સ્વાધ્યાયલોક—૭/ઉમાશંકર જોશી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉમાશંકર જોશી

કોઈ-કોઈ લેખકનું વ્યક્તિત્વ માત્ર એના લેખનમાં જ પર્યાપ્ત નથી હોતું, અન્યથા પણ આસ્વાદ્ય રીતે પ્રગટ થતું હોય છે અને એના જીવનકાળમાં જ એની આસપાસના જગતમાં અનેક રીતે પોતાનો પ્રભાવ પાડતું હોય છે. એની એકલતામાં, એના મૌનમાં, અન્ય પરિચિત અને અપરિચિત માનવબંધુ સાથેના એના સંબંધમાં, એના સંવાદમાં, જાતના અને સમગ્ર મનુષ્યજાતિના અનેક પ્રશ્નો — સમાજ, રાજ્ય, ધર્મના પ્રશ્નો — વિશેના એના સચિંત ચિંતનમાં, એના સમભાવમાં, એના સંઘર્ષમાં, એના પ્રેમમાં અને એના પ્રતિકારમાં પણ એના સભર વ્યક્તિત્વનો પરિચય થતો હોય છે. ઉમાશંકર જોશીનું વ્યક્તિત્વ કંઈક આવું વિરલ છે. એથીસ્તો બલવન્તરાય ઠાકોરે ૧૯૫૧માં ‘ગોષ્ઠી’ નિબંધસંગ્રહની સમીક્ષામાં આરંભમાં જ કહ્યું હશે, ‘શ્રી ઉમાશંકર હવે ખાનગી વ્યક્તિ કે ‘ઇત્યાદિ’ — વર્ગી લેખક નથી રહ્યા. પ્રજાના જીવનમાં જવાબદાર અને શક્તિમાન લેખક તરીકે એ એક ધ્યાનપાત્ર વ્યક્તિ ગણાય…’ કોઈ સમાજમાં, કોઈ સમયે કોઈ લેખકને એ એક ધ્યાનપાત્ર વ્યક્તિ ગણાય એવું સદ્ભાગ્ય પ્રાપ્ત થતું હોય છે. ગુજરાતીભાષી સમાજમાં આપણા સમયમાં એ સદ્ભાગ્ય ઉમાશંકર જોશીને પ્રાપ્ત થયું છે. કહો કે કોઈ યુગકર્મ, યુગધર્મ બજાવવાની જવાબદારી ઈશ્વરેચ્છાથી એમને ભાગે આવી હોય એવી કવન અને જીવનની એમની સાધના આજ લગી રહી છે એમ હવે એમના આયુષ્યના પંચાવનમે વર્ષે પ્રતીત થાય! ઉત્તર ગુજરાતમાં, ઈડરના બામણા ગામમાં, ૧૯૧૧ના જુલાઈની ૨૧મીએ ઉમાશંકરનો જન્મ. ઝાંઝરીની કૂખે ને ખંભેરિયાને ખભે ઊભેલા એ ગામના એક ઘરમાં જન્મેલું આ ડુંગરનું બાળક — એનું ગુજરાતી ચોથા ધોરણનું ભણતર ચાલતું હતું, ‘ત્યાં પિતાજીએ મને ઈડર ભેગો કરી દીધો… વરસો પહેલાંની એક સાંજ જ્યારે ઊંટ પર ચઢી બેસીને મારા ગામના ડુંગરા છોડ્યા હતા’ તે વળી-વળીને ઉમાશંકરને સાંભરે છે, અનેક કાવ્યો, વારતાઓ, એકાંકીઓ, એક પૂરી અને એક અધૂરી નવલકથાઓમાં સાંભરે છે અને હજુ આજે પણ ક્યારેક એમની આંખોમાંથી એ ડુંગરા ડોકાઈ જાય છે. ઉમાશંકરનું જીવન અને કવન આ ડુંગરાની ધરતીમાં દૃઢ રોપાયું છે; એમનું વ્યક્તિત્વ એમાંથી વિકસ્યું છે; એમની અનેક યાત્રાઓ — ચરણ અને ચિત્તની — એમાંથી