હયાતી/૫૩. હવે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫૩. હવે

હવે વીત્યું જ્યારે અરધુંપરધું યૌવન, મને
તમે દીધી રાતો સ્મરણ કરી નિશ્વાસ ભરવા;
બહુ મોડી મોડી હૃદયતલમાં કૂંપળ ફૂટી—
વસંતો વીતી એ પછી કુસુમ લાગ્યાં પમરવા.

હતાં ક્યાં, જ્યારે આ ઉપવનની રચાતી હતી ધરા?
અને મેં ઝંખી’તી દગ મહીં મનોહારી પ્રતિમા!
ઘણાં પુષ્પો મારે હૃદય પ્રગટીને લય થયાં
વસંતે નિશ્વાસો ભરી નીરખી’તી એ મુજ દશા.

હવે પુષ્પો ખીલ્યાં પણ ન સહવાસે સુરભિને
લઈ શ્વાસે વાટે વિચરવું હવે શક્ય; અવ ક્યાં
તમારા હૂંફાળા કર મહીં મને સાંત્વન? તમે
રડો તો આ સ્કંધે તવ શિર સમાવી નવ શકું.

પ્રભુ પૂછું આ શું અકળ વર કે શાપ? હમણાં
ઉરે મારા ખીલે પ્રિયસ્મરણનાં ફૂલ નમણાં.

૧૦–૮–૧૯૭૧