હયાતી/૨૮. શ્યામ શમણે મળ્યા કે

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૨૮. શ્યામ શમણે મળ્યા કે

એ જ મરમીનું મોહભર્યું સ્મિત
એ જ આછકલે વેણ દાણ માગતા રે,
મેં તો ખણી જોયા ગોરા ગોરા ગાલ
શ્યામ શમણે મળ્યા કે મળ્યા જાગતા રે.

મને અધરસ્તે રોકે કોની વાંસળીનો નાદ?
કોણ રહી રહીને આપે કુંજગલીઓની યાદ?
કોની આંખડીનાં નેહભર્યાં તીર
મને આડાં ને અવળાં અંગ લાગતાં રે?
મેં તો ખણી જોયા ગોરા ગોરા ગાલ
શ્યામ શમણે મળ્યા કે મળ્યા જાગતા રે.

કોણ મૂલવીને કરતું આ ગોરસ અમૂલ?
કોની સંગાથે હૈયું જાણે ફોરમતું ફૂલ?
એને દીઠા કે નીતરતું વ્હાલ
મારા મનના મંજીરા તાલે વાગતા રે,
મેં તો ખણી જોયા ગોરા ગોરા ગાલ
શ્યામ શમણે મળ્યા કે મળ્યા જાગતા રે.

૧૯૬૨