સ્વાધ્યાયલોક—૫/સાગર અને શશી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘સાગર અને શશી’

સાગર અને શશી આજ, મહારાજ! જલ પર ઉદય જોઈને 
 ચન્દ્રનો હૃદયમાં હર્ષ જામે, 
 સ્નેહઘન, કુસમવન વિમલ પરિમલ ગહન, 
 નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે; 
 પિતા! કાલના સર્વ સંતાપ શામે! 
 નવલ રસ ધવલ તવ નેત્ર સામે, 
 પિતા! કાલના સર્વ સંતાપ શામે! જલધિજલદલ ઉપર દામિની દમકતી, 
 યામિની વ્યોમસર માંહિ સરતી; 
 કામિની કોકિલા કેલિ કૂજન કરે, 
 સાગરે ભાસતી ભવ્ય ભરતી; 
 પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી! 
 તરલ તરણી સમી સરલ તરતી! 
 પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી! મણિશંકર રત્નજી ભટ્ટ ‘સાગર અને શશી’ કાવ્ય આ લખનારને અંગ્રેજી છઠ્ઠા ધોરણથી ઇન્ટર લગીની પરીક્ષાઓ માટે ગુજરાતીનાં પાઠ્યપુસ્તકોમાં ભણવાનું હતું. આમ, લાગલાગટ ચાર વરસ લગી પરીક્ષાઓ માટે પાઠ્યપુસ્તકોમાં જેના ભાગ્યમાં એકનું એક જ કાવ્ય ભણવાનું હોય તેને એ કાવ્ય ભાગ્યે જ ‘ગમતું કાવ્ય’ લાગે! અને છતાં ય ‘સાગર અને શશી’ એ મને ગમતું કાવ્ય છે. આવું કાવ્ય પણ ગમતું કાવ્ય હોય એ કવિતાનાં અનેક આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય જ હશે. એનો યશ આપણા શિક્ષણને નથી એવું ભણેલાઓને તો કહેવાનું જ ન હોય. એનો યશ છે આ કાવ્યના લયને. એના લયમાં માધુર્ય છે, મોહિની છે; સંવાદ છે, સૌંદર્ય છે; આનંદ છે, ઉલ્લાસ છે. આ કાવ્ય કાને પડ્યું તે પહેલાંનો કવિ થવા માટે ‘ફાંફાં’ મારતો હતો. રવીન્દ્રનાથ અને સરોજિનીનાં કાવ્ય વાંચી વાંચીને અંગ્રેજીથી આરંભ કર્યો. પછી સરોજિનીના સંગ્રહની પ્રસ્તાવનામાં ઍડમંડ ગૉસની સલાહ વાંચીને પસ્તાયો. પરભાષામાં કાવ્ય કરવા જેવી બીજી કોઈ બેવકૂફી નથી. એટલે બંગાળીમાં એકબે કાવ્ય કર્યાં. (રવીન્દ્રનાથનાં બંગાળી કાવ્યો પણ જાતમહેનતથી વાંચ્યાં હતાં.) પણ તરત જ ફરીને પસ્તાયો. બંગાળી પણ પરભાષા જ ને! (કવિ થવાનું લમણે લખાયું હશે એટલે પહેલેથી એટલી સમજ હતી કે કવિતા રોજ બોલીએ છીએ એ ભાષામાં ન હોય. કવિતા તો અપરિચિત ભાષામાં જ હોય. ગુજરાતી કવિતામાં જે ગુજરાતી છે તે રોજ બોલીએ છીએ તે ગુજરાતી છે? કવિતાની ગુજરાતી અપરિચિત ગુજરાતી જ છે કારણ કે કવિતામાં ભાષાનો અનન્ય પ્રકારનો ઉપયોગ થતો હોય છે.) આ તો મર્યા! હવે? કવિ થતાં થતાં રહી જવાશે કે શું? ગુજરાતીમાં કવિતા કેમ થાય એની ગતાગમ જ નહિ. ત્યાં કવિ થવાનો કીમિયો હાથ લાગી ગયો. અંગ્રેજી છઠ્ઠા ધોરણના પાઠ્યપુસ્તકમાં ‘સાગર અને શશી’ ભણવાની તે વાંચી! તે જ દિવસથી બસ કવિ! એના લયે મારો કાન પકડ્યો. અને ગુજરાતીમાં કવિતા કરતો થયો. એના છંદોલયનો એવો છાક તે ત્યાર પછી પ્રેમથી પોલિટિક્સ લગીના વિષયો માટે ઝૂલણા છંદ યોજ્યો. જો આજ લગી કોઈ પણ કાવ્ય સતત લલકારતો રહ્યો હોઉં, તો તે ‘સાગર અને શશી’. ત્યાર પછી