ર યુરોપમાં ઈશ્વરશાસ્ત્રના અભ્યાસ માટે પૅરિસ પ્રસિદ્ધ. ૧૫૩૪માં પૅરિસમાં સાતેક વરસના અભ્યાસ પછી અને કુલ અગિયારેક વરસના અભ્યાસ પછી એમ.એ. થયા. એ જ વરસમાં ‘અધ્યાત્મસાધના’ રચવાનું કાર્ય પણ પૂરું થયું. એ જ વરસમાં અહીં ઇનિગો અને એમના અન્ય મિત્રોએ આરંભે જેનો ઉલ્લેખ કર્યો તે અંતિમ નિર્ણય કર્યો. પછીથી આ સાત મિત્રોના મંડળમાં ત્રણ નવા ફ્રેંચ મિત્રોનો ઉમેરો થયો. ૧૫૩૫માં આ દસ મિત્રોનું વૃન્દ યરુશાલેમ જવા માટે વેનિસ આવ્યું ત્યારે વેનિસ અને પૅલેસ્ટાઇન વચ્ચે સંઘર્ષ હતો એથી વેનિસમાં જ અટક્યું. એટલામાં ઇનિગોએ બે મિત્રોને સફળ યાત્રા માટે પોપ પૉલ ૩જાની અનુજ્ઞા અને આશિષ માટે રોમ રવાના કર્યા. પોપે અનુજ્ઞા અને આશિષ તો આપી પણ સાશંક હૃદયે. ૧૫૩૭માં વેનિસ અને પૅલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ જાહેર થયું. આમ, આ દસ મિત્રો માટે પુણ્યભૂમિની યાત્રા કરવાનું હંમેશનું અશક્ય થયું. ૧૫૩૮માં આ દસે મિત્રો રોમ આવ્યા અને એમની સેવા રોમની ધર્મસંસ્થા માટે સ્વીકારવાનું પોપ પૉલ ૩જાએ આમંત્રણ પાઠવ્યું. પોપે જોયું કે અન્યની જેમ આ દસ મિત્રો કશું લેવા નહિ પણ કશું દેવા આવ્યા છે. એથી તરત જ પોપે એમાંથી બે મિત્રોને રોમની નવી યુનિવર્સિટી ‘સેપિયેન્ઝા’માં અધ્યાપક તરીકે નિયુક્ત કર્યા. અન્ય મિત્રોએ રોમમાં ત્યારે દુષ્કાળ હતો અને અન્ય ધર્મગુરુઓમાં સેવાનો દુષ્કાળ હતો ત્યારે પીડિતોનું સેવાકાર્ય કર્યું. ઉપરાંત રુગ્ણોનું અને પતિતાઓનું પણ સેવાકાર્ય કર્યું. એ જ વરસમાં પોપે ઇનિગો અને એમના મિત્રોનો ધર્મગુરુ તરીકેનો દીક્ષાવિધિ કર્યો. પછી તરત ઇનિગોએ ઈશુમંડળની અનૌપચારિક સંસ્થા સ્થાપી. ૧૫૪૧માં પોપે ઇનિગોની સંસ્થાને વિધિસરની સ્વીકૃતિ અર્પી એથી હવે ઇનિગોએ ઔપચારિક સંસ્થા ‘સોસાયટી ઑફ જિસસ’ સ્થાપી. ઇનિગો એના પ્રથમ વડા નિયુકત થયા. ૧૫૪૭માં એમણે એમની સ્વતંત્ર શિક્ષણસંસ્થા ‘કૉલેજિયમ રોમાનમ’ સ્થાપી. ૧૫૪૮માં એમના આંતરજીવનના અનુભવોની નોંધપોથી જેવી, એમણે એમની સંસ્થાના સભ્યો માટે પાઠ્યપુસ્તિકા જેવી ‘અધ્યાત્મસાધના’ની પુસ્તિકાનું પ્રકાશન કર્યું. ૧૫૩૮માં રોમ આવ્યા પછી આયુષ્યના અંત લગી એ રોમમાં જ રહ્યા. ત્રણ નાનકડી ઓરડીઓમાં એમનું કાર્યાલય. રોજ દિવસના વીસેક કલાકનું એમનું કાર્ય. સૈનિક હતા એથી સૈન્યની જેમ એમણે એમની સંસ્થાનું નિર્માણ અને નિયંત્રણ કર્યું. વારંવાર એનું બંધારણ રચ્યું, સુધાર્યું, વધાર્યું. એમના જીવનકાળમાં જ સંસ્થામાં દસમાંથી હજાર સભ્યો થયા. એમાંથી અનેક સભ્યોને એમણે દેશવિદેશમાં સંસ્થાનું કાર્ય કરવા મોકલી આપ્યા. એમાં મુખ્ય ફ્રાન્સિસ ઝેવિયર. ૧૫૫૬ના ગ્રીષ્મમાં પાંસઠ વરસની વયે