સ્વાધ્યાયલોક—૬/બુદ્ધિપૂત ઊર્મિની કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બુદ્ધિપૂત ઊર્મિની કવિતા

૧૯૩૦થી ૧૯૮૩ લગીના સમયનાં આ કાવ્યો છે. આ સમયમાં થોડાંક થોડાંક વરસોના અંતરે આ કાવ્યોનું એકાધિક કાવ્યસંગ્રહો રૂપે પ્રકાશન શક્ય હતું. પણ અકળ કારણસર એમ થયું નહિ. રામપ્રસાદ (જન્મ ૧૦-૬-૧૯૦૮) છેક કિશોરવયથી કાવ્યો રચતા રહ્યા છે. એમણે ૧૯૩૨ લગીમાં તો ‘બે સંગ્રહ રદ કર્યા હતા’ એમ એ સમયના સાક્ષીરૂપ કવિમિત્ર ઉમાશંકરે નોંધ્યું છે. જોકે ૧૯૩૦થી એમણે જે કાવ્યો રચ્યાં હતાં એમાંથી ૧૯૪૩માં પસંદગીનાં સાઠ સૉનેટનો એક સંગ્રહ ‘બિન્દુ’ પ્રગટ થયો હતો. એ જ સમયે એમણે અન્ય સૉનેટ સમેત છંદોબદ્ધ કાવ્યો અને ગીતોનો એક સંગ્રહ પણ પ્રગટ કરવાનું વિચાર્યું હતું અને મુદ્રણ માટેની પ્રત પણ તૈયાર કરી હતી. હમણાં જ કહ્યું તેમ, અકળ કારણસર એ સંગ્રહ કે ત્યારપછી અન્ય કોઈ સંગ્રહ પણ પ્રગટ થયો નહિ. જોકે આરંભથી જ અવારનવાર ‘પ્રસ્થાન’, ‘કુમાર’ અને પછીથી ‘સંસ્કૃતિ’, ‘કૃતિ’ આદિ સામયિકોમાં એમનાં કાવ્યોનું પ્રકાશન થતું રહ્યું હતું. પછી ૧૯૮૩ લગીમાં તો અન્ય અનેક કાવ્યો રચાયાં. એમાંથી કેટલાંક રદ કર્યાં, અન્ય કેટલાંક હંમેશને માટે ખોવાઈ ગયાં. પણ સદ્ભાગ્યે આજે હવે ૧૯૯૧માં ‘બિન્દુ’નાં સૉનેટ સમેત એ બધાં જ કાવ્યો અહીં એકસાથે એક જ સંગ્રહમાં પ્રગટ થાય છે. ૧૯૩૦ના અંતભાગમાં અમદાવાદમાં ‘કુમાર’ કાર્યાલયમાં બચુભાઈ રાવત દ્વારા રામપ્રસાદ અને સુન્દરમ્‌નો, ૧૯૩૧ના મધ્યભાગમાં અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં કાકા કાલેલકર દ્વારા સુન્દરમ્ અને ઉમાશંકરનો અને પછી થોડાક જ દિવસોમાં અમદાવાદમાં રામપ્રસાદના નિવાસસ્થાનમાં સુન્દરમ્ દ્વારા ઉમાશંકર અને રામપ્રસાદનો પ્રથમ પ્રત્યક્ષ પરિચય થયો હતો. એ દિવસોથી તે ૧૯૮૮માં ઉમાશંકરનું અવસાન થયું અને ૧૯૯૧માં સુન્દરમ્‌નું અવસાન થયું ત્યાં લગી આ કવિત્રિપુટીની લગભગ છ દાયકાની મૈત્રી — કાવ્યગોષ્ઠિ, પરસ્પરનાં કાવ્યોનું વાચન-વિવેચન, સહપ્રવાસ, પત્રવ્યવહાર, કૌટુંબિક સંબંધ દ્વારા ઉત્તરોત્તર વધુ ને વધુ ગતિશીલ અને વિકાસશીલ એવી મૈત્રી — એ ૨૦મી સદીની ગુજરાતી કવિતાના ઇતિહાસની એક વિરલ ઘટના છે. ૧૯૩૩માં આ મૈત્રીના આરંભે જ ઉમાશંકરે એમના ‘ત્રિઉર’ કાવ્યમાં આ મૈત્રીનો મહિમા કર્યો છે. ચારેક વરસ પૂર્વે અમદાવાદમાં ઉમાશંકરના નિવાસસ્થાનમાં એક દિવસ બપોરના ત્રણેક વાગ્યાથી રાતના નવેક વાગ્યા લગી છએક કલાક આ કવિત્રિપુટીનું અંતિમ મિલન થયું હતું. ત્યારે સુન્દરમ્‌ના પ્રસ્તાવ અને ઉમાશંકરના અનુમોદન સાથે એ નિર્ણય થયો હતો કે રામપ્રસાદનાં બધાં જ કાવ્યોનો એક સંગ્રહ થવો જોઈએ. (ત્યારે ૧૯૮૧માં ઉમાશંકર ‘સમગ્ર કવિતા’ પ્રગટ કરી ચૂક્યા હતા અને ૧૯૭૮થી સુન્દરમ્ ઉમાશંકરના અનુમોદન સાથે ‘કુલ કવિતા’ અથવા ‘સમગ્ર સુન્દરમ્’ પ્રગટ કરવા માટે ‘યાત્રા’ પૂર્વેનાં અને પછીનાં અગ્રંથસ્થ કાવ્યોનું વર્ગીકરણ, નામકરણ આદિની તૈયારી કરી રહ્યા હતા.) એના પરિણામે આજે આ સંગ્રહ પ્રગટ થાય છે. કરુણ વક્રતા એ છે કે આ પ્રસંગે એ બન્ને કવિમિત્રો આ જગતમાં નથી. કવિના એકાધિક કાવ્યસંગ્રહોનું સમયે સમયે પ્રકાશન થાય અને પછી એ સૌ કાવ્યસંગ્રહોનું એક સંગ્રહ રૂપે, એમનાં બધાં જ કાવ્યોનું એકસાથે એક જ સંગ્રહમાં પ્રકાશન થાય એવી જગતની સૌ ભાષાઓની કવિતામાં પરંપરા છે, અર્વાચીન ગુજરાતી કવિતામાં પણ એવી પરંપરા છે. દલપતરામે અને નર્મદાશંકરે એમના જીવનકાળમાં એમના એકાધિક કાવ્યસંગ્રહો એક સંગ્રહ રૂપે એટલે કે એમનાં બધાં જ કાવ્યોના સંગ્રહ ‘દલપતકાવ્ય’ અને ‘નર્મકવિતા’નું પ્રકાશન કર્યું હતું. બાલાશંકર, મણિલાલ, કાન્ત અને કલાપીનાં બધાં જ કાવ્યોના સમૂહ ‘કલાન્ત કવિ’, ‘આત્મનિમજ્જન’, ‘પૂર્વાલાપ’ અને ‘કેકારવ’નું મરણોત્તર પ્રકાશન થયું હતું. નરસિંહરાવ અને ન્હાનાલાલના સંગ્રહનું મરણોત્તર પ્રકાશન પણ હજુ લગી થયું નથી. ૧૯૫૧માં બલવન્તરાયે એમના જીવનકાળમાં ‘ભણકાર (૧૯૫૧)’નું પ્રકાશન કર્યું હતું. પછી છેલ્લા બે દાયકામાં કેટલાક કવિઓના જીવનકાળમાં એમના સંગ્રહ ‘છંદોલય’, ‘સમગ્ર કવિતા’, ‘સંકલિત કવિતા’, ‘સકલ કવિતા’નું પ્રકાશન થયું છે. સુન્દરમ્ અને પ્રિયકાન્તના સંગ્રહનું મરણોત્તર પ્રકાશન નિકટના ભવિષ્યમાં થશે. આજે હવે રામપ્રસાદના જીવનકાળમાં એમનાં બધાં જ કાવ્યોના સંગ્રહ ‘સમય નજરાયો’નું પ્રકાશન થાય છે. એક કવિનાં બધાં જ કાવ્યો એકસાથે જ સંગ્રહમાં સુલભ થાય એ કવિતારસિકો, વિવેચકો, સાહિત્યના ઇતિહાસકારો, અભ્યાસીઓ, સંશોધકો અને વિદ્વાનો માટે એક મોટી સુવિધા છે. ‘સમય નજરાયો’નું સુસ્વાગતમ્ કરવાનો અહીં ઉપક્રમ છે. રામપ્રસાદે જીવનભર માર્ક્સવાદ, દ્વંદ્વાત્મક ભૌતિકવાદ, શાંકરભાષ્ય, ખંડનખંડખાદ્ય, ધર્મ, વિજ્ઞાન તથા સામાજિક ન્યાયલક્ષી અર્થકારણ, રાજકારણ, સમાજકારણ અને અધ્યાત્મકારણનો અભ્યાસ કર્યો છે. એ એમની કવિતાના સંદર્ભમાં અત્યંત સૂચક છે. એમની સમગ્ર કવિતાનું હાર્દ એક જ શબ્દમાં પ્રગટ કરવું હોય તો તે શબ્દ છે : દ્વંદ્વાત્મકતા. આ સંગ્રહના શીર્ષક કાવ્ય ‘સમય નજરાયો સમયથી’માં જ આ દ્વંદ્વાત્મકતાની સાદ્યંત અભિવ્યક્તિ છે. મનુષ્ય દ્વિદલ છે અને વિશ્વમાં અનેક દ્વંદ્વો છે. એથી જગતમાં અને જીવનમાં દ્વૈત છે. દ્વિધા છે. જો દ્વંદ્વો છે તો એની દ્વારા જ ઐક્ય પણ છે, જો વાદવિવાદ ને વિરોધ છે તો એની દ્વારા જ સંવાદ અને સમન્વય પણ છે. જો વિનાશ છે તો એની દ્વારા જ વિકાસ પણ છે. આ નિયતિક્રમ છે. અને ભૂતકાળ તથા વર્તમાનનો આ અનુભવ પણ છે. ૧૯૩૦ની આસપાસના સમયમાં પરાધીનતા, ૧૯૩૯-૧૯૪૫માં દ્વિતીય વિશ્વયુદ્ધ, ૧૯૪૫ પછી વિશ્વમાં શીતયુદ્ધ અને ૧૯૪૭ પછીના સમયમાં સ્વાતંત્ર્યોત્તર ભારતમાં અનેક કરુણ ઘટનાઓ એટલે કે સ્વાતંત્ર્ય, સમત્વ અને બંધુત્વનો અભાવ — એમાં કવિની આ સૂઝસમજનો સંદર્ભ છે. આ સંદર્ભમાં કવિની આ સૂઝસમજ ન હોય તો જ નવાઈ! આ નિયતિક્રમમાં, આ સમુત્ક્રાંતિમાં ભવિષ્યમાં ઉત્તરોત્તર વધુ ને વધુ ઐક્ય અને વિકાસ સિદ્ધ થશે. આ અનસ્ત ધ્રુવ છે, આ સમસ્ત જગધ્યેય છે. સમગ્ર વિશ્વમાં અને સમસ્ત મનુષ્યજાતિનું આ મહાનાટક સુખાન્ત છે, શુભાન્ત છે. ‘બિન્દુ’નાં કેટલાંક સૉનેટમાં અને સવિશેષ તો દ્વિતીય વિશ્વયુદ્ધ વિશેના કાવ્યગુચ્છમાં તથા એના શીર્ષક ‘વિનાશ અને વિકાસ’માં પણ આ સૂઝસમજ પ્રગટ થાય છે. એનાં કેટલાંક ઉદાહરણો જોઈએ : ‘દશા મનુજચિત્તની અજબ શી વિરોધે ભરી?’ 
‘લાખો કેરી શહીદી ઉપર જગતની સંસ્કૃતિ ભવ્ય સોહે.’ 
‘સો ભૂલોનાં શબ ઉપર છે સંસ્કૃતિ શુભ્ર છાઈ.’ 
‘વિરોધ વસમા લહ્યા, અનુભવો જગે આકરા – ’ 
‘વસે સકળ દ્વંદ્વમાં, સુભગ રૂપ તું જો કદા, 
ભયાનક વિષે રહ્યો ભભકી ભવ્ય રૂપે સદા.’ 
‘અનાગત વિષે સરંત શુભ સન્ધિ આ આયુની.’ 
‘અનાદિ અઘમર્ષણોની સરણી સરે દ્વંદ્વમાં, 
… 
સનાતન સુદૃષ્ટિ આ નિયતિ પિંડબ્રહ્માંડમાં, 
… 
વિરોધ વધુ ઘોર તેમ બળ ઉચ્ચ કેરાં બઢે.’ 
‘વિનાશ મહીંથી વિકાસ તણી સ્ફૂર્તિ ફાલીફળી, 
પ્રણાશપથ પે વળે, નિયતિચક્ર ચાલ્યા કરે.’ 
