સ્વાધ્યાયલોક—૬/પતીલની કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પતીલની કવિતા

૧૯૪૦ પૂર્વે પતીલે કોઈ અનામી રહસ્યમયી મૂર્તિને આહ્વાન કર્યું હતું : ‘લે ઓળખી હવે તું મર્ઝને પતીલના 
કે ના રહે જવાનું કદી ઇસ્પિતાલ પર!’ અને એમની સર્વશ્રેષ્ઠ અને સુપ્રસિદ્ધ કરુણસુન્દર હંસગાન સમી, સ્વમૃત્યુલેખ સમી ગઝલને અંતે આત્મસંબોધન કર્યું હતું : ‘અટક્યો જીવ આવી ગળે પણ ‘બંધ, જબાન’ કહી. 
અફસોસ, પતીલ! લવે કવિતા કવિતા ન રહી!’ પણ પતીલને ૧૯૭૦ના માર્ચમાં વડોદરામાં સયાજીરાવ હૉસ્પિટલમાં જવાનું થયું અને જ્યારે ૧૮મીએ જીવ ગળે આવી અટક્યો ત્યારે જબાન બંધ રહી અને લબ પર કવિતા કવિતા ન રહી. મૃત્યુશય્યા પર જીવનની અંતિમ ક્ષણોમાં પણ આ કવિના હૃદયમાં કવિતા હતી. એમણે એમના પુત્રને કહ્યું, ‘વસંત, લખી લે તો…’ પણ એમની વાણી અસ્પષ્ટ હતી. એમની એ અંતિમ કવિતા સદાયની અણલખી રહી. આપણે હવે પડઘો જ પાડવાનો રહ્યો, ‘અફસોસ! પતીલ…’ પતીલ ત્રીશીના કવિ છે. ‘નર્મદાને’ એમનું પ્રથમ પ્રસિદ્ધ કાવ્ય. પ્રસિદ્ધ થયું ‘પ્રસ્થાન’માં ૧૯૩૧માં. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રભાતનર્મદા’ પ્રસિદ્ધ થયો ૧૯૪૦માં. એમની કવિતા મણિલાલ-બાલાશંકર-કલાપીની પરંપરાની કવિતા છે. રેવામાતા દ્વારા એમના સહોદર બલવન્તરાયની સહાયથી હવે પછી કંઈક વિગતે જોઈશું તેમ, ‘એ બાલાશંકર વગેરેથી ઘણા વધારે સાહસિક પ્રયોગો કરે છે તેથી અને એમની કવિતામાં ‘પોતાના જમાનાના વાતાવરણની અસરો કરતાં જાતની ખાસિયતો જ વધારે ઊપસેલી છે’ તેથી પતીલ પૂર્વકાલીનો અને સમકાલીનોથી ભિન્ન એવા વિશિષ્ટ કવિ છે. પતીલનો અભ્યાસ મેટ્રિક લગીનો. એમનું ઔપચારિક શિક્ષણ એમની પેઢીના અન્ય અનેક કવિઓના શિક્ષણની સરખામણીમાં અલ્પ. પણ સૌ કવિઓનું, કવિમાત્રનું શિક્ષણ અંતે તો અનૌપચારિક એવું સ્વશિક્ષણ જ હોય છે. પતીલનું સ્વશિક્ષણ અનલ્પ હતું. શાળામાં હતા ત્યારે તે સમયના ચોથા ધોરણથી સાતમા ધોરણ લગી ચાર વર્ષનો એમનો બીજી ભાષા તરીકે સંસ્કૃતનો અભ્યાસ. સંસ્કૃતના વર્ગમાં સૌ વિદ્યાર્થીઓમાં એ પ્રથમ સ્થાને. સંસ્કૃતના શિક્ષક એમને કવિ અથવા Poet તરીકે ઓળખે-ઓળખાવે. આ સંસ્કૃતના શિક્ષકની જ પ્રેરણાથી એમનો ફારસીનો સ્વપ્રયત્ને અભ્યાસ. આમ, વિદ્યાર્થીઅવસ્થામાં હતા ત્યારથી જ એમનો ભાષાપ્રેમ અનન્ય, એમનું ભાષાજ્ઞાન અસાધારણ. એમના અભ્યાસની ભાષાઓ સંસ્કૃત અને ફારસી, પણ ત્યારે સંસ્કૃત અને ફારસીની સરખામણીમાં ‘અંગ્રેજી ભાષા વધારે સરળ લાગવાથી અંગ્રેજી ભાષામાં કવિતા લખવાની મને ત્યારની સારી સરખી ફાવટ આવી ગયેલી’ તેથી એમની કવિતાની ભાષા અંગ્રેજી. મરણોત્તર કાવ્યસંગ્રહમાં અંતે અંગ્રેજીમાં એમની જે પાંચ કાવ્યકૃતિઓ છે એ પરથી એમની આ ફાવટનો ક્યાસ કાઢી શકાય. વળી અંગ્રેજીમાં એમની એક અન્ય કાવ્યકૃતિનો અનુવાદ ‘સૌંદર્ય જયગાન’ પણ ‘પ્રભાતનર્મદા’માં છે. કોઈ પણ બિન-અંગ્રેજીભાષી માટે અંગ્રેજીમાં મૌલિક કાવ્યસર્જન અશક્ય નહિ તો અતિશય અઘરું તો છે જ. એટલે અંગ્રેજીમાં પતીલનું જે કાવ્યસર્જન છે તે, અલબત્ત, અપ્રસ્તુત છે. પણ અંગ્રેજીમાં અંગ્રેજ કવિઓનાં કેટલાંક કાવ્યોની પતીલનાં ગુજરાતીમાં કેટલાંક કાવ્યો પર, ક્યાંક અંતરંગ પર તો ક્યાંક બહિરંગ પર, જે અસર છે એ એટલી અપ્રસ્તુત નથી. શાળાના સમય પછી પણ પતીલે આ અસર સતત અનુભવી છે. કુપરની ગ્રામ અને નગર વિશેની પ્રસિદ્ધ પંક્તિ, વર્ડ્ઝવર્થનું પ્રસિદ્ધ કાવ્ય ‘લ્યુસી ગ્રે’ અને કીટ્સનાં પ્રસિદ્ધ મહાન સ્તોત્રો ‘ઇન્ડોલન્સ’, ‘મેલન્કલી’ અને ‘નાઇન્ટીન્ગેઇલ’ — આટલાંની અનુકૃતિઓ ‘પ્રભાતનર્મદા’માં છે. આ પ્રકારની અસર તો અનેક પૂર્વકાલીનો અને સમકાલીનોની કવિતામાં પણ છે. પણ એ સૌની કવિતામાં નથી એ પ્રકારની એક વિરલ અને વિશિષ્ટ અસર પતીલની કવિતામાં છે. ચૉસરની ચૉસેરીઅન સ્ટાન્ઝા, સ્પૅન્સરની સ્પૅન્સેરીઅન સ્ટાન્ઝા, શેલીની સ્કાયલાર્ક સ્ટાન્ઝા, કીટ્સનાં ઑડ્ઝની સ્ટાન્ઝાઝ અને ટેનીસનની ઇન મૅમોરીઅમ સ્ટાન્ઝા અંગ્રેજી કવિતાનાં આ કેટલાંક શ્લોકસ્વરૂપો (સ્ટાન્ઝેઇક ફૉર્મ્સ)માં પતીલે એમનાં કેટલાંક કાવ્યોનું સર્જન કર્યું છે. ચૉસેરીઅન સ્ટાન્ઝામાં ૧૯૨૮ની એક લાંબી સળંગ કૃતિ ‘સ્મરણાવશેષ’નો મોટો ભાગ અને સ્પૅન્સેરીઅન સ્ટાન્ઝામાં લગભગ એ જ સમયની ચાઇલ્ડ હૅરલ્ડના કદની પાંચ સર્ગની એક વર્ણનાત્મક સળંગ કથાકૃતિ ‘દુખિયારા દિલુખનો કરુણ કિસ્સો’ અપ્રસિદ્ધ છે. છ પંક્તિની બૅલડ સ્ટાન્ઝામાં એક નાની કથાકૃતિ ‘હેધાજીની તાંસળી’ અપ્રસિદ્ધ છે. પતીલે ‘પ્રભાતનર્મદા’માં સાત અને મરણોત્તર કાવ્યસંગ્રહમાં બે એમ કુલ નવ સૉનેટ રચ્યાં છે. આ સૌ સૉનેટ ઇટાલિયન એટલે કે પેટ્રાર્કન સૉનેટસ્વરૂપમાં છે. પતીલે પોતે જ કહ્યું છે, ‘સૉનેટ મૂળ ઇટાલિયન પ્રકાર છે. ખુદ અંગ્રેજી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિઓ પણ એને છાજતો લિબાસ ક્વચિત્ જ આપી શક્યા છે. ગુજરાતીમાં છંદોનાં અનિવાર્ય બંધનોને લીધે એવી રચનાઓ વિશેષ દુર્ઘટ છે.’ અને એથી પતીલની આ અનન્ય પેટ્રાર્કનસૉનેટભક્તિ નોંધપાત્ર છે. વળી એમણે સાચું જ કહ્યું છે, ‘સૉનેટ માટે અત્યાર સુધીમાં ગુજરાતના જાણીતા સાક્ષરો દ્વારા ઘણું કહેવાઈ ચૂક્યું છે. છતાં એના બહિરંગ ઉપર ધ્યાન આપનારની સંખ્યા પા ડઝનથી ઉપર નથી.’ પતીલ આ પા ડઝનમાંના એક છે એ ધ્યાનપાત્ર છે. એમનો સૉનેટસંગ્રહ ‘ધ્વનિત લહરી’ અપ્રસિદ્ધ છે. જગતભરમાં જેનો જોટો નથી એવા અંગ્રેજી બ્લૅન્ક વર્સની અસરમાં શેક્સ્પિયરની શૈલીમાં પતીલે ૧૯૨૪માં એક પંચાંકી કરુણાન્તિકા રચી હતી તે અપ્રસિદ્ધ છે. બલવન્તરાયે પતીલને પ્રયોગખોર કહ્યા છે,(બલવન્તરાય-ન્હાનાલાલ-પતીલ) — એ ક્રમમાં પતીલને કૌંસમાં પોતાની અને ન્હાનાલાલની સાથે મૂકીને પ્રયોગખોર કહ્યા છે એ અત્યંત સૂચક છે. બલવન્તરાયે પોતાને, ન્હાનાલાલને અને પતીલને પ્રયોગખોર કહ્યા છે એમનામાં ‘પોતાના ઝમાનાના વાતાવરણની અસરો કરતાં જાતની ખાસિયતો જ વધારે ઊપસેલી’ છે એ કારણે. અને પછી ઉમેર્યું છે, ‘આવા પ્રયોગખોરો અને સર્જકો ઓછા પાકે છે.’ આમ, પતીલ એક વિરલ પ્રયોગખોર સર્જક છે. અન્યત્ર બલવન્તરાયે પતીલ વિશે કહ્યું છે, ‘પતીલ એકાકી અને આપમેળે થયેલા કવિ છે.’ અને પછી ઉમેર્યું છે, ‘એકલ ઉછેરમાં તરંગિતા, વિચિત્રતા, મનસ્વિતા આદિ વિશેષ આવે. શ્રી પતીલ સંસ્કૃત-ફારસી પ્રણાલિકાના અવનવા મિશ્રણના પ્રયોગ પર પ્રયોગ કરે છે.’ અને અન્યત્ર કહ્યું છે, ‘શ્રી પતીલ બાલાશંકર વગેરેથી ઘણા વધારે સાહસિક પ્રયોગો કરે છે.’ આમ, બલવન્તરાયે પતીલની પ્રયોગખોરીની પ્રેરણા અને એના પ્રકાર તથા પ્રમાણ વિશે એમની માર્મિક અને મિતાક્ષરી શૈલીમાં સૂચક વિવેચન કર્યું છે. ૧૯૪૦માં પતીલનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રભાત નર્મદા’ પ્રસિદ્ધ થયો ત્યારે બલવંતરાયે ‘શ્રી ‘પતીલ’ ઇકલેસરીને’ કાવ્યમાં એનું સ્વાગત કર્યું અને ‘ફારસી છંદાખતરે મગન તું’, ‘જવાન તું તેજસ્વી વેગીલો તરલ પારદશો’, ‘ક્ષિતિજવિહારી દૃગ તુજ’, અને ‘મયગલ છંદિલ ગિરિચર જંગલના’ એમ પતીલના કવિવ્યક્તિત્વનું અભિવાદન કર્યું અને અંતે કવિનામ પર શ્લેષ દ્વારા આશિર્વચન ઉચ્ચાર્યું, ‘લ્હેરી’ આશિષ દઉં છું, અણનમ ને મગ્ન કવિ ર્‌હેજે!’ પતીલ એક વિરલ પ્રયોગખોર સર્જક છે તે, આગળ કંઈક વિગતે જોયું તેમ, અંગ્રેજ કવિઓનાં કેટલાંક કાવ્યોની એમનાં કેટલાંક કાવ્યો પર — ક્યાંક અંતરંગ પર તો ક્યાંક બહિરંગ પર — જે અસર છે અને અંગ્રેજી કવિતાનાં કેટલાંક પ્રસિદ્ધ શ્લોકસ્વરૂપોમાં પતીલે એમનાં કેટલાંક કાવ્યોનું સર્જન કર્યું છે એ કારણે નહિ પણ સંસ્કૃત છંદોનાં, ફારસી છંદો તથા સ્વરૂપોનાં અને સંસ્કૃત છંદો તથા ફારસી સ્વરૂપોનાં અનેક મિશ્રણોમાં એમણે એમનાં અનેક કાવ્યોનું સર્જન કર્યું છે એ કારણે. જોકે આ સંસ્કૃત અને ફારસી પ્રણાલિકાનાં અવનવાં મિશ્રણોના પ્રયોગ પર પ્રયોગ સિદ્ધ કરવામાં આરંભના અંગ્રેજી પ્રણાલિકાના પ્રયોગોના અનુભવની સહાય, અલબત્ત, છે. આગળ નોંધ્યું તેમ શાળામાં હતા ત્યારે ચાર વર્ષનો એમનો સંસ્કૃતનો અભ્યાસ અને સાથે સાથે સ્વપ્રયત્ને ફારસીનો અભ્યાસ આ બન્ને ભાષાઓનો ત્યાર પછીનો એમનો અભ્યાસ સ્વપ્રયત્ને. આમ, પતીલનો ‘એકલ ઉછેર’ અને પતીલ ‘એકાકી અને આપબળે કવિ થયેલા કવિ’ એથી ‘એમનામાં તરંગિતા, વિચિત્રતા, મનસ્વિતા આદિ વિશેષ’. ‘પ્રભાતનર્મદા’નાં કાવ્યોમાં, લગભગ એકેએક કાવ્યમાં, ‘સંસ્કૃત અને ફારસી પ્રણાલિકાનાં અવનવાં મિશ્રણના પ્રયોગ પર પ્રયોગ’ છે. ક્યાંક સંસ્કૃત છંદોનાં મિશ્રણો છે, એનાં ખંડ, અભ્યસ્ત, તિલક અને વિષમ સ્વરૂપો છે. ક્યાંક ફારસી છંદોનાં અને ફારસી સ્વરૂપોનાં મિશ્રણો છે. તો ક્યાંક સંસ્કૃત છંદો અને ફારસી સ્વરૂપોનાં મિશ્રણો છે. ક્યાંક માત્રામેળ છંદોનાં મિશ્રણો પણ છે. ક્યાંક શ્લોકના પ્રયોગો છે. ક્યાંક પ્રવાહી છંદના પ્રયોગો છે. ક્યાંક પ્રાસના પ્રયોગો છે. ક્યાંક શબ્દના પ્રયોગો છે. ક્યાંક અર્થના પ્રયોગો છે. ક્યાંક અવાજોના પ્રયોગો છે. ક્યાંક વ્યાકરણના પ્રયોગો છે, આ સૌ કવિતાના બહિરંગના પ્રયોગો છે, શૈલીસ્વરૂપના પ્રયોગો છે. ‘પ્રભાતનર્મદા’નાં કુલ ૧૦૫ કાવ્યોમાં વિષયવસ્તુનું ખાસ્સું વૈવિધ્ય છે. ‘પ્રભાતનર્મદા’માં ચાર પ્રવાહો છે. ‘પ્રવાહ પહેલો’નાં ૨૨ કાવ્યોમાં મુખ્યત્વે કવિના જન્મસ્થાને અંકલેશ્વરની આસપાસનો નર્મદાના દક્ષિણતટનો ગ્રામપ્રદેશ, એની પ્રકૃતિ, એનાં પશુપંખી, એનાં પાત્રો, એનું સમગ્ર જીવન વિષયવસ્તુ રૂપે છે. પતીલના વ્યક્તિત્વમાં વૈશ્યવૃત્તિ ન હતી પણ એમના જીવનના વ્યવહારમાં આરંભે વૈશ્ય પ્રવૃત્તિ હતી. એ જન્મે ખેડૂત અને જીવનના આરંભે વેપારી, જોકે પછીથી શિક્ષક. અંગત જીવનના આ અનુભવો અને એનાં પ્રતીકો આ પ્રવાહનાં કાવ્યોમાં પ્રગટ થાય છે. ચણોઠીથી માંડીને નર્મદા લગીનાં પ્રકૃતિનાં તત્ત્વો અને સત્ત્વો વિશેનાં આ પ્રવાહનાં કાવ્યોમાં સર્વશ્રેષ્ઠ કાવ્ય છે ‘નર્મદાને’. આરંભે નોંધ્યું તેમ પતીલનું આ પ્રથમ પ્રસિદ્ધ કાવ્ય. લાંબા સમય લગી અપ્રસિદ્ધ રહ્યા પછી પ્રસિદ્ધ થયું ‘પ્રસ્થાન’માં ૧૯૩૧માં. પતીલનાં આ અને અન્ય અનેક કાવ્યોની પાઠકસાહેબના તંત્રીપદે પ્રસ્થાન’માં પ્રસિદ્ધિ વિશે બલવન્તરાયે કહ્યું છે, ‘આ સાચા કવિરત્નને પ્રથમ પારખ્યું રા. ભાઈશ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠકે. ‘પ્રસ્થાન’તંત્રીપદનાં કર્તવ્યો બજાવતા એમણે શિષ્ટ ગુજરાતની જે સેવાઓ બજાવી છે, તેમાં પતીલની કવિતાઓના પ્રકાશનને હું મોટા મૂલ્યની ગણું છું.’ પતીલનું ‘નર્મદાને’ અને બલવન્તરાયનું ‘રેવા’ — આ બે કાવ્યો એમાંની ભક્તિના ભાવને કારણે અને ભવ્યજીવનની ભાવનાને કારણે, નર્મદાના ઉત્તર અને દક્ષિણ બે તટની જેમ સાથોસાથ અચલપ્રતિષ્ઠ રહેશે. બલવન્તરાયે એમના પતીલ પરના કાવ્યમાં આરંભે જ રેવાનું સ્મરણ કર્યું છે તે સાર્થક છે, ‘તું દક્ષિણ ઉત્તર હું થકી — રેવા.’ ‘પ્રવાહ બીજો’નાં ૩૭ કાવ્યોમાં મુખ્યત્વે યૌવન, સૌંદર્ય અને પ્રેમ વિષયવસ્તુ રૂપે છે. આ પ્રવાહમાં ‘ગુલાબી ગાલ પર’ અને ‘ખપના દિલાસા શા?’ ઉત્તમ ગઝલો છે. પણ આ પ્રવાહનાં કાવ્યોમાં જ નહિ, પતીલના સમગ્ર કવિતાસર્જનમાં સર્વશ્રેષ્ઠ કાવ્ય છે ‘સદ્ભાવના’. ‘સદ્ભાવના’ એ ભગવતીને પ્રાર્થના છે. આરંભમાં જ ભક્તહૃદય કહે છે, ‘મારે તારી ભેટ, બક્ષિસ, કૃપા કે દયા ન જોઈએ, હું એવો રંક નથી. હાથમાં નગદ લઈને મનભાવતો સોદો કરવા આવ્યો છું. મારા જેવા નિખાલસ હૃદયની ચાહના તારે જોઈએ છે? તો તું મારી થા. તું જો મને દાન કરે તો તારા હૈયાનું દાન કરજે, પણ હા! એ તારું હૈયું કાચ જેવું સાફ હોવું જોઈએ જેથી હું એમાં પ્રેમની છબી જોઈ શકું. મારે રાજા કે ચોર હરી ન શકે એવી મતા જોઈએ. તું આ તારા હૈયાનું દાન કરે પછી તારે કંઈ આપવું હોય તો ગુજરાન આપજે, પણ મારી ખાતરી કરીને, મારી પાત્રતા હોય તો જ આપજે. વધુમાં કંઈ આપવું હોય તો થોડા સુખના દ્હાડા આપજે; વાસનાના નહિ, સુખના; મારે વાસના ન જોઈએ. જે આપવામાં તને સંકોચ થાય એવી એક પણ ચીજની મારી માગણી નથી.’ અને અંતે ભક્તહૃદય કહે છે, તારી પાસે ઝાઝું આપવાનું ન હોય તો બસ એક કેવળ સદ્ભાવના આપજે, મારે સદ્ભાવના જોઈએ.’ કેવું એકસાથે વિનમ્ર અને સ્વમાની છે આ ભક્તહૃદય! મારા અલ્પ અનુભવમાં પતીલના ‘સદ્ભાવના’ કાવ્યની સાથે જગતકવિતામાંથી જો કોઈ કાવ્યની તુલના શક્ય હોય તો તે ધર્મકવિતાના મહાન અંગ્રેજ કવિ જૉર્જ હર્બર્ટના ‘એફ્લીકશન’ કાવ્યની. હર્બર્ટ એમના કાવ્યને અંતે કહે છે, ‘Let me not love thee if I love thee not’ — હું જો ના તુજને ચહું હૃદયથી, ચ્હાવા ન દેજે મને. ‘પ્રવાહ ત્રીજો’નાં ૨૪ કાવ્યોમાં મુખ્યત્વે મિત્રદ્રોહ, વિરહ, દુઃખ, મૃત્યુ અને ક્વચિત્ સમકાલીન સમાજ વિષયવસ્તુ રૂપે છે. આ પ્રવાહનાં કાવ્યોમાં ક્વચિત્ કટાક્ષ, વક્રતા, ઉપાલંભ, હાસ્ય પ્રગટ થાય છે એથી સ્તો આ પ્રવાહનાં કાવ્યોનો અનુભવ કંઈક સહ્ય થાય છે. આ પ્રવાહમાં ‘નૈયા ડોલે’ એક સુગેય ગીત છે અને ‘છેલ્લો આશરો’ એક ઉત્તમ ગઝલ છે. પણ આ પ્રવાહની ગઝલોમાં જ નહિ, પતીલના સમગ્ર ગઝલસર્જનમાં સર્વશ્રેષ્ઠ ગઝલ છે ‘મુકવા સર જા ન રહી.’ આરંભે નોંધ્યું છે તેમ કરુણસુન્દર હંસગાન સમી, સ્વમૃત્યુલેખ સમી આ ગઝલ છે. એમાં કવિનું આત્મસંબોધન છે, કવિની આત્મકથા છે. સર મૂકવા માટે કોઈ જગા રહી નથી, સુધ કે સાન રહી નથી. બધું બદલાઈ ગયું છે. દુનિયા દુનિયા રહી નથી. કઈ ચીજના સમ ખાઉં? કોઈ ચીજ રહી નથી. જીવ ગળે આવીને અટક્યો છે, જીવનની અંતિમ ક્ષણો છે. પણ જબાન બંધ છે. અફસોસ છે કે હોઠ પર હવે કવિતા પણ કવિતા રહી નથી. બાહ્યજગતમાં અને આંતરજગતમાં, આંતરજીવનમાં ભીષણ શૂન્યતાના ભારે વિષાદમય અનુભવનું આ નાનકડું કાવ્ય પાતાલઊંડું છે. કાવ્યને અંતે ‘લબે’ શબ્દ નામ, ક્રિયાપદ અને વિશેષણ એમ ત્રણ ભિન્નભિન્ન રૂપે જોઈ શકાય. અને તો પંક્તિના ત્રણ ભિન્નભિન્ન અર્થ પ્રગટ થાય. અને પતીલની કવિતાકલામાં સંયમનાં અને અર્થસંકુલતાનાં દર્શન થાય. બલવન્તરાયે આ કાવ્ય વિશે કહ્યું છે, ‘ઉમેરવાનું સાહસ કરી નાખું છું કે આના જેટલી વિષાદમય બીજી દસ પંક્તિ જડવી મુશ્કેલ થઈ પડશે.’ હું પણ અહીં ઉમેરવાનું સાહસ કરી નાખું છું કે આના જેટલી વિષાદમય બીજી આઠ પંક્તિ આ કાવ્યના જ છંદમાં, તોટકમાં, કાન્તની ‘વત્સલનાં નયનો’માં જડવી મુશ્કેલ થઈ પડશે નહિ. ‘પ્રવાહ ચોથો’નાં ૨૨ કાવ્યોમાં મુખ્યત્વે ચિન્તન વિષયવસ્તુ રૂપે છે. એથી આ કાવ્યો મુખ્યત્વે સ્તોત્રો છે. આ પ્રવાહમાં ‘ખુદાનો બંદો’ એક ઉત્તમ ગઝલ છે. જોકે આ પ્રવાહમાં, અન્ય પ્રવાહોની સરખામણીમાં અને એમાં મુખ્યત્વે ચિન્તન વિષયવસ્તુ રૂપે છે એથી ગઝલો અલ્પ સંખ્યામાં છે, અને સંસ્કૃત છંદોમાં સ્તોત્રો વિશેષ સંખ્યામાં છે. ૧૯૪૦માં ‘પ્રભાતનર્મદા’ પ્રસિદ્ધ થયો પછી ૧૯૪૩માં પતીલે તે જ વર્ષમાં ઑગસ્ટના મધ્યભાગમાં ત્રણચાર દિવસોમાં જ અને તે જૂજ કલાકોમાં સંસ્કૃત છંદોનાં મિશ્રણોમાં, ચાર ખંડમાં ‘વાસવ-ક્લેશ-પરિહાર’ આખ્યાનકાવ્ય, ઉપહાસકાવ્ય રચ્યું તે પ્રસિદ્ધ થયું. ત્યાર પછી ૧૯૫૩માં ફારસી-ઉર્દૂ ગઝલોનો સંગ્રહ ‘નયી તર્ઝે’ પ્રસિદ્ધ થયો. હજુ સંસ્કૃત છંદોનાં મિશ્રણોમાં, ફારસી છંદોનાં તથા સ્વરૂપોનાં મિશ્રણોમાં આ પ્રયોગખોર કવિનાં અનેક પ્રકારનાં નાનાંમોટાં કાવ્યો, ગીતો, બાળકાવ્યો વગેરેના સંગ્રહો અપ્રસિદ્ધ છે. આ સ્તબકે પ્રશ્ન પૂછી શકાય કે પ્રયોગો ખાતર પ્રયોગોનું મૂલ્ય હોય? સાચું છે, ‘પ્રયોગે પ્રયોગે નહીં સિદ્ધિયોગ.’ તો એ પણ એટલું જ સાચું છે, ‘પ્રયોગો વિના કો નહીં સિદ્ધિયોગ’. ‘પ્રભાતનર્મદા’ના અને ત્યાર પછીના અનેક પ્રયોગોના પરિણામે જ ‘મૂકવા સર જા ન રહી’, અને ‘સદ્ભાવના’ તથા ‘રૂડો લારીવાળો’ જેવી સિદ્ધિઓ કોઈ વિરલ સર્જકને જ વરે છે. ગઝલ કાવ્યપ્રકારમાં, બલકે કોઈ પણ કાવ્યપ્રકારમાં, ઘૂંટેલી એકતા, સમગ્ર કાવ્ય સુશ્લિષ્ટ કૃતિ રૂપે, કલાકૃતિ રૂપે સિદ્ધ થાય એવી એકતા દુ:સાધ્ય છે. પતીલનાં કેટલાંક કાવ્યોમાં આ એકતા છે એમાં એમના પ્રયોગોની ચરિતાર્થતા છે. આ પ્રયોગખોર કવિના મરણોત્તર કાવ્યસંગ્રહમાં પણ એમના પ્રયોગોનું વારંવાર દર્શન થાય છે. એમાંનાં કુલ ૧૨૫ કાવ્યોમાં, ‘પ્રભાતનર્મદા’નાં કાવ્યોની સરખામણીમાં, સંસ્કૃત છંદોનાં મિશ્રણો, ફારસી છંદો તથા સ્વરૂપોનાં મિશ્રણો અલ્પ છે. તો સંસ્કૃત છંદો અને ફારસી સ્વરૂપોનાં મિશ્રણોનો અભાવ છે. જોકે અનેક કાવ્યોમાં સંસ્કૃત અને ફારસી શબ્દોનાં મિશ્રણોના સહજ, સરલ અને સ્વાભાવિક પ્રયોગો છે. તો આ કાવ્યસંગ્રહમાં ગીતો અને વિશેષ તો દક્ષિણ ગુજરાતની ભીલી બોલીનાં ગીતો, કથાગીતોના પ્રયોગો, આ પ્રકારના પ્રથમ વારના પ્રયોગો સારા પ્રમાણમાં છે. આ કાવ્યોમાં એકંદરે ભાષાની, શૈલીની, અભિવ્યક્તિની સાદગી વરતાય છે. એનો અર્થ એ થાય કે આ કાવ્યોમાં કવિનો વાણી પરનો સંયમ વિશેષ છે. એનું કારણ કદાચને ‘પ્રભાતનર્મદા’ના કવિને સમાજ સાથેના સંઘર્ષનો અનુભવ છે. પતીલે આ અનુભવનું આત્મકથન ‘મારું અસહ્ય રૂપાંતર’માં કર્યું છે. આ કાવ્યોને સમજવામાં આ આત્મકથન સહાયરૂપ છે. એના સંદર્ભમાં કવિના આ વ્યક્તિત્વનું અને કવિતાની આ વાણીનું અને બન્નેના આ સંયમનું રહસ્ય કંઈક પામી શકાય છે. આ કાવ્યસંગ્રહમાં કવિની સામાજિક સભાનતા વિશેષ છે. તો સાથે સાથે કવિમાં આત્મનિરીક્ષણ, આત્મજ્ઞાન, આત્મવિશ્લેષણ તથા આત્મકટાક્ષ પણ વિશેષ છે. આ અનુભવને કારણે આ કાવ્યોમાં ડહાપણ (wisdom)નું દર્શન થાય છે. અને આ કાવ્યોમાં બોધ પ્રગટ થાય છે. પણ તે સર્વથા આત્મબોધ છે. વળી તેમાં બોધની