રોમમાં સામાન્ય તાવથી એમનું અવસાન થયું. ૧૬૨૨માં સંત તરીકે એમનો સ્વીકાર થયો. ત્યારથી પ્રતિવર્ષ જુલાઈની ૩૧એ એમનો ઉત્સવદિન. અહીં સંત ઇગ્નાશિયસનું આટલું મિતાક્ષરી જીવનચરિત્ર એટલા માટે નોંધ્યું કે વાચક આ કૃતિનું વાચન કરે પછી તરત જ આ કૃતિને આ મિતાક્ષરી જીવનચરિત્ર સાથે સરખાવી શકે અને લેખકે એમાં ક્યાં, કેવું, કેટલું, કેમ ઉમેર્યું છે કે ઉવેખ્યું છે એનો ક્યાસ કાઢી શકે અને એ પરથી એમની કલ્પના અને સંવેદનાનો, એમની સર્જકતાનો ક્યાસ કાઢી શકે. એક સંતપુરુષની જ નહિ, પણ યુગપુરુષની મૂર્તિ પણ કેવી તાદ્દશ અને જીવંત પ્રગટ થાય છે ! સુજ્ઞ વાચક આ કૃતિનું વાચન કરે પછી તરત જ આ કૃતિમાં પાંચ પરાકાષ્ઠા છે એટલું એના ધ્યાન પર આવશે. ૧. પામ્પ્લોનામાં તોપનો ગોળો ઇનિગો પર ધસ્યો એમાં સ્વયં ઈશ્વર જ તોપના ગોળા રૂપે ઇનિગોના પર ધસ્યા હતા. એમાં ઈશ્વરનો સંકેત હતો. ૨. લોયોલામાં ઇનિગોએ બે પુસ્તકનું વાચન કર્યું. એમાં સ્વયં ઈશ્વર જ બે પુસ્તક રૂપે ઇનિગો પાસે આવ્યા હતા. એમાં પણ ઈશ્વરનો સંકેત હતો. ૩. પૅરિસમાં ઇનિગો અને એમના છ મિત્રોએ અંતિમ નિર્ણય કર્યો એમાં, અલબત્ત, ઇનિગોનો આત્મસંકલ્પ અને આત્મવિશ્વાસ હતો. પણ એમાં ઈશ્વરનો અનુગ્રહ પણ હતો. એમાં પણ ઈશ્વરનો સંકેત હતો. ૪. રોમમાં પોપ પૉલ ૩જાએ ઇનિગો અને એમના નવ મિત્રોનો ધર્મગુરુઓ તરીકે દીક્ષાવિધિ કર્યો અને પછી ઇનિગોની સંસ્થાને સ્વીકૃતિ અર્પી એમાં પણ ઈશ્વરનો અનુગ્રહ હતો. એમાં પણ ઈશ્વરનો સંકેત હતો. ૫. આ ચારે પરાકાષ્ઠાઓની પણ પરાકાષ્ઠા જેવી આ કૃતિની સર્વશ્રેષ્ઠ પરાકાષ્ઠા તો છે એનું અંતિમ વાક્ય, ‘તેમણે કામ શરૂ કર્યું.’ અત્યંત કલાત્મક છે આ અંત. ઇનિગોએ એમનું કામ શરૂ કર્યું ત્યાં જ કર્તાએ એમનું કામ પૂરું કર્યું. કર્તાને જીવનચરિત્ર રચવું નથી પણ નવલકથા રચવી છે એ વિશે હવે કોઈ શંકા છે ? કર્તાને જો જીવનચરિત્ર રચવું હોત તો ઇનિગોએ જ્યાં એમનું કામ એટલે કે જીવન પૂરું કર્યું ત્યાં કર્તાએ એમનું કામ એટલે કે ઇનિગોના જીવનચરિત્રનું લેખન, આલેખન પૂરું કર્યું હોત. સુજ્ઞ વાચકના ધ્યાન પર એ પણ આવશે કે ખ્રિસ્તી ધર્મના ઇતિહાસમાં એક મહાન કરુણ ક્ષણે સંત ઇગ્નાશિયસનું આગમન થયું છે. બહારથી અને અંદરથી બન્ને બાજુથી ધર્મસંસ્થાનું અસ્તિત્વ ભયમાં હતું. બહાર વિદ્રોહ હતો અને અંદર વિકૃતિ હતી. ત્યારે ઈશ્વરના એક મહાન સંત સૈનિકે આ વિદ્રોહ અને વિકૃતિ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. જાણે કે ઈશ્વરને આ સંત સૈનિકની જરૂર હતી, ઈશ્વરને આ સૈનિક સંતની ગરજ હતી. ભગવાન એના ભક્તોથી શોભે છે ને ? સંત ઇગ્નાશિયસની સંસ્થા એ ઈશ્વરના અસીમ સામ્રાજ્યનું અનંતકાલીન સૈન્ય છે. જીવનના ધર્મક્ષેત્રે-કુરુક્ષેત્રે એમનું અવિરત અવિરામ એવું યુદ્ધ છે. સંત ઇગ્નાશિયસના જીવનકાળમાં આ સૈન્યમાં દસમાંથી હજારેક સૈનિકો થયા હતા. આજે એ હજારેકમાંથી હજારો સૈનિકો થયા છે. આજે પૃથ્વીના ખંડે ખંડે ખૂણે ખૂણે એ સેવા અને શિક્ષણ દ્વારા સતત યુદ્ધમાં મચ્યા રહે છે, રચ્યાપચ્યા રહે છે. સંત ઇગ્નાશિયસની આ સંસ્થાનો મંત્ર છે ‘આજ્ઞા નહિ, આજ્ઞાનું પાલન.’ એનો મુદ્રાલેખ છે, ‘બધાંને માટે બધું થવું અને બધાંનું હૃદય જીતવું.’ સંત ઇગ્નાશિયસનું આ ઈશુવૃન્દ સાચ્ચે જ એકમેવ અદ્વિતીયમ્ એવું ઈશુવૃન્દ છે. જગતમાં આવી અન્ય કોઈ સંસ્થા જોઈ-જાણી નથી. ‘તેમણે કામ શરૂ કર્યું,’ આ કામ કદી પૂરું ન થજો ! ભારતમાં કૃષ્ણ જ એક એવું પાત્ર છે કે જેની આસપાસ સંગીત, નૃત્ય, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સાહિત્ય આદિ અનેક કળાઓમાં અસંખ્ય ભવ્યસુંદર કલાકૃતિઓનું મહાન સર્જન થયું છે. તેમ યુરોપમાં ક્રાઇસ્ટ જ એક એવું પાત્ર છે કે જેની આસપાસ પણ એવું જ સર્જન થયું છે. એમાંથી ગુજરાતમાં, ગુજરાતી ભાષામાં જેટલું આવે એટલું ઓછું છે. આજ લગીમાં કેટલુંક આવ્યું છે. હમણાં જ ઈસુદાસે (ફાધર કવેલીએ) અન્ય ગુજરાતીભાષી અનુવાદકોની સહાયથી બાઇબલનો અનુવાદ આપ્યો છે. હવે ભાઈ રાયમંડ પરમાર આ કૃતિનો અનુવાદ આપે છે. ભાઈ રાયમંડ પરમારે સતત ગુજરાતી ગદ્યનું, ગુજરાતી નવલકથાઓનું અધ્યયન-અધ્યાપન કર્યું છે. આ અનુવાદમાં પ્રવાહિતા અને પ્રાસાદિકતા છે. એમાં એમની ગુજરાતી ભાષા વિશેની મૌલિક સૂઝસમજનું અર્પણ તો હોય જ પણ આ અધ્યયન-અધ્યાપનનું પણ કંઈક અર્પણ ન હોય તો જ નવાઈ ! એમનો આ પ્રકારનો પ્રથમ પ્રયત્ન છે, શ્રદ્ધા છે કે એ અંતિમ પ્રયત્ન નથી જ. હવે પછી તેઓ આ નવલકથાના અનુસંધાન જેવી આ જ કર્તાની સંત ફ્રાન્સિસ ઝેવિયર વિશેની નવલકથાનો અનુવાદ આપશે એવી આશા છે. પછી ખ્રિસ્તી ધર્મ વિશેની અન્ય અનેક કૃતિઓનો અનુવાદ આપશે, એટલું જ નહિ મૌલિક કૃતિઓ પણ આપશે એવી પણ આશા છે. તેઓ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક છે. એટલે અધ્યયન-અધ્યાપન નિમિત્તે, અભ્યાસ નિમિત્તે ‘ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મની પરંપરા’ અને ‘ગુજરાતી સાહિત્યમાં ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ’ એ વિશે ગ્રંથો આપવાનું પણ વિચારશે. કાનમાં કહું ? એમણે એ વિશે કંઈક વિચાર્યું છે. ભાઈ રાયમંડ પરમારને આ અનુવાદ માટે અભિનંદન અને ભવિષ્યમાં અનેક અનુવાદો અને મૌલિક સર્જનો આપે એવી શુભેચ્છા !

(Louis de Wohlની નવલકથા ‘The Golden Thread’ના રાયમંડ પરમાર અને જે. મંગલમ્‌ના અનુવાદ ‘પતાકા કસુંબલ રંગની’ની પ્રસ્તાવના. ૧૯૮૪)

*