સ્વાધ્યાયલોક—૫/માસ્તર નંદનપ્રસાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘માસ્તર નંદનપ્રસાદ’

આ સદીના આરંભે લગભગ એક દાયકો (૧૮૯૭-૧૯૦૫) આ નગરમાં રણજિતરામે અંગ્રેજી મિશન હાઈસ્કૂલમાં વિદ્યાર્થી હતા ત્યારે ‘ધી યંગ મેન્સ યુનીઅન’ના સભ્ય થવાથી માંડીને ૧૯૦૫માં પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક થવા લગીનો જે પુરુષાર્થ કર્યો તે ગુજરાતના પ્રજાજીવનના ઇતિહાસનું એક ભવ્યસુન્દર પ્રકરણ છે. નર્મદ પછી અને ગાંધીજી પૂર્વે જો કોઈ વ્યક્તિ ગુજરાતના પ્રજાજીવનના મહાપ્રશ્નો સૌ પ્રશ્નોના, આર્થિક, રાજકીય, સામાજિક પ્રશ્નોના પ્રાણ સમા સાહિત્ય અને શિક્ષણના પ્રશ્નોમાં સૌથી વધુ સચિંત અને સક્રિય હોય તો તે રણજિતરામ. પાંત્રીસ વર્ષની અતિકાચી વયે અકસ્માતથી રણજિતરામનું મૃત્યુ થયું. એથી એમનું વ્યક્તિત્વ જેમાં નિ :શેષપણે પ્રગટ થયું હોત એવો ગુજરાતના ઇતિહાસનો ગ્રંથ તો વણલખ્યો જ રહ્યો. ‘રણજિતકૃતિસંગ્રહ’ અને ‘રણજિતરામના નિબંધો’ રણજિતરામના આ બે ગ્રંથોનું મરણોત્તર પ્રકાશન થયું એમાં એમનાં પચાસેક જેટલાં લખાણો પ્રજાને સુલભ છે. પંદરેક વર્ષના લેખનકાળમાં રણજિતરામે વીસેક જેટલાં સામયિકોમાં સોએક જેટલાં લખાણો કર્યાં છે. આમ, હજુ એમનાં અરધોઅરધ લખાણો અગ્રંથસ્થ છે. તે સૌ સત્વરે ગ્રંથસ્થ થાય એવું ઇચ્છીએ. બે પ્રસિદ્ધ ગ્રંથોમાં નવલકથા, ટૂંકી વારતા, સંવાદ, નિબંધ, મૃત્યુનોંધ, અવલોકન આદિ સ્વરૂપોમાં સર્જન અને વિવેચનનાં લખાણો છે. એમાંથી એક ટૂંકી વારતાનો આપણા યુગના સંદર્ભમાં સવિશેષ મહિમા છે. અને તે છે ‘માસ્તર નંદનપ્રસાદ’. ‘માસ્તર નંદનપ્રસાદ’નો આરંભ આ પ્રમાણે છે: ‘રવિવાર છે, નિશાળમાં રજા છે. માસ્તર નંદનપ્રસાદને આજે મગજમારી નથી. છ છ દિવસ થયાં લખવા વાંચવાના કરેલા મનસુબા આજે અમલમાં મૂકવાના છે. આજનો દિવસ વીતી જશે તો પછી પાછી આવતા રવિવારે વાત જવાની અને વચમાં વળી છ દિવસનો ગાળો વધવાનો. આવડી ભયંકર ચિંતા છતાં આજે કેમ કોણ જાણે માસ્તર સાહેબ સ્તબ્ધ જેવા છે. રાહ જ જોયાં કરે છે. વાંચવા માટે એકઠાં કરેલાં પુસ્તકો ટેબલ પર ખડકાઈ પડ્યાં છે. પૂંઠાં પરનાં નામો તેમનું ચિત્ત — તેમની દૃષ્ટિ માત્ર આકર્ષવા શણગારથી સજ્જ છે. રોજનીશીમાં લખેલી અથવા ‘ફાઈલ’ કરેલી ટિપ્પણીઓ નિબંધો કે વાર્તાઓ કે કાવ્યોમાં શરીરી થવા તલપાપડ થઈ રહી છે. પણ વ્યગ્ર નંદન કોઈની પરવા કરતો નથી. તેના શેખચલ્લી મગજમાં આજે બુટ્ટાઓ ઉઠતા નથી. તેની કલ્પના સ્વપ્નોની મનોહર સૃષ્ટિપરંપરા આજે રચતી નથી. તેની મહેચ્છાઓ આજે ભવિષ્યને વર્તમાન કરવા દોડતી નથી. તેની લાગણીઓ આજે કોઈ સુંદર કે પુણ્ય વસ્તુ માટે વહેતી નથી. ક્યાં છે એના મુખ પર પથરાઈ રહેતી ગંભીરતા? સુજનતા? સંસ્કારિતા? સૌમ્યતા? મ્લાન તેજસ્વિતા? આજ ક્યાંથી આવી છે વ્યગ્રતા? કાલિમા? નિસ્તેજતા? નિરુત્સાહિતા? પિશાચતા? માસ્તર સાહેબ શી ગડમથલમાં ગૂંચાયા છે? ખુરશી પરથી ઉઠી ગાદીતકીએ પડ્યા પણ ત્યાંએ ચહેન નહિ, ત્યાંથી ઉઠી ટેલવા માંડ્યું. નદી પરથી આવતા ઠંડા પવનનો કંટાળો આવ્યો. પડ્યા બીછાનામાં. ‘કાન્તના સહદેવ! આપણી સરખી અવસ્થા છે’ એવું બબડ્યા. આમતેમ આળોટ્યા, ઓશીકાં માથા તળે મૂક્યાં, ત્યાંથી લઈ પગ તળે મૂક્યાં, વળી ઉંચકી છાતી પર રાખ્યાં. પડખે ગોઠવ્યાં પણ સ્વસ્થતાની વીજળી ક્યાંએથી શરીરમાં ન આવી. પગ પછાડ્યા, હાથ અફાળ્યા, રોવાનું મન કર્યું પણ આંસુ સૂકાઈ ગયાં હતાં. પથારીમાંથી સફાળા ઉઠ્યા. ‘બુકકેસ’માંથી ‘કાવ્યમાધુર્ય’ કહાડ્યું. અનુક્રમણિકા પરથી ‘અતિજ્ઞાન’ શોધી વાંચ્યું. ‘સહદેવ! કઈ સુરા હું પીઉં?’ પછી નંદનપ્રસાદની નગરયાત્રા છે — ‘શહેરના કોટની રાંગે રાંગે નંદનપ્રસાદ ચાલ્યા જતા હતા’. આ નગરયાત્રામાં નગરના વિવિધ માર્ગો પર મસીદ, મંદિર, ચહાખાનું, ચોપડીઓની દુકાન, દારૂનું પીઠું અને યુરોપીઅન જીમખાના એમ છ સ્થળોના દર્શનથી નંદનપ્રસાદના મન અને હૃદયમાં અસંખ્ય વિચારો અને ભાવો જન્મે છે. નંદનપ્રસાદના આ વિચારો અને ભાવો નંદનપ્રસાદની એકોક્તિ રૂપે પ્રગટ થયા છે. મુસલમાન થયો હોત તો, વોરો થયો હોત તો, બંગાળામાં જન્મ્યો હોત તો, પંજાબમાં જન્મ્યો હોત તો, મહારાષ્ટ્રમાં જન્મ્યો હોત તો, વિલાયતમાં જન્મ્યો હોત તો, અમેરિકામાં જન્મ્યો હોત તો આ ‘જો–તો’ના ગીતના અંતરા જેવા શું શું થાત એના અસંખ્ય ઉત્તરો છે, પણ ગુજરાતમાં માસ્તર તો ન થાત એ એનું ધ્રુવપદ છે. પોતે ગુજરાતમાં માસ્તર છે એ નંદનપ્રસાદનું વાસ્તવ છે. એમાંથી સ્થળમાં કે કાળમાં ક્યાંય એમનો છુટકારો નથી. પોતે એક નિશ્ચિત સ્થળ-કાળમાં, એક વિશિષ્ટ સમાજમાં, ૨૦મી સદીના આરંભે ગુજરાતમાં જીવે છે એથી ધર્મમાં, સાહિત્યમાં, કવિતામાં, પ્રેમમાં ક્યાંય એમનો મોક્ષ નથી. પોતાને એક માત્ર વાચનનું બૌદ્ધિક વ્યસન છે એથી સુરામાં એમના મનનું નિર્વાણ નથી. પોતાને એક માત્ર નેત્રની ઇન્દ્રિયની પ્રવૃત્તિ છે. એથી અન્ય ઇન્દ્રિયો–કર્ણન્દ્રિય, ઘ્રાણેન્દ્રિયની પ્રવૃત્તિઓ સંગીત, સુગંધમાં એમના હૃદયની મુક્તિ નથી. ‘માસ્તર નંદનપ્રસાદ’નો અંત આ પ્રમાણે છે: ‘આજે શું થયું છે મને? શો રોગ થયો છે? આ માસ્તરની જિંદગી તોબા છે. બી.એ.એમ.એ. થઈ નાના પોટ્ટાઓને A.B.C. શીખવવી; હિન્દુસ્તાનનો ઇતિહાસ ગોખાવવો, ભૂગોળનાં નદીગામ નકશામાં બતાવવાં અને બજારમાં ખરીદી કરવા જાય ત્યાં ભાવ, માપ, તોલના હિસાબ કરતાં ન આવડે એવી રીતે વ્યાજના, શેરના, રેલ્વેના દાખલા શીખવવા રોજ પાંચ કલાક લેવાદેવા વિના માથું પકવવું. દશ વર્ષ વૈતરૂં કરીએ ત્યારે પાંચ કે દસનું પ્રમોશન મળે. રોજ બપોરનું વૈતરૂં ઓછું હોય તેમ સાંજે ક્રીકેટ રમવા કે રમાડવા જવું, ડ્રીલ કરાવવી; સવારે ઘેર વળી એક્ષરસાઇઝો તપાસવી. ઉપરાંતમાં સમાજસેવાનું લફરૂં વળગ્યું હોય તે જુદું. ક્યાંક ભાષણ કરવાનાં હોય, વ્યવસ્થાપક કમિટીમાં હાજર રહી વ્યવસ્થા કરવાની હોય, વર્તમાન પત્ર કે માસિકની ભેટની ચોપડી લખવાની હોય, ખાસ અંકને માટે લેખો લખવાના હોય, નાતના ચોપાનીઆ માટે વાર્તા લખવાની હોય, સનાતન ધર્મની કે સ્ત્રીશિક્ષણની કે સાહિત્ય પરિષદની પરીક્ષા લેવાની હોય, જે ન હોય તે ઓછું. લડાઈનાં કારણોથી લોકોને વાકેફ કરવા ભાષણો કરવાનાં અને તરજૂમા કરવાના તે વળી જુદું. લેડી વિલીંગ્ડનના ફંડ માટે કે બેલ્જીઅન બાળકો માટે ફંડ ઉઘરાવવાનું એમાં પાડ કોનો? ‘પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન’ના પ્રસંગ માટે ‘રેસિટેશન’ તૈયાર કરવામાં અઠવાડિઆનાં અઠવાડિઆં ગાળવાં, હોલીકા સંમેલન, જુગાર નિષેધક, નાતોની પરિષદ એ બધામાં ઘૂમવાનું, ભાષણો કરવાનાં, એનાં દુઃખ વળી ક્યાં રોવાં? આટલું આટલું કરીએ તોએ અમારી ગણત્રી નહિ, અમને સુખ નહિ, વૈભવ નહિ, વિલાસ નહિ, પ્રતિષ્ઠા નહિ, કીર્તિ નહિ, માન નહિ, અકરામ નહિ; જિંદગીમાં મીઠાશ નહિ, હોંસ નહિ, આગ્રહ નહિ, શ્રદ્ધા નહિ, પરોણો નહિ, અંકુશ નહિ, ઉત્તેજન નહિ, ઉલ્લાસ નહિ, હતાશા, કડવાશ, મૂંઝવણ, યંત્રણા, સ્તબ્ધતા, પ્રવંચના, સભ્ય દોંગાઈ રેંસી નાંખે છે. જીવતા અમને શબ જેવા ફેરવે છે. આમાં મારો તો પત્તો જ નથી ખાતો. ennui ખાઈ જાય છે. Lotos Eatersના દ્વિપમાં જઈ વસવાની ઉમેદ જેવી જન્મે છે તેવી જ નાશ પામે છે. Vanity છે. પ્રભુ! Vanitas Vanita-tum. આપઘાત કરી છૂટવામાં જ બહેતર છે. દેહનાં બંધન નહિ, સંસારનાં નહિ, દેશનાં નહિ, કાળનાં નહિ, રાજ્યનાં નહિ, સગાનાં નહિ, વ્હાલાંનાં નહિ, જંજાળો નહિ, ઉપાધિ નહિ, આધિ નહિ, વ્યાધિ નહિ, આત્મા સંપૂર્ણ સ્વતંત્ર, છૂટો, મુક્ત. કોઈનું દાસત્વ તો નહિ જ. નરસિંહરાવ કહે છે કે આપઘાતી અસૂર્ય લોકમાં જાય છે. સારું, સૂર્યલોકની બેડીઓ તો ત્યાં નથી એ ઓછું સુખ છે? મારી મૃત્યુનોંધ કેવી લખાશે? નથી હું મહાકવિ, સેનાની, રાજ્યપુરુષ, ઉદ્યોગવાહક, વૈજ્ઞાનિક કે કલાવિશારદ. કોઈ નહિ લખે કે Ennui અનેVanityથી આપઘાત કર્યો? નોંધ જાતે તૈયાર કરી પછી મરવું. એ પણ જમાનાની તાસીર.’ નંદનપ્રસાદ, ‘લડાઈના કારણોથી લોકોને વાકેફ કરવા’, ‘શહેરના કોટની રાંગે રાંગે’ તથા ‘વહુ હોત તો’ શબ્દો સૂચવે છે તેમ, ૧૯૧૪-૧૯ના પ્રથમ વિશ્વયુદ્ધના સમયે ગુજરાતના એક નગર અમદાવાદમાં મધ્યમવર્ગના, મધ્યમ વયના અપરિણીત મનુષ્ય છે. એથી એમના જીવનમાં સામાજિક એકલતા તો છે જ સાથેસાથે આધ્યાત્મિક એકલતા પણ છે. એ અતિસંવેદનશીલ મનુષ્ય છે. વ્યવસાયે શિક્ષક છે એથી અનેક સંદર્ભો — આર્થિક રાજકીય, સામાજિક, નૈતિક, ધાર્મિક, આધ્યાત્મિક, સાહિત્યિક, સાંસ્કૃતિક સંદર્ભોમાં એ અતિસભાન છે. પણ સાથેસાથે આત્મસભાન પણ છે. એ એમના સામાજિક ધર્મનું, સાંસારિક કર્તવ્યનું સંપૂર્ણપણે સતત પાલન કરે છે છતાં એ એકલા અટૂલા છે; વિખૂટા, વિચ્છિન્ન છે; છિન્નભિન્ન છે. એમના સર્જકના શબ્દમાં કહેવું હોય તો, ‘કેન્દ્રભ્રષ્ટ’ છે. એમનો કશાની સાથે સંબંધ શક્ય નથી, કોઈની સાથે સંવાદ શક્ય નથી. એમના મનના વિચારોની અભિવ્યક્તિ શક્ય નથી. હૃદયના ભાવોની સંક્રાંતિ શક્ય નથી. એથી અહીં એમની એકોક્તિ છે. એમનામાં મૌન છે. એમનામાં અસાધારણ આત્મનિરીક્ષણ છે, આત્મવિશ્લેષણ અને આત્મજ્ઞાન છે, આત્મદયા અને આત્મકટાક્ષ છે, એમનામાં ભય અને શંકા છે, ઘોર નિરાશા અને ઘેરો નિર્વેદ છે, નિ:સારતા અને નિર્વીર્યતા છે. એમનામાં સાહસ નથી, શ્રદ્ધા નથી. એમનામાં નિષ્ક્રિયતા છે, નિષ્ફળતા છે. એમનામાં, એમના જ શબ્દમાં કહેવું હોય તો,‘ennui’ છે, acedia છે, મૂઢતા છે, આલસ્ય છે. ન કરવાનું કરવું એ તો પાપ છે જ પણ કરવાનું ન કરવું એ પણ પાપ છે. એ અર્થમાં એમનામાં પાપ છે. એમનામાં, એમના જ શબ્દમાં કહેવું હોય તો, ‘પિશાચતા’ છે. એમનામાં અહમ્‌ છે. એમનામાં, એમના જ શબ્દમાં કહેવું હોય તો, ‘Vanity’, Vanitas Vanitatum’ છે. એ અરોમેન્ટિક રોમેન્ટિક મનુષ્ય છે. એ હાસ્યકરુણમિશ્રિત વ્યક્તિત્વના મનુષ્ય છે. એ વિદૂષક છે. આ બધું હોવા છતાં એમનું નામ નંદનપ્રસાદ છે એમાં કેટકેટલી વક્રતા છે! ‘માસ્તર નંદનપ્રસાદ’ શીર્ષકમાં જ સર્જકે કેટકેટલો કરુણ કટાક્ષ પ્રગટ કર્યો છે! એ બરોબર સમજે છે કે પોતે શૂન્યવત્ છે, નહિવત્ છે, પોતે કંઈ જ નથી, પોતે, એમના જ શબ્દોમાં કહેવું હોય તો, ‘જીવતા શબ’ જેવા છે. એ એક અતિસામાન્ય મનુષ્ય છે, એમને માટે કોઈને સદ્ભાવ નથી, સ્નેહ નથી, સમજ નથી, આદર નથી, પ્રેમ નથી. એમને માટે ક્યાંય આરો નથી, ઓવારો નથી, ઉપાય નથી, ઉકેલ નથી. આ વિરાટ વિશ્વમાં એમની ક્યાંય સ્વીકૃતિ નથી, એમનું ક્યાંય સ્થાન નથી. એમના પ્રશ્નનો કોઈ ઉત્તર નથી. એમને માટે મૃત્યુ જ એક માત્ર માર્ગ છે, સૌ બંધનો–દેહ, સંસાર, દેશ, કાળ, રાજ્ય, સગાં, વહાલાંનાં બંધનોમાંથી આત્મહત્યા જ એક માત્ર મુક્તિ છે. અસૂર્યલોકમાં જ એમના આત્માનો આનંદ છે. એમનાં અંતિમ વાક્યોમાં એમની કરુણતાની પરાકાષ્ઠા છે. એ બરોબર સમજે છે કે પોતાનું જીવન તો કોઈ નહિ સમજે પણ પોતાનું મૃત્યુ પણ કોઈ નહિ સમજે. એટલે એ કહે છે, ‘નોંધ જાતે તૈયાર કરી પછી મરવું.’ એમના જીવનમાં તો એકલતા છે જ પણ એમના મૃત્યુમાં પણ એકલતા છે. એમનાં અંતિમ શબ્દો છે ‘એ પણ જમાનાની તાસીર.’ કથાના અંતિમ વાક્યમાં કથાનું રહસ્ય પ્રગટ થાય છે કે નંદનપ્રસાદનું સમગ્ર જીવન અને મૃત્યુ એ જમાનાની તાસીર છે. રણજિતરામે ‘માસ્તર નંદનપ્રસાદ’માં પાત્રની એકોક્તિ દ્વારા પાત્રના મનના વિચારો, હૃદયના ભાવો અને આંતરચિત્તની અનુભૂતિઓની અભિવ્યક્તિ દ્વારા સ્નિગ્ધસુન્દર ઊર્મિકાવ્યની સકલ કલાસમૃદ્ધિ સમેતની એક વિરલ ટૂંકી વારતાનું સર્જન કર્યું છે. ઍલિયટે ‘The Love Song of J. Alfred Prufrock’નું ૧૯૦૯-૧૧માં સર્જન કર્યું, ૧૯૧૫માં પ્રકાશન કર્યું અને પછી એને ૧૯૧૭માં ગ્રંથસ્થ કર્યું તે જ સમયે રણજિતરામે ‘માસ્તર નંદનપ્રસાદ’નું સર્જન અને પ્રકાશન કર્યું છે એ અત્યંત સૂચક છે. અત્યારે અહીં ‘માસ્તર નંદનપ્રસાદ’નું એક ટૂંકી વારતા તરીકે, રણજિતરામની સર્જકતાની એક સિદ્ધિ તરીકે મૂલ્યાંકન કરવાનો કંઈક પ્રયત્ન કર્યો. હવે પછી ઔદ્યોગિક મનુષ્ય, ઔદ્યોગિક સમાજ, ઔદ્યોગિક સંસ્કૃતિ, ઔદ્યોગિક યુગના વ્યાપક સંદર્ભમાં એનું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરીશું. ૧૯૦૯માં ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’ લખ્યું ત્યારે એ જ સમયમાં ગુજરાતમાં રણજિતરામને બંગભંગ પછી બંગાળની અસ્મિતાની પ્રેરણાથી ગુજરાતની અસ્મિતા પ્રગટ કરવાના મહાન હેતુથી ગુજરાતનો ઇતિહાસ રચવાની એમના જીવનની સર્વશ્રેષ્ઠ મહત્ત્વાકાંક્ષા હતી. એમણે એ માટે અનિવાર્ય એવી શિલાલેખો, સિક્કાઓ, લોકસાહિત્ય આદિ સાધનસામગ્રીનો સંગ્રહ કરવાનો