સ્વાધ્યાયલોક—૬/ઝવેરચંદ મેઘાણીની યાદમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઝવેરચંદ મેઘાણીની યાદમાં

યોજકોએ જે કાર્યક્રમના આજના પ્રમુખસ્થાને સ્થાપીને મને ઉપકૃત કર્યો છે તે આ કાર્યક્રમનું નામ, તમે સૌ જાણો છો તેમ, ‘લોકસાહિત્યની પરકમ્મા — સ્વર્ગસ્થ ઝવેરચંદ મેઘાણીની યાદમાં’ છે. અહીં આ ક્ષણે મને મારા મેઘાણી યાદ આવે છે. મારી નજર સામે એમને જોઉં છું, આબેહૂબ જોઉં છું. ત્રીસ-બત્રીસ વરસ પાછો જાઉં છું અને જોઉં છું : એ અમદાવાદના પ્રેમાભાઈ હૉલના રંગમંચ પર ઊભા છે. સફેદ કફની અને સુરવાલ, ઉપર કાળું જવાહર જાકીટ, માથે સફેદ સાફો — સંપૂર્ણ સોરઠી પહેરવેશ એમણે પહેર્યો છે. સમગ્ર સોરઠ દેશને એમના દેહ રૂપે જોઉં છું. એમના મેઘમદીલા કંઠે એક પછી એક અનેક ગીતો ગાય છે અને અંતે વહાલપનાં બે વેણ ઉચ્ચારે છે : ‘ગુજરાત તો મારા કલેજામાં છે.’ અને ત્યારે એમનો જમણો હાથ એમના હૃદય ભણી જતો જોઉં છું. આ પૂર્વે એમને ત્રણેક વાર મળ્યો હતો. સૌપ્રથમ જયન્તિ દલાલના ‘ગતિ-રેખા’ કાર્યાલયમાં અને પછી ‘ચિત્રકૂટ’માં અને લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજમાં. કૉલેજથી ઉમાશંકરના ઘર લગી એમની સાથે સાત ડગલાંનું સખ્ય પણ પામ્યો હતો. પણ એમની સાથે મારો અંગત કે આત્મીય કહી શકાય એવો સંબંધ ન હતો. જે કંઈ સંબંધ હતો તે પરોક્ષ સંબંધ હતો, એમનાં સ્વતંત્ર સર્જનો દ્વારા અને એમનાં અનન્ય સંપાદનો દ્વારા. શાળામાં હતો ત્યારે ૧૯૪૨ની આસપાસનાં વરસોમાં ક્રાન્તિના વાતાવરણમાં ‘યુગવંદના’ હાથમાં આવ્યું હતું. જોતજોતામાં તો લગભગ આખું પુસ્તક કંઠસ્થ થયું હતું. ‘વેણીનાં ફૂલ’ અને ‘કિલ્લોલ’નાં બાળકાવ્યો પર એક બાળકની જેમ મુગ્ધ હતો. ‘એકતારો’ની અસરમાં તો શાળાની પરીક્ષામાં ‘ગરીબાઈ’ પરનો નિબંધ રેખતામાં લખ્યો હતો. પણ પછી ત્યારથી તે આજ લગી મેઘાણીનાં કાવ્યો પ્રત્યે હૃદયમાં એક એવો પ્રતિભાવ છે કે એમાંના એકે કાવ્ય પર નજર સુધ્ધાં નાખી શક્યો નથી. પણ આ સ્થળે અને સમયે મેઘાણીનાં સ્વતંત્ર સર્જનો પરનું વિવેચન તદ્દન અપ્રસ્તુત છે. વીસ વરસની વયે, યૌવનના પ્રવેશદ્વાર પરથી મેઘાણીએ પોતાના જન્મદિને નહિ પણ સૌના નૂતનવર્ષને દિને એક કાવ્ય રચ્યું હતું. આ કાવ્ય અગ્રંથસ્થ છે. એમાં સૌ મનુષ્યો એમનાં પ્રિયજનો પ્રત્યે નૂતનવર્ષની શુભેચ્છા પ્રગટ કરે છે. પણ પોતાને જ્યાં હજુ સાહિત્યનો તો શું પણ કોઈ પણ પ્રકારનો સ્વધર્મ પ્રાપ્ત થયો નથી ત્યાં પોતાની પ્રત્યે કોણ શી શુભેચ્છા પ્રગટ કરે? — એવી વેદના છે. આ કાવ્ય બાલાશંકર અને મણિશંકરની પરંપરાના શિખરિણી છંદમાં છે. એનો અંત આમ છે : ‘ગયાં ચાલ્યાં રે શું મુજ જીવનનાં વીસ વરસો; 