વિસ્તરી છે. ઈડરના શાળાજીવનનાં સાત વર્ષો ઉમાશંકરે, ત્યાંની પ્રતાપ હાઈસ્કૂલના અમૃત મહોત્સવ પ્રસંગે, ૧૯૬૫માં, ગુરુજનો પ્રત્યેની કૃતજ્ઞતાસહિત સંભાર્યાં છે. અનેક મેળાઓ અને ઉત્સવો જેવા પ્રસંગોમાં અને આસપાસના પ્રદેશના પ્રવાસોમાં ઈડરની પ્રજાનાં અને પ્રકૃતિનાં સુખદુઃખ અને સૌંદર્યનો એમનો અનુભવ એ એમની સર્જનપ્રવૃત્તિની પ્રેરક ગંગોત્રી છે, એમના જીવન-કવનની દીક્ષા છે. ઈડરમાં ‘સૌથી આકર્ષક મારે મન કોઈ પુસ્તક હોય તો તે હેડમાસ્તરના ટેબલ પર પડી રહેતું એન.એમ.ત્રિપાઠી કં.નું વિસ્તૃત સૂચિપત્ર… કેટકેટલાં સુંદર પુસ્તકોનાં અને એના કર્તાઓનાં શુભ નામ’ આ નિશાળિયાને ‘જાદુઈ ખજાનારૂપ’ હતાં. ત્યારે કેવળ સ્વપ્નનો વિષય હતાં એવાં પુસ્તકોના કર્તા રૂપે પોતાનું નામ ત્યારે તો કલ્પ્યું પણ નહિ હોય! નવ વિદ્યાર્થીના વર્ગમાં જોકે નંબર પહેલો હતો. ઈડરની શાળામાં અંગ્રેજી છ જ ધોરણ હોવાથી ૧૯૨૭માં ઉમાશંકર મૅટ્રિકના અભ્યાસ માટે (‘સાબરનો ગોઠિયો’ના ઋજુકરુણ ભાવથી ભીંજાઈને?) અમદાવાદ આવ્યા. બે ચારિત્ર્યવંત શિક્ષકો (દીવાનસાહેબ તથા બલ્લુભાઈ)નાં નામની સુવાસથી આકર્ષાઈને જ પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં દાખલ થયા. મૅટ્રિકની પરીક્ષામાં સેન્ટરમાં પહેલો નંબર પ્રાપ્ત કર્યો. ૧૯૨૮થી ૧૯૩૦ લગી ગુજરાત કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ કર્યો. ‘ત્યાં લગીમાં તો દક્ષિણામૂર્તિમાં શ્રીધરાણી ગુજરાતી ગદ્યના જુદા-જુદા શૈલીકારોની છટાઓ અને ખંડ-સવૈયા જેવા પદ્યની અભિનવ તાજગીભરી છંદરમઝટમાં રાચતા હતા અને ગૂજરાત વિદ્યાપીઠમાં ‘સાબરમતી’ના તંત્રી સુન્દરમ્‌ કીટ્સના ઓડનો અનુવાદ ‘કોયલને’ પૃથ્વી છંદમાં રચતા હતા. નવીન કવિતામાં ‘પૃથ્વીયુગ’ શરૂ થઈ ચૂક્યો છે એ જાણવાની મને હજી વરસેકની વાર હતી… કવિતાક્ષેત્રમાં મારો જન્મ થયો ૧૯૩૧ની લગભગ આખરે… પૃથ્વીપરસ્તી માટે હું મોડો પડ્યો હતો. પ્રો ઠાકોરની પ્રવાહિતાને અપનાવી લઈ, શાલિનીના મિશ્રણવાળા વહેતા ઉપજાતિમાં મેં મારું મુખ્ય વાહન શોધ્યું. ‘વિશ્વશાંતિ’માં પ્રથમ એ છંદોભંગિ ઊતરી હતી. ત્યાં લગી હું ‘મણિકાન્ત’ની કાવ્યસિદ્ધિની મહત્ત્વાકાંક્ષા સેવી રહ્યો હતો અને શામળના અનુકરણમાં ‘સમસ્યા-છોતેરી’ મોટે મોભારે આદરી રહ્યો હતો (સદ્ભાગ્યે છથી આગળ વધી શકાયું જ ન હતું).’ ૧૯૩૧માં ઉમાશંકરે મહાકાવ્યની ભવ્યતા અને સુન્દરતા જાણે સદેહે વિચરતી હોય એવા મહા-આત્માની પ્રેરણાથી આપણા યુગના સૌથી ગહન અને ગંભીર એવા પ્રશ્ન, શાંતિ વિશે એમનું ‘વિશ્વશાંતિ’ કાવ્ય યુવાન કવિની મુગ્ધતાથી રચ્યું અને બે ભિન્ન મિજાજના મનીષી વિવેચકો — કાલેલકર અને નરસિંહરાવ — નું હૃદય સહજમાં જીતી લીધું. ૧૯૩૦થી ૧૯૩૪ લગી કૉલેજનો અભ્યાસ ઘડીક બાજુએ મૂકીને સત્યાગ્રહનું સાહસકર્મ કર્યું. ‘બળતા પાણી’નો સંઘર્ષ અનુભવીને અને ‘કદાચ ગુજરાતનું જીવનકાર્ય આ વરસોમાં જેટલું વધ્યું છે એટલા પ્રમાણમાં ગુજરાતની કવિતા નથી વધી’ એમ કહીને પણ ‘ગંગોત્રી’(૧૯૩૪)નાં ‘જઠરાગ્નિ’ અને ‘એક બાળકીને સ્મશાન લઈ જતાં’ જેવાં સુંદર કાવ્યોનું સર્જન કર્યું. વચમાં ૧૯૩૧માં છેલ્લા છ માસ ગૂજરાત વિદ્યાપીઠમાં આગંતુક તરીકે અને ખાસ તો કાલેલકરના અંતેવાસી તરીકે અનુભવ લીધો. ૧૯૩૪થી ૧૯૩૮ લગી મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અર્થશાસ્ત્ર-ઇતિહાસ સાથે બી.એ.નો અને ગુજરાતી-સંસ્કૃત સાથે એમ. એ.નો અભ્યાસ આગળ ચલાવ્યો. બી.એ.માં ઑનર્સ અને એમ.એ.માં પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યા. સાથે-સાથે ૧૯૩૬માં વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અને ૧૯૩૮માં સીડ્ન્હામ કૉલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું. ૧૯૩૭માં કુ. જ્યોત્સ્નાબહેન સાથે લગ્ન કર્યું. ૧૯૩૬માં ‘ગંગોત્રી’ માટે રણજિતરામ સુવર્ણ ચન્દ્રક અર્પણ થયો. આ સમયમાં ગુજરાતી એકાંકી સાહિત્યમાં વિરલ એવો ઈડર પ્રદેશની પ્રજાની વેદનાનું અત્યંત કરુણાપૂર્વક અને છતાં ક્રૂરપણે વક્રતા વિનાની વાસ્તવદૃષ્ટિથી નિરૂપણ કરતો એકાંકીસંગ્રહ ‘સાપના ભારા’ (૧૯૩૬) અને વિવિધ પાત્રોનું અત્યંત સુકુમાર એવી સહૃદય માનવતાથી ચિત્રણ કરતો વાર્તાસંગ્રહ ‘શ્રાવણી મેળો’ (૧૯૩૭)માં પ્રગટ કર્યા. એમાં કવિની સહાનુભૂતિ ઉપરાંત કલાકારનો સંયમ સિદ્ધ થયો છે અને એની તીવ્ર અસર ઉમાશંકરની હવે પછીની કૃતિઓમાં સતત વરતાય છે. ૧૯૩૯થી ઉમાશંકરે અમદાવાદમાં સ્થિર નિવાસ કર્યો. ૧૯૪૬ લગી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં સંશોધન અને અધ્યાપનકાર્ય