સ્વાધ્યાયલોક—૭/ઉમાશંકરની કાવ્યસાધના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉમાશંકરની કાવ્યસાધના

આજે ૧૯૬૮માં પણ કાવ્ય અંગેની જેમની સાચી સાધના સતત ચાલુ હોય એવા એક આંગળીને વેઢે ગણી શકાય એટલા જે આયુષ્યની અર્ધશતાબ્દી ઊજવી ચૂકેલા કવિઓ ગુજરાતમાં છે એમાં એક ઉમાશંકર છે. આ સાધનાના આરંભનો આછો અણસારો ઉમાશંકરે જ અવારનવાર એમના કેટલાક કવિતાવિષયક વિવેચનલેખોમાં અહીંતહીં આપ્યો છે. છેક છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે લઘુ અને ગુરુ વચ્ચેનો ભેદ સમજાયો. મોટે મોભારે શામળના અનુકરણમાં ‘સમસ્યા છોતેરી’નો આરંભ કર્યો ત્યારે મહત્ત્વાકાંક્ષા હતી ‘મણિકાન્ત’ની કાવ્યસિદ્ધિની. પણ સાથે-સાથે રજાઓમાં ગામડે બે પ્રૌઢ મિત્રોએ એમની પાસે ગિરધરકૃત રામાયણ વંચાવ્યું એમાંથી શબ્દ અને છંદ અંગેની તથા ઈડર પ્રદેશના મેળા-ઉત્સવોનાં લોકગીતો અને નવરાત્રિના રાસગરબામાંથી માનવહૃદયના ભાવો અંગેની સૂઝસમજ પણ ઊઘડતી આવતી હતી. જોકે કવિતા અંગેની એમની તૈયારી મૅટ્રિકના વરસમાં અમદાવાદ આવ્યા ત્યાં લગી ન જેવી હતી. ત્યાં ‘કાવ્યમાધુર્ય’ દ્વારા અદ્યતન કવિતાનો પ્રથમ પરિચય કર્યો. બે કવિઓનો પ્રભાવ તરત અનુભવ્યો. એક ન્હાનાલાલનો અને બીજો બલવન્તરાયનો. પછીથી ન્હાનાલાલનું નાટક ‘ઇન્દુકુમાર’ અને કૉલેજની લાઇબ્રેરીમાંથી અકસ્માત્ જ હાથમાં આવી પડેલો એમનો કાવ્યસંગ્રહ ‘ચિત્રદર્શનો’ તથા બલવન્તરાયનું તાજું જ બહાર પડેલું વિવેચનનું પુસ્તક ‘લિરિક’ વાંચવામાં આવ્યાં. ન્હાનાલાલનો કલ્પનાવૈભવ અને બલવન્તરાયની પ્રયોગવીરતા બન્નેનું આકર્ષણ ત્યારે અમોઘ હતું. ૧૯૨૮માં અમદાવાદમાં ગુજરાત કૉલેજમાં પ્રીવિયસમાં ભણતા હતા ત્યારે અને સારંગપુરમાં એક મકાનના ચોથા માળ પરની પતરાંની મોટી અગાશી પાસેની નાની ઓરડીમાં રહેતા હતા ત્યાંથી ઑક્ટોબરમાં દિવાળીની રજાઓમાં બે મિત્રો સાથે ઉછીના પાંચ રૂપિયા ગજવે ધરીને અને આટલું રસપાથેય હૃદયમાં ભરી-સંભરીને આબુના પ્રવાસે ગયા. અર્બુદાચળ પરના વસિષ્ઠાશ્રમના એક મકાનના કઠેડા પાસે નખી સરોવર ઉપર શરત્‌પૂર્ણિમાની મધરાતના શાંત એકાંતમાં ક્યાંકથી કોઈકે સત્તર વરસના આ છોકરડાને મંત્ર આપ્યો : ‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે’. અર્બુદાચળની અણમોલ ભેટ જેવો આ ધન્યમંત્ર એ ઉમાશંકરની કાવ્યદીક્ષા. ૧૯૨૯માં ઇન્ટરમાં હતા ત્યારે મિત્રો સાથે ગૂજરાત વિદ્યાપીઠમાં ગયેલા. એક મિત્રે સુથારી કામ કરી રહેલા એક જુવાનને ‘આ ત્રિભુવનદાસ લુહાર, ‘સાબરમતી’ના તંત્રી કવિ છે’ કહીને બતાવ્યા. એ મિત્ર પાસેથી મળેલું ‘સાબરમતી’ દ્વૈમાસિક પાછા આવતાં રસ્તામાં ખોલ્યું. ત્યાં પ્રથમ પૃષ્ઠે જ મુશ્કેલી! તંત્રીએ કીટ્સના ‘ઓડ ટુ એ નાઇન્ટિગેલ’નું ‘કોયલને’ મથાળાથી ભાષાંતર આપેલું. મથાળાની નીચે કૌંસમાં લખેલું ‘પૃથ્વી’. વિદ્યાપીઠના એ, અત્યારે તો નાશ પામેલા, આમલી અને કણઝીનાં વૃક્ષોથી છવાયેલા આખા રસ્તે વિમાસતા જ રહ્યા કે કવિએ કાવ્યને બે મથાળાં કેમ આપ્યાં હશે? કોયલ પૃથ્વી ઉપરથી ઊડી માટે ‘કોયલને’ એમ લખીને નીચે ‘પૃથ્વી’ શબ્દ કૌંસમાં મૂક્યો હશે? પૃથ્વીયુગ શરૂ થઈ ચૂક્યો છે એ જાણવાની એમને હજી વરસેકની વાર હતી. આમ, આ સમયે પૃથ્વી નામનો છંદ છે એનાથી પણ આપણા કવિ અજાણ હતા. પૃથ્વીપરસ્તી માટે એ મોડા પડ્યા હતા. એથી ત્રીજા દાયકાના કવિવૃન્દે લડાવેલા ચડાવેલા આ પૃથ્વીમાં નહિ પણ બલવન્તરાયની પ્રવાહિતાને અપનાવી લઈ એમણે મિશ્રોપજાતિમાં આજ લગીનાં એમનાં અનેક ઊર્મિકાવ્યો, કથનોર્મિકાવ્યો માટેનું એમનું એક મુખ્ય વાહન શોધ્યું. ૧૯૩૦માં સાબરમતી જેલમાં તારાઓની લગની લાગી. રોજ સવારે વહેલા ઊઠી દીવાલથી જરીક દૂર અઢેલ્યા વગર ટટાર બેસી અંતરનું અતલાન્ત તળિયું તપાસવા ફાંફાં મારવાની ટેવ કેળવી હતી. એક દિવસે પ્રાત:કાળે માથા પર જાણે કોઈ અગોચર સ્પર્શ થયો અને એના વેગ નીચે દબાઈને આખું અસ્તિત્વ પૃથ્વીની સપાટી સાથે સમરેખ થઈ ગયું. પૂર્ણ આત્મવિલોપનનો — પ્રકાશભર્યા આત્મવિલોપનનો ભાવ ઊભરાઈ રહ્યો. શૂન્યતાનો નહિ, સભરતાનો એ અનુભવ હતો. આ અનુભવમાંથી એક નાટક સૂઝ્યું. એ નાટક હજુ આજ લગી વણલખ્યું રહ્યું છે. પણ એ નાટક લખવાની — કવિ થવાની — તૈયારી કરતા હોય એવો ભાવ તેઓ આજ લગી સતત અનુભવી રહ્યા છે. ૧૯૩૧માં એ નાટકની તૈયારીરૂપ સ્વાધ્યાય આરંભ્યો. એના એક અંશ રૂપે પાંચસોએક પંક્તિનું ‘વિશ્વશાંતિ’ ખંડકાવ્ય લગભગ આખું પાંચ દિવસમાં લખાઈ ગયું. ‘વિશ્વશાંતિ’ એ મુગ્ધ કવિની નરી ભાવનામયતાનું કાવ્ય છે. સત્યના પ્રયોગોમાં સતત કર્મશીલ ગાંધીજીની પ્રેમમૂર્તિની અને એક જીવંત મહાકાવ્યસમા દાંડીકૂચના એમના મહાકાર્યની