પ્રભાતો કૈં આવાં ઝળહળ પ્રકાશી વહી ગયાં, 
છતાં મારાં નેત્રો કયમ નવ અરે, જાગ્રત થયાં?’ આ કાવ્યના સર્જનને કારણે જ મેઘાણીને સર્જક થવાનો સ્વધર્મ સૂઝ્યો હોત તો! આ પ્રથમ કાવ્યમાં જ જે સર્જકશક્તિ છે એ પરથી પ્રતીતિ થાય છે કે તો સર્જક મેઘાણી એ માત્ર શક્યતા જ ન હોત, આજે એક સિદ્ધિ હોત! મેઘાણીએ ત્યાર પછીનાં ત્રીસ વરસમાં નિબંધ-નવલિકા-નવલકથા-નાટક-કવિતા આદિ વિવિધ સ્વરૂપોમાં વિપુલ — ત્રીસેક જેટલાં — સ્વતંત્ર સર્જનો કર્યાં છે. પણ એ મુખ્યત્વે અનુસર્જનો છે. મેઘાણીને એમની સર્જકતા વિશે કોઈ ભ્રમ ન હતો. ‘હું કયો મોટો બ.ક.ઠા.?’ એમ જ્યારે એ પૂછે છે ત્યારે એમાં એમનો સૂક્ષ્મ કે સુગોપિત અહમ્ નહિ પણ એમનું નમ્ર અને નિખાલસ આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ પ્રગટ થાય છે. ત્યારે એમાં એમની પૂર્ણ અને પ્રામાણિક સભાનતા અને સજાગતાની પ્રતીતિ થાય છે. હમણાં જ જોઈશું તેમ, મેઘાણી સ્વતંત્ર સાહિત્યના સર્જક ન થયા પણ સ્વેચ્છાએ લોકસાહિત્યના સંગ્રાહક-સંશોધક, સંપાદક-પ્રકાશક થયા એ આપણા યુગના આ વિરલ મનુષ્યનું અતિવિરલ એવું આત્મસમર્પણ છે. એ જ વરસમાં મેઘાણી અંગ્રેજી અને સંસ્કૃત સાથે બી.એ. થયા હતા. ભાગ્યે જ એવો કોઈ મેઘાણીપ્રેમી હશે કે જેને આ વાતનું વિસ્મરણ ન થયું હોય. એમ.એ. થવાની ઇચ્છા હતી તે ઇચ્છા જ રહી. અને મોટા ભાઈના આગ્રહથી કલકત્તામાં જીવણલાલના ઍલ્યુમિનિયમના કારખાનામાં, જીવણલાલ કંપનીમાં મૅનેજર અને અંગત મંત્રી થયા. કારીગરોનો પ્રેમ અને જીવણલાલનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો. એકબે વરસમાં જ જીવણલાલની સાથે ઇંગ્લંડ ગયા. ઇંગ્લંડમાં જીવનભર વસવાનું શક્ય હતું. જીવણલાલનો એવો આગ્રહ પણ હતો. આદર અને આભાર સાથે એમણે એનો અસ્વીકાર કર્યો. અને ત્રણ જ માસમાં કલકત્તા પાછા આવ્યા. ૧૯૨૧ના સપ્ટેમ્બરની ૧૮મીની સંધ્યાની એ ક્ષણ, વિરહવ્યાકુલ વર્ષાઋતુની સંધ્યાની એ ક્ષણ, પચીસ વરસના યુવક મેઘાણીના જીવનની ભવ્યસુંદર ક્ષણ હતી, જ્યારે કલકત્તાથી એમણે સૌરાષ્ટ્રમાં એક મુરબ્બી મિત્રને પત્ર પાઠવ્યો હતો, જેને અંતે સહી હતી : ‘લિ. હું આવું છું.’ કોનું આમંત્રણ હતું તે આ યુવકે ‘લિ. હું આવું છું.’ એવી સહીથી સ્વીકાર કર્યો હતો? ભારતવર્ષના પશ્ચિમ સીમાપ્રાંત પરથી સૌરાષ્ટ્રની ભૂમિના અણુએ અણુનું આમંત્રણ હતું. અને ભારતવર્ષના પૂર્વ સીમાપ્રાંત પરથી એક મહાનગરમાંથી મેઘાણીએ એનો સ્વીકાર કર્યો હતો. આ ક્ષણે મેઘાણીએ, આજે આપણે જાણીએ છીએ તેમ, આયુષ્યનાં શેષ પચીસ વર્ષોનું સૌરાષ્ટ્રની ભૂમિને, એ ભૂમિની પ્રજાને, એ પ્રજાના સાહિત્યને નિ:શેષપણે સમર્પણ કર્યું. આ ક્ષણ સર્વસ્વના સંપૂર્ણ સમર્પણની ક્ષણ હતી, ભાગ્યવિધાતાના આહ્વાનની ક્ષણ હતી, જીવનદેવતાના મહાદાનની ક્ષણ હતી. સ્વધર્મની પ્રાપ્તિ અને પ્રતીતિની ક્ષણ હતી. એલિયટે જેને ‘awful dar-ing of a moment’s surrender’ — ક્ષણ માત્રમાં સમર્પણનું પ્રભાવક સાહસ કહ્યું છે તે સાહસની ક્ષણ હતી. ૧૯૨૨માં મેઘાણી સૌરાષ્ટ્રમાં સ્થિર થયા. અરધા દાયકાના દેશવટા પછી આ ‘પહાડનું બાળક’ હવે હંમેશને માટે પહાડોની વચ્ચે વસ્યું. સૌરાષ્ટ્ર એટલે મેઘાણીને માટે શૈશવનાં સુખદ સ્મરણોની સુવર્ણભૂમિ, દુહાસોરઠાની રસભૂમિ. હજી મેઘાણી દિશાશૂન્ય હતા. પણ પેલા પ્રસિદ્ધ પત્રમાં શ્રદ્ધાવચન હતું : ‘… જીવનની આ ગોધૂલિને સમયે, અંધકાર અને પ્રકાશની મારામારીને વખતે, મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું રસ્તો નહિ ભૂલું. એના સાદને હું ઓળખું છું. હું બંધુહીન નથી એમ કહેવા દેજો…’ એકથી વિશેષ વિકલ્પો હતા — ખેતી, વેપાર, રાજકારભાર, શિક્ષણ. પણ ચિત્તના અજ્ઞાત અને અગોચર ઊંડાણમાંથી કશુંક ઊગી રહ્યું હતું. એનો પ્રથમ અંકુર તે ચોરાનો પોકાર. રાણપુરથી ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકમાં આ લેખ પ્રગટ થયો અને અંતે ત્યારથી ‘સૌરાષ્ટ્ર’, ‘ફૂલછાબ’ અને વચમાં બે-ત્રણ વરસ મુંબઈમાં ‘જન્મભૂમિ’માં એમ લગભગ આયુષ્યના અંત લગી મેઘાણી પત્રકારત્વમાં, પત્રકારત્વના વેરાનમાં વસ્યા. પત્રકારત્વને નિમિત્તે નિબંધ-નવલિકા-નવલકથા આદિ કેટલુંક સ્વતંત્ર સર્જન કરવાનું પણ શક્ય થયું. એમાં પ્રજાજીવનના વ્યાપક પ્રશ્નોનું, સૌરાષ્ટ્રના વર્તમાનનું વિશ્લેષણ અને ભાવિનું સૂચન કર્યું. ‘કલમ-કિતાબ’ દ્વારા શિષ્ટ સાહિત્ય પ્રત્યે વિશાળ વાચકવર્ગમાં વ્યાપક રસ, પ્રેમ અને રુચિ પ્રગટાવવાનો પુરુષાર્થ કર્યો. ગુજરાતી ભાષાના પત્રકારત્વને મેઘાણીએ જેટલો આદર આપ્યો અને અપાવ્યો એટલો આદર ભાગ્યે જ અન્ય કોઈ પત્રકારે આપ્યો-અપાવ્યો હશે. આ ‘ધંધાર્થી લેખનકાર્ય’ મેઘાણીને મન ‘આશીર્વાદ’ રૂપ હતું. આજીવિકાસાધનના આશીર્વાદથી, પત્રકારત્વના પ્રતાપથી તો સ્વમાન અને સ્વાશ્રયથી જીવવાનું શક્ય થયું. મેઘાણીએ જીવનમાં કદી કોઈ દાતા કે ત્રાતા સન્મુખ દીનતા કે હીનતાનો અનુભવ કર્યો નથી. તો સાથે સાથે જ્યારે જ્યારે શક્ય હતું ત્યારે એ પત્રકારત્વમાંથી મુક્ત પણ થયા