તથા સાહિત્ય અને શિક્ષણની સંસ્થાઓની સ્થાપના કરવાનો આરંભ પણ કર્યો હતો. પણ આ ઇતિહાસનું પહેલું પાનું પણ લખાય તે પૂર્વે ૧૯૧૭માં પાંત્રીસ વર્ષની અતિકાચી વયે રણજિતરામનું મુંબઈમાં જૂહુના સમુદ્રમાં અકસ્માતથી અવસાન થયું. એમનું આ સ્વપ્ન સ્વપ્ન જ રહ્યું. પણ રણજિતરામે ગુજરાતના ઇતિહાસ અંગે કેટલાક લેખો લખ્યા છે એ પરથી એમની ગુજરાતના ઇતિહાસ અંગેની સૂઝસમજનો કંઈક અલ્પાતિઅલ્પ અણસારો આવે છે. એથીયે વિશેષ તો એમની સર્જનાત્મક કૃતિઓમાં એમનું ગુજરાતની સંસ્કૃતિ–ધર્મકારણ, સાહિત્યકારણ, સમાજકારણ, રાજકારણ, અર્થકારણ આદિનું દર્શન છે એ પરથી એ અંગેની એમની પ્રતિભાની પ્રતીતિ થાય છે. રણજિતરામે પ્રથમ વિશ્વયુદ્ધના સમયમાં બત્રીસ-પાંત્રીસ વર્ષની વયે એમની ટૂંકી વારતા ‘માસ્તર નંદનપ્રસાદ’ લખી હતી અને ‘નવજીવન’માં પ્રસિદ્ધ કરી હતી. એમાં એમનું ૧૯મી સદીના અંતમાં અને ૨૦મી સદીના આરંભમાં ભારતમાં અને સવિશેષ ગુજરાતમાં ઇંગ્લંડ-યુરોપ-અમેરિકાની પશ્ચિમની આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિની મધ્યમ વર્ગના સમાજ પરની અસરનું દર્શન છે. ગાંધીજીની ‘હિંદ સ્વરાજ’ની ભાષામાં કહેવું હોય તો અંગ્રેજોના સુધારાની ભારતના શિક્ષિતો પરની અસરનું દર્શન છે. અંગ્રેજોના સુધારાની ધૂનમાં જે શિક્ષિતો હતા એમના જીવનની કરુણતાનું દર્શન છે. નંદનપ્રસાદ આ શિક્ષિતોના પ્રતિનિધિ છે. નંદનપ્રસાદ માસ્તર છે, શિક્ષક છે. એથી એ સ્વયં તો શિક્ષિત છે જ પણ એ અનેક શિક્ષિતોના સર્જક પણ છે. રણજિતરામ ૧૯૦૫માં ઉમરેઠની હાઈસ્કૂલમાં હેડમાસ્ટર હતા, એમને ૧૯૧૭માં મુંબઈની ગોકળદાસ તેજપાલ બોર્ડિંગમાં સુપરિન્ટેન્ડન્ટ થવાની ઇચ્છા હતી, અવસાન થયું તે દિવસે એમના ટેબલ પર મુંબઈ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં લાઇબ્રેરીઅનના પદ માટેની અરજી સર્ટિફિકેટો સાથે તૈયાર હતી. ૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ સ્થાપવામાં આવી, એના એ આત્મા સમા હતા. ૧૯૧૬માં ગુજરાત કેળવણી પરિષદ યોજવામાં આવી, એના એ પ્રાણ સમા હતા. રણજિતરામનો આ અંગત અનુભવ ‘માસ્તર નંદનપ્રસાદ’ની પ્રેરણા અને પૂર્વભૂમિકારૂપ છે. ‘માસ્તર નંદનપ્રસાદ’ના સંદર્ભમાં રણજિતરામના સાહિત્ય અને શિક્ષણ વિશેના બે-ત્રણ લેખોનું પણ મૂલ્યાંકન કરવાનો અહીં પ્રયત્ન કરીશું. રણજિતરામે એમનો પ્રાથમિક-માધ્યમિક શાળાનો અભ્યાસ અમદાવાદમાં પ્રૅક્ટિસિંગ સ્કૂલમાં અને અંગ્રેજી મિશન હાઈસ્કૂલમાં કર્યો. ત્યારે રણજિતરામ ૧૮૯૬-૯૭માં છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓનું એક મંડળ ‘ધ યંગ મેન્સ યુનિયન’ સ્થાપવામાં આવ્યું એની સાપ્તાહિક સભાઓના સભ્ય હતા. પછી ૧૮૯૯માં મૅટ્રિક થયા અને ગુજરાત કૉલેજમાં વિદ્યાર્થી હતા ત્યારે એ ૧૯૦૧માં એ કૉલેજના વિદ્યાર્થીઓનું એક મંડળ ‘ધ સોશિયલ ઍન્ડ લિટરરી ઍસોસિયેશન’ સ્થાપવામાં આવ્યું એના સહાયક મંત્રી હતા. આ મંડળમાંથી ૧૯૦૨માં ‘ધ લિટરરી ઍસોસિયેશન’ થયું અને એમાંથી ૧૯૦૩માં ‘ગુજરાત સાહિત્ય સભા’ અસ્તિત્વમાં આવી એના એ મુખ્ય મંત્રી હતા. એમાંથી ૧૯૦૫માં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ સ્થાપવામાં આવી એના એ આત્મા સમા હતા. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની ઉદાત્ત અને ઊર્જસ્વી મૂર્તિ રણજિતરામના હૃદયમાં અંકિત હતી. એનો ભવ્યસુંદર આદર્શ હતો. ‘ગુજરાતનું નવજીવન અને ગુજરાતી સાહિત્ય પરિષદ’ લેખમાં એને વિશે એમણે લખ્યું હતું: ‘વ્યક્તિ મૃત્યુશીલ છે. તેમનાં માનાપમાન ક્ષણિક છે. ગુજરાત ચિરંજીવ છે. ગુજરાતી પ્રજાની પ્રગતિ ક્ષણિક નહિ પણ ક્ષણે ક્ષણે વધતી જવી જોઈએ. ગુજરાતની પ્રગતિ સાધવામાં સાહિત્ય પરિષદ જેમ જેમ ઉપયોગી થતી જશે, તેમ તેમ વ્યક્તિઓની વિરોધી સ્વાર્થવૃત્તિઓ સહાનુભૂતિ અને સહકાર્યની વૃત્તિમાં પલટાઈ જશે એવી અમને આશા છે.’ રણજિતરામ ૧૯૦૮માં ભાવનગરમાં પટ્ટણીના રહસ્યમંત્રી હતા ત્યારે એમણે કેળવણી પરિષદની યોજનાનો આરંભ કર્યો. ૧૯૦૯માં ગુજરાત સાહિત્ય સભા સમક્ષ એનો પ્રસ્તાવ થયો, પછી ૧૯૧૪માં સાહિત્ય પરિષદ સમક્ષ એનો પ્રસ્તાવ થયો. પણ આ બન્ને સાહિત્યની સંસ્થાઓમાં શિક્ષણનો સમાસ ન થયો પણ સ્વતંત્ર કેળવણી પરિષદ યોજવાનો પ્રસ્તાવ થયો. ૧૯૧૫માં મુંબઈમાં એનો પુનર્વિચાર થયો અને અંતે ૧૯૧૬માં અમદાવાદમાં ગુજરાત કેળવણી પરિષદ યોજવાનો નિર્ણય થયો. ગુજરાતના પ્રજાજીવનમાં સાહિત્ય પરિષદ જેટલી જ કેળવણી પરિષદની અત્યંત આવશ્યકતા હતી. ‘ગુજરાત કેળવણી પરિષદ’ લેખમાં એને વિશે એમણે લખ્યું હતું: ‘પરંતુ પ્રજાજીવનના પ્રશ્નો એટલા બધા છે, સંખ્યા મોટી છે, વિવિધ છે, વિષમ છે કે એક પ્રવૃત્તિ બસ નથી.’ એથી ૧૯૧૬માં ઑક્ટોબરમાં અમદાવાદમાં પ્રથમ ગુજરાત કેળવણી પરિષદ યોજવામાં આવી. ગુજરાતી સાહિત્ય પરિષદની મૂર્તિ અને એના આદર્શ સમાન આ કેળવણી પરિષદની મૂર્તિ અને એના આદર્શ વિશે રણજિતરામે, જાણે દલપતરામના ‘હુંનરખાનની ચઢાઈ’નું ગદ્યરૂપાન્તર કર્યું હોય તેમ, ‘ગુજરાત કેળવણી પરિષદ’ લેખમાં લખ્યું હતું: ‘ગુજરાત વેપાર અને ઉદ્યોગની ભૂમિ છે. વર્તમાન યુગમાં પ્રજાજીવનમાં એ બેનું સ્થાન ઘણું જ આવશ્યક અને ઉપયોગી છે. રાજદ્વારી પરતંત્રતા કરતાં આર્થિક (વેપાર ઉદ્યોગની) પરતંત્રતા અધિક હાનિપ્રદ નીવડે છે. ભારતવર્ષ જેવા વિશાળ પ્રદેશ ઉપર પ્રકૃતિ પ્રસન્ન છતાં — પ્રસન્નતાને લીધે વિવિધ પ્રકારનો ‘કાચો માલ’(raw materials) હંમેશ મબલખ ઉત્પન્ન થતો હોવા છતાં એ માલમાંથી વપરાશ માટે તૈયાર થતી ચીજો કરવાની આવડત, સાધન વગેરે ભારતવર્ષમાં ન હોવાથી તે ચીજો મેળવવા બીજા દેશોને આધીન તેને રહેવું પડે છે, તેથી પરિણમતી હાનિ સુવિદિત છે. આ હાનિ કાંઈક ઓછી કરવાનો યોગ ગુજરાતના ભાગ્યમાં જણાયો છે. વર્તમાન વૈજ્ઞાનિક યુગની સામગ્રીઓથી ઉદ્યોગો એણે સ્થાપ્યા છે. કલાભવન જેવી સંસ્થા પ્રથમ વડોદરામાં જ સ્થપાઈ અને વૈજ્ઞાનિક કેળવણીનો ઘોષ કરનાર અને સ્વાર્થત્યાગે તેનો પ્રચાર કરનાર પ્રો. ગજ્જર પણ ગુજરાતી છે અને તેમનું કાર્યક્ષેત્ર તે જ રહ્યું છે.’ પ્રજાજીવનના આ આર્થિક સ્વતંત્રતાના મહાન પ્રશ્નના ઉત્તર રૂપે વૈજ્ઞાનિક કેળવણી વિશે રણજિતરામે ‘ઈસુનું વર્ષ ૧૯૦૮’ લેખમાં લખ્યું હતું: ‘રાજ્ય અને સંસાર સાથે સંબદ્ધ અર્થપ્રાપ્તિ અને શિક્ષણ વિશે થોડુંક વિચારીએ. કરાંચીથી મુંબઈ લગીનો દરિયો ગુજરાતીઓથી ઊભરાય છે; ઇગ્લંડ, ફ્રાન્સ, આફ્રિકા, ચીન, જાપાન જાય છે તે તો જુદું. મુંબઈ અને અમદાવાદમાં વરાળયંત્રથી રૂની બનાવટ કરે છે. તેઓ અનેક નવા હુન્નરો ઊપજાવી દેશને આબાદ કરી શકે એવા છે. તેમની વૃત્તિ એ તરફ દોડી છે. જોઈતાં લાયકાત, કેળવણી અને સાધનો મેળવી તેઓ એ દિશામાં પ્રયાણ કરશે. સ્વદેશપ્રેમ અને પ્રામાણિકતાથી છલબલતાં હૈયાવાળાં મગજો જ્યારે એમાં પડશે ત્યારે જ સાફલ્ય મળશે. ગયે વર્ષે બૅંકો, મિલોમાં વધારો થયો હતો તો પણ વેપાર અને હુન્નરઉદ્યોગ શી રીતે વધે તે વિશે હજુ જોઈએ તેવો ગુજરાતમાં વિચાર થયો નથી. અને થતો હોય એમ લાગતું નથી. વેપારી મહાજન (Chamber of Commerce), ઔદ્યોગિક ને વ્યાપારી શિક્ષણ, ઉદ્યોગ વેપારના ગ્રંથ, માસિકો, કાચા ને તૈયાર માલનાં સંગ્રહસ્થાનો, બૅંકો, વહાણો, રેલવે ઇત્યાદિ અસ્તિત્વમાં લાવી અનેકવિધ આર્થિક ખીલવણી થઈ શકે… વેપારી વર્ગ કેળવાશે ત્યારે જ ગુજરાતનું ભાગ્ય ઊઘડશે.’ ભારતમાં જ્યાં લગી અંગ્રેજોનું આર્થિક વર્ચસ્‌‌ હોય અને એને કારણે રાજકીય વર્ચસ્‌‌ હોય એટલે કે ભારતની રાજકીય પરતંત્રતા હોય ત્યાં લગી એની આર્થિક અને ઔદ્યોગિક સ્વતંત્રતા સિદ્ધ ન થાય અને એને કારણે ત્યાં લગી ઇંગ્લંડમાં જેટલો આર્થિક અને ઔદ્યોગિક વિકાસ થયો હોય એટલો આર્થિક અને ઔદ્યોગિક વિકાસ ભારતમાં ન થાય. આ સંદર્ભમાં આજે કોઈ પણ પાછી નજરે જોઈ શકે કે ‘હુંનરખાનની ચઢાઈ’માં દલપતરામના ભારતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસના દર્શનની જે મર્યાદા છે તે જ આ લેખોમાં રણજિતરામના ભારતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસના દર્શનની મર્યાદા છે. ભારતમાંથી અંગ્રેજો ભલે ન જાય, એમનો સુધારો જાય એ ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીનું સ્વરાજનું દર્શન છે. એથી અન્યથા ભારતમાંથી અંગ્રેજોનો સુધારો ન જાય એટલું જ નહિ પણ ઇંગ્લંડમાં એનો જેટલો વિકાસ થયો છે