પ્રેરણાથી અહિંસામાં જ વિશ્વશાંતિની શક્યતા અને સિદ્ધિ છે એવી કવિશ્રદ્ધા આ કાવ્યના કેન્દ્રમાં છે. ૧૯૩૩માં તો ‘ગંગોત્રી’માં ઉમાશંકરની વાસ્તવપ્રિયતા પ્રગટ થાય છે. સિંહગઢ ઉપરથી દૂર ડુંગરો ઉપર દવ બળતા અને એના ઓળા ખડકવાસલાનાં પાણીમાં પડતા એ જોઈને પ્રગટેલા કાવ્ય ‘બળતાં પાણી’માં તથા એક બાળકીના મૃત્યુથી એના સગાંસંબંધીને દુઃખ થયેલું ન જોતાં, માત્ર રસ્તે એની એક નાની બહેનપણીને વ્યથિત થયેલી દેખતાં ઉદ્ભવેલા કાવ્ય ‘એક બાળકીને સ્મશાન લઈ જતાં’માં માનવસંબંધોની વિષમતા અને વિધિની વિચિત્રતા વિશ્વની અને વ્યક્તિની શાંતિને કેવો તો આઘાત આપે છે એનું નાટ્યોચિત દર્શન કર્યું છે. ૧૯૩૯માં ‘નિશીથ’માં ઉમાશંકરે ભાવનામયતા અને વાસ્તવપ્રિયતાનો સંપૂર્ણ સુમેળ સાધ્યો છે. ઉમાશંકરની આ વિરલ વિશેષતા એ કવિ તરીકેની એમની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. યંત્રસંસ્કૃતિની આગવી સરજત જેવા મુંબઈ નગરની આબોહવામાં ૧૯૩૫ની આસપાસ આપણા દેશમાં સામ્રાજ્યવાદ વિરુદ્ધ સત્યાગ્રહ તથા દુનિયામાં સરમુખત્યારશાહી વિરુદ્ધ લોકશાહી અને મૂડીવાદ વિરુદ્ધ સમાજવાદ જેવાં પરિબળોએ જે આર્થિક, સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક પરિસ્થિતિ સર્જી હતી એનો તીવ્ર નાટ્યોચિત સંઘર્ષ ઉમાશંકરે અનુભવ્યો અને આ સંઘર્ષ ‘નિશીથ’નાં કાવ્યોના કેન્દ્રમાં છે. રાતે પાછા વળતાં મુંબઈની લોકલના તાલમાં જેની પંક્તિઓ અને જેનો લય યોજાયાં હતાં તે મુક્તિની ઉષામાં પોતાની અને સમગ્ર રાષ્ટ્રની જાગૃતિની પ્રાર્થનાના સ્તોત્રરૂપ કાવ્ય ‘નિશીથ’માં, મનુષ્યજાતિના ભવ્ય ભૂતકાળનું સ્મરણ કરતાં જ જે મૂર્તિ પ્રત્યક્ષ થાય છે એ પ્રત્યે વ્યક્તિએ સેવેલા પ્રેમનું જેમાં આલેખન છે તે કાવ્ય ‘વિરાટ પ્રણય’માં તથા મધ્યયુગના સીમિત માનસ પરના આછા અટ્ટહાસ્યની તરંગલીલામાંથી અસીમના નિશા(કે દિવા?)સ્વપ્નમાં સરી જતાં વિશ્વઐક્યની ભાવનાનું જેમાં ઉચ્ચારણ છે તે કાવ્ય ‘સીમાડાના પથ્થર પર’માં ભાવનામયતાની પરાકાષ્ઠા છે. સૌથી મોટાભાઈના, ૩૨ વર્ષની અતિકાચી વયે હરિપુરા ક્રૉંગ્રેસમાં તાવ લાગુ થતાં એકાએક પાંચ-છ દિવસમાં જ થયેલા મૃત્યુના શોકમાંથી જન્મેલા કાવ્ય ‘સદ્ગત મોટાભાઈ’માં, મુંબઈની લોકલગાડીમાં પૂંઠે બેઠેલી નારીની છબી સામે બેઠેલા વૃદ્ધની