સાથે સાથે વક્રતા (irony), નાટ્યાત્મકતા અને બુદ્ધિમત્તા છે એથી આ બોધ સહ્ય થાય છે અને આ અનુભવમાંથી કાવ્ય સિદ્ધ થાય એમાં બાધારૂપ નથી. પતીલના ઉત્તરજીવનના આ અનુભવથી બૉદલેરના ઉત્તરજીવનના અનુભવનું સહેજે સ્મરણ થાય છે. પતીલ આત્મકથનને અંતે કહે છે, ‘આવી સ્થિતિમાં જ્યારે હું પોતે પણ આયના સામે ખડો થઈ નિહાળું છું ત્યારે મારી પોતાની જાતને પણ ઓળખી શકતો નથી.’ બૉદલેર પણ આયના સામે ખડો થઈ નિહાળતો હતો ત્યારે એની પોતાની જાતને ઓળખી શકતો ન હતો. જીભે લકવો હતો. બોલાતું ન હતું. એ પોતાનું નામ પણ ભૂલી જતો હતો. પોતાને પોતાનું નામ યાદ કરાવવા એ પોતાનું નામ લખી નાંખતો — રાખતો હતો. અન્યાય અને અદયા, અણસમજ અને અમાનુષિતા, ઉપેક્ષા અને ઉદાસીનતાના જગતમાં, શું પૅરિસમાં કે શું ગુજરાતમાં, કોઈ કોઈ સંવેદનશીલ, કલ્પનાશીલ કવિમનુષ્યનો આવો હ્રાસ થાય છે ત્યારે એની કવિતા જગતને કરુણતાપૂર્વક અને કરુણાપૂર્વક, સદ્ભાવનાપૂર્વક પૂછે છે, ‘આ જગતમાં કવિનું કોઈ સ્થાન છે? કવિતાનું કોઈ મૂલ્ય છે?’ અને જગતના અનેક અણપૂછ્યા પ્રશ્નોના ઉત્તરમાં એ પતીલની જેમ જન્મે ખેડૂત એવા સ્કૉટલૅન્ડના કવિ રૉબર્ટ બર્ન્સના ‘For the Sake of Some-body’ કાવ્યના જેવું કાવ્ય ‘આંખો નચાવી કોઈની’ અને ‘I Hae a Wife’ કાવ્યના જેવું કાવ્ય ‘દિલ મળો મસ્તાન મુજને’ જગતની સમક્ષ ભેટ ધરે છે. પતીલે આશ્ચર્યપૂર્વક પૂછ્યું છે : ‘આ તો હતી પતીલની અધૂરી તર્ઝ એક, 
પૂરી થયા વિના અહીં ક્યાંથી છપાઈ ગૈ.’ અને સાથે સાથે આત્મશ્રદ્ધાપૂર્વક પણ પૂછ્યું છે અને આશાપૂર્વક ઉત્તર આપ્યો છે : ‘કોણે કહ્યું ગુજરાતમાંથી છે પતીલ જતો રહ્યો? 
ગુજરાતમાં વસવા તણી હજી તો હવે શરૂઆત છે.’ અને ટેનિસને એમના ‘Wages’ કાવ્યમાં ‘Give her the wages of going on, and not to die.’ એમ પોતાની મજૂરીનું વેતન માંગ્યું હતું તેમ પતીલ પણ પોતાના ‘હુન્નરનો મજરો’ માંગે છે : ‘પામશે મજરો ખરો મુજ જ્યાહરે હુન્નર, 
આવશે ‘પત્લા’ની ત્યારે આબરૂ પાછી?’ સહૃદય રૂપે, સમસંવેદન દ્વારા જગત પતીલની અધૂરી તર્ઝ પૂરી કરે, પતીલ ગુજરાતમાં ગુજરાતના હૃદયમાં વસે, પતીલ એમના હુન્નરનો મજરો પામે અને એમની આબરૂ, ના, જગતની આબરૂ પાછી આવે એવી પ્રાર્થના સાથે પતીલની પુણ્યસ્મૃતિને અને પતીલની કરુણસુંદર કવિતાને હૃદયથી અંજલિ અર્પીને એમના સૂરમાં સૂર મિલાવીને વિરમું છું કે ઝાઝું જો મુજ પાસ હોય નહિ તો સદ્ભાવના જોઈએ.

૭ એપ્રિલ ૧૯૭૩


*