સ્વાધ્યાયલોક—૭/ઉમાશંકરની કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉમાશંકરની કવિતા

પ્રશ્ન : તમે ‘નિશીથ’ને ઉમાશંકરનો ઉત્તમોત્તમ કાવ્યસંગ્રહ ગણો છો? ઉત્તર : કોઈ પણ કવિને પૂછો કે, ‘તમારો ઉત્તમોત્તમ કાવ્યસંગ્રહ કયો?’ એ તમને કહેશે, ‘હવે પછી લખીશ તે.’ ઉમાશંકરને પૂછશો તો તેઓ પણ કદાચ આવો જ કોઈ ઉત્તર આપે. ના, તેઓ તો તમને કહેશે, ‘હવે પછી ક્યારેય લખાવાનો હશે તે.’ પણ હું તમને એટલું તો કહું કે ઉમાશંકરના આજ લગીના કાવ્યસંગ્રહોમાં ‘નિશીથ’ એ એમનો ઉત્તમોત્તમ કાવ્યસંગ્રહ છે. પ્રશ્ન : એમ કહેવા માટે તમારી પાસે શાં કારણો છે? ઉત્તર : તમારા આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે હું માત્ર ‘નિશીથ’ વિશે જ કંઈ કહું એ પૂરતું નથી. એટલે કે ‘નિશીથ’નાં જ કાવ્યોમાંથી કારણ આપવાં એ પૂરતું નથી. પ્રશ્ન : તો એ માટે તમે ‘નિશીથ’ ઉપરાંત ‘નિશીથ’ની પહેલાના અને ‘નિશીથ’ની પછીના ઉમાશંકરના કાવ્યસંગ્રહો વિશે કંઈ કહેવું જરૂરી ગણો છો? ઉત્તર : હા. ૧૯૨૮માં ‘નખી સરોવર ઉપર શરત્‌પૂર્ણિમા’એ કવિશિશુને મંત્ર આપ્યો, ‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.’ અર્બુદાચળની અણમોલ ભેટ જેવો આ ધન્યમંત્ર એ ઉમાશંકરની કાવ્યદીક્ષા. પછી ૧૯૩૦માં સાબરમતી જેલમાં એક સવારે પૂર્ણ આત્મવિલોપનનો જે અનુભવ થયો એને પરિણામે એક નાટક સૂઝ્યું. એ નાટક ઉમાશંકર હજુ આજ લગી લખી શક્યા નથી. પણ એ નાટક લખવાની-કવિ થવાની-તૈયારી કરતા હોય એવો ભાવ આજ લગી સતત અનુભવી રહ્યા છે. ૧૯૩૧માં એ નાટકની તૈયારીરૂપ સ્વાધ્યાયનો આરંભ કર્યો. એના એક અંગ રૂપે પાંચસોએક પંક્તિનું ‘વિશ્વશાંતિ’ ખંડકાવ્ય લગભગ આખું પાંચ દિવસમાં લખાઈ ગયું. આજુબાજુ બે વિશ્વયુદ્ધો અને બરોબર વચમાં ગાંધીજીની દાંડીકૂચ. આ ઐતિહાસિક ભૂમિકાની પડછે ૧૯૩૧ની સાલ હોય અને ગુજરાતી ભાષામાં કાવ્ય કરવાનું હોય તો એ કાવ્ય અનિવાર્યપણે ‘વિશ્વશાંતિ’ જ હોય. અને આ વિશ્વશાંતિ અહિંસા વિના અશક્ય એ સત્યની પ્રતીતિ માત્ર કોઈ એકલદોકલ સંતને કે કવિને જ નહિ પણ છેલ્લી અરધી સદીના કરુણ અનુભવો પછી હવે આજે ૧૯૬૮માં તો સમગ્ર માનવજાતિને થઈ ચૂકી છે. ‘વિશ્વશાંતિ’ એ મુગ્ધ કવિની નરી ભાવનામયતાનું કાવ્ય છે. પણ પછી ૧૯૩૪ લગીમાં તો ‘ગંગોત્રી’માં ઉમાશંકરની વાસ્તવપ્રિયતા પ્રગટ થાય છે. માનવસંબંધોની વિષમતા અને વિધિની વિચિત્રતા વિશ્વની અને વ્યક્તિની શાંતિને કેવો તો આઘાત આપે છે એનું નાટ્યોચિત દર્શન ઉમાશંકરે ‘બળતાં પાણી’ અને ‘એક બાળકીને સ્મશાન લઈ જતાં’ એ બે કાવ્યોમાં કર્યું છે. એકાંકી અને ટૂંકી વારતાના પરલક્ષી ગદ્યપ્રકારમાં આ દર્શન ૧૯૩૬માં ‘સાપના ભારા’માં