સ્વાધ્યાયલોક—૬/કુરબાનીની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કુરબાનીની કથા

‘આજ લખ્યા જ કરું. મારા જીવનની એક નાની સરખી લીટી સમજાવવા આજ ઉલટાવી-પલટાવીને લખ્યા જ કરું. પણ સ્પષ્ટ નહિ કરી શકું. હું જુદા દેશની વાણી બોલું છું. તમે એ ન પણ સમજી શકો. અંધારું થતું જાય છે. ગોધૂલિનો વખત થઈ ગયો. વગડામાંથી પશુઓ પાછાં આવે છે. એના કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે. મંદિરમાં ઝાલર વાગવા લાગી. હું પણ એકાદબે માસમાં પાછો આવું છું. ધરાઈને આવું છું. જીવનની આ ગોધૂલિને સમયે, અંધકાર ને પ્રકાશની મારામારીને વખતે, મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું રસ્તો નહિ ભૂલું. એના સાદને હું ઓળખું છું. હું બંધુહીન નથી એમ કહેવા દેજો. વધુ શું? — લિ. હું આવું છું.’ આ ૧૯૨૧ના સપ્ટેમ્બરની ૧૮મીનો, વિરહવ્યાકુલ વર્ષાઋતુની એક સંધ્યાની કોઈ ધન્યવિરલ અને ભવ્યસુન્દર ક્ષણનો, ભારતવર્ષના પૂર્વ સીમાપ્રાન્ત પરથી એક મહાનગરમાંથી મેઘાણીનો ભારતવર્ષના પશ્ચિમ સીમાપ્રાન્ત પર સૌરાષ્ટ્રમાં એક મુરબ્બીને સંબોધનરૂપ પેલો પ્રસિદ્ધ પત્ર જ માત્ર નથી; આ તો કુરબાનીની એકવીસમી કથાના નાયકની ઉક્તિ — બલકે સ્વગતોક્તિ છે. ‘હું જુદા દેશની વાણી બોલું છું.’ આ જુદા દેશની વાણી છે. કયા દેશની? ‘કુરબાનીની કથાઓ’ના દેશની, ‘કથા ઓ કાહિની’ના દેશની, રવીન્દ્રનાથના કાવ્યદેશની, રવીન્દ્રનાથના ભારતદેશની, પ્રાચીન-મધ્યકાલીન-અર્વાચીન-સર્વકાલીન ભારતદેશની વાણી છે. આ સ્વધર્મની, હૃદયના ધર્મની વાણી છે; ત્યાગ અને તપની વાણી છે. ૧૮૯૦થી ૧૯૦૦ એક દાયકો રવીન્દ્રનાથ બંગભૂમિના ગ્રામપ્રદેશોમાં વસ્યા હતા. અને એ પ્રદેશોની પ્રજા અને પ્રકૃતિ સાથે આત્મીયતાનો અનુભવ કર્યો હતો. ‘છિન્નપત્ર’ અને ‘ગલ્પગુચ્છ’ એના સાક્ષીરૂપ છે. જીવનદેવતા પાસેથી પદ્માનદીના પટ પર નૌકાનિવાસના એકાન્તમાંથી સુખદ સૌંદર્યનું, જીવનનું દર્શન કરવું — બસ એ જ માત્ર, એ જ એકમાત્ર વરદાનની ત્યારે આશા-અપેક્ષા હતી. પણ જીવનદેવતાએ રવીન્દ્રનાથ માટે કોઈ અન્ય ભાગ્યનિર્માણ કર્યું હતું. ૧૮૯૮માં રવીન્દ્રનાથ કલકત્તાના નગરગૃહમાં સીડિશન બિલની વિરુદ્ધ ‘કંઠરોધ’ વ્યાખ્યાન આપે છે. બીજે જ દિવસે બિલ પસાર થાય છે અને પછી ટિળક ગિરફતાર થાય છે. ત્યારે રવીન્દ્રનાથ અંગ્રેજ સરકારની નીતિરીતિનો વિરોધ કરે છે અને ટિળક માટે ફંડ ઉઘરાવવાનું કાર્ય કરે છે. ઢાકામાં બંગ પ્રાંતિક પરિષદમાં સક્રિય થાય છે. ત્યાં સભામાં આરંભે રવીન્દ્રનાથ રાષ્ટ્રગીત ગાય છે. ૧૮૯૯માં કલકત્તામાં પ્લેગનો દારુણ મહારોગ પ્રસરે છે ત્યારે ભગિની નિવેદિતાની સાથે રવીન્દ્રનાથ અસંખ્ય પીડિતો માટે રાહતકાર્ય કરે છે. ૧૯૦૦માં ‘કથા’નાં કથાકાવ્યો અને ‘કાહિની’નાં સંવાદકાવ્યો રચે છે. ૧૯૦૧માં એક દાયકાના સુખદ એકાન્તવાસનો ત્યાગ કરે છે, હંમેશને માટે શાન્તિનિકેતનમાં વસે છે અને આયુષ્યના અંત લગી ત્યાં તપ કરે છે. આમ, રવીન્દ્રનાથ એમના આયુષ્યના બરોબર મધ્યબિન્દુએ પ્રજાની આધ્યાત્મિક અને ભૌતિક વેદનામાં સહભાગી-સમભાગી થાય છે અને ભારતવર્ષના અર્વાચીન ઇતિહાસના આહ્વાનની આ ક્ષણે કવિતા અને કર્મ દ્વારા સ્વધર્મનું, હૃદયધર્મનું ત્યાગ અને તપથી પુણ્યોજ્જ્વલ એવું પાલન કરે છે. ‘કથા ઓ કાહિની’માં ભારતવર્ષના પ્રાચીન અને મધ્યકાલીન યુગના મહાભારત, જાતક આદિ પુરાકલ્પનો અને શીખ-રજપૂત-મરાઠા આદિ ઐતિહાસિક પાત્રોના જીવનમાંથી સ્વધર્મના પાલનની અને એ માટેના ત્યાગ, તપની જે કવિતા છે એનું રહસ્ય રવીન્દ્રનાથના અંગત જીવનના આ અનુભવમાં છે. તો ૧૯૨૧ના પૂર્વોક્ત પ્રસિદ્ધ પત્રમાં મેઘાણીના અંગત જીવનનો જે અનુભવ છે એનું રહસ્ય ‘કથા ઓ કાહિની’ની કવિતામાં છે. ૧૯૧૬માં વીસ વરસની વયે પોતાના જન્મદિને નહિ પણ નૂતનવર્ષને દિને મેઘાણીએ બાર પંક્તિનું શિખરિણી છંદમાં બાલાશંકર-મણિશંકરની પરંપરામાં એક કાવ્ય રચ્યું હતું. એ વેદનાનું કાવ્ય હતું. સૌ મનુષ્યો એમના પ્રિયજનો પ્રત્યે નૂતનવર્ષની શુભેચ્છા પ્રગટ કરે છે પણ પોતાને જ્યાં હજુ સાહિત્યનો તો શું પણ કોઈ પણ પ્રકારનો સ્વધર્મ પ્રાપ્ત થયો નથી ત્યાં પોતાની પ્રત્યે કોણ શું શુભેચ્છા પ્રગટ કરે? — એ વેદનાનું. એનો અંત આમ છે : ‘ગયાં ચાલ્યાં રે શું મુજ જીવનનાં વીસ વરસો; 
પ્રભાતો કૈં આવાં ઝળહળ પ્રકાશી વહી ગયાં, 
છતાં મારાં નેત્રો ક્યમ નવ અરે, જાગ્રત થયાં?’ ૧૯૧૭માં મેઘાણી અંગ્રેજી અને સંસ્કૃત સાથે બી.એ. થયા હતા. એમ.