સ્વાધ્યાયલોક—૪/કવિતાનો કીમિયો કરુણા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કવિતાનો કીમિયો કરુણા

માત્સુઓ બાશો (૧૬૪૪-૧૬૯૪) જપાનના સર્વશ્રેષ્ઠ કવિ છે. એમના જીવન અને કવનની પૂર્વભૂમિકા આ પ્રમાણે છે ઃ ૧૭મી સદીના આરંભમાં સૈકાઓના આંતરવિગ્રહોની અશાંતિ અને અરાજકતા પછી જપાને કંઈક શાંતિ અને સુરાજ્યનો અનુભવ કર્યો. તોકુગાવા ઈયાસુએ ઇદો (આધુનિક તોકિયો)માં શોગુન — લશ્કરી રાજ્ય સ્થાપ્યું. આ શોગુન પર જપાનના કિયોતોનિવાસી શહેનશાહનું માત્ર ઔપચારિક જ વર્ચસ્‌ હતું. આ શોગુનનો હવે અન્ય કોઈ પ્રતિસ્પર્ધી ન હતો. ૧૬૩૮માં ત્રીજા શોગુનના સમયમાં તો જગતથી અલિપ્ત એવા સુરક્ષિત જપાનમાં સંપૂર્ણ શાંતિ હતી. જપાનનો સમાજ સુખી અને સમૃદ્ધ હતો, જપાનનું પ્રજાજીવન સ્વસ્થ અને સધ્ધર હતું. આ સમય કવિ-પ્રતિભાના પ્રાગટ્ય અને પુરસ્કારને અનુકૂળ હતો. સામુરાઈ — યુયુત્સુ વર્ગના સભ્યો — હવે યુદ્ધની કળામાં નહિ પણ શાંતિની કળામાં સક્રિય હતા. આ કળામાં કવિતાની કળા સૌથી વધુ લોકપ્રિય હતી. બાશોનો જન્મ ૧૬૪૪માં દક્ષિણ જપાનમાં કિયોતો (સ્થાપના ૭૯૫)ની નિકટ ઇગામાં થયો હતો. એ સામુરાઈ વર્ગના વંશજ હતા. આઠ વર્ષની વયે એ ઇગામાં જેમનો દુર્ગ-આવાસ હતો એવા એક ઉમરાવના સેવક હતા. આ ઉમરાવના પુત્ર સેન્જિનના એ અનુચર હતા. સેન્જિન બાશોથી વયમાં સહેજ જ મોટા હતા. એથી બન્ને વચ્ચે સ્વામી-સેવક તરીકેનો સંબંધ ન હતો, મિત્રો તરીકેનો સંબંધ હતો. બાશોને સેન્જિન અને એમના ગુરુ કિજિન દ્વારા કવિતાની કળાનો પ્રથમ પરિચય થયો. આ કવિતાની કળા એટલે હોક્કુ (જેનું પછીથી ૧૯મી સદીમાં ‘હાઈકુ’ એવું નવું નામાભિધાન થયું.) હોક્કુ ત્યારે દેનરિન શૈલીની માત્ર મનોરંજની કવિતા હતી, સભારંજની કવિતા હતી, શીઘ્રકવિતા હતી, મુખ્યત્વે હાસ્ય અને કટાક્ષની કવિતા હતી. બાશોએ નવ વર્ષની વયે કવિતા કરવાનો આરંભ કર્યો. તેર વર્ષની વયે એમણે જપાની પંચાંગ પ્રમાણે ૧૬૫૭ના પંખી-વર્ષ વિશે એક હોક્કુ રચ્યું. આ એમનું પ્રથમ પ્રગટ કાવ્ય. આ કાવ્ય અસ્તિત્વમાં છે. આ પૂર્વેનાં એમનાં કાવ્યો પ્રાપ્ય નથી. ૧૬૬૬માં સેન્જિનનું અકાળે અચાનક અવસાન થયું. બાશોને માટે આ અસહ્ય આઘાતનો અનુભવ હતો. એમના સમગ્ર જીવન અને કવન પર એની અત્યંત તીવ્ર અસર છે. આ અવસાનના બે જ મહિનામાં ૧૬૬૭માં એમણે ઈગાનો હંમેશ માટે સ્વેચ્છાએ ત્યાગ કર્યો અને કોયસનના આશ્રમમાં નિવાસ કર્યો. એમણે માત્ર ઈગાનો જ નહિ, પણ હૃદયથી સંસારનો ત્યાગ કર્યો. ત્યારે એમની વય માત્ર ત્રેવીસ વર્ષની હતી. (જો કે પછીથી બાશોએ લગ્ન કર્યું હતું. એમને બે પુત્રીઓ પણ હતી. એમણે સંસારનો સ્વીકાર કર્યો હતો, પણ ‘સંસારરસ’નો ત્યાગ કર્યો હતો.) પછી એમના ગુરુ કિજિન ઈગાથી કિયોતો ગયા ત્યારે બાશો પણ કિયોતો ગયા, અને કિજિન સાથે હોક્કુનો વધુ અભ્યાસ કર્યો. પછી ૧૬૭૨માં કિજિન કિયોતોથી ઈદો ગયા ત્યારે બાશો પણ ઇદો ગયા. બે વર્ષ પછી ૧૬૭૪માં ઇદોમાં ત્રીસ વર્ષની વયે બાશોએ સ્વતંત્ર કાવ્યશાળા સ્થાપી. એક શ્રીમંત વેપારીના તેર વર્ષની વયના પુત્ર એમના પ્રથમ શિષ્ય હતા. આ શિષ્ય પછીથી એમની મૌલિક કાવ્યપ્રતિભાને પ્રતાપે કિકાકુ (૧૬૬૧-૧૭૦૭)ને નામે કવિ તરીકે પ્રસિદ્ધ થયા. ક્રમશ: બાશોની કાવ્યશાળાની શિષ્યસંખ્યા અને નામખ્યાતિનો વિકાસ-વિસ્તાર થયો. બાશોને મુખ્ય દસ શિષ્યો હતા. આ દસ શિષ્યો ‘દસ ફિલસૂફો’ને નામે કવિઓ તરીકે પ્રસિદ્ધ છે. ૧૬૭૯માં બાશોએ હોકકુની ‘નૂતન શૈલી’નું સર્જન કર્યું. એથી પૂર્વોક્ત દેનરિન શૈલીનું હોક્કુ હવે બાશો શૈલીનું હોક્કુ થયું. હોક્કુ એક મહાન કવિતા રૂપે સિદ્ધ થયું. આ ‘નૂતન શૈલી’ હવે હંમેશ માટે ‘બાશો શૈલી’ને નામે બાશોના નામના પર્યાય રૂપે જપાની કવિતાના ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. એમના દસ શિષ્યોમાંના એક શિષ્ય મુકાઈ કિયોરાઈ (૧૬૫૧-૧૭૦૪)એ પોતાની સાથેના બાશોના કેટલાક સંવાદો નોંધ્યા છે. એમાં બાશોની હોક્કુ વિશેની સૂઝ-સમજ તથા આ શૈલી વિશેની સિદ્ધાંતભૂમિકા પ્રગટ થાય છે. ૧૬૮૦માં ઈદોની સીમમાં છત્રીસ વર્ષની વયે બાશોએ સ્વતંત્ર આશ્રમ સ્થાપ્યો. આ આશ્રમના પ્રવેશદ્વાર પાસે બાશો (કદલી)નું વૃક્ષ હતું. એથી એનું ‘બાશો આશ્રમ’ એવું નામાભિધાન કર્યું. પોતે પણ બાશો નામ ધારણ કર્યું. ૧૬૮૪માં બાશોને રહસ્યદર્શન થયું અને એમણે ‘ઝેન’ની સાધનાનો, બૌદ્ધધર્મની ઉપાસનાનો આરંભ કર્યો. ત્યારથી બાશોનું મોટા ભાગનું જીવન એટલે પ્રવાસો, ભ્રમણો અને યાત્રાઓ. ૧૬૮૪થી તે આયુષ્યના અંત લગી, એક દાયકા લગી, એમણે એમના હોક્કુસંગ્રહોમાં તથા શિષ્ય એત્સુજિન સાથે કિસો પર્વત લગી સારાશિનાના પ્રદેશની યાત્રા અને ૧૬૮૯ની વસંતમાં છ માસ ઇસેમાં સૂર્યદેવી આમાતેરાસુ આમિકામિના પવિત્ર મંદિર લગી ઉત્તર પ્રદેશની યાત્રા આદિ એમની અનેક તીર્થયાત્રાઓની ગદ્યપદ્ય સ્વરૂપમાં એમની ડાયરીઓ — ‘સારાશિના કિકો’ (સારાશિનાની યાત્રા), ‘ઓકુ-નો-હોસોમિચિ’ (ઓકુ-આંતરપ્રદેશ, ઉત્તરપ્રદેશનો સાંકડો રસ્તો) આદિમાં રહસ્યદર્શનની, ધર્માનુભવની મહાન કવિતાનું સર્જન કર્યું. ૧૬૮૬માં એમણે એમના સર્વશ્રેષ્ઠ હોક્કુનું સર્જન કર્યું. આ હોક્કુ રચ્યું પછી એમના જીવનમાં ને કવનમાં સવિશેષ પરિવર્તન થયું. આ હોક્કુ એમના જીવનમાં અને કવનમાં સીમાચિહ્નરૂપ છે. આ હોક્કુ માત્ર બાશોનું જ નહિ પણ જપાની ભાષાનું સર્વશ્રેષ્ઠ હોક્કુ છે એથી આજે તો જગપ્રસિદ્ધ છે. ‘ફુરુ-ઇકે યા કાવાઝુ તોબી-કોમુ મિઝુ-નો-ઓતો’ (જૂનું તળાવ, મેડક કૂદ્યો એમાં, પાણી ખખળ્યું). એમાં સાતોરી રહસ્યદર્શનનો અનુભવ છે. એથી આ હોક્કુ એકસાથે અત્યંત