કર્યું. આ સમયમાં કારુણ્ય ને કરુણતાથી રસતા ઊર્મિપ્રચુર ‘લોકલમાં’ અને રસિકજનોને સંગ્રહનું સર્વશ્રેષ્ઠ કાવ્ય લેખવાનું મન થાય એવું ચિંતનપ્રગલ્ભ સૉનેટગુચ્છ ‘આત્માનાં ખંડેર’માં મુંબઈના અનુભવોમાંથી, ‘નિશીથ’માં દેશપ્રેમના અને ‘વિરાટપ્રણય’માં માનવતાપ્રેમના અનુભવોમાંથી તથા પ્રણય અને પ્રકૃતિના અનુભવોમાંથી હૃદય અને બુદ્ધિ બન્નેની રસદીપ્તિ પ્રગટ કરતો કાવ્યસંગ્રહ ‘નિશીથ’ (૧૯૩૯); પૉલેન્ડના મહાન કવિ મિસ્કિયેવિચની દેશવટાના દુઃખે દાઝેલી ‘ક્રીમીઅન સૉનેટ્સ’નો અનુવાદ ‘ગુલે પૉલાંડ’ (૧૯૩૯); બીજો વાર્તાસંગ્રહ ‘ત્રણ અર્ધું બે’ (૧૯૩૮); સુખી, મકન જેવાં પાત્રોમાં જીવનની કરુણતાની ‘સાગા’ જેવી મહત્ત્વાકાંક્ષી કવિસુલભ કથા ‘પારકાં જણ્યાં’ (૧૯૪૦); અખા જેવા આતમસૂઝના જ્ઞાની કવિની અર્થસઘન કવિતાની સંકુલતાને સરલતાથી સમજાવતો સળંગ વિવેચનગ્રંથ ‘અખો : એક અધ્યયન’ (૧૯૪૧); અર્ધી સદીનો દેશવટો પામીને પુનરાગમન કરનાર પુરોગામી કવિ બાલાશંકરની કવિતાનું સંશોધન-સંપાદન ‘ક્લાન્ત કવિ’ (૧૯૪૨) તથા મનુષ્યજાતિના ભાવિ પ્રત્યે આશાવાદી એવા ઉમાશંકરનું પ્રાચીન ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોનું દર્શન પ્રગટ કરતો પદ્યનાટકની દિશામાં ગુજરાતી કવિતાની યાત્રાના એક મહત્ત્વના સીમાચિહ્ન જેવો સંવાદકાવ્યોનો સંગ્રહ ‘પ્રાચીના’ (૧૯૪૪); આનંદશંકર ધ્રુવના સાહિત્યવિવેચનાદિ વિષયો પરના લેખો-પ્રવચનોનાં રામનારાયણ વિ. પાઠક સાથેનાં સહસંપાદનો ‘કાવ્યતત્ત્વવિચાર’ (૧૯૩૯), ‘સાહિત્યવિચાર’ (૧૯૪૦), ‘દિગ્દર્શન’ (૧૯૪૨) અને ‘વિચારમાધુરી–૧’ (૧૯૪૬); ગુજરાત વિશેનો સંશોધનગ્રંથ ‘પુરાણોમાં ગુજરાત’ (૧૯૪૬) — આ વિવિધ વસ્તુશૈલીના સર્જન — વિવેચન-સંશોધન-સંપાદન કૃતિઓ એ ઉમાશંકરની સર્વતોમુખી સર્જકપ્રતિભાની દ્યોતક છે. ૧૯૪૪માં ‘પ્રાચીના’ માટે મહિડા પારિતોષિક અર્પણ થયું. ૧૯૪૧માં પુત્રી નંદિનીનો જન્મ થયો. ૧૯૪૬થી ૧૯૫૪ લગી ઉમાશંકરે વ્યવસાયમુક્તિ મેળવીને આત્મશિક્ષણ અર્થે અધ્યયનકાર્ય અને અવારનવાર ગુજરાતના સ્વનિયુક્ત પ્રવાસી શિક્ષક તરીકે ગુજરાતભરમાં અનૌપચારિક અધ્યાપનકાર્ય કર્યું. આ સમયમાં શૈલી અને સ્વરૂપની અવનવીન છટાઓ અજમાવતો પાંચમો કાવ્યસંગ્રહ ‘આતિથ્ય’ (૧૯૪૬); ત્રીજો વાર્તાસંગ્રહ ‘અંતરાય’ (૧૯૪૭); પ્રથમ પ્રકીર્ણ વિવેચનલેખો, વ્યાખ્યાનો અને પ્રસ્તાવનાઓનો સંગ્રહ ‘સમસંવેદન’ (૧૯૪૮); મૌલિક દૃષ્ટિથી અમૃતા આત્મની કલા રૂપે દાંપત્યપ્રેમના રસદર્શન સાથે ભવભૂતિની કરુણ નાટ્યકૃતિનો અનુવાદ ‘ઉત્તરરામચરિત’ (૧૯૫૦); પ્રથમ નિબંધસંગ્રહ ‘ગોષ્ઠી’ (૧૯૫૧), બીજો એકાંકીસંગ્રહ ‘શહીદ’ (૧૯૫૧); અખાના અધ્યયનના અનુસંધાનમાં છપ્પાની અનેક વાચનાઓ પરથી સંશોધન-સંપાદન ‘અખાના છપ્પા’ (૧૯૫૩); ‘પુરાણા હય’ને ‘વછેરા’ના અંજલિઅર્ઘ્યરૂપ પુરોગામી કવિ બલવન્તરાયનાં સૉનેટના મરણોત્તર સંગ્રહનું ‘બીજાને હાથે’ સંપાદન ‘મારાં સૉનેટ’ (૧૯૫૩); જીવનની અધવચના ગ્રીષ્મના તાપને જીરવીને આસવ અને અમૃત અર્પતો છઠ્ઠો કાવ્યસંગ્રહ ‘વસંતવર્ષા’ (૧૯૫૪) — આ કૃતિઓ ઉમાશંકરની સર્જનપ્રવૃત્તિની સજીવતા અને સજગતાની દ્યોતક છે. પણ આ સમયમાં ઉમાશંકરની કેવળ સાહિત્યની જ નહિ પણ સમગ્ર જીવનવિચારની સર્વોત્તમ સેવા તે ૧૯૪૭માં ‘સંસ્કૃતિ’ માસિકનો આરંભ. સાહિત્ય, કલા, સમાજ, રાજ્ય, ઇતિહાસ, ધર્મ, ચિંતન એમ મનુષ્યજીવનના સમગ્ર પ્રશ્ન વિશેનો વિચાર અને એ દ્વારા સ્વાતંત્ર્યોત્તર સમયમાં ભારતીય સંસ્કૃતિની એકતા અને યુદ્ધોત્તર સમયમાં સમસ્ત મનુષ્યજાતિની શાંતિ સમસ્યા એ આ માસિકનું ચરમ લક્ષ્ય છે. ગુજરાતમાં, દેશમાં અને વિદેશમાં અનેક પુરોગામીઓ, સમકાલીનો અને અનુગામીઓ સાથે ઉમાશંકરનો જે આત્મીય મૈત્રીસંબંધ છે એમાં ‘સંસ્કૃતિ’ની સિદ્ધિનું રહસ્ય છે. ‘બુદ્ધિપ્રકાશ’ અને ‘દાંડિયો’થી ‘વસંત’ લગીની આ પ્રકારની પ્રવૃત્તિની વિદ્વાન સાક્ષર તંત્રીઓની તેજસ્વી પરંપરાના આપણા સમયના પ્રતીક ઉમાશંકર છે. ઉમાશંકરની આ સેવા સતત ચાલુ છે અને ચાલશે એ ગુજરાતનું ગૌરવ છે. ૧૯૫૨માં યુવાનીમાં ‘રખડુનું ગીત’ ગાનાર ઉમાશંકરે ચીનમાં ૫૪ દિવસનો અને એશિયાના અન્ય દેશો જાવા, બાલી અને લંકાનો પ્રવાસ કર્યો. ૧૯૪૭માં ૧૯૪૩થી ૧૯૪૭ના પાંચ વર્ષના સમયની શ્રેષ્ઠ કાવ્યકૃતિ તરીકે ‘પ્રાચીના’ માટે નર્મદ સુવર્ણ ચન્દ્રક અર્પણ થયો. ૧૯૫૩માં ‘સંદેશ’ દૈનિકમાં ‘સાહિત્ય સાધના’ કટારનું સંપાદન કર્યું. ૧૯૪૮માં પુત્રી સ્વાતિનો જન્મ થયો. ૧૯૫૪થી આજ લગી ઉમાશંકર ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનના અધ્યક્ષ છે. આ સમયમાં ‘ઉત્તરરામચરિત’ના અનુગામી અનુવાદ તરીકે ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’નો રસદર્શન સાથે અનુવાદ ‘શાકુંતલ’ (૧૯૫૫); ‘સંસ્કૃતિ’ના પહેલા પાના પર બાર વરસ દરમિયાન લખાયેલાં મુખ્યત્વે ભારતવાસીના સ્વધર્મ વિશેનાં લખાણોમાંથી લઘુનિબંધનો સંગ્રહ ‘ઉઘાડી બારી’ (૧૯૫૯), બીજા અને ત્રીજા પ્રસિદ્ધ વાર્તાસંગ્રહોમાંથી નવો વાર્તાસંગ્રહ ‘વિસામો’ (૧૯૫૯), સમકાલીન કવિમિત્ર હરિશ્ચન્દ્ર ભટ્ટના મરણોત્તર કાવ્યગ્રંથનું કવિની ભાવનાસૃષ્ટિના આલેખ સાથે સંપાદન ‘સ્વપ્નપ્રયાણ’ (૧૯૫૯); ૧૯૩૪થી આજ લગી છેલ્લાં ત્રીસ વર્ષોમાં અવારનવાર પ્રસંગોપાત મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય, પ્રાચીન ભારતીય અને અર્વાચીન યુરોપીય સાહિત્ય વિશેના લેખો, વ્યાખ્યાનો, વાર્તાલાપો, પ્રસ્તાવનાઓ, વિવિધ સાહિત્યસ્વરૂપો, વ્યક્તિઓ, કૃતિઓ અને આનુષંગિક પ્રશ્નો એમ વિવિધ પ્રકારે અનેક પ્રકીર્ણ વિવેચન લખાણોના સંગ્રહો ‘અભિરુચિ’ (૧૯૫૬); ‘શૈલી અને સ્વરૂપ’ (૧૯૬૦); ‘નિરીક્ષા’ ૧૯૬૦); ‘કવિની સાધના’ (૧૯૬૧); ‘શ્રી અને સૌરભ’ (૧૯૬૩) અને છેલ્લે ‘પ્રાચીના’ના અનુગામી સંવાદકાવ્યોનો સંગ્રહ ‘મહાપ્રસ્થાન’ (૧૯૬૫) — આ કૃતિઓ મુખ્યત્વે ઉમાશંકરની સર્જક જેટલી જ વિવેચક તરીકેની રસિકતા અને વિદ્વત્તાનો વિરલ સુમેળ સાધતી સિદ્ધિની દ્યોતક છે. ૧૯૬૪માં જ્યોત્સ્નાબહેનનું અવસાન થયું. ‘કાન્ત’નાં ખંડકાવ્યોના સ્વરૂપ અને બલવન્તરાયની અગેય પદ્ય અથવા સળંગ પ્રવાહી પદ્ય તથા બોલચાલની લયભંગિઓની શૈલીના વારસ કવિ ઉમાશંકરે ‘પ્રાચીના’નાં સંવાદકાવ્યોની સિદ્ધિના નિજઆંક્યા સીમાચિહ્નને અતિક્રમીને ‘મહાપ્રસ્થાન’માં એક નવું પ્રસ્થાન કર્યું છે. અહીં સંવાદકાવ્યોમાંથી કાવ્યનાટક પ્રતિ મુખ્યત્વે ‘યુધિષ્ઠિર’, ‘નિમંત્રણ’, ‘ભરત’, ‘મંથરા’ અને સવિશેષ તો શીર્ષકકૃતિ ‘મહાપ્રસ્થાન’માં કવિની સ્પષ્ટ ગતિ છે. ભવિષ્યમાં કાવ્યનાટકનું સર્જન કરવાનું મહત્ત્વાકાંક્ષી સ્વપ્ન સેવનારા સૌ કોઈ કવિને અને સ્વયં ઉમાશંકરને પણ ‘મહાપ્રસ્થાન’ એક ચૅલેન્જરૂપ છે. પરિષદની નિર્ણાયક સમિતિએ આવી સૂચક કૃતિને ૧૯૬૩–’૬૫ના ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિકને પાત્ર ગણી તેનું ઔચિત્ય સ્વયંસ્પષ્ટ છે. ૧૯૫૪થી સાહિત્ય અકાદમીના અને એની કારોબારીના સભ્ય તરીકે ઉમાશંકર ચાલુ સેવાઓ આપતા રહ્યા છે. ૧૯૫૬માં સાહિત્ય અકાદમીના પ્રતિનિધિ તરીકે લલિતકલા અકાદમીના સભ્ય હતા. ૧૯૬૫થી નૅશનલ બુક ટ્રસ્ટના અને ચાલુ સાલથી કેન્દ્રીય ભાષા સલાહકાર સમિતિના સભ્ય છે. ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યવિભાગના પ્રમુખ હતા. ૧૯૫૬માં ભારત સરકારના ઉપક્રમે અમેરિકાની યુનિવર્સિટીઓમાં ‘જનરલ એજ્યુકેશન’ની પ્રવૃત્તિઓના નિરીક્ષણ અર્થે અમેરિકાનો પ્રવાસ કર્યો, લંડનનાં પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો અને યુરોપના મુખ્ય દેશો ફ્રાંસ જર્મની, ઇટલી અને ગ્રીસનો પ્રવાસ કર્યો. ૧૯૫૭માં તોકિયોમાં પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો અને જપાનનાં અન્ય સ્થળોનો પ્રવાસ કર્યો. ૧૯૫૭માં કલકત્તામાં અખિલ ભારતીય લેખક પરિષદમાં વિભાગીય પ્રમુખ તરીકે ભાગ લીધો. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીના આમંત્રણથી વસનજી ઠક્કુર વ્યાખ્યાનો આપ્યાં, જે હવે પછી ‘કવિતાવિવેક’ નામે પ્રસિદ્ધ થશે. અર્વાચીન ભારતના સર્વશ્રેષ્ઠ કવિ રવીન્દ્રનાથના જીવન અને સર્જનના આજીવન અભ્યાસી એવા ઉમાશંકરે ૧૯૬૧માં દિલ્હીમાં રવીન્દ્રજન્મશતાબ્દી નિમિત્તે આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં ભાગ લીધો. એ જ વરસમાં કટકમાં ઉડિયાભાષી લેખકોના ‘વિષુવમિલન’માં મુખ્ય અતિથિ તથા પ્રમુખ તરીકે ભાગ લીધો અને ભારત સરકારના ઉપક્રમે લેખક પ્રતિનિધિ તરીકે રશિયાનો પ્રવાસ કર્યો. કલકત્તામાં નિખિલ ભારત બંગીય સંમેલનના રવીન્દ્રજન્મશતાબ્દી અધિવેશનનું કવિના ઘર — ‘જોરાસાંકો’માં ઉદ્ઘાટન કર્યું. ૧૯૬૨માં મૈસુરમાં પી.ઈ.એન. અધિવેશનમાં વિભાગીય પ્રમુખ તરીકે ભાગ લીધો. ૧૯૬૨માં કલકત્તા યુનિવર્સિટીના આમંત્રણથી રવીન્દ્રનાથની કવિતા અને લઘુકથા પર વ્યાખ્યાનો આપ્યાં. ૧૯૬૬માં પૂના યુનિવર્સિટીના આમંત્રણથી રવીન્દ્રનાથની સમગ્ર કવિતા પર વ્યાખ્યાનો આપ્યાં. અને હવે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિપદે નિયુક્ત થયા છે. આવા તેજસ્વી, તપસ્વી, શીલભદ્ર સારસ્વત ગુજરાતનાં અને ભારતનાં સંસ્કાર અને સાહિત્યની ઉત્તરોત્તર વધુ ને વધુ સેવા કરે એવી શુભેચ્છા અને પરમેશ્વર એમને દીર્ઘાયુષ્ય અર્પે એવી પ્રાર્થના.

ઑક્ટોબર ૧૯૬૬


*