સ્વાધ્યાયલોક—૫/કુકાકવાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘કુકાકવાણી’

૧૯૪૩માં સત્તર વર્ષની સાવ કાચી વયે મને કવિતા કરવાની કુબુદ્ધિ સૂઝી ત્યારે આગલે જ વર્ષે ૧૯૪૨માં ઉમાશંકર-સંપાદિત બાલાશંકરની કાવ્યકૃતિઓનો સંગ્રહ ‘કલાંત કવિ’ પ્રગટ થઈ ચૂક્યો હતો અને એનાં પાનાંઓ પર આ હાથ ફરી ચૂક્યો હતો એટલે કે આ હૃદય પર એનો રસપ્રવાહ ફરી ચૂક્યો હતો એને હું એક અલ્પ કવિતાલેખક તરીકે મારું સદ્ભાગ્ય સમજું છું. જીવનમાં જે કંઈ આનંદ પ્રાપ્ત થયો છે એમાં ગુજરાતી કવિતાનો હિસ્સો નાનોસૂનો નથી. પ્રાચીનોમાંથી નરસિંહની, મીરાંની, અખાની, પ્રેમાનંદની અને દયારામની કવિતા મને અતિ પ્રિય છે. અર્વાચીનોમાંથી જે પાંચ પૂર્વજોની કવિતામાંથી આનંદ અનુભવ્યો છે એ વિશે ભવિષ્યમાં એક ગ્રંથ રચવાનું સ્વપ્ન સેવતાં સેવતાં કોઈ તોફાનમસ્તીની ક્ષણે બેધ્યાનમાં નહિ તો બેભાનમાં લગીર લલકારી પણ નાખ્યું હતું : ક્લાંત, કલાપી, કાન્ત ને ન્હાનલ ને બલવંત, 
આ પાંચે ય કવંત ને બાકી સર્વ લવંત. એમાં ક્લાંતનું નામ છંદ કે લયની દૃષ્ટિએ પ્રથમ નથી મૂક્યું પણ સકારણ પ્રથમ મૂક્યું છે. પછી જેમનાં નામ આવે છે એ ચારે કવિઓએ ક્લાંતની કવિતાનો આનંદ અનુભવ્યો છે. એ ચારે કવિઓ ક્લાંતના ઋણી છે. એ ચાર કવિઓ જેવો આનંદ અનુભવવાનું તો મારું ગજું નહિ. છતાં મેં પણ મને આવડ્યો એવો આનંદ ક્લાંતની કવિતામાં અનુભવ્યો છે. કલાકૃતિના નામને લાયક એમની કાવ્યકૃતિ ‘ક્લાંત કવિ’માંથી જે આનંદ અનુભવ્યો છે તે વધુ વિસ્તારથી પ્રગટ કરવો છે પણ તે અન્ય કોઈ સમયે. એટલે અત્યારે તો આ લઘુલેખમાં બાલાશંકરના સ્વભાવના એક વિશિષ્ટ પણ વધુ પરિચિત નહિ એવા લક્ષણ વિશે અને એની લાક્ષણિક પ્રસાદી જેવી એમની એક કાવ્યકૃતિ વિશે જે આનંદ અનુભવ્યો છે તે જ માત્ર પ્રગટ કરીશ. મણિલાલની બુદ્ધિને પડછે બાલાશંકરની બુદ્ધિ પ્રગલ્ભ તો ન જ કહેવાય. છતાં બાલાશંકરમાં એક કવિને જરૂરી એટલી બુદ્ધિ તો બેશક હતી જ. (એથી વિશેષ બુદ્ધિ કવિમાં હોય તો એથી કવિને કંઈ જ વિશેષ લાભ થવાનો નથી, જ્યારે હાનિ થવાનો પૂરો સંભવ છે.) અમદાવાદની ગુજરાત કૉલેજના ઔપચારિક અભ્યાસમાં કે મુંબઈમાં ટાઉનહૉલની કાયદાની પરીક્ષામાં એનો પરિચય નથી થતો. એમના વૈભવમાં, વ્યસનોમાં કે વ્યાપારમાં પણ એનો પરિચય નથી થતો. પણ કિશોરવયના એમના સંગીત, નૃત્ય ને કાવ્યના અભ્યાસમાં કે યુવાન વયના એમના સંસ્કૃત-ફારસીના ને ઇતિહાસ-પુરાતત્ત્વના સ્વપ્રયત્નના અભ્યાસમાં, એમની સાહિત્યપ્રીતિમાં ને એમની વ્યવહારનીતિમાં; એમની પિતૃભક્તિમાં ને એમની ક્ષમાવૃત્તિમાં; એમના અશ્રુકરુણ એકરારોમાં ને એમનાં પૂર્ણપવિત્ર પ્રાયશ્ચિતોમાં; એમની નિર્દોષતામાં ને એમની નિખાલસતામાં; એમનાં પત્રોમાં ને એમના વાર્તાલાપોમાં અને સૌથી વિશેષ તો એમની કવિતામાં જે સ્વમાન અને સંયમ છે એમાં એમની પાકટ બુદ્ધિનો આપણને બરોબર પરચો થાય છે. બાલાશંકરને સ્વભાવમાં અને સર્જનમાં પુરોગામીઓમાંથી મુખ્યત્વે નર્મદે વારસો આપ્યો હતો. દલપતનું એકે લક્ષણ કે અપલક્ષણ સ્વભાવમાં ન અપનાવ્યું છતાં ‘સ્વસુધારક મંડળ’ની સભાઓમાં દલપત ચડે કે નર્મદ એ અંગેની ચર્ચાઓમાં દલપત ચડે એમ નિ:સંકોચપણે કહી નાંખ્યું એટલું જ નહિ, દલપતશૈલીના આરંભના એક કાવ્ય ‘શ્રી રીપનપંચદશી’ની અંતિમ પંક્તિમાં સ્પષ્ટપણે ગાઈ પણ નાંખ્યું : ‘પ્રિય ગુરુ દલપતરામનો પદરજ સેવક બાલ.’ કારણ કે બાલાશંકરે એમના સર્જનમાં દલપતકવિતાનો એકાદ અંશ અપવાદ રૂપે અપનાવ્યો હતો. દલપતરામે જે રૂડા છંદ રચ્યા હતા એ એમણે બાલાશંકરને પઢાવ્યા હતા. અને એ રૂડા છંદ બાલાશંકરને પચ્યા હતા. કવિતાના સ્વચ્છ અને સ્વસ્થ બહિરંગનો જે પ્રયત્ન બાલાશંકરમાં છે તે દલપતશૈલીનો પ્રભાવ છે. વળી દલપતે બુદ્ધિચાતુર્ય(wit)માંથી જે કેટલીક સાચી કવિતા સિદ્ધ કરી છે તેનું બાલાશંકરના એક વિરલ કાવ્યમાં દર્શન થાય છે અને તે ‘કુકાકવાણી’માં. ઉમાશંકર ‘બાલનંદિની’માં નોંધે છે કે ‘પોપટ પાળે પ્રેમથી, કાગ ન પાળે કોય’ એ દલપતવચનના પ્રતિકારમાં કવિએ ભરૂચમાં કાગડો પાળેલો.’ પ્રિય ગુરુનો આવો પ્રતિકાર એ બાલાશંકરના સ્વભાવના એક વિશિષ્ટ લક્ષણ બુદ્ધિચાતુર્યની જ બલિહારી છે. આ પ્રતિકાર બુદ્ધિની હાસ્યવૃત્તિનો, ચાતુરીનો સ્થૂલ પ્રકાર છે. ‘અને તેના જ અનુસંધાનમાં આ કૃતિ રચાઈ હોવા સંભવ છે.’ એ પ્રમાણે પછી આ ‘કુકાકવાણી’ કાવ્ય રચ્યું એ બુદ્ધિની હાસ્યવૃત્તિનો, ચાતુરીનો સૂક્ષ્મ પ્રકાર છે. આ કાવ્યમાં હાસ્ય દ્વારા બાલાશંકરે વિરહની વ્યથા ગાઈ એમાં એમની અસાધારણ મૌલિકતા છે. હાસ્ય દ્વારા રુદન કરવું એક વિરલ કલા છે. આના સંદર્ભમાં બાલાશંકરે સંસ્કૃત સાહિત્યમાંથી હાસ્ય અને રુદનના અદ્ભુત મિશ્રણરૂપ અદ્વિતીય નાટ્યકૃતિ ‘મૃચ્છકટિક’નો સરલમધુર અનુવાદ કર્યો હતો અને ‘ચાબૂક’ નામના કાવ્યમાં આપણી કવિતામાં પહેલું ઠત્ર રચ્યું હતું એનું સહેજે સ્મરણ થાય છે. સાહિત્યમાં અન્ય અનેક પંખીઓનો થયો છે પણ ક્યાંય કાગડાનો મહિમા થયો નથી. તો જીવનમાં પિતૃઓના શ્રાદ્ધ નિમિત્તે કાગવાસને પ્રસંગે એનો જે મહિમા થયો છે એટલો જ માત્ર એમાં અપવાદ. આમ, કાગડો એ અતિ અકાવ્યમય પંખી છે. પ્રિય ગુરુએ જ ગાયું હતું કે ‘કાગ ન પાળે કોય.’ એમ છતાં બાલાશંકરે કાગ પાળ્યો એટલું જ નહિ પણ એના પર કાવ્ય પણ રચ્યું. આમ, બાલાશંકરે કાગડાનો મહિમા જીવનમાં અને સાહિત્યમાં બન્નેમાં કર્યો. કારણ? કારણ સ્પષ્ટ જ છે કે લોકવાયકામાં કાકવાણી એ અતિથિના આગમનની ભવિષ્યવાણી ગણાય છે. (‘છો જી પિયુસંગના સૂચક’) કવિને કાગ પ્રત્યે પ્રેમ છે કારણ કે એથી યે વિશેષ પ્રેમ કવિ જેને કારણે વિપ્રલંભાવસ્થાની વ્યથા અનુભવે છે એ પ્રમદા પટરાણી પ્રત્યે છે. એ ન હોત તો આ કાવ્યનો પ્રસંગ જ ન હોત. અંતે તો કવિને કાગડાનો નહિ પણ પોતાની વિપ્રલંભાવસ્થાની વ્યથાના અનુભવનો જ મહિમા કરવો છે. કાગડો તો નિમિત્ત માત્ર છે, સાધન છે, જેમ અંગ્રેજ કવિ શેલીએ એના પ્રસિદ્ધ ‘To a Skylark’ ‘ચંડોળને’ નામના સ્તોત્રકાવ્યમાં ચંડોળને નિમિત્તે, ચંડોળના સાધન દ્વારા અંગત આનંદના અનુભવનો મહિમા કર્યો છે. એમાં ચંડોળનો નહિ, ચંડોળત્વ (skylarkness)નો જ મહિમા કર્યો છે. એટલે જ એ કાવ્યમાં કવિ ચંડોળને કહે છે ‘what thou art we know not.’ કવિ કહે છે કે ચંડોળ શું છે એનું કવિને પોતાને જ્ઞાન નથી. પણ એ જ્ઞાન તો ચંડોળને પણ નથી કારણ કે ચંડોળ જ્યારે ગાય છે ત્યારે એમાં એના પોતાના આનંદની અભિવ્યક્તિ થાય છે એવું ચંડોળને ભાન નથી. પણ કવિને સંપૂર્ણ ભાન છે કે કવિ જ્યારે ચંડોળને નિમિત્તે ગાય છે ત્યારે એમાં કવિના અંગત આનંદની તો અભિવ્યક્તિ થાય જ છે. આમ, એ કાવ્યમાં ચંડોળ એ કવિના નિજાનંદનું પ્રતીક માત્ર છે. શેલી પણ જર્મન કવિ શીલરની જેમ આ સ્તોત્રકાવ્યને ‘Ode to Joy’ ‘આનંદસ્તોત્ર’ એવું શીર્ષક આપી શક્યો હોત. કીટ્સ અને એની નાઇન્ટીન્ગેઇલ વિશે પણ આમ જ કહી શકાય. અહીં આ ‘કુકાકવાણી’ કાવ્યમાં પણ આપણા કવિએ કાગડાને નિમિત્તે, કાગડાના સાધન દ્વારા વિરહની વ્યથાના અંગત અનુભવને જ ગાયો છે. જેમ લૅટિન કવિ કાતુલ્લુસે (Catullus) એની પ્રિયતમા ક્લાઉડીઆના વિરહની વ્યથાનો અંગત અનુભવ ક્લાઉડીઆના પાળેલા પંખી (Sparrow)ને પડછે ગાયો છે. ‘કુકાકવાણી’ કાવ્યનો પ્રત્યક્ષ અર્થ છે વાયસને વિનંતી પણ કવિને અભિપ્રેત છે પ્રમદા પટરાણીનો પ્રેમ, અને એ પ્રમદા પટરાણીના વિરહથી વિપ્રલંભાવસ્થાની પોતાની વ્યથા. એમાં વાયસ તો નિમિત્ત છે, મહત્ત્વનો છે કવિનો પ્રેમ. મહિમા વાયસનો નથી, કવિની વિરહની વ્યથાનો છે. અને એ વ્યથા કવિએ હાસ્ય દ્વારા વ્યક્ત કરી છે એમાં કવિની બુદ્ધિની બલિહારી છે. કુકાકવાણી મીઠી મીઠી વાણી બોલો રે વાયસજી, કુંકુમ રંગ વધાવું, 
આવે જો પ્રમદા પટરાણી પંજર હેમ ઘડાવું. ચૂવા ચંદન ચોળી અરગજા, ગંગાજળ નવરાવું, 
શ્યામ ભાળ પર ભભક ભરેલું કેશરતિલક લગાવું. સિંહલદ્વીપ ગજ મોતી કેરા કંઠે હાર ધરાવું, 
સુંદર શ્વેત સુગંધી સુમનનું અંગે પટ પહેરાવું. પાટલ પારિજાત ગૂંથીને વાયુ વ્યજન ઢળાવું, 
ઉત્તમ અત્તર ઇંદોરીની મ્હેક તને મ્હેકાવું. મણિજડિત્ર કલગી શિર ઉપર બાંકી છેલ ધરાવું, 
પુર મંદિરની મૂર્તિ ફેડી ત્યાં તમને પધરાવું. નાગરી જન કરે ગોરે તમારી પૂજા પૂર્ણ કરાવું, 
સૂરજ સુધાકર પાસ તમારી આરતીઓ ઉતરાવું. જુવતીજન કર ખોળે છાતી પર તમને બેસારું. 
છો જી પિયુ સંગમના સૂચક કરું શું નિછાવર વારુ? વેદપાત્ર બ્રાહ્મણની પાસે પાલખીને ઉપડાવું, 
કનકાસન પધરાવી તમને સરઘસ સારુ ચડાવું. સારસનું સાજન, માજનિયા મોર પપિહ તેડાવું. 
કુટિલ કોયલને કરું બંદીજન, કંચુકી કીર બનાવું. બુલ્બુલ હંસની સંગીતનૃત્યગતિ મુજરો નેક કરાવું. 
મેનાગણ મુખ મિષ્ટ તમારા ગુણનાં ગીત ગવરાવું. ખગ બગલા નાપીક મશાલી સાજનમાંહે ચલાવું, 
પંખીગણ છો નીંદે તમને પંખીરાજ બનાવું. કો કો શું પૂછો જાણીને હું મશ્કરી મન લાવું, 
આવાગમન વધામણી આણી કેમ કહો છો આવું? આજ નિશા જો આવે પ્યારી ગુણ તમારા ગાઉં, 
મુજ મદિરાનો મીઠો પ્યાલો એક ભરીને પાઉં. થાજો ચતુર ચારુ ચિરંજીવી એ આશિષ સંભળાવું. 
વિરહીના છો વ્હાલા વાયસ તે ગુણ કેમ ભુલાવું? શું અર્પું હું બાલ તમોને શી તતબીર રચાવું? 