કવિ થવાની તાલીમ રૂપે ‘પૂર્વાલાપ’નો અભ્યાસ આરંભ્યો. (અનુભવથી કહી શકાય એમ છે કે આ તાલીમ માટે ગુજરાતી ભાષામાં ‘પૂર્વાલાપ’ જેવો બીજો એક પણ કાવ્યસંગ્રહ નથી.) અને લય ઉપરાંત કાન્તનાં અન્ય કાવ્યોના સંદર્ભમાં અને કાન્તના જીવનના સંદર્ભમાં ‘સાગર અને શશી’ના વસ્તુને યથાશક્તિમતિ સમજ્યા પછી જ આ ‘સ્વાધ્યાય લેખાવલિ’માં મને સૌથી વિશેષ ગમતું કાવ્ય ‘સાગર અને શશી’ એમ કહી શકું છું. કાન્ત આપણા એક માત્ર કલાકાર કવિ છે. કેવળ કવિ અને કલાકાર કવિમાં પાણી અને પારામાં હોય એટલો ભેદ છે. પાણી અને પારો બન્ને પ્રવાહી પણ પાણી કરતાં પારામાં ઘનતા વિશેષ. આપણા કોઈ પણ અર્વાચીન કવિની કવિતા કરતાં કાન્તની કવિતામાં ઘનતા વિશેષ છે. કાન્તની કાવ્યસૃષ્ટિ, અલબત્ત, સીમિત છે પણ સુશ્લિષ્ટ છે. એમનું રસાત્મક વિશ્વ અવશ્ય પરિમિત છે પણ સુગ્રથિત છે. એમની કવિતામાં એક તીવ્ર અનુભવ છે અને એ અનુભવને એમણે એની અખિલાઈમાં, એની સમગ્રતામાં વ્યક્ત કર્યો છે અને એથી જ એમ કહી શકાય કે એમણે અખિલાઈના, સમગ્રતાના અનુભવને વ્યક્ત કર્યો છે. એમની કાવ્યસૃષ્ટિના, રસવિશ્વના કેન્દ્રમાં એક દર્શન છે. અને એ દર્શન છે નિયતિની કરુણાના અભાવે જીવનના અંતર્ગત કારુણ્યનું. એમાં ગહનતા (sense of mystery) છે, (‘ગહન’ એ કાન્તનો પ્રિય શબ્દ છે), ગાંભીર્ય (high seriousness) છે, તીવ્રતા (in-tensity of emotions) છે, કલાનો સંયમ (artistic discipline) છે. એમની સૌંદર્યદૃષ્ટિ સ્પષ્ટ, સ્થિર અને વેધક છે. એમની કાવ્યશૈલીમાં પરલક્ષિતા (objectivity) અને નાટ્યાત્મકતા (dramatic element) છે, વસ્તુને અનુકૂળ સ્વરૂપ અને ઉચિત ભાષા છે, પાત્રો અને પ્રસંગોને અનુરૂપ પ્રતીકો છે. એમની કવિતાનાં આ પ્રધાન તત્ત્વો પરથી એની ઘનતાનો આંક કાઢી શકાય છે. અને આ તત્ત્વોને કારણે જ કાન્ત આપણા એક માત્ર કલાકાર કવિ છે. કાન્તની કાવ્યસૃષ્ટિના કેન્દ્રમાં જે જીવનના અંતર્ગત કારુણ્યનું દર્શન છે તેનું કારણ પ્રણયસુખ અને ઐશ્વર્ય, પ્રેમ અને જ્ઞાન, તપ અને સૌંદર્ય એટલે કે આત્મા અને ઇન્દ્રિયો, પ્રેમ અને ધર્મ, વ્યક્તિ અને નિયતિ વચ્ચેનો સંઘર્ષ છે. (આ સંઘર્ષ એ કાન્તના જમાનાનું લક્ષણ છે. એ જમાનામાં ચિંતકોએ, વિચારકોએ જેટલા ઉજાગરા — ઈશ્વર, ધર્મ વગેરે જીવનના ગહન અને ગંભીર પ્રશ્નોને નામે — કર્યા છે એટલા આધુનિક યુગમાં આપણે ત્યાં ક્યારેય નથી થયા. વીસ વરસનું છોકરડું ‘અતિજ્ઞાન’ જેવું કાવ્ય લખે એનું કારણ એના હાથમાં જમાનાએ કલમ મૂકી હતી એમ પણ હોય!) આ સંઘર્ષ દ્વારા જ એમનું દર્શન સ્ફુટ થાય છે. કાન્તને જીવનનું સ્પષ્ટ દર્શન છે, ફિલસૂફી છે, પણ એ દર્શન, એ ફિલસૂફી કાવ્યના સ્વરૂપે પ્રગટ થાય છે; કાવ્યના અંતર્ગત અને અનિવાર્ય અંશ રૂપે વ્યક્ત થાય છે. ફિલસૂફી અને કાવ્ય એકરસ, એકરૂપ, ઓતપ્રોત છે. અને એથી જ કાન્તની કવિતામાં એકીસાથે દર્શનની ગહનતા છે, વિચારોનું ગાંભીર્ય છે અને ભાવની તીવ્રતા છે. ‘ચક્રવાકમિથુન’, ‘અતિજ્ઞાન’, ‘વસંતવિજય’, ‘દેવયાની’ અને ‘સાગર અને શશી’ આ પાંચ કાવ્યો આ જ ક્રમમાં એક સાથે લેતાં એમાં આ સંઘર્ષ, એની આત્યંતિક તીવ્રતા અને અંતે એનું સમાધાન સ્પષ્ટ થાય છે. એટલે આ પાંચ કાવ્યોમાં કાન્તના દર્શનની નિ:શેષતા, સમગ્રતા, અખિલાઈ પ્રગટ થાય છે. આ પાંચ કાવ્યો સાચી રીતે તો એક જ કાવ્ય છે. કાન્તની કવિતામાં વ્યક્ત થતી એમની જીવનદૃષ્ટિનો વિકાસ સમજવાની સરળતાને ખાતર અહીં આ પાંચ કાવ્યોની રચનાના કાલક્રમમાં જાણીજોઈને વ્યુત્ક્રમ કર્યો છે. ‘ચક્રવાક મિથુન’માં લોકવાયકાનો કાન્તે પોતાના દર્શનને ઉપકારક એવો કાવ્યમય ઉપયોગ કર્યો છે. ‘અતિજ્ઞાન’, ‘વસંતવિજય’ અને ‘દેવયાની’માં પૌરાણિક પાત્રોની સહાયથી સંઘર્ષ વ્યક્ત કર્યો છે. વ્યાસ પાસેથી ઉછીનાં લીધેલાં આ પાત્રોમાં કાન્તે એવો આગવો અર્થ ઉમેર્યો છે, એમની દ્વારા પોતાનું કામ એવું તો કઢાવી લીધું છે કે ક્ષણભર તો સ્વયં વ્યાસ ભગવાન પણ ચિબૂક પર તર્જની મૂકીને આશ્ચર્ય અનુભવે; પાત્રોનો આવો સર્જનાત્મક ઉપયોગ કર્યો હોવાથી આ પાત્રો ઉછીનાં પાત્રો રહ્યાં નથી, કાન્તનાં પોતાનાં બની ગયાં છે, મૌલિક બની ગયાં છે. વળી પાત્રો દ્વારા પોતાનું દર્શન વ્યક્ત કરીને કાન્તે પરલક્ષિતા સિદ્ધ કરી છે અને ખંડકાવ્યોનો આદિ, મધ્ય અને અંતમાં વિકાસ જે રીતે થયો છે તે દ્વારા પાત્રોને અને પોતાના દર્શનને અનુકૂળ એવી નાટ્યાત્મકતા પણ સિદ્ધ કરી છે. કાવ્યો જાણે કે પ્રથમ શબ્દ કે પ્રથમ પંક્તિમાંથી જ પ્રસરે છે, વિસ્તરે છે, વિકાસ પામે છે, અને એમાં અભિપ્રેત એવા સ્થાને જ વિરમે છે. કાવ્યોનો અંત એમ એમના આરંભમાં જ સૂચિત છે. પાત્રોના ભાવિની જેમ કાવ્યોનું ભાવિ, એમનો અંત પણ આરંભથી જ નિશ્ચિત છે. (વચમાં પાત્રો વિચાર અને ભાવનાં અનેક પરિવર્તનો પૂરતી મુક્તિ અનુભવે છે એટલું જ.) કાવ્યની વિકાસયોજના માત્રથી પણ વિશ્વની યોજનાની, કવિના દર્શનની પ્રતીતિ થાય છે. આ ત્રણે કાવ્યોમાં પાત્રાલેખન, પ્રકૃતિવર્ણન, ભાષાભંગી અને છંદરચના અત્યંત રસિક અને સૌંદર્યરસિત છે. વળી આ ત્રણ કાવ્યોનાં પાત્રોનું વય એવું છે કે કવિને અપેક્ષિત હોય કે ન હોય તો પણ એવું સૂચન આપોઆપ મળી રહે છે કે સંઘર્ષનો અનુભવ જીવનની પ્રત્યેક કુમાર, યુવા અને વૃદ્ધ અવસ્થામાં થાય છે, એ આદિથી તે અંત લગી સદાય સતત અનુભવાય છે. ‘ચક્રવાક મિથુન’માં આ સંઘર્ષનું સીધું સાદું નર્યું કથન છે : ‘આ ઐશ્વર્યે પ્રણયસુખની હાય! આશા જ કેવી?’ (આ કાવ્યનું પ્રથમ ચરણ સૂચક છે, એમાં શંકાનું સૂચન છે) આમ, આ સંઘર્ષ પ્રણયસુખ અને ઐશ્વર્ય વચ્ચેનો, વ્યક્તિ અને નિયતિ વચ્ચેનો છે. આ કાવ્યમાં શાપ છે, મૃત્યુ છે અને અંતે અંધકાર અને કાવ્યને વફાદાર જૂના પાઠ પ્રમાણે અચેતન છે. ‘અતિજ્ઞાન’માં આ સંઘર્ષ સ્પષ્ટ સ્વરૂપ ધારણ કરે છે (અહીં પાત્રો માનવપાત્રો છે) : ‘જાણે બધું, તથાપિ કૈં કહેવાની રજા નહિ.’ 