એટલો ભારતમાં એનો વિકાસ થાય એ ‘હુંનરખાનની ચઢાઈ’માં દલપતરામનું આર્થિક અને ઔદ્યોગિક સ્વતંત્રતાનું દર્શન છે તે જ આ લેખોમાં રણજિતરામનું આર્થિક અને ઔદ્યોગિક સ્વતંત્રતાનું દર્શન છે. જોકે ભારતમાંથી અંગ્રેજોનો સુધારો ન જાય તો ભારતની પ્રાચીન પરંપરાની સંસ્કૃતિ અને ઇંગ્લેંડ-યુરોપની, પશ્ચિમની આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિ વચ્ચે સંઘર્ષ થાય એ ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીનું જે દર્શન છે એ જ આ લેખોમાં, અને સવિશેષ તો ‘માસ્તર નંદનપ્રસાદ’માં, રણજિતરામનું દર્શન છે. એથી જ આ બે સંસ્કૃતિઓના સમન્વય વિશે, પરંપરા અને આધુનિકતાના સમન્વય વિશે રણજિતરામે ‘ગુજરાત કેળવણી પરિષદ’ લેખમાં લખ્યું હતું: ‘ગુજરાતને માટે અલાઈદુ વિશ્વવિદ્યાલય (University); વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક શિક્ષણ માટે ગંજાવર વિદ્યાપીઠો (Technological Institutions), પ્રાચીન આર્ય સંસ્કૃતિના પુનર્જન્મ માટે તેમ જ ગુજરાતીઓના વર્તમાન જીવનને વાસ્તવિક આર્યજીવન કરવાનાં સાધનો, નવા પુરોહિતની કેળવણી, ધર્મનું શિક્ષણ, ચારિત્ર્યના બંધારણની તજવીજ, જે જે નવા નવા ધર્મો ગુજરાતને પ્રાપ્ત થતા જાય તેમના નિર્વાહ માટે જરૂરી કેળવણીની તદ્દન નવી જ સંસ્થાઓ; વગેરે વગેરે પ્રશ્નો આ કોટિના છે.’ ‘માસ્તર નંદનપ્રસાદ’માં નંદનપ્રસાદ જે સમાજના સભ્ય છે તે સમાજનું અને એની સંસ્કૃતિનું એટલે કે મધ્યમવર્ગના સમાજનું અને એની સંસ્કૃતિનું વિશ્લેષણ અને વિવેચન છે. આ લેખના આરંભમાં નંદનપ્રસાદનું પાત્ર તરીકે, એક સંવેદનશીલ, કલ્પનાશીલ મનુષ્ય તરીકે મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કર્યો. હવે અહીં આ સમાજ અને સંસ્કૃતિનું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરીશું. ‘માસ્તર નંદનપ્રસાદ’માં ‘જમાનાની તાસીર’ છે. એમાં રણજિતરામની સામાજિક સભાનતાની પ્રતીતિ થાય છે. ‘માસ્તર નંદનપ્રસાદ’ના કેન્દ્રમાં નંદનપ્રસાદની અને આ મધ્યમવર્ગના સમાજ અને એની સંસ્કૃતિની કરુણતા છે. અને આ કરુણતાનું કારણ છે ઇંગ્લંડ યુરોપની, પશ્ચિમની આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિ એટલે કે અંગ્રેજોનો સુધારો. નંદનપ્રસાદના અંગત કરુણ જીવનગીતની ધ્રુવપંક્તિ છે, ‘ગુજરાતમાં માસ્તર તો ન જ થયો હોત.’ તેમ આ મધ્યમવર્ગના સમાજ અને એની સંસ્કૃતિના કરુણ જીવનગીતની ધ્રુવપંક્તિ છે: ‘જહાનમમાં જાઓ આ અંગ્રેજી ભણતર! બધામાંથી ઉઠાડી મૂકી શ્રદ્ધા.’ ‘અંગ્રેજી ભણત નહિ ને દુઃખી થાત નહિ.’ ‘મૅકોલે! મૅકોલે! તેં અંગ્રેજી વિદ્યા ન દાખલ કરી હોત તો અમે કેટલા સુખી હોત? તમે પણ હતે.’ નંદનપ્રસાદમાં અને આ મધ્યમવર્ગના સમાજમાં એના સમગ્ર જીવન — ધર્મકારણ, સાહિત્યકારણ, સમાજકારણ, અર્થકારણ, રાજકારણમાં જૂના અને નવા વચ્ચે, પરંપરા અને આધુનિકતા વચ્ચે સંઘર્ષ છે, તીવ્ર અને ઉગ્ર સંઘર્ષ છે. આ સમાજને આજ લગી ભારતની પ્રાચીન પરંપરાની સંસ્કૃતિનો આધાર હતો. એનાં મૂલ્યોની સહાય હતી. એથી એનું જીવન અર્થપૂર્ણ હતું. પણ હવે આ સમાજ પર પશ્ચિમની આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિની, અંગ્રેજોના સુધારાની અસર છે. એથી એમાં ભારતની પ્રાચીન પરંપરાની સંસ્કૃતિ અને આ આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિ વચ્ચે, પરંપરા અને આધુનિકતા વચ્ચે, જૂના અને નવા વચ્ચે સંઘર્ષ છે. આ સમાજ હવે ૧૯મી સદીના યુરોપનો ‘petit bourgeois’ અલ્પ મધ્યમવર્ગનો સમાજ છે. જેમ યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી ઔદ્યોગિક યુગમાં ઔદ્યોગિક સંસ્કૃતિ, સમાજ અને મનુષ્યનું સર્જન થયું અને એમાં યુરોપની પ્રાગ્-ઔદ્યોગિક યુગની સંસ્કૃતિનો અને એનાં મૂલ્યોનો હ્રાસ અને લોપ થયો તેમ આ સમાજમાં પણ ભારતની પ્રાચીન પરંપરાની સંસ્કૃતિનો અને એનાં મૂલ્યોનો હ્રાસ અને લોપ થયો છે. એથી જ નંદનપ્રસાદના જીવનમાં વિખૂટાપણું અને અટૂલાપણું છે, એકલતા અને કેન્દ્રભ્રષ્ટતા છે. એમના જીવનમાં કર્મ અને સાહસ નથી, કેવળ આલસ્ય અને નિર્વેદ, જડતા અને તમસ્, પિશાચતા અને પાપ, અહમ્‌ અને મૃત્યુ છે. મૅથ્યુ આર્નલ્ડનું ઇંગ્લંડ-યુરોપના સમકાલીન સમાજનું દર્શન હતું: ‘We mortal millions live alone’ 
