હયાતી/૩૨. અસર થઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૨. અસર થઈ

હું ક્યાં રહું છું તારા સંબંધોથી પર થઈ,
તારા વિના ન કોઈને એની ખબર થઈ.

ફૂલો બરફના હાથની ઉષ્માથી પીગળ્યાં,
વૃક્ષોને ભ્રમ થયો કે શરૂ પાનખર થઈ.

કડવા એ ઘૂંટથીયે ભુલાયું નહીં કશું,
ચકચૂર કેફમાં યે હવે આંખ તર થઈ.

દર્શન થયાં નહીં અને આંખો મીંચાઈ ગઈ,
મંઝિલ નહીં મળી અને મીઠી સફર થઈ.

સૌ એટલું હસ્યાં કે નયન તર થઈ ગયાં,
મારા તમાશાની હવે ધારી અસર થઈ

૧૯૬૮