‘પ્રિયે! સ્પર્શ કરું શું હું? અધિકાર જરા નથી.’ (આ કાવ્યનો પ્રથમ શ્લોક પણ સૂચક છે. એમાં પણ શંકાનું સૂચન છે.) આમ, આ સંઘર્ષ પ્રેમ અને જ્ઞાન વચ્ચેનો સંઘર્ષ છે. આ કાવ્યમાં પણ શાપ છે, મૃત્યુ નહિ પણ વિસ્મૃતિ એટલે કે ક્ષણિક મૃત્યુ છે અને આરંભથી જ અંધકાર છે. ‘વસંતવિજય’માં આ સંઘર્ષની આત્યંતિક તીવ્રતા છે (એથી જ આ કાવ્ય કાન્તની કાવ્યપ્રતિભાનું સર્વશ્રેષ્ઠ પ્રતીક છે) : ‘સૌંદર્ય શું? જગત શું? તપ એ જ સાથી.’ (આ કાવ્યનું પ્રથમ ચરણ બહુ જ સૂચક છે. પ્રથમ શબ્દ જ નાસ્તિવાચક, નકારાત્મક છે, એમાં જ આખું કાવ્ય સમાયેલું છે.) આમ, આ સંઘર્ષ સૌંદર્ય અને તપ એટલે કે ઇન્દ્રિયો અને આત્મા વચ્ચેનો સંઘર્ષ છે. આ કાવ્યમાં પણ શાપ છે, મૃત્યુ છે, અને આરંભમાં અંધકાર છે. પાછળથી પ્રભાતનું દર્શન થાય છે. એટલે કે આ કાવ્યમાં પ્રથમવાર જ અંધકારમાંથી પ્રકાશ ભણી સહેજ ગતિ થાય છે. ‘વસંતવિજય’માં સંઘર્ષની આત્યંતિક તીવ્રતા પછી જ ‘દેવયાની’માં સંઘર્ષના સમાધાનનું સૂચન શક્ય છે અને અનિવાર્ય પણ છે. એમાં સંઘર્ષ પ્રેમ અને કર્તવ્ય, યોગ કે ધર્મ વચ્ચેનો સંઘર્ષ છે. પણ કચ યોગી હોવાથી વિરહને સહન કરવાનું એનામાં સામર્થ્ય છે. આ કાવ્યમાં સ્વેચ્છાએ ધર્મપાલનમાં પ્રણયનું વિલોપન છે. (આ કાવ્યનું પ્રથમ ચરણ પણ સૂચક છે. એમાં ‘લેખતી નથી’માં સંઘર્ષના સમાધાનનું સૂચન છે.) આ કાવ્યમાં શાપ નથી, સ્વેચ્છાએ ધર્મપાલન છે, મૃત્યુ કે વિસ્મૃતિ નથી, તપોભંગ નથી, પણ યોગની સમાધિ છે. અંધકાર નથી પણ વિલાસી વિધુ ને તારાનો પ્રકાશ છે. ‘ચક્રવાક મિથુન’ના અંત ‘અમિત આ અવકાશ તણી મહીં / કહીં જ ચેતન એક દીસે નહિ’ — માંથી જ જાણે કે ‘અતિજ્ઞાન’નો આરંભ — ‘ઉદ્ગ્રીવ દૃષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે’ — થાય છે. જયોતિષી અને સતી ચક્રવાકમિથુનના જ નવા અવતાર છે. ‘વસંતવિજય’નાં પાંડુ અને માદ્રી જાણે કે ‘અતિજ્ઞાન’ના જ્યોતિષી અને સતી છે. સૂતેલો જ્યોતિષી જ જાણે કે પાંડુ રૂપે નિશામાં દુ:સ્વપ્નનું દર્શન કરે છે. ત્રણે કાવ્યોનાં પાત્રોનો પ્રશ્ન છે સ્પર્શનો અધિકાર. (ત્રણે કાવ્યોમાં શાપ છે અને એને કારણે જ સંઘર્ષ છે. શાપથી સંઘર્ષ અનુભવતાં પાત્રોને કરુણ — tragic — કહી શકાય? એમને તો શોકાર્દ્ર patheticગ્ કહેવાં જોઈએ ને!) ‘દેવયાની’નો કચ એ જાણે કે તપોભંગથી પ્રિયાસ્પર્શથી મૃત્યુ પામ્યા પછી નવો અવતાર લઈ પૂર્વજન્મના પાપનું પ્રાયશ્ચિત્ત કરવાના દૃઢ સંકલ્પથી પ્રવૃત્ત થયેલો પાંડુ જ છે. કચ અંતે વિલાસી વિધુ ને તારા