આંખમાં જોતાં જેમાં કારુણ્યભર્યું કરુણ દર્શન થયું તે કાવ્ય ‘લોકલમાં’માં તથા સમુદ્રતટ પરના કોઈ મહાનગરમાં વિજેતાપદેચ્છુ યુવાન વ્યક્તિને પોતાની કલ્પનાના સંપૂર્ણ માનવોની માનવતાના આત્માની સુંદર ઇમારતને બદલે ચારેકોર માનવતાના આત્માનાં ખંડેરો જ જોવા મળે ત્યારે અનિવાર્યપણે યથાર્થની સમજને જ જીવનના સારસર્વસ્વ તરીકે તટસ્થભાવે એ સ્વીકારે છે એ ભવ્યકરુણ અનુભવના હિંદી શરાફી અને ચલણના અભ્યાસ પાછળના આઠદશ કલાક પછીના છુટકારાની પળોમાં ત્રણચાર દિવસમાં રચાયેલા — સૉનેટમાળા રૂપે — કાવ્ય ‘આત્માના ખંડેર’માં વાસ્તવપ્રિયતાની પરાકાષ્ઠા છે. ‘આત્માનાં ખંડેર’ની અંતની પંક્તિઓ માત્ર ઉમાશંકરની જ નહિ પણ સમગ્ર ગુજરાતી કવિતાની કેટલીક ઉત્તમ પંક્તિઓ છે : ‘મને અસુખ ના દમે વિતથ સૌખ્ય જેવાં કઠે; 
સુખો ન રુચતાં, યથા સમજ માંહી ઊતર્યાં દુખો. 
યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે. 
અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે.’ પદ્યનાટક સર્જી શકાય તો સર્જક તરીકે કૃતાર્થતા અનુભવાય એમ વરસોથી ઉમાશંકરને લાગ્યું છે. વળી આયુષ્ય અને અનુભવની અમુક કક્ષાએ પહોંચ્યા પછી કલાકારને જો અંગત સંવેદનોને આત્મલક્ષી કવિતા રૂપે રજૂ કરવાં બહુ ગમે નહિ, ફાવે નહિ, અને એ પરલક્ષી પ્રકારો તરફ નાટક, નવલકથા તરફ વળે તો એ સ્વાભાવિક છે એમ પણ એમને લાગ્યું છે. ૧૯૪૪માં ‘પ્રાચીના’માં એકાંકી સુધી પહોંચવા કરતાં સંવાદનો પ્રકાર મિશ્રોપજાતિ અને અનુષ્ટુપ છંદોમાં એમણે અજમાવ્યો છે. મહાભારત, ભાગવત, પુરાણ, બૌદ્ધ જાતક આદિ પ્રાચીન લઘુ-મહા-કાવ્યોમાંથી કોઈ એક પ્રસંગ અને અલ્પસંખ્ય પાત્રો દ્વારા અર્વાચીન માનસસૃષ્ટિ અને દૃષ્ટિ એમાં પ્રગટ થાય છે. પણ ‘પ્રાચીના’માં ઉમાશંકરનો મુખ્ય પ્રયત્ન તો અર્વાચીન યુગમાં પ્રતીતિજનક પદ્યનાટકનું નવીન છંદોવાહન શોધવાનો છે. ૧૯૪૬માં ‘આતિથ્ય’માં, ૧૯૫૪માં ‘વસંતવર્ષા’માં અને ૧૯૬૭માં ‘અભિજ્ઞા’માં ‘નિશીથ’નું અનુસંધાન છે. ’૩૯ના વિશ્વયુદ્ધ પછી દુનિયામાં અને ’૪૭ના સ્વાતંત્ર્ય પછી આપણા દેશમાં જે આધ્યાત્મિક કટોકટીનો આપણને સૌને અનુભવ થાય છે એને પરિણામે વસ્તુ અને શૈલીમાં પરિવર્તન, અલબત્ત છે. વળી વચમાં ‘પ્રાચીના’નાં સંવાદકાવ્યોનો અનુભવ પણ આ પરિવર્તનનું એક કારણ હોય તો