હતા. આમ, મેઘાણી પત્રકારત્વના વેરાનમાં વસ્યા પણ એની વચમાં જ સાહિત્યરસનું, લોકસાહિત્યના રસનું પાતાળઝરણું પણ પ્રગટ થયું. એમનું પ્રિય રૂપક યોજીએ તો આ વેરાનની વચમાં જ સાહિત્યદીવીના પ્રકાશમાં લોકસાહિત્યની પગદંડીને પંથે પ્રયાણ કર્યું. આ વેરાનની વચમાં જ લોકસાહિત્યનું ધરતીનું ધાવણ-પોષણ પ્રાપ્ત કર્યું. મેઘાણી આજીવન પરિવ્રાજક હતા. પત્રકારત્વ, સ્વતંત્ર સર્જન, શિષ્ટ સાહિત્ય એ તો પરિભ્રમણ, જ્યારે લોકસાહિત્ય તો પરકમ્મા! ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકમાં હતા ત્યારે શુક્ર-શનિ-રવિ એમ અઠવાડિયામાં ત્રણ રાત ને ત્રણ દિવસ કોઈ બગસરાનો વોરો તો કોઈ બરખલાની મેરાણી, કોઈ ખેડુ તો કોઈ ગોવાળ એમ અસંખ્ય નિરક્ષર અને નિર્દોષ ગ્રામવાસીઓ અને વનવાસીઓ પાસેથી, કોઈ જયાબહેન તો કોઈ હાથીભાઈ, કોઈ વાજસૂરવાળા તો કોઈ ગગુભાઈ એમ અનેક શિક્ષિત અને શિષ્ટ સન્નારીઓ અને સજ્જનો પાસેથી મેઘાણીએ જીવનભર ‘અજડવાણી’નો, લોકસાહિત્યનો ટાંચણપોથીનાં બે-ત્રણ હજાર પાનાંમાં વિવિધ અને વિપુલ સંગ્રહ કર્યો, એનું સંશોધન, સંપાદન અને પ્રકાશન કર્યું. એનું વિવેચન કર્યું, એને વિશે વારંવાર વ્યાખ્યાનો કર્યાં. આરંભમાં નરસિંહરાવ અને મુનશી જેવા સાક્ષરોનો લોકસાહિત્ય પ્રત્યે બિનસાહિત્યિક પૂર્વગ્રહ હતો તો સાથેસાથે રણજિતરામ અને બલવન્તરાય જેવા સહૃદયોનો સાહિત્યિક પક્ષપાત પણ હતો. આ પરંપરામાં મેઘાણીએ સૌરાષ્ટ્રના ગત ગૌરવને અને ભવ્ય ભૂતકાળને લિપિબદ્ધ કર્યો, સૌરાષ્ટ્રની રસિકતા, વીરતા, વત્સલતા અને આરતને, એની પ્રજાના જય-પરાજયને, હાસ્ય અને અશ્રુને, આશા અને નિરાશાને, એની સમગ્ર સંસ્કૃતિને ગુજરાતી ભાષામાં અમરત્વ અર્પણ કર્યું. તો સામે લોકસાહિત્યે મેઘાણીને પણ એવું જ અમરત્વ અર્પણ કર્યું છે. ગુજરાતી ભાષા અને સાહિત્યના ઇતિહાસમાં મેઘાણી એમના આ જીવનકાર્યને કારણે અમરતાના અધિકારી છે. મેઘાણીના આ જીવનકાર્યનો એમના જીવનકાળમાં જ ગુજરાતમાં શિક્ષણ અને સાહિત્યનાં સર્વોચ્ચ સ્થાનોથી સ્વીકાર અને સત્કાર થયો હતો. એનો આરંભ પ્રથમ રણજિતરામ સુવર્ણ ચન્દ્રકથી પછી મહિડા પારિતોષિક; મુંબઈમાં જ્ઞાનપ્રસારક સભા અને મુંબઈ યુનિવર્સિટીને ઉપક્રમે વ્યાખ્યાનો, વચમાં સુરતમાં વ્યાખ્યાનો; અંતે પરાકાષ્ઠા રૂપે રાજકોટમાં ગુજરાતી સાહિત્ય પરિષદમાં સાહિત્યવિભાગનું પ્રમુખપદ. ગુજરાતમાં માત્ર મેઘાણીને જ પ્રજાએ ‘રાષ્ટ્રીય શાયર’નું અનૌપચારિક પદ અર્પણ કર્યું હતું. ગુજરાતમાં કેટકેટલું લોકસાહિત્ય હજી કંઠસ્થ છે. એને લિપિબદ્ધ અને ગ્રંથસ્થ કોણ કરશે? રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્રાન્તિઓ જેની સંતતિરૂપ છે તે સૌની સર્જક જનેતા જેવી ઔદ્યોગિક-યંત્રવૈજ્ઞાનિક ક્રાન્તિના આ યુગમાં ભારતમાં હવે ગામડે ગામડે સડક અને વીજળી પહોંચી જશે. વિશ્વવ્યાપી વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારના આ યુગમાં, અકલ્પ્ય ગતિથી અસંખ્ય પરિવર્તનોના આ યુગમાં ભારતમાં જોતજોતામાં એકેએક ગામડું નિકટના કોઈ ને કોઈ નગરના ઉપનગર જેવું હશે. આ નૂતન પ્રક્રિયા પ્રત્યે ત્યાંની પ્રજાના હૃદયમાં કેવા પ્રત્યાઘાતો અને પ્રતિભાવો હશે? એમાંથી કેવું લોકસાહિત્ય પ્રગટ થશે? કલ્પના સુધ્ધાં કરવી શક્ય નથી. વળી હમણાં હમણાં સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, પ્રાચીન ઇતિહાસ અને ધર્મ, ભાષાશાસ્ત્ર એમ અનેક વિદ્યાઓ અને વિજ્ઞાનોનો વિકાસ અને વિસ્તાર થયો છે. એના સંદર્ભમાં એની સહાયથી સમગ્ર લોકવિદ્યાનું અને એના એક અંતર્ગત અંશરૂપ લોકસાહિત્યનું શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક, તટસ્થ અને સમતોલ વિવેચન કોણ કરશે? ‘ક્યાં છે મારા વારસો?’ આજે અને હંમેશાં ગુજરાતને મેઘાણીનું આ આહ્વાન છે. મેઘાણીના જીવન અને કાર્યનું, એની મહત્તા અને મહાનતાનું રહસ્ય શું હશે? પેલી વર્ષાઋતુની સંધ્યાની ક્ષણ? પણ એ તો ઈશ્વરનો અનુગ્રહ જ હતો. એ ક્ષણ પછીનું રહસ્ય શું હશે? પ્રેમ. લોકો પ્રત્યેનો પ્રેમ, લોકોના સાહિત્ય પ્રત્યેનો પ્રેમ. મેઘાણી પાસે લોકસાહિત્યના સંશોધન માટે કોઈ શાસ્ત્ર કે વિજ્ઞાન ન હતું, હતો કેવળ પ્રેમ. પ્રેમથી વિશેષ એવું કોઈ શાસ્ત્ર કે વિજ્ઞાન હશે? મેઘાણીએ પ્રગતિવાદ વિશેનાં એમનાં વિવેચનમાં નોંધ્યું છે તેમ આપણા યુગમાં અનેક સમાજોમાં ‘લોક’ અને ‘સાહિત્ય’ બન્ને શબ્દો ભ્રષ્ટ થયા છે. ‘લોક’ને જ નામે લોકનું અને ‘સાહિત્ય’ને જ નામે સાહિત્યનું શોષણ થયું છે. શોષણનો આ ચતુરમાં ચતુર પ્રકાર છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે મેઘાણીને જ નામે મેઘાણીનું પણ શોષણ થયું છે. હોઠે ‘લોક’ અને ‘સાહિત્ય’નું નામ અને હૈયે ધનની લોલુપતા, સત્તાની લાલસા, કીર્તિની લિપ્સા — જગતની રંગભૂમિ પર યુગે યુગે આવા અનેક નટો, અનેક નાયકો, લોકનાયકો લોક અને સાહિત્ય પ્રત્યેના પ્રેમનું મહોરું પહેરીને આવે છે અને જાય છે. પણ પ્રજા એમને પલકવારમાં પામી જાય છે. અને એમને ધન આપીને રીઝવે છે, સત્તા આપીને પટાવે છે, કીર્તિ આપીને ફોસલાવે છે, પણ પ્રેમ આપતી નથી. આવા નટોની, નાયકો-લોકનાયકોની આ કરુણતા છે. પ્રજા પ્રેમ તો કોઈ વિરલાને જ આપે છે. જે પ્રેમ આપે છે માત્ર તે જ પ્રેમ પામે છે. અંગ્રેજીમાં કહેવત છે : Love begets love. આપણે આટલું ઉમેરીએ : Only love begets love. અહીં આ ક્ષણે મેઘાણીનો સાદ સંભળાય છે : ‘ગુજરાત તો મારા કલેજામાં છે.’ અને જોઉં છું તો મેઘાણી ગુજરાતના કલેજામાં છે. સાથે અન્ય બે મહાઆત્માઓ છે. જમણી બાજુ પર ગાંધી અને ડાબી બાજુ પર ન્હાનાલાલ, વચમાં મેઘાણી છે. ગાંધીજી એટલે લોક, ન્હાનાલાલ એટલે સાહિત્ય, મેઘાણી એટલે લોકસાહિત્ય. આ ત્રણ મનુષ્યોએ ગુજરાતને જેટલો પ્રેમ આપ્યો છે એટલો અન્ય કોઈ મનુષ્યે આપ્યો નથી. એમણે એમના મૃત્યુમય કરુણતમ અંગત જીવનમાંથી જગતને પ્રેમનું અમૃત અર્પણ કર્યું છે. અને એથી જ ગુજરાતે ગાંધીજી, ન્હાનાલાલ અને મેઘાણીને જેટલો પ્રેમ આપ્યો છે એટલો અન્ય કોઈ મનુષ્યને આપ્યો નથી. અંતમાં આપણે સૌ આ પ્રસંગે મેઘાણીએ એમના જીવન અને કાર્યની પરાકાષ્ઠાની ક્ષણે ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યવિભાગના પ્રમુખપદેથી જે વ્યાખ્યાન આપ્યું હતું એમાંથી કેટલાંક વચનોનું સ્મરણ કરીએ : ‘મેળા સુખેથી ભરો. સંઘમિલનનો સંજીવનીસ્પર્શ સદાકાળ જરૂરી છે. સામાન્યોમાં સંઘદર્શનથી વિદ્યુત્સંચાર થાય છે. પણ પર્વો-ઉત્સવો આખરે તો દેવને કાજે છે. ઉત્સવના ધાંધલમાં રખે દેવતા પોતે જ ખોવાઈ જાય વાઙ્‌‌મયીની પર્વણીમાં પહેલી-છેલ્લી અને સર્વરમણા તો દેવીવાણી જ હોવી ઘટે. આ અને આવાં પર્વો જે કોઈ ઊજવો, તે સર્વને અરજ માત્ર એટલી, કે સંઘને રીઝવશો, દાતાઓને વિભૂષિત કરશો, અગ્રેસરોને અગ્રપદે પૂજશો, અભિનંદનો, આભારવચનો અને રંજન-કાર્યક્રમોનો ધમધમાટ મચાવશો, એની વચ્ચે, એક જ ખૂણે, એકાદ નાનકડો ખંડ એવો રાખજો કે જ્યાં ટોળું ન પ્રવેશે, ને પ્રવેશે તો અદબ રાખી ઊભું રહે, જ્યાં સો-પચાસ ગરવા ગુણવિદો જ બેસે, અને તેઓ પોતાની સમક્ષ રજૂ થતા શબ્દબ્રહ્મની ઉપાસનાના નમૂનાઓને નિહાળે, મૂલવે, આશાસ્પદ રચનારાની પીઠ થાબડે, ઉતાવળિયાને આશ્વાસે, ભ્રાન્તોને સભાન કરે, શરમાળોને એની ગુપ્ત રતિ બતાવી સતેજ કરે અને ઢોંગીઓના મિથ્યાવેશ ઉતરાવે.’ આ ખૂણાને, નાનકડા ખંડને, તથા આજના અને આવતી કાલના કાર્યક્રમના નવ ગરવા ગુણવિદોને અદબ અને આદર અર્પણ કરીને મારા જેવા આગંતુક પ્રમુખોએ વિનિતવેશે વિવેકપૂર્વક અને વંદનપૂર્વક આટલેથી પાછા વળવું જોઈએ. એટલે અહીં આભાર સાથે વિરમું છું.

(મુંબઈમાં ‘લોકસાહિત્યની પરિક્રમ્મા’ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે વ્યાખ્યાન. ૧૫ ઑગસ્ટ ૧૯૭૬.)

*