નીરખી રહે છે. આમ, ‘ચક્રવાકમિથુન’ અને ‘અતિજ્ઞાન’ના અંધકારમાંથી ‘વસંતવિજય’ના પ્રભાત અને ‘દેવયાની’ના પ્રકાશ ભણીની ગતિ, શાપને સ્થાને સ્વેચ્છા અને મૃત્યુ કે વિસ્મૃતિને સ્થાને યોગની સમાધિ એ કાન્તની જીવનદૃષ્ટિનો વિકાસ સ્પષ્ટ કરે છે. ‘દેવયાની’માં સેંથે ઝબકતો સુભગ મણિ પ્રેક્ષીને શશાંક અટક્યો છે તો ‘સાગર અને શશી’માં શશાંકને પ્રેક્ષીને મણિ (મણિશંકર) અટક્યો છે. કાન્ત સાગરતટે શશીનું દર્શન કરે છે તે જાણે કે કચ પૃથ્વી પરથી વિદાય લીધા પછી દેવયાનીના પ્રેમના સાક્ષી જેવા વિધુલક્ષ્મીના મુખનું દર્શન કરતો ન હોય (જેનો દેવયાનીએ અનુરાગપૂર્ણ અનુરોધ કર્યો જ હતો) અને એમ એ પ્રેમનું સ્મરણ કરતો ન હોય અને હૃદયમાં પ્રેમ અને ધર્મ વચ્ચે સંવાદ અનુભવતો ન હોય! ‘સાગર અને શશી’માં સંઘર્ષનું (વચમાં ‘વસંતવિજય’માં એની આત્યંતિક તીવ્રતા અને ‘દેવયાની’માં એના સમાધાનના સૂચન પછી જ) સંપૂર્ણ સમાધાન થાય છે. અને એમ થતાં જ કાવ્યનું પાત્ર કવિ પોતે જ બની રહે છે. કવિ સંઘર્ષથી, એની આત્યંતિક તીવ્રતા દ્વારા જ, પર થાય છે. પાંચે કાવ્યોમાં ‘સાગર અને શશી’ પરાકાષ્ઠારૂપ છે. એમાં આગળનાં ચારે કાવ્યોનો અર્થભાર વહી આવ્યો છે. તીવ્ર મનોમંથન અને અપાર હૃદયવ્યથા અનુભવ્યા પછી, સ્વીડનબોર્ગ પંથનાં સાન્ત્વન અને સમાધાન શોધ્યા પછી, ઘોઘાના ખ્રિસ્તી દેવળમાં બાપ્તિસ્મા લીધા પછી કાન્ત કેટલોક સમય અપૂર્વ ઉલ્લાસ અનુભવતા હતા તે દરમ્યાન ગ્રીષ્મની એક પૂર્ણિમાની રાતે એમણે ગોપનાથના સાગરતટે શશીનું દર્શન કર્યું. ગગનમાં શશીના ઉદય અને સાગરમાં ભરતીના ઉદ્રેકની સાથે સાથે જ ચિદ્ગગનમાં શાંતિના શશીનો ઉદય અને હૃદયસાગરમાં ભાવની ભરતીનો ઉદ્રેક અનુભવ્યો એના પરમ આનંદનું આ ગીત છે. જે ક્ષણને કાન્ત જીવનભર ઝંખતા હતા તે ક્ષણ એમના જીવનમાં આવી, એ ક્ષણે આ કાવ્ય જન્મ્યું અને જીવનની એ વિરલ ક્ષણે સમગ્ર જીવનના પ્રશ્નનો ઉત્તર મળી ગયો, રહસ્યનો પડદો ખસી ગયો પછી કાવ્ય કરવાનું કાન્તને કોઈ પ્રયોજન જ નથી. ને છતાં ય ગુજરાતના વિવેચકો વિસ્મયથી પ્રશ્ન પૂછે છે : ‘કાન્તની એ ગહન સરસ્વતી એકાએક કેમ લુપ્ત થઈ ગઈ?’ ‘સાગર અને શશી’નો અર્થ આગળનાં ચાર કાવ્યોના સંદર્ભમાં અને કાન્તના જીવનના સંદર્ભમાં, ફિલસૂફ, સ્નેહી અને કવિ વિશેના કાન્તના વિચારોના સંદર્ભમાં સમજ્યા પછી આ પ્રશ્ન પૂછવાનો રહે છે? આ કાવ્ય અને એની પ્રેરણારૂપ ક્ષણ કાન્તના જીવનમાં જન્મ્યા પછી એમની એ ગહન સરસ્વતી એકાએક લુપ્ત ન થઈ જાય તો જ નવાઈ! (અને એ ગહન સરસ્વતી શું