હયાતી/૪૬. તારી સુવાસ
Jump to navigation
Jump to search
૪૬. તારી સુવાસ
તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,
આશ્લેષથી તું જાણે કદી યે સરી નથી.
ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા?
મેં તો ચમનમાં વાત કોઈને કરી નથી.
આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,
આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી.
શમણું છે એ કહો છો, તો માની લઈશ હું,
મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી.
એને કશું ન ક્હેશો, ભલા, એનો વાંક ક્યાં?
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.
૧૬–૩–૧૯૭૨