સ્વાધ્યાયલોક—૫/હિંદ સ્વરાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘હિંદ સ્વરાજ’

૧૯૦૭-૦૮માં દક્ષિણ આફ્રિકામાં ટ્રાન્સવાલમાં જોહાનિસબર્ગમાં અંગ્રેજોના રંગદ્વેષના બે અન્યાયી ધારાઓની વિરુદ્ધ ગાંધીજીએ એમનો સત્યાગ્રહનો પ્રથમ પ્રયોગ કર્યો. પછી ૧૯૦૬ના જુલાઈની ૧૦મીએ ટ્રાન્સવાલ ડૅપ્યુટેશનમાં દક્ષિણ આફ્રિકાના હિન્દીઓના પ્રતિનિધિ-સભ્ય તરીકે એ લંડન ગયા. અને નવેમ્બરની ૧૩મી લગી ત્યાં ચારેક માસ રહ્યા અને ત્યારે એમણે સુધારા વિશેનાં એટલે કે આધુનિક સંસ્કૃતિ, ઔદ્યોગિક સંસ્કૃતિ વિશેનાં અનેક પુસ્તકોનું વાચન કર્યું. એ સૌમાં સૌથી વધુ મહત્ત્વનું પુસ્તક ઍડવર્ડ કાર્પેન્ટરનું ‘Civilization, Its Cause and Cure’ (‘સુધારો, તેનાં કારણો અને તેની દવા’) વાંચ્યું. સપ્ટેમ્બરની ૭મીએ એનો પહેલો ભાગ પૂરો કર્યો. સપ્ટેમ્બરની ૮મીએ પોલાકને એ વિશે પત્ર લખ્યો. ઑક્ટોબરની ૧લીએ ટૉલસ્ટૉય સાથે પત્રવ્યવહારનો આરંભ કર્યો. ઑક્ટોબરની ૮મીએ ઍમર્સન કલબમાં ‘પૅસિવ રિઝિસ્ટન્સની નૈતિકતા’ પર વ્યાખ્યાન કર્યું. ઑક્ટોબરની ૧૩મીએ ‘હૅમ્પસ્ટેડ પીસ ઍન્ડ આર્બિટ્રેશન સોસાયટી’ના ઉપક્રમે સી.ઈ. મૉરિસના પ્રમુખપદે ફ્રેન્ડ્સ હાઉસમાં ‘East and West’ (‘પૂર્વ અને પશ્ચિમ’) પર વ્યાખ્યાન કર્યું. ઑક્ટોબરની ૧૪મીએ પોલાકને એ વિશે પત્ર લખ્યો. આ ચારેક માસના સમયમાં એમણે ત્યારે ભારતના જે અરાજકતાવાદીઓ લંડનમાં વસ્યા હતા એમની સાથે અને અનેક અંગ્રેજો સાથે સતત સંવાદ કર્યો. સૌથી વિશેષ તો એમણે પોતાની જાત સાથે સંવાદ કર્યો, પોતે આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ કર્યું. એને પરિણામે પોતે આત્મશિક્ષણ અને આત્મપરિવર્તન કર્યું. એને પરિણામે એમણે ઇંગ્લંડથી દક્ષિણ આફ્રિકામાં પુનરાગમન સમયે ‘કિલડોનન કૅસલ’ સ્ટીમર પર નવેમ્બરની ૧૩મીથી ૨૨મી લગીમાં વીસ પ્રકરણમાં વાચક અને અધિપતિ વચ્ચે સંવાદ રૂપે ‘હિંદ સ્વરાજ’ ચાલીસ વર્ષની વયે લખ્યું. ‘ઇન્ડિયન ઓપિનિયન’માં ડિસેમ્બરની ૧૧મીએ પહેલાં બાર પ્રકરણ અને ડિસેમ્બરની ૧૮મીએ બાકીનાં આઠ પ્રકરણ એમ બે હપ્તામાં લેખમાળા રૂપે એ પ્રસિદ્ધ કર્યું. પછી ‘એ લેખમાળા વાચકવર્ગને એટલી બધી ગમી કે તે પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવામાં આવી’ ૧૯૧૦ના જાન્યુઆરીમાં, જોહાનિસબર્ગમાં ઇન્ટરનેશનલ પ્રિન્ટિંગ પ્રેસમાંથી. માર્ચના આરંભમાં મુંબઈ સરકારે ગાંધીજીનાં અન્ય પુસ્તકોની સાથે આ પુસ્તક પણ જપ્ત કર્યું. એથી અને ગાંધીજીને થયું ‘મારા અંગ્રેજ મિત્રોને એ પુસ્તકના લખાણથી વાકેફ કરવા એ મારી તેમના પ્રત્યેની ફરજ છે’ એથી ‘એક ક્ષણની ઢીલ કર્યા વગર’ માર્ચની ૨૦મીએ જોહાનિસબર્ગમાં ઇન્ટરનેશનલ પ્રિન્ટિંગ પ્રેસમાંથી ‘ગાંધીજીએ મિ. કૅલનબૅક માટે એ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો, તે મુંબઈ સરકારના હુકમના જવાબ રૂપે પ્રસિદ્ધ કર્યો.’ એપ્રિલની ૪થીએ ગાંધીજીએ ટૉલ્સ્ટૉયના ‘એક નમ્ર અનુયાયી તરીકે’ ટૉલ્સ્ટૉયને એની એક નકલ મોકલી અને સાથે પત્ર લખ્યો. મેની ૯મીએ ટૉલ્સ્ટૉયે ગાંધીજીને એના ઉત્તર રૂપે પત્ર લખ્યો. એમાં એમણે ‘હિંદ સ્વરાજ’ વિશે લખ્યું. ‘મેં તમારી ચોપડી રસથી વાંચી છે. કેમ કે હું માનું છે કે તેમાં ચર્ચવામાં આવેલો વિષય સત્યાગ્રહ તે હિંદુસ્તાન માટે જ નહિ પણ કુલ આદમજાત માટે સહુથી વધારે અગત્યનો છે… હું તમારી ચોપડીને બહુ કિંમતી ગણું છું.’ ૧૯૦૯માં ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’ લખ્યું તે પૂર્વે, ૧૭૬૦માં ઔદ્યોગિક ક્રાંતિને કારણે પ્રથમ ૧૯મી સદીના પૂર્વાર્ધમાં ઇંગ્લંડમાં અને પછી ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપ, અમેરિકામાં ઔદ્યોગિક મનુષ્ય, ઔદ્યોગિક સમાજ અને ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થયું હતું. પશ્ચિમનું જગત ઔદ્યોગિક યુગના બીજા સ્તબકમાં પ્રવેશી ચૂક્યું હતું અને એને પરિણામે ઇંગ્લંડમાં અને સમગ્ર યુરોપમાં પ્રાગ્ ઔદ્યોગિક યુગમાં, પ્રાગ્- ઔદ્યોગિક સંસ્કૃતિમાં મુખ્યત્વે સંવાદ અને સહકારનાં, ઉદારતા અને નિઃસ્વાર્થનાં જે મૂલ્યો હતાં એનો ઉત્તરોત્તર વધુ ને વધુ હ્રાસ થયો હતો અને એને સ્થાને સંઘર્ષ અને સ્પર્ધાનાં, સંકુચિતતા અને સ્વાર્થનાં મૂલ્યોનો ઉત્તરોત્તર વધુ ને વધુ વિકાસ થયો હતો. અને પરિણામે હવે પશ્ચિમની આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિમાં અર્થકારણમાં નફાખોરી અને રાજ્યકારણમાં સત્તાખોરીની પરાકાષ્ઠા હતી, વિત્તૈષણા અને લોકૈષણાની પરાકાષ્ઠા હતી. સમાજમાં અલ્પસંખ્ય મનુષ્યોનું ધન અને સત્તા દ્વારા વર્ચસ્‌‌ હતું અને એ દ્વારા બહુસંખ્ય મનુષ્યોનું શોષણ-ભક્ષણ હતું. આમ, યંત્રોનો, યંત્રવિજ્ઞાનનો ભારે દુરુપયોગ થયો હતો. માર્ક્સ આદિ અનેક દ્રષ્ટાઓને એનું ભાન થયું હતું છતાં એમને માટે ઔદ્યોગિક સંસ્કૃતિ એ મનુષ્યજાતિની પ્રગતિનું પ્રતીક હતી. કારણ કે ઇંગ્લંડમાં ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં લોકશાહી સમાજવાદનો આરંભ થયો હતો, એનો ઉત્તરોત્તર વિકાસ થયો હતો અને ભવિષ્યમાં હજુ વધુ વિકાસ થશે એવી શ્રદ્ધા હતી. અનેક ચિંતકો — માર્ક્સ સુધ્ધાં — ને ઔદ્યોગિક સંસ્કૃતિ દ્વારા મનુષ્યજાતિ ભૌતિક, બૌદ્ધિક અને નૈતિક પૂર્ણતા સિદ્ધ કરશે અને એમાં યંત્રોનું, યંત્રવિજ્ઞાનનું વિશેષ અર્પણ હશે એવી શ્રદ્ધા હતી. ૧૯મી સદીના અંત લગીમાં ભારતમાં અંગ્રેજોનું આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક એમ ત્રિવિધ વર્ચસ્‌‌ હતું. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ભારતમાં કેટલાક રાષ્ટ્રપ્રેમી શિક્ષિત સજ્જનોએ કેટલાક સમભાવી અંગ્રેજ સજ્જનોના સહકારથી ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ સ્થાપી હતી. પણ ૨૦મી સદીના આરંભમાં બંગભંગ સમયે એના ‘ઍકસ્ટ્રીમિસ્ટ’ — જહાલ અને ‘મૉડરેટ’ — મવાળ એમ બે ભાગ થયા હતા. ત્યાર પછી તરત જ ત્રાસવાદીઓ, હિંસાવાદીઓ, વિપ્લવવાદીઓ, અરાજકતાવાદીઓની પ્રવૃત્તિનો પણ આરંભ થયો હતો. બન્નેનો સ્વરાજ માટેનો પુરુષાર્થ હતો. બન્નેનું સાધ્ય અભિન્ન હતું — સ્વરાજ. બન્નેનું સાધન ભિન્ન હતું — એકનું આજીજી અને બીજાનું દારૂગોળો. બન્નેનો સ્વરાજનો અર્થ પણ અભિન્ન હતો — અંગ્રેજો જાય, એટલે કે અંગ્રેજોનું આર્થિક અને રાજકીય વર્ચસ્‌‌ જાય; અને પછી અંગ્રેજોનું સાંસ્કૃતિક વર્ચસ્‌‌ હતું ત્યારે જે ન થયું તે થાય, એટલે કે ભારતમાં ઔદ્યોગિક સંસ્કૃતિનું, ઔદ્યોગિક સમાજનું, ઔદ્યોગિક મનુષ્યનું સર્જન થાય. બન્નેનો સ્વરાજનો અર્થ હતો અંગ્રેજો જાય પણ અંગ્રેજોનો સુધારો ન જાય, અંગ્રેજો ભારતમાં ન હોય ત્યારે પણ અંગ્રેજોનો સુધારો ભારતમાં હોય. બન્નેનું સમીકરણ હતું સ્વરાજ=અંગ્રેજોનો સુધારો. ૧૯૦૯માં ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’ લખ્યું તે પૂર્વે ગાંધીજીનો સ્વરાજનો અર્થ પણ આ અર્થથી વિશેષભાવે ભિન્ન ન હતો. ગુજરાતમાં દલપત-નર્મદનો સુધારો એ મુખ્યત્વે સામાજિક અને ધાર્મિક સુધારો હતો. ગાંધીજીનો જન્મ આ સુધારાના વાતાવરણમાં થયો. યુવક મોહનદાસનો સુધારો એ પણ મુખ્યત્વે સામાજિક અને ધાર્મિક સુધારો હતો. પણ પછી દક્ષિણ આફ્રિકામાં મિસ્ટર ગાંધીનો સુધારો એ રંગદ્વેષના રાજકારણમાં સક્રિય રસને કારણે અને રસ્કિનના પુસ્તક ‘Unto This Last (‘સર્વોદય’)ના વાચનને કારણે રાજકીય અને આર્થિક સુધારો હતો. આ સારો યે સમય એમને અંગ્રેજોની લોકશાહી પ્રત્યે, એની રાજ્યપદ્ધતિ અને ન્યાયપદ્ધતિ પ્રત્યે અનહદ અહોભાવ હતો. પણ ૧૯૦૭-૮માં એમને અંગ્રેજોના રંગદ્વેષનો કરુણ અનુભવ થયો અને અંગ્રેજોના રાજ્યકારણમાં સત્તાખોરીનું પ્રથમવાર ભાન થયું. એની વિરુદ્ધ એમણે એમનો પ્રથમ સત્યાગ્રહનો પ્રયોગ કર્યો અને એના અનુસંધાનમાં એ લંડન ગયા. ૧૯૦૯માં લંડનમાં એ મિસ્ટર ગાંધીમાંથી મહાત્મા ગાંધી થયા. લંડનમાં એમણે ‘બહુ વાંચ્યું.’ એમણે પંડની સામે બંડ પોકાર્યું. એમણે ‘હિંદ સ્વરાજ’ લખ્યું. હવેથી એમનું સાધ્ય હતું સ્વરાજ એટલે અંગ્રેજોનો સુધારો નહિ પણ ‘હિંદ સ્વરાજ’માં જે સ્વરાજ અને સુધારો છે તે સ્વરાજ અને સુધારો અને એમનું સાધન હતું સત્યાગ્રહ. ૧૯૦૯માં ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’ લખ્યું તે પૂર્વે ગાંધીજીને સત્ય, અહિંસા અને પ્રેમનો અંગત અનુભવ હતો; એના વૈયક્તિક, કૌટુંબિક સ્વરૂપનો અનુભવ હતો. ૧૯૦૭-૮માં દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોના રંગદ્વેષના રાજકારણમાં આ જ સમયમાં ભારતમાં ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસના સભ્યોને જે આજીજીમાં શ્રદ્ધા હતી તે આજીજી, વિનંતી અંગ્રેજોને કર્યા પછી અંતે એમાં શ્રદ્ધા ન હતી ત્યારે એમને માટે કંઈક કર્મ કરવું, કાર્ય કરવું અનિવાર્ય હતું, કાર્યક્રમ કરવો, સવિનય કાનૂનભંગ કરવો, અહિંસક પ્રતિકાર કરવો, સત્યાગ્રહ કરવો અનિવાર્ય હતો. એથી એમણે સત્યાગ્રહનો પ્રથમ પ્રયોગ કર્યો. અને એમને સત્ય, અહિંસા અને પ્રેમનો વ્યાપક અનુભવ થયો. એના સામાજિક, વૈશ્વિક સ્વરૂપનો અનુભવ થયો. આ જ સમયમાં ભારતમાં ત્રાસવાદીઓના, વિપ્લવવાદીઓના દારૂગોળાનો, એમની હિંસાનો આરંભ થયો હતો. દક્ષિણ આફ્રિકામાં કેટલાક હિન્દીઓના મન પર એનો પ્રભાવ હતો. ગાંધીજી લંડન ગયા એના એક અઠવાડિયા પૂર્વે જ લંડનમાં એક હિન્દીએ એક અંગ્રેજનું ખૂન કર્યું હતું. લંડનમાં ગાંધીજી ચારેક માસ રહ્યા ત્યારે એમણે જે પ્રસિદ્ધ ભારતીય હિંસાવાદીઓ, અરાજકતાવાદીઓ લંડનમાં વસ્યા હતા તે સૌની સાથે અને અનેક અંગ્રેજોની સાથે સંવાદ કર્યો હતો. ‘હિંદ સ્વરાજ’ની પ્રસ્તાવનામાં અને એના વિશેના એક લેખમાં અને એક સંદેશામાં ગાંધીજીએ લખ્યું છે : ‘વળી વિલાયતમાં ટ્રાન્સવાલ ડૅપ્યુટેશન સારુ ચાર માસ રહ્યો તે મુદતમાં મારાથી બન્યા તેટલા હિંદીની સાથે વિચાર કર્યો, બન્યા તેટલા અંગ્રેજોને પણ મળ્યો.’ “ઇન્ડિયન ઑપિનિયન’ના ગુજરાતી ઘરાક આઠસેંને આશરે છે. ઘરાક દીઠ દસ જણ ઓછામાં ઓછા તે છાપું રસપૂર્વક વાંચે છે એમ મેં અનુભવ્યું છે. જેઓ ગુજરાતી નથી જાણતા તેઓ બીજા પાસે વંચાવે છે. આવા ભાઈઓએ મારી પાસે હિંદની દશા વિશે બહુ સવાલ કર્યા છે. એવા જ સવાલ મારી પાસે વિલાયતમાં થયા.’ ‘…હિંદીઓના હિંસાવાદી સંપ્રદાયને અને દક્ષિણ આફ્રિકામાંના તેને મળતા વિચાર ધરાવનાર વર્ગને જવાબ રૂપે તે લખાયું હતું. લંડનમાં વસતા એકેએક જાણીતા અરાજકતાવાદી હિંદીના પ્રસંગમાં હું આવ્યો હતો. એમના શૂરાતનની છાપ મારા મન પર પડેલી, પણ મને લાગ્યું કે એમની ધગશે અવળી દિશા પકડી છે. મને લાગ્યું કે હિંસા એ હિંદુસ્તાનનાં દુઃખોનો ઇલાજ નથી. અને એની સંસ્કૃતિ જોતાં તેણે આત્મરક્ષા સારુ ભિન્ન અને ઉચ્ચતર પ્રકારનું કોઈ શસ્ત્ર વાપરવું જોઈએ. દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ તે વખતે હજુ માંડ બે વરસનું બાળક હતો. પણ એનો વિકાસ એટલો થઈ ચૂક્યો હતો કે મેં એને વિશે અમુક અંશે આત્મવિશ્વાસથી લખવાની હામ ભીડી હતી.’ ‘વાચક એટલું ધ્યાનમાં રાખે કે કેટલાક કાર્યકર્તાઓ, જેમાંના એક કટ્ટર અરાજકતાવાદી હતા, તેમની સાથે મારે જે વાતચીતો થયેલી તે જેવી ને તેવી મેં એ પુસ્તકમાં ઉતારેલી છે. વાચક એ પણ જાણે કે દક્ષિણ આફ્રિકાના હિંદીઓમાં જે સડો પેસવાની અણી પર હતો તે આ લખાણે અટકાવ્યો છે.’ ગાંધીજીએ આત્મવિશ્વાસથી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો પ્રથમ પ્રયોગ કર્યો હતો. અને ભારતની સંસ્કૃતિને અનુરૂપ એવા આ સત્યાગ્રહનો ભારતની આત્મરક્ષા અર્થે ભવિષ્યમાં ભારતમાં અનેકવાર પ્રયોગ કરવાનો એમનો આત્મસંકલ્પ હતો. ‘હિંદ સ્વરાજ’ની પ્રસ્તાવનામાં અને એના અંતિમ પ્રકરણના અંતિમ વાક્યોમાં ગાંધીજીએ લખ્યું છે : ‘જે વિચારો બતાવ્યા છે તે મારા છે, ને મારા નથી. તે મારા છે કેમ કે તે પ્રમાણે વર્તન કરવાની મારી ઉમેદ છે. તે મારા આત્મામાં ઘડાઈ ગયા જેવા છે.’ ‘મને લાગે છે કે આપણે સ્વરાજનું નામ લીધું છે પણ તેનું સ્વરૂપ સમજ્યા નથી. તે જેવું હું સમજ્યો છું તેવું સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. તેવું સ્વરાજ લેવા ખાતર આ દેહ અર્પણ છે, એમ મન સાક્ષી પૂરે છે.’ આ છે ગાંધીજીના સ્વરાજના, સુધારાના સાધ્ય માટેના સાધનની, સત્યાગ્રહની, ‘હિંદ સ્વરાજ’નાં પ્રકરણ ૧૪-૧૭ની પ્રેરણા અને પૂર્વભૂમિકા. ‘હિંદ સ્વરાજ’ એ માત્ર કોઈ શબ્દવીરનું નહિ એક કર્મવીરનું સર્જન છે. ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજી દ્રષ્ટા અને સ્ત્રષ્ટા બન્ને છે. ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીનું સાધન છે સત્યાગ્રહ અને સાધ્ય છે સ્વરાજ, સ્વ + રાજ. પણ ગાંધીજીમાં સાધન-સાધ્યનો અભેદ છે, એનું અદ્વૈત છે. એથી જ ગાંધીજીમાં સાધનશુદ્ધિનો આગ્રહ છે, સત્ય-અહિંસા-પ્રેમનો આગ્રહ, સત્યાગ્રહ છે. ગાંધીજીએ લંડનમાં ‘બહુ વાંચ્યું, બહુ વિચાર્યું.’ ‘હિંદ સ્વરાજ’ની અને અંગ્રેજી ‘હિંદ સ્વરાજ’ની પ્રસ્તાવનાઓમાં ગાંધીજીએ લખ્યું છે : ‘જે વિચારો બતાવ્યા તે મારા છે, ને મારા નથી… મારા નથી, કેમ કે તે મેં જ વિચાર્યા છે એમ નથી; તે કેટલાંક પુસ્તકો વાંચ્યા પછી બંધાયેલા છે. મનમાં જે ઊંડું ઊંડું જોતો હતો તેને પુસ્તકોએ ટેકો આપ્યો.’ ‘જે વિચારો વાંચનાર પાસે રજૂ કરું છું તે હિંદુસ્તાનમાં સુધારાની ધૂનમાં નહિ આવેલા એવા ઘણા હિંદી ધરાવે છે, એ તો કંઈ સાબિત કરવા જેવું રહેતું નથી, પણ તે જ વિચારો યુરોપના હજારો માણસો ધરાવે છે તે હું વાંચનારના મનમાં મારા પુરાવાથી જ ઠસાવવા માગું છું. જેને તે શોધ કરવી હોય, જેને તેવો અવકાશ હોય, તે માણસ તે પુસ્તકો જોઈ શકશે.’ “હિંદ સ્વરાજ’માં દર્શાવ્યા છે તે વિચારો હું પોતે ધરાવું છું. પણ એટલું કહેવું જોઈએ કે તેમાં હિંદના મહાન તત્ત્વવેત્તાઓ ઉપરાંત ટૉલસ્ટૉય, રસ્કિન, થોરો, ઍમર્સન અને બીજા લેખકોને મારી સમજ પ્રમાણે અનુસરવા જ કોશિશ કરી છે. કેટલાંક વર્ષો થયાં ટૉલસ્ટૉય મારા શિક્ષક તરીકે નીવડેલ છે. આ તરજુમામાં જણાવેલા વિચારોનું જેને પ્રતિપાદન જોઈતું હોય તેમના માટે ઉપર જણાવેલા મહાન નરોનાં કેટલાંક પુસ્તકોની યાદી પુરવણીમાં આપી છે.’ ગાંધીજીએ અંગ્રેજી ‘હિંદ સ્વરાજ’ના પરિશિષ્ટોમાં ‘હિંદ સ્વરાજ’ના અભ્યાસ માટે વાચન કરવાની ભલામણ સાથે વીસ પુસ્તકોની યાદી આપી છે. અને સાથે પ્રાચીન ભારતીય સંસ્કૃતિએ અર્વાચીન સંસ્કૃતિ પાસેથી ભાગ્યે જ કંઈ ભણવાનું હોય એ અંગેનાં આઠ પ્રસિદ્ધ વ્યક્તિઓનાં વિધાનોનાં અવતરણો આપ્યાં છે. સપ્ટેમ્બરની ૭મીએ ગાંધીજીએ એમાંના એક પુસ્તક ઍડવર્ડ કાર્પેન્ટરના ‘Civilization, Its Cause and Cure’ 