સાચેસાચ એકાએક લુપ્ત થઈ ગઈ છે?) ‘સાગર અને શશી’ લખ્યા પછી પણ કાન્તે ‘મનોહર મૂર્તિ’ અને ‘આપણી રાત’ એ બે કાવ્યો લખ્યાં એની જ નવાઈ! (આ બન્ને કાવ્યોનો ‘સાગર અને શશી’ની પૂર્તિ રૂપે અભ્યાસ કરવા જેવો છે.) આ કાવ્યનું શીર્ષક અત્યંત સૂચક છે. સાગર ચંચલતાનું પ્રતીક છે. અને શશી શાંતિનું પ્રતીક છે. આમ સંઘર્ષનું અને એના સમાધાનનું સૂચન તો કાવ્યના શીર્ષકમાં જ છે. દસ પંક્તિના આ કાવ્યનું સ્વરૂપ અત્યંત સપ્રમાણ છે. એના બે ભાગ છે : પંક્તિ ૧-૫ અને પંક્તિ ૬-૧૦. પ્રથમ ભાગમાં સ્વાનુભવ અને નિજનો હર્ષ અને તે પછી જ બીજા ભાગમાં સર્વાનુભવ અને સારી સૃષ્ટિનો સમુલ્લાસ એમ વિકાસ સ્પષ્ટ છે. (કવિના જેવો જ ઉલ્લાસ સારી સૃષ્ટિ ધારી રહે છે. આમ, કવિનો ઉલ્લાસ સમગ્ર વિશ્વને વ્યાપી વળે છે, ઊર્ધ્વીકરણ પામે છે. ‘નિજ’ અને ‘સૃષ્ટિ સારી’ વચ્ચે સંવાદ સ્થપાય છે, આથી નિજના હર્ષની પ્રતીતિ થાય છે.) આ કાવ્યનું અર્થદર્શન કાન્તના વિરલ મિત્ર અને ગુજરાતના એથીયે વધુ વિરલ વિવેચક બલવન્તરાયે એમના ‘કાન્ત-વિરચિત સાગર અને શશી’ નામના રેડિયો વાર્તાલાપ (પ્રગટ ‘સંસ્કૃતિ’, મે, ૧૯૫૧)માં કરાવ્યું છે. એમાં તેઓ કહે છે : “વત્સલનાં નયનો’ એ પરંપરિત તોટક આપણી ભાષાનું એક અતિશય કરુણ ગીત છે, તો ‘સાગર અને શશી’ એ ઝૂલણા છંદની… બુલંદ સુરાવલિલલકારનું એક પરમ ઉલ્લાસી ગીત-કાવ્ય છે. અગર જોકે એ હિંદુ કાવ્ય નથી, ખ્રિસ્તી કાવ્ય છે, જેનો ‘અગમનિગમ (મિસ્ટિકલ)’ પાયો સ્વીડનબોર્ગી છે.’ અને પછી આ કાવ્યના પ્રથમ ભાગની પરિમલ જેવી જ ગહન પંક્તિઓનો સ્વીડનબોર્ગી પંથની દૃષ્ટિએ વિસ્તૃત અને સ્પષ્ટ અર્થ કરે છે. (આ પહેલાં ‘આપણી કવિતા સમૃદ્ધિ’માં પણ એમણે આ કાવ્યનું અર્થદર્શન કરાવ્યું છે તે પણ જિજ્ઞાસુએ જોવું.) ખ્રિસ્તી કાન્તે, સ્વીડનબોર્ગી કાન્તે આ કાવ્ય લખ્યું એટલે બલવન્તરાયે આ પંક્તિઓનો ખ્રિસ્તી અર્થ, સ્વીડનબોર્ગી અર્થ આપ્યો, એથી કાવ્ય અને કાવ્યરસિકો પર ઉપકાર જ થયો છે. પણ એ જ અર્થ આ કાવ્યમાં જોવો અનિવાર્ય છે? બે કાન્ત છે, એક ખ્રિસ્તી, સ્વીડનબોર્ગી કાન્ત અને એક કવિ, કલાકાર કાન્ત. આ કાવ્યનો અર્થ આ પહેલાંના કાવ્યો (જે ખ્રિસ્તી, સ્વીડનબોર્ગી કાન્તે નથી લખ્યાં તે)ના સંદર્ભમાં કરવાથી જ કવિ કાન્તની કાવ્યસૃષ્ટિના કેન્દ્રમાં જે દર્શન છે, એ દર્શનમાં જે સમગ્રતા છે તે સ્પષ્ટ થાય છે. ચન્દ્ર એ સંવાદનું તત્ત્વ છે, એનાથી જ વિશ્વનો વિસંવાદ વિલોપાય છે. (સૂર્ય ભેદ સિદ્ધ કરે છે, સૂર્યના પ્રકાશમાં જે રૂપાળું છે તે વધુ રૂપાળું અને જે કદરૂપું છે તે વધુ કદરૂપું લાગે છે; જ્યારે ચન્દ્રનો પ્રકાશ અભેદ સિદ્ધ કરે છે, એમાં રૂપાળું અને કદરૂપું એકમેકમાં ઢળી જાય છે, ભળી જાય છે.) ચન્દ્રના ઉદયથી જેમ ગ્રીષ્મકાલના તાપસંતાપ શમી જાય છે, તેમ કવિના હૃદયમાં શાંતિના ઉદયથી કાલના એટલે કે ગઈકાલના, ‘ચક્રવાકમિથુન,’, ‘અભિજ્ઞાન’, ‘વસંતવિજય’ અને ‘દેવયાની’માં જે સંઘર્ષ છે તેના પરિણામરૂપ સંતાપ પણ શમી જાય છે. ‘પિતા! કાલના સર્વ સંતાપ શામે’ એ પંક્તિનો આવો દ્વિઅર્થ (બહિર્જગતમાં ગ્રીષ્મકાલના સંતાપ અને આંતરજગતમાં ગઈકાલના સંતાપ) આગળનાં ચાર કાવ્યોના અને કાન્તના જીવનના સંદર્ભમાં થાય છે. કાવ્યના પ્રથમ ભાગને અંતે કવિએ આ પંક્તિનું પુનરાવર્તન કર્યું છે એ અત્યંત સૂચક છે. કાવ્યનો પ્રથમ ભાગ સ્વાનુભવનો ઉદ્ગાર છે. કવિના આંતરજગતની સ્થિતિનું એમાં વર્ણન છે. કાવ્યના બીજા ભાગમાં બહિર્જગતની સ્થિતિનું વર્ણન છે. વ્યોમસરમાં જેમ યામિની સરે છે તેમ સાગરમાં ભવ્ય ભરતી ઊછળે છે, જેમ દામિની દમકે છે તેમ કોકિલા કેલિ કૂજન કરે છે (આ દામિની અને કોકિલાનો એકસાથે ઉલ્લેખ થયો છે તે દામિની જ્ઞાનનું અને કોકિલા પ્રેમનું પ્રતીક ગણીને કવિના આગળનાં કાવ્યોમાં વ્યક્ત થતા સંઘર્ષનું આ કાવ્યમાં સમાધાન સૂચવતો હશે?) આમ, કવિને ચોમેરની સૃષ્ટિમાં ઉલ્લાસનો અનુભવ થાય છે. ગગનમાં ચન્દ્રનો ઉદય જોતાં ચિદ્ગગનમાં કવિ શાંતિનો ઉદય અનુભવે છે અને કાલના સંતાપ શમી જતાં કવિ સંઘર્ષથી પર થઈ જાય છે. સાગરની ભરતી જોતાં હૃદયમાં કવિ હર્ષની ભરતી અનુભવે છે, કવિ આનંદથી ઊભરાય છે, સારી સૃષ્ટિમાં એ આનંદ છલકાય છે, અને સારી સૃષ્ટિ (જેમાં ચક્રવાક, સહદેવ, પાંડુ, કચ અને કવિ પોતે એ સર્વનો સમાસ થાય છે) સમુલ્લાસ ધારે છે. કવિ આ ક્ષણે પોતાનાથી પર થતાં સારી સૃષ્ટિ સાથે, વિશ્વની સાથે સંવાદ અનુભવે છે. કવિનું આંતરજગત અને બહિર્જગત, મનુષ્ય અને પ્રકૃતિ એકરૂપ, એકરસ, એકાકાર, ઓતપ્રોત થાય છે. વિરોધોની, વિસંવાદની વચ્ચે સંવાદ, સૌંદર્ય પ્રગટ થાય છે. (કવિના આંતરજગતમાં જે સંઘર્ષો છે એમની વચ્ચે અને કવિના આંતરજગત અને બહિર્જગત વચ્ચે એમ બેવડો સંવાદ પ્રગટ થાય છે.)