હયાતી/૪૭. ન રહી
Jump to navigation
Jump to search
૪૭. ન રહી
કદી જે ઝંખી'તી એવી આ જિંદગી ન રહી,
હવે તો સુખની ક્ષણોમાંય દિલ્લગી ન રહી.
મીંચું છું આંખ ઉઘાડું છું, હોઠ ફફડે છે,
હતી જે પહેલાં હવે એવી બંદગી ન રહી.
હવે તો જે જે બને એ સહન કરી લઉં છું,
હતી ખુમારીમાં ક્યારેક સાદગી ન રહી.
એ સત્ય છે કે મેં જાતે કશું કહ્યું જ નથી,
છતાં એ વાત તમારાથી ખાનગી ન રહી.
સમય ઉપર તો હતો કેટલો મદાર છતાં
ખરે વખત એ ક્ષણો કોઈની સગી ન રહી.
પ્રભુના ક્રમમાં સહજ મોત લખાયું તો હતું,
એ વાત બીજી છે, ધીરજ આ ત્યાં લગી ન રહી.
૩૦–૫–૧૯૭૨