તે સહજ છે. પણ ભાવનામયતા અને વાસ્તવપ્રિયતા તો પૂર્વવત્ જ છે. આજે ‘વિશ્વશાંતિ’ ફરી લખવાનું હોય તો એમાં ભાવનામયતાના બુલંદ ઉદ્ગારની સાથે-સાથે આપણી સૂર્યમાળામાં માનવે પ્રેરેલો નવો કૃત્રિમ ગ્રહ કૌતુકભરી આશાની સાથે ભીતિનો, અશાંતિનો સંચાર પણ કરે છે એથી વ્યક્તિની અને સમષ્ટિની ગંજાવર અશાંતિના આલેખનો પણ સમાવેશ થાય એમ પોતે જુએ એવું ઉમાશંકરે હમણાં કહ્યું છે. ૧૯૬૫માં ‘મહાપ્રસ્થાન’માં ‘પ્રાચીના’નું અનુસંધાન છે. એમાં પણ ‘પ્રાચીના’માં છે તેમ પ્રસંગ અને પાત્રો — રામાયણના ઉમેરા સાથે — પ્રાચીન છે તથા માનસસૃષ્ટિ અને દૃષ્ટિ અર્વાચીન છે. પણ એમાં શિખરિણી, પૃથ્વી અને વનવેલી છંદો અજમાવ્યા છે. આ વનવેલીમાં ઉમાશંકરે પદ્યનાટકના છંદોવાહનની જે શક્યતાઓ ખીલવી છે એથી ‘મહાપ્રસ્થાન’ એ પદ્યનાટકની દિશામાં આશાભર્યું પ્રસ્થાન છે. ‘નિશીથ’માં ઉમાશંકરની આત્મલક્ષી કવિતાની પરાકાષ્ઠા છે. અને ત્યાર પછી ઉમાશંકરની સર્જકતા પરલક્ષી કવિતા એટલે કે પદ્યનાટક સિદ્ધ કરવાના પ્રયત્નોમાં પ્રવૃત્ત છે. પદ્યનાટક માટેનું ઉચિત છંદોવાહન એટલે કે પારાથી પવન લગીનાં ગતિશીલ રૂપો ધારણ કરી શકે એવું છંદોવાહન એ એમની સર્જકતાને આહ્વાનરૂપ છે. આવું છંદોવાહન ખોજી-યોજી શકાય તો જ પદ્યનાટકનો પ્રશ્ન ઉકેલી શકાય. આ માટેના એમના સહૃદય પ્રયત્નો સતત ચાલુ છે. ‘મહાપ્રસ્થાન’ પછી પદ્યનાટકની શક્યતા કંઈક વધુ આત્મશ્રદ્ધાથી વિચારી અને ખીલવી શકાય. વનવેલી ઉપરાંત પરંપરિત રૂપમાં માત્રામેળ છંદો અને ગુજરાતી ભાષામાં જે ઝાંખોપાંખો, આછોપાતળો સ્વરભાર છે તેના અનેક (‘છિન્નભિન્ન છું’ અને ‘શોધ’ જેવા નાટ્યોચિત ઊર્મિઓના આલેખનના આત્મકથનનાં કાવ્યોમાં છે તેવા) પ્રયોગો દ્વારા પદ્યનાટકની વધુ નિકટ આવી શકાય. પ્રયોગોને અંતે પદ્યનાટક સિદ્ધ થશે જ એમ કહેવું સહેલું નથી. ઉમાશંકર પોતે પદ્યનાટક સિદ્ધ ન કરે તોપણ ભવિષ્યની ગુજરાતી કવિતા માટે પદ્યનાટક એ હવે એક મહત્ત્વનો પુરુષાર્થ હશે. એ પુરુષાર્થ માટે એણે સર્વતોસંપન્ન થવું જ રહ્યું. અને ત્યારે ઉમાશંકરના સહૃદય પ્રયત્નોનો મહિમા પણ કંઈ ઓછો નહિ હોય. આ પ્રસંગે આપણી હાર્દિક શુભેચ્છા છે કે ઉમાશંકર ભર્યુંભર્યું પદ્યનાટક સિદ્ધ કરે. એ ગુજરાતની પ્રજાને ઉમાશંકરની સુન્દરમાં સુન્દર ભેટ હશે.

૧ જૂન ૧૯૬૮


*