એ. થવાની ઇચ્છા હતી. પણ એ ઇચ્છા જ રહી. મોટા ભાઈની માંદગીને કારણે માત્ર પંદર દિવસ માટે કલકત્તા ગયા હતા. ત્યાં પોતાની અનિચ્છા છતાં મોટા ભાઈની આગ્રહપૂર્વકની ઇચ્છાથી જીવણલાલના ઍલ્યુમિનિયમના કારખાનામાં મૅનેજર અને જીવણલાલના અંગત મંત્રી થયા હતા. જોતજોતામાં કારીગરોનો, ‘પઘડીબાબુ’ના હુલામણા નામે બંગાળી કારીગરો સુધ્ધાંનો પ્રેમ અને જીવણલાલનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો. પાંચ વાગ્યે ઊઠે, ન્હાય, કોટપાટલૂન પહેરે, નદી લગી સાઇકલ પર અને પછી હોડીમાં નદીપાર કારખાનામાં જાય, ‘બાશા’માં જમે, ઑફિસમાં સૂવે, દુકાનોનાં પાટિયાં પરથી બંગાળી લિપિ અને વાતચીત પરથી બંગાળી ભાષા ભણે અને અંતે રવીન્દ્રનાથનાં કાવ્યો વાંચે, દ્વિજેન્દ્રનાથનાં નાટકો જુએ અને દર રવિવારે બ્રહ્મોસમાજમાં પ્રાર્થના અને પ્રવચનોનું શ્રવણ કરે. ૧૯૧૯માં એકબે વરસમાં જ મેઘાણી જીવણલાલની સાથે ઇંગ્લંડ ગયા હતા. ઇંગ્લંડમાં જીવનભર વસવાનું શક્ય હતું. જીવણલાલનો એવો આગ્રહ પણ હતો. આદર અને આભાર સાથે એમણે એનો અસ્વીકાર કર્યો હતો અને ત્રણ જ માસમાં કલકત્તા પાછા આવ્યા હતા. ૧૯૨૧માં પચીસ વરસના યુવક મેઘાણીએ કલકત્તાથી સૌરાષ્ટ્રમાં એક મુરબ્બીને પૂર્વોક્ત પ્રસિદ્ધ પત્ર પાઠવ્યો હતો. જેને અંતે ‘ઝવેરચંદ મેઘાણી’ એવી સહી ન હતી, પણ સહી હતી, ‘લિ. હું આવું છું.’ કોનું આમંત્રણ હતું, જેનો ‘લિ. હું આવું છું.’ એવી સહીથી આ યુવકે સ્વીકાર કર્યો હતો? સૌરાષ્ટ્રની ભૂમિનું, એ ભૂમિની પ્રજાનું, એ પ્રજાના સાહિત્યનું આમંત્રણ હતું. વિરહવ્યાકુલ વર્ષાઋતુની એક સંધ્યાની એ ક્ષણે આ સહીથી એમણે પોતાના સમસ્ત ભૂતકાળને ભૂંસ્યો હતો, પોતાના સમગ્ર વ્યક્તિત્વને લોપ્યું હતું, પોતાના નામ સુધ્ધાંનું સમર્પણ કર્યું હતું. આ ક્ષણ ધન, સત્તા અને કીર્તિના સ્થૂલ સમર્પણની જ નહિ, પણ સ્વતંત્ર મૌલિક સર્જનના સૂક્ષ્મ સમર્પણની પણ ક્ષણ હતી; સર્વસ્વના સમર્પણની ક્ષણ હતી. પૂર્વોક્ત કાવ્યના સર્જનને કારણે જ મેઘાણીને સર્જક થવાનો સ્વધર્મ સૂઝ્યો હોત તો! આ પ્રથમ કાવ્યમાં જ જે સર્જકશક્તિ છે એ પરથી પ્રતીતિ થાય છે કે તો સર્જક મેઘાણી એ માત્ર એક શક્યતા જ ન હોત, આજે એક સિદ્ધિ હોત! મેઘાણી સ્વતંત્ર મૌલિક સાહિત્યના સર્જક ન થયા પણ લોકસાહિત્યના સંગ્રાહક-સંશોધક-સંપાદક-પ્રકાશક-વિવેચક થયા એ આપણા યુગના આ વિરલ મનુષ્યનું અતિવિરલ એવું આત્મસમર્પણ છે. આ ક્ષણ સર્વસ્વના સંપૂર્ણ સમર્પણની ક્ષણ હતી. જીવનભરના ત્યાગ અને તપની ક્ષણ હતી. ભાગ્યવિદ્યાતાના આહ્વાનની ક્ષણ હતી. જીવનદેવતાના મહાદાનની ક્ષણ હતી. સ્વધર્મની પ્રાપ્તિ અને પ્રતીતિની ક્ષણ હતી. એલિયટે જેને ‘ક્ષણ માત્રમાં સમર્પણનું પ્રભાવક સાહસ’ કહ્યું છે તે સાહસની ક્ષણ હતી. ઈશ્વરના અનુગ્રહની ક્ષણ હતી. ૧૯૨૧ની આ ક્ષણ અને ૧૯૨૧નો ‘કથા ઓ કાહિની’નો અનુવાદ આ ‘કુરબાનીની કથાઓ’ — બન્ને વચ્ચે કાર્યકારણ સંબંધ છે, આ એક યોગાનુયોગ છે. ‘કથા ઓ કાહિની’ અને એનો અનુવાદ ‘કુરબાનીની કથાઓ’ આ ક્ષણની માત્ર સાક્ષીરૂપ જ નહિ, નિમિત્તરૂપ પણ નહિ પણ કારણરૂપ હોય. ‘કુરબાનીની કથાઓ’માં આ ક્ષણનું રહસ્ય છે એવી મારી અંત:સ્ફુરણા છે. મેઘાણીના આયુષ્યના બરોબર મધ્યબિન્દુની આ ક્ષણ પછીનું મેઘાણીનું સમગ્ર આયુષ્ય, પાછલી પચ્ચીસીનું, પા સદીનું ઉત્તરજીવન એ કુરબાનીની એકવીસમી કથા છે. એ એટલું તો સુપ્રસિદ્ધ છે અને તમને સૌને એટલું તો સુપરિચિત છે. એને આ ક્ષણે અહીં મારું મૌન અંજલિ રૂપે ધરું છું. મેઘાણીનું પ્રથમ સર્જન અને પ્રકાશન અનુવાદ હોય અને તે પણ રવીન્દ્રનાથનાં કાવ્યોનો અનુવાદ હોય અને એમાં પણ ‘કથા ઓ કાહિની’નાં કાવ્યોનો અનુવાદ હોય એનું આ સંદર્ભ પછી હવે કોઈ આશ્ચર્ય નથી. સારસ્વતજીવનના બ્રાહ્મમુહૂર્તે રવીન્દ્રનાથનાં ‘કથાઓ કાહિની’નાં કાવ્યોનો ગદ્યમાં અનુવાદ અને સાંધ્યમૂહુર્તે રવીન્દ્રનાથનાં ‘સંચયિતા’નાં કાવ્યોનો ૧૯૪૪માં ‘રવીન્દ્રવીણા’ પદ્યમાં અનુવાદ, વચમાં વચમાં પોતાની સર્જનજ્યોત ક્ષીણ, મ્લાન થાય તે તે ક્ષણે રવીન્દ્રનાથની કવિતાની જ્યોતથી એ પુનશ્ચ જ્વલંતોજ્જ્વલ થાય — રવીન્દ્રનાથની કવિતા સાથે મેઘાણીનો કોઈ નિગૂઢ અને નિભૃત સંબંધ હતો. રવીન્દ્રનાથ સાથે મેઘાણીનું મિલન માત્ર એક વાર, ૧૯૩૩માં, મુંબઈમાં. રવીન્દ્રનાથે મેઘાણીને સાંજે સાડા સાતથી માત્ર અરધો કલાકનો સમય આપ્યો હતો. પણ લોકસાહિત્યના આ બે અનન્ય પ્રેમીઓ ભારતના લોકસાહિત્યમાંથી જગતના લોકસાહિત્યની વાતે વળ્યા અને એમાં ખાસ્સા બે કલાક થયા. વચમાં સરોજિનીદેવીને પછીનો આઠનો સમય આપ્યો હતો તે પ્રમાણે એ આવ્યાં અને મેઘાણીને પક્ષે રાજીનામું આપીને ચાલ્યાં ગયાં. રવીન્દ્રનાથે મેઘાણીને શાન્તિનિકેતન આવવાનું મૌખિક આમંત્રણ આપ્યું. પછીથી નંદબાબુ દ્વારા ઔપચારિક લેખિત આમંત્રણ આપ્યું. પછી ૧૯૪૧માં મેઘાણી શાન્તિનિકેતન ગયા. ત્યાં લાંબું રહ્યા. સૌની સાથે લોકસાહિત્યનો રસ લૂંટ્યો-લૂંટાવ્યો. રવીન્દ્રનાથ ત્યારે અસ્વસ્થ હતા. નંદબાબુ અને મલ્લિકજીએ રવીન્દ્રનાથને મળવાનો મેઘાણીને આગ્રહ કર્યો. મેઘાણીએ કહ્યું, ‘ના, ભાઈ, મારે એમની શક્તિ નથી બગાડવી… મળો ત્યારે કહેજો કે મેઘાણી એનું વચન પૂરું કરી ગયો છે.’ બન્ને મિત્રોએ છતાં આગ્રહ કર્યો. મેઘાણીએ કહ્યું, ‘બહુ આગ્રહ હોય તો ચાલો, એમની ‘શ્યામલી’નાં પગથિયાં સુધી આંટો મારી આવીએ.’ મેઘાણી આમ, રવીન્દ્રનાથના નિવાસ ‘શ્યામલી’નાં પગથિયાં લગી ગયા અંતે ત્યાંથી જ વિદાય થયા. ‘કુરબાનીની કથાઓ’માં ‘કથા’માંથી અઢાર કથાકાવ્યોનો અને ‘કાહિની’માંથી બે સંવાદકાવ્યોનો ગદ્યમાં અનુવાદ છે. મેઘાણી પ્રસ્તાવનામાં નોંધે છે, ‘શબ્દેશબ્દ અનુવાદ નથી. જરૂર લાગી ત્યાં ત્યાં સ્વતંત્ર રંગપુરણી કરવાની હિંમત કરી છે… છૂટી શૈલીએ ઉતાર્યાં છે.’ ‘રવીન્દ્રવીણા’ની પ્રસ્તાવનામાં મેઘાણી નોંધે છે કે રવીન્દ્રનાથનાં કાવ્યોના પોતાના સૌ અનુવાદો એ અનુવાદો નથી, સ્વતંત્ર મૌલિક સર્જનો છે. આ વાદવિવાદમાં રવીન્દ્રનાથનાં આ કાવ્યો અનુવાદો નથી એવું વિધાન થાય તો એથી રવીન્દ્રનાથને અન્યાય થાય અને આ કાવ્યો મેઘાણીનાં સ્વતંત્ર મૌલિક સર્જનો નથી એવું વિધાન થાય તો એથી મેઘાણીને અન્યાય થાય. આ કાવ્યો મેઘાણીનાં અનુસર્જનો છે. આ કાવ્યોમાં ઊર્મિ-કથા-નાટ્યનો ત્રિવેણીસંગમ છે. એની કવિતા આબાલવૃદ્ધ સૌને આનંદદાયક છે. ‘કથા ઓ કાહિની’નાં રવીન્દ્રનાથનાં અસલ બંગાળી કાવ્યો અને ‘કુરબાનીની કથાઓ’નાં મેઘાણીનાં અનુસર્જનરૂપ ગુજરાતી કાવ્યોના તુલનાત્મક અભ્યાસ દ્વારા વિદ્વત્તા અને વિવેચનાની પ્રતિષ્ઠા કરવાનો આ પ્રસંગ નથી. એથી વિશેષ એવી મહત્ત્વાકાંક્ષાનો આ પ્રસંગ છે. મેઘાણી ‘કુરબાનીની કથાઓ’ની વિવિધ આવૃત્તિઓની પ્રસ્તાવનાઓમાં નોંધે છે, ‘વીસ કથાઓનું આ ઝૂમખું આપણા સાહિત્યમાં સારો આદર પામ્યું છે. અનુવાદોના પૂરમાં ઘસડાઈ નથી ગયું એ મારા સુખની વાત છે… આ મારું પહેલું પુસ્તક હતું એટલું જ કહેવું બસ નથી. આ પુસ્તકે જ મારા માટે ગુજરાતી વાચકજગતમાં અજવાળું કરી આપ્યું એ ગુણ હું કેમ ભૂલી શકું!