નિસ્પૃહ રાજન્‌‌નો રાજા છું પ્રેમગરીબ કહાવું. કાવ્યની પ્રથમ પંક્તિમાં કવિ કહે છે : ‘મીઠી મીઠી વાણી બોલો રે વાયસજી, કુંકુંમ રંગ વધાવું.’ પોતાની વાણી મીઠી છે કે કડવી એ વિશે કોઈ જ્ઞાન કે ભાન વાયસજીને તો નથી જ. પણ કવિને પૂરેપૂરું જ્ઞાન છે કે વાયસજીની વાણી અતિથિના આગમનની ભવિષ્યવાણી છે એ લોકવાયકાનો પોતે કાવ્યોચિત ઉપયોગ કરી રહ્યા છે અને કવિને પૂરેપૂરું ભાન પણ છે કે આ વિનંતી પછી પણ વાયસજી તો વાણી બોલે કે ન બોલે પણ એ મિષે પોતે તો મીઠી મીઠી વાણી બોલી જ રહ્યા છે. વળી જેને વાયસજીની વાણી કડવી લાગે એને તો કવિએ ‘કુકાકવાણી’ શીર્ષકની મીઠી ભેટ ધરી જ છે, એમની પ્રત્યે કરુણાકટાક્ષ કર્યો જ છે. કવિને તો પોતે વિરહી હોવાથી મીઠી જ લાગે છે. બેવડી મીઠી લાગે છે. બે વાર ‘મીઠી’ શબ્દનો ઉપયોગ કર્યો છે! વળી વાયસને સંબોધતાં કવિ એને ‘વાયસજી’ કહે છે. ‘વાયસ’માં કવિ ‘જી’ ઉમેરે છે તે પ્રહ્લાદ પારેખ એમના એક સુંદર ગીત ‘હે દરિયા’માં તિરસ્કાર પ્રગટ કરવા મનને સંબોધતાં ‘જી’ ઉમેરીને ‘મનજી’ કહે છે તે નહિ પણ આદર પ્રગટ કરવા, સતત માનાર્થે બહુવચનથી સંબોધવા ‘જી’ ઉમેરે છે. અને વાયસજીના આવા બહુમાન દ્વારા અંતે તો કવિ એમના અનુભવનું અને પ્રમદા પટરાણીનું જ બહુમાન કરે છે. આ પ્રથમ પંક્તિની વાણી એ મંદ, મૃદુ ને મધુર વિનયમુક્ત વિનંતીની વાણી છે. એમાં કવિનો આર્જવયુક્ત અવાજ અનુરૂપ છંદ અને લયમાં આબાદ પ્રગટ થાય છે. કાવ્યની બીજી પંક્તિમાં કવિ કહે છે : ‘આવે જો પ્રમદા પટરાણી પંજર હેમ ઘડાવું’ આમ, પ્રમદા પટરાણીના વિરહથી પોતાની વિપ્રલંભાવસ્થાનું તથા મિલનની આશાનું સૂચન કરીને કવિએ આરંભે જ કાવ્ય સમગ્રના રહસ્યનું ઉદ્ઘાટન કર્યું છે. પછીની છવ્વીસ પંક્તિમાં જો પ્રમદા પટરાણી આવે તો કવિ વાયસજીને કેવો પુરસ્કાર આપે એ વિશે કવિએ વિગતે વર્ણન કર્યું છે. એ આમ તો નિરર્થક લંબાણ જેવું લાગે, વળી આ કાવ્ય ‘હરિપ્રેમપંચદશી’નો એક અંતર્ગત અંશ છે એથી આ કાવ્યના બબ્બે પંક્તિના પંદર શ્લોકની અનિવાર્યતામાં માત્ર સ્થૂલ ગણિત જ છે, યાંત્રિકતા જ છે એવું પણ લાગે. આ છવ્વીસ પંક્તિઓમાં કવિએ વાયસજીને અનેક પ્રકારે લાડ કરવાનું, લાલનપાલન કરવાનું વચન આપ્યું છે. પણ એ દ્વારા અંતે તો કવિએ પ્રમદા પટરાણીને જ લાડ કર્યા છે, પોતાના વિરહાનુભવનું જ લાલનપાલન કર્યું છે. એમાં કવિએ અનેક અતિશયોક્તિઓ કરી છે અને એ દ્વારા વિરહની વ્યથા વિશે અલ્પોક્તિઓ કરી છે. વળી કવિની પ્રમદા તો પટરાણી છે એથી એ પદને અનુકૂળ એવો જ વાયસજીને કવિનો પુરસ્કાર હોય. અને એ રીતે