હયાતી/૧. હે ધરા!
હું તને પ્રેમ કરતો રહ્યો, હે ધરા!
રોજ બોલાવતું રહી ગયું આ ગગન.
શ્વાસની ભેટ આપી ગયું વ્યોમ આ,
તેં ધર્યાં મુજ કને ફૂલ સારાં;
તેં મને એક દૃષ્ટિ દીધી, એ મહીં,
મેં સમાવી દીધા સૌ સિતારા.
જાગૃતિ કટુમધુર તેં દીધી, હે ધરા!
વ્યોમ આપી ગયું એક માદક સપન
હું તને પ્રેમ કરતો રહ્યો, હે ધરા!
રોજ બોલાવતું રહી ગયું આ ગગન.
ચાંદનીએ દીધો મૃગજળોનો નશો
તેં વહાવી દીધાં કૈંક ઝરણાં;
સ્પર્શ તુજ પામીને સત્ય થાતાં રહ્યાં
મુજ ગગનગામી ને ભવ્ય શમણાં.
સ્વર્ણ લાધ્યું મને ધૂળમાં, છો હવે
ગગન વેરી રહે લાખ તારાનું ધન,
હું તને પ્રેમ કરતો રહ્યો, હે ધરા!
રોજ બોલાવતું રહી ગયું આ ગગન.
આસમાને નજર જાય મારી છતાં
પાય મારા રહે છે જમીને;
કોઈ પણ રાગ છેડું, છતાં અંગુલિ
જેમ ફરતી રહે માત્ર બીને.
વ્યોમને શ્વાસ સોંપી દઈ, હે ધરા!
અંકમાં તુજ સમાવીશ સારું જીવન,
હું તને પ્રેમ કરતો રહ્યો, હે ધરા,
રોજ બોલાવતું રહી ગયું આ ગગન.