(‘સુધારો, તેનાં કારણો અને તેની દવા’)ના પહેલા ભાગનું વાચન પૂરું કર્યું અને સપ્ટેમ્બરની ૮મીએ પોલાક પરના પત્રમાં એ વિશે લખ્યું : ‘આપણે જેને સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ તેનું તેમણે સરસ પૃથક્કરણ કર્યું છે. તેમણે સંસ્કૃતિની ઘણી સખત નિંદા કરી છે અને તે મારા અભિપ્રાય મુજબ પૂરેપૂરી વાજબી છે. તેમણે સૂચવેલો ઇલાજ સારો છે, પરંતુ મને લાગે છે કે પોતાની જ કલ્પનાથી એ પોતે ગભરાય છે અને તે સ્વાભાવિક પણ છે, કારણ કે તેમને પોતાની ભૂમિકા વિશે પાકી ખાતરી નથી. મારી માન્યતા અનુસાર કોઈપણ માણસ હિંદના દિલને પિછાને નહિ ત્યાં સુધી ભવિષ્ય વિશે ચોક્કસ અનુમાન બાંધી નહિ શકે તેમજ તેનો યોગ્ય ઇલાજ પણ ન બતાવી શકે. હવે તમે એ વાત સમજી શકશો કે મારા વિચારો મને કઈ દિશામાં ધકેલી રહ્યા છે.’ (મૂળ અંગ્રેજી પત્રનો ‘અક્ષરદેહ’માંનો અનુવાદ) આમ, ગાંધીજીના આત્મામાં જે વિચારો ઘડાઈ ગયા જેવા હતા અને ગાંધીજી મનમાં જે ઊંડું ઊંડું જોતા હતા એને આ પુસ્તકોએ, સવિશેષ કાર્પેન્ટરના પુસ્તકે ટેકો આપ્યો. ઉપરાંત એમને એમની ભૂમિકા વિશે પાકી ખાતરી હતી, એ હિંદના દિલને પિછાનતા હતા, એમને હિંદના ભવિષ્ય વિશે ચોક્કસ અનુમાન બાંધવું હતું, તેમજ તેનો ઇલાજ બતાવવો હતો. એમના વિચારો એમને ‘હિંદ સ્વરાજ’ની દિશામાં ધકેલી રહ્યા હતા. ઑક્ટોબરની ૧લીએ કેટલાંક વર્ષો થયાં એમના શિક્ષક તરીકે નીવડેલ ટૉલસ્ટૉય સાથે પત્રવ્યવહારનો આરંભ કર્યો. ઑક્ટોબરની ૮મીએ હૅમ્પસ્ટેડ ક્લબમાં ‘પૂર્વ અને પશ્ચિમ’ પર વ્યાખ્યાન કર્યું. ઑક્ટોબરની ૯મીએ પોલાક પરના પત્રમાં ગાંધીજીએ પોતે જ એનો સાર આપ્યો છે. વળી ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસની લંડનમાંની બ્રિટિશ હિંદી કમિટીના અંગ્રેજી સાપ્તાહિક ‘India’ના ઑક્ટોબરની ૨૨મીના અંકમાં એનો સાર પ્રગટ થયો છે. ‘હિંદ સ્વરાજ’ની સાચી અને સંપૂર્ણ સમજ માટે આ વ્યાખ્યાનનો સાર એક અમૂલ્ય સહાય છે. પોલાક પરના પત્રમાં આ વ્યાખ્યાનના અનુસંધાનમાં ગાંધીજીએ પોતાનું મન અને હૃદય ખોલ્યું છે : ‘…તમે હવે લગભગ આખું હિંદુસ્તાન જોઈ વળવાના છો, જે લહાવો હજી હું લઈ શક્યો નથી, એટલે મને લાગે છે કે, અહીં વધારે ગંભીર નિરીક્ષણ પછી જે ચોક્કસ અનુમાનો પર હું આવ્યો છું તે મારે લખી નાખવા જોઈએ.’ ‘આ વસ્તુ મારા મનમાં ઘોળાયા કરતી હતી, પણ કોઈ ચોક્કસ અને સ્પષ્ટ ચિત્ર ઊઠ્યું નહોતું. ‘પૂર્વ અને પશ્ચિમ’ એ વિષય ઉપર પીસ ઍન્ડ આર્બિટ્રેશન સોસાયટી આગળ બોલવાનું આમંત્રણ મેં સ્વીકાર્યું ત્યાર બાદ મારું મગજ અને હૃદય બન્ને કામ કરવા મંડી ગયા… ‘તમે એ પણ જોશો કે સત્યાગ્રહની સાચી ભાવનાને લઈને જ હું ઉપરનાં ચોક્કસ અનુમાનો ઉપર આવ્યો છું… જો મને એનું સત્ય સમજાયું હોય તો એનો અમલ કરતાં મને આનંદ થવો જોઈએ… એટલે મને લાગે છે કે મેં માનસિક રીતે જે પગલું ભર્યું છે અને જેને હું પ્રગતિકારક પગલું કહું છું, તે તમારાથી છુપાવવું નહિ જોઈએ.’ (મૂળ અંગ્રેજી પત્રનો ‘અક્ષરદેહ’માંનો અનુવાદ) આમ, જે વસ્તુ એમના મનમાં ઘોળાયા કરતી હતી, પણ કોઈ ચોક્કસ અને સ્પષ્ટ ચિત્ર ઊઠ્યું નહોતું તેમાંથી વધારે ગંભીર નિરીક્ષણ પછી અને આ વ્યાખ્યાન પછી એમનું મગજ અને હૃદય બન્ને વધારે કામ કરવા મંડી ગયા એથી ગાંધીજી એમના સત્યાગ્રહની સાચી ભાવનાને લઈને જ ચોક્કસ અનુમાનો પર આવ્યા હતા અને એમને એમનું સત્ય સમજાયું હતું એથી હવે એમણે માનસિક રીતે જે પ્રગતિકારક પગલું ભર્યું હતું એનો અમલ કરવાનો એમનો આત્મસંકલ્પ હતો અને એનો એમને આનંદ હતો. આ છે ગાંધીજીના સ્વરાજ અને સુધારાના સાધ્યની, ‘હિંદ સ્વરાજ’ના પ્રકરણ ૧-૧૩ અને ૧૮-૨૦ની પ્રેરણા અને પૂર્વભૂમિકા. ગાંધીજીએ ૧૯૦૯માં ‘હિંદ સ્વરાજ’ લખ્યું તે પૂર્વે ગાંધીજીનું એમના સાધ્યનું, સ્વરાજ અને સુધારાનું જે દર્શન હતું તે દલપત — નર્મદનું, ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસના જહાલ અને મવાળ બન્ને પક્ષોના સભ્યોનું, ત્રાસવાદી અને હિંસાવાદીઓ, વિપ્લવવાદીઓ અને અરાજકતાવાદીઓ આદિ સૌનું એમના સાધ્યનું, સ્વરાજ અને સુધારાનું જે દર્શન હતું એથી વિશેષપણે ભિન્ન ન હતું. ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીએ વાચક સાથેના સંવાદમાં અધિપતિ રૂપે વિવિધ સંદર્ભમાં એ વિશે ત્રણવાર લખ્યું છે : ‘તમે માનો છો તેમ એક વેળા હું પણ માનતો.’ ‘દાક્તરના વિશે જેમ તમને હજુ મોહ છે તેમ મને પણ હતો. એક વખત એવો હતો કે જ્યારે મેં પોતે દાક્તર થવાનો ઇરાદો રાખેલો, અને દાક્તર થઈ મારે કોમની સેવા કરવી એમ ધાર્યું હતું. હવે તે મોહ ગયો છે.’ ‘તમે ઠીક દલીલ કરી છે, તે એવી છે કે તેથી ઘણા છેતરાયા છે. હું પણ તેવી દલીલ કરતો. પણ હવે મારી આંખ ખૂલી છે ને હું મારી ભૂલ જોઈ શકું છું.’ પણ લંડનમાં, આગળ જોયું તેમ, ગાંધીજીને એમના સાધ્યનું, સ્વરાજ અને સુધારાનું નવું દર્શન થયું. એથી ત્યાર લગી એમના સાધ્યનું, સ્વરાજ અને સુધારાનું જે દર્શન હતું એ વિશે એમને સંપૂર્ણ નિર્ભ્રાંતિનો અનુભવ થયો. એમને એમના વૈચારિક વિશ્વમાં આમૂલ ક્રાંતિનો અનુભવ થયો. એમના જ શબ્દોમાં, હમણાં જ જોયું તેમ, ‘હવે તે મોહ ગયો છે’, ‘પણ હવે મારી આંખ ખૂલી છે ને હું મારી ભૂલ જોઈ શકું છું.’ એમણે પોતાના પંડ સામે બંડ પોકાર્યું. અને ઇંગ્લંડ અને આફ્રિકા વચ્ચેના ચંચલ સમુદ્રજલ પર દસેક દિવસના અલ્પ સમયમાં જ ‘હિંદ સ્વરાજ’ લખ્યું. ‘હિંદ સ્વરાજ’ની પ્રસ્તાવનામાં ગાંધીજીએ લખ્યું છે : ‘જ્યારે મારાથી નથી રહેવાયું ત્યારે જ મેં લખ્યું છે.’ વળી ‘હિંદ સ્વરાજ’ લખ્યું એને ત્રીજે જ દિવસે, નવેમ્બરની ૨૪મીએ સ્ટીમર પરથી જ મગનલાલ ગાંધીને પત્રમાં એ વિશે લખ્યું : ‘આ વખતે સ્ટીમરમાં મેં કામ કર્યું છે તેની કંઈ હદ નથી રહી.’ અને તે જ દિવસે મણિલાલ ગાંધીને પત્રમાં લખ્યું : ‘હું જમણે હાથે લખીને થાક્યો છું એટલે હવે તમારી ઉપર કાગળ ડાબે હાથે લખું છું.’ ગાંધીજીના હસ્તાક્ષરમાં ‘હિંદ સ્વરાજ’ની એક આવૃત્તિ પ્રસિદ્ધ છે. એમાં પણ એમણે ડાબે હાથે કેટલુંક લખાણ કર્યું છે. અને જમણે હાથે જે લખાણ કર્યું છે તે હસ્તાક્ષર સૂચવે છે તેમ ત્વરિત ગતિએ કર્યું છે. આમ, ગાંધીજીએ ન રહેવાયું ત્યારે જ, બન્ને હાથે, ત્વરિત ગતિએ, દસેક દિવસમાં જ ‘હિંદ સ્વરાજ’ લખ્યું છે. એથી ગાંધીજીના વિચારની ઉગ્રતા અને એમની લાગણીની તીવ્રતાની પ્રતીતિ થાય છે. અને એથી જ ગાંધીજીએ ૧૯૩૮માં ‘હિંદ સ્વરાજ’ વિશેના એક સંદેશામાં લખ્યું છે : ‘એ પુસ્તક મારે આજે ફરી લખવાનું હોય તો હું ક્યાંક ક્યાંક તેની ભાષા બદલું.’ આ છે ગાંધીજીની ‘હિંદ સ્વરાજ’ની શૈલીની પ્રેરણા અને પૂર્વભૂમિકા. ગાંધીજીએ ૧૯૦૯માં ‘હિંદ સ્વરાજ’ લખ્યું તે પૂર્વે એમનું એમના સાધનનું જે દર્શન હતું તે પણ ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસના સભ્યોનું એમના સાધનનું જે દર્શન હતું એથી વિશેષપણે ભિન્ન ન હતું; પણ ત્રાસવાદીઓ અને હિંસાવાદીઓ, વિપ્લવવાદીઓ અને અરાજકતાવાદીઓનું એમના સાધનનું જે દર્શન હતું એથી તદ્દન ભિન્ન હતું. દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોના રંગદ્વેષના રાજકારણમાં એમણે આરંભમાં એ સાધનનો, આજીજીઓ અને વિનંતીઓનો ઉપયોગ કર્યો હતો. પણ અંતે એમને એમાં શ્રદ્ધા ન રહી ત્યારે એમને એમના નવા સાધનનું, સત્ય-અહિંસા-પ્રેમના સાધનનું, સત્યાગ્રહના સાધનનું દર્શન થયું. ત્યારે ગાંધીજીએ પોતાની સાથે સંવાદ કર્યો. આ જ સમયમાં ભારતમાં ત્રાસવાદીઓ, વિપ્લવવાદીઓના દારૂગોળાનો, એમની હિંસાનો આરંભ થયો. દક્ષિણ આફ્રિકામાં કેટલાક હિંદીઓના મન પર એનો પ્રભાવ હતો. ગાંધીજીએ એમની સાથે પણ સંવાદ કર્યો. ગાંધીજી લંડન ગયા એના એક અઠવાડિયા પૂર્વે જ લંડનમાં એક હિંદીએ એક અંગ્રેજનું ખૂન કર્યું હતું. ગાંધીજીને લંડનમાં જેનું નવું દર્શન થયું તે સાધ્યની, સ્વરાજ અને સુધારાની સિદ્ધિ અર્થે દક્ષિણ આફ્રિકામાં જેનું નવું દર્શન થયું હતું અને જેની સાચી ભાવનાને લઈને લંડનમાં એ જેને વિશે ચોક્કસ અનુમાનો પર આવ્યા હતા અને એમને જેનું સત્ય સમજાયું હતું એથી એમણે જેનું માનસિક રીતે પ્રગતિકારક પગલું ભર્યું હતું એ સાધનનો, સત્ય-અહિંસા-પ્રેમના સાધનનો, સત્યાગ્રહના સાધનનો ભવિષ્યમાં ભારતમાં ઉપયોગ કરવાનો એમનો આત્મસંકલ્પ હતો. એથી લંડનમાં એ ચારેક માસ રહ્યા ત્યારે એમણે પોતાની સાથે તથા જે પ્રસિદ્ધ ભારતીય હિંસાવાદીઓ, અરાજકતાવાદીઓ લંડનમાં વસ્યા હતા તે સૌની સાથે અને અનેક અંગ્રેજોની સાથે સંવાદ કર્યો હતો. ‘હિંદ સ્વરાજ’ અને અંગ્રેજી ‘હિંદ સ્વરાજ’ની પ્રસ્તાવનાઓમાં અને એના વિશેના એક લેખમાં અને એક સંદેશામાં ગાંધીજીએ લખ્યું છે : ‘આ વિષય પર મેં વીસ પ્રકરણ લખ્યાં છે, તે વાંચનાર આગળ મૂકવાની હિંમત કરું છું.’ ‘જે મારા વિચાર છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા એ મારી ફરજ સમજ્યો.’ ‘આવા ભાઈઓએ મારી પાસે હિંદની દશા વિશે બહુ સવાલ કર્યા છે. એવા જ સવાલ મારી પાસે વિલાયતમાં થયા. તેથી મને લાગ્યું કે જે વિચાર મેં આમ ખાનગીમાં બતાવ્યા તે મારે જાહેરમાં મૂકવા એ દોષિત નહિ ગણાય.’ ‘સરળતાની ખાતર લખાણને વાચક અને અધિપતિ વચ્ચે સંવાદ હોય એવા રૂપમાં આપ્યું છે.’ ‘લખાણને સંવાદનું રૂપ આપવા સામે કેટલાક મિત્રો, જેમણે તરજુમો વાંચ્યો છે, તેમણે વાંધો બતાવ્યો હતો. તેમને હું એટલો જ જવાબ આપી શકું છું કે એ રૂપ આપવાનું ગુજરાતીમાં સહેલાઈથી બની શકે છે, તેમજ કઠણ વિષયોને સરળ બનાવવાની સરસમાં સરસ રીત એ જ છે. જો એ વિષય અંગ્રેજી વાચકો સારુ મેં લખ્યો હોત તો હું એને બીજી રીતે ઘડત. વળી જે સંવાદ આપવામાં આવ્યો છે તે કેટલાક મિત્રો, જેમાંના ઘણાખરા ‘ઇન્ડિયન ઓપિનિયન’ના વાંચનારા છે તેમની અને મારી વચ્ચે ખરેખર ચાલ્યો હતો.’ ‘…હિંદીઓના હિંસાવાદી સંપ્રદાયને અને દક્ષિણ આફ્રિકામાંના તેને મળતા વિચાર ધરાવનાર વર્ગને જવાબરૂપે તે લખાયું હતું. લંડનમાં વસતા એકેએક જાણીતા અરાજકતાવાદી હિંદીના પ્રસંગમાં હું આવ્યો હતો… મને લાગ્યું કે હિંસા એ હિંદુસ્તાનનાં દુઃખનો ઇલાજ નથી, અને તેની સંસ્કૃતિ જોતાં તેણે આત્મરક્ષાને સારુ ભિન્ન અને ઉચ્ચતર પ્રકારનું કોઈ શસ્ત્ર વાપરવું જોઈએ. દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ તે વખતે હજુ માંડ બે વરસનું બાળક હતો. પણ તેનો વિકાસ એટલો થઈ ચૂક્યો હતો કે મેં એને વિશે અમુક અંશે આત્મવિશ્વાસથી લખવાની હામ ભીડી હતી.’ ‘વાચક એટલું ધ્યાનમાં રાખે કે કેટલાક કાર્યકર્તાઓ, જેમાંના એક કટ્ટર અરાજકતાવાદી હતા, તેમની સાથે મારે જે વાતચીતો થયેલી તે જેવી ને તેવી મેં એ પુસ્તકમાં ઉતારેલી છે. વાચક એ પણ જાણે કે દક્ષિણ આફ્રિકાના હિંદીઓમાં જે સડો પેસવાની અણી પર હતો તે આ લખાણે અટકાવ્યો હતો.’ ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’ ‘વાચક’ એટલે કે ભારત, દક્ષિણ આફ્રિકા, લંડનમાંના હિંદી હિંસાવાદીઓ તથા અરાજકતાવાદીઓ અને ‘અધિપતિ’ એટલે કે ‘ઇન્ડિયન ઓપિનિયન’ના અધિપતિ — તંત્રી ગાંધીજી વચ્ચે વીસ પ્રકરણમાં સંવાદ રૂપે લખ્યું છે. ગાંધીજી અને આ હિંસાવાદીઓ તથા અરાજકતાવાદીઓ વચ્ચે આ સંવાદ ખરેખર ચાલ્યો હતો અને આ વાતચીતો જેવી ને તેવી ‘હિંદ સ્વરાજ’ના સંવાદ રૂપે ગાંધીજીએ લખી છે. ગાંધીજીને એમના વિચારો છેવટના લાગ્યા હતા અને એ એમણે દક્ષિણ આફ્રિકામાં અને વિલાયતમાં જે ભાઈઓએ એમને હિંદની દશા વિશે સવાલ કર્યા હતા એમને ખાનગીમાં બતાવ્યા હતા. પણ દક્ષિણ આફ્રિકામાં બે વર્ષ પૂર્વે ગાંધીજીએ એમનો સત્યાગ્રહનો પ્રથમ પ્રયોગ કર્યો હતો. હિંસા એ હિંદુસ્તાનનાં દુઃખોનો ઇલાજ નથી. એથી ભારતે એની સંસ્કૃતિને અનુરૂપ એવું હિંસાથી ભિન્ન અને ઉચ્ચતર પ્રકારનું કોઈ શસ્ત્ર એની આત્મરક્ષા અર્થે વાપરવું જોઈએ એમ એમને લાગ્યું હતું. એથી ભવિષ્યમાં ભારતમાં એમને સ્વરાજ અર્થે સત્યાગ્રહનો, અહિંસાનો ઉપયોગ કરવો હતો. આગળ કહ્યું તેમ, ‘હિંદ સ્વરાજ’ એ માત્ર કોઈ શબ્દવીરનું નહિ એક કર્મવીરનું સર્જન છે. એથી આ વિચારો તરફ વિશાળ જનસંખ્યાનું ધ્યાન ખેંચાય એ ગાંધીજીને માટે એક અનિવાર્ય જરૂર હતી. એ એમની ફરજ હતી. જેથી ભારતના હિંદીઓમાં હિંસાનો જે સડો પેસવાનો આરંભ થયો હતો અને દક્ષિણ આફ્રિકાના હિંદીઓમાં હિંસાનો જે સડો પેસવાની અણી પર હતો તે અટકે. એથી એમણે હિંદમાંના હિંસાવાદી સંપ્રદાયને અને દક્ષિણ આફ્રિકામાં તેને મળતા વિચાર ધરાવનાર વર્ગને જવાબ રૂપે પોતાના આ વિચારો વિશે, સ્વરાજ અને સત્યાગ્રહ વિશે અમુક અંશે આત્મવિશ્વાસથી લખવાની હામ ભીડી હતી અને આ વિષય પર વીસ પ્રકરણ લખીને વાંચનાર આગળ જાહેરમાં મૂકવાની હિંમત કરી હતી. વળી પોતાના આ વિચારો ભારતમાંના અને દક્ષિણ આફ્રિકામાંના વધુમાં વધુ સંખ્યામાં પોતાના હિંદી ભાઈઓ સમજે અને સ્વીકારે એ માટે એને સરળ બનાવવા એ પણ ગાંધીજી માટે એક અનિવાર્ય જરૂર હતી. એથી કઠણ વિષયોને સરળ બનાવવાની જે સરસમાં સરસ રીત છે તે સંવાદના રૂપમાં એમણે એને વિશે લખાણ કર્યું. અને ગુજરાતીમાં આ સંવાદના રૂપમાં લખાણ કરવું સહેલું છે. એમણે આ વિષય વિશે અંગ્રેજો માટે અન્ય રૂપમાં લખાણ કર્યું હોત. વળી એમણે પ્લેટોમાંથી સૉક્રેટીસના સંવાદોનું વાચન કર્યું હતું. પ્રતિપક્ષી પોતાનો વિચાર પ્રથમ પ્રગટ કરે, પછી એ વિચારના દોષોનું એને દર્શન કરાવવું, પછી પોતાનો નિર્દોષ વિચાર પ્રગટ કરવો અને એમ પોતાના નિર્દોષ વિચારની પ્રતિપક્ષીને પ્રતીતિ કરાવવી જેથી પ્રતિપક્ષી પોતાના સદોષ વિચારનો અંતે સ્વેચ્છાએ ત્યાગ કરે આ સૉક્રેટીસી વક્રતાનો ગાંધીજીને પરિચય હતો. આ છે ગાંધીજીના ‘હિંદ સ્વરાજ’ના સ્વરૂપની, અને કંઈક અંશે શૈલીની પણ, પ્રેરણા અને પૂર્વભૂમિકા. ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીએ ભારતમાં અંગ્રેજોના આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક વર્ચસ્‌‌નું વિશ્લેષણ અને વિવેચન કર્યું છે. ‘હિંદુસ્તાન કેમ ગયું?’ એ પ્રકરણમાં ગાંધીજીએ આરંભમાં લખ્યું છે : ‘હિંદુસ્તાન અંગ્રેજોએ લીધું એમ નથી, પણ આપણે તેને દીધું છે. હિંદુસ્તાનમાં તેઓ પોતાના બળે નથી ટકી શક્યા પણ આપણે તેઓને રાખ્યા છે.’ ભારતમાં માત્ર વ્યાપાર અર્થે અંગ્રેજોનું આગમન થયું. એમાંથી ભારતના વ્યાપારીઓના મોહને કારણે ભારતમાં અંગ્રેજોનું આર્થિક વર્ચસ્‌‌ થયું. અને પછી એમાંથી ભારતના રાજવીઓના કુસંપને કારણે ભારતમાં અંગ્રેજોનું જે એમણે કદી કલ્પ્યું ન હતું તે રાજકીય વર્ચસ્‌‌ થયું. પછી આ આર્થિક અને રાજકીય વર્ચસ્‌‌ને કારણે, એને માટે ભારતમાં અંગ્રેજોનું સાંસ્કૃતિક વર્ચસ્‌‌ થયું. એમના આર્થિક અને રાજકીય વર્ચસ્‌‌ને માટે જેવો અને જેટલો જરૂરી હોય એવો અને એટલો ભારતમાં અંગ્રેજોએ રેલવેઓ, વકીલો — અદાલતો, દાકતરો — ઇસ્પિતાલો, કેળવણી, સંચાકામ આદિનો, ઇંગ્લંડ, યુરોપ, પશ્ચિમની આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિનો વિકાસ કર્યો અને માત્ર એવો અને એટલો જ વિકાસ કર્યો. ઇંગ્લંડમાં અંગ્રેજોએ આ સંસ્કૃતિનો જેવો અને જેટલો વિકાસ કર્યો હતો એવો અને એટલો વિકાસ ન કર્યો, ન કરી શકે. કારણ કે જો એવો અને એટલો વિકાસ કરે તો એને અંતે એમના આર્થિક અને રાજકીય વર્ચસ્‌‌નો, એના હેતુનો જ હ્રાસ થાય. ભારતમાં અંગ્રેજોએ રેલવેઓ, વકીલો — અદાલતો, દાક્તરો — ઇસ્પિતાલો, કેળવણી, સંચાકામ આદિનો જરૂરી હોય એવો અને એટલો જ વિકાસ, સુધારો કર્યો અને એ દ્વારા એમણે ભારતમાં એમનું આર્થિક અને રાજકીય વર્ચસ્‌‌ કાયમ કર્યું. ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસના સભ્યો અને અરાજકતાવાદીઓ જેવા અલ્પસંખ્ય શિક્ષિતો — ગાંધીજી સુધ્ધાં — આ અંગ્રેજોના સુધારાથી અભિભૂત હતા, એની ધૂનમાં હતા. ભારતના વિશાળ ગ્રામપ્રદેશની વિરાટ પ્રજા આ અંગ્રેજોના સુધારાથી મુક્ત હતી. આ શિક્ષિતોનું સાધન ભિન્ન હતું. ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસના સભ્યોનું સાધન હતું આજીજી, અરાજકતાવાદીઓનું સાધન હતું દારૂગોળો. પણ બન્નેનું સાધ્ય અભિન્ન હતું, સ્વરાજ અને સુધારો. સ્વરાજ થાય એટલે કે અંગ્રેજો જાય પણ અંગ્રેજોનો સુધારો ન જાય. એક વાર અંગ્રેજો જાય પછી અંગ્રેજોએ ઇંગ્લંડમાં રેલવેઓ, વકીલો — અદાલતો, દાક્તરો — ઇસ્પિતાલો, કેળવણી, સંચાકામ આદિનો જેવો અને જેટલો વિકાસ, સુધારો કર્યો હતો એવો અને એટલો વિકાસ, સુધારો ભારતમાં થાય. પણ જ્યાં લગી રેલવેઓ, વકીલો — અદાલતો, દાક્તરો — ઇસ્પિતાલો, કેળવણી, સંચાકામ આદિ અંગ્રેજોનો સુધારો ન જાય ત્યાં લગી સ્વરાજ ન થાય. કારણ કે આ સુધારા દ્વારા તો અંગ્રેજોએ એમનું આર્થિક અને રાજકીય વર્ચસ્‌‌ કાયમ કર્યું હતું આ શિક્ષિતોને એમની સુધારાની ધૂનમાં આ સૂઝસમજ ન હતી. ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીનું સાધ્ય અને સાધન બન્ને આ શિક્ષિતોના સાધ્ય અને સાધનથી તદ્દન ભિન્ન છે. ગાંધીજીનું સાધ્ય છે સ્વરાજ અને સુધારો, આ શિક્ષિતોનું સ્વરાજ અને એમનો સુધારો નહિ પણ ‘હિંદ સ્વરાજ’માં છે તે સ્વરાજ અને સુધારો. ગાંધીજીનું સાધન છે — દારૂગોળો નહિ, આજીજી નહિ પણ સત્યાગ્રહ. ભારતમાં અંગ્રેજોએ રેલવેઓ, વકીલો — અદાલતો, દાક્તરો — ઇસ્પિતાલો, કેળવણી, સંચાકામ આદિના વિકાસ, સુધારાથી તો એમનું આર્થિક અને રાજકીય વર્ચસ્‌કાયમ કર્યું હતું. એથી રેલવેઓ, વકીલો — અદાલતો — દાકતરો, ઇસ્પિતાલો, કેળવણી, સંચાકામ એ ભારતની પરતંત્રતાનાં, પરાધીનતાનાં પ્રતીકો છે. ભારતમાં અંગ્રેજોએ એમનો દુરુપયોગ કર્યો છે. એથી જ અને એટલા પૂરતો જ ગાંધીજીનો એમની સામે સત્યાગ્રહ છે. હવે પછી જોઈશું તેમ, ગાંધીજીનો એમની સામે એથી વિશેષ સત્યાગ્રહ નથી. અંગ્રેજો ભલે ન જાય પણ એમનો સુધારો જાય અને તો જ સ્વરાજ થાય. અને તો સ્વરાજ થાય જ. અને સ્વરાજ થાય પછી પણ અંગ્રેજો ભલે ન જાય પણ એમનો સુધારો તો ન જ થાય. એનું કારણ, હવે પછી જોઈશું તેમ, પ્રાચીન ભારતની આધ્યાત્મિકતાની, આદર્શમયતાની અખંડ પરંપરાનો સંદર્ભ પણ છે. ‘હિંદ સ્વરાજ’માં સ્વરાજની વ્યાખ્યા અને સત્યાગ્રહનો કાર્યક્રમ છે. શિક્ષિતોનું સ્વરાજ એટલે અંગ્રેજો જાય પણ અંગ્રેજોનો સુધારો ન જાય. ગાંધીજીનું સ્વરાજ એટલે અંગ્રેજો ભલે ન જાય પણ અંગ્રેજોનો સુધારો જાય. સંતોની અવળવાણી જેવી ગાંધીજીની ‘હિંદ સ્વરાજ’ની વાણી છે. એથી જ ૧૯૧૨માં ગોખલે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે એ ગાંધીજીની મહાનતાને પામી ગયા હતા છતાં ગાંધીજીની મહાનતાને ભારતમાંથી જે સૌ પ્રથમ પામી ગયા તે ગોખલે જેવા ગોખલેને પણ એમણે ‘હિંદ સ્વરાજ’નું વાચન કર્યું પછી એમાંનું ગાંધીજીનું દર્શન મિથ્યા દર્શન લાગ્યું હતું. ગાંધીજીના એક સ્વર્ગસ્થ મિત્રને આ દર્શન મૂર્ખદર્શન લાગ્યું હતું. ગાંધીજીએ ‘આત્મકથા’માં અને ‘હિંદ સ્વરાજ’ વિશેના એક સંદેશામાં લખ્યું છે : ‘…હિંદ સ્વરાજ’માં મેં જે વિચારો દર્શાવ્યા છે તેને ગોખલે હસી કાઢતા અને કહેતા; “એક વર્ષ તમે હિંદુસ્તાનમાં રહી જશો એટલે તમારા વિચારો એની મેળે ઠેકાણે આવશે.” ‘…વાચક મારા એક સ્વર્ગસ્થ મિત્રનો એ અભિપ્રાય પણ જાણે કે “આ મૂરખ માણસની કૃતિ છે.” આ છે ગાંધીજીનો ‘હિંદ સ્વરાજ’નો સમકાલીન ભારતની વાસ્તવિકતાની પરિસ્થિતિનો સંદર્ભ. ગાંધીજીનું હૅમ્પસ્ટેડનું વ્યાખ્યાન અને એ વિશેનો એમનો પોલાક પરનો પત્ર આ સંદર્ભની પ્રેરણા અને પૂર્વભૂમિકારૂપ છે. ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીએ અંગ્રેજોના સુધારામાં, ઇગ્લંડ, યુરોપ અને અમેરિકાની, પશ્ચિમની આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિમાં જે માનવતાવાદ, બુદ્ધિવાદ, ભૌતિકવાદ છે એનું વિશ્લેષણ અને વિવેચન કર્યું છે. પ્રાગ્-ઔદ્યોગિક યુગમાં, મધ્યયુગમાં ઇંગ્લંડ અને યુરોપમાં ઈશ્વર અને આત્માનો, ઈશ્વર- શાસિત — ઈશ્વરકેન્દ્રી વિશ્વ અને આધ્યાત્મિક જ્ઞાનનો, ધર્મ અને નીતિનો મહિમા હતો. સમાજતંત્ર, અર્થતંત્ર, રાજ્યતંત્રમાં સંવાદ અને સહકારની, ઉદારતા અને નિઃસ્વાર્થની ભાવના હતી. ઔદ્યોગિક ક્રાંતિની પૂર્વભૂમિકામાં પુનરુત્થાન યુગમાં ઇંગ્લૅડ અને યુરોપમાં મનુષ્ય અને બુદ્ધિનો, મનુષ્યશાસિત — મનુષ્યકેન્દ્રી વિશ્વ અને ભૌતિક જ્ઞાનનો, દેહ અને ઇન્દ્રિયોનો મહિમા થયો. સમાજતંત્ર, અર્થતંત્ર, રાજ્યતંત્રમાં સંઘર્ષ અને સ્પર્ધાનો, સંકુચિતતા અને સ્વાર્થનો, નફાખોરી અને સત્તાખોરીનો આરંભ થયો. ઔદ્યોગિક ક્રાંતિ પછી ઔદ્યોગિક યુગમાં ઔદ્યોગિક સંસ્કૃતિ, ઔદ્યોગિક સમાજ, ઔદ્યોગિક મનુષ્યનું સર્જન થયું, એમાં યંત્રો અને યંત્રવિજ્ઞાનનો દુરુપયોગ થયો એથી એનો વિકાસ થયો. ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’ લખ્યું ત્યારે એમાં સંઘર્ષ અને સ્પર્ધાની, સંકુચિતતા અને સ્વાર્થની, નફાખોરી અને સત્તાખોરીની, વિત્તૈષણા અને લોકૈષણાની, માનવતાવાદ, બુદ્ધિવાદ અને ભૌતિકવાદની, દેહ અને ઇન્દ્રિયોના મહિમાની પરાકાષ્ઠા હતી. પણ ત્યારે ભારત હજુ પ્રાગ્-ઔદ્યોગિક યુગમાં હતું. ભારતમાં પ્રાગ્-ઔદ્યોગિક સંસ્કૃતિ હતી, પ્રાગ્-ઔદ્યોગિક સમાજ, પ્રાગ્-ઔદ્યોગિક મનુષ્ય હતો. એમાં ઈશ્વર અને આત્માનો, ધર્મ અને નીતિનો, અહિંસા અને પ્રેમનો મહિમા હતો. માત્ર શિક્ષિતો જ અંગ્રેજોના સુધારાથી અભિભૂત હતા; એની ધૂનમાં હતા. ભારતના વિશાળ ગ્રામપ્રદેશની વિરાટ પ્રજા અંગ્રેજોના સુધારાથી મુક્ત હતી. ભારતની પ્રજામાં ઈશ્વરવિમુખતા અને ધર્મભ્રષ્ટતાનો આરંભ થયો હતો અને ધર્માચાર્યોમાં દંભ અને સ્વાર્થનો વિકાસ થયો હતો. ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’માં એ વિશે દુઃખ સાથે નિખાલસ એકરાર કર્યો છે : ‘…પ્રથમ દુઃખ તો એ છે કે હિંદુસ્તાન ધર્મભ્રષ્ટ થતું ચાલ્યું છે.’ ‘…આપણે ઈશ્વરથી વિમુખ થતા જઈએ છીએ.’ ‘ધર્મની કેળવણીનો વિચાર કરતાં માથું ફરવા લાગે છે. ધર્માચાર્યો દંભી અને સ્વાર્થી જોવામાં આવે છે.’ પણ એકંદરે સમકાલીન ભારતમાં હજુ પ્રાચીન, મધ્યકાલીન ભારતની આદર્શમયતા અને આધ્યાત્મિકતાની પરંપરા અખંડ હતી. એથી જ ગાંધીજીનું સ્વરાજ છે અંગ્રેજો ભલે ન જાય પણ અંગ્રેજોનો સુધારો જાય અને એથી જ આ સ્વરાજનું એમનું સાધન-ભારતની આત્મરક્ષા અર્થે એની સંસ્કૃતિને અનુરૂપ એવું સાધન — છે સત્યાગ્રહ. ‘હિંદ સ્વરાજ’માં ‘સ્વરાજ’નો જેટલો મહિમા થયો છે એટલો જ ‘હિંદ’નો મહિમા થયો છે. પણ ગાંધીજીના શબ્દોમાં, એમની શૈલીમાં આવેગ અને આવેશ છે; એમની લાગણીમાં તીવ્રતા, એમના વિચારમાં ઉગ્રતા છે એને કારણે એવો ભાસ થાય છે કે ‘હિંદ સ્વરાજ’માં ‘સ્વરાજ’નો મહિમા થયો છે એથી વિશેષ ‘હિંદ’નો મહિમા થયો છે. અંગ્રેજોના, યુરોપના, પશ્ચિમના સુધારામાં નર્યો માનવતાવાદ, નર્યો બુદ્ધિવાદ, નર્યો ભૌતિકવાદ છે. એના આ ‘નર્યા’પણાને કારણે એની સામે ગાંધીજીનો નર્યો સત્યાગ્રહ છે એથી એમના શબ્દોમાં, એમની શૈલીમાં આવેગ અને આવેશ છે; એમની લાગણીમાં તીવ્રતા, એમના વિચારમાં ઉગ્રતા છે અને એને કારણે એવો ભાસ પણ થાય છે કે ‘હિંદ સ્વરાજ’માં અને સવિશેષ તો ‘સુધારાનું દર્શન’ અને ‘ખરો સુધારો શું?’ એ બે પ્રકરણોમાં અંગ્રેજોનો સુધારો વિ. ભારતનો સુધારો એવો વાદવિવાદ રચવાનું અને આ બે સુધારોઓમાં કયો શ્રેષ્ઠ એવો ઉચ્ચવચતાક્રમ રચવાનું ગાંધીજીનું વલણ અને વર્તન છે : ‘આ સુધારાની ખરી ઓળખ તો એ છે કે માણસો બહિર્‌ની શોધોમાં ને શરીરસુખમાં સાર્થક્ય અને પુરુષાર્થ માને છે.’ ‘તેમાં ધર્મની કે નીતિની વાત છે જ નહિ.’ ‘શરીરનું સુખ કેમ મળે એ જ સુધારો શોધે છે.’ ‘આ સુધારો તો અધર્મ છે.’ ‘આ શયતાની રાજ્ય ગણાય.’ ‘હું માનું છું કે જે સુધારો હિંદુસ્તાને બતાવ્યો છે તેને દુનિયામાં કંઈ જ પહોંચી શકે તેમ નથી.’ ‘ઘણા અક્કલ દેનારા આવજા કર્યા કરે છે ત્યારે હિંદ અડગ રહે છે, આ તેની ખૂબી છે, આ તેનું લંગર છે.’ ‘સુધારો એ વર્તન છે કે જેથી માણસ પોતાની ફરજ બજાવે. ફરજ બજાવવી તે નીતિ પાળવી એ છે. નીતિ પાળવી એ આપણાં મનને તથા આપણી ઇન્દ્રિયોને વશ રાખવી એ છે. એમ કરતાં આપણે આપણને ઓળખીએ છીએ. આ જ ‘સુ’ એટલે સારો ધારો છે. તેથી જે વિરુદ્ધ તે કુધારો છે.’ ‘ઘણા અંગ્રેજી લેખકો લખી ગયા છે કે, ઉપરની વ્યાખ્યા પ્રમાણે હિંદુસ્તાનને કંઈ શીખવાનું નથી રહેતું. આ વાત બરોબર છે.’ ‘આવું જે પ્રજાનું બંધારણ છે તે પ્રજા બીજાને શીખવવાને લાયક છે, તે બીજાની પાસેથી શીખવા લાયક નથી.’ ‘તેઓની આગળ ખરું સ્વરાજ હતું.’ ‘અને જ્યાં ચાંડાળ સુધારો નથી પહોંચ્યો ત્યાં તેવું હિંદુસ્તાન હજુ યે છે.’ ‘હિંદી સુધારાનું વલણ નીતિ દૃઢ કરવા તરફ છે, પશ્ચિમના સુધારાનું વલણ અનીતિ દૃઢ કરવા તરફ છે; તેથી તેને કુધારો કહ્યો. પશ્ચિમનો સુધારો નિરીશ્વરી છે. હિંદી સુધારો સેશ્વરી છે.’ ‘તમે જે સુધારાની હિમાયત કરો છો તેને અમે કુધારો જાણીએ છીએ. અમારા સુધારાને અમે તમારાં કરતાં અત્યંત ચઢિયાતો માનીએ છીએ.’ ‘ખરી ખુમારી તો તેને જ ચઢે કે જે જ્ઞાનપૂર્વક માને કે, હિંદી સુધારો તે સર્વોપરી છે ને યુરોપી સુધારો તે ત્રણ દહાડાનો તમાસો છે. એવા સુધારા તો કંઈ થઈ ગયા ને રોળાયા; કંઈ થશે ને રોળાશે.’ આ છે ગાંધીજીનો ‘હિંદ સ્વરાજ’નો પ્રાચીન ભારતની આધ્યાત્મિકતાની અને આદર્શમયતાની અખંડ પરંપરાનો સંદર્ભ. ગાંધીજીનું હૅમ્પસ્ટેડનું વ્યાખ્યાન અને એ વિશેનો એમનો પોલાક પરનો પત્ર આ સંદર્ભની પ્રેરણા અને પૂર્વભૂમિકારૂપ છે. ગાંધીજીએ હૅમ્પસ્ટેડ ક્લબમાં ‘પૂર્વ અને પશ્ચિમ’ પર વ્યાખ્યાન આપ્યું એમાં એમણે પૂર્વ અને પશ્ચિમના, પૂર્વની અને પશ્ચિમની સંસ્કૃતિઓના ભૂતકાળના સામ્યનું અને ભાવિના મિલનનું દર્શન કર્યું હતું. વ્યાખ્યાનના આરંભમાં જ એમણે કિપ્લિંગની પેલી પ્રસિદ્ધ પંક્તિઓ ‘East is East and West is West/And never the twain shall meet.’ ‘પૂર્વ એ પૂર્વ છે અને પશ્ચિમ એ પશ્ચિમ છે અને બન્ને કદી ભેગા થશે નહિ.’-નું સ્મરણ કર્યું હતું અને એને વિશે કહ્યું હતું, ‘હું માનું છું કે, આ નિરાશાવાદનો સિદ્ધાંત છે અને માનવ વિકાસ સાથે એનો મેળ નથી બેસતો. આ પ્રકારનો સિદ્ધાંત સ્વીકારાય એ મને તદ્દન અશક્ય લાગે છે.’ અને પછી ટેનિસનના પ્રસિદ્ધ કાવ્ય‘Vision’ ‘દર્શન’નું સ્મરણ કર્યું હતું અને એને વિશે કહ્યું હતું, ‘બીજા એક અંગ્રેજ કવિ ટેનિસને પોતાના Vision (કલ્પના) ગ્રંથમાં સ્પષ્ટપણે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો જોડાણની આગાહી કરી છે. અને આ કલ્પનામાં મને શ્રદ્ધા છે…’ પછી એના અનુસંધાનમાં પોલાક પરના પત્રમાં ગાંધીજીએ લખ્યું હતું : ‘(૧) પૂર્વ અને પશ્ચિમ વચ્ચે ઓળંગી નહિ શકાય એવી દીવાલ નથી.’ ‘(૨) પાશ્ચાત્ય કે યુરોપિયન સંસ્કૃતિ જેવી કોઈ ચીજ નથી. પણ એક આધુનિક સંસ્કૃતિ અસ્તિત્વમાં છે, જે પૂરેપૂરી જડવાદી છે.’ ‘(૩) આધુનિક સંસ્કૃતિની અસર તળે આવ્યા તે પહેલાં યુરોપના લોકો અને પૂર્વના લોકો, કમમાં કમ હિંદના લોકો વચ્ચે ઘણી બાબતમાં સરખાપણું હતું; અને આજે પણ આધુનિક સંસ્કૃતિના પરિચયમાં નહિ આવ્યા હોય એવા હિંદના લોકો અને જે યુરોપિયનો એ સંસ્કૃતિની અસર તળે નથી આવ્યા તેઓ, એ સંસ્કૃતિના સંતાનો કરતાં હિંદીઓ સાથે વધારે સારી રીતે હળીમળી શકે છે…’ ‘(૭) પૂર્વ અને પશ્ચિમ માત્ર ત્યારે જ અને સાચી રીતે એકમેકની નજીક આવી શકે, જ્યારે પશ્ચિમ આધુનિક સંસ્કૃતિને લગભગ સંપૂર્ણ રીતે ફેંકી દે…’ ‘(૧૬) અને મને લાગે છે કે, દરેક સમજુ માણસ, બેશક દરેક અંગ્રેજ પણ, જો ઇચ્છે તો આ સત્ય શીખી લઈ શકે છે અને તેને અમલમાં મૂકી શકે છે.’ (મૂળ અંગ્રેજી પરના પત્રનો ‘અક્ષરદેહ’માંનો અનુવાદ) ઔદ્યોગિક ક્રાંતિ અને ઔદ્યોગિક યુગ પૂર્વે, પુનરુત્થાન યુગ પૂર્વે, પ્રાગ્-ઔદ્યોગિક યુગમાં, મધ્યયુગમાં ઇંગ્લંડ-યુરોપ-પશ્ચિમમાં જેના કેન્દ્રમાં ઈશ્વર, આત્મા, ધર્મ નીતિ, સંવાદ, સહકાર, ઉદારતા, નિઃસ્વાર્થ, અહિંસા, પ્રેમ આદિ છે એવી સંસ્કૃતિ હતી. સમકાલીન ભારતમાં પ્રાચીન ભારતની આધ્યાત્મિકતાની અને આદર્શમયતાની અખંડ પરંપરાને કારણે એવી જ સંસ્કૃતિ છે. એટલે કે પુનરુત્થાન યુગ લગી પૂર્વ અને પશ્ચિમમાં એક જ સંસ્કૃતિ હતી. પછી ઇંગ્લંડ-યુરોપ-પશ્ચિમમાં જેના કેન્દ્રમાં મનુષ્ય,દેહ, ઇન્દ્રિયો, સંઘર્ષ, સ્પર્ધા, સંકુચિતતા, સ્વાર્થ, નફાખોરી, સત્તાખોરી, આદિ છે એવી આધુનિક ઔદ્યોગિક જડવાદી સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી છે. પણ ભારતમાં આ સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી નથી. એથી હવે જો ઇંગ્લંડ-યુરોપ-પશ્ચિમ આ આધુનિક ઔદ્યૌગિક જડવાદી સંસ્કૃતિનો, એક દુ:સ્વપ્ન જેવી સંસ્કૃતિનો સ્વેચ્છાએ ત્યાગ કરે તો ભવિષ્યમાં પૂર્વની અને પશ્ચિમની સંસ્કૃતિઓનું, પૂર્વ અને પશ્ચિમનું મિલન, પુનર્મિલન થાય. પૂર્વ અને પશ્ચિમની એક સંસ્કૃતિ થાય, પૂર્વ અને પશ્ચિમ એક થાય. પણ એમાં જો કોઈએ સુધરવાનું હોય તો તે ભારતે નહિ, ઇંગ્લંડ-યુરોપ-પશ્ચિમે સુધરવાનું છે. એથી જ ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’માં વારંવાર કહ્યું છે કે અંગ્રેજો સુધરે. ગાંધીજીને અંગ્રેજો પ્રત્યે પ્રેમ અને આદર છે. ગાંધીજીને અંગ્રેજોમાં શ્રદ્ધા છે. એથી એમને પ્રતીતિ છે કે એક દિવસ અંગ્રેજો સુધરશે, પશ્ચિમ સુધરશે અને પૂર્વની અને પશ્ચિમની સંસ્કૃતિઓનું, પૂર્વ અને પશ્ચિમનું મિલન, પુનર્મિલન થશે. ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’માં આ વિશે વારંવાર કહ્યું છે : ‘તેઓ બાહોશ માણસ છે, એટલે એ જાળમાંથી નીકળી આવશે એમ મારું માનવું છે. તેઓ સાહસિક છે ને મહેનતુ છે. તેઓના વિચાર મૂળે અનીતિભરેલા નથી. એટલે તેમને વિશે મારા મનમાં ઉત્તમ વિચાર જ છે. તેઓનું હાડ ખરાબ નથી. ને સુધારો એ તેઓને અસાધ્ય રોગ નથી, પણ હાલ તેઓ એ રોગમાં ઘેરાયા છે એ તો ભૂલવાનું જ નથી.’ ‘અંગ્રેજોને કાઢવા એવી નેમ આપણે રાખવાની જરૂર નથી. અંગ્રેજ જો હિંદી થઈને રહે તો આપણે તેનો સમાસ કરી શકીએ છીએ.’ ‘જો દેશનું હિત અંગ્રેજોને હાથે થતું હોત તો હું આજે અંગ્રેજને નમીશ.’ ‘તમે જો તમારો સુધારો જે કુધારો છે, તેને છોડી તમારા ધર્મનું શોધન કરશો તો તમે જોશો કે અમારી માગણી બરોબર છે. એ જ રીતે તમારાથી હિંદુસ્તાનમાં રહેવાય. એમ તમે રહો તો તમારી પાસેથી અમારે કેટલુંક શીખવાનું છે તે શીખીશું અને અમારી પાસેથી તમારે ઘણું શીખવાનું છે તે તમે શીખશો. આમ કરતાં આપણે લાભ લઈશું ને દુનિયાને લાભ કરીશું. પણ તે તો આપણા સંબંધની જડ ધર્મક્ષેત્રમાં નખાય ત્યારે જ બને.’ ‘જે કંઈ મેં કહ્યું છે તે અંગ્રેજોના દ્વેષભાવે નહિ પણ તેમના સુધારાના દ્વેષભાવે કહ્યું છે.’ ‘હિંદ સ્વરાજ’માં ‘સુધારાનું દર્શન’ અને ‘ખરો સુધારો શું?’ આ બે પ્રકરણોમાં ગાંધીજીએ આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિનું સ્પષ્ટપણે અને સચોટપણે વિગતે વર્ણન કર્યું છે. એમાં એમણે આજે હવે ઔદ્યોગિક યુગને અંતે જે યંત્રવૈજ્ઞાનિક યુગનો આરંભ થયો છે અને એમાં હવે પછી જે યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિ, યંત્રવૈજ્ઞાનિક સમાજ, યંત્રવૈજ્ઞાનિક મનુષ્યનું સર્જન થશે એનું વેધક અને વિરલ ભાવિદર્શન પણ કર્યું છે : ‘…આ તો સુધારાની ટોચ ગણાઈ છે. હજુ જેમ સુધારો વધતો જાય છે તેમ એવું ધારવામાં આવે છે કે માણસો હવાઈ વહાણથી મુસાફરી કરશે ને થોડા કલાકમાં દુનિયાના ગમે તે ભાગમાં જઈ પહોંચશે. માણસોને હાથપગ નહિ વાપરવા પડે. એક બટન ચાંપશે ત્યારે તેને પહેરવાનો પોશાક આવી મળશે, બીજું બટન ચાંપશે ત્યારે તેનાં છાપાં આવશે. ત્રીજું બટન ચાંપશે ત્યારે તેની ગાડી તૈયાર થઈ જશે, નિત્ય નવાં ભોજન મળશે, હાથ અથવા પગનો ખપ જ નહિ પડે, બધું સંચાથી જ કામ લેવાશે. અગાઉ માણસો જ્યારે લડવા માગતા ત્યારે એકબીજાનું શરીરબળ અજમાવતા. હવે તો તોપના એક ગોળાથી હજારો જાન લઈ શકે છે. આ સુધારાની નિશાની છે.’ ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીનો વકીલો — અદાલતો, દાક્તરો — ઇસ્પિતાલો, કેળવણી સામે સત્યાગ્રહ નથી. એમના અતિરેક, અતિચાર, અત્યાચાર સામે એમનો સત્યાગ્રહ છે. એવી સંસ્કૃતિનું સર્જન થાય કે જેમાં અસંખ્ય મનુષ્યોને અનિવાર્યપણે અન્યાયનો, અનારોગ્યનો, અજ્ઞાનનો અનુભવ થાય અને પછી વકીલો — અદાલતો, દાકતરો — ઇસ્પિતાલો, કેળવણીનો આત્યંતિક મહિમા થાય એની સામે એમનો સત્યાગ્રહ છે. એવી સંસ્કૃતિનું સર્જન થાય કે જેમાં એક પણ મનુષ્યને ક્યારેય તે અન્યાયનો, અનારોગ્યનો, અજ્ઞાનનો અનુભવ થાય જ નહિ તો વકીલો — અદાલતો દાક્તરો — ઇસ્પિતાલો, કેળવણી આપોઆપ અદૃશ્ય થાય એ ગાંધીજીને ઇષ્ટ છે. ‘હિંદ સ્વરાજ’ વિશેના એક લેખમાં એમણે લખ્યું છે : ‘હું રેલવે કે ઇસ્પિતાલનો નાશ કરવાનું ધ્યેય નથી સેવતો, જોકે તેમનો કુદરતી રીતે નાશ થાય તો હું તેને અવશ્ય વધાવી લઉં. રેલવે અથવા ઇસ્પિતાલો બેમાંથી એકે ઊંચી ને વિશુદ્ધ સંસ્કૃતિની સૂચક નથી. બહુ બહુ તો એમ કહી શકાય કે એ અનિષ્ટ તો છે પણ અપરિહાર્ય છે. બેમાંથી એકે રાષ્ટ્રની નૈતિક ઊંચાઈમાં એક તસુનો પણ ઉમેરો કરતી નથી. તે જ પ્રમાણે હું અદાલતોના કાયમ નાશનું ધ્યેય નથી સેવતો, જોકે એવું પરિણામ આવે તો મને બહુ ગમે ખરું.’ ગાંધીજીનો રેલવેઓ, સંચાકામ આદિ યંત્રવિજ્ઞાનની પ્રકૃતિદત્ત પદાર્થોના પરિવર્તન માટેની, કૃત્રિમ પદાર્થોના સર્જન અને સ્થળાંતર માટેની શક્તિઓ અને એ માટેનાં સાધનો અને એમની શોધો સામે સત્યાગ્રહ નથી. પણ એમના દુરુપયોગ સામે એમનો સત્યાગ્રહ છે. ‘હિંદ સ્વરાજ’માં ‘સંચાકામ’ના પ્રકરણમાં એમણે લખ્યું છે : ‘સંચો એ આધુનિક સુધારાની મુખ્ય નિશાની છે ને તે મહાપાપ છે એ હું ચોખ્ખું જોઈ શકું છું.’ ‘સંચાનો ગુણ તો મને એકે યાદ નથી આવતો; અવગુણની તો ચોપડી ચીતરી શકું છું.’ ‘સંચા ઉપર આપણી મીઠી નજરને બદલે ઝેરી નજર પડશે તો છેવટે તે જશે જ.’ પણ પછી ‘હિંદ સ્વરાજ’ વિશેના એક લેખમાં એમણે લખ્યું છે : ‘યંત્રો અને મિલોના નાશને માટે તો હું એથી યે ઓછો પ્રયાસ કરું છું. એને માટે લોકોની આજે જે તૈયારી છે એના કરતાં ઘણાં વધારે સાદાઈ અને ત્યાગની જરૂર પડે.’ ૧૯૨૪માં દિલ્હીમાં એક સંવાદમાં ગાંધીજીએ એમનું યંત્ર અને યંત્રવિજ્ઞાનનું દર્શન વિવેકપૂર્વક અને વિશદતાપૂર્વક વિગતે પ્રગટ કર્યું છે. યંત્ર અને યંત્રવિજ્ઞાનનો હેતુ ધનનો લોભ ન હોવો જોઈએ. એને પરિણામે અમુક વર્ગનો જ સમય અને શ્રમનો બચાવ તથા થોડા ગણ્યાગાંઠ્યા પાસે સંપત્તિનો સંચય ન થવો જોઈએ; થોડા માણસોને કરોડોની કાંધ પર ચડી બેસવામાં યંત્રો મદદગાર ન હોવાં જોઈએ. યંત્ર અને યંત્રવિજ્ઞાનનો હેતુ માનવસુખ, લોકહિત, દયા, પ્રેમ હોવો જોઈએ. એને પરિણામે લાખો લોકો કામ વિનાના થઈ ભૂખે મરતા રસ્તા પર ભટકતા ન થવા જોઈએ, માણસનાં અંગો કામને માટે જડ અને નિરુપયોગી ન થવાં જોઈએ, કામદારો પાસે ગજા ઉપરાંત કામ કરાવવાનું ન થવું જોઈએ; યંત્રો નડતરરૂપ થવાને બદલે સહાયરૂપ થવાં જોઈએ, મજૂરોની સ્થિતિમાં સુધારો થવો જોઈએ, એમને સારી રોજી મળવી જોઈએ, એમને થઈ શકે એવું કામ દરરોજ મળવું જોઈએ, આખી માનવજાતિના સમય અને શ્રમનો બચાવ થવો જોઈએ, સૌની પાસે સંપત્તિનો સંચય થવો જોઈએ. પ્રજાકીય સરકારના સંચાલન સાથે રાષ્ટ્રની માલિકીનાં કારખાનાં હોવાં જોઈએ અને અત્યંત સુંદર અને આદર્શ પરિસ્થિતિમાં આવાં કારખાનાં ચાલતાં હોવાં જોઈએ. આ સંવાદમાં એમણે કહ્યું હતું : ‘મારો વાંધો યંત્રો સામે નહિ, પણ યંત્રોની ઘેલછા સામે છે.’ ‘એટલા માટે હું યંત્રોનો વિવેક કરું.’ ‘મારો ઉદ્દેશ યંત્રમાત્રનો વિનાશ કરવાનો નથી, પણ યંત્રોની મર્યાદા આંકવાનો છે.’ ‘લોભને સ્થાને પ્રેમને સ્થાપો. એટલે સૌ રૂડાં વાનાં થશે.’ યંત્રોમાં પ્રેમનું તેલ ઊંજીએ તો સૌ રૂડાં વાનાં થાય. ઔદ્યોગિક યુગમાં, ઔદ્યોગિક સંસ્કૃતિમાં મનુષ્યની બુદ્ધિમત્તાનો વિકાસ થયો છે. પણ જેટલો મનુષ્યની બુદ્ધિમત્તાનો વિકાસ થયો છે એટલો મનુષ્યની નીતિમત્તાનો વિકાસ થયો નથી. પ્રસિદ્ધ અંગ્રેજ ઇતિહાસકાર ટૉયન્બી એને ‘morality gap’  —  ‘નીતિમત્તાની ખાઈ’ કહે છે. ‘હિંદ સ્વરાજ’માં યંત્રોની, યંત્રવિજ્ઞાનની સખત ઝાટકણી નથી. પણ ગાંધીજી કહે છે, ‘આ પુસ્તકમાં ‘આધુનિક સુધારા’ની સખત ઝાટકણી છે.’ ‘હિંદ સ્વરાજ’માં અંતિમ પ્રકરણના અંતિમ ભાગમાં ગાંધીજીના જ એક વાક્યમાં, ગાંધીજીની ક્ષમાયાચના સાથે, સહેજ પાઠાન્તરથી કહી શકાય કે ‘હિંદ સ્વરાજ’માં જે કંઈ એમણે કહ્યું છે તે યંત્રના દ્વેષભાવે નહિ, પણ અંગ્રેજોના સુધારાના દ્વેષભાવે કહ્યું છે. ‘હિંદ સ્વરાજ’માં માત્ર ભારતના સ્વરાજનું જ નહિ પણ સમગ્ર મનુષ્યજાતિના, મનુષ્ય માત્રના સ્વરાજનું દર્શન છે. ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીનું આ દર્શન મંત્રવાણી રૂપે પ્રગટ થયું છે : ‘આપણી ઉપર આપણે રાજ્ય ભોગવીએ તે જ સ્વરાજ છે, અને એ સ્વરાજ આપણી હથેળીમાં છે.’ ‘પણ મુખ્ય વાત જણે જણે સ્વરાજ ભોગવવાની છે.’ ગાંધીજીનું આ સ્વરાજનું જે દર્શન છે એનો આત્મા, એનું સત્ય છે ‘સ્વ’. અને આ ‘સ્વ’ એટલે માત્ર દેહ અને ઇન્દ્રિયો જ નહિ. ‘સ્વ’ એટલે દેહ અને ઇન્દ્રિયો અને એથી યે વિશેષ તો ઈશ્વર, આત્મા, ધર્મ, નીતિ આદિ ‘મનુષ્ય’ શબ્દમાં જે પૂર્ણ અર્થ છે તે. ગાંધીજીએ એમનો આ પોતીકો અર્થ ‘હિંદ સ્વરાજ’ની એક આવૃત્તિમાં એના અંતિમ વાક્યમાં ‘સ્વ+રાજ’ એવા શબ્દપ્રયોગ દ્વારા પણ સૂચવ્યો હતો. સ્વરાજ એટલે મનુષ્યનું પોતાની પર પોતાનું રાજ. એથી જ ગાંધીજીના સ્વરાજમાં જ્યાં એક મનુષ્ય પર અન્ય મનુષ્યના રાજને સ્થાન નથી ત્યાં એક વર્ગ પર અન્ય વર્ગનું રાજ, એક જાતિ પર અન્ય જાતિનું રાજ, એક સમાજ પર અન્ય સમાજનું રાજ, એક રાષ્ટ્ર પર અન્ય રાષ્ટ્રનું રાજ વગેરે વગેરેને માટે એટલે કે અંગ્રેજોના સુધારાને માટે, આધુનિક સંસ્કૃતિને માટે તસુ જેટલું પણ સ્થાન ન જ હોય. આ છે ગાંધીજીનો સ્વરાજનો મંત્ર. ગાંધીજીનું સ્વરાજનું દર્શન છે : યંત્ર + મંત્ર = તંત્ર. ગાંધીજીનું સ્વરાજનું દર્શન સમતોલ અને સમ્યક દર્શન છે. ૧૯૦૯માં જ ‘હિંદ સ્વરાજ’ની પ્રસ્તાવનામાં ગાંધીજીએ કહ્યું હતું : ‘મારા વિચાર ખોટા નીવડે તો તેને પકડી રાખવાનો મારો આગ્રહ નથી.’ અને પછી હિંદી ‘હિંદ સ્વરાજ’ની પ્રસ્તાવનામાં અને ‘હિંદ સ્વરાજ’ વિશેના એક લેખમાં અને એક સંદેશામાં એમણે કહ્યું હતું : ‘બાર વર્ષના અનુભવ પછી પણ મારા વિચાર હતા તેવા ને તેવા જ રહ્યા છે.’ ‘મારી જે પ્રતીતિ એમાં પ્રગટ કરી છે તે આજે અગાઉ કરતાં વધારે દૃઢ થયેલી છે.’ ‘પણ એ પુસ્તક લખ્યા પછીનાં ત્રીસ વરસ મેં અનેક ઝંઝાવાતોમાં પસાર કર્યાં છે તેમાં મને એ પુસ્તકમાં દર્શાવેલા વિચારોમાં ફેરફાર કરવાનું કોઈ કારણ મળ્યું નથી.’ ૧૯૦૯માં ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’ લખ્યું પછી ૧૯૨૧માં ભારતમાં એમણે ‘હિંદ સ્વરાજ’ના કાર્યક્રમનો, સત્યાગ્રહનો પ્રથમ પ્રયોગ કર્યો. ત્યારે ભારતની પ્રજાના કોઈ કોઈ વિરોધી વર્ગમાં એને વિશે કેવળ અણસમજ અને ગેરસમજ હતી. ‘હિંદ સ્વરાજ’ વિશેના એક લેખમાં ગાંધીજીએ લખ્યું હતું : ‘અત્યારની હિલચાલને નિંદવા માટે આ પુસ્તકમાંથી ઘણા ઉતારા ટંકાતા મારા જોવામાં આવ્યા છે. મેં એવી મતલબનાં લખાણો પણ જોયાં છે કે હું ઊંડી બાજી ખેલી રહ્યો છું, અત્યારની ઊથલપાથલનો લાભ લઈને મારા ચિત્રવિચિત્ર ખ્યાલો હિંદને માથે લાદવા મથી રહ્યો છું. અને હિંદુસ્તાનને ભોગે ધાર્મિક અખતરાઓ કરી રહ્યો છું.’ ગાંધીજીના સત્યાગ્રહના આ પ્રથમ પ્રયોગમાં પણ ભારતની પ્રજાએ ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીનું સત્યાગ્રહનું જે દર્શન છે તે પ્રમાણે વર્તન કર્યું ન હતું. ‘હિંદ સ્વરાજ’ વિશેના એક લેખમાં ગાંધીજીએ લખ્યું હતું : ‘આ પુસ્તકમાં આલેખેલા કાર્યક્રમના એક જ અંશનો અત્યારે અમલ થઈ રહ્યો છે અને તે અહિંસાનો. પણ મને કબૂલ કરતાં ખેદ થાય છે કે એનો અમલ પણ આ પુસ્તકમાં વર્ણવી છે એવી ભાવનાપૂર્વક નથી થતો… હિંદુસ્તાન જો પ્રેમના સિદ્ધાંતને તેના ધર્મના એક સક્રિય અંશરૂપે સ્વીકારે અને તેને પોતાના રાજકારણમાં દાખલ કરે, તો હિંદુસ્તાનમાં સ્વરાજ સ્વર્ગમાંથી ઊતરી આવે. પણ મને સખેદ ભાન છે કે એ ઘટના હજુ ઘણી દૂર છે.’ ૧૯૪૭માં ભારતમાં સ્વરાજ તો આવ્યું. પણ એ સ્વર્ગમાંથી ન ઊતરી આવ્યું, એ નરકમાંથી ચડી આવ્યું. અને અહિંસા અને પ્રેમની એ ઘટના હજુ ઘણી દૂર છે. ભારતનું એ દુર્ભાગ્ય છે કે ૧૯૪૭માં સ્વરાજ આવ્યું. અંગ્રેજો ગયા પણ અંગ્રેજોનો સુધારો ન ગયો. હજુ ભારતમાં ગાંધીજીનું સ્વરાજ આવ્યું નથી. ઇંગ્લંડ-યુરોપ-અમેરિકાની, પશ્ચિમની મનુષ્યજાતિ ઔદ્યોગિક યુગને અંતે આજે હવે યંત્રવૈજ્ઞાનિક યુગના ઉંબર પર ઊભી છે. ભારતમાં ઔદ્યોગિક યુગનો હજુ હવે આરંભ થાય છે. ગાંધીજીનું સ્વરાજનું દર્શન યંત્રવૈજ્ઞાનિક યુગમાં પશ્ચિમની મનુષ્યજાતિ પ્રથમ સમજશે અને સ્વીકારશે. ભારતની પ્રજા એ ત્યાર પછી સમજશે અને સ્વીકારશે. ૧૯૦૯માં ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’ લખ્યું ત્યારે એમાં ગાંધીજીનું આધુનિક સંસ્કૃતિનું અને સ્વરાજનું જે દર્શન છે તેવું અલ્પસંખ્ય ભારતવાસીઓનું અને એથી વિશેષ રસ્કિન, ટૉલ્સ્ટૉય, થૉરો જેવા ઇંગ્લંડ-યુરોપ-અમેરિકાના પશ્ચિમવાસીઓનું દર્શન હતું. પણ પછી મનુષ્યજાતિને પ્રથમ વિશ્વયુદ્ધ; જર્મની, ઇટલી, સ્પેનમાં નાઝીવાદ, ફાસીવાદ; રશિયામાં સ્તાલિનવાદ, સામ્યવાદ; ચીનમાં માઓવાદ, સામ્યવાદ આદિનો કરુણ અનુભવ થયો છે. સમાજકારણમાં ધાડસી સંસ્કૃતિનું, અર્થકારણમાં નફાખોરીનું અને રાજકારણમાં સત્તાખોરીનું કદરૂપું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન થયું. એથી આધુનિક સંસ્કૃતિના પુરસ્કર્તાઓનું આધુનિક સંસ્કૃતિ દ્વારા મનુષ્યજાતિને પૂર્ણતા પ્રાપ્ત થશે એવું આદર્શવાદનું, આશાવાદનું, ભાવનાવાદનું દર્શન એ મિથ્યાદર્શન હતું અને ગાંધીજીનું આધુનિક સંસ્કૃતિ અને સ્વરાજનું દર્શન એ સત્યદર્શન છે એમ સિદ્ધ થયું છે. અને ઔદ્યોગિક યુગને અંતે આજે જ્યારે મનુષ્યજાતિ યંત્રવૈજ્ઞાનિક યુગના ઉંબર પર ઊભી છે અને ભવિષ્યમાં હવે યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિનું સર્જન થશે (ઇંગ્લંડ જેમ ઔદ્યોગિક સંસ્કૃતિની જન્મભૂમિ હતી તેમ અમેરિકા આ યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિની જન્મભૂમિ છે.) ત્યારે પશ્ચિમમાં માત્ર બહુસંખ્ય ચિંતકો, વિચારકો, ફિલસૂફોને જ નહિ પણ અસંખ્ય મનુષ્યોને, લગભગ પ્રત્યેક મનુષ્યને, ગાંધીજીનું આધુનિક સંસ્કૃતિ અને સ્વરાજનું દર્શન એ સત્યદર્શન છે એની પ્રતીતિ થશે. પશ્ચિમમાં આજે દિનપ્રતિદિન લગભગ પ્રત્યેક મનુષ્ય ચિંતા ને ચિંતન કરે છે : આ યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિનું શું થશે? આ યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિનું શું કરવાનું છે? ‘હિંદ સ્વરાજ’ નાનકડું પુસ્તક છે પણ એ ગાંધીજીના મહાકાવ્યસમા જીવનના મહાકાર્યનું બીજ છે. એ ગાંધીજીને અને ગાંધીજીના કાર્યને સમજવાનું સર્વશ્રેષ્ઠ સાધન છે. ‘હિંદ સ્વરાજ’ વિશેના એક લેખમાં ગાંધીજીએ કહ્યું હતું : ‘મારા આ નાનકડા પુસ્તક તરફ વિશાળ જનસંખ્યાનું ધ્યાન ખેંચાઈ રહ્યું છે એ ખરેખર મારું સદ્ભાગ્ય છે… એની કારકિર્દી વિવિધ છે.’ અહીં ઉમેરવું જોઈએ કે માત્ર ગાંધીજીનું જ નહિ એ ખરેખર સમગ્ર મનુષ્યજાતિનું સદ્ભાગ્ય છે. એની કારકિર્દી માત્ર વિવિધ જ નથી, ભવિષ્યમાં એની કારકિર્દી ભવ્ય હશે. ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીએ કહ્યું છે : ‘મારા વિચાર એકદમ સહુ કબૂલ કરે એવું હું ધારતો જ નથી. તમારા જેવા માણસો જે મારા વિચાર જાણવા માગે તેને માટે જણાવવા એ જ મારું કર્તવ્ય છે. પછી તે વિચારો તેવાને પસંદ પડે કે નહિ તે તો કાળે કરીને જ જણાશે.’ ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીનું દર્શન એ સાચે જ દિવ્યદર્શન છે.

૧૯૭૫


*