આ અતિશયોક્તિઓ અનિવાર્ય પણ છે. કવિ અહીં જાણે કે વિરહની વ્યથાને છુપાવવા કરે છે અને એમ કરીને જ એને છતી કરે છે, વધુ સ્પષ્ટપણે છતી કરે છે, કારણ કે કવિ એ વિશે સભાન છે. અહીં આનંદ દ્વારા વ્યથા જ વ્યક્ત થાય છે. આ છવ્વીસ પંક્તિઓમાં કવિ જાણે કે વિરહની વ્યથાને ખાળવા-ટાળવા મથે છે. જાણે કે વિરહની વાત કહેવી છે કહેવી છે ને નથી કહેવી. નથી કહેવી ને છતાં કહેવી છે. એવી મૃદુમધુર મૂંઝવણ અને મથામણ અનુભવે છે. એમાં કવિ સ્વમાન અને સંયમ સમજે છે. અને એ જ કારણે છવ્વીસ પંક્તિનું લંબાણ કરે છે. એમાં વિચાર કે વસ્તુનો નહિ પણ રતિના ભાવનો વિકાસ અવશ્ય થાય છે, જે અંતે વિપ્રલંભશૃંગારરસમાં સંપૂર્ણપણે સફળતાપૂર્વક પર્યવસાન પામે છે. એથી આ લંબાણ ઉચિત અને ઉપકારક છે, સુસહ્ય અને સ્વીકાર્ય છે. આ છવ્વીસ પંક્તિમાંની પ્રત્યેક પંક્તિ પછી કવિ જાણે કે ‘આવે જો’ અને ‘પ્રમદા પટરાણી’નું વગર શબ્દે પુનરુચ્ચારણ કરે છે. અને આપણે પણ પ્રત્યેક પંક્તિનો પાઠ કરતાં ‘આવે જો પ્રમદા પટરાણી’નું સતત સ્મરણ કરીએ છીએ. એથી જ કાવ્યમાં સળંગ એક જ પ્રાસ છે અથવા તો કાવ્યમાં સળંગ એક જ પ્રાસ છે. એથી આ પુનરુચ્ચારણ અને સ્મરણનો અર્થ સરલસ્પષ્ટ થાય છે. કવિ વાયસજીને આટઆટલો પુરસ્કાર ક્યારે આપે? આવે જો પ્રમદા પટરાણી! આ બીજી પંક્તિના પડઘા પછીની છવ્વીસ પંક્તિઓમાં સળંગ પથરાય છે. આમ, કવિ વિરહની વ્યથાનો વિસ્તાર કરે છે અને જો પ્રમદા પટરાણી આવે તો કવિ વાયસજીને આટઆટલો પુરસ્કાર આપશે જ એમાં કવિ મિલનના આનંદનો ઇશારો કરે છે અને એ પુરસ્કારમાં જે અતિશયોક્તિઓ છે એથી તો પોતાનો આનંદ કેવો પરમાનંદ હશે એનું સૂચન કરે છે. કારણ કે કોઈ આટઆટલો પુરસ્કાર ક્યારે આપે? એનો આનંદ એ પરમાનંદ હોય ત્યારે. આમ, અહીં લંબાણ અને અતિશયોક્તિઓ દ્વારા વિરહની વ્યથા અને મિલનનો આનંદ સ્વમાન અને સંયમપૂર્વક પ્રગટ થાય છે એમાં જ આ કાવ્યની કલા કૃતાર્થ થાય છે. ‘ક્લાંત કવિ’માં જેમ કવિ ભૂતકાળના મિલનસુખનું સ્મરણ કરી કરીને વર્તમાનના વિરહદુઃખને વિસ્તારે છે અને એ વિસ્તાર દ્વારા વિરહદુઃખની પરાકાષ્ઠાની ક્ષણે મિલનસુખ અનુભવે છે તેમ અહીં કવિ ભવિષ્યના મિલનસુખનું રટણ કરી કરીને વર્તમાનના વિરહદુઃખને વિસ્તારે છે અને એ વિસ્તાર દ્વારા વિરહદુઃખની પરાકાષ્ઠાની ક્ષણે મિલનસુખ અનુભવે છે. વળી ‘ક્લાંત કવિ’માં વિરોધીઓ વિશે જે વાત કવિ ગાંભીર્યપૂર્વક કહે છે એ જ વાત ‘નાગરી જન’ અને ‘બ્રાહ્મણ’ વિશેની પંક્તિઓમાં, આ કાવ્ય સમગ્રના મિજાજને અનુકૂળ જ, હાસ્યપૂર્વક કહે છે. વાયસજીના ‘કો કો’ અવાજમાં