પોતે ભાર-બોજ ફગાવી દીધો છે એટલે માત્ર પોતે જ નહિ પણ સારી સૃષ્ટિ તરલ તરણી સમી લાગે છે. હવે પોતાનામાં અને સારી સૃષ્ટિમાં કશો જ સંઘર્ષ નથી, સંતાપ નથી, સંકુલતા નથી, બધું જ સ્પષ્ટ છે, સહ્ય છે, સરલ છે. આમ કવિનો સ્વાનુભવ સર્વાનુભવમાં પરિણમે છે, પરિવર્તન પામે છે. પહેલા ભાગને અંતે સ્વાનુભવની પંક્તિનું કર્યું હતું તેમ આ બીજા ભાગને અંતે પણ આ સર્વાનુભવની પંક્તિ ‘પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી’નું કવિએ પુનરાવર્તન કર્યું છે એ અત્યંત સૂચક છે. જેમ ખ્રિસ્તી અથવા સ્વીડનબોર્ગી કાન્તે જે સંવાદ અને સૌંદર્યનો, આનંદ અને ઉલ્લાસનો અનુભવ કર્યો તે આ કાવ્યના શબ્દોના અર્થ દ્વારા પ્રગટ કર્યો છે તેમ જ કવિ કાન્તે જે સંવાદ અને સૌંદર્યનો, આનંદ અને ઉલ્લાસનો અનુભવ કર્યો તે પ્રગટ કરવાનું એમની પાસે એક માત્ર સાધન છે છંદ અને છંદનો લય. સંવાદ અને સૌંદર્યના, આનંદ અને ઉલ્લાસના અનુભવનું પ્રતિબિંબ કાવ્યના છંદોલયમાં, કાવ્યની શૈલીમાં પડ્યું છે. અને એથી જ એ અનુભવની આપણને પ્રતીતિ થાય છે. એ જ એ અનુભવની સચ્ચાઈનો કવિની પાસે એક માત્ર સચોટ પુરાવો છે. આ કાવ્યના પ્રાસ, આંતરપ્રાસ અને વર્ણસગાઈ અતિપરિચિત છે. આદિથી અંત લગી એક પછી એક પ્રાસ, આંતરપ્રાસ અને વર્ણસગાઈથી આ કાવ્ય સુગ્રથિત છે. કવિનો આનંદ અને ઉલ્લાસનો અનુભવ આ પ્રકારની શબ્દ-પદાવલિ દ્વારા વ્યક્ત થયો છે. જ્યારે કવિનો સંવાદ અને સૌંદર્યનો અનુભવ ઝૂલણા છંદની દ્રુત વિલંબિત ગતિ દ્વારા વ્યક્ત થયો છે. સૈકાઓથી પ્રભાતિયા દ્વારા પ્રચલિત થયેલા સાડત્રીસ માત્રાના ઝૂલણા છંદની એકવાક્યતા, એનું એકસૂરીલાપણું (uniformity, monotony) અહીં લુપ્ત થાય છે. (પ્રભાતિયાનો છંદ પ્રભાતિયા જેવા જ ભક્તિરસના આ કાવ્ય માટે કવિએ પસંદ કર્યો એ સર્વથા ઉચિત છે.) આ કાવ્યમાં વિરોધમાંથી, વિષમતામાંથી, વિસંવાદમાંથી સંવાદ, સંતાપમાંથી શાંતિ(harmony)નો અર્થ છે. અને એથી ઝૂલણા છંદમાં વૈવિધ્ય દ્વારા એકતા પ્રગટ કરવી અનિવાર્ય છે. કવિએ બધી જ પંક્તિઓ એકસરખી સાડત્રીસ માત્રાની યોજી નથી. વળી બધી જ પંક્તિઓની એકસરખી ગતિ પણ પ્રગટી નથી. ‘આજ મહારાજ… હર્ષ જામે’માં ગતિ વિલંબિત છે, ‘સ્નેહઘન… ઉત્કર્ષ પામે’માં ગતિ દ્રુત છે. ‘પિતા! કાલના… સંતાપ શામે’માં ફરીને ગતિ વિલંબિત છે. આમ, અંત લગી વારાફરતી વિલંબિત અને દ્રુત ગતિ દ્વારા, વિરોધી, વિષમ વિસંવાદી ગતિ દ્વારા સંવાદ અને સૌંદર્ય પ્રગટ થાય છે. એથી આ કાવ્યમાં વસ્તુ અને સ્વરૂપ અભિન્ન છે. છંદનું આ આયોજન કાન્તની સૂક્ષ્મ સુરુચિ પ્રગટ કરે છે. કવિ તરીકે, કલાકાર તરીકે, સર્જક તરીકે કાન્તની આ સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. આથી જ કાન્ત આપણા એક માત્ર કલાકાર કવિ છે અને ‘સાગર અને શશી’ આપણી ભાષાનું સર્વોત્તમ અદ્વિતીય સંગીતકાવ્ય છે અને મારું ગમતું કાવ્ય છે.

જૂન ૧૯૫૫


*