હયાતી/૪૨. નહીં મળે
૪૨. નહીં મળે
આથી વધુ સમયને ખુલાસો નહીં મળે,
વ્હેતો હશે સમીર ને શ્વાસો નહીં મળે.
ચાલો, રુદનની ઓર મઝા આવશે હવે,
મિત્રો વધી ગયા છે, દિલાસો નહીં મળે.
જેવાં ખર્યાં અમે, કે નવાં ફૂલ ડાળ પર,
અમને હતું ચમનને સુવાસો નહીં મળે.
બીજું તો દુઃખ નથી, લ્યો, હસી ‘આવજો’ કહું,
જો કે હવે એ આંખમાં વાસો નહીં મળે.
૨૧–૬–૧૯૭૧