હયાતી/૪૧. પહેલાં ને પછી


૪૧. પહેલાં ને પછી

કહેવું છે કેટલું ને જરા પણ સમય નથી,
શબ્દો ઘણાબધા છે અને કોઈ લય નથી.

જીવતરના થાક સાથે હું જાગું છું રોજ રોજ,
કલ્પું છું રાતના, એ સવારે પ્રલય નથી.

શબ્દોનું રૂપ જોઉં છું, વાંચી શકું છું મૌન,
કીર્તિની ક્યાં સ્પૃહા, હવે મૃત્યુનો ભય નથી!

તોફાની સાગરોના ભવર છે આ વર્તુલો,
કોઈ રૂપાળા હાથે સુહાતાં વલય નથી.

આંખો મળી એ પહેલાં ને છૂટા પડ્યા પછી,
ભરપૂર પ્રેમ છે : છતાં વચ્ચે પ્રણય નથી.

૧૨–૬–૧૯૭૧