તથા ૧૯૩૭માં ‘શ્રાવણી મેળો’ અને ૧૯૩૮માં ‘ત્રણ અર્ધું બે’માં વધુ વિશદ અને વિશાળ બન્યું છે. અને ત્યાર પછી જ ૧૯૩૯માં ‘નિશીથ’ કાવ્યસંગ્રહ પ્રગટ થયો છે. પદ્યનાટક સર્જી શકાય તો સર્જક તરીકે કૃતાર્થતા અનુભવાય એમ વરસોથી ઉમાશંકરને લાગ્યું છે. ૧૯૪૪માં ‘પ્રાચીના’માં એકાંકી સુધી પહોંચવા કરતા સંવાદનો પ્રકાર મિશ્રોપજાતિ અને અનુષ્ટુપ છંદોમાં એમણે અજમાવ્યો છે. ૧૯૪૬માં ‘આતિથ્ય’માં, ૧૯૫૪માં ‘વસંતવર્ષા’માં અને ૧૯૬૭માં ‘અભિજ્ઞા’માં ‘નિશીથ’નું અનુસંધાન છે. ૧૯૩૯ના વિશ્વયુદ્ધ પછી આખી દુનિયામાં અને ૧૯૪૭ના સ્વાતંત્ર્ય પછી આપણા દેશમાં જે આધ્યાત્મિક કટોકટીનો અનુભવ આપણને સૌને થાય છે એને કારણે અનિવાર્ય એવું પરિવર્તન વસ્તુ અને શૈલીમાં, અલબત્ત, છે. વળી વચમાં ‘પ્રાચીના’નાં સંવાદકાવ્યોનો અનુભવ પણ આ પરિવર્તનનું એક કારણ હોય તો તે સહજ છે. પણ ભાવનામયતા અને વાસ્તવપ્રિયતા તો પૂર્વવત્ જ છે. આજે ‘વિશ્વશાંતિ’ ફરી લખવાનું હોય તો એમાં ભાવનામયતાના બુલંદ ઉદ્ગારની સાથે-સાથે આપણી સૂર્યમાળામાં માનવે પ્રેરેલો નવો કૃત્રિમ ગ્રહ કૌતુકભરી આશાની સાથે ભીતિનો — અશાંતિનો પણ સંચાર કરે છે એથી વ્યક્તિની અને સમષ્ટિની ગંજાવર અશાંતિના આલેખનો પણ સમાવેશ થાય એમ પોતે જુએ એવું વાસ્તવપ્રિય વિધાન એમણે હમણાં કર્યું છે. ૧૯૬૫માં ‘મહાપ્રસ્થાન’માં ‘પ્રાચીના’નું અનુસંધાન છે. એમાં શિખરિણી, પૃથ્વી અને સવિશેષ વનવેલી છંદો અજમાવ્યા છે. આ વનવેલી છંદમાં ઉમાશંકરે પદ્યનાટકના છંદોવાહનની જે શક્યતાઓ ખીલવી છે એથી ‘મહાપ્રસ્થાન’ એ પદ્યનાટકની દિશામાં આશાભર્યું પ્રસ્થાન છે. ‘નિશીથ’માં ઉમાશંકરની આત્મલક્ષી કવિતાની પરાકાષ્ઠા છે. અને ત્યાર પછી ઉમાશંકરની સર્જકતા પરલક્ષી કવિતા એટલે કે પદ્યનાટક સિદ્ધ કરવાના પ્રયત્નોમાં પ્રવૃત્ત છે. પ્રશ્ન : ઉમાશંકરની સમગ્ર કવિતાના સંદર્ભમાં તમે ‘નિશીથ’ વિશે કંઈ કહ્યું. હવે ‘નિશીથ’ના કાવ્યો વિશે કંઈ કહેશો? ઉત્તર : હા. ‘નિશીથ’નાં કાવ્યોમાં ઉમાશંકરે ભાવનામયતા અને વાસ્તવપ્રિયતાનો સંપૂર્ણ સુમેળ સાધ્યો છે. ઉમાશંકરની આ વિરલ વિશેષતા એ કવિ તરીકેની એમની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. ‘નિશીથ’, ‘વિરાટ પ્રણય’ અને ‘સીમાડાના પથ્થર પર’ એ કાવ્યોમાં ભાવનામયતાની પરાકાષ્ઠા છે; તો ‘સદ્ગત મોટાભાઈ’, ‘લોકલમાં’ અને ‘આત્માનાં ખંડેર’ એ કાવ્યોમાં વાસ્તવપ્રિયતાની પરાકાષ્ઠા છે. ‘આત્માનાં ખંડેર’ની અંતની પંક્તિઓ એ માત્ર ઉમાશંકરની જ નહિ પણ સમગ્ર ગુજરાતી કવિતાની કેટલીક ઉત્તમ પંક્તિઓ છે : ‘મને અસુખ ના દમે વિતથ સૌખ્ય જેવાં કઠે; 
સુખો ન રુચતાં, યથા સમજ માંહી ઊતર્યાં દુખો. 
યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે. 
અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે.’ પ્રશ્ન : ભવિષ્યમાં ઉમાશંકર શું લખશે? મહાકાવ્ય કે પદ્યનાટક? ઉત્તર : કવિની કે કવિતાની કુંડળી નથી હોતી. ભવિષ્યમાં પોતે શું લખશે — અરે, કશુંય લખશે કે કેમ એનો ઉત્તર આપવાનું સાહસ, દુ:સાહસ તો ખુદ કવિ પણ નહિ કરે તો બીજાનું તો શું ગજું? છતાં કવિએ આજ લગી જે કંઈ લખ્યું હોય એ પરથી આજ પછી શું લખશે એનો ક્યાસ કાઢી શકાય. મિલ્ટનના ‘પેરેડાઇઝ લૉસ્ટ’ પછી છેલ્લાં ત્રણસો વરસમાં જગતની કોઈ પણ ભાષામાં મહાકાવ્ય લખાયું હોય એવું એક પણ સમજુ માણસ પાસેથી સાંભળ્યું નથી, (મહાકાવ્યના અસફળ, અર્ધસફળ પ્રયત્નો, અલબત્ત, અનેક ભાષાઓમાં થયા છે.) અને ભવિષ્યમાં ક્યારેય લખાય એવું ચિહ્ન આજે તો ક્યાંય નથી. એટલે મહાકાવ્યનું નામ અત્યારે તો ન લઈએ! પણ ભવિષ્યમાં ઉમાશંકર કદાચ પદ્યનાટક લખશે એમ કહેવા માટે પૂરતાં કારણો છે. એમની આજ લગીની સમગ્ર કવિતા એ પદ્યનાટક લખવાની તૈયારીરૂપ હોય એવો ભાવ એ સતત અનુભવી રહ્યા છે. પણ પદ્યનાટક માટેનું ઉચિત છંદોવાહન એટલે કે પારાથી પવન લગીનાં ગતિશીલ રૂપો ધારણ કરી શકે એવું છંદોવાહન એ એમની સર્જકતાને આહ્વાનરૂપ છે. આવું છંદોવાહન ખોજી-યોજી શકાય તો જ પદ્યનાટકનો પ્રશ્ન ઉકેલી શકાય. આ માટેના ઉમાશંકરના સહૃદય પ્રયત્નો સતત ચાલુ છે. ‘મહાપ્રસ્થાન’ પછી પદ્યનાટકની શક્યતા કંઈક વધુ આત્મશ્રદ્ધાથી વિચારી અને ખીલવી શકાય. વનવેલી ઉપરાંત પરંપરિત રૂપમાં માત્રામેળ છંદો અને આપણી ભાષામાં જે ઝાંખોપાંખો, આછોપાતળો સ્વરભાર છે તેના અનેક પ્રયોગો દ્વારા પદ્યનાટકની વધુ નિકટ આવી શકાય. પ્રયોગોને અંતે પદ્યનાટક સિદ્ધ થશે જ એમ કહેવું સહેલું નથી. ઉમાશંકર પોતે પદ્યનાટક સિદ્ધ ન કરે તોપણ ભવિષ્યની ગુજરાતી કવિતા માટે પદ્યનાટક એ હવે એક મુખ્ય પુરુષાર્થ હશે. એ પુરુષાર્થ માટે એણે સર્વતોસંપન્ન થવું જ રહ્યું. અને ત્યારે ઉમાશંકરના સહૃદય પ્રયત્નોનો મહિમા પણ કંઈ ઓછો નહિ હોય. આ પ્રસંગે આપણી હાર્દિક શુભેચ્છા છે કે ઉમાશંકર ભર્યુંભર્યું પદ્યનાટક સિદ્ધ કરે. ઉમાશંકરની એ આપણને સુન્દરમાં સુન્દર ભેટ હશે.*

(ઉમાશંકર જોશીને ૧૯૬૭નું ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક અર્પણ થયું એ પ્રસંગે આકાશવાણી, અમદાવાદ પર પ્રશ્નોત્તરી. ૧૯ મે ૧૯૬૮.)

*