હયાતી/૩૧. શું થશે?


૩૧. શું થશે?

ભીતર ઉજાસ ઉજાસ છે, આંખોનું શું થશે?
ફોરમ તો વિસ્તરી ગઈ, ફૂલો ક્યાં ફૂટશે!

મારા ઉદાસ દિલમાં વળે છે ફરી કરાર,
પાછું તમારા મૌનમાં સાંત્વન ભળ્યું હશે!

આજે તળેટી પર આ નવી દોડધામ છે,
કોઈ શિખરના સ્થાન પરે ખળભળ્યું હશે!

એ શક્ય છે કે ફૂલ આ સાચાં ન હોય પણ,
અડકું, ને પાંખડી ખરી પડે તો શું થશે?

આગળ હવે ન કોઈનાં પગલાં કળાય છે,
પાછળ રહ્યા છે એને જવા દો તો એ જશે.

પાલખ ઉપર બધાંયે કબૂતર અબોલ છે,
ઘૂવડને જઈ કહો કે એ ગાશે તો ચાલશે.

દીવાનું લાલ તેજ છે આઘેની બારીએ,
દરવાજે અંધકાર શું ખોટી થયો હશે?

૧૯૬૭