કોણ કોણ એવો પ્રશ્નાર્થ કલ્પીને જેણે પ્રમદા પટરાણીના આવાગમનની વધામણી આણી છે તે જ હવે કોણ કોણ એવું તે આ શું પૂછે છે એમ પૂછીને કવિ ‘હું મશ્કરી મન લાવું’ એમ કહે છે. ત્યારે આ છવ્વીસ પંક્તિઓને અંતે જતાં કવિ વિરહની વ્યથાને સતત હાસ્યમાં પલટી રહ્યા છે, હસી રહ્યા છે એમ સભાનપણે સ્પષ્ટ સૂચન કરે છે. અને અંતે આ હાસ્ય દ્વારા વ્યથા કંઈક હળવી થાય છે, સહ્ય થાય છે. પછી જ યોગ્ય સમયે અને યોગ્ય સ્થાને કવિ એમની વિપ્રલંભાવરથા વિશે ખુલ્લો એકરાર કરે છે, સ્પષ્ટ શબ્દમાં સાફ સાફ કહે છે કે પોતે વિરહી છે. અને વ્યાપ્તિ દ્વારા સૌ વિરહી પ્રત્યે, જેમ ‘ક્લાંત કવિ’માં તેમ અહીં, અપાર સહાનુભૂતિ પણ પ્રગટ કરે છે : ‘વિરહીના છો વ્હાલા વાયસ તે ગુણ કેમ ભુલાવું?’ આમ, જેમ જેમ કવિ હાસ્યથી ઢાંકતા જાય છે તેમ તેમ વિપ્રલંભ વધુ ને વધુ વિકસતો આવે છે; ઊઘડતો, ઊપસતો આવે છે. અહીં આ હાસ્યની છવ્વીસ પંક્તિઓમાં પ્રત્યેક બે પંક્તિઓની વચ્ચે જે વણલખેલી પંક્તિ છે તે વિપ્રલંભની છે, એમાં વિરહની વ્યથા વાંચી શકાય છે. ‘ક્લાન્ત કવિ’માં વિરહદુઃખની પરાકાષ્ઠાની ક્ષણે જ મિલનસુખનો અનુભવ અને આનંદ પ્રગટ થાય છે તેમ અહીં પણ એ જ વિરોધાભાસ(paradox) છે કે આ હાસ્યની પરાકાષ્ઠાની ક્ષણે જ વિરહદુઃખનો, વિપ્રલંભાવસ્થાનો અનુભવ પ્રગટ થાયછે. કાવ્યની અંતિમ કડીમાં કવિ કહે છે : ‘શુ અર્પું હું બાલ તમોને, શી તતબીર રચાવું? 
નિસ્પૃહ રાજન્‌નો રાજા છું, પ્રેમગરીબ કહાવું.’ કવિ કહે છે કે પોતે પ્રેમગરીબ છે. એમની પાસે માત્ર પ્રેમ છે, એ સિવાય અન્ય કંઈ જ નથી અને એથી જ તેઓ નિસ્પૃહ એવા રાજન્‌ના રાજા છે. પોતે નિસ્પૃહ છે એમ કહે છે છતાં એમને પ્રમદા પટરાણીની સ્પૃહા તો છે જ. અને પોતે રાજન્‌ના રાજા છે એ તો માત્ર એમની પ્રમદાના પટરાણી પદનો જ પ્રતાપ છે, પોતે પ્રેમગરીબ છે. એમની પાસે પ્રેમ સિવાય કંઈ જ નથી. છતાં જો પ્રમદા પટરાણી આવે તો વાયસજીને આટઆટલો પુરસ્કાર આપે એટલો સમૃદ્ધ એમનો પ્રેમ છે. એમની પાસે માત્ર પ્રેમ છે પણ આ ક્ષણે તો પોતે વિરહી છે, એથી આ ક્ષણે તો પ્રેમમાં પણ પોતે ગરીબ છે. આમ, કાવ્યની અંતિમ પંક્તિને પણ અંતે કાવ્યની પરાકાષ્ઠા આવે છે. આ હાસ્યના કાવ્યમાં કેન્દ્રનો અનુભવ તો વ્યથાનો જ છે એ રહસ્ય કવિ માત્ર અંતિમ પંક્તિમાં જ પ્રગટ કરે છે. અને એમ હાસ્યથી આરંભ પામીને આ કાવ્ય વ્યથામાં જ અંત પામે છે. પ્રેમી તરીકેના જે સ્વમાનથી અને કવિ તરીકેના જે સંયમથી ‘પ્રિયાની પ્રીતિ તે રસિકજન છાની અનુભવે, 
નથી રોતા કાંઈ ઘરઘર ફરી, અંતર રુવે.’ 