… પુસ્તકોની સંખ્યાની દૃષ્ટિએ તેમ જ બાવીસ વર્ષોના સમયપટને હિસાબે ઠીક વિપુલ કહી શકાય તેવી મારી સારી ય લેખન-કારકિર્દીનું જેનાથી મંગલાચરણ થયું તે આ પુસ્તક છે. લેખનને વ્યવસાય અથવા ‘કરીઅર’ લેખે અપનાવ્યા પૂર્વે ઘૂંટેલ આ મારા પ્રથમાક્ષરો છે એ દૃષ્ટિએ કોઈ પણ શારદાભક્તના જીવનનું આ એક મંગલ સીમાચિહ્ન ગણાય… જે જીવનનું પ્રથમ પ્રભાત કવિવર રવીન્દ્રનાથની આવી પ્રસાદી ગુજરાતના આંગણામાં ચિરકાળને માટે રોપવાથી પડ્યું હોય એ જીવન નિ:શંક નાનકડા આશ્વાસનનું અધિકારી ઠરે છે.’ આજે અહીં આ ક્ષણે આપણે નોંધીએ, ‘ના, નાનકડા નહિ, નિ:શંક મહાન આશ્વાસનનું અધિકારી ઠરે છે.’ મેઘાણી આયુષ્યની અધવચ્ચે હજી જ્યારે દિશાશૂન્ય હતા ત્યારે પણ પેલા પ્રસિદ્ધ પત્રમાં આરંભથી જ શ્રદ્ધાવચન હતું, ‘જીવનની આ ગોધૂલિને સમયે, અંધકાર અને પ્રકાશની મારામારીને વખતે, મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું રસ્તો નહિ ભૂલું. એના સાદને હું ઓળખું છું. હું બંધુહીન નથી એમ કહેવા દેજો.’ ૧૯૪૭ના માર્ચની ૯મીની વહેલી રાતે બોટાદમાં આયુષ્યની અંતિમ ક્ષણે, આજે અહીં આ ક્ષણે અને હવે પછી ક્ષણેક્ષણ ચિરકાલ એમના આત્માનું કૃતજ્ઞતાપૂર્વક અને કૃતાર્થતાપૂર્વકનું મહાન આશ્વાસન છે. જુદા દેશની વાણીનો એ અવાજ, મારા ગોવાળનો એ અવાજ, ‘મારા કાનમાં સંભળાતો અવાજ દુનિર્વાર હતો. અને એ અવાજે મને જરા પણ છેતર્યો નથી, તેની આજે હું વર્ષોથી પલેપલ પ્રતીતિ કરું છું.’ ‘કુરબાનીની કથાઓ’માં એ અવાજના પ્રતિધ્વનિ છે. આજે પણ આપણે એનું મધુર સ્મરણ અને સુખદ શ્રવણ કરીએ છીએ. મેઘાણીના જીવનકાળમાં ૧૯૨૨થી ૧૯૪૪ લગીમાં ‘કુરબાનીની કથાઓ’ની કુલ સાત આવૃત્તિઓ અને કુલ પચીસ હજારથી પણ વધુ નકલો પ્રસિદ્ધ હતી. એમના અવસાન પછી સાતમી આવૃત્તિનું આ નવમું પુનર્મુદ્રણ પ્રસિદ્ધ થાય છે. લોકમિલાપ ટ્રસ્ટ મેઘાણીની એંશીમી જન્મજયંતી પ્રસંગે એંશી પાનાંની — અને એથી વીસ કાવ્યોને સ્થાને બે સંવાદકાવ્યો સિવાયનાં અઢાર કાવ્યોની — આ નવમી આવૃત્તિની એંશી હજાર નકલો પ્રસિદ્ધ કરે છે. એમાંથી પ્રથમ નકલનું પ્રકાશન કરું છું. અને એના અનુસંધાનમાં બાલ-કિશોર સાહિત્યનાં ગુજરાતી અને અંગ્રેજી પુસ્તકોનું ગુજરાતનાં ભિન્ન ભિન્ન નગરોમાં પ્રદર્શન ભરે છે, એમાંથી પ્રથમ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરું છું. અને ત્યારે સાથે સાથે મેઘાણીની ચિરસ્મરણીય અક્ષરમૂર્તિને હૃદયથી વંદન કરું છું.

(અમદાવાદમાં ‘લોકમિલાપ ટ્રસ્ટ’ના ઉપક્રમે ઝવેરચંદ મેઘાણીની ૮૦મી જન્મજયન્તી પ્રસંગે પ્રમુખ તરીકે વ્યાખ્યાન. ૧૭ ઑગસ્ટ ૧૯૭૭.)

*