હયાતી/૫૨. ક્યાં હોય છે
ક્યાં હોય છે તું
જ્યારે નથી હોતી મારા વિશ્વાસના પરિઘમાં?
અંધકારના પારદર્શક પડદા પાછળનો
અંધકાર–
જેને અડકી શકાતો નથી
અનુભવી શકાતો નથી
જોઈ શકાતો નથી
તારો આકાર
ત્યાં લાલજાંબલી રંગોની ઝાંય બની
ઝબકે છે, લય પામે છે.
જે નક્કરતાને અડકું છું
એ ધુમ્મસ બની જાય છે :
જે પ્રવાહમાં પગ મૂકું છું
એ રણ બની જાય છે;
કોષનાં વેરવિખેર પાનાંમાં
પ્રેમ–ધિક્કાર–વિશ્વાસ–અશ્રદ્ધા
આ બધાંનો એક જ અર્થ વંચાય છે : અંધકાર.
જીવનની પાર વસેલા કોઈ પ્રદેશ સુધી
પહોંચવાનો સામાન તૈયાર છે?
નહીં?
તો પ્રેમ શબ્દને કોષમાં રહેવા દો,
કોઈકે બીજો અર્થ એની જોડે સંકળાય
એની રાહ જુઓ
ત્રણ અબજ માણસોની સાથે.
આ ત્રણ અજબ માણસોને
નથી સમજાયો એ અર્થ
તારા હોઠ પર મઢેલા ગાઢ ચુંબનમાં હોય કે ન હોય,
મારાં બિડાતાં પોપચાંમાં અવશ્ય છે.
હું જ્યારે તારા પરિઘમાંથી છટકું છું.
ત્યારે ક્યાં હોઉં છું એ નહિ કહું :
એ તું ગાંધીઆશ્રમના પ્રાર્થના-પથ્થર પર બેઠેલા
બે કાગડાને પૂછી શકે છે;
જેનાં પગથિયાં નથી ઊતર્યો
એ અડાલજની વાવનાં પાણીને પૂછી શકે છે.
કદીક એનો ઉત્તર
બાર્બીટોનથી મળતી સુખદ નિદ્રામાં પણ મળશે
જેને તલાશ હશે જાગૃતિના પૂર્ણવિરામની.
પણ એ તો કહે,
તું જ્યારે મારા વિશ્વાસના
પરિઘમાં નથી હોતી, ત્યારે....
૨૬–૩–૧૯૭૨