… 
પૂરે પ્રેમે તારા ગલિત મનડે સ્વસ્થ થઈને 
અલાપી મેં તારા વિરહની વ્યથા જે અનુભવી.’ એમ કહીને બાલાશંકરે ‘ક્લાન્ત કવિ’ની કોમલનાદમસ્ત કવિતાકલાનું સર્જન કર્યું તે જ સ્વમાન અને સંયમથી એમણે ‘કુકાકવાણી’નું પણ સર્જન કર્યું છે. અલબત્ત, એનો અર્થ એ નથી કે ‘કુકાકવાણી’ પણ ‘ક્લાન્ત કવિ’ જેવું મહાન કાવ્ય છે. બન્ને વચ્ચે પ્રધાન ગૌણનો ભેદ સ્પષ્ટ છે. ‘ક્લાન્ત કવિ’માં બુદ્ધિપૂત ઊર્મિનો ઉદ્રેક છે, ‘કુકાકવાણી’માં ઊર્મિવત્ બુદ્ધિની બલિહારી છે. પણ બન્નેનો અનુભવ એનો એ જ છે, બન્નેમાં વિરહનું દુઃખ અને મિલનનું સુખ એનાં એ જ છે. જેમ ‘ક્લાન્ત કવિ’ વિશે તેમ ‘કુકાકવાણી’ વિશે પણ કહી શકાય કે એનું સૌંદર્ય આગવું છે, એનો આનંદ અનેરો છે. વળી જેના અંતર્ગત અંશરૂપ આ કાવ્ય છે તે ‘હરિપ્રેમપંચદશી’ના સમગ્રના સંદર્ભમાં આ કાવ્યનો વ્યાપક અર્થ થાય એ વિશે તો અહીં આમ માત્ર સૂચન કરીને જ સંતોષ માનવો રહ્યો. બાલાશંકરના સમગ્ર સંગ્રહમાં આ પ્રેમનું ગીત વિરલ છે. એટલું જ એ સમસ્ત ગુજરાતી કવિતામાં પણ વિરલ છે. કારણ કે હાસ્ય દ્વારા કરુણને ઉપસાવવામાં જે કલા છે, જે કીમિયો છે તે સર્વત્ર વિરલ છે. જે વિરહના ભાવની અને જે મિલનની ભાવનાની ભૂમિમાંથી ‘ક્લાન્ત કવિ’ના કરુણ અનુભવનો સો શ્લોકોનો ફુવારો ફૂટ્યો છે એ જ ભાવની અને ભાવનાની ભૂમિમાંથી ‘કુકાકવાણી’ના આ હાસ્યનો અંકુર ઊગ્યો છે. એ બાલાશંકરના સ્વભાવના એક વિશિષ્ટ પણ વિશેષપણે પરિચિત નહિ એવા લક્ષણની એટલે કે બાલાશંકરની બુદ્ધિની બલિહારી છે. માંદલા નહિ પણ જેમના ‘મગજમાં તાર જુદો છે’ એવા ‘મહામસ્તાન જ્ઞાની’ કવિઓ જ ‘કુકાકવાણી’ જેવાં કાવ્યો રચી શકે. આ સ્વમાન, આ સંયમ, આ બુદ્ધિ, બાલાશંકરના તેમજ સૌ સર્જકોના જીવનની અને કવનની સંજીવની છે. સર્જક માત્રને આ સંજીવની સદા સુલભ હજો!

૧૯૫૯


*