‘Wandering be-tween two worlds, one dead, 
The other powerless to be born,’ એવું જ ‘માસ્તર નંદનપ્રસાદ’માં રણજિતરામનું એમના આ સમકાલીન સમાજનું દર્શન છે. ‘માસ્તર નંદનપ્રસાદ’નો સમય છે પ્રથમ વિશ્વયુદ્ધનાં વર્ષોમાં એક રવિવારની સવાર. એનું સ્થળ છે અમદાવાદ — અમદાવાદમાં નદીતટ પરનું ઘર (અમદાવાદમાં ભદ્રમાં નદીતટ પર રણજિતરામનું ઘર હતું અને તે ૧૯૧૫માં પડી ગયું હતું), કોટની રાંગનો રસ્તો, મસ્જિદ, હનુમાનનું મંદિર, મુસલમાનોનું ચાહખાનું, ચોપડીઓની દુકાન, દારૂનું પીઠું, યુરોપિયન જીમખાના. વાર્તાના આરંભમાં જ નંદનપ્રસાદ સ્તબ્ધ અને વ્યગ્ર છે. ગડમથલમાં ગૂંથાયા છે. એનું કારણ છે અતિજ્ઞાન. પણ એમાંથી એ છૂટી- છટકી શકે, નાસી-ભાગી શકે એવી કોઈ વિસ્મૃતિ, કોઈ મુક્તિ એમને માટે શક્ય જ નથી: ‘કાન્તના સહદેવ! આપણી સરખી અવસ્થા છે… સહદેવ! કઈ સુરા હું પીઉં?’ આમ, નંદનાપ્રસાદે એમની સ્તબ્ધતાનું, ગડમથલનું જે કારણ છે તે સમાજનો, સંસ્કૃતિનો એમણે સભાનપણે, સંપ્રજ્ઞાતપણે સામનો કરવો જ રહ્યો. એથી એ ઘરનો ત્યાગ કરીને કોટની રાંગને રસ્તે ચાલે છે. કોટ અને રસ્તાને નિમિત્તે ભૂતકાળ, ઇતિહાસ, પરંપરા સ્મરણમાં આવે છે. પણ એમાંથી એમને આશ્વાસન, સમભાવ, સહાનુભૂતિ એવું કશું જ પ્રાપ્ત થતું નથી: ‘રસ્તાએ અને કોટે અનેક આસમાની સુલતાની જોઈ હતી. પ્રણયગોષ્ઠિ સાંભળી હતી. પ્રણયના વિલાસ જોયા હતા. દયાદાનના પ્રસંગો ઉજવ્યા હતા. વિયોગ, ચોરી, લૂંટ, મારફાડ, ધાડ, લડાઈ, હલ્લો, કાપાકાપી પણ અનુભવ્યા હતા. ધૂળ આખરે પત્થરની જ દીકરી. બધું પત્થરનું જ હતું. લાગણી ક્યાંથી હોય? શા માટે નંદનપ્રસાદને આશ્વાસન આપે?’ નંદનપ્રસાદ જીર્ણ મસ્જિદમાં જાય છે. એનો ત્યાગ કરીને હનુમાનના મંદિરમાં જાય છે. એનો પણ ત્યાગ કરે છે. કારણ કે ત્યાં કશું શ્રદ્ધેય નથી અને પોતાના હૃદયમાં શ્રદ્ધા નથી. એમાં ધર્મકારણમાં પરંપરા અને આધુનિકતા વચ્ચે સંઘર્ષ છે. ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીનાં ભારતની પ્રજામાં ધર્મભ્રષ્ટતા, ઈશ્વરવિમુખતા અને ભારતના ધર્મચાર્યોમાં દંભ અને સ્વાર્થ વિશેનાં જે વચનો છે એના જ જાણે કે વારતાકારના અને નંદનપ્રસાદનાં વચનોમાં પ્રતિધ્વનિ છે: ‘એવામાં ખંડીએર મસીદ આવી. સ્વયંચલ પૂતળાની પેઠે નંદન તેમાં ગયો. ત્યાંની મલિનતા, દુર્ગંધ; મુસલમાનોની દરિદ્રતા, ધર્મના વાતાવરણની ન્યૂનતા; કાળે વર્તાવેલો કેર; આંસુએ તેને પાછો ધકેલ્યો.’ ‘જહાનમમાં જાઓ આ અંગ્રેજી ભણતર! બધામાંથી ઉઠાડી મૂકી શ્રદ્ધા. આ મૂર્તિઓ પત્થરાથી વધારે ઉપયોગી મને, ગમે તેટલો પ્રયાસ કરું છું છતાં, લાગતી જ નથી. જુગુપ્સા થાય છે એમને જોતાં. મંદિરોમાં નથી મળતી સ્વસ્થતા કે પ્રેરણા! ક્યાં જઈ હૃદયની યાતના સમાવું? મંદિરોની ક્રિયાઓ બાલિશ ક્રીડાઓ લાગે છે. અંગત અનુભવ નથી, જાતમાહિતી નથી, છતાં મંદિરો દુરાચારના અખાડા છે એવું વર્ષોથી માનું છું. મંદિરોમાં જતો નથી… મંદિરોના દેવો પડો ખાડામાં.’ ‘બધું આ બ્રાહ્મણોનું કારસ્તાન છે. નથી અંગ્રેજી વિદ્યાનો વાંક. ધર્મનો રાખ્યો છે એમણે ઇજારો. મ્યુનિસિપાલિટી જેટલું અને જ્યારે પાણી આપવું હોય ત્યારે આપે છે. બ્રાહ્મણો પણ ધર્મ એવી જ રીતે આપે છે. ઘરાક પ્રમાણે દૂધમાં દૂધવાળા પાણી ઓછુંવત્તું ઉમેરે છે તેમ બ્રાહ્મણ પણ ખરી ખોટી ક્રિયા કરાવે છે.’ નંદનપ્રસાદ આગળ ચાલે છે. મુસલમાનોનું ચાહખાનું આવે છે. એ ઘરાકોથી છલોછલ ભરાયું છે. અહીં એમને થાય છે, ‘મુસલમાન થયો હોત તો… વોરો થયો હોત તો… તો અંગ્રેજી ભણત નહિ ને દુઃખી થાત નહિ.’ મુસલમાનો અંગ્રેજી ભણ્યા નથી એથી એમના પર આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિની અસર નથી. એ એમનું પરંપરાનું જીવન જીવે છે. કાલની ચિંતા કે પરવા વિનાનું આજનું જીવન જીવે છે પછી નંદનપ્રસાદને થાય છે. ‘બંગાળમાં જન્મ્યો હોત તો… પંજાબમાં જન્મ્યો હોત તો… મહારાષ્ટ્રમાં જન્મ્યો હોત તો… તો નિર્જીવ ગુજરાતમાં માસ્તર તો ન થાત.’ ઉદ્યોગ- વ્યાપારનો ગુજરાતમાં વિશેષ પ્રભાવ છે, જ્યારે એની સરખામણીમાં બંગાળ, પંજાબ, મહારાષ્ટ્રમાં ઓછો પ્રભાવ છે. અંગ્રેજ વ્યાપારીઓનું સૌ પ્રથમ આગમન સુરતમાં, ગુજરાતમાં થયું. સમગ્ર ભારતમાં ઔદ્યોગિક સંસ્કૃતિનો સૌ પ્રથમ આરંભ ગુજરાતમાં થયો. સૌ પ્રથમ મિલ ૧૮૫૨માં ભરુચમાં, ગુજરાતમાં સ્થાપવામાં આવી. ઉદ્યોગ-વ્યાપારમાં ગુજરાત અગ્રણી છે, એથી એના સમાજમાં એક નવો વર્ગ — petit bourgeois — અલ્પ મધ્યમવર્ગ અસ્તિત્વમાં આવ્યો છે. એથી એના અર્થકારણમાં મધ્યમવર્ગના સમાજનાં મૂલ્યો એ વ્યાપારી મૂલ્યો છે, પશ્ચિમની આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિનાં મૂલ્યો છે. એમાં વિનય અને વ્યવહાર, સાહસવૃત્તિ અને સમાધાનવૃત્તિ, અલબત્ત, છે. પણ એમાં સંવેદનહીનતા અને કલ્પનાહીનતા છે એ અર્થમાં ગુજરાત નિર્જીવ છે. નંદનપ્રસાદ આગળ ચાલે છે. દરવાજો આવે છે. નંદનપ્રસાદ ભાગોળની બજારમાં ચોપડીઓની દુકાનમાં જાય છે. અહીં એમને જોડણી, શબ્દ, કાવ્ય, જૂની ઢબની કવિતા, નવી ઢબની કવિતા, કાવ્યમાં ધ્વનિ, નીતિ આદિ અંગે ગુજરાતના સાહિત્યમાં જે રાગદ્વેષો, પક્ષપાત-પૂર્વગ્રહ, પુરસ્કાર-તિરસ્કાર ગમા-અણગમા છે એનું સ્મરણ થાય છે. એમાં સાહિત્યકારણમાં ભારતની પ્રાચીન પરંપરાનાં મૂલ્યો અને પશ્ચિમની આધુનિકતાનાં મૂલ્યો વચ્ચે સંઘર્ષ છે: ‘ધીરા કે અખાની પેઠે વેદાંત પદ્યમાં લખીએ તો અંગ્રેજી ભણેલા તે ન વાંચે અને અંગ્રેજી નહિ ભણેલા કહે છે કે અમારે માટે અખો અને ધીરો બસ છે. હવે બીજાની જરૂર નથી.’ ગુજરાતની પ્રજાના જીવનમાં શૌર્ય નથી છતાં એના સાહિત્યમાં વીરરસની કવિતા છે, પ્રેમ નથી છતાં શૃંગાર રસની કવિતા છે. આમ, જીવન અને સાહિત્ય વચ્ચે સંઘર્ષ છે, વિસંવાદ છે. જીવનમાં શૌર્યપ્રેમનો અભાવ છે. એટલે કે અંગત અને જાહેર જીવનમાં જીવનનો જ અભાવ છે અને સાહિત્યમાં કૃતકતા, અસત્યતા છે. નંદનપ્રસાદ આગળ ચાલે છે. દારૂનું પીઠું આવે છે. ત્યાં એમને વ્યસનોનું સ્મરણ થાય છે. દારૂ પીવાનું ઇચ્છા છે છતાં દારૂ ન પિવાય, જુગાર રમવાની ઇચ્છા છે છતાં જુગાર ન રમાય એમાં નીતિના સંગનું, નીતિના સંકોચનું, વાસ્તવમાં તો નૈતિક દાસ્યનું અને નૈતિક દંભનું સ્મરણ થાય છે. એમાં સમાજકારણમાં પરંપરાનાં નૈતિક મૂલ્યો અને આધુનિક નૈતિક મૂલ્યો વચ્ચે સંઘર્ષ છે. ગુજરાતમાં સંગીત નથી, ફૂલો નથી. એથી શ્રવણેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિયનો આનંદ નથી. સૅન્ટનો, અત્તરનો અસત્, કૃત્રિમ આનંદ છે. હા, પણ વાંચવાનું વ્યસન છે, દર્શનેન્દ્રિયનો આનંદ છે: ‘અમારું વ્યસન વાંચવાનું. ચોપડીઓ વાંચીએ, વર્તમાનપત્રો વાંચીએ, માસિકો વાંચીએ, ઊઠતાં વાંચીએ, સૂતાં વાંચીએ, જાજરૂમાં વાંચીએ, ન્હાતાં વાંચીએ, ચાલતાં વાંચીએ, રજામાં મળવા જઈએ ત્યાં વાંચીએ, ફરવા જઈએ ત્યાં વાંચીએ, ટ્રેનમાં વાંચીએ, ટ્રામમાં વાંચીએ, મોટરમાં વાંચીએ, ઍરોપ્લેનમાં વાંચીએ; નહિતર નાટક જોઈએ. પણ આંખ માત્ર અમારો સોબતી; બધો લ્હાવો એનાથી માણવાનો.’ નંદનપ્રસાદ આગળ ચાલે છે. યુરોપિયન જીમખાના આવે છે ત્યાં એમને ગુજરાતના સમાજકારણમાં અને રાજકારણમાં સનાતન અને સુધારાવાદી વચ્ચે તથા સામ્રાજ્યવાદી અને સ્વરાજવાદી વચ્ચે જે સંઘર્ષ છે તેનું સ્મરણ થાય છે. અને ત્યાં નંદનપ્રસાદની કરુણતાની અને ‘માસ્તર નંદનપ્રસાદ’ની કથાની પરાકાષ્ઠા છે. ‘મૅકોલે! મૅકોલે! તેં અંગ્રેજી વિદ્યા ન દાખલ કરી હોત તો અમે કેટલા સુખી હોત? તમે પણ હતે.’ નંદનપ્રસાદ અંતે આત્મહત્યામાં જ મુક્તિ છે એવી તીવ્ર લાગણી અનુભવે છે: ‘આપઘાત કરી છૂટવામાં જ બહેતર છે.’ પણ પછી પોતાને પ્રશ્ન પૂછે છે અને પોતાના જીવનને તો આ સમાજ સમજ્યો નહિ પણ કદાચ પોતાના મૃત્યુને પણ નહિ સમજે એવી શંકા અનુભવે છે અને પોતાની મૃત્યુનોંધ પણ પોતે જ લખવી એવો નિર્ણય કરે છે: ‘મારી મૃત્યુનોંધ કેવી લખાશે? નથી હું મહાકવિ, સેનાની, રાજ્યપુરુષ, ઉદ્યોગવાહક, વૈજ્ઞાનિક કે કલાવિશારદ, કોઈ નહિ લખે કે Ennui અને Vanityથી આપઘાત કર્યો? નોંધ જાતે તૈયાર કરી પછી મરવું. એ પણ જમાનાની તાસીર.’ આ સમાજ સંવેદનહીન, કલ્પનાહીન છે. ‘માસ્તર નંદનપ્રસાદ’માં આ છે જમાનાની તાસીર.

૧૯૭૫


*