સરળ અને સંકુલ છે, સુબોધ ને દુર્બોધ છે. આ હોક્કુ અસંખ્ય સહૃદયોને આસ્વાદ તથા અવબોધ ઉભયના સાહસ અર્થે આજ લગી એક પ્રચંડ આહ્વાનરૂપ રહ્યું છે અને હંમેશા રહેશે. બાશોની પૂર્વોક્ત લઘુ કદની યાત્રાડાયરી ‘ઓકુ-નો-હોસોમિચિ’ પર થયું છે એટલું વિવેચન એટલા જ કદની જગતની અન્ય કોઈ કૃતિ પર થયું નથી. એમાં કુલ ૫૦ હોક્કુ છે. બાશોએ એમની અંતિમ માંદગી સમયે મિત્રો અને શિષ્યો સાથે ધર્મ, ફિલસૂફી અને કવિતા વિશે સતત સંવાદ કર્યો હતો. આ ત્રણે વિષયો એમને માટે એકરૂપ, ત્રિમૂર્તિરૂપ હતા. ૧૬૯૪માં પચાસ વર્ષની કાચી વયે એમને પ્રિય એવી એક યાત્રા દરમ્યાન ટૂંકી માંદગી બાદ મિત્રો અને શિષ્યોના સાન્નિધ્યમાં બાશોનું અવસાન થયું. બિવા સરોવરની નિકટ એક નાનકડા ગ્રામમંદિરમાં એમની સમાધિ રચવામાં આવી છે. અવસાન પૂર્વે એમના મિત્રોએ એમને એમના સમગ્ર જીવનદર્શનના સારસર્વસ્વરૂપ એક મૃત્યુકાવ્ય રચવાનો પ્રાર્થનાપૂર્વક આગ્રહ કર્યો હતો, ‘જૂનું તળાવ’ હોક્કુ રચ્યું પછી સતત એમણે મૃત્યુકાવ્યો જ રચ્યાં છે એથી આરંભમાં તો એમણે આ વિનતિનો અસ્વીકાર કર્યો, પણ અંતે પછી એક અંતિમ હોક્કુ રચ્યું હતું ઃ ‘યાત્રામાં, માંદો, 
સૂકાં ખેતરો વચ્ચે 
સ્વપ્નો રખડે.’ બાશોએ એમની મહાન કવિતાનું સર્જન કર્યું ન હતું ત્યારે પણ એમણે કવિતાનો કીમિયો તો સિદ્ધ કર્યો જ હતો. એના વિશે એક પ્રસિદ્ધ કથા છે. બાશો અને એમના પ્રથમ શિષ્ય કિકાકુનો એક પ્રસિદ્ધ પ્રસંગ છે. ત્યારે બાશોની વય ત્રીસ વર્ષની અને કિકાકુની વય તેર વર્ષની હશે. એક દિવસ ઇદોની સીમમાં ખેતરોમાં બાશો અને કિકાકુ ફરી રહ્યા છે. ખેતરોમાં રાતાં પતંગિયાં ઊડી રહ્યાં છે. કિકાકુ એમને જુએ છે ને સહસા એક હોક્કુ ઉદ્ગારે છે ઃ ‘પતંગિયાની 
પાંખો જો તમે કાપો 
તો રાતાં ફૂલો.’ બાશો તરત જ કિકાકુને ઉપાલંભ આપે છે ઃ ના. આ હોક્કુ નથી. આ વિષય પર હોક્કુ રચવું હોય તો આમ રચવું જોઈએ ઃ ‘રાતાં ફૂલોને 
પાંખો જો તમે આપો 
તો પતંગિયાં.’ કવિતા કરવી છે? કવિ થવું છે? તો પતંગિયાની પાંખો કાપીને, જગતમાં અને જીવનમાં અપવૃદ્ધિ કરીને, વિશ્વમાં જે સૌંદર્ય છે એનો હ્રાસ કરીને કવિતા નહિ કરાય, કવિ નહિ થવાય. કવિતા કરવી હોય, કવિ થવું હોય તો રાતાં ફૂલોને પાંખો આપીને, જગતમાં અને જીવનમાં અભિવૃદ્ધિ કરીને, વિશ્વમાં જે સૌંદર્ય છે એનો વિકાસ કરીને જ કવિતા કરાશે, કવિ થવાશે. કવિતાનો કીમિયો છે કરુણા, પ્રત્યેક જીવજંતુ, પંખી, પશુ, મનુષ્ય — અરે, વનસ્પતિ અને પદાર્થ સુધ્ધાં — પ્રત્યે કરુણા, પરમેશ્વરમાં છે એટલી અપાર કરુણા. બાશો બૌદ્ધ કવિ હતા, અહિંસા અને પ્રેમના કવિ હતા. ક્ષણેક્ષણમાં અને અણુએ અણુમાં બુદ્ધ વસી-વિલસી રહ્યા છે એ દર્શનના કવિ હતા. કવિ માત્રને માટે કવિતાનો કીમિયો છે કરુણા.

૧૯૮૨


*