‘વિલોપ થકી છે વિશેષતર વિશ્વની તાજગી, 
પ્રફુલ્લતર મૃત્યુથી પમરતી રહે જિંદગી.’ 
‘વિલોપપલટા વિષે પ્રકૃતિચેતના સંચરે, 
… નવીનતર સર્જનો વિતરતી પ્રણાલી વડી, 
અખંડિત વિકાસના પથ પરે રહે પાંગરી.’ 
‘વિષાદોના વહ્મિ મહીંથી વિલસી સૃષ્ટિ નવલી, 
… 
મહાદ્વંદ્વો વચ્ચે વિકટ તરતી વિશ્વતરણી, 
વિરોધાભાસોમાં સતત સરતી સત્યસરણી.’ 
‘એની કૂચે વ્યથા ને વિપદ વરસતાં છો સમુત્થાન કેરી, 
ચાવી સાચી સુનેરી મનુજ હૃદયના ઐક્યની એ જ કેડી.’ 
‘…વિકસતી જતી જિંદગી, 
વિશેષતર ઊર્ધ્વ તેમ ક્રમ આ ઘટે.’ 
‘સંઘર્ષોમાં ટકીને જનગણમનનાં ઐક્ય અર્પે વિમુક્ત, 
ઉત્ક્રાંતિ ઊર્ધ્વ કેરાં વિપુલ વિકસતા વૈભવો શીલયુક્ત.’ 
‘ઉત્કર્ષો નવ્ય સાધી, અધિક દિનદિને સંસ્કૃતિ ભવ્ય પોષે, 
સિદ્ધિ કેરાં સુહાગી અમિત ઝરણ છે વિશ્વના કોષકોષે.’ 
‘અનન્ત દિશ વિસ્તરે અકળ ધ્યેય ઉત્ક્રાંતિનું.’ 
‘પ્રદીપ્ત તુજ પૌરુષે વિકસી વિશ્વ કેરું કુલ, 
સમુલ્લસિત, મુક્ત ઊર્ધ્વમનનાં ઊડે ચંડૂલ.’ 
‘વિનાશ મહીંથી વિકાસ વિતરંત જીવનકલા.’ આ સૂઝસમજ એ રામપ્રસાદની કવિતાની વિશેષતા છે. અહીં નોંધવું જોઈએ કે સાઠ વરસના વૃદ્ધ બલવન્તરાયે દ્વિતીય વિશ્વયુદ્ધ વિશે ૨૬ વિગ્રહકાવ્યો રચ્યાં છે એ અપવાદ સાથે ત્રીસ-પાંત્રીસ વરસના યુવાન રામપ્રસાદે દ્વિતીય વિશ્વયુદ્ધ વિશે ‘વિનાશ અને વિકાસ’ કાવ્યગુચ્છમાં જેવાં અને જેટલાં કાવ્યો રચ્યાં છે એવાં અને એટલાં કાવ્યો ભાગ્યે જ અન્ય કોઈ ગુજરાતી કવિએ રચ્યાં હશે. ‘સ્મૃતિ’ અને ‘સંસ્કૃતિ’નાં પ્રેમકાવ્યોમાં પણ વિરહ અને વિષાદ છે. પણ સાથે સાથે એમાં ‘સોહં’, ‘શિવોહં’નો ધ્વનિ પણ છે. ઉમાશંકરે ‘ત્રિઉર’માં આરંભે જ નોંધ્યું હતું : ‘ને તું પ્રસાદ અણમૂલ પ્રભુત્વ કેરો,/આચ્છાદતો શિવઋચાથી વિષાદ છાયા.’ રામપ્રસાદની કવિતા એટલે વિષાદછાયાને આચ્છાદતી શિવઋચા. રામપ્રસાદની કવિતા એ બુદ્ધિપૂત ઊર્મિની કવિતા છે. આ દ્વંદ્વાત્મકતાની કવિતાને સૌથી વધુ અનુકૂળ સ્વરૂપ એ સૉનેટ છે. રામપ્રસાદે પૂર્ણ ઔચિત્યપૂર્વક સૉનેટ અને તે પણ શિસ્તબદ્ધ, પ્રાસબદ્ધ, શ્લોકબદ્ધ સૉનેટનું સ્વરૂપ પસંદ કર્યું છે. રામપ્રસાદના સૉનેટની શૈલી બલવન્તરાયના શબ્દોમાં ‘ઘટ્ટ વણાટી શૈલી’ છે. ૧૯૫૧ના ઑક્ટોબરમાં આ લખનારને મુંબઈમાં બલવન્તરાયની લાઇબ્રેરી વ્યવસ્થિત કરવાનું થયું હતું. ત્યારે બલવન્તરાયની ‘બિન્દુ’ની અંગત નકલમાં ‘હું જેને ઘટ્ટ વણાટી શૈલી કહું છું તે આ.’ એવી બલવન્તરાયની નોંધ વાંચ્યાનું સ્મરણ છે. એમના વસ્તુવિષયને અનુરૂપ એવી આ શૈલી છે. રામપ્રસાદ ગુજરાતી ભાષાના એક અગ્રણી સૉનેટકાર છે. એમનું અધઝાઝેરું કવિત્વ સૉનેટમાં પ્રગટ થયું છે. કહો કે એમનું હૃદય સૉનેટમાં નીતર્યું છે. ગુજરાતી સૉનેટના કોઈ પણ સંચયમાં રામપ્રસાદનાં કેટલાંક સૉનેટને પ્રથમ પંક્તિમાં સ્થાન હશે. ૧૯૩૩થી ૧૯૪૨ એકાદ દાયકા લગી રામપ્રસાદ સાબરકાંઠામાં ઈડર સંસ્થાના શિક્ષણવિભાગમાં શિક્ષક-નિરીક્ષક હતા. આ સમયમાં એમણે ગુજરાતના આ સૌંદર્યપ્રદેશનો અંગત અને આત્મીય અનુભવ કર્યો હતો. ઈડર, હિંમતનગર, વીરેશ્વર, સારણેશ્વર, હરણાવ નદી, રાણી તળાવ — આ પ્રદેશની પ્રકૃતિ, ડુંગરો, નદીઓ, ઝરણો, વનો, વૃક્ષો, વનસ્પતિ, પશુ, પંખી, જીવજંતુ આદિના સૌંદર્યનો આનંદ જ નહિ પણ આ પ્રદેશનાં શૈવ-વૈષ્ણવ-જૈન મંદિરો તથા પુરાતત્ત્વના અવશેષોના ઇતિહાસનો રસ પણ જાણ્યો-માણ્યો હતો. એથી રામપ્રસાદની પ્રકૃતિકવિતા એક રખડુ કવિની કવિતા છે. એમાં પ્રકૃતિ અને સંસ્કૃતિનો સંગમ થયો છે : ‘ભલે પ્રકૃતિ એકલી ઉર પ્રશાંત ભાવે ભરે, 
મળ્યે મનુજ સંસ્કૃતિ અધિક ચેતના ત્યાં સ્ફુરે.’ અને દુનિયાના વાતાવરણમાં માર્ક્સવાદ વ્યાપી ગયો હતો તેનો પ્રબળ પ્રભાવ હોય એ અનિવાર્ય હતું. ત્યારે જગતભરના યુવાન કવિઓ ગાંધીવાદ અને માર્ક્સવાદ બન્નેથી અલિપ્ત હોય એ અશક્ય હતું. ૧૭૮૯ની ફ્રેન્ચ ક્રાંતિમાં અને એની મંત્રત્રયી — સ્વાતંત્ર્ય, સમત્વ, બંધુત્વ – માં એની પ્રેરણા હતી. રશિયાની ક્રાંતિ અને માર્ક્સવાદ તથા ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ અને ગાંધીવાદ જાણે કે ફ્રેન્ચ ક્રાંતિના અનુસંધાનરૂપ છે. આ સંદર્ભમાં ૧૯૩૦ની આસપાસ ગુજરાતમાં જે યુવાન કવિઓએ કવિતા રચવાનો આરંભ કર્યો એ સૌમાં પૂર્વોક્ત કવિત્રિપુટી અગ્રસ્થાને હતી, ત્યારે એ સૌમાં નોખી જણાતી હતી, આજે પણ એવી જ નોખી જણાય છે, એવી એ અનોખી હતી અને આજે પણ એવી જ અનોખી છે; એવું એ ત્રણમાં કંઈક સામ્ય હતું. આ કવિત્રિપુટીના કવિજીવનના આરંભે જ ઉમાશંકરે ‘ત્રિઉર’માં એ વિશે ઉલ્લેખ કર્યો છે : ‘દેખો પણે ઘૂઘવી ગર્જત લોકસિંધુ…/ કૂદી છલંગ ભરી, વીજળીવેગ ધારી, / આ સાંકડા — ઝટ ચલો! — તજીએ કિનારા/ને સિંધુમોજ મહીં ખોજી અનંત યારી / ચાલો ડુબાડી દઈએ નિજ ભાવ ન્યારા. / ત્યાં આપણું ત્રણપણું સહજે ભૂંસાશે; / વિશ્વસ્પન્દે શ્વસીશું ત્રિઉર તદપિ એકોર્મિ કેરા ત્રિભંગે.’ ‘બિન્દુ’નાં કેટલાંક કાવ્યોમાં અને સવિશેષ તો ઉમાશંકરે ‘ત્રિઉર’ રચ્યું તે પૂર્વે ૧૯૩૦-૩૧માં શીર્ષક કાવ્ય ‘બિન્દુ’માં આ એકોર્મિની અભિવ્યક્તિ છે. આ એકોર્મિ તે પૂર્વોક્ત પ્રભાવ. એમાં ‘કારુણ્ય ને કરુણનો કરવો સુમેળ,’ એ એક સ્થાયી ભાવ છે. દલિતો-પીડિતો-શોષિતો-પતિતો પ્રત્યેની અનુકંપા એ એમની કવિતાનું પ્રેરકબળ છે. ત્રણેમાં આ સામ્ય હતું છતાં આરંભથી જ આ ત્રણે કવિઓમાં સ્વતંત્ર રુચિ હતી એનો પણ ઉમાશંકરે ‘ત્રિઉર’માં આરંભે જ ઉલ્લેખ કર્યો છે : ‘આયુષ્યની વિષમ એકલ કેડીઓના/ખેડ્યા સ્વતંત્ર રુચિના અણખૂટ પંથ.’ લય અને વિષયના સંદર્ભમાં ૧૯૩૦-૪૦ના દાયકાથી જ આ ત્રણે કવિઓની પોતપોતાની આગવી દિશામાં ગતિવિધિ છે. આરંભમાં લયના સંદર્ભમાં સુન્દરમ્‌નું બલવન્તરાય સાથે, ઉમાશંકરનું ન્હાનાલાલ સાથે અને રામપ્રસાદનું ક્લાન્ત-કલાપી-કાન્ત સાથે સામ્ય હતું અને વિષયના સંદર્ભમાં પછીથી ઉમાશંકરની ગાંધીવાદની દિશામાં, રામપ્રસાદની માર્ક્સવાદની દિશામાં અને સુન્દરમ્‌ની એ બન્ને દિશાથી ભિન્ન એવી તૃતીય દિશામાં, શ્રી અરવિંદના યોગની દિશામાં ગતિવિધિ હતી. પણ પછી તરત જ આ ત્રણે કવિઓએ પોતપોતાનો આગવો લય અને વિષય સિદ્ધ કર્યો છે. અને ત્યારે પણ આ ત્રણે કવિઓમાં સમસ્ત વિશ્વની અને સમગ્ર મનુષ્યજાતિની ભાવિ સમુત્ક્રાંતિમાં અંતિમ શ્રદ્ધા છે. એથી જ એમની ભવિષ્યોન્મુખ કવિતામાં અંતિમ ઉદ્ગાર એ આશા અને આનંદનો ઉદ્ગાર છે. આ સંગ્રહમાં કાવ્યવસ્તુને આધારે નહિ પણ કાવ્યસ્વરૂપને આધારે કાવ્યોનું વર્ગીકરણ કર્યું છે અને છંદોબદ્ધ કાવ્યો અને પછી ગીતો આદિ એવો ક્રમ યોજ્યો છે : સૉનેટ, સ્તોત્ર, ગીત, ભજન, ગરબી, રાસ, ગઝલ, મુક્તક, દુહો. આમ, આ સંગ્રહમાં ગુજરાતી ભાષામાં ઊર્મિકવિતાનાં લગભગ સૌ લોકપ્રિય સ્વરૂપો છે. એથી આ કાવ્યો દીર્ઘ કાવ્યો રૂપે રજૂ થયાં છે તે પણ લઘુમધ્યમ કદનાં કાવ્યો છે. આ સ્વરૂપવૈવિધ્ય એ આ સંગ્રહની વિશેષતા છે એટલું જ નહિ પણ પ્રત્યેક સ્વરૂપમાં ઠીક ઠીક સંખ્યામાં કાવ્યો છે. હમણાં જ કહ્યું તેમ, ૧૯૪૩માં સાઠ સૉનેટનો એક સંગ્રહ ‘બિન્દુ’ પ્રગટ થયો હતો. ત્યારે સાથે સાથે અન્ય સૉનેટ સમેત છંદોબદ્ધ કાવ્યો અને ગીતોનો એક સંગ્રહ પણ પ્રગટ કરવાનું વિચાર્યું હતું. પણ એ સંગ્રહ પ્રગટ થયો નહિ. જોકે પછી સામયિકોમાં કેટલાંક સૉનેટેતર કાવ્યો અવારનવાર પ્રગટ થયાં હતાં છતાં રામપ્રસાદ તો માત્ર સૉનેટ જ રચે છે એવી એમને વિશે કવિતારસિકોમાં માન્યતા હતી. આ સંગ્રહથી હવે આટલે વરસે એ માન્યતા દૂર થશે. જોકે આ સંગ્રહથી રામપ્રસાદ માત્ર સૉનેટકાર નથી પણ મુખ્યત્વે તો સૉનેટકાર જ છે અને ગુજરાતી સૉનેટકારોમાં અગ્રણી સૉનેટકાર છે એવી એમને વિશે રસિકજનોને પ્રતીતિ પણ થશે. રામપ્રસાદનું વતન સૌરાષ્ટ્રમાં વઢવાણ શહેર છે. સૌરાષ્ટ્ર એટલે ભાવસઘન અને લયબદ્ધ લોકગીતોની ભૂમિ. એમણે શૈશવકાળમાં આ લોકગીતોનો અનુભવ કર્યો હતો. એનાં સ્મરણો અને સંસ્કારોને આધારે એમણે મૌલિક ધ્રુવપંક્તિઓ, અંતરા, પદાવલિ, મિજાજ, લયલહેકા, લઢણો, કલ્પનો, વાતાવરણ આદિ સિદ્ધ કર્યું છે. આ મૌલિકતા એ પણ આ સંગ્રહની વિશેષતા છે. આ સંગ્રહમાં પાને પાને — વિશેષ તો છંદોબદ્ધ કાવ્યોમાં અને એમાંય સવિશેષ શિખરિણી છંદનાં કાવ્યોમાં કવિના લોહીનો લય છે. આ લયમાં લાલી છે, કેફ છે. ૧૯૪૩માં ‘બિન્દુ’ પ્રગટ થયો ત્યારે આ લખનારને આ કેફનો અનુભવ થયો હતો. આ કેફની અસરમાં કેટલાંક કાવ્યો રચવાનું પણ અનિવાર્ય થયું હતું. પછીના વરસમાં જ ૧૯૪૪માં બાલશંકરનો સંગ્રહ ‘ક્લાન્ત કવિ’ પ્રગટ થયો હતો. ત્યારે પણ એવો જ અનુભવ થયો હતો. ગુજરાતી કવિતામાં વિપ્રલંભ શૃંગાર અને શિખરિણી છંદના બે કવિઓ છે : બાલાશંકર અને રામપ્રસાદ. રામપ્રસાદ બાલાશંકરના સુયોગ્ય વારસ છે. ૧૯૯૧ના ગદ્યકાવ્યના સમયમાં આ સંગ્રહ પ્રગટ થાય છે. તે છતાં — બલકે તેથી જ — આજે આ લયનું સવિશેષ મૂલ્ય અને મહત્ત્વ છે. અંતે સો વાતની એક વાત કે કવિતામાં સૌથી વિશેષ કંઈ વિશ્વસનીય હોય તો તે લય. રામપ્રસાદને કવિતાનું આ રહસ્ય આરંભથી જ પ્રાપ્ત થયું છે : ‘કવિતાને વાદ કે જેહાદ કરતાં ઘણો વધારે સંબંધ નાદ સાથે છે’ (પ્રાક્કથન.) ‘સમય નજરાયો’માં જે લય છે એનાથી સમય નજરાયો છે. એથી રામપ્રસાદની કવિતા ગુજરાતના કવિતારસિકોનું સદાય રસસંતર્પણ કરશે એવી શ્રદ્ધા સાથે ‘સમય નજરાયો’ને સુસ્વાગતમ્!

(રામપ્રસાદ શુકલના કાવ્યસંગ્રહ ‘સમય નજરાયો’નું પુરોવચન. ૧૯૯૦.)

*